Premni pele paar - 23 in Gujarati Love Stories by Shefali books and stories PDF | પ્રેમની પેલે પાર... - ભાગ - ૨૩

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમની પેલે પાર... - ભાગ - ૨૩

આગળના ભાગમાં આપણે જોયું કે અભી, આકાંક્ષા અને સૌમ્યા અમદાવાદ પાછા આવી જાય છે. આકાંક્ષા બધાની સામે અભીના લગનની વાત મૂકે છે જેનાથી અભી ગુસ્સે થઈ જાય છે. પ્રથમ વિશે જાણ્યા પછી આકાંક્ષા પોતાની જાતને દોષી માનવા લાગે છે અને અડધી રાતે સૌમ્યાને મળવા જાય છે. હવે આગળ ...

*****

ખોરંભે ચડાવી દે છે જીવન આ પ્રશ્નો,
નથી આપતા ઉકેલ કોઈ આ પ્રશ્નો,
મોતની કગાર પર ઉભી છે જિંદગી,
તોય નથી લાવતા કોઈ નિવેડો આ પ્રશ્નો...

"તું મારી ચિંતા ના કર આકાંક્ષા. મને કઈ જ ખરાબ નથી લાગ્યું. હું સમજી શકું છું અભી પ્રત્યેની તારી ચિંતા, તારો પ્રેમ... અને એટલે જ કોઈ પણ સ્ત્રી માટે અઘરો પડે એવો અભીને પરણાવવાનો નિર્ણય તું લઇ શકી." આકાંક્ષાની મુંઝવણ જોઈ સૌમ્યા બોલી...

"સૌમ્યા એક વાત પૂછું ?" આકાંક્ષા બોલી...

"હા, પૂછ ને.. તને હક છે." સૌમ્યા એ જવાબ આપ્યો...

"શું તું પ્રથમને કે બીજા કોઈને પણ ચાહે છે? થોડી ઘણી પણ લાગણી થઇ હોય કોઈના માટે ?", આકાંક્ષા એ પૂછ્યું...

સૌમ્યાના મનમાં પ્રથમની છબી ઉપસી આવી પણ આકાંક્ષા પોતાના વિચાર કળી ના જાય એટલે તરત જ એણે પોતાના વિચાર ખંખેરી નાખ્યા અને મોઢા ઉપર સ્મિત પહેરીને બોલી, "એવું હોય તો અત્યાર સુધી હું ચૂપ રહી શકું ખરી!?"

આ સાંભળીને આકાંક્ષાને રાહત થઈ અને એણે પોતાની વાત આગળ વધારી, "તું તો જાણે છે ને અભીને !? એક દમ નારિયેળ જેવો... ઉપરથી કડક લાગે પણ અંદરથી એક દમ લાગણીશીલ... કોઈ દિવસ પોતાની તકલીફ વિષે કહે નહિ, બસ મનની વાત મનમાં જ રાખે. મારા પછી એક તું જ છે કે એને સારી રીતે સમજી શકે અને એને સંભાળી શકે. મને ખબર છે હું ઘણું વધારે પડતું માંગી રહી છું તારી જોડે પણ મારી જોડે એટલો સમય નથી બચ્યો કે હું બીજુ કઈ વિચારી શકું."

પછી અચાનક જ આકાંક્ષા ઊભી થાય છે અને એનો દુપટ્ટો બે હાથમાં જાણે ખોળો પાથરતી હોય એમ પકડીને બોલે છે, "હું આજે મારા અભી માટે તારો હાથ માંગુ છું! શું તું મારી આ માંગણી સ્વીકારીશ?"

આકાંક્ષાની આંખોમાં નિસહાયતા જોઈને સૌમ્યાનું હૈયું વલોવાઈ ગયું. એણે તરત જ એના બંને હાથ પકડી લીધા અને મક્કમ આવજે બોલી, "હા... હું અભી જોડે મેરેજ કરીશ."

