Karnalok - 17 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 17

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કર્ણલોક - 17

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 17 ||

સવારે ડૉક્ટર રાઉન્ડમાં આવે તે પહેલાં હું તૈયાર થઈ ગયેલો. રોઝમ્મા પોતાના વૉર્ડમાં જતાં પહેલાં પુટુને જોઈ ગઈ. દુર્ગા પણ આવી ગઈ. નંદુ બપોરે આવવાનો હતો. મારા ભણવાના કામે નિશાળે જવું પડતું મૂકીને દુર્ગા પાસે રોકાવાનું મને મન હતું. ત્યાં દુર્ગાએ વિદાયસૂચક સંજ્ઞા કરીને કહ્યું, ‘તું જા. મોટાભાઈ રાહ જોતા હશે. પાછા ફરતાં અહીં થતો જજે. રાતે તો આજે નહીં રોકાવું પડે એમ લાગે છે.’

ભાઈએ મને નિશાળમાં જ રોકી રાખ્યો. નંદુ અને દુર્ગા બે જણ હોય પછી તારું કામ શું છે? પૂછીને બપોર સુધી મને ભણાવ્યે રાખ્યો. ત્યાંથી સીધો કામ પર ગયો અને સાંજે દવાખાને.

પુટુને તાવ સાવ ઊતરી ગયો હતો. દુર્ગાએ કહ્યું, ‘ડૉક્ટરે એક રાત રોકાઈને સવારે જવાનું કહ્યું. રાતે ફરી કંઈક થાય તો ફરી ક્યાં દોડવું?’

‘ભલે.’ મેં ટૂંકો જવાબ આપ્યો અને પૂછ્યું, ‘નંદુકાકા?’

‘એ હમણાં જ ગયા.’

અમે બેઠાં હતાં ત્યા રોઝમ્મા નાસ્તો લઈને આવી. અહીંની પાળી પૂરી થયા પછી ઘરનાં કપડાંમાં રોઝમ્મા ઘડીભર ઓળખાઈ નહીં. તેણે સાડી પહેરી હતી ને આટલી ઉમ્મરે માથામાં ફૂલ નાખ્યાં હતાં.

અમે નાસ્તો કરીને વાતો કરતાં હતાં ત્યાં એક છોકરો દોડતો આવ્યો. હાંફતાં હાંફતાં રોઝમ્માને કહે, ‘માલની માસી, ઘર ચલો, દાદી...’

દાદી શબ્દ સાંભળતાં જ રોઝમ્મા ઊભી થઈ ગઈ અને પેલા કિશોરનો હાથ પકડીને લગભગ દોડતાં અમને કહ્યું, ‘મેરેકુ જાના પડેગા.’

હું અને દુર્ગા ચિંતાથી તેને જતી જોઈ રહ્યાં. દુર્ગાએ મને કહ્યું, ‘આપણે સાથે જવું જોઈતું હતું. પેલા કિશોરે રોઝમ્માને માલિની માસી કહ્યું તેની નવાઈ અમને બંનેને હતી.’

‘હું જઉં છું. તું અહીં રહે.’ મેં કહ્યું, ‘પણ એ ક્યાં રહેતાં હશે?’

‘પાછળ, સ્ટાફનાં મકાનો છે. પહેલી જ લાઈનમાં ત્રીજું ઘર.’

રોઝમ્માનું ઘર તરત મળી ગયું. ત્યાં પાડોશના માણસો એકઠાં થઈ ગયાં હતાં. હું નજીક ગયો ત્યાં કોઈ બોલ્યું, ‘ડોસીમા છૂટ્યાં બિચારાં.’

મેં પાછા જઈને દુર્ગાને ખબર આપતાં કહ્યું, ‘માજી ગુજરી ગયાં છે.’

દુર્ગા તરત જ ઊભી થઈ અને ત્યાં હાજર નર્સને સમાચાર આપ્યા અને કહ્યું, ‘અમે રોઝમ્માના ઘરે છીએ. જરૂર પડે તો બોલાવજો.’

જવાબમાં નર્સે કહ્યું, ‘હા. જાવ. અમે પણ વારાફરતી આવી જઈએ છીએ. ખબર તરત ફેલાઈ અને ‘હવે તો જે થશે તે સવારે.’થી અટકી. ઘરમાં હતાં તે આડોશીપાડોશી જવા માંડ્યાં. પાડોશનાં એક માજી, હું અને દુર્ગા બેસી રહ્યાં હતાં. રોઝમ્માએ કહ્યું, ‘આપ લોગ જાઈએ.’

‘તું અમારે માટે કેટલુંય જાગી હોઈશ બેન,’ માજીએ કહ્યું, ‘એક રાત બેસી રહેતાં અમને શું દુ:ખ પડી જવાનું?’ પછી ધીરે રહીને પૂછ્યું, ‘કોઈને બોલાવવાના હોય તો નંબર આપ. મારો જયંત તરત ફોન કરી આવશે.’

‘નહીં. કીસી કો નહીં કહેના હૈ.’ રોઝમ્માએ દીવાલ પર લટકતા પોતાના લગ્ન સમયનો હોય તેવા ફોટાને જોતાં કહ્યું, ‘આના હોતા તો કબકા આયા હોતા.’ પછી ધીરેથી ઊભા થઈને ફોટો ઉતાર્યો અને સામે પડેલા મૃત શરીર પાસે મૂક્યો. હું નવાઈ પામીને જોઈ રહ્યો.

માજી થોડી વાર બેસીને વાતો કરતાં રહ્યાં. પછી તેમનો પુત્ર તેમને લેવા આવ્યો એટલે રોઝમ્માએ માજીને પરાણે ઘરે મોકલ્યાં અને અમને પણ જવાનું કહ્યું. અમે જવાની ના પાડી એટલે કહે, ‘થોડા થોડા કૉફી પીયેંગે?’

હા પડાય કે નહીં તે વિચારે હું અને દુર્ગા એકબીજા સામે જોઈ રહ્યાં ત્યાં રોઝમ્માએ કહ્યું, ‘મેં ભી પીયેગા.’

રોઝમ્મા કૉફી લાવી તે પીધી, પછી રોઝમ્મા થોડી સ્વસ્થ લાગી. અમે એકલાં જ હતાં એટલે દુર્ગાએ વાતો શરૂ કરી અને કહ્યું, ‘તમારું નામ તમારી જેવું જ સરસ છે. રોઝમ્મા.’

વાત શરૂ થઈ. રોઝમ્મા અહીં નોકરી પર આવી ત્યારે તેણે પોતાના આંગણામાં ગુલાબ વાવેલાં. આ ગુજરી ગયાં તે સાસુને પૂજામાં મૂકવા જાતે ચૂંટી આપતી. કોઈ વાર દરદીને માટે લઈ જતી. એવામાં એક નાની છોકરી પેશન્ટ તરીકે દાખલ થઈ.

‘બહોત સુંદર. પ્યારી બચ્ચી થી. ઉસકે વાસ્તે હમ હર રોજ ફૂલ લેકર જાતે થે. દાક્તર લાગોંને બહોત કોશિશ કીયા. હમને તો ભગવાનકો પ્રાર્થના ભી કરી મગર છોકરી નહીં બચા. હમ ફૂલ દેતે થે ઈસ વાસ્તે વો લડકીને હમારા નામ માલિની સે બદલ કર રોઝી કર દિયા થા. તબસે હમે યેહી જ નામ પસંદ કર લીયા. અબ રોઝી સે રોઝમ્મા ભી હો ગયે.’ કહીને રોઝમ્માએ આંખના ખૂણા પર હાથ ફેરવ્યો.

‘તમે કોઈને ખબર તો મોકલો. આવે ટાણે તમારાં પોતાનાં કોઈ હોય તો તમને સારું પડે.’ મેં કહ્યું.

‘તુમ લોગ સબ મેરે હી જ હો. મેરા અપના કોઈ નહીં હૈ. યે ફોટો ભી માજીકે સાથ ગ્રેવમેં રખ દેના હૈ.’ રોઝમ્મા બોલી.

ધીરે ધીરે વાત નીકળતી ગઈ. મદુરાઈથી પચીસેક માઈલ દૂરના ગામડામાં માલિની નામે એક રમતિયાળ છોકરી રહેતી. ‘યે ફોટો હૈ વો હમારા હસબન્ડ.’ સામે પડેલો ફોટો બતાવતાં માલિનીએ કહ્યું, ‘મેરા બાપ કા મન બહૂત નહીં થા શાદી કે લીયે.’

‘પણ તમે ભાગીને પરણ્યાં..’ દુર્ગા બોલી.

‘નહીં. હમારા જમાનેમેં ઐસા નહીં હોતા થા.’ રોઝમ્માએ કહ્યું. ‘મા-બાપ કહે ઉસકે સાથ જાના પડતા થા.’ પછી પોતાની મૃત સાસુ સામે હાથ કરીને કહ્યું, ‘મૈં છોટીસી થી. સ્કૂલમેં જાતીથી તબસે યે માજી મુઝે અપને ઘર બુલાતી ઔર કહેતી, ‘માલિની, તૂ મેરે ઘરમેં આજા.’

‘તો આપ આ ગઈ.’ દુર્ગાએ હળવાશથી કહ્યું.

‘બચપન સે જ મૈં ઉસે અપની સાસ માનને લગી.’ કહેતાં કહેતાં માલિની હસી પડી. ‘ઉસકે લડકે કો તો મૈંને દેખા જ નહીં થા. વો મદુરાઈમેં મામા કે ઘરમેં રહે કર પઢતા થા. જબ શાદી કી બાત ચલી તો મૈંને ઈસ ઘર મેં જાને કી બાત મેરી મા કો કહ દીયા. પિતાજી કો કૈસે ભી સમજાબૂઝા કર માને બાત પક્કા કરવા દીયા. તબ જાકે મૈને ઇનકે બેટે કો દેખા.’

‘સચ્ચી મેં. માજીસે પ્રેમ કરકે હમને શાદી કી થી. કીસીકો કહેંગે તો કોઈ માનેગા જ નહીં.’ રોઝમ્મા સિવાય જો કોઈએ આ વાત કહી હોત તો અમે માની ન શકત. કાળરાત્રીના શાંત વાતાવરણમાં વરસોથી સંઘરી રાખેલો ભાર હળવો કરતી એક સ્ત્રી બોલતી હતી. અમે એકકાન રહીને તેની કથની સાંભળતાં રહ્યાં, ‘શુરુ શુરુમેં બહોત અચ્છા રહા. તીન સાલકે બાદ મેરે હસબન્ડ દુબાઈ ગયે. થોડા પૈસા ભી ભેજા. વહાં સે ફીર સ્ટેટ ગયે.’ રોઝમ્મા અટકી અને કહ્યું, ‘અબ યે સબ કીસી કો નહીં કહા હૈ. તુમકો ક્યું બતા રહી હું પતા નહીં.’

‘કંઈ વાંધો નહીં. કહો.’ દુર્ગાએ કહ્યું, ‘મન હળવું થાય.’

રોઝમ્મા દુર્ગા સામે જોઈ રહી. દુર્ગાએ પૂરી સચ્ચાઈથી રોઝમ્માનો હાથ પકડીને સહેજ દબાવ્યો. રોઝમ્માની આંખ વહેવા માંડી. તેણે કહ્યું, ‘ફરી સબ બંદ હો ગયા. બાઈસ સાલ હુએ. કોઈ ખત નહીં. કભી કભી મેરે સસુર કો ચિઠ્ઠી આતી રહી. કભી પૈસે. બસ ઓર કૂછ નહીં.’

‘તમારે...’ દુર્ગા કંઈક કહેવા ગઈ પણ પછી અટકી જઈને રોઝમ્માની પીઠ પર હાથ ફેરવ્યો.

થોડી સ્વસ્થતા મેળવીને રોઝમ્માએ દુર્ગાને કહ્યું, ‘હો સકતા થા. તુમ કેહના ચાહતી હો વૈસા ભી હો સકતા થા. મૈં મેરે પિતા કે ઘર જાને વાલી જ થી. લેકીન જાને કે દીન હી મેરે સસુર પર વહાંસે લેટર આયા. ઉસને વહાંપે શાદી કરલી થી. ઉનકે બચ્ચોં કે ફોટો ભી ભેજે થે.’

સન્નાટો વ્યાપી ગયો. અડધી રાતે એક વૃદ્ધ મૃતદેહની હાજરીમાં આ સ્ત્રી પોતાનું અંગત રહસ્ય ખોલવા બેઠી છે. અમારી ઉમ્મર, અમારી લાયકાતનો પણ ખ્યાલ કર્યા વગર. કયા કારણે અમે તેને અંગત લાગ્યાં, કયા કારણે તે અમારા પર આટલો ભરોસો કરે છે. તે હું ક્યારેય સમજી શકવાનો નથી.

રોઝમ્માએ કહ્યું, ‘આપા, મેરે સસુર ઉસી રાત સદમેસે મર ગયે. ઔર યે માજીને બોલના બંધ કર દીયા. મૈં ઘબરા ગઈ. પડોશવાલે આયે. મેરે માતાપિતા આયે. દો દીન તક માજી કુછ નહીં બોલી.’

બોલી બોલીને થાક લાગ્યો હોય તેમ રોઝમ્માએ ઊંડો શ્વાસ લીધો અને થોડું પાણી પીધું. પછી વાત કરતાં બાલી, ‘તીસરે દિન ઘર જાને સે પહીલે મેરી મા માજીસે છુટ્ટી માગને બૈઠી તો માજીને કહા, ‘મેરે બેટેને ઐસા કીયા? મેરે બેટેને?’ ઐસે કહે કર વો તો હંસને લગી. ફીર ચિલ્લાને લગી. મુઝે ખીંચકે ઘરમેં સે બાહર લે ગઈ ઓર મહોલ્લે વાલોં કો કહેને લગી, ‘મેરે બેટેને ઇસકે સાથ ધોખા કીયા. મેરે બેટેને. મારો મુઝે મારો. ફીર મુઝસે હાથ જોડ કર માફી માંગને લગી... એસા સબ.’

ઘડીભર શાંતિ છવાઈ. રોઝમ્મા અમારી સામે જોઈ રહી. મને લાગ્યું કે તેને કંઈક થઈ ન જાય તો સારું. એટલામાં તેણે ફરી કહ્યું, ‘મેરે વાસ્તે વો પાગલ હો ગઈ થી. મેરે વાસ્તે. ઉસકો છોડકર મૈં કૈસે ચલી જા સકતી થી? મૈંને નર્સિંગ શીખ લીયા. માજી કો લે કર ગાંવ છોડ દીયા. યહાં આ ગઈ.’

રોઝમ્માએ વાત પૂરી કરી અને કહ્યું, ‘વો બાત ભી આજ ખતમ હો ગઈ. અબ કીસીકો ક્યા બૂલાના હૈ?’

દુર્ગા ઊઠી. તેણે રોઝમ્મા માટે પથારી તૈયાર કરીને તેને પરાણે સુવરાવી. મને કહ્યું, ‘તું જા, હું અહીં રોકાઉં છું.’

મેં ના કહી ત્યાં પાડોશમાંથી બે બહેનો આવી. રોઝમ્મા ઊંઘવા માંડી પછી પડોશીઓએ અમને જવાનું કહ્યું.

ત્યાંથી આવીને પણ મારાથી સૂઈ ન શકાયું. સિવિલ હૉસ્પિટલના રસ્તા પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે શહેરના રસ્તાઓ વાળનારા પોતાનું કામ કરતા હતા, છાપાંવાળા અને દૂધવાળા ઘરે ઘરે પહોંચવા ઉતાવળે ભાગવા માંડ્યા હતા. સિવિલ હૉસ્પિટલનો સ્ટાફ રોઝમ્માના ઘરે પહોંચવા માંડ્યો અને રોજની જેમ જ સૂરજ ફરી ઊગ્યો.

***