અંગારપથ
ભાગ-૯
સમગ્ર ઇલાકામાં સ્તબ્ધતાં પ્રસરી ગઇ. એકાએક જ બધું હાઇ એલર્ટ પોઝીશનમાં મુકાઇ ગયું. હોસ્પિટલ જેવી જાહેર જગ્યામાં સરેઆમ રાઇફલો ધણધણી હતી એ કોઇ સામાન્ય ઘટનાં નહોતી. ચાર ચાર લાશો ઢળી હતી અને એક વ્યક્તિ હજું ગંભીર હાલતમાં કણસી રહ્યો હતો. હોસ્પિટલનો સ્ટાફ અને રેસીડન્ટ ડોકટરો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને રીસેપ્શન હોલનો માજરો જોઇને ઠરીને ઉભા રહી ગયાં હતાં. ભયાવહ આતંકનું મોજું ત્યાં પ્રસરી ચૂકયું હતું.
અભીમન્યુ વાન પાછળ દોડયો તો ખરો પરંતુ એ ઔરત અને તેનો સાગરીત ત્યાંથી ભાગી છૂટવામાં સફળ નિવડયાં. નિરાશ થઇને હાથ મસળતો તે પાછો રીસેપ્શન એરીયામાં આવ્યો. તે સીધો જ કાઉન્ટર તરફ લપક્યો. ત્યાં એક યુવાન કાઉન્ટરની ધારે ઉંધો લટકતો હતો અને તેનાં શરીરમાંથી નિકળતું લોહી ફર્શ ઉપર રેળાતું હતું. તેનાં પગ પાસે લોહીનું નાનું ખાબોચીયું ભરાયું હતું. અભીને લાગ્યું કે તે મરી ચૂકયો હશે. ઝડપથી તે તેની નજીક પહોચ્યોં અને એકદમ સંભાળીને તેને ચત્તો કર્યો. તેનાં શ્વાસોશ્વાસ ચાલતાં હતાં. “ ડોકટર... આ જીવિત છે. પ્લીઝ હેલ્પ મી... “ તેણે લગભગ બરાડો પાડીને ત્યાં સ્તબ્ધતાની ગર્તામાં ડૂબેલાં ડોકટરોને સજાગ કર્યાં. એ સાંભળીને બે ત્રણ ડોકટરો તરત હરકતમાં આવ્યાં અને તેઓ કાઉન્ટર તરફ દોડયાં. એ દરમ્યાન પેલાં યુવાને તેની બુઝાતી જતી આંખો ખોલી હતી. “ અભી... અભીમન્યુ... સર.. “ તેનાં મો માંથી શબ્દો સર્યા.
“ હાં... હું અભીમન્યું... તું મને ઓળખે છે...! “ એક અજાણ્યાં યુવકનાં મોઢેથી પોતાનું નામ સાંભળીને અભી ચોંક્યો જરૂર હતો પરંતુ અત્યારે એ વિચારવાનો સમય નહોતો. તે પેલાં યુવકનાં બુઝાતાં જતાં ચહેરાને તાકી રહ્યો. તેનાં શ્વાસોશ્વાસ અત્યંત ધીમી ગતીએ ચાલતાં હતાં. તે મરી રહ્યો હતો. ડોકટરો તેની નજીક આવી પહોચ્યાં હતાં. યુવકે એ હિલચાલ નોંધી.
“ નો... નો... નો... ડોકટર. હવે કોઇ અર્થ નથી. મારો આખરી સમય આવી પહોચ્યોં છે. અલ્લા તાલા મને તેમની પાસે બોલાવી રહ્યાં છે. “ હાંફતાં શ્વાસે તે માંડ આટલું બોલ્યો હશે કે તેને અંતરસ ઉપડી. અંતરસથી તેનું પેટ વલોવાયું અને મોં માથી લોહીનો એક ઘળકો બહાર નિકળી પડયો. અભીમન્યુ તેની એકદમ નજીક ઉભો હતો. લોહીનાં ઘળકો સીધો જ તેની ઉપર ઉડયો અને તે લાલ રંગે રંગાઇ ગયો. “ રક્ષા... રક્ષા મેડમ...! ગોલ્ડન... ગોલ્ડન બાર... “ આટલું બોલતાં એ યુવાનની છાતીઓ હાંફી પડી. અને... યુવક કાઉન્ટર પરથી એક તરફ ઢળી પડયો. અભીએ હાથ ફેલાવીને તેને પોતાની બાહુંમાં પકડી લીધો. તે મરી ચૂકયો હતો. લોહીથી લથપથ તેનાં શરીરમાં હવે પ્રાણ નહોતાં રહ્યાં.
