દવાખાનેથી ઘરે આવી એ દિવસે સાંજ સુધીમાં હું પહેલા જેવી થઇ ગઈ હતી પણ મમ્મીનું માનવું હતું કે ગમે તેમ તોયે સાપ કરડ્યો છે આરામ તો કરવો જ પડે એટલે મારે મારી મરજી વિરુદ્ધ પણ ઘરમાં પુરાઈ રહેવું પડ્યું.
મારા રૂમમાં કમ્પ્લીટ બેડ રેસ્ટ દરમિયાન મારી પાસે કોઈ જ કામ ન હતું. બસ આખો દિવસ પથારીમાં સુઈ રહેવાનું. હું કપિલ કેમ છે એ જાણવા એના ઘરે જવા ઇચ્છતી હતી પણ મમ્મીએ કમ્પ્લીટ બેડ રેસ્ટ માટે દબાણ કર્યું હતું. એ મને બહાર તો શું મારા ઘર પાછળના બગીચામાં પણ જવા દે એમ નહોતી.
એ સાંજે જમવાની ડીશ પણ મમ્મી મને બેડ પર જ આપી ગઈ હતી. પાણી પણ મમ્મી લાવીને આપતી હતી. મોમ વોઝ ઓલ્સો ક્રેઝી લાઈક મી.
જોકે મમ્મી મને દબાણ કરી શકતી હતી મારા મનને નહિ, એ ઓવર એક્ટીવ હતું. હું ખુદ પણ એને કાબુમાં રાખી શકતી નહોતી. હોસ્પિટલથી આવતા જ એ કપિલ વિશે વિચારવા લાગ્યું હતું.
મને એક પ્રશ્ન વાર વાર સતાવી રહ્યો હતો - મેં કપિલની વીંટી પહેલા પણ જોઈ હતી. એ ચાંદીની હતી અને લોજીકલી એ સિલ્વર રંગની હતી પણ મારા શરીરમાંથી ઝેર ચૂસ્યા બાદ કપિલની એ રીંગ એકદમ લીલી બની ગઈ હતી. એના પર કોતરેલ સાપ જેવી નકશીના સાપ જાણે જીવતા બની એ ઝેર ચૂસી ગયા હોય એમ એકદમ લીલા પડી ગયા હતા - એ વીંટી ઘાસના લીલા સાપ જેવી ચમકતી ગ્રીનીશ સિલ્વર બની ગઈ હતી.
એ વીંટીમાં શું રહસ્ય હતું એ મને સમજાયુ નહી. જોકે બે બાબતોની મને ખાતરી થઇ ગઈ હતી. એક તો કપિલ કોઈ નાગ નહોતો તો સાથે સાથે એ કોઈ સામાન્ય માણસ પણ નથી અને બીજું મારા અને કપિલ વચ્ચે ગયા જન્મનો કોઈ સબંધ હતો. મારી પુનર્જન્મ થીયરી પાછળ એક ખાસ કારણ હતું - એ મને અનન્યા કહીને બોલાવતો હતો અને હું એને વરુણ કહી બોલાવી રહી હતી અને અમને બંનેને ખબર નહોતી કે અમે એકબીજાને કેમ એવા અલગ નામોથી સંબોધતા હતા.
મારા દરેક સપનામાં કપિલની હાજરી હોવી પણ મારી લાસ્ટ લાઈફ થીયરી માટે પુરતું કારણ હતું. સાચું કહું તો એના વિચારોને મારા મગજમાંથી નીકાળવા કરેલી સતત મહેનત પછીયે હું નિષ્ફળ રહી. છેક મોડી રાત સુધી હું જાગતી રહી.
*
નથીંગ.
મને કોઈ સપનું ન આવ્યું.
એક લાંબી, સપના વિનાની રાત ઘણા લાંબા સમયે મેં એક રાત જોઈ જેમાં મેં કોઈ સપનું જોયું ન હોય.
જયારે હું ઉઠી મારા રૂમની બારી ખુલ્લી હતી. મને યાદ હતું હું એ બારી બંધ કરીને સુતી હતી - કદાચ રાત્રે પવનને લીધે બારી ખુલી ગઈ હશે.
“નયના, બેટા ઉઠી ગઈ...” મમ્મીનો અવાજ સંભળાયો એટલે મેં બારી તરફથી દરવાજા તરફ નજર ફેરવી. હું ઉઠી એ પહેલાની તે દરવાજાની બહાર આવીને ઉભી હતી. એ દરવાજાની લાકડાની ફ્રેમ પર નખથી ટેપિંગ કરી રહી હતી. એ આદત મમ્મી નર્વસ છે એમ બતાવતી. મમ્મી જ્યારે પણ નર્વસ હોતી એ પોતાની આસપાસની કોઈ પણ ચીજ પર પોતાના નખ ટેપિંગ કરતી.
“હા, ઉઠી ગઈ છું..” મેં ઘડિયાળ તરફ નજર કરી. મારી પાસે કોલેજ જવા તૈયાર થવા માટે માત્ર વીસ મિનીટ હતી. એટલા સમયમાં તો મારું નહાવાનું પણ પતે એમ નહોતું. અરધા સુધી ઓઢેલી ચાદર ફગાવી હું બેઠી થઇ.
