Niyati - 21 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ - ૨૧

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિયતિ - ૨૧


બે દિવસ બાદ વાસુદેવભાઇને ઘરે લઈ જવાની મંજૂરી અપાઈ હતી. બંને દિવસ પાર્થ સખત દોડાદોડીમાં રહ્યો હતો. ઘડીક ઑફિસમાં તો ઘડીક ઘરે જઈ આવી બને એટલો સમય એ હોસ્પિટલમાં જ રોકાયો હતો. ક્રિષ્નાએ ઘણી વખત એને ઘરે જવાનું કહ્યું પણ એ માન્યો ન હતો. 
સાંજે હોસ્પિટલમાંથી રજા મળ્યાં પછી, બધી વિધિ પતાવી ઘરે પહોંચતા રાત પડી ગઈ. એમ્બ્યુલન્સમાં પાછા આવેલા વાસુદેવભાઇને સ્ટ્રેચર પર સુવડાવીને બે માણસો અંદર લઈ આવ્યા ત્યારે ક્રિષ્નાને કમકમા આવી ગયા ! જશોદાબેન એમનો રૂમ ઠીક કરી રહ્યા હતા. પાર્થ પેલા માણસોને વાસુદેવભાઇને એમના રૂમ તરફ લઈ જવા દોરી રહ્યો હતો. ક્રિષ્નાને અચાનક માથું દુખવા લાગ્યું. કોઈએ જાણે એના માથામાં હથોડાનો ઘા ઝીંકી દીધો હોય એવી પીડા થઈ આવી.....એના વાળમાં પરસેવો વળી ગયો. એ બંને હાથે માથું પકડીને સોફામાં ફસડાઈ પડી....


એક, બે અને ત્રીજી મિનિટે દુખાવો ગાયબ ! ક્રિષ્ના હાંફી રહી હતી. ક્યારનીયે બંધ કરી રાખેલી આંખો હવે ખોલી હતી. એનો ચહેરો સફેદ રુંની પૂણી જેવો થઈ ગયેલો. આખા મોઢા પર પ્રસ્વેદબિંદુ જામી ગયેલા.

“ ક્રિષ્ના...? શું થયું જાનુ ? તું આમ ઢીલી કેમ પડી ગઈ ?” 

પાર્થની નજર ક્રિષ્ના પર જતા એ તરત એની પાસે સોફા પર બેસતા બોલ્યો, “ અંકલ ઠીક થઈ જશે. આપણે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ અપાવશું.”

“ હું ઠીક છું. બસ, થોડું માથું, ” 

 ક્રિષ્ના સહેજ હસીને બોલી અને માથાપર હાથ મૂકી જ્યાં દુખતું હતું એ જગાએ ફરી આંગળી દબાવી જોઈ. હાલ કંઇ જ ન હતું !

“ બે દિવસના ઉજાગરા છેને એટલે. થોડું ખાઈને તું પણ આરામ કર અને અંકલને માટે ચિન્તા કરવાનું છોડી દે આપણે કાલે જ એમને ફિજીઓથેરાપિસ્તને બતાવી આવીશું. મેં પૂરી તપાસ કરી લીધી છે, ઘણા લોકોને પંદર દિવસ, મહિનામા જ ફરક પડી જાય છે. આપણે પણ એવીજ આશા રાખીએ ! ” પાર્થે ક્રિષ્નાના હાથમાં પોતાનો હાથ મૂક્યો અને જરાક દબાવી પોતાના પર વિશ્વાસ મૂકવાનું જાણે ઈશારાથી કહી રહ્યો.

“ હમમ...પપ્પા જલદી સારા થઈ જ જશે ! મને વિશ્વાસ છે !” ક્રિષ્ના એ પાર્થનો હાથ જરી દબાવી, એની આંખોમાં આંખો પરોવી, આંખોથી જ  કહ્યું , હા મને તારી વાત પર વિશ્વાસ છે ! 

