Safarma madel humsafar - 36 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર - 36

Featured Books
Categories
Share

સફરમાં મળેલ હમસફર - 36

સફરમાં મળેલ હમસફર
ભાગ-36
લેખક-મેર મેહુલ
રુદ્ર શુભમને શરૂઆતથી બનતી ઘટનાઓ કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટ જેમ કહી સંભળાવે છે.જેમાં કચોટીયા ગામમાં આવવાથી માંડીને તળશીભાઈનું વર્તન,હવેલીની રૂઢિચુસ્તતા,ગામમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને એ અંધશ્રદ્ધાને વેગ આપતાં તળશીભાઈની વાતો હોય છે.
તળશીભાઈ કેવી રીતે રુદ્રને ગુમરાહ કરવા માટે ખજાનાની ખોટી માહિતી બનાવી શકે એ રુદ્રએ શુભમને જણાવ્યું.ત્યારબાદ નાઈટ વિઝન કેમેરાનો ઉપયોગ કરી કેવી રીતે તળશીભાઈનો પર્દાફાશ થશે એ યોજના રુદ્રએ કહી.હવે આગળ...

:: પછીના દિવસની સવાર ::

હવેલીમાં મહેમાનોની અવરજવર વધતી જતી હતી.આવતાં મહેમાનોને તળશીભાઈ દ્વારા મીઠો આવકરો આપવામાં આવતો હતો. વેલકમ ડ્રિન્ક બાદ મહેમાનો માટે જે જુદાં જુદાં ઓરડાઓની વ્યવસ્થા કરી હતી એ મુજબ તેઓને ફાળવણી કરવામાં આવતી હતી.તળશીભાઈ બે હાથ જોડી દરવાજા પાસે ઉભા હતા.પુરી હવેલીને જુદી જ ઢબથી શણગારવામાં આવી હતી.આછી ભુરી દીવાલો પર ત્રણેય વરવધુના મોટા ફોટાઓ લગાવવામાં આવ્યા હતા.
ગામની સ્ત્રીઓ હોંશે હોંશે અને મોટા અવાજે લગ્ન ગીતો ગાઈ રહી હતી. એવામાં એક સિત્તરેક વર્ષના પ્રૌઢ દંપતી તળશીભાઈ પાસે આવીને ઊભા રહ્યા.તેઓએ પોતાનું નામ 'ભરતભાઇ અને નિલાબેન' જણાવ્યું.આ દંપતીને તળશીભાઈ ઓળખતા નહોતા પણ છોકરાના સાસરિયામાંથી કોઈ સંબંધી હશે એમ વિચારી તેઓને પણ તળશીભાઈએ મીઠો આવકારો આપ્યો.
દસ વાગ્યા એટલે મંડપ રોપવાની વિધિ શરૂ થઈ.ત્રણેય બહેનો સુંદર ભારતીય વસ્ત્ર પરિધાનમાં બહાર આવી.ગોરદાદાએ વિધિ શરૂ કરી.
બીજી બાજુ રુદ્ર અને શુભમ પોતાના પ્લાનને અંજામ આપવા વાવના માર્ગે ચાલી નીકળ્યા હતા.ગામમાં પ્રસંગ હતો એટલે આજે આ રસ્તે અવરજવર નહિવત જેવી હતી.વાવ પાસે પહોંચી બંનેએ જે નજારો જોયો એ હૃદય કંપવી દે એવો હતો.વાવના કાંઠે ધૂળ પર માખીઓ બમણતી હતી.રુદ્રએ લાકડી દ્વારા ત્યાંથી ધૂળ હટાવી તો માટી ભીંની હતી અને લોહી મિશ્રિત હતી.કાલે રાત્રે અહીં શું બન્યું હશે એ સમજતા બંનેને વાર ન લાગી.
રુદ્રએ શુભમ સામે જોયું અને પછી જે વૃક્ષની ડાળીએ કેમેરો છુપાવ્યો હતો એ તરફ રુદ્ર આગળ વધ્યો.