“ ઓહ નો...! “ આઘાતથી સ્તબ્ધ બની અભી યુવકનાં ચહેરાં સામું જોઇ રહ્યો. તેની સ્તબ્ધતાનાં બે કારણો હતાં. એક તો એ કે મરનાર યુવક તેની બહેન રક્ષાને ઓળખતો હતો અને બીજું કારણ મરતાં પહેલાં તેણે જે શબ્દો ઉચ્ચાર્યા હતાં એ હતું. ગોલ્ડન બાર...! આ નામ તેનાં જહેનમાં છપાઇ ગયું. યુવક તેને રક્ષા અને ગોલ્ડન બાર વીશે કશુંક જણાવા માંગતો હતો એ સમજતાં તેને વાર લાગી નહી. અને હમણાં થોડીવાર પહેલાં આ યુવકે જ તેને ફોન કર્યો હતો એ પણ સમજાયું. ફોન ઉપર તેમની વાત થાય એ પહેલાં આ ઘટનાં ઘટી ગઇ હતી.
એ દરમ્યાન હોસ્પિટલમાં ભારે અફરા તફરી ફેલાઇ ગઇ હતી. ડોકટરો, નર્સો ઉપરાંત ત્યાં દાખલ થયેલાં પેશન્ટો અને તેમનાં સગા વહાલાઓનો જમાવડો ખડકાવાં લાગ્યો હતો. બધાં જ ગભરાયેલાં હતાં છતાં બધાને જાણવું હતું કે ત્યાં શું થયું છે..? એકાએક હોસ્પિટલમાં આ શેની ધમાચકડી મચી છે..?. રીસેપ્શન તરફ ભારે ઘસારો થયો હતો અને ત્યાં પહોંચીને જે દ્રશ્ય તેમની આંખોએ પડયું એ તેમને આતંકીત બનાવી રહ્યું હતું. ભારે કોલાહલ અને શોરબકોરનાં અવાજો વચ્ચે જ ગોવાનાં પોલીસ કમીશનરની જીપ સાઇરન વગાડતી હોસ્પિટલ પરીસરમાં આવીને થોભી. તેની પાછળ લોકલ એરીયાનાં પોલીસ અફસરોનું ધાડું આવ્યું હતું. થોડીવારમાં જ સમગ્ર હોસ્પિટલ પરીસરને એક પોલીસ છાવણીમાં તબદીલ કરી નાંખવામાં આવી હતી. આ કોઇ નાની સુની વારદાત નહોતી. સરેઆમ ઘાતક હથીયારો વડે ફાયરીંગ થયું હતું અને તેમાં પોલીસ ખાતાનો એક કોન્સ્ટેબલ પણ શહીદ થયો હતો એટલે સધન તપાસ થયાં વગર રહેવાની નહોતી. આ કોઇ આતંકવાદી હુમલો હોઇ શકે.. એ દીશામાં પણ તપાસ કરવી જરૂરી હતી.
પોલીસ કમીશનરે આવતાં વેંત ધડાધડ હુકમો આપવાનું શરૂ કર્યું હતું અને સમગ્ર ગોવાને લગભગ “સીલ” કરી દેવાનું ફરમાન કર્યું હતું. ત્યાં હાજર હતાં એ બધાનાં સ્ટેટમેંન્ટ લેવાનું શરૂ થયું અને કાળા કલરની વાનની તપાસ શરૂં કરવામાં આવી.
ડેરેન લોબો દોડતો હોસ્પિટલે પહોચ્યોં હતો. તેણે સમગ્ર ઘટના વીશે અભીમન્યુ પાસેથી જાણ્યું અને પોલીસ કમીશનરને રક્ષાનાં કેસથી વાકેફ કર્યાં. કમીશનર આઘાત અને ભારે આશ્વર્યથી ડેરેન લોબોનાં ચહેરાને તાકી રહ્યાં.
“ માય ગોડ લોબો... તારે અને તારાં બોસે આ વાત પહેલાં મને કહેવી જોઇતી હતી. “
“ આઇ ડોન્ટ થીંક કે તમે અજાણ હશો.. “ લોબોએ સામો જવાબ આપ્યો. કમીશનરનાં મોઢામાં એ સાંભળીને કડવાહટ ભળી ગઇ. તેણે તુરંત ત્યાંથી ચાલતી પકડી અને પોતાનાં અફસરોને અહી મચેલી તબાહીની તપાસમાં જોતર્યાં.
@@@@@@@@@@@@@@
“ લોબો... આ કોઇ સામાન્ય મામલો નથી જણાતો. રક્ષા જરૂર એવું કંઇક જાણે છે જે અત્યંત વિસ્ફોટક છે. તેને મારવા માટે અત્યાર સુધીમાં બે વખત હુમલો થયો છે એ જ આની ગંભીરતા તરફ ઇશારો કરે છે.. “ અભીમન્યુ અને ડેરેન લોબો હમણાં જ રક્ષાનાં કમરામાં દાખલ થયાં હતાં અને દાખલ થતાં વેંત જ અભીમન્યુ ઉકળી ઉઠયો હતો. ડેરેન તેની વાત સાંભળીને વિચારમાં ખોવાયો.