 “ હું ચા બનાવી લાવું. ” ધીરેથી પોતાનો હાથ પાર્થના હાથમાંથી સેરવીને ક્રિષ્ના ઊભી થઈ.

ચા પીને પાર્થ નીકળી ગયો. હવે, ઘરમાં મા દીકરી એકલા પડ્યા. ક્રિષ્ના એ આજે જાતે ખીચડી મૂકી દીધી અને મમ્મીને પપ્પા પાસે બેસવા કહ્યું. કમને મા દીકરી  કોળિયો કોળિયો જમ્યા. બે દિવસનું ખાલી પડેલું ઘર જાણે એના માલિકની યાદમાં ઝુરી ઝુરીને અવાવરું થઈ ગયું હોય એમ લાગતું હતું. કોણ કહે છે કે, ઘરમાં જીવ નથી હોતો ? એક જ ઘર કેટલા રૂપ બદલતું હોય છે ! 

સવારે વહેલા ઊઠીને માદિકરી એ ઘરની  સાફ સફાઈ કરી. પછી ચાલુ થયું ફોન પર જવાબ આપવાનું. સગાંવહાલાંના ફોન પર ફોન આવી રહ્યા. આખો દિવસ બધા ખબર પૂછવા ઘરે આવતા રહ્યા. જે આવતા એ બધા ક્રિષ્ના પર જીવ બાળતા....“ બિચારી...! હજી તો એના લગન કરવાનાય બાકી છે...! વાસુદેવભાઇને કન્યાદાનનું પુણ્ય તો લેવા દેવું હતું...! પાછા જતા જતા સલાહ પણ આપતા જતાં, શું કરે દુનિયામાં એ જ આપવા લોકો ઉદાર બની શકે છે, સારો મુરતિયો જોઈને જટ પરણાવી દો છોકરીને...!! 

“ નોકરીની લાયમાં  જુવાનજોધ દીકરીને આમ ઘરમાં બેસાડી રાખીને એ જ નડ્યું, ” એક ઘરડા માજીએ જશોદાબેનને કહ્યું, “છોકરી કપડાં બદલતી થાય એટલે એને પરણાવી જ દેવાય, નહિતર પાપ લાગે. એના જેવડી હું હતી ત્યારે તો મારા ખોળામાં બબ્બે દીકરા રમતાતા....”

જેટલા લોકો એટલી વાતો ! ગામને મોંઢે ક્યાં ગરણા બંધાય છે ? ક્રિષ્નાને થતું કે આ લોકો ખરેખર તો એની ઈર્ષ્યામાં બોલી રહ્યા છે....એમની છોકરીઓ કાંતો સારું ભણી નહતી કે સારી જગાએ નોકરી નહતી મળી. પાર્થ જેવું એમના સમાજનું સારામાં સારું કહેવાતું કુટુંબ સામે ચાલીને એની સાથે સંબંધ બાંધવા આવેલું એથી તો કેટલાયના પેટમાં તેલ રેડાયું હશે ! જશોદાબેન એક સાદી સીધી ગૃહિણી હતા, એમને આ લોકોની વાતો વિચારવા જેવી લાગતી. એમનાં મનમાં એક છૂપો ડર પણ હતો, ન કરે નારાયણ અને જો ક્રિષ્નાના પપ્પાને કંઈ હા ના થઈ જાય તો પોતે એકલા શું કરે ? દીકરીના લગ્ન, એય તે એમના કરતા ઘણા વધારે સુખી ઘરમાં કરવાના, એમના એકલાના બસની વાત ન હતી. એમણે તો આજ સુધી કદી બેંકમાં એકલા આંટો પણ નહતો માર્યો. જ્યાં જવું હોય, ગમે તે કામ હોય હંમેશા વાસુદેવભાઇ એમની સાથે ને સાથે જ હોય. એમની સલાહ વગર પોતે આજ સુધી એક ડગલુંય ભર્યું નથી, પણ હવે શું ? કદાચ એટલેજ એમનાથી કોઈ ભૂલ ના થઈ જાય એમ વિચારી બધાની ફાલતું સલાહ પણ સાંભળતાં અને એના ઉપર વિચાર પણ કરતા....

