Veer Vatsala - 15 in Gujarati Love Stories by Raeesh Maniar books and stories PDF | વીર વત્સલા - 15

Featured Books
Categories
Share

વીર વત્સલા - 15

વીર વત્સલા

નવલકથા

રઈશ મનીઆર

પ્રકરણ - 15

વત્સલાના ધડકતા હૃદયને કેમેય જપ નહોતો. ચંદનસિંહની વાત સાચી હોય તો ત્રણ વરસથી જે પિયુની રાહ જોતી હતી, એ પિયુથી જ હવે બાળકને જોખમ હતું. બાળકને શોધીને રાજને હવાલે કરનારી ટોળકીનો એ સરદાર હતો હવે.

માણેકબાપુ અને વત્સલા એમના ખોરડાથી બસો હાથ દૂર વગડામાં એક પહાણાં પર બેઠા. અભયને જાણે દુનિયાની નજરથી બચાવીને બસો ગાઉ દૂર લઈ આવી હોય એમ વત્સલા વિચારી રહી, વગડામાંથી મળેલા અભયની સલામતી વગડામાં જ હતી શું?

બાપદીકરી વચ્ચે થોડી નિ:શબ્દ ક્ષણો પસાર થઈ. ચંદનસિંહની વાત સાંભળીને ચિંતાતુર થયેલી વત્સલાના શ્વાસ હેઠે બેઠા એટલે એણે એક જ શ્વાસમાં કહ્યું, “બાપુ, ચંદનસિંહ કહેતો હતો કે વીરસિંહ સરદારસિંહની ટોળકીમાં જોડાયો છે અને સરદારસિંહે એને દિલિપસિંહના વારસને શોધીને એને મોતને ઘાટ ઉતારવાનું કામ સોપ્યું છે!”

માણેકબાપુના હોઠ ફફડ્યા, પછી એમણે વિચાર્યું, હું કંઈ પણ કહું એના કરતાં વત્સલાને જ વિચારવા અને સમજવા દઉં કે આગળ શું કરવું જોઈએ.

આમેય એક કુંવારી છોકરી ખોળામાં બાળક લઈ ફરતી હોય એટલે એનો પ્રેમી શંકાકુશંકા કરે. એમાં ઉપરથી વીરસિંહને એ જ બાળકનું કાસળ કાઢવાની જવાબદારી મળી હતી! માણેકબાપુને તો આવનાર વખતની એંધાણી દીવા જેવી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

વત્સલા બોલી, “હું આજ દન લગી એમ વિચારતી કે વીરસિંહ આવે એટલે એને આખી ઘટના વિગતે કહી દઈશ. અને પછી ઈ કહે એમ કરીશ! મને ભરોસો હતો કે એ બાળકને પોતાનું ગણી ઊછેરશે અને એનો હક્ક અપાવશે.”

માણેકબાપુ હજુ ચૂપ રહ્યા. એ જ એમને ઠીક લાગ્યું.

“હવે જ્યારે વીરસિંહની નજર દિલિપસિંહના બાળકને મોતને ઘાટ ઉતારવા માટે શોધતી હોય ત્યારે આ વાત કહેવી તો દૂરની વાત છે, બાળકને લઈને એની સામે જવાય પણ નહીં!”

વાત સાંભળી માણેકબાપુએ ધીમો હોંકારો કર્યો.

ઋણ અને લૂણથી બંધાયેલા વીરસિંહને પોતાની તરફ ખેંચવા માટે, એનો હૈયાપલટો કરવા માટે, એને સત્ય તો કહેવું પડે ને! એટલીય હિંમત વત્સલામાં નહોતી.

સિપાહી બનીને પરદેશ ગયેલા પિયુનો વિરહ પૂરો થવાની અણી પર હતો. પણ એ ઘડી બાળક સાથેના કાયમી વિરહનું નિમિત્ત બની જાય તો?

*

વીરસિંહ ફોઈફૂઆને મળી, બહુ જલદી વત્સલાને મળવા નીકળ્યો.

નિર્જન રસ્તા પર ખુશીથી છલકાતાં વીરસિંહે એના નવા ઘોડાને કહ્યું, “ભાગ! અને આ રસ્તાથી પરિચિત થઈ જા!” આજે ત્રણ વરસ પછી મિલન થવાનું હતું. એણે ઘોડાને એડી મારી ત્યાં તો ડાબી બાજુની કેડીથી સરદારસિંહનો એક સાથી આવતો દેખાયો! એણે વીરસિંહને સંદેશો આપ્યો, “બાતમી મળી છે કે દિલિપસિંહના બચેલા સાથીદારો માલવપુરમાં એકઠા થઈ છૂપી સેના બનાવી રહ્યા છે, એટલે આપણે ત્યાં ત્રાટકવાનું છે.”

