Karnalok - 14 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 14

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

કર્ણલોક - 14

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 14 ||

દુર્ગાએ કપડાં સંતાડ્યાં પણ ચૉકલેટની જેમ બાળકોને વહેંચ્યાં નહીં તે રહસ્ય મને મૂંઝવતું રહ્યું. નલિનીબહેન તેના પર લેખિત કાગળો કરશે, નેહાબહેનને કે કોઈને બોલાવીને કેસ કરશે એવું મેં માનેલું. એવું કંઈ પણ થયું નહીં. જાણે કંઈ બન્યું જ નથી તેમ આખી વાત શા કાજે દબાઈ રહી તે મને સમજાયું નહોતું.

થોડા દિવસે મેં દુર્ગાને જ પૂછેલું, ‘દુર્ગા, તેં કપડાં ક્યાં સંતાડ્યાં?’

‘સંતાડ્યાં નથી.’ દુર્ગાએ વધારે રહસ્યમય વાત કરી.

‘તો!’

‘કહીશ કોઈ વાર. આજે નહીં.’

મેં આવા જવાબની આશા નહોતી રાખી. મેં તેને કહ્યું, ‘મને ભલે ન કહે પણ નેહાબેનને ખબર પડશે તો એ પણ તને પૂછશે.’

‘તારે જઈને નેહાબેનને કહેવું હોય તો જા, કહે. અહીંનું કોઈ એક શબ્દ બોલવાનું નથી. કપડાં મળ્યાં હોત તો હજી પણ ફરિયાદ થાત; પણ હવે તો શું કરવું એની કશી સમજણ જ નહીં પડે.’ દુર્ગાએ જવાબ આપ્યો.

દુર્ગા નહીં જ કહે તેની મને ખાતરી થઈ ગઈ. મેં વાતને બીજી રીતે તપાસી જોવાનો પ્રયત્ન કર્યો. ‘સમજણ નહીં પડે એટલે?’

‘તારું મગજ ચલાવ.’ દુર્ગાએ સાવ નફકરો જવાબ આપ્યો.

મને જરા અપમાન જેવું લાગ્યું. મારું મોં પડી ગયેલું જોઈને દુર્ગા બોલી, ‘એમ રડવા ના બેસ. સાંભળ, કપડાંની કે મારી ચિંતા છોડ. બેને ભેટ–રજિસ્ટરમાં તો ઠીક સાદી નોટમાં પણ કપડાં મળ્યાની નોંધ કરી નથી. નથી કોઈ રસીદ બનાવી. બધાની હાજરીમાં તો એ સારું સારું બોલી ગયાં; પણ તું નથી જાણતો, કપડાં રહ્યાં હોત તો આજે બજારે વેચાતાં હોત. એમને આખું ખોખું મારી જવું હતું. હવે કંઈ પણ બોલે તો ઉઘાડાં પડે એટલે કોઈને જાણ થવા નહીં દે.’

ખરેખર તે પછી ક્યારેય ન તો કોઈએ કપડાંની વાત ઉચ્ચારી. ન તો દુર્ગાને કોઈ સજા કરાઈ. થોડા સમય પૂરતાં બહેને દુર્ગા સાથે અબોલા રાખ્યા. એ કારણે મારું કામ થોડું વધી ગયું.

ઑફિસની ફાઈલો ગોઠવવા પણ બહેન હવે મને બોલાવવા માંડ્યાં. આ જ રીતે જો ધીરે ધીરે અહીંનાં બધાં કામો મારે માથે આવી પડશે તો આ જગ્યા છોડીને જતા રહેવા સિવાય મારે કોઈ માર્ગ નહીં રહે.

કેટલીક વાર થતું કે આવા કામ માટે ના પાડી દઉં; પરંતુ બહેન એકલે હાથે આ બધું કરી નહીં શકે તે મને ખબર હતી. હું ના પાડું તો પછી બીજું તો કોઈ મોટું નથી. બહેન રેખાને બોલાવીને કામ કરાવે. એ દૂબળી-પાતળી છોકરી તો નિશાળેથી આવતાં જ થાકી ગઈ હોય છે.

મેં બારેક વાગતાં સુધી ઑફિસમાં કામ કરવાનું રાખ્યું. એકાદ-બે વખત બહેને સૂચવેલું, ‘મોડો જઈને રાંધે છે તે કરતાં રસોડે જમી લેજે. ત્યાં બેસીને ન ખાવું હોય તો માધોને કહી દઉં તને ટિફિન મોકલાવી દે.’ મેં ના પાડી એટલે બહેને આગ્રહ છોડી દીધેલો.

આજે શનિવારે સવારની નિશાળ હતી. બધાં વહેલાં વહેલાં ચાલ્યાં ગયેલાં. ઑફિસમાં કામ પૂરું થયું એટલે હું દુકાને જવા નીકળ્યો તો નિશાળેથી છૂટેલાં છોકરાંઓ સામાં મળ્યાં. આખી ટોળી કોઈ ગંભીર ચર્ચામાં હોય તેમ લાગ્યું. મને જોઈને એ લોકો મારી પાસે આવ્યાં.