બીજે દિવસે સાંજે પાર્થના ઘરની મહિલાઓ બીજી એમના કુટુંબની સ્ત્રીઓ સાથે વાસુદેવભાઇની ખબર પૂછવા આવેલી. વાત વાતમાં પાર્થના મમ્મીએ એકવાર કહ્યું કે, “ વાસુદેવભાઇ વ્યવહારિક જરાય નઈ ! ઘરમાં કે તરત હાથ લાગે એવી જગાએ થોડા રૂપિયા રાખી જ મૂકવા જોઈએ, જશોદાબેનને તો કંઈ ગતાગમ પડે નહીં અને આવા અણીના સમયે મારા પાર્થે બધા બિલ ભર્યા ! ત્રણ લાખ સિતેરહજાર બસો ને વીસ રૂપિયા પૂરા ! બોલો !”

જશોદાબેનનું માથું શરમથી ઝુકી ગયું. એમણે માંડ માંડ કહ્યું, “ અચાનક આવું કંઈ થશે એવી શી ખબર. સારું થયું કે પાર્થ કુમારે મદદ કરી. ”

ક્રિષ્ના  બધા લોકોના સલાહ સૂચનથી થોડી અકળાયેલી તો હતી જ એમાં પાર્થની મમ્મીએ જે કહ્યું એ એને એના મમ્મીપપ્પાના અપમાન સમાન લાગ્યું. આમેય જવાનીમાં કહેછે કે લોહી વધારે ગરમ હોય છે, જરી જરી વાતમાં ઉકળી ઉઠે ! એનુંય ઉકળી ઉઠ્યું. એણે એની ચેકબુક નિકાળી, પપ્પાએ જમાં કરાવેલા પચાસ હજાર ઉપરાંત મુરલીએ ટ્રાન્સફર કરી મોકલાવેલા પાંચ લાખ રૂપિયાનું એના એકાઉન્ટમાં બેલેન્સ હતું, ત્રણ લાખ સીતેરહજાર બસો ને વીસ રૂપિયાનો ચેક ફાડી ને એને પાર્થના મમ્મી સામે ધર્યો, “ કાલે મારી ચેકબુક ઘરે હતી એટલે પાર્થે બિલ આપી દીધેલું. હું આજે એને ચેક આપવાની જ હતી. સારું થયું તમે યાદ કરાવ્યું. ”

પાર્થના ઘરની બધી સ્ત્રીઓ ક્રિષ્નાને એકી નજરે જોઈ જ રહી. એના મમ્મીને ખોટું તો લાગ્યું પણ કંઈ કહ્યા વિના એમણે ચેક લઈ લીધો. આજ સુધી કોઈએ એમની સાથે આવી રીતે વાત નહતી કરી. એ લોકો ચા નાસ્તો લીધા વિના જ મોડું થાય છે કહી નીકળી ગયા. જશોદાબેને એમને ઘણું કહ્યું પણ એ લોકો ના રોકાયા. એમણે ક્રિષ્નાને બે શબ્દો કહ્યા કે એણે આમ ન હતું કરવું જોઈતું. ક્રિષ્ના ચૂપચાપ સાંભળી રહી....એને અંદરથી ઘણું સારું લાગી રહ્યું હતું....
એ જ રાત્રે નવ વાગે પાર્થ મળવા આવેલો. એ લોકો બહાર આંગણામાં ગોઠવાયેલા હીંચકા ઉપર બેઠા હતા. પાર્થે ધીરેથી વાત શરુ કરી,

“ કાલે મે બિલ ચૂકવેલ એ રૂપિયા તે મમ્મીને પાછા આપી દીધા ?”

“ રૂપિયા નહિ ચેક આપ્યો. ” ક્રિષ્ના કંઇક લાપરવાહીથી બોલી.

“ મમ્મીને એથી ખરાબ લાગી શકે એવો વિચાર મનમાં આવેલો ?” પાર્થ એજ હળવાશથી બોલે જતો હતો.

“ અને જે શબ્દો એમણે વાપર્યા એનું કંઈ નહીં ? મેં તને કહ્યું તું કે હું બિલ ભરી દઈશ છતાં તું વહેલો જઈને ભરી આવ્યો.”

“ તારી પાસે આટલી મોટી રકમ, અંકલે આપી રાખેલી ?”

“ ના. હું ત્યાં બીજી એક જગાએ પણ કામ કરું છું ત્યાંથી એડવાન્સમા મળેલા. ધીરે ધીરે હું ચૂકવી દઈશ. ” ક્રિષ્ના થોડી ગભરાઈ ગઈ, ખબર નહિ કેમ પણ ડરી ગઈ !

“સરસ. બેંગલોર તને ખૂબ ફળ્યું લાગે છે, હે ? ફક્ત પંદર દિવસ,”

“ એ મારો બહુ જ સારો દોસ્ત બની ગયો છે એટલે !” ક્રિષ્ના વચ્ચેજ બોલી ઉઠી, “ મુરલી ! એનું નામ મુરલી છે. એ સોફ્ટવેર એન્જિનિયર છે. એને એકલાને ત્યાં ગુજરાતી બોલતા આવડે છે એટલે મને એની સાથે વાત કરવાનું ફાવે છે. એનો પોતાનો ત્યાં બિઝનેસ ચાલે છે હુંય એમાં જોડાઈ છું.” પોતે વગર પૂછે આટલું કેમ બોલી ગઈ ? એની પાસેય જવાબ ન હતો.

પાર્થે એક ઊંડો શ્વાસ લઈ એનો ફોન ક્રિષ્ના આગળ ધર્યો. એમાં એક ફોટો હતો એનો અને મુરલીનો ! બંને એકબીજાની સાથે, હાથમાં હાથ રાખીને સીડીઓ ઉતરી રહ્યા હતા. ક્રિષ્નાએ ફોન પોતાના હાથમાં લીધો અને બીજા ફોટા જોવા લાગી. બધા ફોટા ઘરની બહારના હતા. એ મુરલીની સાથે જરૂર હતી પણ, એવી કોઈ બીભિત્સ કે અજુગતી હરકત કરતા હોય  એવા એ ફોટા ન હતા.

“ પાર્થ તું કહેવા શું માંગે છે ? આ ફોટા તારી પાસે કેવી રીતે આવ્યા ? ”  ક્રિષ્ના ના હાથ ધ્રુજવા લાગ્યા. જાણે એ ચોરી કરતી હોય અને કોઈએ એને રંગે હાથ પકડી લીધી હોય એમ એ ડરી ગઈ હતી.

“ અરે તું તો ડરી ગઈ હોય એમ લાગે છે ! ” પાર્થ હસી પડ્યો. “ કોઈ તો છે જેને તારાથી પ્રોબ્લેમ છે, એણે જ મને આ ફોટોગ્રાફ્સ મોકલાવ્યા હસે. જો જાનું તું અમદાવાદની સીધી છોકરી છે, બહાર મેઘા સીટીમાં લોકો એક સારી નોકરી માટે કેટલી હદે જઈ શકે એ તું વિચારી પણ નઇ શકે ! હું તને એટલેજ બેંગલોર જવાની ના કહેતો હતો.આપણે ભલે ગમે એટલા સારા હોઈએ પણ આપણી આસપાસ જો કીચડ જ ભર્યું હોય તો એના થોડા છાંટા આપડા પર પણ પડવાનાંજ ! આ છોકરા સાથે તું મંદિરે ગઈ હોઈશ, કદાચ ક્યાંય બીજે ફરવા પણ ગઈ હોય તો શું ? મને એથી કોઈ ફરક નથી પડતો. મને મારી જાનું પર ભરોસો છે, આજકાલનો પ્રેમ થોડો છે ? વરસોથી ઓળખું છું તને, પારિજાતના ફૂલ જેટલી કોમળ અને એથીયે વધારે પવિત્ર છે તું ! ”

પારિજાત !  ક્રિષ્ના પારિજાત નામ સાંભળતાં જ ક્યાંક ચાલી ગઈ, ખયાલોમાં ! અધડી રાત, વીજળીનાં ચમકારામાં ચમકી જતું પારિજાતનું મોટું ઝાડ, એની નીચે વેરાયેલા સુગંધિત શ્વેત પુષ્પ....કેસરી દાંડીઓ.......એની નીચે ઉભેલી પોતે અને સામેથી જાણે અડધો ઊંઘમાં ચાલી આવતો હોય એવો, વાંકળીયા વાળ વાળો, મનમોહક સ્મિતનો સ્વામિ મુરલી ! મુરલી ! 

“એય ક્યાં ખોવાઈ ગઈ ?” પાર્થે  ક્રિષ્નાની આંખો આગળ ચપટી વગાડી કહ્યું, “ તને ખરાબ તો નથી લાગ્યું ને ? કોઈ ત્રાહિત માણસે તારું નુકશાન કરવાના ઇરાદે આ ફોટા આજે મને મોકલ્યા એ કાલે કોઈ બીજાને પણ મોકલી શકે ! તપાસ કરવી પડશે આ કોણ છે ? એટલે તને સાવચેત કરવા જ મે તને, ”

“ હું તારી વાત સમજુ છું.”  ક્રિષ્ના વચ્ચેજ બોલી, “ તારા જેવો દોસ્ત ખૂબ નસીબથી મળે, જરૂર મે આગલા જન્મમાં કોઈ પુણ્ય કર્યા હશે. ”

“ ખાલી દોસ્ત ?” પાર્થ  ક્રિષ્નાની આંખોમાં જોતા બોલ્યો.

એણે આંખો મીચી લીધી. રખેને એની આંખોમાં રહેલ મુરલીની છબી એ જોઈ લે.....! આંખો બંધ કરવાથી મન ક્યાં બંધ થાય છે ! એના મનમાં સવાલ જનમ્યો, શું એ પાર્થ સાથે અન્યાય નથી કરી રહી ? પોતે એને પ્રેમ કરતીતી કે નહતી કરતી છતાં, એને જ્યારે પાર્થે પૂછ્યું ત્યારે એણે “હા” કહ્યું હતું. જુઠ્ઠું કહેલું. અત્યારે પણ એ માણસનો પોતે વિશ્વાસઘાત કરી રહી છે....પાર્થનો આખરે વાંક શું ? એ જ કે, એ પોતાને સાચા દિલથી ચાહે છે ! 

પાર્થ ચાલ્યો ગયો એના ઘરે. ક્રિષ્ના અંદર આવી. પપ્પાના રૂમમાં જઈ ત્યાં થોડીવાર બેઠી. એના દરેક સવાલ, એની દરેક મુશ્કેલીનો ઉકેલ મેળવી આપનાર વ્યક્તિ આજે એની સામે હતો છતાં ન હતો !  આજે એને સૌથી વધારે જરૂર હતી એના પપ્પાની. જે મોડ પર આવીને એની જિંદગી અટકી ગઈ છે એમાં એ જ એની મદદ કરી શકે. ઓહ ઈશ્વર મારા પપ્પાને સાજા કરી દે, જોઈએ તો મારી જિંદગીમાંથી થોડા વરસો કાપી લે પણ, એમને જીવાડી દે ! પહેલાંના જેવા જ તંદુરસ્ત, સાજા સારા બનાવી દે !