muscat shahet mari najare in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | મસ્કત શહેર મારી નજરે

Featured Books
Categories
Share

મસ્કત શહેર મારી નજરે

ઓમાન દેશની રાજધાની મસ્કત શહેરમાં એક ટૂંક સમયના રહેવાસી તરીકે ત્રીજી વખત ગયો. જે વસ્તુ મારી આંખને કે મારા મનને નવી લાગી તે આપ સહુ સાથે શેર કરું છું.
આ શહેરની અને ઓમાન ની ખાસિયત એ જોઈ કે અહીં મૂળ નાગરિકો કરતાં બહારના, expartites વધી જાય છે. ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી, ફિલિપિનો, ઈરાની, આફ્રિકન અને છેક દૂર કહી શકાય તેવા થાઈ અને ચાઈનીઝ લોકો ઘણા જોવા મળે. ભારતીયો તો 200 વર્ષ ઉપરાંત થી આ દેશ સાથે જોડાયેલા છે પણ એ વખતે કહે છે ગુજરાતીઓ મહત્તમ હતા. આજે જ્યાં જોઈએ ત્યાં કેરળના લોકો જ દેખાય. મોલના મેનેજર, બીલિંગવાળા, પીયૂન અને સ્વીપર બધા જ કેરાલીઓ. આપણું કામ હિંદીમાં ચાલી જાય. બધે જ.
એક વખત એવો હતો કે expartites 66% અને 34% ઓમાનીઓ કુલ વસ્તીમાં હતા.  ગર્વની વાત છે કે 2015 પછી ભારતમાં એટલી પ્રગતિ થઈ છે કે અહીંની ઊંચી લાગતી કમાણીમાંથી બચત થાય તેની નજીકની બચત ભારતમાં આર્થિક પ્રગતિએ શક્ય બનાવી હોઈ સાગમટે સ્વદેશ પરત ફરતા ભારતીયોને કારણે આજે 44% જેવા expartites રહ્યા છે.
એની સીધી અસર એ પડી કે ફ્લેટ અને ટાવરોમાં ભાડાં ઘટી રહ્યાં છે, મધ્યમ જરૂરી ચીજો જેવી કે ફર્નિચર કે સેકંડહેન્ડ કાર ના ભાવ થોડા ઘટ્યા છે. જીવન જરૂરિયાતની ચીજોના ભાવ 4 વર્ષમાં માત્ર 3 થી 5% જેવા જ વધ્યા છે.
અહીં દર ત્રણ વિદેશીને નોકરીએ રાખો તો એક ઓમાનીને ફરજીયાત નોકરીએ રાખવો પડે. એટલે એ લોકોમાં બેકારીનો દર ઓછો છે.
ઓમાની લોકો દેખીતી રીતે 3 રંગના દેખાઈ આવે. એકદમ ગુલાબી ગોરા, આપણા જેવા પીળા કે ઘઉંવર્ણી અને એકદમ કાળા. ઈરાન કે અફઘાનિસ્તાન જેવા દેશથી આવી વસેલા ગુલાબી, કચ્છ કે કરાચી તરફથી આવેલા આપણા વર્ણના, અને પૂર્વે આફ્રિકાથી આવી વસેલ શ્યામરંગી. શ્યામ શું, બધા રંગને સમીપે જવાય. એ લોકો ખૂબ મદદગાર અને મળતાવડા હોય છે. કેમ ન હોય? એ લોકો  ઓમાની મધપૂડાની રાણી મધમાખી, આપણે લોકો બહારથી આવી મહેનત મજૂરી કરતા કામદાર મધમાખી. તો પણ, પ્રજા આપણને તેમનામાં ભેળવી દે તેવી છે. સિવાય કે નાગરિકત્વ અને સ્થાવર મિલ્કત વસાવવા. રાજ્યને કટોકટીમાંથી ઉગારનાર ખીમજી રામદાસ ત્યાં શેખની માન ભરી ઉપાધિ ધરાવે છે પણ 1974થી વસેલાઓને ત્યાનું નાગરિકત્વ નથી મળ્યું. તેઓ પોતાના નામે મિલકત વસાવી શકતા નથી.
