sun mere humsafar... in Gujarati Moral Stories by Dhavalkumar Padariya Kalptaru books and stories PDF | સૂન મેરે હમસફર...

Featured Books
Categories
Share

સૂન મેરે હમસફર...

    બાજુનાં ઘરનાં  રેડિયો પર વાગતું ગીત , "સૂન મેરે હમસફર , ક્યા તુજે ઇતની સી હૈ ખબર...? સાંભળતા જ અચાનક નિંદ્રામાંથી સફાળા જાગી, ગીતનાં શબ્દોથી જાણે ભૂતકાળનાં સંસ્મરણો તમારી આંખો સામે તરવરતા તમારી આંખો સહજ ભીંજાઈ ગઇ હિના...રીઅલ લાઈફ અને રીલ લાઈફ વચ્ચેની ભેદરેખા પારખવામાં તમે નિષ્ફળ નીવડ્યા હિના.અભ્યાસમાં કુશળ એવાં મે આ રીતે વ્યાવહારિક જીવનનાં ગણિતમાં  ફેેેઇલ થઈ જશો એવું માનવામાં નથી આવતું હિના...પણ હકીકતને કોણ બદલી શકે છે હિના...?જ્યારે પણ ભૂતકાળનાં સંસ્મરણો તમારી સામે તરવરે છે ...ત્યારે તમને સહજ વિચાર આવે છે કે,"કાશ...ગંજીફાની રમતનો એક્કા પર વિશ્વાસ ન મૂક્યો હોત ...તો આજે આ દિવસ જોવો ન પડત...!                  
     ફળિયામાં કોર્નર પરનો તમારા ઘરનો ઓટલો ફળિયાનાં છોકરાને રમ્યા પછી બેસવાનું,ગપ્પાં મારવાનું એક સ્થાન હતું.ભરબપોરે ઠંડક રહે તેવો કોટા સ્ટોન વાળો ઓટલો અને બાજુનાં વૃક્ષોમાંથી ઠંડો પવન આવતો એટલે ફળિયાના બધા મિત્રો ત્યાં બેસીને વાતો કરતાં ગંજીફાની રમતો રમતા. નિલયની પત્તાને ફરકડી મારવાની સ્ટાઈલ, પત્તાને ફેંકવાની સ્ટાઈલ, આત્મવિશ્વાસથી બાજીને જીતવાની સ્ટાઈલ, પ્રતિસ્પર્ધી ને એમ લાગે કે તેં બાજી જીતી ગયો છે... ત્યારે નિલય ,"પિક્ચર અભી બાકી હૈ... મેરે દોસ્ત..." કહી "હુકમનો એક્કો..." કાઢી જુસ્સાથી શર્ટનાં કોલર ટાઈટ કરીને  કહેતો...જોયું ભાઈ...આ હુકમનો એક્કો... આ જોઈને તમે પણ મનમાં આછું  હસી લેતા હિના...વાદ - વિવાદમાં પણ અવ્વલ, પેપર વાંચવાનો શોખીન નિલય વાતો માંડે ત્યારે તમે એકીટશે જોઇ રહેતાં હિના...મૂછો પર હાથ ફેરવવાની યુનિક સ્ટાઈલ અને .પછી , "આ ...બાપુ બોલે છે... એટલે ફાઇનલ..." એવો મિજાજ જોઈ તમને પહેલા નિલય તરફ ક્ષણિક આકર્ષણ થયું હિના...એટલે જ્યારે ગંજીફાની રમત રમાતી હોય ત્યારે તમે નિલયની બિલકુલ સામે ગોઠવાઈ જતા અને નિલયની બોડી લેન્ગવેજનું ધ્યાનથી નિરીક્ષણ કરતાં તમે હિના...વચ્ચે વચ્ચે તેની સામે નજર કરી લેતા અને નિલય સાથે આંખો એક થતા આંખોની પાંપણ ઊંચી કરી લઇ વાત કરી લેતા હિના...