થોડી વાર કશી વાત કર્યા વગર અમે એકબીજા સામે જોઈ રહ્યાં. પછી રાહુલે ઘડીએ ઘડીએ ઊતરી જતી ચડ્ડી ચડાવતાં પૂછ્યું, ‘બોલ, સાચું કહેજે એક વાર સોમીયા રિક્ષામાં બેઠેલીને!’

સૌમ્યા! એને ગયે તો કંઈ કેટલોયે સમય થઈ ગયો. અત્યારે તો એ ચાલતાં બોલતાં શીખતી હશે અને હજી રાહુલને તે રિક્ષામાં ગયેલી તે યાદ!

‘હા,’ મેં કહ્યું, ‘કેમ, તેં જોયું નહોતું?’

‘મેં દેખેલી... મેં દેખેલી.... મેં પણ’ ત્રણેક અવાજો આવ્યા.

રાહુલે કહ્યું, ‘મેં દેખેલી. એની અમ્મીના ખોળામાં બેસેલી.’

એક જરા મોટી છોકરી બોલી, ‘એના અબ્બા તો રિક્ષા હંકારતા’તા પછી અમ્મીના ખોળામાં જ રેયને!’

રાહુલનું મન શું વિચારતું હશે તે સમજવા હું સમર્થ નહોતો. તેના મનમાં કોઈ સાથે વાહનમાં બેસીને જવાની રઢ સતત શા માટે ચાલતી હશે તે પ્રશ્ન તો મને કેટલીયેવાર થયો છે; પરંતુ અત્યારે મને ચોંકાવનારો શબ્દ હતો અમ્મી!

ફારુક અને હુસ્નાને બા-બાપુ કે પપ્પા-મમ્મી ન કહેવાય, મા-બાપ ન કહેવાય પણ અબ્બુ-અમ્મી કહેવાય તેવો સ્પષ્ટ ખ્યાલ તેમના લોહી સુધી કોણે ઉતાર્યો હોય! આ પીળી દીવાલ પાછળ, બંધ જાળી પાછળ, બાકીની દુનિયાથી અલગ આ લોકમાં બહારના જગતના રિવાજોની વાત કેમ કરીને પહોંચી હશે તે હું સમજી નહોતો શક્યો.

રેખા અને દુર્ગા પાછળ જ ચાલ્યાં આવતાં હતાં. દુર્ગાએ તરત પેલી છોકરીને કહ્યું, ‘અરે ઓ મેરી અમ્મી, મારી મા જલદી ચાલ. બાર વાગ્યા.’

દુર્ગા આ રીતે તરત અમ્મી અને મા એક સાથે બોલી તેની પાછળ તેનો કોઈ ખાસ ઉદ્દેશ હતો કે કારણ વગર જ બોલી ગઈ તે મને સમજાયું નહીં. દુર્ગાને પૂછી પણ જોયું, ‘કેમ આમ બોલે છે?’

‘તને કાંઈ વાંધો પડે છે?’ દુર્ગાનો જવાબ આવો હોય તેની નવાઈ નથી. વધુ વિગતથી કંઈ પૂછ્યું હોત તો તે શું કહેત તે પણ સમજી શકાય તેમ હતું. તે કહેત, ‘તો બીજું શું કરું? એ લોકને ઉપદેશ આપવા બેસું? ‘હે વહાલાં બાળકો, અમ્મી-અબ્બુ, મા-બાપ, મમ્મી-પપ્પા બધા શબ્દોનો અર્થ એક જ થાય છે.’ મને જે સુઝ્યું તે મેં કર્યું. તને કંઈ વાંધો છે?’

કદાચ દુર્ગાએ જાણી સમજીને કશું કર્યું કે કહ્યું ન હોય તેવું પણ હોય. આવી સૂઝ તેને માટે સહજ હતી. દરેક પ્રસંગે પોતાનું મન તેને દોરે તેમ અને તે વખતે જાગેલી પોતાની સમજ તેને કહે તે પ્રમાણે દુર્ગા વર્તતી.

વિચારવું છોડી દીધું અને દુકાને જઈને પ્રાઇમસ પર ભાત ચડાવ્યો. સમરુ સાઇકલ ફીટિંગ કરીને ઘરે જમવા ગયો હતો.

બપોરે દુકાનમાં જ સાદડી પાથરીને પડ્યો પડ્યો વાંચતો હતો ત્યાં એક પોલીસવાન પીળા મકાનના દરવાજામાં પ્રવેશતી દેખાઈ. પોલીસ શા માટે આવી હશે તે વિચાર આવ્યો; પરંતુ આરામથી વાંચવું છોડીને અંદર જવું રુચ્યું નહીં. થોડી વાર પછી વાન પાછી ચાલી ગઈ.

