Budhvarni Bapore - 15 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 15

Featured Books
Categories
Share

બુધવારની બપોરે - 15

બુધવારની બપોરે

(15)

કબુતર કબુતર

કબુતર શાંતિનું દૂત કહેવાતું હશે, પણ એ તો જેના માથે ચરક્યું હોય એને પૂછી જુઓ કે, દૂતો આવા હોય? હિંદુઓ અભિષેક સંસ્કૃતિમાં ચોક્કસ શ્રધ્ધા રાખે છે, પણ આવા અભિષેકોમાં નહિ. એ સાલું કુદરતી રીઍક્શન છે કે, માથે ચરકે કે તરત જ આપણે હાથ મૂકીને ચચળી જોઇએ એટલે આજુબાજુ ય ધોળું ધબ્બ થઇ જાય. માથું તો સમજ્યા કે, પાણી નાંખીને ધોઇ પણ નાંખીએ, પણ નવાનક્કોર શર્ટ ઉપર ચરક્યું હોય તો એ વખતે લૂછાય-ઘસાય પણ નહિ અને એવું લઇને આગળ પણ વધાય નહિ! આપણો કાંઇ વાંક ન હોવા છતાં ઘેર જઇએ ત્યારે બા ય ખીજાય! ‘આટલો ઢાંઢો થિયો.....હરખા કપડાં હાચવતાં ય નથ્થી આવડતું?’

કબુતરો દુનિયાભરને ગમતા હશે, મને નથી ગમતા. શેના માટે આપણે એ લોકોને ગમાડવા? આપણા માથે ચરકવા કે ઘરમાં આવીને ઈંડા મૂકી જવા સિવાય બીજો કોઇ ધંધો છે એમની પાસે? પાછું, આપણા ઘરની ૩૦-૪૦ કી.મી. ની ત્રિજ્યામાં જૈનો રહેતા હોય, એટલે ઘરમાં ઘુસેલા કબુતરોને મરાય પણ નહિ....હિંસા કહેવાય અને હિંસા પાપ છે. આપણા ઘરોમાં સાપ-વીંછીઓ નથી ઘુસતા, કબુતરા રોજ ઘુસે છે. સાયન્સ આટલું આગળ વધ્યું છે, પણ હજી સુધી ઘરમાં ઘુસેલા કબુતરોને તગેડી મૂકવાના વૈજ્ઞાનિક કે ઈવન ફાલતુ ઉપાયો પણ શોધાયા નથી. આપણે કાઢવા જઇએ એટલે પાંખોના વિરાટ અવાજો કાઢીને આપણને બીવડાવે છે. અલમારી ઉપરથી કાઢીએ તો સોફા ઉપર આવી જાય. ફ્રીજ ઉપરથી સીધું ટીવી ઉપર. આટલી ગરમીમાં એને કાઢતી વખતે પંખા ચાલુ રાખી ન શકાય....હાળા ક્યાંક કપાઇ-બપાઇ જાય તો આરોપ હિંસાનો આવે. રૂમ ઝાટકવાનો કકડો હાથમાં એની તરફ ઉલાળીને ‘હુસ...હુસ...હુસ...’ કરે રાખીએ એમાં તો એકાદ વાર આપણે ગડથોલીયાં ખાઇ જઇએ. એ લોકોને કાઢવા એમની સાથે શાંતિ-મંત્રણાઓ યોજી ન શકાય. ‘હવે તો યુધ્ધ એ જ કલ્યાણ’ તો વિચારા ય પણ નહિ. હાળું ઘરમાં લોહીલૂહાણ થઇને પડે તો ભ’ઇ શા’બ....એની રઝળતી લાશને સામે જોવાતું નથી. રાત્રે ઊંઘમાં ય બીકો લાગે.

કબુતરોને કાઢવાનું અમારા માટે રોજનું થઇ ગયું હોવા છતાં, અમારા આખા ફૅમિલીનો હાથ બેઠો ન હોવાથી હજી સુધી અમે ‘હુસ...હુસ...હુસ...’થી આગળ વધી શક્યા નથી. પણ એ લોકો વર્ષોથી આગળ વધી ચૂક્યા છે. કબુતરોની ઘરમાં ઊડાઊડને કારણે અત્યાર સુધી અમારા ઘરમાં બે ટીવી-સૅટ્‌સ, લૅપટૉપ, ઑવન, વૉલ-ક્લૉક્સ, સ્વ.દાદાજીનો ફોટો, લાઇટો, ડાયનિંગ-ટૅબલ ઉપર પડેલા સામાનો અને હજી યાદીમાં નોંધવાની રહી ગયેલી અનેક મૂલ્યવાન ચીજો આ કબુડાઓએ ભોંય પર પછાડી છે. બેડ-રૂમોમાં તમામ પથારીઓ-ઓશિકાઓ ઉપર એટલી બધી વાર એ લોકોએ જુલાબ કાઢ્યો છે કે, ‘બેડ’ રૂમો, ‘બૅડ’ રૂમો જેવા ગંધાય, એટલે ‘બ્રધર’ અમેરિકાથી આજ સુધી જેટલા પરફ્યૂમો લાવ્યા હોય, એ બધા સાબુની માફક પથારીઓ ઉપર ઘસી નાંખીએ તો ય કબુતરો એમની પાછળ એમની કાયમી વાસ મૂકી જાય છે.

