Premni vasant baremas - 5 in Gujarati Love Stories by Nilkanth Vasukiya books and stories PDF | પ્રેમની વસંત બારેમાસ - લેખ - 5

Featured Books
Categories
Share

પ્રેમની વસંત બારેમાસ - લેખ - 5

આતુરતાનો અંત આવ્યો થોડો નજીક આવીને
અનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીને

કોલમ- પ્રેમની વસંત બારેમાસ 
લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર-9824856247 

        ગ્રામીણ વાતાવરણમાં મોટો થયેલ નયન અભ્યાસ અર્થે શહેરમાં આવીને વસવાટ કરે છે અને સાથે નોકરી પણ શરૂ કરે છે. અભ્યાસ અને નોકરીમાંથી સમય કાઢીને નયન વહેલી સવારે ચાલવા નીકળી પડે છે. નયન બગીચામાં જઈને યોગ અને હળવી કસરતો કરે છે. એક દિવસ નયન પોતાના નિત્યક્રમ મુજબ બગીચામાં યોગ કરવા માટે જઈ રહ્યો છે ત્યારે અચાનક જ તેની નજર બગીચાની બહાર પાર્કિંગમાં આવીને ઊભી રહેલી એક ગાડી પર સ્થિર થઈ જાય છે. ગાડીમાં એકલી જ આવેલી યુવતી તરફ નયન એક નજરે જોઈ રહ્યો છે. જાણે કે નયન વર્ષોથી જેનો ઇંતેજાર કરી રહ્યો છે તે જ યુવતી આવી હોય તેવો અલૌકિક આનંદ અનુભવી રહ્યો છે. આ યુવતી જ્યારે ગાડીનો કાચ ચડાવી રહી છે ત્યારે પણ નયન તેને નિહાળી રહ્યો છે. ગાડીમાંથી નીચે ઉતરી યુવતી જ્યારે બગીચા તરફ આવી રહી છે ત્યારે નયનના હૃદયના ધબકારાઓ પણ વધી જાય છે. હવામાં લહેરાતા વાળ, ગુલાબી ગાલ, પડછંદ કાયા જાણે સ્વર્ગની અપ્સરા હોય તેવી લાગતી યુવતી નયન પાસેથી પસાર થાય છે ત્યારે તેની વૈચારિક શક્તિ શૂન્ય બની જાય છે. નયન ફક્ત સ્વરૂપવાન યુવતીને નિહાળ્યા જ કરે. નયન પોતે યોગ અને કસરત કરવાનું ભૂલીને બગીચામાં હળવી કસરતો કરી રહેલી યુવતીને નિહાળ્યા કરે છે અને અડધો કલાક કસરત કર્યા પછી યુવતી જ્યારે બગીચાની બહાર નીકળી રહી છે ત્યારે નયન તેની પાછળ જાય છે અને દૂરથી ગાડીમાં બેસી યુવતીને નિહાળવાનો આનંદ માણી રહ્યો છે. યુવતી જેવી ગાડી લઈને નીકળે છે તો નયન ગાડીની પાછળ પાછળ ચાલતો જાય છે અને તે યુવતીને તો નથી જોઇ શકતો પરંતુ ગાડી દેખાય ત્યાં સુધી તે રસ્તા પર હવે દોડવા લાગ્યો છે. પરંતુ ગાડીની સ્પીડ વધારે હોવાથી થોડી વારમાં જ નયન ની નજર સામેથી ગાડી અદ્રશ્ય થઈ જાય છે. યુવતી કોણ હતી, ક્યાંથી આવી હતી તેના વિશે નયન કંઈ જ જાણતો નથી તેમ છતાં પણ મેં આજે તેને મનોમન પ્રેમ કરવા લાગે છે. નયન આ યુવતીને પામવાનો મનમાં દ્રઢ નિશ્ચય કરે છે. નયન આજે પોતાનો નિત્યક્રમ તોડીને કસરત કર્યા વગર પોતાના ઘરે પરત ફરે છે. પોતાના