Lime light - 22 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૨૨

Featured Books
Categories
Share

લાઇમ લાઇટ - ૨૨

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૨

"લાઇમ લાઇટ" ની સફળતાની ચિંતા કરતા પ્રકાશચંદ્રએ સ્થિતિ જાણવા પીઆરનું કામ કરતા સાગર સાથે વાત કરી ત્યારે તેણે ફિલ્મને રસીલીને કારણે વાંધો નહીં આવે એવું કહ્યું. પ્રકાશચંદ્રને થયું કે તેમણે આટલી બધી ફિલ્મો આપી હોવા છતાં નવીસવી રસીલીને કારણે ફિલ્મ ચાલશે એનો મતલબ શું? પોતાની આટલી વર્ષોની મહેનત અને નામની કોઇ કિંમત જ નથી? સાગરની વાતથી ઠેસ પામેલા પ્રકાશચંદ્રએ જરા કડક અવાજમાં પૂછ્યું:"સાગર, તારો કહેવાનો મતલબ શું છે? મને કોઇ ઓળખતું જ નથી..? મારા નામ પર ફિલ્મ ચાલવાની નથી?"

સાગરને સમજાઇ ગયું કે પ્રકાશચંદ્ર વાસ્તવિક્તા સ્વીકારી શકશે નહીં. એટલે તેણે પ્રકાશચંદ્રને સારું લાગે એવી વાત કરી:"પ્રકાશચંદ્રજી, તમે સમજ્યા નહીં. મારું કહેવાનું એમ છે કે રસીલીના આકર્ષણથી દર્શકો થિયેટર સુધી ખેંચાઇ આવશે. પછી ફિલ્મ જોઇને તેમને ખ્યાલ આવશે કે ડાયરેક્ટર કમાલના છે. તમે વેબ પર અત્યાર સુધીમાં રીવ્યુ પણ વાંચ્યા હશે. મેં તમારા કામના વધુ વખાણ કરવાની જ ક્રિટિક્સને ભલામણ કરી હતી."

"ના હજુ કોઇ રીવ્યુ વાંચવામાં આવ્યા નથી. અને જે ન્યુઝ હતા એમાં રસીલીનો જ ઉલ્લેખ હતો. અને પેલી હોલીવુડની ફિલ્મ પણ આપણા માટે વિલન બની શકે એમ છે..." પ્રકાશચંદ્રનો ગભરાટ વધતો જતો હતો.

સાગર માટે તો બધા ગ્રાહક સરખા હતા. હવે આજ પછી તેણે "લાઇમ લાઇટ" નો પ્રચાર કરવાનો ન હતો. તેનું કામ પૂરું થઇ ગયું હતું. પણ પ્રકાશચંદ્ર ઇમોશનલ થઇ ગયા હતા એટલે ધરપત આપ્યા સિવાય છૂટકો ન હતો. "અરે! પ્રકાશચંદ્રજી, હોલીવુડની ફિલ્મોનો એક અલગ દર્શકવર્ગ હોય છે એ તમે જાણો જ છો. એની મૂળ અંગ્રેજી ફિલ્મો જ દર્શકો વધુ જુએ છે. હિન્દીમાં ડબ થયેલી ફિલ્મો ઓછા લોકો જુએ છે. અને બોલીવુડની બીજી કોઇ મોટી ફિલ્મ રજૂ થઇ ન હોવાથી હિન્દી "લાઇમ લાઇટ" સિવાય તેમની પાસે બીજો કોઇ વિકલ્પ નથી. તમે જોજોને તમારો ખર્ચ વીકએન્ડમાં જ નીકળી જાય એટલી કમાણી કરશે.... હં....મારે બીજો ફોન આવે છે. હું પછી ફોન કરીશ..." કહી સાગર પીછો છોડાવતો હોય એમ ફોન કટ કરી દીધો.

પ્રકાશચંદ્ર સૂનમૂન થઇ બેસી ગયા. જો "લાઇમ લાઇટ" હિટ ના રહી તો ભવિષ્ય અંધકારમય થઇ જવાનું છે. કેટલી બધી ટેરેટરીમાં ફિલ્મને જાતે રજૂ કરવી પડી છે. એમ વિચારતા પ્રકાશચંદ્ર બપોર પડવાની રાહ જોવા લાગ્યા. બપોર પછી વેબસાઇટો પર ફિલ્મોના રીવ્યુ આવવાના શરૂ થઇ ગયા હતા. પણ મોટાભાગના અખબારોની વેબસાઇટોએ "મેસેન્જર્સ : ફર્સ્ટ ગેમ" ની સમીક્ષા આપવામાં જ રસ બતાવ્યો હતો. "લાઇમ લાઇટ" ના રીવ્યુ ખાસ દેખાતા ન હતા. એક-બે વેબસાઇટ પર આઠ-દસ લીટીમાં સમીક્ષા હતી. અને તેમાં રસીલીના બદનની જ તારીફ હતી. રીવ્યુ કરતાં રસીલીના હોટ ફોટા વધુ જગ્યા રોકતા હતા. પ્રકાશચંદ્રનો તો નામ પૂરતો જ ઉલ્લેખ હતો. ત્યારે પ્રકાશચંદ્રને થયું કે ભલે મારી પ્રશંસા ના થાય. ફિલ્મ રસીલીના નામ ઉપર પણ ચાલી જાય તો ઘર નહીં જાન પણ બચી જાય.

પ્રકાશચંદ્ર જેટલી જ ઉત્સુક્તા કામિનીને હતી. પણ પ્રકાશચંદ્ર કરતાં કદાચ વધુ ચિંતા કામિનીને હતી. પતિએ પહેલી વખત કમર્શિયલ ફિલ્મ બનાવીને મોટું સાહસ કર્યું છે એનો તેને ખ્યાલ હતો. તેણે અર્ધાંગિની તરીકે બધી જ મદદ કરી હતી. પોતાની જાત વેચીને તેમની ફિલ્મ પૂરી કરાવીને રજૂ થાય ત્યાં સુધી સહાય કરી હતી. પણ પ્રકાશચંદ્રને જાણે તેની કદર ન હતી. તે કોઇ વાત તેની સાથે શેર કરતા ન હતા. તેની બેડ પર જ નહીં ઘરમાં પણ અવગણના કરતા હતા. ફક્ત આર્થિક જરૂરિયાત વખતે જ તેની મદદ માગતા હતા. તેની શારિરીક જરૂરિયાતની તો એમને વર્ષોથી પડી ન હતી. કામિની મનોમન ગૂંગળાતી હતી. એમના માટે શયનેસુ રંભા હતી જ નહીં પણ રસીલી મળી ત્યારથી તો જાણે હું પત્ની જ મટી ગઇ હોય એવું કરી રહ્યા છે. હવે ફિલ્મ ચાલી જાય પછી તેમની સાથે બધી વાત કરી લેવી છે. કામિનીએ પોતાના મોબાઇલમાં "લાઇમ લાઇટ" વિશે સર્ચ કરવા માંડ્યું. જ્યાં પણ ફિલ્મ વિશે ઉલ્લેખ હતો ત્યાં રસીલીના અર્ધનગ્ન ફોટા અને તેની બોલ્ડ બ્યુટી વિશે જ વાત હતી. ફિલ્મની વાર્તા, નિર્દેશન કે સંગીત વિશે કોઇ કંઇ લખતું ન હતું. એક સમીક્ષકે તો વાર્તાને વાહિયાત ગણાવી હતી. રસીલીના અંગપ્રદર્શન માટે જ ફિલ્મ બનાવી હોય એવો અભિપ્રાય આપ્યો હતો.

કામિનીને વાર્તાની ખબર હતી. ફિલ્મમાં એક એવી વેશ્યા ચાંદનીની વાર્તા હતી જેને મળવા એક યુવાન ફોટોગ્રાફર આવે છે. પહેલી વખત એ યુવાન તેની રૂમમાં આવે છે અને તેના રૂપને જોઇ રૂમમાં નજર નાખે છે ત્યારે રસીલી કહે છે, "સાબ, યહાં પર જો આતા હૈ વો ઇસ કમરે કો દેખતા નહીં હૈ, ઉસકી નજર મેરી કમર કે નીચે હી જાતી હૈ...." પણ એ યુવાન તો ચાંદનીનું મોહક રૂપ જોઇ આભો બની ગયો હોય છે. આટલી સુંદર સ્ત્રી આવા રૂમમાં રહે છે તેની નવાઇ લાગે છે. તેના માટે તો આખું વિશ્વ છે. તે છેલ્લા ઘણા મહિનાથી મોડેલ તરીકે કામ કરી શકે એવી અતિસુંદર યુવતીની શોધમાં હતો. તેને કોઇએ સૂચન કર્યું હતું કે નયનાબાઇના કોઠા પર તને એકએકથી ચઢિયાતી સુંદરીઓ મળી જશે. તેને જેવી આકર્ષક અને સેક્સી રૂપવતીની શોધ હતી એ બધું જ ચાંદનીમાં હતું. તે ચાંદનીને પોતાના આગમનનું સાચું કારણ કહે છે અને મોડેલ તરીકે કામ કરવાની ઓફર કરે છે. ચાંદની માટે તો આ સુવર્ણ તક હતી. જો એ મોડેલ તરીકે સફળ થઇ જાય તો ચાંદી જ ચાંદી હતી. આ ધંધાની ઝંઝટમાંથી છૂટી જાય એમ હતી. ચાંદનીએ ઘડીના છઠ્ઠા ભાગમાં સંમતિ આપી દીધી. ફોટોગ્રાફર અનિકેતે તેને એટલું કહ્યું કે તારે થોડો સંઘર્ષ કરવાની તૈયારી રાખવી પડશે.

અનિકેતની મહેનત રંગ લાવી. ચાંદનીને ચમકાવતી એક ફેરનેસ ક્રિમની જાહેરાત લોકપ્રિય થઇ ગઇ. અને એક પછી એક જાહેરાત ચાંદનીને મળવા લાગી. તે મનોમન અનિકેતને ચાહવા લાગી. અનિકેતના દિલમાં પણ તેના પ્રત્યે પ્રેમના અંકુર ફૂટ્યા હોય છે. ત્યાં તેને એક મોટી ફિલ્મ મળે છે. ત્યારે અનિકેત તેની કારકિર્દી બનાવવા તેને પોતાની સાથેનો પ્રેમ છુપાવવા કહે છે અને એ ફિલ્મના હીરો સાથે ચક્કર ચલાવવા કહે છે. ચાંદનીને નવાઇ લાગે છે. અનિકેત તેને સમજાવે છે કે મારા બદલે ફિલ્મના હીરો સાથેના અફેરની ખબર ઉડશે તો તેને વધારે પબ્લિસિટી મળશે અને સતત મિડિયામાં ચર્ચામાં રહી શકશે. પણ બને છે એવું કે ચાંદની તેની ફિલ્મના હીરોને ખોટો પ્રેમ કરવા જતાં સાચોસાચ પ્રેમ કરવા લાગે છે. અને લગ્ન પણ કરી લે છે. પછી તો અનિકેતને ભૂલીને ચાંદની પોતાની દરેક ફિલ્મના હીરોના પ્રેમમાં પડતી રહે છે. તે ચાર-ચાર હીરો સાથે લગ્ન કરીને કુંવારી રહે છે. તેની છાપ "લગ્ને લગ્ને કુંવારી હીરોઇન" ની પડી જાય છે. એક સમય એવો આવે છે કે તેની પાસે ફિલ્મ જ હોતી નથી. તે કામ માટે ભટકે છે. ત્યારે તેને પોતાનો પહેલો પ્રેમી અનિકેત યાદ આવે છે. ચાંદની અનિકેત પાસે જાય છે. અનિકેત એટલો દિલદાર હોય છે કે તેને ફરી આવકારે છે અને તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ જાય છે. બંને લગ્ન કરી લે છે. દર્શકોને લાગે છે કે ફિલ્મનો સુખદ અંત આવી ગયો છે. પણ ટ્વિસ્ટ હજુ બાકી હોય છે. ચાંદની અનિકેતની મદદથી ફરી મોડેલ તરીકે સક્રિય થાય છે અને ફરી લાઇમ લાઇટમાં આવી જાય છે. તેને એક નવા હીરો સાથે ફિલ્મ મળે છે. તે હીરો સાથે અફેર કરે છે. તેને સમજાઇ ગયું હોય છે કે આ ક્ષેત્રમાં આ રીતે જ "લાઇમ લાઇટ"માં રહી શકાય છે. નવા હીરો સાથેની એ ફિલ્મ હિટ થતાં તેનું પુનરાગમન થાય છે, અને છેલ્લા દ્રશ્યમાં ચાંદની એ હીરો સાથે સાત ફેરા ફરતી દેખાય છે...

કામિની વિચારી રહી. પ્રકાશચંદ્ર સાથે સાત ફેરા ફર્યા પછી તેને શું મળ્યું? તેને માત્ર એક પત્નીનો દરજ્જો મળ્યો હતો. તેણે કોઇ સુખ મેળવ્યું નથી. હવે એનો અંતિમ ફેંસલો કરી લેવો છે બસ સાત દિવસમાં....