વાન ગઈ પછી વીસેક મિનિટે અંદરની બાજુએથી ‘નંદુ ક્યાં ખોવાઈ ગયો?’ જેવો નલિનીબહેનનો ઘાંટો સંભળાયો. લક્ષ્મી પણ ઊંચે અવાજે નંદુને સાદ કરતી હોય તેવું લાગ્યું. છેવટે લક્ષ્મીએ દરવાજે આવીને મને બૂમ પાડીને કહ્યું, ‘ચાલને, બેન બોલાવે છે.’

વાંચવું પડતું મૂકીને મારે જવું પડ્યું. દરવાજે પહોંચ્યો ત્યાં લક્ષ્મી ક્યાંક જતી રહી હતી. થોડે આગળ ગયો ત્યાં સામે માધો મળ્યો. માધોએ મને સહસા પૂછેલું, ‘અલ્યા, નંદુકાકો કંઈ ગ્યો?’

‘અંદર જ હશે. મેં જોયા નથી.’ મેં જવાબ આપેલો અને માધોને પૂછેલું, ‘ફરી પાછી કંઈ ગરબડ છે?’

‘ગરબડ તો અહીં રોજની હોય જ છેને!’ માધોએ પોતાની લાક્ષણિકતા દર્શાવતાં કહ્યું, ‘આ પોલીસવાળા ગયા તે જોયું નઈં? એ લોક ઑફિસમાં આવીને એકાદા કાગળિયામાં લક્ષ્મીની સઈ કરાવી ગ્યા.’

‘શાની સહી, લક્ષ્મી કદી સહી કરતી હશે?’ મેં પૂછ્યું અને માધો સાથે અંદર ઑફિસમાં ગયો.

ઑફિસમાં લક્ષ્મી નલિનીબહેનને કહેતી હતી, ‘જોડે વરદીવાળા સાહેબ આયાતા. એવાએ પૂછ્યા-ગાછ્યા વના મુન્નાને અહીં મેલીને જતા રયા. કોઈને કહેવાયે રોકાયા નંઈ.’

બધાં ધાંધાં થયાં છે એટલે કંઈક બન્યું છે તે નક્કી. વાત ચાલી એટલે સમજાયું કે પોલીસ કોઈ કિશોરને મૂકી ગઈ. નામ મુન્નો. કાં તો ગાંડો છે, કાં અપંગ; કે પછી ગાંજો પીને સમાધિમાં ગયેલો. આ પરમ મનોહર ગ્રહ ઉપર પીડાઓ શોધવા જવાની જરૂર કોઈ દિવસ કોઈને ક્યાં પડે છે?

પોલીસ કોણ જાણે કયા કારણે તે મુન્ના નામના અસ્તિત્વને બીજે ક્યાંય નહીં અને અહીં આવીને ઉતારી ગઈ છે. લક્ષ્મી ઑફિસમાં હતી. ઘણી વાર પોલીસચોકીમાંથી પણ બાળકો આવે છે; એમ આ મુન્નો આવ્યો એટલી સમજ એને પડી.

પોલીસ મૂકવા આવે ત્યારે છોકરાની જવાબદારી લેતાં પહેલાં નલિનીબહેનને પૂછવું તો પડે. પરંતુ વટ પાડવાનો લોભ તજે તો લક્ષ્મી શાની! ખાખી કપડાં અને ટોપીમાં સજ્જ, ગાડીમાં બેસીને આવેલો અમલદાર જે કહેશે તે નલિનીબહેને કરવું જ પડવાનું. તો પછી લક્ષ્મી પોતે જ શું ખોટી હતી? એણે બિચારીએ કાગળો પર સિક્કા મારી આપ્યા હતા. હા, ‘સો વાતે પણ મેં સઇ કરી આપી નથી. કેમની કરું?’ તેવું તે કહેતી હતી. અમને ખાતરી હતી કે તેણે સહી નહીં જ કરી હોય. તેને સહી કરતાં આવડતું જ નહોતું.

મેં દૂરથી જોયું તો જામફળીના બાગમાં એક તરફ છાયામાં પોલીસ જેને મૂકી ગયેલી તે મુન્નો પડ્યો હતો. તેના શરીર પર ચાંભાં પડ્યાં હોય તેવું લાગ્યું. બેભાન જેવો પડેલો.

જે બાળકો ચાલી શકતાં ન હોય તેમને તેડીને અંદર લઈ જવાનું કામ વર્ષોથી લક્ષ્મી કરતી આવી હતી; પણ આ મુન્નો, લક્ષ્મી ઊંચકી શકતી તેવાં બાળકો કરતાં ઘણો વધારે મોટો દેખાતો હતો.

