Daano in Gujarati Short Stories by Virendra Raval books and stories PDF | દાનો

Featured Books
Categories
Share

દાનો


દાનો

ઝાંપલીમાં પેંસતાંવેંત દાનાએ હોંકારો પાડ્યો: "રૂપલી, નાવણિયે પૉણી કાઢ. નઈનઅ મારઅ રૉમાપીરના પાઠમૉ જવાનું સઅ." રૂપાએ ચૂલે મુકેલ ભૈડકું હલાવતાં "એ....મેલું" નો સાદ કર્યો. ચાર વર્ષથી છ માસના જગુને આંગળિયાત લઈને આવેલી રૂપા ખરેખર રૂપરૂપનો અંબાર હતી. વાસમાં પેસતાં જ ગુલમહોરની નીચે દાનાનો કબીલો તૂટેલ તાટિયાં-કોથળાંનાં થીંગડાં મારેલ છાપરામાં સચવાયેલો પડ્યો હતો. હાથવણાટના કાપડાં વણી-વેચીને ગુજરાન ચલાવતો દાનો દિલનો પણ 'દાનો' જ હતો. મફતનું લેવાની એને તલભારેય તૃષ્ણા ન હતી. નાતરિયા વરણમાં જવલ્લે જ જોવા મળતી ખુમારી દાનામાં દેખતે ડોરે ડોકાતી હતી. અને એટલે સ્તો....નાત તો ઠીક 'પરનાત'માંય એનું સારું નામ હતું.
રામાધણી ઉપર અતૂટ શ્રદ્ધા રાખનાર દાનો એક સારો ભજનિક પણ હતો. ભજનસંધ્યા કે પાઠ-પૂજનમાં બાપના ચીલાને ચાતરનારો દાનો મુક્તકંઠે એવા તે ભજનો લલકારતો કે સૌનાં દિલ જીતી લેતો. ભજનમાં એની ગેરહાજરી સૌ કોઈને સાલતી. રામાપીરનાં જીવનચરિત્રનાં ભજનો એ છૂટા સાદે એવો તો લલકારતો કે શ્રોતાજનો એમાં લીન થઈ જતાં.
જીવનની પાંત્રીસી વટાવેલ દાનાએ આ આયખામાં ઘણી તડકી-છાંયડી જોઈ લીધેલ. દાનાનાં જન્મનાં છ જ માસમાં માનાં તેડાં આવી ગયેલાં. પછી બાપે બનતાં પ્રયત્નો કરી લાડકોડથી દાનાને ઉછેરેલો. વહાલના વારસ દાનાને પરણાવવાના બાપુને ઘણાં-ઘણાં કોડ હતાં, પરંતુ નાતમાં કન્યાઓની ખૂબ અછત. છતાંય બાપુએ સાતમે જ વરસે દાનાના ઢોલ ઢબુકાવ્યાં. પણ....વિધાતાની વક્રતા એવી કે આ બાળલગ્ન ઝાઝાં નહિ ટકેલાં..!! દાનો અને એની પત્ની સંસાર માંડે એવાં સમજણાં થાય એ પહેલાં તો દાનો વિધુર થઈ ગયેલો..!! એ વખતથી દાનાના બાપુને દાનાનું ભવિષ્ય અંધકારમય ભાસવા લાગ્યું. પણ તોય આ તો બાપનો જીવ; એમ જ થોડો બેઠો રહે ??
એક તો મા વિનાનું ખોરડું અને ઘરની માઠી દશાથી સમજણાં થયેલા દાનાએ પાંચમી ચોપડીથી જ અભ્યાસ છોડીને બાપુને ધંધામાં મદદ કરવાનું શરૂ કરી દીધેલું. ક્યારેક તો વળી ધંધાની મંદીને કારણે છૂટક દાડિયે પણ જવું પડતું. ઘર-પરિવારની માઠી દશા અને તેમાંય દેવનાં દીધેલ પનોતાપુત્ર દાનાની વિધુરાવસ્થા...!! દાનાની વર્તમાન હાલત અને-વંશવેલો ન ટકવાની ચિંતાએ બાપુની ચિતા ભડકાવી. બાપુ આઘાત ન જીરવી શક્યા. કુટુમ્બની આવી વિકટ પરિસ્થિતિને થાળે પાડવાં દાનો એકલપંડ રહ્યો....પણ આ દશામાં તેના ભક્તિભાવે તેને તાર્યો-ઉગાર્યો.
કુટુમ્બીકાકા આમ તો ક્યારેય દાનાના પરિવારમાં માથું ના મારતા, પણ આ માઠી દશામાં અંગત લાભ ખાટવા તેમની સાસરીપક્ષમાંથી વિધુર અને એકલવાયા દાના માટે આ વખતે માગું લઈ આવ્યા. કાકાને દાનાનું ઘર મંડાય એથીયે વધુ લોભ પોતાના સાસરીપક્ષની મોટી અને રખડતી કન્યા થાળે પાડવાનો વધારે લાગતો હતો. કાકાએ આ 'સારું' કામ પાર પાડી જશ ખાટવા એક અંધારિયા પખવાડિયાની મોડી સાંજે સારું ચોઘડિયું જોઈ દાનાના ફૂલહાર ગોઠવી દીધા.
