sarvapalli radhakrishnan in Gujarati Biography by Dhavalkumar Padariya Kalptaru books and stories PDF | સર્વપલ્લી રાધાકૃષ્ણન્

Featured Books
Categories
Share

સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    એક શિક્ષકમાંથી ભારતનાં રાષ્ટ્રપતિ પદ સુધીની સફર કરનાર મહાન તત્ત્વચિંતક રાધાકૃષ્ણનની યાદમાં ભારતમાં દર વર્ષે 5 મી સપ્ટેમ્બર "શિક્ષક દિન" તરીકે ઉજવાય છે. સંસ્કૃત અને દર્શનશાસ્ત્રનાં પ્રખર વિદ્વાન હોવા છતાં સરળ અને નિખાલસ તેમનું વ્યક્તિત્વ સૌને મન આકર્ષણનું કેન્દ્ર હતું.
      5 સપ્ટેમ્બર 1888 નાં રોજ મદ્રાસનાં તિરૂતનની ગામમાં મધ્યમ વર્ગમાં જન્મેલા રાધાકૃષ્ણન્ નું જીવન સૌનાં માટે પ્રેરણાદાયી છે. ઈ. સ.1909માં એમ.એ. (દર્શનશાસ્ત્ર) સાથે પાસ થયા. સ્વામી વિવેકાનંદનાં ભાષણોની પ્રેરણાથી તેઓએ ઈ.સ. 1910 માં 'વેદાંત નીતિશાસ્ત્ર' પર મહાનિબંધ લખી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ઈ.સ. 1911 માં તેઓએ "મનોવિજ્ઞાનનાં મૂળતત્વો"નામનું પુસ્તક પ્રસિધ્ધ કરી દર્શન શાસ્ત્રનાં અધ્યાપક બન્યા. ઈ.સ.1920માં 'ધ ફિલોસોફી ઑફ રવિન્દ્રનાથ' અને 'ધ રેઇન ઑફ રિલિજિયન ઈન  કોન્ટનપોરરી ફિલોસોફી'નામનાં બે વિશ્વપ્રસિધ્ધ ગ્રંથો લખ્યા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે પોતાનાં તત્ત્વજ્ઞાન વિશે લખાયેલ પુસ્તક વાંચીને રાધાકૃષ્ણન્ને જણાવ્યું કે , 'આવું સુંદર મારા તત્ત્વજ્ઞાન વિશે અન્ય કોઈ વ્યક્તિ લખી શકત કે નહિ તે અંગે મને સંદેહ છે.' લોકમાન્ય ટીળકે શ્રીમદ્દભગવદ્દગીતા અંગેની પોતાની ટિપ્પણી પરનાં ગ્રંથ "ગીતારહસ્ય"માં રાધાકૃષ્ણનની ખૂબ પ્રશંસા કરી છે.
       ગ્રીક તત્ત્વ ચિંતક પ્લેટો એવું વિચારતો હતો કે, "કોઈ તત્ત્વ જ્ઞાની દેશની શાસનધૂરા સંભાળે તો તે અત્યંત ઉત્તમ બાબત કહેવાય.'પ્લેટોની આ વાતને રાધાકૃષ્ણને સાચી પુરવાર કરી બતાવી. એમનાં વક્તવ્યો શ્રોતાઓને જકડી રાખતા હતાં. અંગ્રેજી ભાષા પરનું તેમનું પ્રભુત્ત્વ જોઈ ગોરી પ્રજા પણ દંગ રહી જતી હતી. એમનાં વક્તવ્યો સાંભળીને એક એભ્યાસુએ એવી ટિપ્પણી કરી હતી કે, 'પ્લેટોનું દાર્શનિક અને રાજનીતિજ્ઞ તત્ત્વજ્ઞાન સાચા અર્થમાં પુરવાર કરે તેવો તત્ત્વજ્ઞાની પૃથ્વી પર અવતરી ચૂક્યો છે.'એક અભ્યાસુ વ્યક્તિએ તેઓને સૂચન કર્યું હતું કે , 'તમારું સંસ્કૃત અને દર્શનશાસ્ત્ર વિશેનું જ્ઞાન સાગર જેટલું વિશાળ છે. તમે ભવિષ્યમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવા જજો.'ત્યારે રાધાકૃષ્ણને જણાવ્યું કે, 'હું ત્યાં ભણવા નહીં પરંતુ ભણાવવા જઈશ.'થોડા જ સમયમાં રાધાકૃષ્ણને આ વાત સાચી પુરવાર કરી બતાવી.
