Ran Ma khilyu Gulab - 12 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 12

Featured Books
Categories
Share

રણમાં ખીલ્યું ગુલાબ - 12

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(12)

કોઇ મારામાં જ સંતાઇને આ બેઠું

ને હું વિચારું, ઉપરથી આવશે હેઠું

“એક્સક્યુઝ મી, હું એક નાનકડા કામ માટે દસ-દસ વાર તમારી ઓફિસના ધક્કાઓ ખાઇ ચૂકી છું. મને કોઇ સરખી રીતે જવાબ પણ નથી આપતું. હું ત્રાસી ગઇ છું.”

વીસ વર્ષની ચાર્મી આટલું બોલતાંમાં તો લાલ ઘૂમ થઇ ગઇ.

“બહેન, આ સરકારી ઓફિસ છે. તમારા પિતાશ્રીની ખાનગી રીયાસત નથી. અહીં તો આ રીતે જ કામ થાય છે.” એક ખૂણામાંથા આવાજ આવ્યો.

ત્યાં એક ખાઇ બદેલો કલાર્ક પાન ચાવતાં ચાવતાં બોલી ઉઠ્યો: “ આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે. અહીં તો કામ કઢાવતા કેટલાંયે માણસો પાળીયા થઇ ગયાના દાખલા છે!”

જેના હાથમાં ચાર્મીનું કામ હતું એ તો વળી સાવ આડો ફાટ્યો, “બેન! તમે તો માણસ છો કે મરચું? હું તમારુ કામ આજે જ કરી આપવાનો હતો, પણ તમારી ઉધ્ધતાઇ જોઇને હવે બીજા વીસ ધક્કા ખવડાવીશ. બોલો, શું કરી લેશો તમે?”

ચાર્મી પરેશાન થઇ ઉઠી. એક તો વૈશાખનો મહિનો. બપોરના બાર વાગ્યાનો સમય. ઉપરથી સરકારી ઓફિસની ઊંચી છત પર લટકતો મંદ ગતિમાં ફરતો જૂનો પંખો. હવા ફેંકે એનાથી વધારે તો એ અવાજ ફેંકતો હતો. અને આ બધાંથી ચડી જાય એવા ઓફિસના કર્મચારીઓનો પ્રતિભાવ!

કામ સાવ મામુલી હતું. ચાર્મી કોલેજમાં ભણતી હતી. ત્યાં એને કોઇ પ્રમાણપત્રની જરૂર પડી હતી, જે આ ઓફિસમાંથી મળે તેમ હતું. એના માટે એ છેલ્લાં ત્રણ મહિનાથી ચક્કરો કાપી રહી હતી. કામ થવાનું તો દૂર રહ્યું, પણ કોઇ એને સરખો જવાબ સુધ્ધાં આપતું ન હતું.

“આજે ભટ્ટ ભાઇ રજા પર છે.” ક્યારેક આવું સાંભળીને પાછા ફરી જવું પડતું હતું.

તો ક્યારેક આવું સાંભળવા મળતું હતું, “ભટ્ટની તો ટ્રાન્સફર થઇ ગઇ. એની જગ્યાએ પંડ્યા આવ્યા છે; પણ લાગે છે કે એ ચા પીવા ગયા છે.”

ત્રીજી વાર સવાલના બદલામાં સવાલ ફેંકાયો: “ તમારું આઇ.ડી. પ્રૂફ લાવ્યા છો? અમને કેવી રીતે ખબર પડે કે તમે જ ચાર્મી શાહ છો?

“અરે પણ...! મારું સર્ટિફિકેટ લેવા માટે બીજું કોણ આવવાનુ હતું? એ પણ આટલી બધી વાર?”

“એ તમને નહીં સમજાય, બેન! જમાનો ખરાબ આવ્યો છે. અમારે બધી વાતનું ધ્યાન રાખવું પડે. કાલે આવો; આઇ.ડી. પ્રૂફ લઇને.”

કાલે તો ક્યાંથી અવાય? એક અઠવાડિયા પછી ચાર્મી પાછી ઝબકી; “લો, આ મારી કોલેજનું આ.ડી. કાર્ડ. હવે તો મારું કામ.....”

“ના, એમ કેમ થાય કામ? તમે કોલેજમાં ભણો છો તો તમારા પ્રિન્સિપાલનો લેટર લઇ આવો કે આવનાર બહેન અમારી કોલેજના સ્ટુડન્ટ છે; એનું કામ કરી આપવા માટે હું ભલામણ કરું છું.”