આંખો મળતાં તમારી બન્ને વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યા હિના. એક દિવસ કોઈને ખબર ન પડે તેવી રીતે  નિલયે ખિસ્સામાંથી એક કાગળમાં તમને આપ્યો હિના જેમાં લખ્યું હતું..."Meet me at garden at 8 pm" મોબાઈલમાં બેલેન્સ કરાવવાના બહાને તમે ઘરેથી નીકળી ગયા હિના...અને નિલય સાથેની મુલાકાતથી તમને અનહદ આનંદ થયો હિના. નિલયે તમને પુછ્યું, "ક્યું બહાનું કાઢીને મળવા આવી છું...?તમે કહ્યું: મોબાઈલનુ બેલેન્સ...તો લાવને બેલેન્સ ઓનલાઈન કરી દઉં... એમ કહી નિલયે તમારો નંબર મોબાઈલમાં સેવ કરીને ઓનલાઇન બેલેન્સ કરી દીધું...અનલિમિટેડ ટોક ટાઈમ મળતાં રાજીના રેડ થઇ ગયા તમે હિના.હવે તમે ફોન પર વાતો કરતાં અને કોઈના કોઇ બહાને રૂબરૂ મુલાકાત કરતા હિના. નિલય તમારાથી ઉંમરમાં ઘણો મોટો હતો હિના.એટલે તમારા રૂઢિચુસ્ત માતા - પિતાને ઉંમરનો બાધ લગ્નની વચ્ચે આવશે અને લગ્ન માટે ઇન્કાર કરશે તેવી તમને પાકી ખાતરી હતી હિના. એટલે જ માતા - પિતાની સાથે વાત કરવાનું તમે ટાળ્યું હતુ હિના. મારા પુત્રીના લગ્ન પ્રસંગે આખા ફળિયામાં મોટો માંડવો બાંધીશ એવો હરખ તમારી મમ્મીને હતો હિના .પરંતુ તમને "હુકમનાં એક્કા" સાથે રહેવાના કોડ હતાં એટલે નિલય સાથે ભાગી જવાનું મુનાસીબ લાગ્યું હિના.રજીસ્ટર મેરેજ કરી લઇ થોડા દિવસ નિલય સાથે નિલયનાં મિત્રના ઘરે રહી પરિસ્થિતી થાળે પડે એટલે ઘરે આવી જઈશું એવું નક્કી  કરીને તમે અને નિલય સાથે જીવનની નવી ઇંનીગ ની શરૂઆત કરવા નીકળી પડ્યાં હિના. થોડા દિવસ પછી ફળિયામાં પાછા આવતાં તમારાં પિતાજીએ તમને સ્વીકારવાની ના પાડી હતી હિના.મારું નાક કાપી નાખ્યું, હવે શું કામ અહીં મને મોંઢુ બતાવવા આવી છું...?તમારો ભાઈ તો નિલયને મારવા દોડયો...અને કહ્યું, "જતો રહે...કાળમુખા... નહીં તો મારી આ લાકડી અને તારું માથું...જીવનરૂપી બાજી ઊંઘી પડતાં તમારે અને નિલયે ફળિયું છોડીને જતું રેહવું પડ્યું. તમે એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા.નિલય એક કંપનીમાં કામ કરવા લાગ્યો. જ્યારે તમે  તમારી જીવનની સમસ્યાઓની વાત નિલય સાથે કરતા ત્યારે નિલય મૂવીનો ડાયલોગ બોલીને તમને આશ્વાસન આપતો, "હમારી લાઈફ મૈં ભી પિકચર કિ તરહ ઍન્ડ મેં સબ કુછ ઠીક હો જાતા હૈ, ઔર અગર ઠીક નહીં હુવા તૌ પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત." એ મૂવી ની વાર્તા,તેનો હેપી એંન્ડીગ અને મૂવીની હિરોઈન તમને બહુ ગમી ગયેલી હિના. એટલે હિરોઈનનાં નામ મુજબ તમારી કૂખે અવતરેલ બે ટ્વીનસ છોકરી પૈકી એકનું નામ "શાંતિ" અને બીજીનું નામ "પ્રિયા" રાખેલું. આટલી મોંઘવારીમાં બે સંતાનની જરુરિયાતો પૂરી કરવામાં બહુ તકલીફ પડતી હતી .