"શુભમમમ.."રુદ્રએ જોરથી રાડ પાડી.
"મેં કેમેરો અહીં જ છુપાવ્યો હતો.અત્યારે કેમેરો ગાયબ છે"થોથવાતા શબ્દોએ રુદ્રએ કહ્યું.થોડીવાર સન્નાટો છવાઈ ગયો.રુદ્રની બધી મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
"આ કેવી રીતે શક્ય બને?,હું અહીંયા આવ્યો ત્યારે અહીં કોઈ નહોતું.મેં ચીવટ પૂર્વક કેમેરો લગાવ્યો હતો.તો કોણ કરી શકે આવું?"રુદ્રએ પોતાના જ વાળ પકડ્યા.
"બીજું કોણ હોય?,જે લોકો કાલે રાત્રે અહીંયા આવ્યા હતા તેઓને જ જાણ થઈ ગઈ હશે કે તે અહીં કેમેરો છુપાવ્યો છે.તેઓ તારી કરતાં એક કદમ આગળ નીકળ્યા રુદ્ર"શુભમે પણ નિસાસો ખાધો.
"એ શક્ય નથી.તેઓને આ વાતની ગંધ આવી જ ના શકે.હું ખાતરી સાથે કહું છું કે આ કામ તેઓનું નથી"
"તું કેમ આટલી ખાતરી સાથે કહી શકે?"
"કારણ કે એ સમયે તેઓ જે.ડી. અને સંદીપ સાથે હતા.મેં જ જે.ડી. અને સંદીપને તેઓની સાથે મોકલ્યા હતા."
"તો કોણ કરી શકે આ કામ?"શુભમે માથું ખજવાળ્યું.
"એકવાર આજુબાજુ શોધખોળ કરી લઇએ.કદાચ કેમેરો મળી જાય."રુદ્રએ ઉભા થતાં કહ્યું.બંને કેમેરાને શોધવા લાગ્યા.વાવના કાંઠે,વૃક્ષની નીચે,ખેતરોની વાડે.. જ્યાં શક્યતા જણાઈ ત્યાં બંનેએ શોધખોળ કરી પણ કેમેરો ના મળ્યો.ફરી બંને નિરાશ થઈ બેઠાં.
"હવે શું કરીશું રુદ્ર?"શુભમે પૂછ્યું.
"હજી આપણી પાસે પૂરો દિવસ છે,રાત સુધીમાં કેમેય કરીને આપણે તેઓને એક્સપોઝ કરવાના છે."રુદ્રએ આકાશમાં નજર કરી, "પણ કેવી રીતે?"
એ દરમિયાન એક કૂતરું ત્યાંથી પસાર થયું.તેનાં મોંમાં કેમેરાનો લટકાવવાની દોરી હતી.રુદ્રની નજર એ કૂતરા પર પડી.
"શુભમ,આપણો કેમેરો..."રુદ્રએ કૂતરા તરફ ઈશારો કરીને કહ્યું.શુભમે કૂતરા તરફ નજર ફેરવી.
"એ તો માત્ર કેમેરાની દોરી છે.કેમેરો ક્યાં?"શુભમે પૂછ્યું.
"મેં ક્યાંક વાંચ્યું છે.કૂતરું ખાડો ખોદી પોતાનો ખોરાક સંઘરે છે.બની શકેને કે કોઈ નિશાચર પક્ષીએ આપણો કેમેરો નીચે ગીરાવી દીધો હોય અને પછી એ કેમેરો કુતરાના મોંઢે આવી ગયો હોય.કૂતરાંએ એ કેમેરો લઈ પોતાનાં ગોડાઉનમાં રાખી દીધો હોય.હાહાહા"રુદ્ર હસી પડ્યો અને ઉભો થઇ દબેપાવ કૂતરાં પાછળ ચાલવા લાગ્યો.બે ખેતર પછી એક લીમડાના ઝાડ નીચે આવી કૂતરું ઉભું રહ્યું.ત્યાં આગળના પગ વડે ખાડો ખોદી કૂતરાએ એક રોટલી મોંઢામાં લીધી અને ચાલવા લાગ્યું.
