"લેટ મી ટૉક - જયદેવ પુરોહિત"
~ ~ ~ ~ ~ ~
?ધ ગર્લ ઈન રૂમ ૧૦૫ : નોવેલ ઓફ ચેતન ભગત?
"ઓહ, કોઈ ભૂલી ગયું લાગે છે. મને બર્થ ડે વિશ કરવા તેઓ કેવી રીતે ઝાડ પર ચડીને આવતા હતા."
રાતે ત્રણ વાગે કોઈ અતિ દેખાવડી છોકરીનો આ રીતનો મેસેજ આવે એટલે સ્વાભાવિક છે કે જુવાનીયાની લાળ ટપકે. બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક ગીતો વાગવા લાગે જાણે આખી દુનિયા રંગીન બની હોય એવો આભાસ થાય. એવું જ થયું તે રાત્રે કેશવને. એ મેસેજ કરનાર ઝારા લોન.
જો તમે "ધ ગર્લ ઈન રૂમ ૧૦૫" નામની ચેતન ભગતની લેટેસ્ટ નોવેલ વાંચી હશે તો તમે કેશવ અને ઝારાથી પરિચિત હશો. નહિ તો આ આર્ટિકલ વાંચ્યા પછી થઈ જશો.
આમ તો ચેતન ભગત લવ સ્ટોરી લખે. પરંતુ આ એમનો પ્રયોગ છે અનલવ સ્ટોરી લખવાનો. હવે જે લવસ્ટોરી ન હોય એ મોટા ભાગે મર્ડર સ્ટોરી હોય. અહીંયા પણ એ જ છે. 'ચંદન કલાસીસ'માં કેશવ અને એમનો જીગરી યાર સૌરભ બન્ને ફેકલ્ટી તરીકે નોકરી કરતા હોય છે. ઝારા નામની કાશ્મીરની સુંદરી સાથે 'લવ આજકલ' થાય છે. પરંતુ એ લવ મેરેજ સુધી પહોંચતો નથી.
સ્ટોરીમાં બે ધર્મને વર્ણવામાં આવ્યા છે. ઝારા મુસલમાન અને કેશવ બ્રાહ્મણ છે. ઉપરથી કેશવના પિતાજી RSS સાથે જોડાયેલા. એટલે પરિવારની સહમતી અશક્ય. હૈદરાબાદમાં વાર્તાની શરૂઆત થાય છે. હેમાદ્રી ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર ૧૦૫માં ઝારા રહેતી. એ એમનું સર્વસ્વ. કેશવ અને ઝારા બન્ને વચ્ચે તિરાડ પડી એમાં રાઘવ(રઘુ) પોતાની જગ્યા કરી ગયો.
રઘુ અને ઝારાની સગાઈ થઈ હવે લગ્નની તૈયારી ચાલતી હતી. એવામાં ઝારાના બર્થડે પર રાતે કેશવને મેસેજ આવે છે. અને ઉફાણા મારતો કેશવ તરત તેમને મળવા રાત્રે ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી જાય અને ત્યાં ઝારાની લાશ સાથે ભેટો થાય. અને નિયમિત ચાલતી કેશવની લાઈફ હવે અઢારે અંગ વાંકા ઊંટ જેવી દોડવા લાગે છે. પોલીસ સાથે યારી થઈ ગઈ. ઝારાનો ખૂની જ્યાં સુધી હાથ ન આવે ત્યાં સુધી હવે કેશવને નીંદર પણ ન આવે.
આઠ સૌથી વધુ વેચાતી નવલકથા લખનાર ચેતન ભગત હવે વાંચકોની તરસ જાણી ગયા છે. એમનું લખાણ કોલેજ કરતા વિધાર્થીઓને અતિભાવક અને અતિ સ્વાદિષ્ટ લાગે છે. બધા કરતા આ નોવેલ અલગ છે. લવસ્ટોરી નથી, મર્ડર છે. અને નાયક ખુદ પોતાની ભુતપૂર્વ પ્રેમિકાને ન્યાય મળે એ માટે કાશ્મીર જવા પણ સાહસ કરે છે.
લગભગ બધી નોવેલ પરથી ફિલ્મ બની ચૂકી છે. હવે ચેતન ભગત એવી જ નોવેલ લખે છે કે જેનું ફિલ્માંકન સરળતાથી થઈ શકે. એટલે પરફેક્ટ માર્કેટિંગ. સ્ટોરી વાંચો કે ફિલ્મ જુઓ બંને સરખું. સ્ક્રીનપ્લે રાઈટરનો ફિલ્મફેર એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે. અને ચોતરફ એમના લખાણ પર પુષ્પવર્ષા પણ થઈ છે.
