મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:20
ખુશ્બુ સક્સેના,મયુર જૈન,વનરાજ સુથાર અને હરીશ દામાણી વચ્ચેનું કનેક્શન તપાસતાં રાજલનાં ધ્યાને હરીશનું ભાડજ વિસ્તારમાં સ્થિત ફાર્મહાઉસ આવે છે..રાજલ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચે છે ત્યારે ફાર્મહાઉસ નાં બંગલા ને લોક જોઈ એ હિમાંશુ ને બોલાવે છે..હિમાંશુ આવે ત્યાં સુધી બંગલા ની ફરતે ચક્કર લગાવતી રાજલની નજર એક વસ્તુ પર પડે છે જે ઈશારો કરે છે અહીં કોઈ આવ્યું હતું કે આવ્યું છે..રાજલ જ્યારે બંગલા ની અંદર જાય છે ત્યાં ઉપરનાં માળેથી આવતો અવાજ સાંભળી એ તરફ પોતે આગળ વધે છે.
આંગળીનાં ઈશારે રાજલ ગણતરી ચાલુ કરે છે.
એક..બે..અને જેવી ત્રીજી આંગળી ઊંચી થાય છે ત્યાં સંદીપ અને ગણપતભાઈ લાત મારી બારણું તોડી મૂકે છે.હાથમાં રિવોલ્વર સાથે રાજલ જેવી અંદર પ્રવેશે છે એ સાથે જ અંદર મોજુદ દ્રશ્ય ને જોઈ એનાં મોંઢે નિઃસાસો નીકળી જાય છે.
"પ્લીઝ મને છોડી દો..પ્લીઝ.."હજુ પણ આ અવાજ આવી રહ્યો હતો..પણ એ કોઈ વ્યક્તિ બોલી નહોતું રહ્યું પણ રૂમનાં પલંગ પર રાખેલાં એક વોકમેનથી એ અવાજ આવી રહ્યો હતો..વોકમેનની જોડે પલંગ પર મોજુદ હતી એક સ્માઈલી.. આ સ્માઈલી જાણે પોતાની ઉપર હસી રહી હોય એવું રાજલને લાગી રહ્યું હતું.
રાજલે એ ગુસ્સામાં આવી એ વોકમેન હાથમાં લીધું અને સામેની દીવાલ પર ઘા કરવાં જતી હતી ત્યાં એને પોતાનો ગુસ્સો થોડો કંટ્રોલ કર્યો અને અંદર મોજુદ કેસેટને ફોરવર્ડ કરી..રાજલ સમજી ચુકી હતી કે અહીં આ ટેપ એ સિરિયલ કિલર દ્વારા જ રાખવામાં આવી હતી.આ કોઈ સામાન્ય ટેપ વોકમેન નહોતું પણ સ્પેશિયલ મોફીફાઇડ વોકમેન હતું..એની ઉપર એક ચિપ હતી જેનાં દ્વારા એને ઓન કે ઓફ કરી શકાતું હતું.
એ સિરિયલ કિલર રાજલ જોડે માઈન્ડ ગેમ રમી રહ્યો હતો..એને ખબર હતી કે ક્યારેક તો રાજલ અહીં સુધી આવી પહોંચશે..એ તો અત્યારે પોતાનાં બંગલા પર હતો પણ અહીં એ પોતાનું સેટઅપ કરવાં આવ્યો હતો..જેમાં એ પાછળ ની પાઈપ પરથી આ રૂમનાં છજ્જા પર આવ્યો અને આરી વડે બારીની સ્ટોપર કાપી અંદર આવ્યો..અહીં આવી એને હરીશ ની ગઈકાલ રાતે પોતાની આગળ કરેલી વિનંતી રેકોર્ડ કરી અને એની ટેપ બનાવી રેકોર્ડરમાં રાખી દીધી.