આ સાંભળીને આકાંક્ષાની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ. એ સૌમ્યાને ભેટી પડતા બોલી, "સૌમ્યા... સૌમ્યા... મને ખબર નથી પડતી હું શું કહું? જો તારો આભાર માનીશ તો એ તારું અપમાન હશે. તારા આ સમર્પણ નું અપમાન... મને પહેલેથી જ તારા અને અભીની દોસ્તી માટે માન હતું અને આજે આ માન અભિમાનમાં પરાવર્તિત થઈ ગયું. મને ગર્વ છે કે અમને તારા જેવી મિત્ર મળી."

"હા પણ અભી નું શું? એણે તો હજી હા નથી પાડી લગ્ન માટે...", સૌમ્યાએ પોતાની શંકા વ્યક્ત કરતા કહ્યું.

"અભીને હું મનાવી લઈશ. એને માનવું જ પડશે. મારા માટે... તો જ મારા મનને શાંતિ મળશે." આકાંક્ષાએ કહ્યું અને વિશ્વાસના ડગ ભરતાં દરવાજા તરફ ગઈ...

એના ગયા પછી સૌમ્યાના આંખોના બંધ તૂટી ગયા. ભલે આ વાત માટે એણે પહેલેથી જ મનને મનાવી લીધું હતું પણ આજે એક સાથે કેટલા સવાલો એ એને ઘેરી લીધી. "મેં તો ક્યારેય અભી વિશે એવું કઈ જ નહતું વિચાર્યું તો શું હું મારી દોસ્તીને દ્રોહ તો નથી કરી રહી ને? દુનિયા અમારી આ દોસ્તી અને તેના લીધે લીધેલા મારા નિર્ણયને સમજી શકશે ? કોઈ એમ તો નહીં સમજેને કે અભી માટે પહેલેથી જ લાગણી હશે એટલે જ માની ગઈ..." અને એ ઓશિકા ઉપર મોઢું દબાવીને જોર જોરથી રડી પડે છે.

રાત તો આમ જ વીતી ગઈ. સવારે ઉઠતાની સાથે જ આકાંક્ષાને માથું થોડું ભારે લાગતું હતું. અભીના આગ્રહના લીધે થોડો બ્રેકફાસ્ટ કર્યો અને રૂમમાં આવી એ આડી પડી. થોડી વાર રહીને ઉબકા જેવું લાગ્યું. બાજુમાં જગમાં જોયું તો પાણી નહતું અને અભી પણ નહાવા ગયો હતો એટલે ઈચ્છા ના હોવા છતાં એ ઉભી થઇ. પણ જેવા બે ડગલાં ચાલે છે ને ચક્કર.. એ અભીને બૂમ પાડે છે. અભી બાથરૂમમાંથી બહાર આવે ત્યાં સુધીમાં તો એ ફર્શ ઉપર પડી હોય છે. બાજુમાં પડેલી કોર્નર ત્રીપાઈનો ખૂણો એના કપાળમાં વાગ્યો હોય છે ને એમાંથી થોડી લોહી નીકળતું હોય છે. આ જોઈને અભી ગભરાઈ જાય છે. અને ડોક્ટર ખુરાનાની વાત યાદ આવી જાય છે કે ગમે ત્યારે ચક્કર, ઉબકા અને ઊલ્ટી જેવી સમસ્યા ચાલુ થઈ જશે, ધીમે ધીમે ખોરાક પણ ઓછો થતો જશે અને દિન પ્રતિદિન આ સમસ્યા વધતી જશે.

અભી સાચવીને આકાંક્ષાને પલંગ ઉપર સુવડાવે છે. સૌમ્યા અને અભીના મમ્મી પપ્પા બધા આકાંક્ષાની આજુબાજુ ગોઠવાઈ ગયા હોય છે. અભી આકાંક્ષાની બાજુમાં એનો હાથ પકડીને બેસી જાય છે અને વારે વારે એના કપાળ ઉપર હાથ ફેરવે છે. આ જોઈને બધાની આંખોમાં પાણી આવી જાય છે. વાતાવરણ થોડું ભારે થઈ જાય છે, જાણે કાળનો પડછાયો રૂમ ઉપર ફરી રહ્યો હોય એવું...