રુદ્ર અને શુભમ એ ઝાડ નીચે પહોંચ્યા. થોડી માટી હટાવી એટલે રુદ્રને કેમેરો દેખાયો.રુદ્રએ ખુશીનો માર્યો ઉછળી પડ્યો.રુદ્રએ કેમેરો હાથમાં લીધો.ઉંચાઈ પરથી પડવાને કારણે અને કૂતરાં દ્વારા ધસડાવવાને કારણે કેમેરો તૂટી ગયો હતો.
"આ શું રુદ્ર?,આટલી મહેનત કરી તો પણ હાથ કંઈ ના લાગ્યું,કેમેરાની હાલત જોતાં મને નથી લાગતું કે અંદર કંઈ બચ્યું હશે."શુભમે કેમેરો હાથમાં લઈ કહ્યું.
"આપણે ક્યાં હવે શૂટિંગ કરવું છે, જો કેમેરો સવારે અથવા એ લોકોના ગયાં બાદ નીચે પડ્યો હશે તો આમાં રેકોર્ડિંગ થઈ ગયું હશે.તું અત્યારે જ ભાવનગર જઇ આ કેમેરાની રિલ ચૅક કરાવી આવ.આપણી પાસે આ એક જ આશા છે.જો આમાં રેકોર્ડીંગ હશે તો બધું બરોબર થઈ જશે."
"અને જો નહિ હોય તો?"શુભમે પૂછ્યું.
"આગળનું જોયું જશે.તું આટલું તો કર."રુદ્રએ ખિજાઈને કહ્યું.બંને ગામ તરફ આવ્યા.શુભમ તત્કાળ રિલ ચૅક કરાવવા માટે નીકળી ગયો.એ સમય દરમિયાન રુદ્રએ પોતાનો પ્લાન 'બી' અમલમાં મુકવાનું નક્કી કરી લીધું.
***
મંડપની વિધિ પુરી થઈ ગઈ.આવેલા મહેમાનોમાં ઉત્સાહ વધતો જતો હતો.રુદ્ર પણ સમયસર હવેલીએ પહોંચી ગયો હતો. જે.ડી. અને સંદીપ સાથે રુદ્ર પણ કામોમાં સાથ આપવા લાગ્યો.રાત્રે રુદ્ર એવો ધમાકો કરવાનો હતો જે કદાચ કચોટીયાના ઇતિહાસને બદલી નાખવાનો હતો.રુદ્ર વચ્ચે શુભમ સાથે વાત કરી કેમેરાના રેકોર્ડીંગ વિશે માહિતી મેળવી લેતો હતો.
બપોરે શુભમનો કૉલ આવ્યો,
"રુદ્ર,કેમેરાની રિલ ખરાબ થઈ ગઈ છે. કેમેરામાં રેકોર્ડિંગ થયું છે એ વાત પાક્કી છે પણ રિલ સાફ કરવામાં સમય લાગશે અને કદાચ થોડું રેકોર્ડિંગ પણ મિસ થાય એવી શક્યતા છે."શુભમે સમાચાર આપ્યા.
"તું રિલ સાફ કરાવી લે,સાંજ સુધીમાં આપણે રેકોર્ડિંગ જોઈએ" કહી રુદ્રએ કૉલ કટ કરી દીધો.
રાત્રી ભોજન બાદ રાસ-ગરબાનો પ્રોગ્રામ હતો.મહેમાનો તૈયાર થઈ હવેલીના પ્રાંગણમાં આવી ગયા હતા.એ મહેમાનોમાં ભરતભાઇ અને નિલાબેન પણ હતા જેઓ રુદ્રની નજરથી છુપાઈને રહેતા હતા.રાસ-ગરબાનું લાઈવ ટેલિકાસ્ટ થતું હતું,જે હવેલીના પ્રાંગણમાં રાખેલી પાંચ મોટી LED ડિસ્પ્લેમાં રજૂ થતું હતું.
રુદ્ર શુભમની રાહ જોતો દરવાજે આમતેમ આંટા મારતો હતો. શુભમ હજી સુધી નહોતો આવ્યો.એ દરમિયાન ટ્રેડિશનલ કપડામાં ત્રણેય બહેનો સાથે સેજુ તૈયાર થઈ બહાર આવી.લગ્ન પહેલાની રાત્રીનો માહોલ સર્જાઇ ચૂક્યો હતો.ડી.જે.એ ગરબાની પ્લે-લિસ્ટ લગાવી અને સૌ તાલ સાથે તાલ મિલાવી ગોળ સર્કલમાં આવી ગયા.
