ટહુકો
તલવારની ધારદાર નિખાલસતા
કહેવાતો નગ્ન માણસ પણ ખરેખર અવકાશ ઓઢીને ઊભો હોય છે. વસ્ત્ર ન પહેર્યું હોય એવા માણસને નગ્ન ગણવામાં કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. હવાનું, સૂર્યકિરણોનું, અંધકારનું કે પછી અવકાશનું આવરણ હોય તોય કોઈ માણસ નગ્ન શી રીતે ગણાય ? કોઈ નગ્ન થઈ શકે તે માટે આસપાસ બીજી કોઈ વ્યક્તિ હોવી જરૂરી છે. નગ્નતા, જોનાર વગર ટકી નથી શકતી. ફૅશન અને નગ્નતા બન્ને સમાજ માટે જરૂરી છે. રોબિન્સન ક્રુઝો નિર્જન ટાપુ પર માત્ર દિશા ઓઢીને ફરે તોય નગ્ન ન ગણાય. જ્યાં જોવાવાળું કોઈ હાજર નથી પછી પ્રશ્ન જ રહેતો નથી.
કોઈ પેલા આંબાને નાગો નથી કહેતું. આંબો બસ આંબો હોય છે. રાતરાણી નગ્ન જ હોય છે. ગાય, ભેંસ, બકરી અને બીજાં સૌ પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ નગ્ન છે. માત્ર માણસ ઢાંકેલો છે. કપડાં માણસનું સૌન્દર્ય વધારે છે ? કે પછી એની કુરૂપતા ઢાંકવાનું કામ કરે છે ? નગ્નાવસ્થામાં પણ સુંદર લાગે એવી વ્યક્તિઓ ઓછી હોય છે. માણસ આમ તો સ્વભાવે આવરણપ્રેમી રહ્યો છે.
પગને એ પગરખાં પહેરાવે છે. આંખને એ ચશ્માં પહેરાવે છે. રસ્તા પર એ ડામર પાથરે છે અને અસત્ય પર દંભ પાથરે છે. દુર્ગુણને એ ઢોંગથી ઢાંકી દે છે, મડદાને એ કફનથી ઢાંકી દે છે અને ચોપડીને પૂંઠાથી ઢાંકે છે. ઈશોપનિષદમાં કહ્યું છે કે સત્યનું મુખ સુવર્ણપાત્રથી ઢંકાયેલું છે. આમ હજારો વર્ષ જૂની આ ઢાંકણવિદ્યામાંથી જ વસ્ત્રનો જન્મ થયો જણાય છે.
આમેય નગ્ન સત્ય જીરવવું થોડું મુશ્કેલ છે. અનાવૃત સત્યને નગ્ન સત્ય કહે છે. ગંદા ગોદડાંને તેથી માણસ ચાદરથી ઢાંકી દે છે. જૂના જોડા પર પૉલિશ કરવામાં આવે છે. ઘડપણ ઢાંકવા લોકો હેર-ડાઈ વાપરે છે અને મોંમાં દાંતનું ચોકઠું ચઢાવે છે. આવા આપકમાઈના દાંત પોતાને વારસામાં મળેલાં દાંત કરતાં ખૂબ જ ઊજળા અને દાડમની કળી જેવા હોય છે. તલવારને એ મ્યાન પહેરાવીને રાખી મૂકે છે. એની ધારદાર નિખાલસતા એ જીરવી નથી શકતો. માથાના દુઃખાવાને એ માત્ર એક ગોળીથી ઢાંકી દેવા મથે છે. કોઈ ગોળી માથાનું દુઃખ મટાડતી નથી એ તો એ દુઃખને થોડાક સમય માટે માત્ર ઢાંકી રાખે છે. આ જ રીતે પોતાની ઈજ્જતને ઢાંકવા માણસ દેવું કરે છે અને દેવાને ઢાંકવા ખોટો ઠઠારો કરે છે. મોટરને ગૅરેજ અને લાકડાને સનમાયકા ઓઢાડવામાં આવે છે. ખેતરો પર સિમેન્ટ કૉક્રિટ પાથરીને ઍરપોર્ટ બનાવવામાં આવે છે. માંડવો બાંધીને એ આકાશને ઢાંકવાની ચેષ્ટા કરે છે. માણસનો ‘તરણા ઓથે ડુંગર’વાળો શોખ બહુ જૂનો છે.
બારણું વાસી દઈને, બારી પર પડદો પાડીને સૂર્યને અને મંદિરો બાંધી દઈને ભગવાનને ઢાંકી દેવામાં આવે છે. ધનને તિજોરીમાં અને વાસીપણાને રેફ્રિજરેટરમાં ઢાંકી દેવામાં આવે છે. તપેલીને માણસ અંદરથી કલાઈ કરે છે અને બહારથી કંટેવાળો કરે છે. દીવાલોને રંગવામાં આવે છે અને ફર્નિચરને પૉલિશ કરવામાં આવે છે. ગુનાને ક્યારેક એકાંત પહેરાવી દેવામાં આવે છે. ચેતનાને જડતા વડે અને જડતાને ગતિ વડે ઢાંકી રાખવામાં આવે છે. અંદરની અપર્યાપ્તતા (inadequacy)ને ખોટી બડાશ દ્વારા અને લઘુતાને ઠઠારા દ્વારા સંતાડી રાખવી પડે છે.
ઊંઘને શમણાં દ્વારા અને જાગૃતિને આસક્તિ દ્વારા ઢાંકેલી રાખવામાં આવે છે. હોઠોને લિપસ્ટિક અને ફિક્કા ગાલોને પાઉડર પહેરાવવામાં આવે છે. તડકાને ગૉગલ્સ દ્વારા, શાંતિને લાઉડસ્પીકર દ્વારા, લગ્નના ઉત્સાહને ખોટા ખર્ચા દ્વારા અને હૂંફાળા માનવ સંબંધોને ઔપચારિકતા દ્વારા ઢાંકી રાખવામાં આવે છે. અંગ્રેજીમાં to wear a smile (સ્મિત પહેરવું) એમ કહે છે. ઘણા લોકો સ્મિતનો મેઈક-અપ કરે છે.
આટલી સીધીસાદી વાત ન સમજનાર સૉક્રેટીસને ઝેરનો પ્યાલો પીવો પડ્યો, ઈસુને વધસ્તંભે ચઢવું પડ્યું અને ગાંધીએ બંદૂકના બંધનને ફગાવીને નાસી છૂટેલી ગોળીનો ભોગ બનવું પડ્યું. જ્યાં વાણી, વર્તન, પાણી, જમીન અને સઘળો વ્યવહાર પ્રદૂષિત હોય ત્યાં ભેળસેળ વગરનું સત્ય એટલું તો એકલું પડી જાય છે કે ટકી રહેવા માટે પણ એણ ભોંય ભેગા થવું પડે છે.
આવું ભોંયભેગું થયેલું સત્ય પણ યુગેયુગે ફરીથી પૃથ્વી પર ઊગતું રહે છે. ‘સત્યમેવ જયતે’ સૂત્ર આ અર્થમાં આશ્વાસક છે. લાંબી ધીરજ માગી લે છે કારણ કે સત્ય ચાલુ ખાતામાં નહિ, પરંતુ ફિકસ્ડ ડિપૉઝિટ ખાતે જમા થતું રહે છે.
***