પરિસ્થિતિની ગંભીરતા જોઈ આકાંક્ષા બધાનો મૂડ સારો કરવા બોલે છે,"અભી જો તો પેલી ટીપોઈ તો ભાંગી નથી ગઈને !? મારું મજબૂત માથું ભટકાયું હતું તો..!"

ન ઇચ્છવા છતાં અભી થોડુ મલકાયો. ને ફરી એ જ ચિંતાનો ઓછાયો એના ચહેરા પર પથરાઈ ગયો. એક પ્રકારની અસહાયતા એની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતી હતી. પોતે આટલો સફળ વ્યક્તિ હોવા છતાં કઈ જ કરી શકતો ન હતો. એના હાથમાં કશું જ ન હતું. ને અભીની આંખોની આ નિઃસહાયતા જ આકાંક્ષાને કોરી ખાતી હતી. સૌમ્યાએ હા પાડ્યા પછી આકાંક્ષા થોડી હિમતમાં આવી હતી. એને પોતાના દર્દ કરતા પણ અભીની વધુ ચિંતા હતી.

સ્ત્રી એકલતા સહન કરી શકે છે કારણ કે એ પોતાનો જીવ બીજે પરોવી દે છે, પણ પુરુષ ક્યારેય કહી પણ શકતો નથી ને બસ મનોમન મુંઝાયા રાખે છે. આકાંક્ષા ઇચ્છતી ન હતી કે અભી આવી એકલતા સાથે જીવે. આમ જ વિચારમાં ને વિચારમાં આકાંક્ષાને ફરી તરસ લાગી એટલે ઉભી થવા ગઈ. બધાએ એને રોકી, અભીએ ગ્લાસમાં પાણી આપ્યું. એના હાથ થોડા કંપન કરતા હતા. પાણીનો ગ્લાસ અભીના હાથમાંથી નીચે પડી ગયો. આકાંક્ષા અભીની હાલત જોઈ ખૂબ પીડા અનુભવી રહી.

આકાંક્ષાની દવાનો ટાઈમ થયો હતો એટલે સૌમ્યા થોડું ફ્રુટ ને જ્યુસ લઈને આવી. આગ્રહ કરવા છતાં આકાંક્ષા કશું ખાતી કે પીતી ન હતી. બધા એને સમજાવતા હતા કે થોડું ખાઈ લે તો દવા પી શકાય. પણ આકાંક્ષા જીદ પર ચડી હતી. અભીએ ખૂબ સમજાવી પણ આકાંક્ષા ટસની મસ ન થઈ. એ પોતાનું મોઢું ખોલવા પણ તૈયાર ન હતી. બધાને પણ આશ્ચર્ય થયું કે ક્યારેય નહીં ને આજે આકાંક્ષા આવી જીદ કેમ કરે છે! પછી બધાને લાગ્યું કે કદાચ બીમારીને લીધે હશે.

અભીએ કહ્યું,"કઈ નહિ અક્ષી ચલ દવા પી લે, પછી ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે. "

આકાંક્ષા બોલી, " મારે કશું જ નથી ખાવું, ના દવા કે ન બીજું કંઈ, પ્લીઝ મને એકલી છોડી દો બધા. અહીંથી જતા રો..."

અચાનક આકાંક્ષા આમ ચિડાવા લાગી. એટલે પછી બધાને લાગ્યું કે એને થોડી વાર એકલી રહેવા દેવી જોઈએ એટલે બધા બહાર જતા રહ્યા. અભી એક એની પાસે બેસ્યો.

આકાંક્ષા આરામ કરતી હતી. એક મોટી ઉધરસ આવી ને  એને જોરથી વોમીટ થઈ. અભી એની પાસે ગયો આકાંક્ષાને પાણી આપ્યું પણ આકાંક્ષાએ પાણી ન પીધું. હવે અભી થોડો ગુસ્સે થતા બોલ્યો,

"શું છે અક્ષી આ બધું, તું કેમ કઈ મોઢામાં નથી નાખતી. કેમ કોઈનું માનતી નથી. નથી દવા પીતી, નથી કઈ જમતી, નથી પાણી પીતી, શું કરવું છે તારે?"