“ઓહ્ નો!” ચાર્મી કંટાળી ગઇ. પણ કંટાળવાથી શું થવાનું હતું?! કામ તો કઢાવવું જ પડે તેમ હતું.

પણ આજે દસમા ધક્કે એણે મગજ પરનો કાબુ ગુમાવી દીધો. એનાં મનનો ધૂંધવાટ લાવારસની જેમ બહાર ઊછળી આવ્યો.

ત્યાં સરકારી ઓફિસમાં ભાગ્યે જ જોવા મળે તેવું દૃશ્ય આકાર પામ્યું. દૂરના ખૂણામાં બેસીને ફાઇલોમાં ડૂબી ગયેલો એક યુવાન પોતાની ખુરશી છોડીને ચાર્મી જ્યાં ઊભી હતી ટેબલ પાસે આવી પહોંચ્યો. પૂરેપૂરા વિવેક સાથે પૂછી રહ્યો, “મિસ! વ્હોટ ઇઝ યોર પ્રોબ્લેમ?”

ચાર્મીએ કહ્યું, “મારો પ્રોબ્લેમ એ છે કે.....”એની વાત ધ્યાનથી સાંભળી લીધા પછી એ યુવાન ત્યાં ફરજ બજાવતા કલાર્કને કહ્યું, “મિ. પંડ્યા, આમને સર્ટિફિકેટ કાઢી આપો!”

“પણ... ....”

“પણ ને બણ! આપણે એ ન ભીલવું જોઇએ કે આપણો પગાર જનતાના ખિસ્સામાંથી આવે છે. અને આપણે અહીં નોકરી કરવા માટે આવીએ છીએ, ચા-પાણી પીવા કે માવો-મસાલો ખાવા માટે નહીં.”

“ઠીક છે! ઠીક છે! મારે શું કરવું એનુ મને ભાન છે. તમે મારા બોસ નથી કે આદેશ આપવા નીકળી પડ્યા છો.”

“મિ. પંડ્યા! મેં તમને માત્ર વિનંતી જ કરી છે. તમે જો મારી વિનંતી નહીં માનો તો હું મોટા સાહેબને તમારા વિષે ફરિયાદ કરીશ. આ યુવતી મારી સાથે હશે. પછી મોટા સાહેબ તમને જે કહેશે તે વિનંતી નહીં હોય એટલું સમજી લેજો.”

યુવાનની ઠંડી ધમકી સાંભળીને પંડ્યાને પરસેવો વળી ગયો. આમ પણ ચાર્મીનું કામ તો પાંચ જ મિનિટનુ હતું, પણ પંડ્યાએ અઢી મિનિટમાં જ પૂરુ કરી દીધું.

સર્ટિફિકેટ હાથમાં આવ્યા પછી ચાર્મીએ પેલા યુવાનનો હૃદયપૂર્વક આભાર માન્યો: “થેન્ક યુ સો મચ, મિ. .....!”

“આઇ એમ રીશી. રીશી કાપડિયા. નાઇસ ટુ મીટ યું.”

“પ્લેઝર ઇઝ માઇન. આઇ એમ ચાર્મી શાહ. હું સાયન્સ કોલેજના છેલ્લા વર્ષમાં ભણું છું. લાસ્ટ ટર્મ બાકી રહી છે.”

“પછી?”

“પછી ગામડે ચાલી જઇશ. મારા પેરેન્ટસ ગામડામાં રહે છે. હું અહીં ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું. જો તમે ન હોત તો મારું કામ આજે પણ....”

“હવે એ બધું ભૂલી જાવ. ભવિષ્યમાં પણ આ ઓફિસનું કામ પડે તો મને યાદ કરજો. ખાલી એક ફોન કરી દેશો તો પણ કામ પતી જશે.” ચાર્મી હસી પડી, “પણ તમારો ફોન નંબર તો તમે આપ્યો જ નથી, રીશી!”

તરત જ બંનેના ફોન નંબર્સ અપાઇ ગયા, લેવાઇ ગયા. ચાર્મી ચાલી ગઇ. પછી તો બંને ફોન પર વાતો કરવા લાગ્યા. વોટ્સએપ પર ચેટીંગ કરવા માંડ્યા. ક્યારેક રીશી ચાર્મીને મળવા માટે એની હોસ્ટેલ પર જઇ ચડચો. વિઝીટર્સ રૂમમાં બેસીને બંને ચા પીતાં અને હસીં-મઝાક કરતા રહેતા.