માધો આવા બે મુન્નાને એક સાથે ઊંચકી લે તેટલો બળવાન ખરો; પણ એ તો માધો હતો. રસોઈ ઘરનો હેલ્પર અને કોઠારનો અધિપતિ, એણે કંઈ આવાં છોકરાં ઊંચકવાનું કામ થોડું કરવાનું હોય! એટલે મુન્નાને જાળી પાછળ પૂરવાનું કામ છેવટે તો આપણા નંદુ મહારાજે કરવાનું રહે. એટલે જ ચારે દિશામાં નંદુ, નંદુની બૂમો ઊઠતી સંભળાતી હતી.

નંદુના નામની રઢ સાંભળીને જાળી પાછળના ચોકમાંથી અગાસી પર આવીને રેખાએ બૂમ પાડી, ‘એ.. પીપળિયા કૂવે ના’વા ગ્યા છ નંદુકાકા. તંઈ આગાડી જાવ. તંઈ કપડાં ધુવે છે.’ માધો નંદુને બોલાવી લાવ્યો. બહેન કંઈ કામ સોંપે તે પહેલાં માધો મુન્નાની ભલામણ કરતો હોય તેવા ભાવે નંદુનું ધ્યાન મુન્ના તરફ દોરીને જાણે હવામાં ઓગળી ગયો.

મને સૂચના ન મળે ત્યાં સુધી ઓટલા પર ઊભા રહીને આ બધી દોડધામ જોયા કરવા સિવાય કંઈ સૂઝ્યું નહીં. નંદુએ કોઈ સૂચનાની રાહ જોઈ નહીં. તે સીધો મુન્ના પાસે ગયો. તેને ધ્યાનથી જોયો. થોડી વાર ઊભા રહીને આસપાસ જોયું. નંદુને શોધવા આખા કમ્પાઉન્ડમાં ફરતાં હતાં તેમાંનું કોઈ માણસનું જણ્યું ત્યાં નજરે પડતું નહોતું. જાળી પાછળ પુરાયેલાં છોકરાંઓ અગાસી પર આવીને કંઈક નવતર બનતું જોતાં હોય તેમ જોઈ રહ્યાં હતાં.

છેવટે નંદુની નજર મારા ઉપર પડતાં તે ધીમે પગલે મારી પાસે આવીને બોલ્યો, ‘બાબા, ખેતરે જા. મોહન પાસે ચાર પૈડાંની લારી છે. તે લઈ આવ. મારું નામ દેજે તરત આપશે. આ મુન્નાભગત પધાર્યા છે પણ અહીં બધા સાથે અંદર તેને રખાય તેમ લાગતું નથી. દેહ આખાને લૂખસનો ચેપ છે. બીજાં છોકરાંને તો પાસે પણ નહીં લવાય. ભગતને સીધા દવાખાને જ લઈ જવા પડશે.’

મને તો મુન્નો ચેપી રોગવાળો છે તે સાંભળીને જ ચીતરી ચડેલી. હું નંદુની શરમે જ ત્યાં ઊભો રહેલો. નંદુ એક અજાણ્યા, રોગિષ્ટ શરીરને ભગત કહેતો હતો, મોં પર સૂગનો કે દયાનો કશોય ભાવ લાવ્યા વગર તેને અંદરનાં બાળકો સાથે ન રાખવાનું કારણ કહેતો હતો અને તેને દવાખાને લઈ જવાની વ્યવસ્થામાં પડ્યો હતો.

આ કારણે બુદ્ધિની સ્પષ્ટ ના છતાં નંદુને મદદ કરતાં મારી જાતને રોકી ન શકાઈ. તરત જ હું વાડીએ ગયો. મોહન હજી ઘરે જ હતો. મેં તેને વિગતે વાત કરીને કહ્યું, ‘છોકરો માંદો બહુ છે. તમારી લારીમાં દવાખાને લઈ જવો પડશે.’

સમરુ સામે જ બેઠો હતો. તેણે બધી વાત સાંભળી. લારી લઈ જવાની વાત આવી એટલે તેણે મને પૂછ્યું, ‘કયો છોકરો?’

‘હું ઓળખતો નથી. આજે જ આવ્યો. હમણાં પોલીસવાળા મૂકી ગયા.’ મેં જવાબ આપ્યો.

સમરુ મોહનને ઉદ્દેશીને બોલી પડ્યો, ‘મોહનભૈ, ના આલશો લારી. છોકરાને જોયો છે? કાલ બપોરવેળાનો ગાયત્રી સોસાયટીના નાકે પડેલો હતો તે. ખસથી સડી ગયો છે. લારી દવાથી ધોયેય પાર નંઈ આવે.’

મારા તરફ ફરીને સમરુએ ફરીથી કહ્યું, ‘નંદુમા’રાજ અનાજ કે શાકભાજી લાવવા લારી માગી જાય તે સમજ્યા. ક્યારેક કોઈનો હાથ-પગ ભાંગે તોય આલીએ છીએ, પણ આવા કામે તો ના મલે.’

