Tahuko - 14 in Gujarati Philosophy by Gunvant Shah books and stories PDF | ટહુકો - 14

Featured Books
Categories
Share

ટહુકો - 14

ટહુકો

ટહુકો એટલે વસંતનો વેદમંત્ર

ભગવાને માણસને આંખ આપીને કમાલ કરી છે. આંખ વડે સમગ્ર સૃષ્ટિને નિહાળવી એટલે શું, તે તો આંખ ચાલી જાય ત્યારે જ સમજાય. ડૉ. પાર્કર કહે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં આંખનો આવિર્ભાવ થયો ત્યાર પછી ઉત્ક્રાંતિની ઝડપ ઘણી વધી ગઈ. ઉત્ક્રાંતિના ઈતિહાસમાં કરોડો વર્ષો એવાં ગયાં, જ્યારે પૃથ્વી પર વિચરતી જીવસૃષ્ટિમાં ક્યાંય આંખ ન હતી. માણસ બીજું કંઈ ન કરે અને પોતાની આંખ પર મનન કરે તોય અડધો સાધુ બની જાય. પૃથ્વી પર નજર માંડતી પ્રત્યેક આંખ દિવ્ય છે. તમે અત્યારે આ લખાણ સગી આંખે વાંચી રહ્યા છો એ પણ દિવ્ય ઘટના છે.

‘દિવ્ય’ એટલે દૈવી, અદ્દભુત, પ્રકાશમાન અથવા સુંદર. કવિ ન્હાનાલાલે ‘અદ્દભુત’નો મહિમા કર્યો.

સહુ અદ્દભુતોમાં તુજ સ્વરૂપ અદ્દભુત નીરખું,

મહાજ્યોતિ જેવું નયન શશિ ને સૂર્ય સરખું;

દિશાની ગુફાઓ પૃથિવિ ઊંડું આકાશ ભરતો,

પ્રભો ! તે સૌથીયે પર પરમ તું દૂર ઊડતો.

અદ્દભુતને નીરખીને ધન્ય થવું એ જ અધ્યાત્મ ! ધન્ય થઈને અહંકારશૂન્ય થવું એ જ જ્ઞાન ! અહંકારશૂન્ય થઈને નમન કરવું એ જ ભક્તિ ! નમનની ભાવનાથી કર્મો કરવાં એ જ કર્મયોગ !

પૃથ્વી પર જ્યાં નજર પડે ત્યાં દિવ્યતાનો નિવાસ છે. આકાશમાં ગણ્યા ગણાય નહિ એટલા તારાઓ ટમટમે છે. લગભગ એવડી મોટી સંખ્યામાં આપણા શરીરમાં કોષ છે. પ્રત્યેક કોષ પોતાનું કર્તવ્ય બજાવતો રહે ત્યાં સુધી આપણે જીવીએ છીએ. ક્ષણે ક્ષણે મરનારા અને આપણને જિવાડનારા એ અતિસુક્ષ્મ કોશોને આપણે ક્યારેય જોયા નથી. જરાય થંભી જઈને વિચારીએ તો થાય કે જીવન કોષલીલા છે. બહારની વિરાટ સૃષ્ટિ અને અંદરની સૂક્ષ્મ સૃષ્ટિ અંગે વિચારવાનું રાખીએ તો કદાચ પાપ કરવાનું મુશ્કેલ બની જાય. પાપ કરવાનું જ મુશ્કેલ બની જાય એવું જીવન એટલે દિવ્ય જીવન. પ્રત્યેક માનવનો જન્મસિદ્ધ અધિકાર છે કે તે એવા જીવન ભણી ગતિ કરે. એમ કરવામાં એ પડે, આખડે અને એનાં ઘૂંટણ છોલાઈ જાય, તોય બધું ક્ષમ્ય છે. સાધનામાં નિષ્ફળતા ક્ષમ્ય છે, પરંતુ પ્રયત્નનો અભાવ અક્ષમ્ય છે. માનવતા તરફથી દિવ્યતા ભણીની, અંધકારથી પ્રકાશભણીની અને અસુંદરથી સુંદર ભણીની જીવનયાત્રા ગમે તેટલી ધીમી હોય કે વાંકીચૂકી હોય તોય યાત્રાળુ ધન્ય છે. નિર્વાણની દિશામાં ધીમી ગતિએ હીંડનારો એ બોધિસત્વ છે. કોઈ યાત્રાળુ સામાન્ય નથી. પ્રત્યેક યાત્રાળુ અસામાન્ય છે, કારણ કે તે અનન્ય છે, અદ્વિતિય છે અને અપુનરાવર્તનીય છે. પ્રવાસી તો આપણે બધાં છીએ, પરંતુ આપણામાંથી કેટલાક યાત્રાળુ તરીકે જીવનારા છે. દિવ્યાનુભૂતિમાં આવી યાત્રાળુવૃત્તિ ઉપકારક બને છે.