આકાંક્ષા બોલી, "જો તારે મારી કોઈ વાત ન માનવી હોય તો મારે પણ નથી માનવી."

અભી કહે, "શું ? મેં તારી કઈ વાત નથી માની અક્ષી. બોલ તારે શું જોઈએ છે હું તો તારું બધું માનું છું. "

આકાંક્ષા બોલી," અભી લગ્ન માટે હા પાડી દે. જો મેં સૌમ્યાને પણ બધું પૂછી લીધું છે અને એને કોઈ તકલીફ નથી આ લગ્ન થી બસ હવે તારી હા ની રાહ છે."

અભી ફરી મોટે અવાજે બોલ્યો, "ફરી એની એ જ વાત તને કેટલી વખત કહ્યું, હું તારા સિવાય કોઈને મારા જીવનના સ્થાન આપી શકું જ નહીં. એ શક્ય જ નથી તો બીજું ગમે તે માંગી લે એ હું આપવા તૈયાર છું. "

આકાંક્ષા બોલી, "તો મને મોત આપી દે અભી. આજે જ આપી દે, મારે નથી જીવવું હવે, હું તારી આવી હાલત નથી જોઈ શકતી. અને તને આમ એકલો જોઈને તો મારા આત્માને પણ મુક્તિ નહિ મળે. તું સમજતો કેમ નથી. મારા આત્માની શાંતિ માટે આ લગ્ન જરૂરી છે."

આકાંક્ષા રડવા લાગી એને જોર જોરથી ઉધરસ આવી, અભી દવા પીવડાવવા આગળ ગયો, પણ આકાંક્ષાએ એનો હાથ પકડી લીધો ને બોલી,

" અભી જ્યા સુધી તું હા નહિ કહે ત્યાં સુધી હું મોઢામાં કઈ જ નહીં નાખું, દવા પણ નહીં."

આકાંક્ષાને ફરી વોમીટ થઈ. અભીથી એની આવી હાલત જોઈ શકાતી ન હતી.

જીવનમાં ઘણી એવી પરિસ્થિતિ આવે કે આ પાર કે પેલે પાર કોઈ પણ વિકલ્પ ગમતો નથી હોતો તો પણ નિર્ણય લેવો પડે છે. અભી મનોમન ખૂબ પીડા અનુભવી રહ્યો. એના માટે અત્યારે આકાંક્ષા સિવાય હાલ કોઈ જ મહત્વનું ન હતું. ને આકાંક્ષા આજે જીદે ચડી હતી. એની તબિયત પણ ખૂબ નરમ રહેવા લાગી હતી. ને થોડો પણ સ્ટ્રેસ એના જીવનના દિવસો ઓછા કરે એમ હતો. મોતનો કોઈ વિકલ્પ નથી પણ જ્યા સુધી જિંદગી છે ત્યાં સુધી તો આશા છે જ. અને અભી અત્યારે એવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો.

અભી આકાંક્ષાના પગ પાસે બેસી ચોધાર આંસુએ રડવા લાગ્યો, આકાંક્ષા પણ એના હાથ પકડી ખૂબ રડી, એ બોલી,
"અભી આ મારી અંતિમ ઈચ્છા સમજી લે પ્લીઝ, મરતા વ્યક્તિની છેલ્લી ઇચ્છા તું પૂર્ણ નહિ કરે !"

અભી ભાવુક થઈ બોલ્યો,
"અક્ષી, તું જે કહીશ એ માનીશ, બસ તું આ દવા પી લે.."

હઠ આ કેવી સમજાતી નથી,
સ્વીકાર્યા છતાં સ્વીકારાતી નથી,
નથી રહ્યો સાર હવે કોઈ આ જીવવાનો,
તારા વિના જિંદગી કલ્પી શકાતી નથી....

© હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા