Chintanni Pale - Season - 3 - 11 in Gujarati Motivational Stories by Krishnkant Unadkat books and stories PDF | ચિંતનની પળે - સીઝન - 3 - 11

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ચિંતનની પળે - સીઝન - 3 - 11

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

  • 11 - ચાલાકી અને ચતુરાઇ
  • મને દોસ્તોની હકીકત ન પૂછો,

    હવે હું દુશ્મનો પર ભરોસો કરું છું.

    -સૈફ પાલનપુરી.

    દરેક માણસ સ્વભાવે ચાલાક છે. મગજમાં ચાલતું વિચારોનું મશીન ચાલાકીનું ઉત્પાદન કરતું રહે છે. માણસ મનમાં કોઇ ને કોઇ રમત રચે છે અને પછી એ રમત રમતો રહે છે. ક્યારેક જીતે છે અને ક્યારેક હારે. માણસ જ્યારે ચાલાકીમાં જીતે ત્યારે પોતાને બુદ્ધિશાળી સમજવા લાગે છે પણ જ્યારે ચાલાકીમાં હારે ત્યારે પોતાને મૂર્ખ માનવા તૈયાર હોતો નથી. રમત છે, આવું તો થાય, એવું વિચારીને મન મનાવતો રહે છે.

    ચાલાકી અને ચતુરાઇમાં જમીન-આસમાન જેટલો ફર્ક છે. ચાલાકીમાં દાવપેચ છે, ચતુરાઇમાં સમજદારી છે. ચાલાકીમાં કોઇને પાડી દેવાની દાનત છે, ચતુરાઇમાં કોઇનું બૂરું ન થાય અને બધાનું ભલું થાય તેવી ભાવના છે. ચાલાકી ક્યારેક જીતે છે પણ મોટા ભાગે હારે છે, ચતુરાઇ હંમેશાં જીતે છે. તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે માણસ ચાલાકીને જ ચતુરાઇ સમજવા માંડે છે.

    એક શેઠને ત્યાં એક નોકર કામ કરે. દુકાને કોઇપણ વ્યક્તિ આવે એટલે શેઠ બડાઇ ફૂંકે કે મારો નોકર સાવ ડોબો છે. હું ન હોઉ તો આખો ધંધો પડી ભાંગે. લોકો પુરાવો માગે એટલે શેઠ એક નુસખો અજમાવે. શેઠ એક હાથમાં એક રૂપિયો રાખે અને બીજા હાથમાં બે પાવલી રાખે.

    નોકરને રાડ પાડીને બોલાવે અને કહે કે આ બેમાંથી તારે જે જોઇએ એ લઇ લે. નોકર હંમેશાં બે પાવલી લઇ લ્યે. શેઠ કહે, જુઓ કેવો ડોબો છે! બે સિક્કા જોઇને ઉપાડી લ્યે છે. તેને એટલી અક્કલ નથી કે આ એક સિક્કાની કિંમત પેલા બે સિક્કા કરતાં વધારે છે. ગ્રાહકો માની લ્યે કે શેઠનો નોકર ખરેખર બુદ્ધિનો બળદ છે.

    એક વખત એક ગ્રાહકે નોકર પાસે જઇને તેને સમજાવ્યું કે તું રોજ મૂરખ બને છે. આ વાત સાંભળીને ખડખડાટ હસતાં નોકરે કહ્યું કે, હું મૂરખ નથી, પણ જે દિવસે હું રૂપિયો ઉપાડીશને એ દિવસથી આ ખેલ બંધ થઇ જશે. મને બે પાવલી પણ નહીં મળે. શેઠને થશે કે નોકર તો બુદ્ધિવાળો છે, હવે આ ખેલ ન કરાય. શેઠ ભલેને નાટક કરે, મને તો રોજ બે પાવલી મળે છે ને!

    હવે તમે કહો જોઇએ કે આ બેમાંથી કોણ ચાલાક નથી? ચાલાકી વાપરવા જાવ ત્યારે સામેથી પણ ચાલાકી જ મળે છે. પોતાને ચાલાક સમજીને અંતે માણસ મૂરખ જ બનતો હોય છે. બધાને બસ સોગઠાં ગોઠવવાં છે. બને ત્યાં સુધી આવી વૃત્તિઓથી બચવું જોઇએ.