નવજાત શિશુની આંખ દિવ્યતાના બિંદુ સમી દીસે છે. સ્તનપાન કરતું બાળક આંખો મીંચીને માતા સાથે એકરૂપ બની રહે ત્યારે દિવ્યાનુભૂતિ એટલે શું તે નીરખનારને સમજાય. પુષ્પ પર પતંગિયું બેઠું હોય અને આપણે એ ઘટનાને ધ્યાનસ્થ ચિત્તે નીરખીએ તો કદાચ દિવ્યાનુભૂતિ પામીએ એમ બને. ગાયનું વિયાવું એ દિવ્ય માતૃઘટના છે. આ જગતમાં જોવા મળતી માતૃઘટનાઓ એકચિત્તે આત્મસ્થ કરવી એ દિવ્યાનુભૂતિ પામવાનો સુંદર ઉપાય છે. દિવ્યાનુભૂતિ કેવળ મહાત્માઓનો ઈજારો નથી. જે ક્ષણે અદ્દભુતનો અહેસાસ માનવીના ચિત્તને થાય તે ક્ષણ દિવ્યાનુભૂતિની ક્ષણ છે. નાની નાની બાબતોમાં અદ્દભુતની અનુભૂતિ થાય તે પણ આસ્તિકતા ગણાય.

અર્જુન સમગ્ર માનવજાતનો પ્રતિનિધિ છે. કૃષ્ણ ગીતામાં એને અનાર્યોએ સેવેલો, સ્વર્ગથી દૂર લઈ જનારો અને અપકીર્તિકારક એવો મોહ ત્યજવાનું કહે છે. કૃષ્ણ આગળ કહે છે : ‘હે પાર્થ ! તું કાયર ન થા. તને આ ઘટતું નથી. તું હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજીને ઊભો થા. ’ અર્જુન માટે કૃષ્ણે જે શબ્દો પ્રયોજ્યા તે આપણને આબાદ લાગુ પડે છે. આવા ખાસ અર્થમાં અર્જુન આપણો ખરો પ્રતિનિધિ છે. એની સઘળી મર્યાદાઓ આપણી મર્યાદાઓ છે. એનો વિષાદ પણ આપણો વિષાદ છે. એનો વિષાદ ‘વિષાદયોગ’ કહેવાયો કારણ કે એના સારથિ કૃષ્ણ હતા. આપણા જીવનરથના સારથિ કૃષ્ણ બને તો કંઈ વળે ! અર્જુનને કૃષ્ણ તરફથી ‘દિવ્યચક્ષુ’ મળ્યાં. જે અર્જુનને મળે તે આપણને શા માટે ન મળે ? અર્જુનની બીજી બધી મર્યાદાઓ હશે, પરંતુ એ અત્યંત ઋજુ સ્વભાવનો નિખાલસ માનવ હતો. જ્યાં ઋજુતા નથી ત્યાં અર્જુનતા ન હોય અને જ્યાં અર્જુનતા ન હોય ત્યાં દિવ્યાનુભૂતિ અશકય છે. સરોવરના સ્વચ્છ જળમાં શરદપૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ ઝિલાય છે. સ્વચ્છ હદય વિના દિવ્યતાની ઝલક પ્રાપ્ત થાય ખરી ? દિવસે દિવસે અર્જુન જેવી પાત્રતા કેળવવી એ જ ગીતામાર્ગ છે. જો પાર્થ ભીનો હોય, તો પાર્થસારથિ તૈયાર જ હોવાના !

એમ કહેવાય છે કે ખ્રિસ્તી સંત બંધુ લોરેન્સને વૃક્ષને જોઈને આત્માનુભૂતિ થયેલી. વૃક્ષને જોવાનું સહેલું છે, નીરખવાનું સહેલું છે, નીરખવાનું સહેલું નથી. કેરલોસ કેસ્ટનેડાએ લખેલા પુસ્તક ‘સૅપરેટ રીઆલિટી’માં ડૉન જુઆન અમેરિકનને કહે છે : ‘તું વૃક્ષને ખરેખર જુએ છે ખરો ?’ એ પુસ્તકમાં આખું પ્રકરણ ‘Seeing’ પર છે. એક તબક્કે ડૉન જુઆન અમેરિકનને પૂછે છે : ‘તેં અંધકારને ‘જોયો’ ખરો ?’ આપણે જોવાની, સાંભળવાની અને જીવવાની કળા ગુમાવી બેઠાં છીએ. જો આપણને જોતાં આવડી જાય તો પ્રત્યેક વૃક્ષ એક યુનિવર્સિટી બની જાય. જો આપણે જીવનને વહાલ કરીશું તો કદાચ જીવન પણ આપણને વહાલ કરશે. અત્યારે બાગમાં ખિસકોલીની દોડાદોડ નીરખવાનો કાર્યક્રમ ચાલે છે. ચપળતાની વ્યાખ્યા ખિસકોલી પાસેથી શીખવી રહી. કોયલનો ટહુકો સંભળાય ત્યારે એટલું સમજવું રહ્યું કે એ ટહુકો હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા અસ્તિત્વને પુલકિત કરવા માટે આવી પહોંચ્યો છે. એ ટહુકો વસંતનો વેદમંત્ર છે. આપણી સંવેદનાશૂન્યતા એ ટહુકાને કાન દઈને સાંભળવાની છૂટ નથી આપતી. જો આપણું હૃદય બધી રીતે નવપલ્લવિત હોય તો એક ટહુકો પણ દિવ્યાનુભૂતિ માટે પૂરતો છે.

***