64 Summerhill - 13 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 13

Featured Books
Categories
Share

64 સમરહિલ - 13

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 13

ફરીથી ધાબા પર સ્તબ્ધતા છવાઈ ગઈ. પ્લેટ વીછળતો છોકરો ફરીથી ચોંકીને થંભી ગયો. ખાટલા પર પલાંઠી વાળીને જમી રહેલા આદમીઓના હાથમાં ફરીથી રોટલાનું બટકું અટકી ગયું. દેહાતીઓની ઉલટતપાસ કરી રહેલો કેકવો ફરીથી અવાજની દિશામાં દોટ મૂકવા જતો હતો ત્યાં ત્વરિત તેને દેખાયો.

'વો લૌંડિયા આઈ થી કહાં સે?' તેણે હાંફતી છાતીએ કેકવાને પૂછી નાંખ્યું.

કેકવાએ દેહાતીઓ ભણી આંગળી ચિંધી, 'ઓ વહાં બૈઠી થી... સબ કે સાથ... અઈસન હી ઘાઘરા-ચૂનરી પહન કે ઘૂંઘટા તાન કે બૈઠી થી તો...' પોતાનાથી કશીક જબ્બર ગફલત થઈ ગઈ છે એવું સમજી ગયેલો કેકવો ય મનોમન ધૂંધવાતો હતો, 'મને લાગ્યું કે એ આ લોકોની સાથેની જ કોઈ ઓરત છે..'

'એ લોકો કોણ છે? કદાચ હજુ ય...' ત્વરિત ઉશ્કેરાટભેર દેહાતીઓ ભણી કદમ ઉપાડવા જતો હતો પણ કેકવાએ તેને રોક્યો.

'ઉ લોગ તો પાસપડોસ કે ગાંવવાલેં હી હૈ... મેં તેમની ખરાઈ કરી લીધી. એ એક જ છોકરી અજાણી હતી..'

'તેણે એક્ઝેક્ટ શું કહ્યું?'

'વો ઈહાં બૈઠી થી...' કેકવાએ મનોમન સીન રિકન્સ્ટ્રક્ટ કરવા માંડયો, 'ઈધર આઈ તો મૈં સમજો...' પછી થોડુંક લજાઈને તેના હોઠ પર તોફાની સ્મિત આવી ગયું, 'છપ્પનવાને રાત રોશન કરને કા કુછ ઈન્તઝામ કર રખ્ખા હૈ...'

'પણ એ તને છપ્પન માટે કંઈક પેકેટ આપે ત્યારે તો તારે પૂછપરછ કરવી જોઈએ ને?' ઉશ્કેરાયેલા ત્વરિતથી તોછડાઈભેર પૂછાઈ ગયું.

'કા પૂછતાછ?' ત્વરિતની ઓળખાણ છપ્પને 'મેરા દોસ્ત હૈ' એટલી જ આપી હતી એટલે છપ્પનના દોસ્ત તરીકે કેકવો તેને ઈજ્જતભેર સંબોધતો હતો પણ ત્વરિતની અકળામણ અને અવાજની તોછડાઈ હવે તેને વધારે પડતી લાગતી હતી, 'આખિર છપ્પનવા દોસ્ત હૈ હમરા... એકદૂજે કી અઈસી બાતા મેં હમ જરૃરત સે જ્યાદા ઈન્ટ્રાસ નહિ લેતે...' તેણે ય જરાક ઊંચા અવાજે કહી દીધું.

દોસ્તીનો આ વિશિષ્ટ 'ઈન્ટ્રાસ' અનુભવીને ત્વરિતે અણગમાથી મોં મચકોડયું પણ કેકવાનું એ તરફ ધ્યાન ન હતું, 'મેરે કો નઈ માલૂમ આપ છપ્પન કો કિત્તા જાનિયો પર હમ ઉસકી પરછાઈ હિલે ઈત્તે મેં હી જાન જાવે... ઉ છપ્પનવા કોઈ કમ ખિલાડી નહિ હૈ... ઉસ સસૂરે કે પંખી ગાંવોગાંવ ઊડત હૈ સરકાર... એક સે બઢકર એક... મને થયું કે એવું જ કોઈ છપ્પનનું પંખી હશે અને રાત ગરમ કરવા આવ્યું હશે તો... હમ કા પૂછતાછ કરે? હમ કા ઈ પૂછે કિ કોન્ડોમ લાઈ હો યા હમ દે? ઓર કા પૂછતાછ કરે હમ??'

કેકવાને બરાબરનું માઠું લાગ્યું હતું એ અનુભવીને ત્વરિતે પણ ઊંડો નિઃશ્વાસ છોડી દીધો. તેનો રઘવાટ અને બેચેની સ્હેજે ય ખોટા ન હતા પણ એ કેકવા પર ખોટી રીતે કાઢી રહ્યો હતો. મૂર્તિ લેવા માટે દુબળી આવે ત્યારે જ કોઈક રીતે તેને ઝાલી લેવો એવો તેમનો પ્લાન દુબળીએ ઊંધા હાથની એક લપડાક મારીને ધરાશાયી કરી દીધો હતો.

પરાભવના બોજથી ઝુકેલા ચહેરે તેણે દોસ્તાના અંદાજથી કેકવાનો ખભો થાબડયો અને વગર બોલ્યે સોરીનો અહેસાસ કરાવ્યો.

'પર મામલા હૈ કા?' ચબરાક કેકવાએ છેક હવે મુદ્દાનો સવાલ કર્યો. બીજો કોઈ આદમી હોય તો ત્વરિતની પહેલી ત્રાડ વખતે જ આ સવાલ કર્યો હોય તેને બદલે કેકવાનું પહેલું રિએક્શન એ છોકરીને શોધવાનું હતું.

'વો છપ્પન બતાયેગા' ત્વરિતે ઉસ્તાદીભર્યો જવાબ વાળી દીધો અને કેકવો વધુ પૂછપરછ ચાલુ કરે એ પહેલાં દાદર ભણી આગળ વધી ગયો.

***

જમાનાના ખાધેલ કેકવાએ તરત વગર કહ્યે તેના માણસોને ત્રિભેટા સુધી તપાસ કરવા મોકલી દીધા. પોતે સાંભળેલી ઘરઘરાટી બુલેટ મોટરસાઈકલની હતી એ વિશે તેને ખાતરી હતી પણ ખુલ્લા વગડામાં દિશાનો ક્યાસ એ કાઢી શક્યો ન હતો. અડધો કિલોમીટર દૂર આવેલ પેટ્રોલપંપ, એથી આગળનો ત્રિભેટો અને પછી ત્યાંથી ફંટાતા બંને રસ્તાના ધાબા પાસેથી બુલેટ પસાર થતું કોઈએ જોયું હોય તો પૂછપરછ કરવાની સૂચના આપીને તેણે ખાટલો ઢાળ્યો અને કોણી સુધીનો હાથ ઊંચો કરીને નોકરને મહુડાની બાટલી લાવવા ઈશારો કર્યો.

તેના મગજમાં ધમસાણ મચ્યું હતું. છપ્પનવા કહીં કુછ ફસા હુઆ તો નહિ હૈ ન? તેના મનમાં સવાલો ફૂંકાવા શરૃ થઈ ગયા. છોકરી પેકેટ આપીને જતી રહી તેમાં કંઈક મોટી ગફલત થઈ છે. પણ આટલું થવા છતાં છપ્પનિયો પોતે કેમ નીચે ન આવ્યો? ખાટલાની ઈસ પર ઢાળેલી ગરદન ઊઠાવીને તેણે ઉપરના મજલે જોઈ લીધું. ઉપર રૃમની બત્તી જલતી હતી. કુછ ગરબડ તો હૈ... છપ્પન કે સાથ યે આદમી કૌન હોગા? છપ્પનને કહા તો થા કિ ઉસકા દોસ્ત હૈ પર શકલ સે અપણે પેશે કા તો નહિ દિખતા... ઔર બાતા તો બડે પઢાકુ જૈસી કરતા હૈ...

તેણે ચૂંગીમાં અંગૂઠાનો પહેલો વેઢો ભારપૂર્વક ખોસીને તમાકુ દબાવી અને તેના પર લાઈટરની ઝાળ ધરી ઊંડો કશ લીધો. કડક દેશી પત્તી તમાકુનો ધૂમાડો ક્યાંય સુધી ફેફસાંમાં ગોટવાતો રહીને તેના નાક વાટે બહાર નીકળ્યો પણ મગજમાં ઘૂમરાતા સવાલો નીકળતા ન હતા. ખાટલાની પાસે નાનકડું સ્ટુલ ખસેડીને પેગ બનાવી રહેલા નોકરના હાથમાંથી તેણે બોટલ ઊઠાવી અને સીધી મોંઢે માંડી દીધી. આખું મોં ભરાઈ જાય એવડો મોટો ઘૂંટ ભરીને તેણે કટકે-કટકે ગળા નીચે ઉતાર્યો એ સાથે જીભથી લઈને છેક જઠર સુધી આગની જ્વાળા જેવો દઝારો ફરી વળ્યો.