ચાર્મીને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર કામ કરવાનું બહુ ફાવતું ન હતું. એટલે જ્યારે કોઇ ઇ-મેઇલ્સ કરવા હોય અથવા અધિકૃત રીતે સંવાદ કરવો હોય ત્યારે તેણે અચૂક એની બહેનપણીઓની મદદ લેવી પડતી હતી. પણ હવે તેની પાસે રીશી હાજર હતો.

ચાર્મી પોતાની વાત રીશી સમક્ષ રજુ કરી દેતી, “રીશી, મારે મુંબઇ જવું છે. મારા મામાના ઘરે. મને ઓનલાઇન ટ્રેન ટીકીટ ‘બુક’ કરાવી દે ને!” રીશી “મૈં હૂં ના!” ની ભૂમિકામાં આવી જતો હતો.

“રીશી, મારે ઓનલાઇન શોપિંગ કરવું છે. શોપિંગ મોલમાં એક સુંદર ડ્રેસ જોયો છે, પણ બહુ મોંઘો છે. એની ઓન લાઇન પ્રાઇસ સાવ ઓછી છે.”

“નો પ્રોબ્લેમ. મૈં હૂં ના!” રીશી ડ્રેસ મગાવી દેતો. “રીશી, તેં મારા માટે ઓનલાઇન શૂઝ ખરીદી આપ્યા હતા ને? એ મને સહેજ મોટા પડે છે. હવે શું કરવું? મારા તો પૈસા પડી ગયા!”

“નો પ્રોબ્લેમ. મૈ હૂં ના!” કહીને રીશી શૂઝ બદલાવી આપતો.

એક દિવસ ચાર્મી આવી; કહેવા લાગી: “ રીશી, મારા પપ્પા મારા માટે છોકરો શોધી રહ્યા છે.”

“હં....” રીશી એ કહ્યું.

“પણ અમારી જ્ઞાતિમાં મારી સાથે શોભે એવો એક પણ મૂરતિયો છે જ નહીં.”

“હં.....”

“પપ્પાએ એક મેરેજ બ્યુરોમાં મારું નામ રજીસ્ટર કરાવી દીધું. આજે પંદર દિવસ થઇ ગયા કાલે જ એમણે મને વાત કરી.”

“હં...”

“ખાટલે મોટી ખોડ એ વાતની છે કે મેરેજ બ્યુરો વાળા મુરતીયાઓની વિગત જન્મક્ષર સાથે માત્ર ઓન લાઇન જ પૂરી પાડે છે.”

“સમજી ગયો. નો પ્રોબ્લેમ. મૈં હૂં ના!” રીશીએ એનું લેપટોપ ચાલુ કર્યું અને બેસી ગયો. ચાર્મી ચાર્મીંગ હતી એટલે છોકરાઓની લાઇન લાગી હતી. રોજ રોજ જન્માક્ષરોની તપાસ થતી રહી. ચાર્મીઓ પણ પોતાની જન્મકુંડળી મૂકી દીધી. હવે સામેતી પ્રત્યુતર આવે તેની રાહ જોવાની હતી.

પાંચ દિવસ પછી ચાર્મી પાછી રીશીને મળી; પૂછવા લાગી, “ જરા જોઇ આપ ને! મારા જન્માક્ષર કોઇની સાથે મેચ થયા કે નહીં!”

રીશીએ લેપટોપ ચાલુ કર્યું. ચાર્મી વાંચવા લાગી. બધી જગ્યાએથી ‘જન્મક્ષરો મળતા નથી’ એવા જ સમાચાર મળી રહ્યા હતા.

“રીશી, હવે શું થશે? હું મારાથી ઉતરતી કક્ષાના કોઇ છોકરાની સાથે તો મેરેજ નહીં જ કરું.” ચાર્મી રડમસ થઇ ગઇ.

“નો પ્રોબ્લેમ. હજુ એક મુરતીયો બાકી છે. આ મેરેજ બ્યુરો તરફથી નથી મળ્યો. પણ એણે તારા જન્માક્ષર સાથે પોતાના જન્માક્ષર મેળવી લીધા છે. જો તારી હા હોય તો એ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે.”

“રીશી, કોણ છે એ? ચાર્મીનાં અવાજમાં સાગરમાં ભળી જવા માટે તલપાપડ એવી સરીતાનો ઉછાળ હતો. રીશીએ જવાબ આપ્યો: “મૈં હૂં ના!”

(શીર્ષક પંક્તિ: લતા ભટ્ટ)

-------