ત્યારબાદ એને પેલું સ્માઈલી પલંગ પર ગોઠવ્યું અને પછી નીચે આવ્યો દાદરો ઉતરીને..નીચે આવી દરવાજાની જોડે એક સેન્સર ગોઠવ્યું..જેનાં સિગ્નલ એનાં જોડે રહેલાં મશીનમાં ત્યારે આવે જ્યારે કોઈ એ ફાર્મહાઉસ નો દરવાજો ખોલે..રાજલનાં અંદર આવતાં જ એનાં ખિસ્સામાં મોજુદ સ્પેશિયલ મશીનમાં બીપ નો અવાજ થયો..તરત જ એને ટેકનોલોજીનો ઉપયોગ કરી એ વોકમેન ઓન કરી દીધું જેથી રાજલને હરીશ ની વિનંતી સંભળાય..એ હરીશને બચાવવા ઉપર આવે પણ એને કંઈપણ ના મળે..આમ કરી એ રાજલને શારીરિક અને માનસિક બંને રીતે માત આપવાં માંગતો હતો.
રાજલે જેવી જ વોકમેનનાં ફોરવર્ડ બટનને દબાવ્યું એટલે એ સિરિયલ કિલરનો કકર્ષ અવાજ સંભળાયો.
"રાજલ...માય લેડી સિંઘમ...આખરે અહીં સુધી પહોંચી જ ગઈ..very good sweetheart..આખરે તે પોસ્ટર વાળી પઝલ સોલ્વ કરી જ દીધી..અભિનંદન..જો હરીશ તો તને જીવતો નહીં જ મળે પણ તું આ રૂમમાં મોજુદ હિન્ટ વડે હું કોઈનો નવો શિકાર કરું એ પહેલાં એને બચાવી શકે છે..હું તને પૂરતો ચાન્સ આપીશ મને રોકવાનો..કેમકે all is fair in love and war.."આ સાથે જ એ હત્યારાનું ભયંકર અટ્ટહાસ્ય ગુંજી વળ્યું.
**************
આ તરફ પોતાનું બધું જ પ્લાનિંગ યથાયોગ્ય રીતે આગળ ધપતું હોવાનો આનંદ એ સિરિયલ કિલરનાં ચહેરા ઉપર સાફ દેખાઈ રહ્યો હતો..એની આ હરકત દર્દથી તડપતો હરીશ દામાણી ફાટી આંખે જોઈ રહ્યો હતો..એ કિલરનાં ખિસ્સામાં રહેલા એક મશીનમાં બીપ નો અવાજ થવો અને એની બીજી જ પળે એનાં દ્વારા પોતાનાં લેપટોપમાં કંઈક કોડિંગ કરવું..આ બધું હરીશ નાં સમજ થી પરે હતું.
પુનઃ એ હરીશ ની જોડે આવીને બેઠો..એનાં હાથમાં રહેલું ઈનહેલર આમ થી તેમ હલાવી એ હરીશ ને વધુ ને વધુ તડપાવી રહ્યો હતો..હરીશ નો શ્વાસ વધતાં સમયની સાથે ઉખડી રહ્યો હતો..એની આંખમાંથી દર્દથી આંસુ નીકળી રહ્યાં હતાં..એનો દયનિય ચહેરો જોઈને તો એનાં દુશ્મન ને પણ દયા આવી જાય પણ આ તો સાક્ષાત યમ હતો એની સામે જેનામાં દયા કે કરુણા જેવું કંઈપણ હતું જ નહીં.
હરીશ જ્યાં ફર્શ ઉપર પડ્યો હતો એનાંથી પાંચેક ફૂટ દૂર એ હત્યારા એ પોતાનાં હાથમાં રહેલું ઈનહેલર ફેંકી દીધું..અને પછી હરીશ ને કહ્યું.
"જા તું આ ઈનહેલર ઉઠાવી લે..તારી જીંદગી તારાથી બસ પાંચ ફૂટ દૂર છે.."