'ગર છપ્પનવા કુછ ગરબડ મેં હૈ તો...' આંખોમાં ઘેરાતી મહુડાના કેફની રતાશ તળે તેને કશોક એલાર્મ વાગતો સંભળાતો હતો. માથું ધૂણાવીને તેણે બીજો એવડો જ મોટો ઘૂંટડો ગળા હેઠે ઉતાર્યો અને દેશી દારૃની કડવાશ ભાંગવા ચીઝની સ્લાઈસ ચાવી નાંખી, 'હમકા અબ કોઈ ગરબડ નઈ મંગતા... હમ્મ્, સુબહ ઉસ છપ્પનવા કો પૂછના પડેગા કિ કા હૈ... ઈ સબ મામલા કા હૈ ભૈયા?'

ક્યાંય સુધી હવામાં તાકીને વિચારમગ્ન અવસ્થામાં તે ઘૂંટડા ઉતારતો રહ્યો. મહુડાની અડધી બોટલ કોરેકોરી પેટમાં ઓરી લીધા પછી તેની હોજરીમાં આગ ભડકતી હતી પણ બદન હળવુંફૂલ થઈ ગયું હતું અને મગજ ફુલગુલાબી ખાલીપાના હિંચકે ઝૂલવા લાગ્યું હતું.

'અરે ઓ સુંદરવા...' ખાટલાની ધાર પર ગરદન ઢાળીને શિમળાના રૃનું ઓશિકું બાથમાં દબાવતા તેણે લથડાતા સાદે હાક મારી.

શેઠના આ રોજિંદા રાજાપાઠથી ટેવાયેલા સુંદરવાએ હાક સાંભળીને તેની સામે પણ જોયા વગર સીડી પ્લેયર ઓન કરી દીધું એ સાથે સડકની છાતી માથે ઘૂમરાતો અંધકારનો સન્નાટો યેશુદાસનો કંઠ પહેરીને કેકવાની આંખમાં પરોવાઈ ગયો...

અન્જાના સા... મગર કુછ પહેચાના સા... હલ્કા-ફૂલ્કા શબનમી... રેશમ સે ભી રેશમી... સૂરમઈ અખિયોં મેં...

***

'તું તો કહેતો હતો કે...' રૃમમાં પ્રવેશતા વેંત ત્વરિતે લાગલું જ બોલી નાંખ્યું પણ છપ્પનના થીજી ગયેલા ચહેરાને જોઈને તેનું વાક્ય તેના મોંમાં જ રહી ગયું.

બારી પાસે ઢાળેલા સોફામાં ઘૂંટણમાંથી વાળેલા પગ પર બંને હાથ ચસોચસ વિંટીને તે બેઠો હતો. અન્યમનસ્કપણે સામેની દિવાલને તાકી રહેલી તેની આંખોમાં દુબળીએ વધુ એકવાર ઊંઘતા ઝડપ્યા તેનો ખૌફ હતો, પરાસ્ત થવાની ગ્લાનિ હતી કે શરારતી તોફાન હતું? ત્વરિત પારખી ન શક્યો.

'હેલ્લો...' તેણે સાવ નજીક આવીને તેને ઢંઢોળ્યો એટલે છપ્પને ગરદન જરાક પણ હલાવ્યા વગર ફક્ત પાંપણ ઊંચકીને ધારદાર નજરે ત્વરિતની સામે જોયું.

ના, તેની આંખોમાં ફક્ત બેબસી હતી... દુબળીની કાબેલિયત સામેની નિઃશબ્દ શરણાગતિની એ બેબસી ત્વરિત થડકાટ સાથે જોઈ રહ્યો.

'મૂર્તિ પણ ઊઠાવી ગયો ને?' જડબા ઓછામાં ઓછા ઊઘાડીને તેણે દાંત ભીંસીને પૂછ્યું.

'ઊઠાવી ગયો નહિ... ઊઠાવી ગઈ...' ત્વરિતે તેના ભણી તાકીને એક-એક શબ્દ પર ભાર દેતાં કહ્યું.

'ક્યા ફરક પડતા હૈ...' છપ્પને હળવા નિઃશ્વાસ સાથે નજર ફેરવી દીધી.