‘તો બીજું શું કરીએ? તું જ કહે સમરું, બેભાન જેવો છે. સાઇકલ ઉપર તો બેસી ના શકે. અહીં બીજું સાધન છે? બીજું કંઈ મળતું હોત તો તમારી લારી માગત નહીં. નથી એટલે તમારી લારી લેવા જ આવીએને?’ મેં નરમ અવાજે જવાબ આપ્યો.

‘લઈ જા, આ સામે પડી, સફાઈ કરીને પાછી મૂકી જજો’ સમરુની મનાઈને ઉવેખતાં મોહને કહ્યું અને તરત પૂછ્યું પણ ખરું, ‘તે એવા એને લઈને દવાખાને કોણ જવાનો?’

મુન્નાને લારીમાં ચડાવવો પડશે, લારીને ધકેલીને દવાખાના સુધી લઈ જવી પડશે. આ બધો વિચાર મને આવ્યો જ નહોતો. હવે મોહને પૂછ્યું ત્યારે જવાબ દેતાં હું મૂંઝાયો. આમ છતાં જવાબમાં મેં કહ્યું, ‘કદાચ તો નંદુકાકા જ લઈ જશે.’

‘તમને બધાને એક નંદુ જ હાથમાં આવે છે. જાણો તો છો કે શહેર એમ કંઈ હાથવેંત નહીં. એકલો નંદુડોહો આટલે લગી લારી કેમનો ધકેલી હકવાનો? જોડે માધોડિયાએ જવું પડે.’ કહીને મોહને લારી મારા તરફ ધકેલી અને ઉમેર્યું, ‘જા ભૈ, લઈ જા. નંદુ જોડે જનાર કોઈ ના મલે તો તું જજે. તારેય ના જવું હોય તો મને બોલાઈ જજે. હું જઈશ.’

મોહને આ બોલીને મને આજ્ઞા કરી હતી કે વિનંતી તે સમજી ન શકાયું. આમ છતાં મોહનની વાત કે વાણી પ્રત્યે મારા મનમાં કોઈ દુર્ભાવ ન જાગ્યો. ‘કોઈ ન જાય તો તું જજે’ મોહનના આ શબ્દો પાછળ દેખાતો તેનો મારા પ્રત્યેનો જરાક જેટલો વિશ્વાસ મને નવું બળ આપી ગયો.

સમરુ મોં બગાડીને બેસી રહ્યો. આગળ કંઈ બોલ્યો નહીં.

મને લારી લઈને પીળા મકાને પહોંચતાં લગભગ અડધો કલાક થયો. ત્યાં સુધીમાં માધો તો શહેર ચાલ્યો ગયો હતો. દુર્ગા જાળી પાછળથી બહાર આવીને નંદુ સાથે કંઈક વાતો કરતી બાગના બાંકડે બેઠી હતી. મને લારી લઈને આવતો જોઈને તે સામે આવી.

‘માધોને શાક લેવા જવું પડ્યું.’ નંદુએ મને કહ્યું. ‘તારાથી સાથે આવવાનું બનશે? નહીંતર પછી મોહનને જ કહેવરાવું.’

માધો જાણીજોઈને જ શાકભાજી લેવા જતો રહ્યો છે તેની મને પૂરી ખાતરી હતી. મને નંદુ માથે ચીડ ચડી. મેં કહ્યું, ‘માધો બે મિનિટ રોકાયો હોત તો શાક કંઈ ભાગી ન જાત. તમેય એને રોકી શક્યા હોત. દર વખતે સારા દેખાવાની કોશિશમાં તમે શહીદ થાવ છો. તમારાથી બોલાતું ન હોય તો નલિનીબેનને કહેવું હતું. એ માધોને કહેત, રોકત અને તમારી સાથે દવાખાને મોકલત.’

દુર્ગા મારા સામે વિસ્મયપૂર્વક જોઈ રહી. મને મારા પર જ ચીડ ચડી. પહેલી જ વાર અને તે પણ દુર્ગાની હાજરીમાં મારાથી નંદુને આવા આકરા શબ્દોમાં કહેવાઈ ગયું તેની શરમ મને અકળાવતી હતી.

નંદુ મારી દયા ખાતો હોય તેમ મને જોઈ રહ્યો, આછું હસ્યો અને બોલ્યો, ‘માધોને જવું હોય એટલે હું જવા દઉં? તું એવું માને છે? ભાઈ, નલિનીબેન તેને રોકે અને મુન્નાને લઈને દવાખાને મોકલે નહીં એ ખાતર તે પહેલાં મેં માધોને કહ્યું કે જા, શાક માટે નીકળી જા.’

નંદુએ આવું શા માટે કરવું જોઈએ તે સમજ મને નહોતી. તોપણ દુર્ગાની હાજરીને કારણે મેં નંદુના જવાબ સામે દલીલ કરવાનું માંડી વાળ્યું.