ઓમાની ડ્રેસકોડ બેજોડ છે. પુરુષો સફેદ દિસાદાસ કહેવાતો છેક પાની સુધીનો ઝબ્બો  પહેરે છે. તેમાં ગળા પાસે ઝૂલતાં બે ફુમતાં સુગંધી અત્તર લગાવેલાં જ હોય છે. માથે ટોપીમાં ફુલવેલ જેવી ચોક્કસ ડિઝાઇન સોનેરી, લીલા, લાલ કે ભૂરા રૂપેરી રંગમાં હોય. અમુક.લોકો ખાસ રીતે માથે ટોપીને બદલે ભૂરું, સોનેરી લાઈનો વાળું ફાળિયું વીંટે. આ કહે છે વ્યક્તિ મૂળ ક્યાં વિસ્તારની રહેવાસી છે એ સૂચવે છે. જો કે મને લાગ્યું કે આપણા ચાર વર્ણની જેમ અમુક ધંધો કરતા વર્ગને અમુક ડિઝાઈનની ટોપી હોવી જોઈએ.
સ્ત્રીઓ અહીં કાળા અબાયા નામે ઓળખાતા ઝબ્બા પહેરે પણ મોં ખુલ્લું. બુરખો નહીં. ઊલટું કોઈ મોલ જેવી જગ્યાએ કાર પાર્ક કરી ઉતરતાં પહેલાં લીપસ્ટિક લગાવી મેકઅપ ઠીક કરતી સુંદર સ્ત્રીઓ દેખાય. અબાયામાં પણ આગળ ભરત કે એમ્બ્રોઇડરી કરી આપતાં બ્યુટીક ધ્યાન ખેંચે.
દીસાદાસ નીચે જીન્સ કે અબાયા નીચે લેગીન્સ ડોકાતી હોય. જાહેરમાં ગર્વભેર તેમનો ડ્રેસકોડ પાળે, ઘરમાં ચડ્ડા પહેરતા હશે એમ લાગ્યું.
ડ્રેસ કોડ એટલો સ્ટ્રીકટ કે ખીમજી રામદાસ કુટુંબના લોકો  કે અગ્રગણ્ય  ગુજરાતીઓ પણ ગુજરાતી ફંક્શનમાં દીસાદાસ પહેરીને જ આવે.
અહીં મકાન ચોક્કસ બાંધણીના. ઓમાનના કોઈ પણ વિસ્તારમાં હોય. ઓમાનીઓ બેઠા ઘાટની વીલાઓ માં જ રહેતા જોવા મળે. આપણે તો ત્યાં પણ ફ્લેટમાં, અહીં પણ. બે ને બદલે પાંચ છ પાંદડે થયેલો કોઈક જ ભારતીય વીલામાં રહેતો- (ઊંચા ભાડે) દેખાય.
મકાનના બહારના રંગ સફેદ, ક્રીમ, ઓફવ્હાઇટ અથવા બેઇજ  જ રાખી શકાય તેવો નિયમ છે. ગરમીને કારણે હશે. પણ ગરમી જ્યારે અમદાવાદમાં 45 સે. હતી ત્યારે મસ્કતમાં 39 સે. મસ્કત દરિયાકાંઠે વસેલું છે.
મસ્કત પાઘડીપટ્ટાએ એક બાજુ પર્વતો અને બીજી બાજુ સમુદ્ર વચ્ચે 42 કીમી જેટલી લાંબી સીધી પટ્ટીએ વસેલું  છે.  સમુદ્ર અને પર્વતમાળા વચ્ચેનું અંતર કોઈ પણ જગ્યાએ  માત્ર 500 મીટર થી લઈ મહત્તમ 2.5 કીમી સુધી જ છે.ગામને ચીરતો સુલતાન કબુસ રોડ પસાર થાય છે જ્યાં મહત્તમ ગતિ મર્યાદા 120 કીમી છે! એવા ઘણા રસ્તાઓ છે જ્યાં ટ્રાફિક 120 કીમી ની ઝડપે શહેર વચ્ચેથી પસાર થતો હોય. મોટા ભાગના રસ્તે 80 કીમી કલાકે તો ગતિ મર્યાદા છે જ. એનાથી 10 કીમી વધુ કે ઓછી સ્પીડે જઈ શકાય. નહીંતો ધીમા ગયા બદલ પણ દંડ થાય! પીળી લાઈટ થઈ એટલે ઉભી જવાનું. ટ્રાફિક ભંગ માટે 20 કે 40 રિયાલ દંડ થી માંડી એક દિવસ જેલની પણ સજા છે! રાત્રે બે વાગે પણ લાલ લાઈટ જોઈ કાર ઉભી જ જાય.
