Karnalok - 11 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 11

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કર્ણલોક - 11

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 11 ||

દુર્ગાને નિમુબહેને વાડીએ બોલાવી છે તે સંદેશો આપવાનું તો આ બધી ધમાલમાં રહી જ ગયેલું. આજે સવારે ઑફિસ વાળવા ગયો ત્યારે છેક બહેનને કહ્યું, ‘દુર્ગાને નિમુબેને વાડીએ બોલાવી છે. તેની સહિયર ત્યાં છે તો બેઉ સાથે રહી શકે એમ કહેતાં હતાં.’

‘એમણે શું બોલાવી? મેં જ નિમ્બેનને લખ્યું હતું કે કાં તો ગોમતીને અહીં મોકલો કે આવી આ છોકરીને થોડા દિવસ ગોમતી પાસે રાખીને શીખવે. કંઈક શીખી લાવે. અહીં આખો દિવસ હરાયા ઢોરની જેમ ફર્યા કરે છે એના કરતાં છોકરાંવને ભણાવતી થાય.’

સરસમાં સરસ વિચાર કે ભાવના આટલી ખરાબ ભાષામાં રજૂ કરવા પાછળ એક માણસની બીજા માણસ વિશેની ચિંતા, તેના તરફની લાગણી, પોતાની જવાબદારીનું ભાન, પોતાની અસમર્થતા અથવા બીજી કઈ બાબત કામ કરતી હશે તે મને ક્યારેય સમજાયું નથી. આમ છતાં નલિનીબહેને આ કહ્યું ત્યારે તેમના મનમાં છોકરાંઓને ભણાવવા માટેની ગોઠવણ કરવાની શુભ લાગણી ઝાંખીપાંખી પણ જોઈ શક્યો.

દુર્ગા પોતે જ હજી તો સાતમા-આઠમામાં હશે. તે શાળાએથી આવીને આ બધાં બાળકોને લેશન કરાવે એમાં જે અઘરું લાગતું હશે તે ગોમતી પાસે શીખવાનું હશે તેમ મેં માન્યું.

નંદુ અને દુર્ગા જવાનાં હતાં. મને પણ થયું કે સાથે જઉં તો નંદુને બે જણાની સવારી સાઇકલ પર ખેંચવામાં રાહત થશે.

બીજે દિવસે સમરુને દુકાન ભળાવીને અમે રવાના થયાં. વાડીએ પહોંચ્યાં તો ગોમતી કૂવેથી પાણી ભરતી હતી. કરમી તેની પાછળ પાછળ નાના કળશાથી પાણીના ફેરા કરતી હતી.

મેં પણ ગોમતીને ફેરા કરવામાં મદદ કરવવા માંડી. બે-ત્રણ ફેરા સીંચીને પીવા જેટલું પાણી ભરાઈ ગયું એટલે ગોમતીએ છેલ્લું બેડું પાણિયારે મૂક્યું. કરમીને પાણી લાવવાનું કામ પસંદ પડી ગયું હોય તેમ તે નાનો કળશ લઈને પાણી લાવ્યા કરતી રહી. કૂવાના થાળામાં ભરેલી પડેલી ડોલ ખાલી થઈ ત્યાં સુધી તે એવું કરતી રહી. પછી મારો હાથ ખેંચીને મને કૂવે ખેંચી ગઈ. મેં તેને ફરી એક ડોલ સીંચી આપી અને કહ્યું, ‘આ હવે છેલ્લી. પછી ખલ્લાસ. સમજી?’

જવાબમાં કરમીએ માથું હલાવીને હા પાડી અને મેં ભરી આપેલી ડોલમાંથી કળશા ભરીને પાણિયારા પાસે જઈને ઢોળવા માંડી.

જી’ભાઈને ક્યાંક વહેલાં બહાર જવાનું હતું એટલે એ જમતા હતા. મારી ઉમ્મરનો એક છોકરો પીરસતો હતો.

દુર્ગા ગોમતી સાથે કામે વળગી. નિમુબહેન હીંચકે બેસીને ટપાલો જોતાં હતાં. મેં ત્યાં બેસીને થોડી વાર તેમના કાગળો ગોઠવવામાં મદદ કરી. પછી વાચનાલયમાંથી ચોપડી લાવીને વાંચ્યા કર્યું. જમીને બપોરે વાંચતાં વાંચતાં જે રીતે ઊંઘી ગયો તેવું કોઈ દિવસ ઊંઘ્યો નથી.

સાંજે પાંચેક વાગે જાગ્યો અને બહાર આવ્યો ત્યારે નંદુ નિમુબહેનની નદીકાંઠાની જમીન પર કંઈક કામે ગયો હતો. ગોમતી પાંચમા છઠ્ઠામાં હોય તેવાં ઘણાં બાળકોની સાથે રમવા જવાની વાત કરતી હતી. મને જોઈને તેણે કહ્યું, ‘તારે રમવું છે?’ મેં ના પાડી. એટલે તેણે કહ્યું, ‘તું આવીશ તો મજા પડશે. નિમ્બેન પણ આવે છે. નહીં આવે તો તારો થેલો તો અમે લઈ જ જઈશું.’

મેં જવાનું નક્કી કર્યું. ગોમતીએ ખભાથેલો સાથે રાખવા કહ્યું તે લઈને, કરમીને તેડીને ચાલવા માંડ્યું. થોડી વાર રહીને કરમીએ હાથ લાંબો કરીને દુર્ગા પાસે જવા ચાહ્યું તોયે ઢોળાવ ઊતરતાં સુધી મેં તેને તેડી. પછી દુર્ગાને આપી દીધી.