એનાં આટલું બોલતાં જ હરીશ રહીસહી હિંમત ભેગી કરી ઈનહેલર ની દિશામાં આગળ વધ્યો.જેવી હરીશ ની આંગળીઓ ઈનહેલર ને સ્પર્શી એ સાથે જ એ ખૂંખાર હત્યારા એ પોતાનાં બૂટ પહેરેલાં પગ ને ઈનહેલર ઉપર મૂકીને તોડી નાંખ્યું..પોતાનાં બચવાની છેલ્લી ઉમ્મીદ પણ હવે ના બચતાં હરીશ ને એક આંચકી આવી અને એનું માથું ઢળી ગયું..એનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
એક વ્યક્તિને તડપતડપાવીને મારવાં છતાં એનું સહેજ પણ દુઃખ કે પસ્તાવો અત્યારે એ કિલરનાં ચહેરા ઉપર નહોતો દેખાઈ રહ્યો..એ હત્યારો શાંતિથી ઉભો થયો અને રૂમમાં આવેલી એક અલમારી ખોલી એમાંથી એક મોટું ચાકુ લેતો આવ્યો.આવીને એ પલોઠી વાળી મૃત હરીશ ની લાશ જોડે બેઠો અને આંખો બંધ કરી કંઈક વિચારવા લાગ્યો..પછી મોટી મુસ્કાન સાથે એને હરીશની એક આંગળી કાપી લીધી..આંગળી કાપતાં જ એમાંથી લોહી નીકળવા લાગ્યું..આ લોહી જોતાં જ એ પાશવી કાતીલ ની આંખોમાં ચમક આવી ગઈ.હરીશની કપાયેલી આંગળીને એ પોતાનાં મોં જોડે લઈ ગયો અને જેમ નાનું બાળક લોલીપોપ ચૂસે એમ એમાંથી લોહી ચુસવા લાગ્યો.
આ દ્રશ્ય કોઈ કાચાં-પોચા હૃદયનાં માણસ માટે હીંચકારું જરૂર હતું..પણ એ ખુની માટે તો આ બધું સામાન્ય વાત હતી..આ કપાયેલી આંગળી હાથમાં લઈ સિરિયલ કિલર રૂમનાં એક ખૂણામાં આવેલાં ફ્રીઝ જોડે ગયો..એને ફ્રીઝ ખોલી અંદરથી એક કાચની બોટલ કાઢી જેમાં એસિટીક એસિડ ભરેલું હતું..આવી જ બીજી છ બોટલો ફ્રીઝમાં પડી હતી..જેમાંથી ત્રણ બોટલોમાં આંગળીઓ મોજુદ હતી..આ આંગળીઓ હતી એનાં આગળનાં ત્રણેય વિકટીમ ખુશ્બુ,મયુર અને વનરાજની.
હરીશ ની આંગળીને પણ લિકવિડ ભરેલી બોટલમાં નાંખ્યા બાદ એ પુનઃ હરીશ ની જોડે આવીને બેઠો..હરીશ ની તરફ જોતાં એ હતાશાભર્યા અવાજમાં જ બોલ્યો.
"અરે આ શું થઈ ગયું..શહેરનો અબજોપતિ બિઝનેસમેન એક ચારસો-પાંચસો રૂપિયાનાં ઈનહેલર નાં અભાવે મરી ગયો..બિચારો..જોયું જોયું..લાલચ માણસ ની શું દશા કરી શકે છે..મને બહુ દુઃખ થયું હરીશ દામાણી ની મૌત પર.."
"રાજલ,તારાં માટે હવે ગિફ્ટ બોક્સ રેડી કરું..કાલે સવારે પછી તને પાર્સલ કરી દઈશ..કાલે મારાં ગિફ્ટબોક્સની સાથે તને બીજું કંઈક પણ મળશે..એ હશે આ કેસમાંથી રાજીનામું અને ન્યૂઝચેનલ અને ન્યૂઝપેપરમાં તારાં વિરુદ્ધ ની હેડલાઈન્સ.."