'મતલબ?'

'હોણી થી વો તો હો હી ગવઈ...' સોફા સામેના ટેબલ પર પગ લંબાવીને તેણે શરીરને તંગ કર્યું. એકધારી સ્તબ્ધતા તળેથી હવે એ બહાર આવી રહ્યો હતો, 'આદમી હો યા લૌંડિયા, ચકમા તો હમ ખા હી ગયે ના'

'અરે પણ તેં સાલા મને એમ કહ્યું હતું કે દુબળી તો કોઈક આદમી છે અને આ છોકરીની તો કોઈ વાત જ કરી નથી...' ત્વરિતનો રઘવાટ હવે ઝાલ્યો રહે તેમ ન હતો.

'મૈંને કહા થા તુજે...' છપ્પનના ઘેરા, દબાયેલા અવાજમાં હજુ ય આઘાત વર્તાતો હતો.

'કબ કહા થા?' ઉશ્કેરાટથી ફાટાફાટ થતો ત્વરિત છેક તેની છાતી સુધી ધસી ગયો, 'બેવકૂફ મત...'

'વો કુછ ભી હો સકતા હૈ...' ત્વરિતના ઉશ્કેરાટની જરાક પણ પરવા કર્યા વગર છપ્પને સપાટ અવાજે જવાબ વાળ્યો, 'મૈંને કહા થા તુજે, વો કઈસન ભી આ સકતા હૈ... એ આ હવા હોઈ શકે... મારી પીઠ પાછળથી દેખાતું કોઈપણ દૃશ્ય એ હોઈ શકે... કહા થા ન તુજે?'

'અરે યાર... લેકિન... યે તો..' મગજમાં કલબલાટ કરતા સવાલોના વણથંભ્યા શોરબકોરથી ત્રાસીને ત્વરિતે પોતાના વાળ ખેંચી લીધા, 'મેરી સમજ મેં નહિ આતા યે સબ...'

'મૈંને યે ભી કહા થા...' જાણે કોઈ જીનાત પંડમાં પ્રવેશ્યું હોય તેમ છપ્પન તદ્દન સપાટ સ્વરે બોલી રહ્યો હતો, 'મૈંને કહા થા, મેરી ભી સમજ મેં નહિ આ રહા... ઢાઈ-તીન સાલ સે...'

ક્યાંય સુધી બેય એકમેકને તાકતા રહ્યા. ઘડીક હવામાં જોતા રહ્યા. ઘડીક ત્વરિતે હાથના આંગળાના ટચાકા ફોડીને પારાવાર અકળામણ વ્યક્ત કરી નાંખી. ઘડીક બારીની બહાર તરબતર અંધારાને જોયા કર્યું.

'કેકવાને કહા, વો દેહાતી લોગોં કે બીચ બૈઠી થી... આઈ મિન, બૈઠા થા.. મતલબ..' ત્વરિતની મૂંઝવણ અનુભવીને છપ્પનના ચહેરા પર સ્મિત ફરકી ગયું એ જોઈ ત્વરિતને હાશ થઈ, 'અરે યાર, વાકેહી વો આદમી હૈ યા ઔરત?'

'મૈંને યે ભી કહા થા..' હવે છપ્પનના ચહેરા પર શરારત સ્પષ્ટ વંચાતી હતી, 'મૈં ખુદ કુછ સમજુ તો ના? એ જ્યારે મને મળે છે ત્યારે અલગ અલગ ચહેરો લઈને આવે છે. એ જ્યારે બોલે છે ત્યારે કંઈક જૂદો જ અવાજ આવે છે. વો આદમી હૈ યા ઔરત... મને કંઈ જ ખબર નથી. આજે એ દેહાતી લૌંડિયા થઈને આવ્યો, આવતીકાલે સોનિયા ગાંધી કે બરાક ઓબામા બનીને આવે તો ય મને હવે આઘાત નથી લાગતો'

'પર યાર યે કૈસે હો સકતા હૈ?' અદમ્ય આવેગનો માર્યો ત્વરિત સફાળો ઊભો થઈને ભીંત પર હથેળી પછાડી બેઠો, 'અબ મત બોલના મૈંને યે ભી કહા થા...' છપ્પનની સામે તાકિદભરી આંગળી તાકીને તેણે કહ્યું, 'યે મૈં અપને આપ સે પૂછતા હું...'