લારી પોતાની પાસે લેતાં નંદુએ દુર્ગા સામે જોઈને કહ્યું, ‘મા, હું ઘરમાંથી ચાદર લઈ આવું. ભગતને ઢાંકવા પડશે. આ દેહ લઈને બજાર વચ્ચેથી નીકળવું પડવાનું. નાનાં છોકરાં અને એની માવરું બજારે નીકળ્યાં હશે. માણસનું આવું રૂપ તેમની નજરે ન ચડે તે જોવું પડશે.’

‘તમે રહેવા દો. હું લઈ આવું છું.’ કહીને દુર્ગા નંદુના ઘર તરફ ચાલી અને મને કહ્યું, ‘ચાલ.’

થોડે દૂર પહોંચીને દુર્ગાએ મને ધીરેથી કહ્યું, ‘ફરી કોઈ દિવસ નંદુકાકાને સામો જવાબ દીધો તો મારા સોગન છે તને. તું જે માનતો હો તે; પણ માધોને હાથ-પગ ધોયા વગર રાંધવા બેસતો જોયો તે પળથી નંદુકાકાએ એકલાએ રસોઈનું કામ પોતાને માથે લઈ લીધું. આજે જો માધો સાથે જાય તો દવાખાનેથી આવીને દવાથી નહાવાનું કબૂલે નહીં. કબૂલે તો નહાય નહીં. અરે એ તો મુન્નાને મૂકીને સીધો દવાખાનેથી જ બજારે નીકળી જાય. એ રીતે આવેલું શાક ભટૂરિયાં ચાર-પાંચ દિવસ સુધી ખાય તેવું તો નંદુકાકો કઈ રીતે થવા દે?’

દુર્ગાએ આ કહ્યું ન હોત તો નંદુ બાળકોની કેટલી હદ સુધી સંભાળ લે છે તે હું ક્યારેય સમજી શક્યો ન હોત. મનમાં મને પસ્તાવો થવા માંડ્યો. દુર્ગાએ આગળ કહ્યું, ‘માધો રહે છે અંદર. છોકરાંઓની સાથે. ન કરે નારાયણ અને એ કંઈ ચેપ લઈ આવે તો? અરેરે, તો તો કેટલી વિપદા થાય. ના બાબા ના. એના કરતાં કાકાએ એને આઘો રાખીને જ સારું કર્યું.’

અમે ચાદર લઈને પાછાં આવ્યાં ત્યારે મેં નંદુને કહ્યું, ‘મોહનકાકાને નથી બોલાવવા, મારાથી અવાશે.’

અમે લારી ખેંચીને બાગમાં લાવ્યા ત્યાં સુધીમાં દુર્ગા ઑફિસમાંથી રબ્બરના હાથમોજાં લઈ આવી. અમને બેઉને એક-એક જોડ આપીને તે થોડી દૂર ઊભી રહી. અમે મોજાં પહેર્યાં, મોં પર કપડું બાંધ્યું અને સાથે મળીને મુન્નાના કોહવાયેલા દેહને ઊંચકીને લારીમાં ગોઠવ્યો. દુર્ગા ઑફિસમાં જઈને કેરોસીન લઈ આવી. થોડી વાર પહેલાં જ્યાં મુન્નો પડ્યો હતો ત્યાંની માટી તેણે સળગાવી.

‘એ બચી તો જશેને કાકા?’ દુર્ગાએ પૂછ્યું.

થોડી વાર કંઈક વિચારમાં હોય તેમ અટકીને નંદુએ જનોઈ પર હાથ ફેરવ્યા કર્યો. પછી આગળ કહ્યું, ‘જીવશે મા. જીવશે. આ તો મટી શકે એવો ચેપ છે. દવા થશે કે તરત મટવા માંડશે.’

અમે લારી ધકેલતા દરવાજે પહોંચ્યા ત્યાં સુધી દુર્ગા ઊભી રહી. નંદુએ પાછળ ફરીને તેને અંદર જતા રહેવા ઇશારો કર્યો અને બબડ્યો, ‘જગત આખાના દુ:ખની ચિંતા કરે છે; પણ તેં પોતે ક્યાં ઓછાં દુ:ખ સહ્યાં છે. તોયે હસતી રમતી રહે છે.’

થોડી પળો મૌન ચાલતા રહીને નંદુએ મારા સામે જોઈને કહ્યું, ‘એને આ કસબ શીખવો નથી પડ્યો. દુ:ખની સાથે જ તે આપોઆપ મળ્યો છે.’

કાચા રસ્તે મેં નંદુને દૂર રાખીને લારી ધકેલી. વચ્ચે એક ઝાડ તળે પોરો ખાધો. શહેરની સડકો આવતાં નંદુ મારી સાથે જોડાયો. અમે બેઉ સભ્ય, સુંવાળા, વેપારી લાઈનના મનુજોની આંખોને તકલીફ ન પડે, સ્ત્રીઓને અરેરાટી ન થાય અને નાનાં બાળકો ભય ન પામે તે રીતે મુન્નાના રોગિષ્ટ દેહને ચાદર હેઠળ ઢાંકી, સંતાડીને લારી ધકેલતા, બજાર વચ્ચેથી પસાર થઈને દવાખાને પહોંચાડ્યો. ડૉક્ટરે તેને જોઈને દાખલ કરાવવા કહ્યું.