વીરસિંહને ખ્યાલ આવી ગયો હતો કે સમય વેડફવાનું સરદારસિંહના સ્વભાવમાં નહોતું. દુર્જેયસિંહની ઈચ્છા પૂરી કરી બીજો કોઈ સરપાવ લઈ લે, એ એને ન ચાલે. પણ હવે વત્સલાને મળ્યા વગર પણ ન જવાય.

“હું ઘડીકમાં આવું છું.” કહીને વીરસિંહે શિવમંદિર તરફ ઉતાવળે ઘોડો દોડાવ્યો.

*

વત્સલા અને માણેકબાપુ વગડાના રસ્તે બેઠા હતા ત્યાં જ ગામ તરફથી ઘોડાની ખરી સંભળાઈ.

કોણ આવી રહ્યું હશે, એ દરવખતે વત્સલા આવનારની કલ્પના કરતી, આજે બાપુ બોલ્યા, “વીરસિંહ!”

વિરહના ત્રણ લાંબા વરસ પછી પ્રેમી આવી રહ્યો હતો. જેના આગમનની ખુશીમાં આંગણે મોરલો ચીતર્યો હતો એ પિયુ આવી રહ્યો હતો.

“બાપુ! મારે આજે એને નથ મળવું!” વત્સલાના મોંથી કોણ જાણે કેમ અજબ વિધાન સરી પડ્યું.

“ઘેલી થા મા! બાળક મને સોંપી દે અને એને મળવા જા!”

ઊઘડતી સવારના કૂણા તડકામાં અભય ઊંઘી ગયો હતો. આ એકાદ કલાક એનો ઊંઘનો સમય હતો. આમેય સવારે વત્સલા રસોડામાં હોય ત્યારે બાપુ જ એને રાખતાં, પણ કલાકેકથી વધુ સમય અભય વત્સલાને ન જુએ તો એ રડીરડીને કાગારોળ મચાવી દેતો.

અભયને બાપુના હાથમાં સોંપી વત્સલા ઉતાવળે ટીલે ચડીને ખીજડાના ઝાડ નીચે ઊભી. વત્સલાનેય કલાકેકમાં અભય જાગે એ પહેલા પાછું જવાનું હતું. વીરસિંહ પણ ઝડપથી આવી રહ્યો હતો. થોડી ઘડીઓ પહેલા એની ઉતાવળમાં મિલનનો ઉમળકો હતો, હવે સરદારસિંહનો સંદેશો આવ્યા પછી ત્યાંય જલદી પહોંચવાનું હતું, એટલે હવે ઉતાવળ માત્ર ઉતાવળ હતી.

વેગમતીના વહેળામાં પહેલા જ્યારે વત્સલા અને વીરસિંહ મળતા ત્યારે સમયની કોઈ ગણતરી રહેતી નહીં. આજે સમય ઉર્ફે કાળ બન્નેના માથે સવાર હતો. અગાઉના રમ્ય મિલન વિનયની મર્યાદામાં થયા હતા. આજનું મિલન સમયની મર્યાદામાં થવાનું હતું. એકને ફરજ બોલાવી રહી હતી, એકને બાળક પોકારી રહ્યું હતું.

દૂરથી ઘોડા પર બેઠેલો વીરસિંહ દેખાતાં વત્સલાનું હૈયું ધકધક થવા લાગ્યું. મનના માણીગરના દર્શનથી એક જ પળમાં એની ઉદાસી ખંખેરાઈ ગઈ. વત્સલાને થયું આજે ફરી “છબીલા તારા વાંકડિયા વાળ પર મોહી!” ગીત ગાઉં, પણ એ વાંકડિયા વાળ અભયના હોય અને એ વાંકડિયા વાળવાળો અભય વીરસિંહના ખોળામાં રમતો હોય તો કેવું સારું!

વત્સલા ખરેખર કલ્પનામાં સરીને એ ગીત ગણગણવા લાગી. એને કલ્પના તૂટી ત્યારે વીરસિંહ એની સામે ઊભો હતો.

બન્ને પ્રેમીઓ એકમેકને આલિંગનમાં લઈ ગોળ ગોળ ફર્યા ત્યારે ધરણી પરકમ્મા કરતી જાણે અટકી ગઈ.