એક રિયાલ એટલે આશરે 175 રૂ.
અહીં પાણી અને પેટ્રોલ કાગભગ સરખા ભાવે મળે છે. 200 બૈસા એટલે કે 36 રૂ. જેવા ભાવે લીટર. એટલે જ રેસ્ટોરાંમાં પાણી ફ્રી ન મળે. બોટલ બીલમાં ઉમેરાઈને જ આવે. સામે અંતરિયાળ શહેરોમાં ખાલી આમલેટ મંગાવો તો પીતા રોટી એટલે કે મેંદા, ઘઉંની મિશ્ર રોટી અને કાકડી ટામેટા વગેરેનો સેલાડ મફત આપે. અમને સુર શહેરમાં સારા રેસ્ટોરાંમાં સબ્જી સાથે રોટીની ટોકરી અને મૂળા કાંદા ટામેટાનો સેલાડ ફ્રી આપેલો.
સુર ની વાત નીકળી એટલે લખું, કહે છે કે આપણી સુરૈયા અટક સુર સાથે વેપાર કરતા લોકો પરથી આવી છે. સુર અને દ્વારકા સામસામા આવેલાં છે.
ઓમાનમાં મસ્કત, સુર, નિઝવા, સલાયા મુખ્ય શહેરો છે. બધે ભારતીયો એટલા છે કે હિંદીમાં કામ ચાલી જાય અને કોઈ ને કોઈ ભારતીય, અરે ગુજરાતી રેસ્ટોરાં મળી જ જાય. સલાયામાં તો  મુંબઇ તડકા નામે મહારાષ્ટ્રી વાનગીઓ જ પીરસતું રેસ્ટોરાં હતું અને મરાઠી નાટકોનું મંચન કરતું નાટ્યગૃહ હતું!
ટાકા જેવા નાના ગામમાં  ચપ્પલની દુકાનમાં કે મીરાબાત નામના બીચ પર સુલભ શૌચાલયમાં સ્લીપ ફાડતો  અને અરેબિક બોલતો કેરાલી જોયા. નાની હોટલોમાં બાંગ્લાદેશીઓ કામ કરતા જોયા.
અહીં લારી કે ફેરિયા ન હોય. ચા માટે નાની કેબીન જેવી દુકાન હોય જેમાં બેસવાની પણ બે એક ટેબલની વ્યવસ્થા હોય. પણ મેં લોકોને હાથમાં પેપરકપ પકડી ઝડપી ચાલે ચાલતાં જ ચ્હા પીતા જોયા છે. ચા 100 બૈસા એટલે કે 17 રૂ. જેવો 200 ml. નો કપ. એ પણ સારી ક્વોલિટીની. ક્યાંય પણ જાઓ, ચા કોફી નો બધે એક જ ભાવ.
અંતરિયાળ જગ્યાએ ચા ને 'કરક' કહે છે. કડક ચા? છાશ માટે લબાન શબ્દ છે. દહીંને યોઘર્ટ કહેવાય જે અનેક ફ્લેવરમાં, અનેક રંગમાં મળે. એ મસાલેદાર થી માંડી મીઠું કે ચેરી કે ફ્રૂટના કટકા નાખેલું પણ હોય. ક્રીમ જેવું. સ્મૂધ.
અહીંની ભાષામાં પ નથી. પ ને બદલે બ જ હોય. એટકે જ પાર્ક ને બદલે બાર્ક કહેતા ઓમાની ની જોક પ્રચલિત છે. ટ્યુલીપ હોટેલ ને બદલે ટ્યુલિબ લખ્યું હોય. 5 સ્ટાર હોટલમાં.
દરેક દુકાન પર તેમ જ કારની નંબર પ્લેટ પર અંગ્રેજી અને અરેબિક એમ બે ભાષામાં જ લખવું પડે. જો કે સરકારી કચેરીઓ, દવાખાનાઓ પર માત્ર અરેબિકમાં જ લખ્યું હોય. આખી વઝીરાત સ્ટ્રીટ જ્યાં સરકારી કચેરીઓ જ છે, ત્યાં એક પણ દ્વિભાષી બોર્ડ ન દેખાય.
દરેક દુકાનમાં ત્યાંના સુલ્તાન કબુસનો ફોટો ફરજીયાત છે.
માંદા પડો તો હોસ્પિટલમાં જ કેસ કઢાવવાનો. આપણી જેવા mbbs ડોક્ટરના ક્લિનિક ન હોય. થર્મોમીટર બતક જેવા આકારનું, સેન્ટિગ્રેડમાં માપે અને કાનમાં નાખીને. 36.8 હોય તે નોર્મલ. આપણું 98.4 ફેરનહિટ.
તાવ ઉતારવા ઇન્જેક્શન નહીં, સીધી દવા નાખેલી ગ્લુકોઝ ડ્રિપ ચડાવે. ટ્રીટમેન્ટ ખર્ચાળ.
બાળપણમાં વાર્તા ભણેલા કે રાજાને ધૂળ લાગતા રાજ્યની જમીન ચામડે મઢાવવા કહે છે. મોચી ફક્ત રાજાના પગ ઢંકાય એવા જુતા બનાવી આપે છે. અહીં મસ્કતમાં તો સાચે જ ક્યાંય ધૂળ ન દેખાય. કહેવાતું રણમાંનું શહેર. બધે કાં તો પેવર પાથરી હોય કે રિસાઈકલડ પાણી વડે ઘાસ ઉગાડ્યું હોય. રસ્તાની ધારે. એટલે જ મારું ધ્યાન દોરાયું કે અહીં ભારતમાં ગુંગા આવે તે કાળા હોય અહીં ભૂલથી પણ આવે તે સફેદ હોય. માત્ર ચામડી. ધૂળ નહીં.
સફાઈ એટલી કે રસ્તાપર ટ્રક ઉભાડી  વેક્યુમકલીનર નું ગોળ વ્હીલ ફેરવી, પાણી છાંટી સાફ થાય અને કાગળના ટુકડા જેવી ચીજો ચિપિયાથી લઈ સફાઈવાળો કોથળામાં ભરે. કચરો નાખવાની ને થુકવાની તો સજા છે જ,  જાહેરમાં લઘુશંકા માટે તો જેલ જ છે. જો કે દરેક પેટ્રોલ પંપ કે મોલ જેવી જગ્યા, ગાર્ડન, બીચ વ. પર વૉશરૂમ એટલે કે મુતરડી હોયજ અને ચોખ્ખી જ હોય.
અહીં ડ્રાઇવિંગ ટેસ્ટ જાહેર રસ્તાપર ભર ટ્રાફિકમાં જ લેવાય! મોલમાં લઈ જઈ પાર્ક કરાવાય, ઢાળ, સર્કલ જેને રાઉન્ડ એબાઉટ કહે છે તેની પ્રદક્ષિણા, રિવર્સ પાર્કિંગ, 120 ની સ્પીડે લેવાની અને એસી બંધ કરી પાર્ક કરવાની. સહેજ પણ ભૂલ કરી કે ફેઈલ.
લગભગ દરેક પાસે કાર, એ પણ આપણે મોંઘી અને ભવ્ય કહીએ તેવી હોય છે. હમણાં સુધી તો યુ.એસ. જેવા દેશોની આયાત કરેલી કાર ખૂબ ચાલતી. હવે તેના રજિસ્ટ્રેશન આકરાં કર્યાં હોઈ લોકો મુશ્કેલી અનુભવે છે. મજૂર બાંગ્લાદેશીઓ કે ભારતીયો સાઇકલ વાપરે છે અને સાઇકલ ચલાવનારે ફલ્યુરોસંટ  જેકેટ દિવસે પણ પહેરવાં પડે છે. પેટ્રોલ ઉત્પાદક દેશ હોવા છતાં સાઇકલ ચલાવવા પ્રેરણા આપતી જાહેરખબરો જોવા મળે છે. 
