કાલ ચૌદશ..A Story Of Revenge ભાગ-૨
પાછળના ભાગમાં આપણે જોયુ કે સેનાપતિ કુમારભાણનું મન વ્યાકુળ હોવા છતાં રાજા ઈન્દ્રસેન સાથે જંગલમાં શિકાર માટે જાય છે.
જંગલની મધ્યે પહોંચીને રાજા ઈન્દ્રસેન સામેનું દ્રશ્ય જોતાં જ ચકિત થઈ જાય છે.
ચો-તરફ લીલી-લીલી વનરાઈ અને જાણે કે સુરજ સાથે સંતાકુકડી રમતા હોય એવા પહાડો, એમાં પણ પાછી આતો ચોમાસાની ઋતુ એટલે તો આ વનના સૌંદર્ય વિશે કહેવુ જ શું?
વનનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. પહાડ પરથી વહેતા ઝરણા જાણે આ સૌંદર્ય માં ચાર ચાંદ લગાવી દે છે.
વહેતા ઝરણા નો ધોધ જીલતું એક અત્યંત મોહક સરોવર ત્યાં કુદરતના ખોળે રમે છે.
અને ત્યાંજ નગરની કેટલીક કન્યાઓ હસી-ઠીઠોલી કરતી કરતી ત્યા મસ્ત મગન થઈ ને મોસમ નો આનંદ માણતી હોય એમ ત્યા સરોવરના પાણીમાં ક્રીડા કરી રહી છે.
પાણીના બેડા સરોવર કાંઠે મુકીને પોતપોતાની ધુન માં મસ્ત થઈ ને મૌસમનો આનંદ માણે છે, કોઈ માછલી ની જેમ જળમાં સરકે છે, તો કોઈ એક બીજી પર પાણી ઉડાડી ને હસી-ઠીઠોલી કરે છે.
એજ સમયે રાજા ઈન્દ્રસેન અને સેનાપતિ કુમારભાણ ત્યાથી પસાર થાય છે.
તે કન્યાઓ એટલીતો મગ્ન થઈ છે કે ઘોડાઓને તબડક-તબડક અવાજ પણ તે કન્યાઓનું ધ્યાન દોરી શક્તો નથી.
એમાં રાજા ઈન્દ્રસેનનું ધ્યાન અનાયાસે જ એક કન્યા પર જાય છે.
અને રાજા ઈન્દ્રસેન ચકીત થઈ જાય છે.
રાજા ઈન્દ્રસેનના મોઁ માંથી શબ્દો સરી પડે છે,
“ સેનાપતિજી જોવો તો ખરી, દીનાનાથે જાણે આને નવરા પળે ઘડી હશે ને....!
કોન છે આ કન્યા સેનાપતીજી......જુઓ તો ખરા એનું રૂપ,
ચાલે તો જાણે કંકુ ની પગલીઓ પડે,
હસે તો બત્રીસ પાંખડીઓ ખરે,
પ્રેમના ભમરાઓ ગુંજારવ કરે,
અરે ઊગમણી વાયરા વાય તો આથમણી નમે,
અને આથમણી વાયરા વાય તો ઊગમણી નમે,
અને ન કરે નારાયણ ને જો ચારે કોરથી વાયરા વાય તો ભાંગીને ભુક્કો થઈ જાય.......
મ્રુગલી જેવા નેણ,
ભુખી સિંહણ જેવી કેડ,
બારવટીયાની બરછી,
સુકી વાડ નો ભડકો,
ભાદરવાનો તડકો,
ઊડાડો તો આભમાં ન સમાય ને પ્રેમ થી સંકેલો તો નખમાં સમાય જાય........”
“ અરે..! બસ મહારાજ”
રાજા ઈન્દ્રસેન ના મુખે થી આટલા વખાણ સાંભળી ને સેનાપતી કુમારભાણ અધવચ્ચે જ અટકાવતાં બોલ્યા.
“અરે સેનાપતીજી પણ આ સુંદરીનું રૂપ જ કંઈક એવું છે ને કે હું મારી જાતને એના વખાણ કર્યા વગર રોકી શકતો નથી.”
મહારાજ પ્રસન્ન ભાવે બોલ્યા.
રાજા ઈન્દ્રસેન ના મન માં શું ચાલી રહ્યું છે, એ જણવાની કોશીશ કરી રહ્યા હતા.
પરંતુ કંઈ સમજ મા ન આવતા સેનાપતી કુમારભાણે મહારાજ ને ઉદ્દેશી ને કહ્યું
“તો ચાલો મહારાજ.....આપણે આગળ પ્રસ્થાન કરીએ.”
પરંતુ મહારાજ તો જાણે તે સુંદરી ના જ દીવાસ્વપ્નમાં ખોવાયેલ હતા.
સેનાપતી શું બોલી રહ્યા હતા એ બાજુ તો ધ્યાન જ ન હોતુ.
સેનાપતી એ બે-ત્રણ વાર મહારાજ ને બોલાવ્યા પરંતુ મહારાજ નો ઉત્તર જ ન મળતાં મહારાજ ને ઢંઢોળી ને મોટા સાદે કહ્યું
“ મહારાજ......મહારાજ....”
મહારાજ ઈન્દ્રસેન જાણે સ્વપ્ન માંથી જાગતા હોય એમ ચકીત થઈ ઉઠ્યા અને બોલ્યા
“હા...હા સેનાપતીજી તમે કંઈક કહેતા હતા...?”
“ હા મહારાજ....હું એમ કહેતો હતો કે જો આપની આજ્ઞા હોય તો આપણે હવે આગળ વધીએ”
સેનાપતી એ હસતા હસતા કહ્યું.