“બારસો દિવસ! ચાલીસ પૂનમ અને એકતાલીસ અમાસ!” વત્સલાએ વિરહના દિવસોનો હિસાબ રાખ્યો હતો. બન્ને હાથે વીરસિંહનું પહેરણ ખેંચી, એની છાતી પર થોડા હળવા મુક્કા મારી, વત્સલાએ એના બન્ને ગાલ વહાલથી સહેજ ખેંચ્યા અને પછી એ રડી પડી.

વત્સલાના આ ભાવપલટાઓને વીરસિંહ એના એકસરખા સ્મિતભર્યા ચહેરાથી જોતો રહ્યો અને અરબી સમુદ્ર પર જોયેલા આકાશ અને સમુદ્રના બદલાતાં રંગો સાથે એને સરખાવતો રહ્યો. આ એક જ પળમાં ગુમાવેલા સવા ત્રણ વરસ એણે ફરી જીવી લીધાં!

વત્સલાના કપાળે એક હળવું ચુંબન કરીને એનો હાથ દોરીને વીરસિંહ એને નદીના વહેળામાં લઈ ગયો. ત્રણ વરસમાં વહેણમાં પથરાઓની ગોઠવણ કુદરતે થોડી બદલી નાખી હતી. ત્રણ પાનખર અને ત્રણ વસંત આંટો દઈ ગઈ હતી. ઊડતાં પક્ષીઓ અને બગલાંઓની પેઢીઓ કદાચ બદલાઈ ગઈ હતી, છતાં ધરતીમાતાના આ ખોબામાં એ જ શાંતિ હતી. એકમેકનો હાથ પકડીને બન્ને પહેલાની જેમ જ ઘડીઓ સુધી બેસી રહ્યા.

ત્યાં જ વીણાના ઘરમાંથી ગણેશ બહાર ડોકાયો. નદી તરફ રમવા દોડતો આવતો હતો. ત્રણ વરસમાં પરિવેશમાં આટલી વૃદ્ધિ થઈ હતી. વીણા એને બહાર આવી ઊંચકીને લઈ ગઈ. વીરસિંહની આંખમાં સવાલ વાંચીને વત્સલા બોલી, “ગણેશ છે! વીણા અને ચંદનનું બાળક!”

એક પળ રહીને વત્સલાથી પૂછાઈ ગયું, “તમને બાળક ગમે?”

બાળક શબ્દ પડતાં જ પસાર થઈ રહેલા અનંત સમયની ફરતે જાણે અચાનક વાડ રચાઈ ગઈ. પોતે જ બાળકશબ્દ બોલી અને વત્સલાને પોતાને જ અભય કદાચ રડતો હશે એમ યાદ આવ્યું. અને વીરસિંહને વત્સલાને મોઢે બાળકશબ્દ સાંભળીને સરદારસિંહે સોંપેલી જવાબદારી યાદ આવી.

ઉતાવળ દેખાય કે પરખાય નહીં એવી રીતે બન્ને ઊભા થયા. મુલાકાતનો સમય પૂરો થયો કે કેમ, એવા કોઈ ખુલાસા વગર મંદિર સુધી હાથ પકડી ચાલ્યા. ઘોડે ચડી વીરસિંહ બોલ્યો, “સાંજે ફરી મળું!”

વત્સલાને વિચાર આવ્યો, આખી જિંદગી આમ મૌનમાં પસાર થઈ ન જાય? હાથમાં હાથ લઈને, કોઈ વાત કે પંચાત કર્યા વગર?

એક સવાલ એને ખુદને પજવી રહ્યો હતો. લગભગ કલાક એ વીરસિંહની સાથે બેઠી, પોતે વીરસિંહને અભયની વાત કેમ ન કરી? સમય જ ન મળ્યો? કે પછી પોતે જાણીજોઈને વાત છુપાવી? શું કામ?

વીરસિંહને મળવા ગઈ ત્યારે એણે નક્કી કર્યું હતું કે અભયને ગુમાવવાનું મને કોઈ કાળે નહીં પાલવે. સદભાગ્યે મુલાકાત સ્વપ્નની જેમ સરી ગઈ, અનિવાર્ય એવા ખુલાસાને ટાળી શકાયો. બસ એ તો વીરસિંહની અણિયાળી મૂછો, મૂછોની પાછળ છુપાયેલા પાતળા હોઠ, એની નેહ-નીતરતી આંખો, એના હાથની રૂંવાટી.. આ બધામાં જ ખોવાયેલી રહી. આ બધાની એના લોહી પર જે અસર થતી તે વર્ણનથી પર હતી.. વીરસિંહને મળીને આવતી વખતે એને પોતાને ખ્યાલ આવી ગયો કે માતૃત્વના મોહમાં પ્રેમીને ગુમાવવાનુંય એને પાલવે એમ નહોતું.

