ટહુકો
જગતનું સૌથી વિચિત્ર પ્રાણી: માણસ
અમીબાથી આદમ સુધીની વિકાસયાત્રાને ડાર્વિને ઉત્ક્રાંતિ કહી. ઉત્ક્રાંતિના દાદરાના ટોચની પગથિયે બેઠેલો માણસ અનેક વિચિત્રતાઓનું કૌતુકાલય (મ્યુઝિયમ) બની ગયો છે. શરીરની ગૂંચ જન્માંતર( ટ્રાન્સ માઇગ્રેશન) પ્રક્રિયા સાથે વધતી ગઈ અને એ જગતનો જનાવરશ્રેષ્ઠ બની બેઠો. એના મનની વિચિત્રતાઓની તો વાત કરીએ તેની ઓછી. સુખની તમામ સગવડો વચ્ચે એ દુઃખી છે. વસતિ વધે છે તોય માણસ જાણે રોબિન્સ ક્રૂઝો બનતો જાય છે. સુખની શોધમાં એની દિશાવિહીન દોડ લગાવી છે.
અવકાશ યુગમાં સૌથી મોટી સમસ્યા અવકાશના અભાવની છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે. શાળા-કોલેજો વિદ્યાર્થીઓથી છલકાય છે. સ્ટેશન કે બસડેપો પર માણસો જ માણસો. ફૂટપાથ કે શેરીઓમાં ભીડને કારણે ચાલતા ત્રાંસા છૂટે. આ તો થઈ સ્થળના અવકાશની વાત.
સમયની વાત કરીએ. માણસે ચોવીસ કલાકને ખીચોખીચ ભરી દીધા છે. અપોઇમેન્ટ અને ડીસએપોઇન્ટમેન્ટ બંને જાણી વધતા જ રહે છે. નિરાંતે એ કશું કરતો નથી. ઘડિયાળ એના રઘવાટને નિયમિત બનાવે છે. શ્વાસોચ્છવાસનું વાહન ક્ષણ છે. રઘવાટ ને કારણે આ શ્વાસોચ્છવાસ લયબદ્ધ નથી બનતો. વીણાના ઢીલા પડી ગયેલા તારમાંથી અને મૃદંગના ઊતરી ગયેલા ચામડામાંથી નીકળે એવા બેસૂરા સંગીત જેવું જીવન હવે આપણે કોઠે પડી ગયું છે.
માણસને જોઈએ છે આરોગ્ય. પણ રોગ તરફ એ પુરા ભાન સાથે દોડે છે. એની ઝંખના છે શાંતિની, પણ ઘોંઘાટ વગર એને ચેન નથી પડતું. એને આકાંક્ષા છે એકાંતની, પણ ટોળું છોડવાની તૈયારી નથી. એ બિચારો આદતથી મજબૂર છે મુંબઈથી ગામડે ગયેલો માણસ શાંતિને કારણે બેચેન બને છે. કેટલાક લોકો પોતાને બી. પી. છે એમ કહેવામાં ગૌરવ અનુભવે છે. શિક્ષણના ક્ષેત્રે ખૂબ જાણીતી એક વ્યક્તિ સાથે મારે એક સુંદર ગેસ્ટહાઉસમાં ચાર દિવસ રહેવાનું થયેલું. એમને રાત્રે ઊંઘ ન આવે. સવારે નાસ્તા માટે મળીએ ત્યારે ઊંઘની જ વાત શરૂ થાય. જે દિવસે એમને ઊંઘ આવે ત્યારે જાણે એક સારા સમાચાર હોય એ રીતે કહે:' આજે રાતના મને સારી ઊંઘ આવી ગઈ. '
એક ફિલ્મ અદાકાર હંમેશા ફરિયાદ કરે કે તેઓ જ્યાં જાય છે ત્યાં લોકો હસ્તાક્ષર માટે પડાપડી કરીને એમને ખૂબ તંગ કરે છે. કોઈકે એમને કહ્યું કે તમે બે-ત્રણ વખત મક્કમતાથી ના પાડી દો તો પછી લોકો સમજી જશે. અદાકારે કહ્યું:કોઈ હસ્તાક્ષર માટે પડાપડી ન કરે તોય અકળામણ થાય છે. ટાગોરની એક વાર્તામાં સાંકળ ગૂંથનારની વાત કરવામાં આવી છે. એ જેમ જેમ સાંકળ ગૂંથતો જાય તેમ પોતે જ બંધાતો જાય છે. બંધન પણ કાળક્રમે કોઠે પડી જાય છે.