“ અરે હા ચાલો, પણ આગળ નહીં મહેલ તરફ....કેમ કે આગળ જતાં તો ગામડું આવી જાય છે, ત્યાં આપણને ક્યાય શિકાર નહીં મળે. (અને આમ પણ આજનો આપણો આજ નો ફેરો ફોગટ નથી ગયો.-મહારાજ મનમાં બોલ્યા)તો ચાલો આપણે હવે મહેલ તરફ પાછા ફરીએ.” મહારાજે સેનાપતીજી ને કહ્યું.
રાજાની આજ્ઞા મળતાં જ સેનાપતી એ ઘોડો પાછળ ફેરવી ને રાજા ઈન્દ્રસેન અને સેનાપતી કુમારભાણ મહેલ ની તરફ ચાલી નીકળ્યા.
સુર્ય ઢળતાંજ રાજા અને સેનાપતી મહેલ પહોંચી ગયા....
સાંજ ના ભોજનનો સમય થઈ ગયો હતો તેથી સેનાપતી કુમારભાણ મહારાજની આજ્ઞા લઈને પોતાના નિવાસ તરફ પ્રયાણ કર્યુ.
“મહારાજ ને આજે અચાનક આ શું થઈ ગયુ...આવું તો ક્યારેય નહોતુ થયું. મહારાજ તો નગરની તમામ પ્રજાને સંતાનોની જેમ સાચવે છે. તો પછી આજે એ કન્યાને જોઈ ને મનમાં આવો ભાવ કેમ જાગ્યો. હશે.... સમય આવ્યે જોયુ જશે....”
આમ મનમાં જાત-જાત ન વિચાર કરતા કરતા સેનાપતીજી ક્યારે પોતાના નિવાસે પહોચી ગયા એનો ખુદ ને પણ ખ્યાલ ન રહ્યો.
જ્યારે આંગણા મા રમતા ૩.૫ વર્ષના બાળકે સાદ દીધો ત્યારે પોતાને ધ્યાન આવ્યુ કે તેઓ નિવાસે પહોંચી ગયા છે.
“અરે મારો લાડકો કુંવર....આજે તો તુ મારૂ સ્વાગત કરવા આંગણા મા ઉભો હતો.”
ઘોડાની સવારી થી નીચે ઉતરીને પોતાના વહાલસોયા દિકરાને વહાલથી તેડતા કહ્યું.
તો આ તરફ મહારાજ નું મન આજે ક્યાય લાગતું નહોતુ. જ્યા ત્યા બસ પેલી કન્યા ના જ વિચાર મન મા આવ્યા કરતા હતા.
ક્યારે પોતે મહેલ પહોંચ્યા, ક્યારે ભોજન કરવા માટે બેઠા અને ક્યારે જમવાનો થાળ પીરસાયો એ પણ ખ્યાલ ન રહ્યો.
પરંતુ જ્યારે જમવાના આસનની બાજુ મા કોઈની હાજરીનો અનુભવ થતાં મહારાજ ઈન્દ્રસેન નુ ધ્યાન એ તરફ ગયુ.
જોયું તો પોતાનો લાડકો કુંવર સુમીતસેન પિતાની બાજુ મા બેસી ને જમી રહ્યો હતો અને કિલ્લોલ કરી રહ્યો હતો.
મહારાજ ઈન્દ્રસેનને ૩ સંતાનો હતા બે દિકરીઓ અને એક દિકરો.
મોટી દિકરી ચંદ્રમુખી ૧૫ વર્ષની,
નાની દિકરી ચંદ્રલેખા ૧૧ વર્ષની,
અને દિકરો સુમીતસેન ૩ વર્ષનો.
રાજાને મન તેના ત્રણેય સંતાનો ખુબ જ વહાલા હતા.
ભોજન પરવારી ને જ્યારે રાજા ઈન્દ્રસેન સુવા માટે પોતાના કક્ષમા ગયા.
થોડીવાર આમ તેમ પડખા ફેરવ્યા પણ કેમેય કરીને આજે મહારાજને ઊંઘ આવતી નહોતી.
કોણ હશે એ..એનું નામ શું હશે...શું એ મારા જ નગરની છે...આમ મનમાં સતત પેલી કન્યાના જ વિચાર આવતા હતા.
ત્યાજ અચાનક મનમાં ચમકારો થયો અને મહારાજ મનોમન બોલ્યા...
“બસ તો પછી, કાલે જ હું સેનાપતી ને કહી ને ત્યા પ્રસ્તાવ લઈ ને મોકલુ છું.......”
ક્રમશઃ
મહારાજ ઈન્દ્રસેન ક્યા પ્રસ્તાવની વાત કરી રહ્યા હતાં.....?
આખરે તેના મનમાં શું ચાલી રહ્યુ હતું........?
શિકારે જતી વખતે સેનાપતી ના મનમાં ઉઠેલ વ્યાકુળતા નું શું પરીણામ આવવાનું હતું…..?
શું છે આ કાલ ચૌદશ નું રહસ્ય....?
જાણવા માટે વાંચો....કાલ ચૌદશ..A Story Of Revenge ભાગ-૩
આ હોરર નોવેલ લખવનો મારો પહેલો પ્રયત્ન છે. માનુ છું કે કદાચ પૂર્ણતઃ યોગ્ય રીતે લખાયેલ નહી હોય, પરંતુ બની શકે એટલું બેસ્ટ લખવાનો પ્રયત્ન કરીશ, છતાં પણ કંઈક ઊણપ વર્તાય તો જણાવવા વિનંતી. બસ એટલી જ આશા રાખુ છું આપ સૌ વાંચક મીત્રોનો સારો સહયોગ મળશે. જેથી ભવિષ્યમાં આગળ લખવાની પ્રેરણા મળે.