પોતાનાં મનમાં આવે એવું બોલતાં બોલતાં એ વિકૃત મગજનો હત્યારો પોતાની જગ્યાએ ઉભો થયો અને જઈને લેપટોપ રાખ્યું હતું એ ટેબલની જોડે ખુરશીમાં બેઠો..રાજલને મોકલવામાં આવતાં ગિફ્ટ બોક્સ ની જોડે જે લેટર એ મોકલાવતો એનું લખાણ એને ત્યારબાદ લેપટોપમાં ટાઈપ કરવાનું શરૂ કર્યું..કોમ્પ્યુટરનાં કીબોર્ડ નાં ઠક-ઠક અવાજની સાથે એનાં કકર્ષ અવાજમાં એ પોતાની પસંદગી નું ગીત ગાવા લાગ્યો.
"आज की रात कोई आने को है
रे बाबा, रे बाबा, रे बाबा
इंतज़ार और थोड़ा इंतज़ार
आज की रात कोई आने...
उसे आने तो दे, ओ दिल-ए-बेक़दर
फिर कर लेना जी भर के प्यार
शुबू शुबू शुबू..."
*********
હરીશ દામાણી હવે જીવિત નથી વધ્યો એ વાતથી બેખબર રાજલ અત્યારે હરીશ નાં ફાર્મહાઉસનાં એક રૂમમાં ઉભી ઉભી વોકમેનમાં એ સિરિયલ કિલર દ્વારા જે કંઈપણ કહેવામાં આવ્યું હતું એ વિશે મનોમંથન કરવાં લાગી.. ગણપતભાઈ અને સંદીપ પણ એજ દિશામાં પોતાનું મગજ કસી રહ્યાં હતાં કે આખરે એ કાતીલ શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
"મેડમ,અત્યાર સુધી તો એ આપણી જોડે કોયડામાં ડીલ કરી રહ્યો છે..આ વખતે પણ એને રેકોર્ડિંગ દ્વારા આપણને આ રૂમમાં જ એનાં નવાં શિકારનાં સંદર્ભમાં કોઈ હિન્ટ મોજુદ છે એવું જણાવ્યું છે..તો આપણે એની વાત ને માની આ રૂમનો દરેક ખૂણો ફેંદી વળવો જોઈએ.."સંદીપ રાજલને ઉદ્દેશીને બોલ્યો.
સંદીપની વાત સાંભળી રાજલ રૂમની એ બારી તરફ ગઈ જે બંગલાની પાછળનાં ભાગમાં ખુલતી હતી..રાજલે ધ્યાનથી જોયું તો એ બારી ની સ્ટોપર કોઈ અણીદાર વસ્તુ વડે કટ કરવામાં આવી હતી..રાજલે આંગળી વડે ઈશારો કરી આ વસ્તુ સંદીપને બતાવી અને પછી બારી ખોલતાં કહ્યું.
"ઓફિસર,આ જોવો આ રૂમમાં એ સિરિયલ કિલર આ બારી ની સ્ટોપર તોડ્યા બાદ જ અંદર આવ્યો હશે..અને અંદર આવવાં આ પાછળ પાઈપ નો ઉપયોગ કર્યો હશે..મને બંગલાની પાછળ તાજી ફૂટપ્રિન્ટ નજરમાં આવી હતી.મને લાગે છે આપણે અંધારું ગાઢ થયાં પહેલાં એનાં થોડાં ફોટો લઈ લેવાં જોઈએ..ક્યાંક આગળ જતાં એ કંઈક કામ આવે..એ કામ પતાવીને અહીં શોધખોળ કરીએ કે એ હત્યારો આખરે કોને પોતાનો નવો શિકાર બનાવવાનું વિચારી રહ્યો છે."
ત્યારબાદ રાજલે ગણપતભાઈને ઉદ્દેશીને કહ્યું.