સિવિલ હૉસ્પિટલમાં વિધિ પતાવતાં અમને થોડી વાર લાગી. સદ્ભાગ્યે રોઝમ્માની નોકરી આજે ચેપી રોગના કમરામાં હતી એટલે એણે ઘણું ખરું સંભાળી લીધું.

અમે જતા હતા ત્યાં રોઝમ્માએ દવાની બાટલી મારા હાથમાં પકડાવાં કહ્યું, ‘દવાઈ લગા કર નહાને કા.’

મેં રોઝમ્માનો આભાર માનતો હોઉં તે રીતે ગરદન જરા ઝુકાવીને દવા લઈ લીધી. જવાબમાં રોઝમ્મા પણ મીઠું હસી અને મને પૂછ્યું, ‘કૈસા હૈ દુરગૈ વો સબ? ઔર વો બૉમ્બેવાલી બચ્ચી કા ક્યા ખબર?’

અમને અને પોતાની પાસે બે-ચાર દિવસ પેશન્ટ તરીકે રહી ગયેલી બાળકીને રોઝમ્મા આજે પણ યાદ કરે છે તે જોઈને મને જેટલી નવાઈ લાગી એટલો જ આનંદ પણ થયો. મેં માંડીને વાત કરી અને શેફાલીને કણ્ણગી આયંગર તે રાત્રે જ લઈ ગઈ તે પણ કહ્યું.

રોઝમ્મા બોલી, ‘ઓવ! મતલબ કે બેબી હમારા દેશમેં ચલા ગયા. કભી જાયેંગે તો મિલેંગે. એડ્રેસ દેના.’

તેને સરનામું આપવાનું વચન આપીને હું નંદુ પાસે ગયો. તે બહારના નળે લારી ધોતો હતો. મેં તેની મદદ કરી અને લારી ધોઈને અમે પાછા જવા નીળ્યા.

સાંજે મોહનને ત્યાં લારી આપવા ગયો. દવા નાખીને ફરી તેની લારી કૂવે ધોઈ. હું પણ ખૂબ નહાયો. મોડી સાંજે પાછો ફરીને ડાયરી લખતો હતો ત્યાં રેખા કહી ગઈ, ‘નંદુકાકાએ જમવા આવવાનું કહ્યું છે.’

‘એમણે શા માટે કર્યું? હું રાંધવાનો જ હતો.’ મેં કહ્યું.

‘શું કામ કર્યું તે ખબર નહીં.’ રેખા મારા પ્રશ્નનો જવાબ આપતાં હસી પડી. પછી ઉમેર્યું, ‘રાંધ્યું તો મેં અને દુર્ગાઈએ. નંદુકાકાએ નહીં. એ તો નહાયા, કપડાં ધોયાં અને પૂજા કરે છે.’

હું નંદુને ત્યાં ગયો. દુર્ગા હજી સફાઈ કરવામાં હતી. મેં અને રેખાએ મદદ કરી. ત્યાં સુધીમાં નંદુની પૂજા પતી ગઈ. તે આસનિયાં પાથરતાં બોલ્યો, ‘મા, તમે બન્નેએ તો ભારે કૃપા કરી.’

દુર્ગા અને રેખા હસીને જતાં રહ્યાં. નંદુ આગ્રહ કરે તોયે તે બેમાંથી કોઈ જમવા રોકાય તેમ નથી તે હું અને નંદુ બેય જાણીએ.

જમ્યા પછી મેં નંદુને ત્યાં રોકાઈને ડાયરી લખી. આજનો બનાવ, સમાજ તરફનો રોષ, વ્યવસ્થા પ્રત્યે નારાજગી, રોગની વ્યથા આવા બધા વિષે પણ થોડું અષ્ટમ-પષ્ટમ ઘસડી માર્યું. મુન્નાના રોગનું વર્ણન લખતાં મને કમકમાં આવતાં હતાં. પ્રયત્ન પછી પણ માત્ર થોડું જ લખી શકાયું. રોઝમ્મા વિશે પણ લખેલું કે સતત રોગ અને દુ:ખ-દર્દ જોયાં કરવા છતાં તે કાયમ હસતી રહે છે.

નંદુએ ડાયરી માગીને વાંચી. રોઝમ્માની વાત વાંચીને તે અટક્યો. મને પૂછ્યું, ‘તું આ નર્સને ઓળખે છે?’

‘ખાસ નહીં. બસ આ શેફાલી અને સૌમ્યા વખતે તે અહીં આવતાં અને આજે મળ્યાં એટલું જ.’ મેં કહ્યું.