*

"લાઇમ લાઇટ" ના પહેલા દિવસના છેલ્લા શોમાં શહેરના એક મલ્ટિપ્લેક્સમાં ઠીકઠીક ભીડ હતી. પ્રકાશચંદ્ર છૂપા વેશમાં ત્યાં ટિકિટબારી પાસે ઊભા રહી લોકોનો ગણગણાટ સાંભળતા હતા. લોકો માત્ર અને માત્ર રસીલી વિશે જ વાત કરતા હતા. કોઇ તેને ફટાકડી કહેતું હતું તો કોઇ સેક્સ બોમ્બ! પ્રકાશચંદ્ર સમજી ગયા કે રસીલીનું ભવિષ્ય તો ઉજળું જ છે. પોતાનું શું થશે એ કાલે બપોરે બોકસ ઓફિસનો પહેલા દિવસનો રીપોર્ટ કહી આપશે.

બીજા દિવસનો સૂરજ ઊગે એ પહેલાં જ પ્રકાશચંદ્ર ઊઠી ગયા હતા. આખી રાત તે ઊંઘ્યા જ ન હતા. તેમની ઊંઘ ઊડી ગઇ હતી. રાત્રે તે થોડી થોડી વારે મોબાઇલમાં "લાઇમ લાઇટ" વિશે સર્ચ કરતા રહેતા હતા. પણ નવા કોઇ સમાચાર અપલોડ થતા ન હતા. હોલીવુડની ફિલ્મના બંપર ઓપનિંગની જ ચર્ચા વધારે હતી.

સવારે અગિયાર વાગે તો ટ્રેડ એનાલિસ્ટ તરુણકુમારનું ટ્વિટ આવી ગયું. હોલીવુડની ફિલ્મ આ વર્ષની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ સાબિત થઇ હતી. અને હિન્દી ફિલ્મ "લાઇમ લાઇટ" બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. તે આખા દેશમાં એક કરોડ રૂપિયા પણ મેળવી શકી નથી. સમીક્ષકોએ મિશ્ર અભિપ્રાય આપ્યો હતો. પણ દર્શકોએ નકારી કાઢી છે. બીજા દિવસના તેના મોટાભગના શો રદ કરી હોલીવુડની ફિલ્મનો ક્રેઝ હોવાથી તેના શો ગોઠવવામાં આવી રહ્યા છે.

પ્રકાશચંદ્ર તરુણકુમારનો નાનકડો અહેવાલ પણ આખો વાંચી શક્યા નહીં. તેમને ધરતી ગોળ ગોળ ફરતી લાગી. આકાશ તૂટી પડવાનું હોય એવો ડર ઊભો થયો. શું કરવું એ સમજાતું ન હતું. હાથમાં મોબાઇલ સાથે જ તે ફર્શ પર ઢળી પડ્યા.....

ત્યારે બીજા રૂમમાં બેઠેલી કામિનીના મોબાઇલની રીંગ રણકી. સ્ક્રીન પર રાજીવનું નામ હતું. ફાઇનાન્સર રાજીવે તેનો હપ્તો માગવા ફોન કર્યો હશે એમ વિચારી તેણે ફોન ઉઠાવ્યો:"હેલ્લો... "

સામેથી રાજીવનો ઉત્સાહભર્યો સ્વર છલકાયો:"કામિની! એક સારા સમાચાર છે...!"

કામિનીને થયું કે રાજીવ પાસે પોતાના માટે કયા સારા સમાચાર હશે?

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૧૮૦૦૦ થી વધુ ડાઉનલોડ તથા ૩૩૦૦ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ" ના આ પ્રકરણમાં "લાઇમ લાઇટ"ની નિષ્ફળતાથી ઢળી પડેલા પ્રકાશચંદ્રને શું થયું હશે? ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? આ ઉપરાંત જૈનીને સાકીર સાથે ફિલ્મ કરતાં ધારા અટકાવી શકશે? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પહેલી વખત પ્રકાશચંદ્ર પોતાનો સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો હજુ ઊભા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, મારી ૧૨૫ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૫૪ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૬૫ લાખને પાર કરી ગયો છે એ માટે સૌનો ખાસ આભાર!

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે.

વાચકોના ૧.૨૩ લાખથી વધુ ડાઉનલોડ અને ૨૦૩૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની બીજા અનેક પાત્રો સાથેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તેના હેરતઅંગેજ ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લઘુ નવલ "આંધળો પ્રેમ" ૬૦૦૦ ડાઉનલોડ

અનેક પ્રેરણાત્મક વાર્તાઓનો ખજાનો "જીવન ખજાનો" ૬૦૦૦ ડાઉનલોડ

ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"

અને રોમેન્ટિક (ગલતી સે મિસ્ટેક- ૧૫૦૦ ડાઉનલોડ) તથા સામાજિક વાર્તાઓ (મોટી બહેન – ૫૦૦ ડાઉનલોડ) અને વિવિધ બાળવાર્તાઓ તો ખરી જ.