તમારાં મોજશોખ,તમારા અને તમારા સંતાનના સપના પૂરા કરવા માટે  નિલય ડબલ શિફ્ટમાં કામ કરવા લાગ્યો. થાક લાગતા મિત્રો કોં'ક દિવસે દારૂની મહેફીલ માણતાં. પણ મિત્રૉની કુસંગત ને કારણે નિલય દારૂનો વ્યસની થઈ ગયો. એક વાર નિલય બીમાર પડ્યો. ડૉક્ટરે વિવિધ રિપોર્ટ કઢાવવા માટે કહ્યું. તેમાં  C.B.C (કમ્પલિટ બ્લડ કાઉન્ટ) અને L.F.T. (લીવર ફંકશન ટેસ્ટ) નો રિપોર્ટ આવતાં તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હિના. વધારે પડતાં દારૂના સેવનથી નિલયનું યકૃત ખરાબ થઈ ગયું હતું. પેટમાં અસહ્ય પીડા ઉપડતા હવે નિલય થોડાં જ દિવસનો મહેમાન હોય તેવું પ્રતીત થતું હતુ .થોડા જ દિવસમાં નિલયે દુનિયાને અલવિદા કરી. રેડિયોમાનાં ગીતની બીજી પંક્તિ "તેરી સાસે ચલતી જિધર રહુંગી બસ વહી ઉમ્ર ભર..." પણ હવે સાથે રહેવાનો સમય સમાપ્ત થઈ ગયો. કદાચ "શાંતિ" અને "પ્રિયા"નામના બે પુષ્પો તમારા આંગણે ખીલ્યા ન હોત તો તમારો "ગૂઢ પ્રેમ"નિલય વગર જીવવાની અનુમતિ ન આપત પરંતુ નિલયના પ્રેમની નિશાની સમી "શાંતિ" અને  "પ્રિયા"ને તરછોડીને કોઇ જોખમી પગલું ભરવાની તમારી હિંમત ન ચાલી હિના. ગંજીફાની રમતમાં હુકમનો એક્કો જેમ બાજી બદલે છે તેમ નિલયને તમે "હુકમનો એક્કો "માનીને જીવનરૂપી બાજીની શરૂઆત કરી હતી પણ "હમ સફર" ને કારણે આટલું બધુ તમને  "suffer" થવું પડશે એવું તમને ક્યાં ખબર હતી હિના. જીંદગી કયા સમયે કયો મોડ લે છે એની પ્રતીતિ કે અણસાર ક્યાં કોઈને હોય છે હિના...?કાશ... ગંજીફાની રમતમાં આવતો હુકમનો એક્કાંની જેમ જીવનરૂપી બાજી બદલી શકાતી હોત...કે મૂવીમાં બતાવવામાં આવતું "હેપી એંન્ડીગ" રીયલ લાઈફમાં  આવતું હોત તો..?.જીવન તરી જવાત... પરંતુ વાસ્તવિકતામાં તો તફાવત રહેવાનો જ...હિના. રીયલ લાઈફમાં મૂવીની જેમ "કાશ, કિન્તુ, પરંતુ કે કોઈ રિવાઇન્ડ હોતા નથી એટલે આ મુુફલીસી આ મુફલીસી જીંદગીમાં આવતા સંઘર્ષોનો હિંમતભેર  સામનો કર્યા સિવાય બીજો કોઇ જ વિકલ્પ તમારી પાસે નથી હિના.તમારી આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવતાં તમારા શિક્ષકનાં મુખેથી વારંવાર સંભળાતું વાક્ય આજે તમને સહજ યાદ આવી ગયુ : " જિંદગીમાં એક વસ્તુ નક્કી છે કે કાંઇ જ નક્કી નથી...."

                                            - "કલ્પતરુ"