‘બાબા, એ છેક દખ્ખણથી અહીં આવીને સેવા કરે છે. જેટલાં દુ:ખ એ રોજ જુએ છે એનાથી વધારે કદાચ ભોગવે છે. તોયે તેં લખ્યું છે એમ હસતી ને હસતી.’

‘એને શું થયું છે? મને તો સાજાં-સમાં જ લાગે છે.’ મેં કહ્યું.

‘પીડા એકલા શરીરને જ હોય એવું નથી ભાઈ. રોઝમ્માને જોઉં છું તો સમજાય છે કે માણસજાતને માથે હજાર પીડાઓ ભૂલીને પણ આનંદથી જીવવાનો શાપ છે. ક્યારથી તે ખબર નથી. કદાચ મનુભગવાનથી જ.’

‘મને કહો..’

હું રોઝમ્માની વાત પૂછું તે પહેલાં તો નંદુએ નકારમાં ડોકું ધુણાવી દીધું અને બોલ્યો, ‘સાંભળેલી વાતોથી ડાયરી ન ભર. તને તો તારી નજરે જોવાનો હુકમ છે. રોઝમ્મા કહેશે નહીં; પણ જો સાંભળ તો એને મોઢે જ સાંભળજે. બીજાત્રીજાના મોંએ નહીં.’ કહીને નંદુ ડાયરી વાંચવાં માંડ્યો.

ડાયરી પૂરી વાંચીને નંદુ મારી સામે આવીને બેઠો. મને કહે, ‘લાલા, હું કહું છું તે સાંભળ. તું માને કે ન માને, કુદરતની કૃપા તારા પર ઊતરી તો છે જ.’

નંદુએ કહ્યું તે મને ગમ્યું. થોડા સંકોચથી હું નીચે જોઈને મૌન રહ્યો. નંદુ આગળ બોલ્યો, ‘યાદ છે? તે દિવસે મેં તને કહેલું કે કુદરત પોતે પોતાને જેવું રૂપ લઈને બેસવું છે તેવું રૂપ માણસને નજરે, મનમાં, કલ્પનામાં કે સપનામાં બતાવે છે. તો આ તને નજરે બતાવ્યું. તારી સામે લાવીને બતાવ્યું છે. હવે લખાયા વગર રહેવાવાનું નહીં.’

‘તમે પણ નંદુકાકા...’ મેં કહ્યું. ‘મશ્કરી કરશો તો ફરી ક્યારેય ડાયરી વાંચવા નહીં આપું.’

નંદુ થોડી વાર મારા સામે જોઈ રહેલો. પછી જરા હસીને તેણે કહ્યું, ‘તને લાગે છે કે આવી વાતમાં નંદુ ક્યારેય મજાક કરે?’ કહેતાં કહેતાં તેનું મોં ગંભીર બન્યું. તેણે મારા તરફ જોયા કર્યું અને બોલ્યે ગયો, ‘આ નંદુનું વચન નોંધી રાખ. આજે સાઇકલ પંક્ચર કરતો છોકરો એક દિવસ મોટો લખેડુ બનવાનો. આ કંઈ હું અમસ્તું નથી કહેતો. આ નંદુએ કંઈ ઓછું નથી વાંચ્યું. નિમ્બેનના ભંડારની એકએક ચોપડીનું પાનેપાનું વાંચી ગયો છું. ભાષા નથી જાણતો પણ ભાવ તો જાણું છું. એટલે તો તારી આ પોથી વાંચીને જાણી ગયો છું કે હવે તને એ બતાવશે. નક્કી એની કૃપા થઈ છે.’

તેની આ વાતથી મને આનંદ થયો. ઉત્સાહનું એક મોજું પણ મેં અનુભવ્યું. નંદુ મારા મનોભાવ નોંધતો હોય તેમ મને જોઈ રહ્યો હતો. મારો ઉત્સાહ છલકાઈ જાય તે પહેલાં તેણે આગળ કહ્યું, ‘પણ ઊભો રહે. નજરે જોયા પછીયે માણસ ક્યારેય પોતે દીઠેલા રૂપને પૂરેપૂરું ઉઘાડી નહીં શકે. કોઈ ને કોઈ ખામી રહે જ. મુન્નાનું વર્ણન વાંચ. તેની પીડાની વાત વાંચ. તરત ખબર પડશે કે તેં પૂરું લખ્યું નથી. અધૂરું લખ્યું છે. અને જાણી લે બાબા, તું હજારવાર મથીશ તોયે પીડાની સીમાનું વર્ણન તારાથી થઈ શકવાનું નહીં. દરેકની કંઈક હોય તેમ આ તારી મર્યાદા રહેવાની. રથનું પૈડું અણીને સમયે જમીનમાં ખૂંપ્યા વિના રહેવાનું નથી. એકલા કરણને જ નહીં, માણસમાત્રને માથે આ શાપ છે.’

***