       રાધાકૃષ્ણન્ માનતા હતાં કે 'ધર્મ અને વિજ્ઞાનરૂપી બે પૈડાં જો સમાંતર ગતિએ ચાલશે તો જ વિશ્વનો ઉદ્ધાર થઈ શકશે. આ માટે તેઓએ રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવાં મહાન ગ્રંથો ઉપરાંત બાઈબલનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.તેમાંની ઘણી સૂચક વાતો રાધાકૃષ્ણન પોતાનાં વક્તવ્યમાં વણી લેતાં હતા. જેથી શ્રોતાઓ પણ તેમનાં વક્તવ્યો સાંભળતા મંત્રમુગ્ધ થઈ જતા.
           રાધાકૃષ્ણન ભારતનાં 'સાંસ્કૃતિક દૂત' તરીકે રશિયાનાં પાટનગર મૉસ્કૉમાં હતા ત્યાં જ પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમની વરણી થઈ હતી.ઈ.સ.1952થી ઈ.સ. 1962 સુધી તેઓએ સફળતાપૂર્વક ઉપરાષ્ટ્રપતિ પદ શોભાવ્યુ. રશિયામાં પણ એક 'સાંસ્કૃતિક દૂત' તરીકે રાધાકૃષ્ણ ને માનવતાની સુવાસને સાચા અર્થમાં મહેકાવી હતી. 5 એપ્રિલ ઈ.સ. 1952ના દિવસે રાધાકૃષ્ણ મૉસ્કૉમાંથી ભારત આવવાના હતા, તેમનાં માનમાં રશિયાનાં પરદેશ મંત્રી માર્શલ સ્ટેલીને વિદાયસમારંભ યોજ્યો હતો.તેમની વિદાયથી માર્શલ સ્ટેલિન અત્યંત દુઃખી હતા અને તેમનો ચહેરો પણ સૂજી ગયો હતો. તે જોઈ રાધાકૃષ્ણને પોતાનો હાથ સ્ટેલિનનાં ગાલ પર પ્રેમથી ફેરવ્યો, એમની પીઠ થાબડી અને સહાનુભૂતિથી પોતાનો હાથ તેમનાં ખભા પર મૂક્યો ત્યારે સ્ટેલિનનાં મુખમાંથી શબ્દો નીકળી પડ્યા કે,'આપ જ સર્વપ્રથમ વ્યક્તિ છો કે જેણે મને સાચા અર્થમાં માનવ સમજીને વર્તન કર્યું છે.
    ઈ.સ. 1962 થી ઈ.સ.1967 સુધી રાધાકૃષ્ણને ભારતનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યું હતું. 25 ફેબ્રુઆરી 1975નાં રોજ ધર્મ માં પ્રગતિ માટેનો વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત 'ટેમ્પ્લેટન પારિતોષિક' રાધાકૃષ્ણનને આપવામાં આવ્યો હતો. તે સમયે ચાળીસ હજાર પાઉન્ડનો ટેમ્પલટન પુરસ્કાર આપવામાં આવયો હતો. તે સમયે ચાળીસ હજાર પાઉન્ડનો ટેમ્પ્લેટન સંસ્થાએ જાહેરાત કરી હતી કે , 'અર્વાચીન હિંદુ ધર્મમાં યોગદાન તથા ઈશ્વરની ઓળખાણમાં રાધાકૃષ્ણને પુન:સંશોધન કર્યું છે. જે આજનાં વિશ્વધર્મનું એક મહત્વપૂર્ણ અંગ બની ચૂક્યું છે.' 16 એપ્રિલ ,1975નાં રોજ આ મહાન તત્ત્વજ્ઞાનીએ દુનિયામાંથી વિદાય લીધી. ભારત દેશને આજે પણ આવા તત્ત્વજ્ઞાનીની ખોટ સાલી રહી છે.

                                                 - "કલ્પતરુ"