'બહેતર હૈ કિ તૂ ખુદ ઈસે હી પૂછ લે...' છપ્પનસિંઘે પૂંઠ તળે દબાવેલો કાગળ કાઢતાં કહ્યું, 'મૌકા ભી બહોત જલ્દ આનેવાલા હૈ...'

તેના હાથમાં કાગળ જોઈને હાથમાં સાપ વિંટળાયો હોય તેમ ત્વરિતે ઉશ્કેરાટભેર હાથ વીંઝીને કાગળ ઝડપી લીધો. દુબળી આદમી છે કે ઔરત તેના આઘાતમાં તે આ ચિઠ્ઠી જ વિસરી ગયો હતો. ચિઠ્ઠીમાં લખ્યું હતું,

'શાબ્બાશ છપ્પન બાદશાહ... માન ગયે ઉસ્તાદ...' ત્વરિતે ફરીથી બંને વાક્યો વાંચ્યા. પ્રયત્નપૂર્વક અક્ષર બગાડવાનો આબાદ પ્રયાસ થયેલો તેને વર્તાતો હતો.

તેણે આગળ વાંચ્યું, 'ડિંડોરીની એ મૂર્તિ કોઈ મુશ્કેલ તો ન હતી પણ મારા માટે તેની જરૃરિયાત બહુ હતી... વાહ બાદશાહ... કહેને કી જરૃરત નહિ કિ મૂર્તિ અબ મેરે પાસ હૈ... પણ આ વખતે તારૃં મહેનતાણું ઉધાર રહ્યું માનજે...' ત્વરિતને તરત યાદ આવ્યું કે પેકેટમાં તો નોટોના બંડલ પણ હતા. તેણે સવાલિયા નજરે છપ્પન ભણી જોયું અને ફરીથી ચિઠ્ઠીમાં નજર પરોવી.

'નવો ટાર્ગેટ ડિફિકલ્ટ છે... બોલે તો, બહોત ડિફિકલ્ટ.' ઓહ માય ગોડ... ત્વરિતની ધૂ્રજતી હથેળીમાં પસીનો વળવા લાગ્યો હતો... આ સાલો તો નવી ચોરીનું સરનામું ય આપી રહ્યો હતો... 'રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડર પર જેસલમેરથી ઉત્તર દિશામાં ૪૮ કિલોમીટર દૂર ડેરા સુલતાનખાઁ નામનો નાનકડો કસબો છે. આખો વિસ્તાર બોર્ડર સિક્યોરિટી ફોર્સના હવાલે છે પણ ડેરા સુલતાનખાઁથી દોઢ કિલોમીટર દૂર રણમાં કેશાવલી માનું મંદિર બહુ જાણીતી જગા છે. ત્યાં ત્રણ મૂર્તિ છે તેમાં ડાબેથી પહેલી મૂર્તિ મારે જોઈએ છે.' આટલું વાંચતાં જ ત્વરિતને રૃંવે રૃંવે સન્નાટો ભોંકાવા લાગ્યો.. સાલો, શું હોમવર્ક કરી આવતો હતો...

'જાનતા હું કિ રિસ્ક બહોત જ્યાદા હૈ... ખર્ચ પણ વધી જવાનો. આ દોઢ લાખ રૃપિયા ખર્ચ પેટે એડવાન્સ માનજે. આ મૂર્તિની કિંમત પણ તું માંગે એટલી. કિસી ભી કિંમત પર યે મૂર્તિ મુજે ચાહિયે. બીએસએફની ચોકી જડબેસલાક છે એટલે જ આ વખતે હું ત્યાં જઈને તારા માટે ફોટા લાવી શક્યો નથી પણ તારી કાબેલિયત પર મને ભરોસો છે. ડાબી દિશા કઈ અને જમણી બાજુ કઈ એ શોધીને પહેલી મૂર્તિ પસંદ કરવામાં તું ગોટે ચડી જઈશ એવો મને ડર છે પણ...'

પછીનું વાક્ય વાંચીને ત્વરિતને પેટ પર ગરોળી ફરતી હોય તેવી કમકમાટી છૂટી ગઈ. તેણે ફરીથી વાક્ય વાંચ્યું, '...પહેલી મૂર્તિ પસંદ કરવામાં તું ગોટે ચડી જઈશ એવો મને ડર છે પણ ડો. ત્વરિત કૌલ એ મૂર્તિ આસાનીથી ઓળખી જશે... ત્વરિત, તારી કાબેલિયત પર પણ મને ભરોસો છે. ગુડ લક બોય્ઝ...'

(ક્રમશઃ)