"તમે અને કોન્સ્ટેબલ શંકર ભાઈ આ રૂમની દરેક વસ્તુનું ધ્યાનથી ચેકીંગ કરો..હું થોડીવારમાં આવું છું.."
સંદીપ ને લઈને રાજલ બંગલાની પાછળનાં ભાગમાં આવી અને ત્યાં ભીની માટીમાં મોજુદ ફૂટપ્રિન્ટનાં મોબાઈલમાં ફોટો પાડી લીધાં. આ કામ પતાવી જ્યાં રાજલ પાછી બંગલા તરફ આગળ વધી રહી હતી ત્યાં હરીશ નો સાળો હિમાંશુ એની જોડે આવ્યો અને અંદર શું થયું એ વિષયમાં સવાલાત કરવાં લાગ્યો..હવે વધુ સમય હિમાંશુથી સત્ય છુપાવવું શક્ય નહોતું કેમકે એ પણ એક મોટો બિઝનેસમેન હતો અને આ વાત ને લઈને ભવિષ્યમાં એ હોબાળો કરી શકે એમ હતો.
રાજલે ટૂંકમાં પોતે કેમ અહીં આવી અને અંદર શું થયું એનો વૃતાંત હિમાંશુ ને કહી સંભળાવ્યો..રાજલની વાત સાંભળ્યાં બાદ હિમાંશુને પણ થયું કે પોલીસ તંત્ર ની સરાહનીય કામગીરી છતાં એનાં જીજાજી નાં જીવિત રહેવાની શક્યતા નહીંવત છે.હિમાંશુ એ પણ રાજલ ની મદદ કરવાં માટે રૂમમાં આવવાની તૈયારી બતાવી જેનો રાજલ અસ્વીકાર ના કરી શકી.
અત્યારે રૂમમાં રાજલ,સંદીપ,ગણપતભાઈ,શંકરભાઈ અને હિમાંશુ એમ પાંચ લોકો મોજુદ હતાં..અને એ બધાં ને શોધવાની હતી કોઈ એવી હિન્ટ જે એ સિરિયલ કિલર પોતાનાં નવાં શિકારનાં સંદર્ભમાં ત્યાં મૂકી ગયો હતો.રાજલ પાછી આવી ત્યાં સુધી ગણપતભાઈ અને શંકરભાઈ મળીને આખો કિંગસાઈઝ બેડ ફેંદી વળ્યાં હતાં.પલંગના ગાદલાં આમ-તેમ ઊંચા નીચા કરવાં છતાં ત્યાંથી કંઈપણ નીકળ્યું નહોતું જે વિચિત્ર લાગે.
રાજલનાં આવતાં જ હવે પાંચેય જણા લાગી ગયાં એક એવી હિન્ટ શોધવા જે હતી કે નહોતી એનો પણ એમને પાકો અંદાજો નહોતો.રૂમમાં મોજુદ ટેબલ,અલમારી,કબાટ બધું જ બરાબર ચેક કરી લીધાં બાદ પણ અંદરથી કોઈ વસ્તુ મળી આવી નહીં જે સિરિયલ કિલરનાં કહ્યાં મુજબ એમને કોઈ હિન્ટ આપી રહી હોય.
રાજલે તો એર કંડીશનર અને પંખો પણ ખોલીને ચેક કરાવી જોયો..પણ એનાં હાથમાં કંઈપણ વસ્તુ લાગી લાગી નહીં..બધાં નાં ચહેરા પર અત્યારે નિરાશા અને અકળામણ સાફ-સાફ વર્તાઈ રહી હતી..સૌથી વધુ હેરાન-પરેશાન હિમાંશુ હતો કેમકે એક તરફ એનાં જીજાજી નો જીવ જોખમમાં હતો અને બીજી તરફ પોલીસ અહીં એવી કોઈ માહિતી શોધી રહી હતી જે શક્યવત હતી જ નહીં.