“અભય દિલિપસિંહનો વારસ છે.” આજે એમ કહી દીધું હોત તો વીરસિંહની અંદરનો સૈનિક જાગ્રત થઈ જાત. વીરસિંહની એના સરદાર પ્રત્યેની વફાદારી બાળક માટે મોતનું ફરમાન બની જાત.

આજની મુલાકાત તો પતી ગઈ, પણ હવે પછી શું? સ્પષ્ટતા કરવી અને સુખ ગુમાવવું, એ બન્ને જ્યારે સમાનાર્થી બની જાય ત્યારે શું કરવું?

અભય અને વીરસિંહ.. પોતાના જીવનના આ બે અલગ અલગ કિસ્સા એકરસ ન થઈ શકે તો? કઈ રીતે જીવાય? એવું કોઈ રીતે શક્ય હતું કે બન્નેને એકમેકની સામસામે ન કરવા પડે છતાં પોતે બન્નેની સાથે રહી શકે!

જીવન એવા બે અલગ હિસ્સામાં વિતાવી શકાય? બે એવા ખંડ જ્યાં અભય કે વીરસિંહ કોઈ કોઈને ન કનડી ન શકે, બે ખંડ વચ્ચે બારી બાકોરા વગરની ભીંત હોય અને પોતે છત વગરના એ બન્ને ખંડમાં ઉપરથી મુક્ત પંખીની જેમ આવજાવ કરતી રહે!

આટલી તાણમાંય વત્સલા પોતાની કલ્પના પર હસી. છત વગરના બે ઓરડા, વચ્ચે દીવાલ. એક ઓરડામાં વીરસિંહ. એક ઓરડામાં અભય. અને પોતે એક બુલબુલની જેમ બન્ને ઓરડામાં વારાફરતી ચહેકી આવે!

વીરસિંહના ઘોડાના જવાના પગરવ સાંભળ્યા પછી, ઘડીક થંભી, માણેકબાપુ અભયને લઈને આવ્યા. વાયરામાં વરસાદની એંધાણી હતી. બાળકને સાચવી બચાવી આવી રહેલા માણેકબાપુની આંખોમાં કોઈ સવાલ નહોતો છતાં વત્સલાને હૈયામાં એક અણી ભોંકાઈ હોય એવી અનુભૂતિ થઈ.

વાયરા સાથે એવા સવાલો ફૂંકાવા લાગ્યા જેનો જવાબ વત્સલાએ બહુ જલદી આપવો પડે એમ હતો, “અગર બાળક બીજાનું છે, તો કોનું છે? દિલીપસિંહનું?” વત્સલાનું મન ચીખીને કહેવા લાગ્યું, “ના! ના! ના!” વાયરાની સાથે તરત બીજો સવાલ ફૂંકાયો, “તો પછી બાળક તારી કૂખે જન્મ્યું છે? બોલ, જવાબ આપ! લોકો તો કહે છે કે શાહુકારના..”

વત્સલાએ બાપુને લાંબો હેવાલ કે લાંબી સૂચના આપવાની નહોતી. એ એટલું જ બોલી, “મેં અભયની સાચી વાત વીરસિંહને કહી નથી. તમારેય કહેવાની નથી.”

માણેકબાપુ અભયને એના હાથમાં સોંપતી વેળા કશું ન બોલ્યા, પણ જાણે ચારે દિશાઓ ચીખીચીખીને બોલી રહી હતી, “તું બાળકને સાચવવા જશે તો વીરસિંહને ગુમાવશે!”

વત્સલાએ અભય સામે જોયું. અભયની આંખોના ભમ્મરિયા કૂવામાંથી તેજલબાની મરતી આંખોની છેલ્લે ચમક હોલવાતાં હોલવાતાં બોલી, “વીરસિંહને સાચવવા જશે તો અભયને ગુમાવશે.”

વત્સલાનો સ્પર્શ થતાં જ અભય ખિલખિલ હસ્યો, એની કાળી કૂવા જેવી આંખોની સંમોહિનીમાં વત્સલા ઊંડી ઉતરી. દિશાઓ ચીખતી બંધ થઈ.

***