34 પ્રકરણ, 360 પેજની આ નોવેલ ડિટેકટિવ બનવાની પાઠ્યપુસ્તક છે. ચેતન ભગત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને દૈનિક ભાસ્કરમાં કટાર લેખક છે અને બેખૌફ મુદ્દા પણ ઉછાળે છે. બસ, એમ જ આ નોવેલમાં પણ કાશ્મીરને ઉખેર્યું છે. આતંકવાદ સંગઠનો, ઇચ્છાધારી પથ્થરમારો, અને ડ્રગ્સ સપ્લાય જેવા વૈશ્વિક મુદ્દાઓની સફર કરતી આ વાર્તા ઈન્ટરવલ પછી શ્રી નગર પહોંચે છે. જે ઝારા મર્ડરનો કેશ પોલીસે લક્ષ્મણ ચોકીદારને પકડીને ક્લોઝ કરી દીધો હોય, ટીવીમાં જાહેર કરી દીધું હોય એજ કેશની તપાસ કરવા કેશવ અને સૌરભ શ્રીનગર પોતાના સાહસે આવ્યા હોય છે.
જૂનો મૃત પ્રેમ કેશવને કાશ્મીર ભ્રમણ કરાવે છે.
કાશ્મીર અને શ્રીનગરનું વર્ણન ઠીકઠાક કર્યું છે. ત્યાંની કલાકારી, કારીગરી અને ગોલીબારીને વર્ણવી છે. અને સ્ટોરીના બધા પાત્રોને સારી રીતે લખ્યા છે. રઘુ, પોલીસ રાણા, લક્ષ્મણ ચોકીદાર, આર્મી મેન ફૈઝ, ઝારાનો સોતેલો ભાઈ સિકંદર, ઝારાના પિતા સફદર વગેરે..
જે જુવાનિયાઓ ચેતન ભગતની નોવેલમાં "ખાસ એક બે પેજ વાંચવા" આખી નોવેલ વાંચતા. એ તરવરાટ ભર્યા બે પેજ આ નોવેલમાં ક્યાંય નથી. આ નોવેલ વાંચતી વખતે ક્રાઈમ પેટ્રોલનો કોઈ એપિસોડ નજર સામે આવી જાય તો ચોંકાવું નહિ. સ્ટોરી એવી જ છે. થોડી વધુ ખેંચાઈ હોય એવું લાગે માટે વચ્ચે કંટાળો હાવી થાય.
હૈદરાબાદથી શ્રીનગરની આ સ્ટોરીની સફર સાવ ભૂલવા યોગ્ય પણ નથી અને આંખમાં ઘર કરીને સંઘરવા જેવી પણ નથી. સામાન્ય નોકરી કરનારની વ્યથાઓ, આતંકવાદ સંગઠનનો થોડો પરિચય, મિત્રતા, લવ-ત્રિકોણ, અને ડિટેકટિવ માઈન્ડ. હિન્દૂ-મુસ્લિમ પ્રથાઓ કથાઓ અને વ્યથાઓની ઝલક પણ છે. કેશવ અને સૌરભની ધગશ, હાર ન માનવાની જીદ અહીં કેન્દ્રમાં છે માટે જ આ નોવેલ ચેતન ભગતે એવા લોકોને અર્પણ કરતા લખ્યું છે કે,
"જેઓ ક્યારેય હાર સ્વીકારતા નથી અને જેઓ માટે, મારી જેમ , અનલવ મુશ્કેલ છે"
છેલ્લે ઝારાનો કેશ કેશવ સોલ્વ કરે છે અને ગુનેગારને પોલીસ રાણાના હાથમાં સોંપે છે. જેમ જેમ વાંચશો એમ તમે પણ કેશમાં ઇનવોલ્વ થઈ જશો. કદાચ એવું બને કે કેશવ પહેલા તમે ગુનેગારને પકડી પાડો.
ટીક ટૉક
"જ્યારે કોઈને એવું લાગતું હોય કે એની જિંદગી વ્યર્થ છે, ત્યારે એને આપણું જીવન તો એનાથી પણ વધુ નિરર્થક છે, એવું જણાવવાથી તેને મજા આવતી હોય છે." (પેજ - 108, ધ ગર્લ્સ ઈન રૂમ ૧૦૫)
- જયદેવ પુરોહિત
(સંજોગ ન્યૂઝ - અમરેલી)