આ કભારજાએ દાનાની પડતી હાલત પર વધુ એક પાટું માર્યું. પુત્રના લક્ષણ પારણાંમાં ને વહુના લક્ષણ બારણાંમાં એ ન્યાયે આવનાર વહુ તરત જ પરખાઈ ગઈ. લછ્છણવંતી આ નારે આવતાંવેંત પોતાના કુકર્મો આચરવા માંડ્યા. ક્યાં સદાનો ભક્ત અને આધ્યાત્મિક દાનો ને ક્યાં આ કુભારજા...!! એક મધરાતે એ વાસના જ કોઈ જુવાન હારે ભાગી ગઈ..!! દાનો ફરી એક વાર હતો ત્યાંનો ત્યાં થઈ ગયો.
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ - એ ભાવથી દાનો હવે ભક્તિમાં વધુ સ્થિર થયો. સંસારમાંથી વિરક્ત થતો દાનો વધુ આધ્યાત્મિક બનવા લાગ્યો. હરરોજ સાંજ પડ્યે ભજનસંધ્યામાં પહોંચી જાય. ઝાંઝ-પખાજ વગાડવામાં એવો તે એક્કો કે રમઝટ બોલાવી દે. બારબીજના ધણી ઘોડાવાળા પર અતૂટ અને અપાર શ્રદ્ધાભાવ રાખી દાનો નિજ એકાકી જીવન વિતાવવા લાગ્યો. દિવસ આખો વણાટકામ કરી વેચવા જાય; સાંજ પડ્યે ઘેર આવી પરવારી ભજન-પાઠમાં જવું - આ તેનો નિત્યક્રમ થઈ પડ્યો.
એવામાં એક દિ' એ પોતાના ગામથી પાંચ ગાઉંના ગામે કાપડાં વેચવા ગયેલો. ત્યાં એને વાતવાતમાં જીવણજી હારે મુલાકાત થઈ. જીવણજી દાનાને એક સારા ભજનિક અને સજ્જન તરીકે ઘણાં સમયથી ઓળખતાં. અને એક જોતાં તો એ દાનાના બાપુના જૂના ભેરુંબંધ !! જીવણજીનો દીકરો કે જે રૂપાને ખરો પરણેતર એ કાળજોગે સર્પદંશથી ભરજુવાનીમાં પ્રભુને પ્યારો થઈ ગયેલો. સૌંદર્યની હોડમાં ઈન્દ્રની અપ્સરાનેય હરાવે એવી સગર્ભા રૂપાનું આ બનાવે હીર હણી લીધેલું. રૂપાની આ હાલત અને નાની વયનો રંડાપો વાસના સૌ કોઈને હચમચાવી નાખે તેવો હતો. સ્વમાની અને ખુમારીના કટકા સમી આ રૂપાને હવે તો ક્યારેક-ક્યારેક ગળાફાંહો ખાવાના વિચારો આવવાં લાગ્યાં. છતાંય જગતમાં મા ક્યાં ક્યારેય પોતાના માટે જીવતી હોય છે ?? રૂપા પોતાનામાં રહેલા અનાગત જીવને જીવન બક્ષવા જીવી રહી... તેના પરણેતર સીધાવ્યાના ત્રીજે જ મહિને દેવરૂપ સમા જગુને રૂપાએ જન્મ આપ્યો. અને પ્રેમથી એનું લાલનપાલન કરવા લાગી. એક તો નાતરિયા વરણ ને તેમાંય રંડાપાવાળું જીવન..!! રૂપાના જીવનમાં દુ:ખનો પાર ન રહ્યો..!! બાપ સમા સસરા જીવણજીએ હૃદય પર પથ્થર મુકી સમજાવટથી કામ લેવું શરૂ કર્યું. જુવાન વહુ રૂપાને સમયાંતરે સમજાવવા લાગ્યા. અને આખરે અથાગ પ્રયત્નોને અંતે વહુનું દાના સાથે ચોગઠું ગોઠવી દીધું.
અને.......જીવણજીના પ્રયત્નોના પરિપાકે આજે દાનો અને રૂપા એકમેકમાં ભળી ગયાં. જગુને નવી છત્રછાયા મળી. મુંઝાતા મને ગયેલ બાપુની મનોકામના ફળી. હવે દાનો દરરોજ જગુને નિશાળે મુકવા જાય છે અને અઢળક વહાલ કરે છે.

~ વીરેન્દ્ર રાવળ