“ફટાફટ તૈયાર થઇ નીચે આવ...” હું બેઠા થયા પછી ફરી ઊંઘતી નથી એ મમ્મી જાણતી હતી માટે એ નિશ્ચિત બની સીડીઓ ઉતરી ગઈ. મને બીજી છોકરીઓ જેમ એકવાર જાગી ગયા પછી ફરી ઊંઘવાની આદત નહોતી - વન પ્લસ ઓફ મી.
ન્હાઈને હું ફટાફટ બહાર આવી પિંક ટીશર્ટ અને બ્લેક લોઅર પહેરી અને સીડીઓ ઉતરી નીચે ગઈ. બ્રેકફાસ્ટ ટેબલ પર મમ્મીએ એ જ સેમ પિંક રંગના ટપકાવાળી ચાઈના પ્લેટ મારી તરફ ખસાવી. આઈ હેટ ડ્રેગનવેર. ચાઈના આઈટમને અમે ઘરમાં બધા ડ્રેગનવેર કહેતા. પપ્પાને પણ મારી જેમ ચાઈના ચીજો ન ગમતી. અમને બંનેને મેડ ઇન ઇન્ડિયા જ પસંદ હતું.
હું કોલેજ જવા ઇચ્છતી હતી - કોલેજ જવાના પુરા ઈરાદે જ હું તૈયાર થઇને નીચે આવી હતી પણ મમ્મીએ મને પરવાનગી ન આપી. જોકે પપ્પા મારી ફિકર કરવામાં મમ્મી કરતા પણ ચડિયાતા હતા. હું એક જ દિવસમાં કીંગ કોબ્રાના ઝેરની અસરથી એકદમ ઠીક થઇ ગઈ હતી - જે લગભગ માની શકાય એમ નહોતું છતાં એ જ હકીકત હતી. પણ પપ્પા મને એમ આસાનીથી છોડે એમ નહોતા. મારે દશ વાગ્યે એમની સાથે એસન્ટમાં એ જ હોસ્પિટલ જવું પડ્યું જ્યાં ફરી મારો ટેસ્ટ કરવામાં આવ્યો અને ડોકટરે એક હજાર સાતસો રૂપિયા અને મારા શરીરમાંથી સો મીલીગ્રામ જેટલું લોહી લઇ પપ્પાને માહિતી આપી કે મારા લોહિમાં એક ગ્રામ જેટલું પણ ઝેર નથી.
મને નવાઈ લાગી. દરેક ચીજમાં કેલ્ક્યુલેસન રાખતા પપ્પા જયારે મારી સલામતીની વાત આવે કેમ ઉદાર થઇ જતા હતા. પપ્પાએ ડોકટરને એ રીતે ખુશીથી બીલના એક હજાર સાતસો ચૂકવ્યા જાણે ડોકટરે પાંચ મિનીટ નહિ પણ બાર કલાક હાર્ડ લેબર કરીને રીપોર્ટ આપ્યો હોય!
પપ્પા જયારે ડોકટરે લખી આપેલી મેડીસીન લેવા ગયા ત્યારે હું પોતાની જાતને રોકી ન શકી.
“ડોક્ટર સાહેબ, કપિલ ફરી બતાવવા આવ્યો હતો?” મ પૂછી લીધું.
“ના, એ કેમ આવે?” ડોકટરે મને જ સામે પ્રશ્ન કર્યો અને જવાબ પણ પોતે જ આપી દીધો, “એ તો દશેક મીનીટમાં કઈ ન થયું હોય એમ ઠીક થઇ ગયો હતો.”
“એને ફરી આવવાની જરૂર નથી?” મેં ખાતરી કરવા પૂછ્યું.
“ના, એનું લોહી ગઈ કાલે જ રીપોર્ટ માટે લઇ લીધું હતું. એના પપ્પા સાંજે રીપોર્ટ લઇ ગયા હતા જે એકદમ નોર્મલ રીપોર્ટ હતો.”
“નયના...” પપ્પાએ બુમ લગાવી ત્યારે હું કન્સલટન્સી રૂમ છોડી બહાર ગઈ.
ઘરે પાછા ફરતી વખતે કારમાં મારું મન એક જ ચીજ વિચારતું હતું – કીંગ કોબ્રાનું ઝેર પણ જેને અસર ન કરી શકે એ વ્યક્તિ કોણ હોઈ શકે? કપિલ કોણ હશે કે શું હશે એ મને ખાતરી નહોતી પણ એક બાબત ચોક્કસ હતી - આઈ વોઝ ઇન લવ વિથ હિમ.
મને ખબર છે આ પાગલપન છે કોઈને એક જ મુલાકાતમાં ચાહવા લાગવું નરી મૂર્ખાઈ છે તો સાથે સાથે હું એ પણ માનતી હતી કે વેન લવ ઈઝ નોટ મેડનેસ, ઈટ ઈઝ નોટ લવ.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky