Kacha tantna, tu ane hu in Gujarati Moral Stories by Anjali Shivam books and stories PDF | કાચા તાંતણા, તું અને હું

Featured Books
Categories
Share

કાચા તાંતણા, તું અને હું

    "એય સાગર જો, આ બ્લ્યુ શર્ટ તને ફાઈન લાગશે."સાગરની ના હોવા છતાં મેઘાએ શર્ટ ખરીદ્યો. આવું તો ઘણું બધું મેઘા પોતાની જરૂરિયાતો અવગણીને લઈ આવતી. સાગર કહેતો,"તું તારા નામ પ્રમાણે જ છે હો.. બસ વરસી જ પડે છે એકધારી". ત્યારે મેઘા પણ કહેતી,"હા, જીવનભર વરસતી રહીશ".
    કોલેજકાળમાં પ્રેમસંબંધ બંધાયો, પેહરેલ કપડે નીકળેલ મેઘાએ લગ્ન બાદ સાગર સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું. ત્રણ વર્ષમાં જ આર્થિક રીતે સદ્ધર થયાં હતાં. હપ્તે થી ઘર બુક કરાવ્યું. સાગર બાળક માટે કહેતો ત્યારે મેઘા ટાળી દેતી. સાગર ઉદાસ થઈ જતો પણ મસમોટા ખર્ચા નું વિચારીને રહી જતો.
     બંને પોતાનાં ઘરમાં રહેવા આવી ગયા. સાગર અને મેઘાને  બાળકની કિલકારીઓ ની આશા જાગી હતી. મેઘાએ જોબમાં રાજીનામું મૂકીને હવે  આવનાર બાળક માટે તૈયારીઓ કરવા લાગી.
    પણ હાય રે કિસ્મત! રોડ અકસ્માતમાં મેઘાને માથામાં ભારે ઇજા પહોંચી.  ડોકટરે સાગરને મેઘાની ગંભીર હાલત વિશે જણાવ્યું. તાત્કાલિક ઓપરેશન અને બાળકની તો હવે આશા જ ન રાખવી. 
    એક મહિનો હોસ્પિટલમાં  રહ્યા બાદ મેઘા ઘરે   આવી.સાગરે કામવાળી બાઈ રાખી લીધી. કેમકે મેઘાને આરામ આપવાનો હતો, ઑફિસ પણ જોઈન કરવાની હતી. 
    હમણાં થી સાગરને કામ બહુ રહેતું. ઘરે આવવામાં મોડું થઈ જતું. સીતાબા (બાઈ) મેઘાને જમાડી દવા પાઈ સુવડાઈ દેતા ત્યાં સુધી સાગર આવ્યો જ ન હોય. ક્યારેક મેઘા જાગતી હોય તો પણ થાકી ગયાનું બહાનું કાઢીને સૂઈ જતો. 
    હવે મેઘાની તબિયત સારી હતી. રોજીંદુ કામકાજ પણ શરૂ કરી દીધું હતું. પણ મેઘાને સાગરનું વર્તન સમજાતું નહોતું. હવે એ જાણે પેહલા જેવો નહોતો. પરાણે બોલવું, હસવું સાવ નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવું. મેઘાનું 
 પાસે બેસવું પણ એને કઠવા લાગ્યું હતું. કંઈ બોલવા કે નિખાલસ ચર્ચાથી પણ દૂર ભાગતો.
આમ ને આમ છ મહિના વીતી ગયાં. આખરે એક દિવસ સાગરે મેઘાને જાણ કરી કે પોતે હવે સદાને માટે બીજે રહેવા જાય છે. તું આ મકાનમાં રહી શકે છે અને મહિનાનો ખર્ચો મોકલવતો રહેશે. સાગર એકીશ્વાસે બોલી ગયો. પણ મેઘાના શાંત અને અકળ રહસ્યપૂર્ણ મૌનથી સાગરને નવાઈ લાગી.
    મેઘા ઉભી થઈને કબાટ માંથી વકીલ દ્વારા તૈયાર કરેલ એફિડેવિટ અને બીજા ડોક્યુમેન્ટ લેતી આવી. સાગરનાં હાથમાં મૂકતાં બોલી,"હોસ્પિટલ થી આવ્યાં બાદ નું તારું બદલાયેલ વર્તન જોઈને હું ડોક્ટરને મળી હતી. મારી મેડીકલ હિસ્ટ્રી જાણી કે હું ક્યારેય માં નહીં બની શકું. અને હું એ પણ જાણું છું કે તું ઝંખનાના બાળકનો પિતા બનવાનો છે. તમારા સંબંધની જાણ મને ઘણાં સમયથી છે પણ હું તારા મોંઢેથી જાણવા માંગતી હતી. ઍનીવે, આ મકાનના ડોક્યુમેન્ટ છે અને અડધી કીંમત તારા બેંક એકાઉન્ટ માં જમાં થઈ જશે. બીજાં ડિવોર્સ પેપરમાં મે સહી કરી દીધી છે તારી સહી કરી દે એટલે વકીલને જમા કરાવી શકાય".
    સાગર તો ફાટી આંખે મેઘાને તાકી જ રહ્યો. મેઘાએ ફરી બોલવાનું શરૂ કર્યું.."સાગર મેં જીવનભર વરસવાનું વચન આપ્યું હતું પણ હવે એ શક્ય નહીં બને.સરિતા હોઉં તો ફરજીયાત સાગરમાં ભળવું પડે. પણ હું તો મેઘા છું. મેઘાને વરસાવવા માટે અને આવકારવા માટે તો સામે એટલી તરસ પણ જોઈએ. તો જ મન મૂકીને વરસી પડું. મેઘાના મીઠાં જળ માટે તો પાત્રતા પણ જોઈએ તે તું ગુમાવી ચૂક્યો છે. 
    સાગર પાસે બોલવા માટે શબ્દો નહોતાં. ભારે હૈયે અને પગલે તે ઉભો થયો. ઘરમાંથી બહાર નીકળતા એણે પાછળ વળીને જોયું તો મેઘાની ફકત પીઠ જ જોઈ શક્યો.