સમય પસાર થતો રહ્યો.સૌ પોતાની ધૂનમાં નાચી રહ્યા હતા. સેજુ વારેવારે રુદ્રને ઈશારો કરી નાચવા બોલાવતી હતી પણ રુદ્ર તો શુભમની રાહ જોઈ દરવાજે ઉભો હતો.અચાનક લાઈટ ચાલી જતા ચોતરફ અંધકાર છવાઈ ગયો.
"આ જીબી(GEB)વાળાને કીધું હતું કે રાતે લાઈટ આપજે તો પણ મૂઆએ અત્યારે કાપી લીધી."તળશીભાઈનો ગુસ્સામાં ચહેરો લાલઘૂમ થઈ ગયો.
"તળશીભાઈ અમારા તરફથી કપાઈ,મેં તો આજનો ચાર્જ રાતનો લીધો છે. તમારે કંઈક વાંધો આવ્યો હશે"તળશીભાઈના આમંત્રણને માન આપીને આવેલા GEB ખાતાના એક અધિકારે કહ્યું.
"એ મને કંઈ ખબર નથી સાહેબ,તમે જલ્દી રીપેર કરાવો"
એટલામાં હવેલીના દરવાજા તરફ રહેલી એક LED શરૂ થઈ.
***
(પછીના દિવસની સાંજનો સમય)
શ્લોક બંગલો આજે પણ એવો જ છે જેવો બાવીશ વર્ષ પહેલાં હતો.એ જ દિવાલો અને દિવાલોમાં સંઘરાયેલી જિંકલ અને મેહુલના એકમાત્ર પુત્ર રુદ્રની યાદો.છેલ્લાં ચાર દિવસથી આ બંગલો સુનસાન હતો.પહેલા રોજ જિંકલ અને રુદ્રના અવાજોથી આ બંગલો ગુંજી ઉઠતો.હાલ જિંકલ અને મેહુલ એકાંતની પળો માણતા બગીચામાં બેઠાં હતાં. લગ્નબાદ બંનેનું જીવન થોડું બદલાયું હતું.રુદ્રના આગમન બાદ ભાગ્યે જ આવી પળો માણવા મળતી.
કાલે સવારથી ભરતભાઇ અને નિલાબેન પણ બહાર ગયા એટલે મેહુલે અને જિંકલે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.પોતાની જૂની ડાયરી ખોલી બંને પોતાની યાદો તાજી કરવામાં મથ્યા હતા.પ્રૌઢ વયે પહોંચેલા આ દંપતી વચ્ચે હાલ પણ એટલી જ અન્ડરસ્ટેન્ડિંગ હતી જેટલી લગ્ન સમયે અથવા એ પહેલાં રહી હતી. લગ્ન બાદ આ સમજણમાં વધારો થયો હતો એ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું ના કહી શકાય.
"પહેલાં તમે શાયરી-ગઝલ સંભળાવી સંભળાવી હેરાન કરતા,હવે તો કોના માટે લખતા હશો રામજાને..!!!" ટોન્ટ મારી જિંકલે પોતાના માટે શાયરી સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી.
"ઓહ..તો મેડમને શાયરી સાંભળવી છે એમ કહો ને,શા માટે અમારી ડાયરી પર આક્ષેપો લગાવો છો?"મેહુલે જિંકલના ગાલ ખેંચી ચૂંટલી ખણી.
"એ તો સદનસીબ અમારા કે તમે મળ્યા,નહીંતર કહ્યા વિના કોણ સમજી શકે?"
"ચાલો આજે તમે મળ્યા એ વિશે મેં લખેલી દસ વર્ષ પહેલાંની વાત રજૂ કરવાની કોશિશ કરું છું"મેહુલે પોતાની શાયરી-ગઝલની ડાયરી ખોલી.થોડાં પૅજ ઉથલાવ્યાં બાદ એક પૅજ પર આવી એ અટકી ગયો.એ પૅજના માથાળે લખ્યું હતું, 'અને તું મળી ગઈ..!!!'