રોજિંદા કામમાં પણ એનું મન લાગતું નથી અને સવારમાં નિહાળેલી યવતીના વિચારોમાં જ ખોવાયેલો રહે છે. નયન આખો દિવસ કંઈ કામ કરી શકતો નથી અને તે ફરી ફરીને પાછો બગીચા તરફ જાય છે અને યુવતિની શોધ કરે છે. પરંતુ તેને ક્યાંય આ યુવતી જોવા મળતી નથી. એટલામાં જ નયનની નજર બગીચાની બહાર દુકાન પર રહેલા સીસીટીવી કેમેરા તરફ જાય છે અને નયનને થોડી શાંતિ થાય છે કે નક્કી આ સીસીટીવી કેમેરાની અંદર યુવતીની તસવીર કેદ થઈ હશે. નયન સીસીટીવી કેમેરાની મદદથી યુવતીની તસવીર મેળવવા માટે નજીકમાં આવેલ દુકાન પર જાય છે અને દુકાનના માલિક ને વિનંતી કરતાં કહે છે કે આજે વહેલી સવારના સીસીટીવી ફૂટેજ મને બતાવશો તો હું તમારો જીવનભર આભારી રહીશ. શરૂઆતમાં તો આ દુકાનદાર નયનને સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવવાની ના પાડે છે પરંતુ જ્યારે નયન પોતાના મનમાં રહેલી સઘળી વાત દુકાનદારને કરે છે ત્યારે દુકાનદાર નયનને સીસીટીવી ફૂટેજ બતાવે છે અને પોતાના મોબાઈલમાં આ યુવતીની તસવીર લઇ લે છે. સીસીટીવી ફૂટેજનો વીડિયો નયન પોતાની પેનડ્રાઇવ સુરક્ષીત રાખે છે. દુકાનદારનો નયન પ્રણામ કરીને આભાર વ્યક્ત કરે છે અને કહે છે કે તમારી દુકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ના કારણે જ હું મારી ભવિષ્યની રાણીને આજે ફરી નિહાળી શક્યો છું. દુકાનદાર પણ એમને આશ્વાસન આપતા કહે છે કે જો તે સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવથી આ યુવતીને પ્રેમ કર્યો હશે તો ચોક્કસ તને આ યુવતીનો સાથ મળશે જ. દુકાનદારના આ જ શબ્દો નયના કાનમાં ગુંજ્યા કરે છે અને તે યુવતીની તસવીર નિહાળીને તેની શોધખોળ કરી રહ્યો છે. થોડી શોધખોળના અંતે નયને જાણવા મળે છે કે આ યુવતી તેના શહેરમાં રહેતી ખૂબ જ શ્રીમંત પરિવારની એકની એક લાડલી શિવાની છે. નામ મળતાની સાથે નયન ખૂબ જ ખુશ થઈ જાય છે અને શિવાનીના પરિવારનું સરનામું શોધવું થોડું આસાન બની જાય છે. શિવાનીનું સરનામું તો મળી જાય છે પરંતુ શિવાની અને નયનના પરિવાર વચ્ચે આસમાન-જમીનનો તફાવત હોવાના કારણે નયન પ્રેમનો એકરાર કરતાં થોડો સંકોચ અનુભવે છે. તેમ છતાં પણ કોઈપણ પ્રકારના પરિણામની ચિંતા કર્યા વગર નયન નિસ્વાર્થ ભાવે શિવાનીને પ્રેમ કર્યા કરે છે. નયન સામાન્ય પરિવારનો યુવક હોવાથી આવી શ્રીમંત યુવતી સાથે લગ્નનો વિચાર પણ કરી શકે તેમ નથી. તેમ છતાં પણ પોતાને પ્રેમ મળશે જ એવી આશા સાથે નયન શિવાનીને પ્રભાવિત કરવા માટે અવનવી તરકીબ કરી