    જિંદગી ચેસની રમત નથી, જિંદગી ચાલબાજી નથી. ચેસ ભલે બુદ્ધિશાળીની રમત કહેવાતી હોય પણ અંતે તેમાં સામેવાળાનાં પ્યાદાં મારવાની જ વૃત્તિ હોય છે. જીવનમાં આવી વૃત્તિ માણસને હિંસક બનાવતી હોય છે.

    માણસ હિંસક પ્રાણી નથી. માણસ સંવેદનશીલ જીવ છે. જેટલી ચાલાકી ઓછી એટલી સહજતા વધારે. આજે તો રાજકારણમાં ન હોય એવો માણસ પણ પોલિટિક્સ રમતો રહે છે. તું તો જબરો પોલિટિશિયન છે યાર! એવું કોઇ કહે ત્યારે માણસ ફુલાઇને ફાળકો થઇ જાય છે.

    ચાલાકીથી મળતી જીત અંતે તો એક પ્રકારની છેતરપિંડી જ છે. જે સાચું હોય એની જ જીત થાય એ જરૂરી છે અને આપણે જ દર વખતે સાચા હોઇએ એ જરૂરી નથી. હું ખોટો છું એ સ્વીકારવામાં જ ઘણીવખત સાચી જીત હોય છે. નક્કી આપણે કરવાનું હોય છે કે સત્યને જીતાડવું છે કે આપણે જીતવું છે?

    છેતરપિંડી અને ચાલાકીની આવી જ એક ઘટનાને ‘બેસ્ટ લોયર ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો હતો. અમેરિકાની કોર્ટનો આખો કેસ બહુ જ રસપ્રદ છે. એક માણસે ખૂબ જ મોંઘી સિગારનું એક બોક્સ ખરીધું. આ માણસે સિગારનો વીમો ઉતરાવ્યો. વીમાના હેતુમાં એવું લખાયું કે, જો એક મહિનામાં આ સિગાર કોઇ કારણોસર સળગી જાય તો વીમા કંપનીએ વળતર આપવાનું.

    વીમો લીધા પછી એક મહિનામાં આ માણસ બધી જ સિગાર મોજથી ફૂંકી ગયો. સિગાર પી ગયા પછી આ માણસે વીમા કંપની સામે વળતર મેળવવા દાવો ઠોક્યો. મારી બધી જ સિગાર સળગી ગઇ. મને વળતર આપો.

    કોર્ટમાં કેસ ચાલ્યો. અદાલતે ચુકાદો આપ્યો કે વાત સાચી છે, બધી જ સિગાર સળગી ગઇ છે. વીમા કંપની દાવો ચૂકવે. અદાલતના આદેશ મુજબ વીમા કંપનીએ કોર્ટે કહેલાં નાણાં ચૂકવી દીધાં. પેલા માણસને થયું કે મારી ચાલાકી કામ કરી ગઇ. હું જીતી ગયો.

    બીજા જ દિવસે વીમા કંપનીએ તેના પર છેતરપિંડીનો કેસ ઠોક્યો કે આ માણસે વીમાથી સુરક્ષિત વસ્તુને ઇરાદાપૂર્વક સળગાવી દીધી છે. કોર્ટમાં કેસ ચાલ્યો અને ઠગાઇના ગુનામાં તેની ધરપકડ થઇ! અદાલતે નોંઘ્યું કે, ચાલાકી અંતે આવું જ પરિણામ નોતરે છે!

    માણસ માણસ સાથે રમત રમે ત્યારે અંતે માણસાઇ જ હારતી હોય છે. ચાલાકી અંતે નીચાજોણું જ કરાવે છે. રમત, પોલિટિક્સ, પ્રપંચ, કાવાદાવા અને ખટપટ ટાળો, નહીં તો કોઇ દિવસ સારા કામ માટે નવરાશ જ નહીં મળે!

    છેલ્લો સીન:

    પોતાના અંતરઆત્માના સંકેત અનુસાર ચાલવું તે યશસ્વી થવાનો સૌથી સહેલો ઉપાય છે. – હોમ

    ***