સામાન્ય યાતાયાત માટે મસલત (સ્પેલિંગ masalat લખે છે જે maslat હોવો જોઈએ) લખેલી મસ્કત મ્યુનિસિપાલિટી અને ઇન્ટરસિટી ઓમાન સરકાર ચલાવે છે. બેય સફેદ રંગની, ઉપર વહાણ અને પવન સુચવતી રેખાનો સ્કેચ. મસલત બસ નાં સ્ટેન્ડ એસી હોય છે. ઓટોમેટિક ખુલતાં ડોર. ટિકિટ ડ્રાઇવર પાસેથી લેવાની. બસમાં ફ્રી વાઇફાઇ હોય છે અને અંગ્રેજી તેમ જ અરેબિકમાં નેક્સટ સ્ટેન્ડ ની સૂચનાઓ આવે છે. શેરિંગ ટેક્ષીઓ ચાલે છે. પ્રાઇવેટ ટેક્ષી ખૂબ મોંઘી પડે છે. આઠ કીમી ના 6 રિયાલ એટલે હજાર રૂ. આપેલા. તેમની ઉપર કોઈ અંકુશ નથી.
મકાન ભાડે આપવા લેવા સીધું બિલ્ડીંગ ઉપર જ બોર્ડ મારે 'to rent flat. Contact no…..'. 
હમણાં હમણાં ભારતીયોનો પ્રવાહ સ્વદેશ તરફ વધ્યો હોઈ આવાં બોર્ડ લગભગ દરેક બિલ્ડીંગ પર દેખાય છે. ભાડા કરાર મેઇન્ટેઇન કરતી કંપની, આપણે અને p.f. trustees સાથે હોય છે! ત્યાંના લોકોના P.f. ના પૈસા આમ બિલ્ડિંગના ભાડાની આવકમાં રોકાય છે.
ભારતીય સંતાનોને ભણવા મસ્કતમાં જ 17 ઇન્ડિયન સ્કૂલ છે. CBSE. ઇન્ટરનેશનલ પોષાય એના માટે ખરી. ડ્રો થી એડમિશન. ત્યાં પણ વાદી કબીર વિસ્તારની શાળાએ ફી ખૂબ વધારી એ સામે ભારતીય વાલીઓએ દેખાવ કરેલા. ભારતીય શિક્ષણમાં કાગડા ત્યાં પણ કાળા લાગ્યા. ડ્રો માં ઘરથી 20 કીમી દુરની પણ સ્કૂલ મળે. અરેબિક સાથે અંગ્રેજી માધ્યમની ઓમાની બોર્ડની સ્કૂલો છે પણ મને કહેવાયું કે તે ઓમાની નાગરિકો માટે જ છે જે અદ્યતન અને તદ્દન મફત. રેસિડેન્ટ કાર્ડ ધરાવતા ભારતીયનાં સંતાનને ત્યાં દાખલ ન કરાય એમ કોઈએ કહ્યું.
મસ્કતમાં ખૂબ જુનાં શિવમંદિર અને હવેલી એટલે કે કૃષ્ણમંદિર છે. કહે છે ઓમાનમાં માત્ર મસ્કતમાં જ આ બે હિંદુ મંદિર છે. શિવરાત્રીના દૂરના શહેરોમાંથી ચારેક કલાક ડ્રાઇવ કરી લોકો લાંબી લાઈનમાં ઉભી દર્શન કરવા આવેલા. કાર દોઢ કીમી દૂર ઉભાડી મંદિરની ફ્રી બસ લઈ જાય. તે દિવસ પુરતી.
હિંદુ સ્મશાન મસ્કતથી બે કલાકના રસ્તે સોહારમાં બનાવ્યું છે. તે ઓમાનમાં એક માત્ર છે.