વૈભવનાં સાધનો વધતાં જ રહે છે તે સાથે આપણી પાસે જે કંઈ છે એને ભોગવવાની ક્ષમતા ગુમાવતાં જઈએ છીએ. જેટલું હોય તેટલું ઓછું જ પડે એવી માનસિક બીમારી વધતી જાય છે. મોટરમાં જ ફર્યા કરીએ છીએ. અને પછી ચાલવાની ખાસ વ્યવસ્થા ઊભી કરીએ છીએ. ચોખાને પોલીશ કરીને ખાઈએ છીએ અને પછી વિટામિનની ગોળીઓ આરોગીએ છીએ. તળેલું ખાવાનું બંધ કરવા માટે પણ હાર્ટએટેક જરૂરી બને છે!નેપોલિયનની પ્રાર્થના અહીં યાદ આવે છે:
મેં સામ્રાજ્યો માગ્યાં તો તેં આપ્યાં,
પણ મારા આત્માની પેટીની અંદર પુરાયેલી
એ મારી વિનવણીને તે કેમ નહિ સાંભળી?
મારા એ આર્તનાદમાં
સ્નેહાળ અને મૂંગી કરુણાને
તેં તારા કાન સુધી પહોંચવા કેમ ન દીધી?
જે અનંતકાળથી,
અનંત માનવસ્વરમાં, અનંત આસ્થાપૂર્વક
તારી પાસે માગતી રહી છે:
પ્રભો, બધું આવતા પહેલાં
કૃપા કરી મને એ બતાવ
કે મારે તારી પાસે શું માંગવું.
માણસ જો દુઃખનું પૃથક્કરણ કરે તો એને સમજતાં વાર નહિ લાગે કે ઘણાંખરાં દુઃખો એણે જાતે ઉભા કરેલાં છે. મહાત્મા ઓગસ્ટીન આ વાત ખૂબ જ માર્મિક રીતે મૂકે છે:
તમે આપેલું દુખ મને પ્રાણથી પ્યારું છે
પ્રભુ, એ ક્રમ તોડતા નહીં. દુઃખના પર્વતો
મારા આત્મા પર ફેંકતા જાવ
પણ એક દયા મારી પર કરજો કે,
મારાં પોતાનાં ઉભા કરેલા દુઃખોથી
મને અસ્પૃશ્ય રાખજો.
માણસની વિચિત્રતાની છબી જોયા પછી એક વધુ વાત જાણી લઈએ. આર્થર કોસ્લર યુરોપનો જાણીતો નવલકથાકાર છે. પહેલાં એ સામ્યવાદી હતો, હવે નથી. યુરોપીય સંસ્કૃતિમાં પોતાનો ફાળો આપવા બદલ એને કોપનહેગનમાં સોનીંગ પારિતોષિક મળ્યું હતું. એને સ્વીકારતી વખતે એણે એક મહત્વની વાત કરેલી. એણે કહેલું કે પોતાની જ ઉપજાતિ(species)ના એટલે કે પોતાની જ યોનિના પ્રાણીઓમાં વ્યક્તિગત કે સામુહિક કતલ માત્ર માનવપ્રાણીઓ જ કરે છે. અપવાદરૂપ થોડીક કેરીઓ અને ઉંદરોની જાતો સિવાય આખા પ્રાણીજગતમાં આવી હિંસા થતી નથી.
કોસ્લરની વાત આપણી પ્રજ્ઞાને હચમચાવી મૂકે તેવી છે ને! લાખો વર્ષે ઉત્ક્રાંતિના ક્રમે આપણે જે મેળવ્યું તેનું સરવૈયું શું આ જ? વર્ષો વીતી છે અને આપણા તન-મનની વિચિત્રતાઓનો ગુણાકાર થતું રહે છે કે શું? જવાબ ખોળવો સહેલો નથી. તે ચેખોવના શબ્દોમાં કદાચ આપણને જવાબ મળી જાય: 'પ્રત્યેક ક્ષણે તક મળતાં હું મારી અંદરના પશુનો નિયામક અથવા માંગુ છું. '
***