‘દાદુ....કબુતરો સાથે દુશ્મનાવટ કદી ન કરવી. એ લોકો તમને જોઇ જાય પછી યાદ રાખે છે. ઘરની બહાર નીકળતા હો ત્યારે પરફૅક્ટ માપ લઇને તમારા માથે ચરકી જાય. એ લોકો એટલામાં જ ફરતા હોય. શું તમારી ગાડી-સ્કૂટરો બહારના કબુતરો બગાડી જાય છે? ના. કાર ઉપર એ લોકોએ મૂકેલા સ્થાપત્યો કાઢવામાં કારના મૂળ રંગનું ય છડદું ઊખડી જાય.....આ લોકોની સાથે વેરઝેર ન બંધાય...!’ એક જાણકાર દોસ્તે સલાહ આપી.

‘વેરઝેર બાંધવા આપણે નથી જતા....એ લોકો આવે છે.’ મેં નિરાશવદને કહ્યું.

‘તમે કબુતરની જાળી કેમ નંખાવી દેતા નથી? ગૅલેરી કે બારીઓની બહાર જાળી નંખાવો, પછી કબુતરો તો શું જટાયૂ પણ ન આવે...’

આજ સુધી ત્રણ જોડ જાળીઓ કબુતરો કાપી ચૂક્યાં છે. પોતાના માપનું કાણું એવું કાતર્યું હોય કે, એટલું કાણું તમે

સાંધી સિવડાવી પણ ન શકો. એ લોકો એ કાણામાંથી જઇ-આવી શકે....ફાધરનું કિંગડમ હોય એમ!

(૨)

‘દાદુ...’ પેલા મિત્રએ ફરી સલાહ આપી, ‘કબુતરોનો વિનાશ શક્ય નથી, પણ એમને ઘરમાંથી ભગાડવા હોય તો એક ઉપાય છે....’

ઉપાયનું નામ સાંભળીને હું રાજી થઇ ગયો. ‘જલ્દી બોલ....જલ્દી બોલ...!’

‘તમે એ લોકો ઘુઘુઘુઘુ કરતા હોય, ત્યારે એમની વાતો સાંભળી લો. હવે તો પશુ-પક્ષીઓની ભાષા સમજી શકાય, એવી હજારો ઍપ અને યૂ-ટ્યૂબ પર મળે છે. બસ, એ લોકોનો આગામી પ્લાન સમજી લો કે, નૅક્સ્ટ ઍટેક ક્યાં કરવાના છે.....ફ્રીજ ઉપર, સોફા ઉપર કે ટીવી ઉપર...! એના ઉપરથી તમે તમારો પ્લાન બનાવો કે કાઉન્ટર-ઍટૅક ક્યારે અને કેવો કરવો...!’

‘યૂ મીન....એ લોકો સોફા ઉપર કૂદે, એ પહેલા મારે સોફા ઉપર કૂદવાનું...રાઇટ?’

‘કાઉન્ટર-ઍટેક નહિ કરો, તો એ લોકો તો ચઢી બેસશે...!

‘....પાણી મંગાવું, તમારા માટે?’ મેં મનમાં દાઝ સાથે પૂછ્‌યું. ‘કેવો બકવાસ કરો છો, એની તમને ખબર છે?....કબુતરોને આમ ભગાડાય? આપણા જ પડોસીઓ ડાહ્યા થવા આવશે કે, કબુતરોને મારવાને બદલે એમની સાથે ‘ઘુઘુઘુઘુ...’ની મંત્રણાઓ કરવી જોઇએ. આ ‘ઘુઘુઘુઘુ...’નું ઈંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને ઈન્ટરનૅશનલ લેવલે ફરિયાદ કરવી જોઇએ. ઘેર આવેલા કબુતરોને મરાય તો નહિ જ!’

ઘર મારૂં હતું. સોફા મારા બગડતા હતા. પેલો લલવો મારા એ જ સોફા ઉપર કબુતરો સાથે બેસીને શાંતિ-મંત્રણાઓ સજેસ્ટ કરતો હતો. મેં એને ધીરજપૂર્વક સાંભળી લીધો. પછી, મારા ખાડીયાની ભાષામાં ઊંધા હાથની એક અડબોથ ઝીંકી દીધી. એનો એક દાંત પડી ગયો હતો. મેં કીધું,

‘મંત્રણાઓ આમ થાય....!’

એ અડબોથ મારા ઘરમાં ઊડાઊડ કરતા કબુતરોએ જોઇ લીધી હશે....આજે એકે ય કબુતર મારા ઘરમાં ઘુસતું નથી.

સિક્સર

અમદાવાદમાં હજી મૅટ્રોનું ખોદકામ-બાંધકામ પૂરૂં થયું નથી ને આ લોકોએ સી.જી.રોડ ખોદવાનું શરૂ કરી દીધું છે......ગાડીઓ વેચીને ઘોડા લઇ આવો, તો રસ્તા પાર થશે!

---------