અહીં બારેય મહિના દરેક ફ્રૂટ કે શાક મળે. સસ્તું હોય કે મોંઘું. અમેરિકા ના લાલ બટાકા, ફિલિપાઈન્સ ના કેળા, 
લગભગ બારે માસ કોઈ ને કોઈ દેશની કેરી, લાલ, કાળી,લીલી ને જાત જાતની દ્રાક્ષ, સંતરા જેવડાં લીંબુ, 500 ગ્રામની એક એવી ડુંગળી ને એવું બધું મળે. શાક માર્કેટ મત્રામાં એસી , એલ્યુમિનિયમની ફ્રેમમાં કાચની દુકાનોવાળી છે. બીજી માબેલા નામની ગામના દક્ષિણ છેડે આવેલી જગ્યાએ છે. મોલમાં શાકભાજી, કરિયાણું કે દૂધમાં પણ સ્કીમ આવે એટલે ઓછા પૈસે લેવા લોકો દોડે.
અહીં નવાઈ લાગી, નિશ્ચિત જગ્યાએ દાણા અને ગોળના ખોળ જેવી ચીજ નાખતા હોઈ કબૂતર આવે પણ કાગડા દેખાય નહીં. શેરીનાં કૂતરાં દેખાયાં જ નહીં. ઘરમાં પાળવા માટે પણ કરી શરતો.  શેરીનાં નાકે કચરાપેટીઓ હોય જ્યાંથી ટ્રક કચરો એકઠો કરે, ત્યાં બીલાડીઓ જોઈ. ઉંદર, વંદા જેવું જોયું નહીં. રસ્તે તો ગાય ભેંસ ન હોય, પણ ગામડાઓમાં પણ બકરીઓ જોઈ, અંતરિયાળ જગ્યાઓએ પણ ગાય ભેંસ હશે કે નહીં એ ખબર ન પડી.ઊંટનું દૂધ પીવાય છે એ માન્યતા ખોટી પડી. એક સ્ટોરમાં ઊંટનું દૂધ મળતું હતું, સામાન્ય હાઈ ફેટ અલ મરાઈ કરતાં ત્રણ ગણી કિંમતે અને એ વેચનારને પણ તે દૂધ કેવું હોય એ વિશે જાણકારી ન હતી. એ દૂધ માત્ર લોકમેળા જેવી જગ્યાએ અમુક સ્ટોરમાં જ વેંચાય છે. 
શિસ્ત અને સ્વચ્છતાના કોઈ વધુ પૈસા આપવા પડતા નથી. એ ત્યાંથી આપણે શીખવા જેવું છે. 
ઠેકઠેકાણે  રસ્તાની બાજુઓએ લીલોતરી અને ઋતુ મુજબ ફૂલો ઉગાડેલાં. રિસાઈકલડ જળથી સ્પ્રીંકલિંગ એટલે ગોળ.ઘૂમતા ફુવારા દ્વારા પાણી છાંટી એ બાગ જીવાડતા સરકારી માળીઓ જોયા.
અહીં ઇન્કમટૅક્સ નથી પણ સર્વિસટેક્સ દરેક ખરીદી ઉપર 5 થી 10% જેવો  છે.
મુસ્લિમ કાયદા મુજબ કોઈ ઓમાની ચાર પત્ની રાખી શકે પણ દરેકને જુદી રાખવી પડે અને સરખી સુવિધા, મિલ્કતમાં સરખો ભાગ આપવો પડે. એટલે આડકતરી રીતે  બહુપત્નીત્વ અટકાવ્યું છે.
જાહેરમાં ટૂંકા વસ્ત્રો પહેરી ફરી શકાતું નથી. બીચ ઉપર પણ જાહેરમાં વસ્ત્રો બદલી કે કાઢી શકાતાં નથી. આલ્કોહોલિક પીણાં જાહેરમાં પી શકાતાં નથી. શરાબ વેંચતી દુકાનો આબુ કરતાં અહીં ઓછી, ભાગ્યે જ દેખાઈ.
કપડું કે બુટ જેવી વસ્તુ ફાટે એટલે રીપેર કરાવવી શક્ય નથી. ફેંકી જ દેવાની. પસ્તી પણ વેંચવાની પ્રથા નથી.
સમગ્રપણે રહેવું ગમે એવો દેશ ઓમાન અને એવું મઝાનું શહેર મસ્કત.
ઘણું લખી શકાય એમ છે પણ જે મારી ભારતીય આંખે અસામાન્ય લાગ્યું એ લખ્યું છે. આશા છે આપ સહુને ગમશે.
-સુનીલ અંજારીયા