રહ્યો છે. મહિના જેટલો સમય વિતી જવા છતાં પણ નયન શિવાનીની ફરીથી ઝલક નિહાળી શક્યો નથી અને તે શિવાનીની ઝલક નિહાળવા માટે તડપી રહ્યો છે. જ્યારે નયનને ખબર પડે છે કે શિવાની શ્રેષ્ઠ નૃત્ય કરે છે ત્યારે નયન પણ શિવાનીને પ્રભાવિત કરવા માટે નૃત્ય શીખવાનું શરૂ કરે છે. નયનને આશા બંધાઈ છે કે નૃત્યના માધ્યમથી શિવાની કદાચ નજીક આવી શકે છે અને થયું પણ એવું જ. આને કુદરત નો કમાલ કહો કે પછી નયના પ્રેમનો વિશ્વાસ. નયન જે સ્થાન પર નૃત્ય શીખી રહ્યો છે ત્યાં થોડા દિવસોમાં જ શિવાની નૃત્ય શીખવાડવા માટે આવવાની છે તે જાણીને નયન ખૂબ જ હરખાઇ જાય છે અને મુક્ત મને નૃત્ય કરવા લાગે છે. નયનને જોઈને તેની સાથે નૃત્ય શીખવા આવેલા યુવક-યુવતીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહેવા લાગે છે કે આ નયને કયાં નૃત્ય શીખવાની જરૂર છે. એતો મુક્ત મને કૃત્ય કરી જ રહ્યો છે. નયનને તેના નૃત્યના ગુરુ બોલાવીને પૂછે છે કે નયન તું શું કામ અહીં અમારી પરીક્ષા કરવા માટે આવ્યો છે. તને તો નૃત્ય આવડે જ છે ત્યારે નયને કહ્યું ગુરુદેવ મને કૃત્ય આવડતું જ નથી પરંતુ મને આજે અહિ એટલી ખુશી મળી છે કે જેનું હું વર્ણન કરી શકું તેમ નથી અને આ ખુશીના કારણે જ આપોઆપ નૃત્ય કરવા લાગ્યો છું. એવી તો કઈ ખુશી છે તેમ ગુરુએ પૂછ્યું ત્યારે નયનને શિવાની તરફના પોતાના એક તરફી પ્રેમની વાત કરી. ગુરુએ કહ્યું કે સાચે જ પ્રેમમાં તાકાત છે અને શિવાનીના પ્રેમના કારણે તું આજે આવું ઉત્તમ પ્રકારનું નૃત્ય કરી રહ્યો છું. નયન અને શિવાનીને એક કરવા માટે નૃત્ય ગુરુ એક યોજના બનાવે છે અને શિવાની જ્યારે નૃત્ય શીખવાડવા માટે આવે ત્યારે નયન પણ તેની સાથે નૃત્ય કરે યોજના બનાવે છે. જ્યારે શિવાની પોતાની ગાડી લઇને આવે છે તે પહેલા જ નયન બહાર આવીને ઉભો રહી જાય છે અને જેવો ગાડીને દરવાજો ખુલે છે અને શિવાની બહાર આવે છે કે નયન શિવાનીના સ્વાગતમાં નૃત્ય કરવા લાગે છે. ઉત્તમ નૃત્ય જોઇને શિવાની પણ પ્રભાવીત થાય છે અને નૃત્ય ગુરૂને કહે છે કે આવા ઉત્તમ વિદ્યાર્થીઓ આપની પાસે હોય તો મારે ક્યાં તેઓને નૃત્ય શિખવવાની જરૂર છે ત્યારે ગુરૂ કહે છે કે શિવાની તારી પ્રેરણાથી જ નયન નૃત્ય કરી રહ્યો છે. અહિ શિવાની અને નયનની પહેલી મુલાકાત થાય છે અને નયનના મોઢામાંથી શબ્દો નિકળી જાય છે કે, આતુરતાનો અંત આવ્યો થોડો નજીક આવીને, અનહદ આનંદ મળ્યો તને પળભર નિહાળીને. નયનના આવા શબ્દો સાંભળીને ગૂરૂની સાથે શિવાની પણ હાસ્ય રોકી શકતી નથી.