એકલો ચાલતો હતો અને તું મળી ગઈ
જાણે,તરસ્યા રણમાં વરસાદ વરસી ગયો.

જિંદગી નીરસ બનતી હતી અને તું મળી ગઈ
જાણે,વસંતમાં કૂંપળો ફૂટવા લાગી.

હસવાનું ભૂલતો જતો હતો અને તું મળી ગઈ
જાણે,હસવાનું કારણ મળી ગયું.

દુનિયાથી કંટાળી ગયો હતો અને તું મળી ગયી
જાણે,દુનિયાના બધા જ રંગો ગમવા લાગ્યા.

તું કોણ છો?,શું છો?,ખબર નહિ પણ તું મળી ગઈ
જાણે બાળપણની દોસ્તી મળી ગઈ.

સારા જ કર્મ કર્યા હશે મેહુલે જે તું મળી ગઇ,
જાણે વરસાદને વરસાવનું સરનામું મળી ગયું..

"અરે વાહ.. વાહ.."જિંકલે ટહુકો કર્યો, " આજે તો શબ્દો પર કંઈક વધારે જ ભાર આપવામાં આવે છે"
"અરે એ તો તમારો ચહેરો યાદ કરીને શબ્દો સ્ફૂરે છે,નહીંતર આમારી જેવા અદનના માણસ માટે તો આ બધું ખૂબ જ અઘરું"મેહુલે જિંકલની તારીફ કરતાં કહ્યું.
"તમારા આ શબ્દોમાં હું મારી તારીફ સમજુ કે મારા પતિની તોહીન?,તમે જ કહો હું શું સમજુ?"જિંકલ પગ પર પગ ચડાવી પગ પર કોણી ટેકાવી હાથ દાઢીએ રાખી સહેજ આગળ તરફ ઝૂકી.
"અચ્છા શું સમજવું?"મેહુલે ડાયરીનું પહેલું બીજું પૅજ ખોલ્યું,અનુક્રમણિકા પર નજર કરી, "પૅજ નંબર બાવીશ,સમય,મેહુલ અને જિંકલનો વિયોગ,નામ - શું સમજવું??"
મેહુલે બાવીશ નંબરનું પૅજ ખોલ્યું,

આંખો સામે બધું ધૂંધળું દેખાય તો શું સમજવું?
ધડકન તેનો ધબકારો ચુકી જાય તો શું સમજવું?

વાત તો કલાકો સુધી કરી લે છે બધાની સાથે મેહુલ,
પણ એક અવાજ માટે કાન તરસી જાય તો શું સમજવું?

હગ મી હગ મી કહી રોજ ઓશીકું છાતીએ ચાંપે છે,
તારા સ્પર્શનો અહેસાસ રહી જાય તો શું સમજવું?

ઓનલાઈન તો સૌને હોંકારો આપે છે મેહુલ,
ઓનલાઈન તો સૌને હોંકારો આપે છે મેહુલ,
બાજુમાંથી બોલાવ્યા વિના દોસ્ત નીકળી જાય તો શું....

મેહુલ ચૂપ રહે ,જિંકલ ચૂપ રહે પણ,
શબ્દો વિના જજબાત બોલી જાય તો શું સમજવું????

"અરે વાહ,આજે તો શબ્દે શબ્દે શાયરી સરે છે,શું વાત છે?"જિંકલે પણ મેહુલની જ સ્ટાઇલમાં મેહુલના ગાળે ચૂંટલી ખણી.
"શું કરું?,વાતાવરણ જ એવું છે અને તમારો હસતો ચહેરો આજે મને પ્રેરણા પૂરી પાડે છે"
"પપ્પા, એ હસતા ચહેરામાં એટલા પણ ના ડૂબી જાઓ કે પાંચ મિનિટથી ઉભેલો તમારો દીકરો પણ ના દેખાય"ખભે બૅગ રાખીને ઉભેલો રુદ્ર આટલું કહી હસવા લાગ્યો.
"તરવૈયાઓ પણ ક્યારેક ડૂબવાનું નાટક કરી ડૂબકી મારવાનો આનંદ મેળવતા હોય છે અને અહીં ક્યાં ડૂબવાનો ભય છે,તો બે ઘડી હસી-મજાકની વાતો ચાલતી હતી"મેહુલે રુદ્રને સમજાવતાં કહ્યું.
"તારે તો આજે લગ્ન હતાને?,કેમ અત્યારે અહીં?"જિંકલે પૂછ્યું.
"મારા લગ્ન હોય અને તમે ના હોય મમ્મી?, શું વાત કરો છો?"રુદ્ર પાછળથી જિંકલના ગળે બાજી ગયો અને કાનમાં કહ્યું, "તમારા માટે વહુ શોધી આવ્યો છું"
"મજાક ના કર,બધું સહીસલામત તો છે ને?,તારા પેલા તોફાની દોસ્તની બહેનના લગ્નમાં કોઈ વિઘ્ન તો નથી આવ્યુંને?"
"વેલ મમ્મી,વિઘ્ન તો આવ્યું છે, સૌથી મોટું વિઘ્ન આવ્યું છે"રુદ્રએ મેહુલ તરફ નજર કરીને આંખ મારી.
(ક્રમશઃ)
શું થયું હશે આગળની રાત્રે?,રુદ્રએ તળશીભાઈના કુકર્મોનો પર્દાફાશ કર્યો હશે?,શું રુદ્ર લગ્ન અધૂરા છોડી આવી ગયો હશે?, આવનારા અંતિમ ભાગમાં બધા જ રહસ્યો ખુલ્લી જશે.તો વાંચતા રહો.સફરમાં મળેલ હમસફર.
Mer Mehul
અન્ય નૉવેલ પ્રોફાઇલમાંથી મળી રહેશે.