“ તારી વાત સાચી છે. ચોક્કસ કોઇ ગહેરું રાઝ છે. રક્ષા ભાનમાં હોત તો આપણે તેને પુંછી લેત, પરંતુ આપણું દુર્ભાગ્ય કે તે કોમામાં ચાલી ગઇ છે. કોને ખબર તે ક્યારે હોશમાં આવશે..? અને ત્યાં સુધી આ સીલસીલો આમ જ ચાલતો રહ્યો તો ગોવાનાં માથે કાળું કલંક લાગશે. “
“ તારાથી કંઇ થાય એમ નથી...? “
“ હું રહ્યો નારેકોટિક્સ ડીપાર્ટમેન્ટનો માણસ, જ્યારે આ શહેરનો કાયદો અને વ્યવસ્થાનો મામલો છે. તેમાં અહીની પોલીસથી ઉપરવટ જઇને હું કંઇ ન કરી શકું. પણ હાં... તું કરી શકે છે. “ લોબો એકદમ ગંભીરતાથી બોલ્યો. તેનાં ચહેરા પર આવું બોલતી વખતે એક પ્રકારની ચમક પથરાયેલી હતી. જાણે અભીમન્યુને તે ખૂલ્લી છૂટ આપવા માંગતો હોય. અભીમન્યુ આશ્વર્યથી લોબોને તાકી રહ્યો.
“ તને ખ્યાલ છે ને કે તું શું કહી રહ્યો છે...? હું પણ એ ઇરાદાથી જ અહી આવ્યો છું. મને ખ્યાલ છે કે પોલીસ આમાં કંઇ ઉકાળશે નહી. હું મારી રીતે તપાસ જરૂર કરીશ પરંતુ જો કોઇ વિધ્ન આવે તો તારે સંભાળવું પડશે. બોલ, છે તૈયારી...? “
“ સંભાળી લઇશ. તું આ કેસનાં ઉંડાણ સુધી પહોંચ. જોઇએ તો ખરાં કે આખરે માજરો છે શું...? ઓફીશીયલ રીતે જે થતું હશે એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરશે જ, તું અન- ઓફીશીયલ રીતે આગળ વધ. મારો તને પુરો સપોર્ટ રહેશે. “ લોબો ટટ્ટાર થતાં બોલ્યો. તેનાં પાતળા ચહેરા ઉપર ગજબની ખૂમારી છવાઇ હતી. “ અને હાં, એક ક્લ્યૂ આપું તને...! રોબર્ટ ડગ્લાસ... આ શખ્સ ગોવાનાં ડ્રગ્સ માર્કેટનો કિંગ છે. તું એને ખંગાળ. ચોક્કસ કંઇક મળશે. “
“ ક્યાં મળશે આ રોબર્ટ ડગ્લાસ...? કોઇ ઠેકાણું...? “
“ ગોલ્ડન બારમાં તપાસ કર, ગોવાનો મોટાભાગનો વહીવટ ગોલ્ડન બારમાથી જ થાય છે. પણ... સાવધાનીથી જજે. એ કોઇ સામાન્ય જગ્યાં નથી. ઘણી વખત એવું બન્યું છે કે ગોલ્ડન બારમાં ગયેલો વ્યક્તિ પછી ક્યારેય દેખાયો જ નથી. “
“ ગોલ્ડન બાર...! “ અભીમન્યુ ભયંકર રીતે ચોંકયો. આ નામ હમણાં જ તેણે પેલાં યુવકનાં મોઢે સાંભળ્યું હતું. તે ઠરી ગયો. એક દીશા મળતી દેખાતી હતી. “ ઓ.કે..! “ તેણે ઘડીયાળમાં સમય જોયો. બાર વાગવામાં હજું દેર હતી. અત્યારે જ પહોંચી જવાનું તેણે મન બનાવ્યું અને ઉભો થયો. “ ડેરેન...! એક વાત સાંભળી લે, હવે રક્ષા ઉપર કોઇ મુસીબતમાં આવવી ન જોઇએ. એની જવાબદારી તારી ઉપર છોડું છું. અને આ છેલ્લી વખત હશે... જો રક્ષાને કંઇ થયું તો ગોવા ભડકે બળશે એ પણ લખી રાખજે. “ કહીને અભીમન્યુ સડસડાટ બહાર નિકળી ગયો.
( કર્મશઃ )
રેટિંગ અને કોમેન્ટ ચોક્કસ કરજો. આપનાં મિત્રો અને પરીવાર જનોને આ કહાની જરૂરથી વંચાવજો.
પ્રવિણ પીઠડીયા.
મારી સાથે જોડાવા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટસઅપ કરી શકો છો.
ફેસબુક અને ઇન્ટા. પર મને ફોલો પણ કરી શકો છો.
ઉપરાંત મારી અન્ય નોવેલ્સ જેવી કે
નો રીટર્ન-૧ અને ૨,
નસીબ,
નગર,
અંજામ,
આંધી. પણ વાંચજો. આ બધી બુક્સ તરીકે પણ બજારમાં અવેલેબલ છે.