"મેડમ,અહીં કંઈપણ વસ્તુ નથી..મને લાગે છે એ સિરિયલ કિલર દ્વારા તમને અહીં રોકવાનો આ પ્રયત્ન હતો..જેથી તમે મારાં જીજાજી ને એ કંઈ કરે એ પહેલાં એનાં સુધી પહોંચી શકો.."પોતાનાં જીજાજી હવે આ દુનિયામાં હાજર નથી એ વાતથી અજાણ હિમાંશુ ગુસ્સામાં રાજલને ઉદ્દેશીને બોલ્યો.
"હિમાંશુ ભાઈ,તમારી વાત મને સાચી લાગે છે પણ શું કરીએ એ હત્યારા વિરુદ્ધ નાનામાં નાની સાબિતી રહી જાય એવું હું નથી ઈચ્છતી..કેમકે જ્યાં સુધી એ નહીં પકડાય ત્યાં સુધી માસુમ લોકોનાં આમ જ લોહી રેડાતાં રહેશે..લાગે છે અહીં કંઈપણ નથી..હવે અમારે નીકળવું જોઈએ અને તમારાં જીજાજી ને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ.."હિમાંશુ તરફ જોઈ આશ્વાસન નાં સુરમાં રાજલ બોલી.
રાજલ ત્યાંથી નીકળવા જ જતી હતી ત્યાં એની નજર રૂમની દીવાલો ઉપર પડી..ત્યાં નજર પડતાં જ એનાં પગ અટકી ગયાં અને એ પુનઃ રૂમની મધ્યમાં આવીને ઉભી રહી..રાજલનું આમ પાછું રૂમમાં આવવું જોઈ હિમાંશુ નવાઈ સાથે બોલ્યો.
"મેડમ,શું થયું..?હવે આ રૂમમાં શું રહી ગયું છે..?"
રાજલે હિમાંશુ તરફ જોયું અને સવાલ કર્યો.
"તમારાં જીજાજી ને પેઈન્ટીંગ નો શોખ હતો..?"
"હા ખૂબ જ..એ ઘણી મોંઘી પેઈન્ટીંગ ખરીદતાં હતાં વિવિધ શહેરોનાં એક્ઝિબેશનમાં જઈ ને"હિમાંશુ જવાબ આપતાં બોલ્યો.
હિમાંશુ ની વાત સાંભળી રાજલે સંદીપને ઉદ્દેશીને કહ્યું.
"ઓફિસર આ રૂમમાં લાગેલી પાંચેય પેઈન્ટીંગ ને ખૂબ જ સાવચેતીથી નીચે ઉતારી પલંગમાં રાખો.."
રાજલે આવું કેમ કહ્યું એ સંદીપ ને નહોતું સમજાયું પણ એને કંઈક વિચારીને જ આમ કહ્યું હશે એમ વિચારી સંદીપ લાગી ગયો પોતાને સોંપેલાં કામને અંજામ આપવામાં..ગણપતભાઈ અને શંકરભાઈ ની મદદથી ઇન્સ્પેકટર સંદીપે રૂમમાં મોજુદ પાંચેય પેઈન્ટીંગ ઉતારીને પલંગ પર ગોઠવી દીધી.
બેડ ઉપર પેઈન્ટીંગ મુકાતાં જ રાજલ ચહેરા પર ખુશીનાં ભાવ સાથે રૂમની દીવાલો તરફ જોતાં બોલી.
"આ રહી એ સિરિયલ કિલર દ્વારા છોડવામાં આવેલી હિન્ટ.."
★★★★
વઘુ આવતાં ભાગમાં.
શું હતી એ હિન્ટ જે સિરિયલ કિલરે ત્યાં છોડી હતી..?રાજલનાં ધ્યાનમાં એ વાત કઈ રીતે આવી..?કોણ હતો એ હત્યારા નો નવો ટાર્ગેટ..?આ વખતે ગિફ્ટબોક્સમાં રાજલને શું મળશે..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.
જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)