‘તેડવાનું નહીં. ચાલવાનું સમજી?’ દુર્ગાએ કરમીને કહ્યું, ‘જો કાંટા છે ત્યાં સુધી તેડીશ. પછી રેતીમાં ચાલવાનું છે.’

રેતી સુધી પહોંચતા સુધીમાં કરમીએ દુર્ગાનું મોં પકડીને, આંગળી ચીંધી ચીંધીને તેને કેટલીયે વસ્તુઓ બતાવ્યા કરી. રેતીમાં આવતાં જ તે નીચે ઊતરી પડી અને બધાની સાથે ચાલવા માંડી.

‘ગોમતી, આજે શું રમાડીશ?’ નિમુબહેને પૂછ્યું.

‘જુઓ, હમણાં રમાડું છું.’ કહીને ગોમતીએ હાજર હતાં તે છાકરાંઓને પાંચ ટુકડીમાં વહેચાઈ જવાનું કહ્યું. પછી મને એક ચિઠ્ઠી આપીને કહ્યું, ‘આ ચિઠ્ઠીની પાંચ નકલ કરી આપ. બરાબર બેઠી નકલ.’

તે ચિઠ્ઠી તો પછી મને મોઢે થઈ ગયેલી,

‘જળ, જમનામા, કાળો, નાગ, તેની પાસે જઈને માગ.

પાન પાન જ્યાં દીવા બળે, ત્યાં જઈ શોધે તેને મળે.’

ગોમતીએ દરેક ટુકડીને ચિઠ્ઠીની એક નકલ આપી અને કહ્યું, ‘આ જગ્યા શોધી કાઢવાની છે. ત્યાંથી આવું કંઈક લખેલી બીજી ચિઠ્ઠી મળશે.’

બાળકો થોડી વાર મૂંઝાયાં. કેટલાંકે ‘આ નહીં ગોમતીબેન, ઊભી-ખો રમાડો’ એવું પણ કહ્યું. કેટલાંકને લાગ્યું કે આ નવી રમતમાં રસ પડશે. તે લોકોએ પૂછ્યું, ‘પણ પછી કરવાનું શું?’

ગોમતીએ વારતા માંડી, ‘એક જમાનામાં જ્યારે સંદેશા મોકલવાના તાર જેવાં કોઈ સાધનો નહોતાં ત્યારે માણસો જાતે ચાલીને કે ઘોડા, ઊંટ જેવાં વાહનો પર જઈને સંદેશા આપતાં...’ ત્યાંથી શરૂ કરીને ગોમતીએ દરિયાઈ સફરોની અને નાવિકો દ્વારા શીશામાં મૂકીને મોકલાતા અંતિમ સંદેશાની અને એવી કંઈ કંઈ વાતો કરી. બાળકો એકધ્યાન થઈને સાંભળતાં રહ્યાં.

અંતે ગોમતીએ કહ્યું, ‘હવે સાંભળો. આજે બપોરે હું નદીએ કપડાં ધોતી હતી ત્યારે એક શીશો નદીમાં તરતો જોયો. હું તે શીશો લઈ આવી તો તેમાં એક લાંબો લખેલો કાગળ હતો અને આ, તમને આપી તે ચિઠ્ઠી હતી. કાગળમાં લખ્યું છે કે આ ચિઠ્ઠી એક છૂપા ખજાના વિશે છે. આ ચિઠ્ઠીનો ભેદ ઉકેલીને તે જગ્યા શોધનારાને ત્યાંથી બીજી એક ચિઠ્ઠી મળશે. ચિઠ્ઠી લખનારાએ જુદી જુદી ઘણી જગ્યાએ ચિઠ્ઠી સંતાડી છે. બધી ચિઠ્ઠીઓ સાંકેતિક ભાષામાં છે. સંકેતો ઉકેલતાં રહી, એક પછી એક ચિઠ્ઠી શોધીને જે ટુકડી છેલ્લી ચિઠ્ઠી સુધી પહોંચી જશે તેને ખજાનો મળશે.’

બધાં ઉત્તેજિત થઈ ગયાં. જાતજાતની ચર્ચા થવા માંડી, એક જણ કહે, ‘ગોમતીબેન ગપ્પાં ના મારશો. કોઈયે દરિયામાં નાખેલી બાટલી તમને નદીમાંથી કેમની મળી?’

‘કેમ, નદી દરિયામાં જ જાય ને?’ ગોમતીને બદલે બીજી ટુકડીની એક છોકરીએ પેલાને જવાબ આપ્યો.

પહેલું વળી બોલી પડ્યું, ‘અલી, ડોબી, તને ભાન તો પડતું નથી. બાટલી દરિયેથી નદીમાં, ઊંધી દિશામાં કેમની જાય?’

જાતજાતના બૂમરાણ અને હસાહસી પછી ફરીને અંતે વાત મૂળ ચિઠ્ઠી પર આવી. એક જણે કહ્યું, ‘જળજમનામાં કાળીનાગ એટલે?’

‘અહીંથી આપણે જમના નદીમાં જાવાનું?’ બીજાએ પૂછ્યું.

હવે ગોમતીએ દુર્ગાને કાનમાં કહેતી હોય એમ ધીમેથી કહ્યું, ‘તું થોડી મદદ કર. ચોખ્ખું કહી ન દેતી.’

દુર્ગાએ બધાંને ભેગાં કર્યાં અને કહ્યું, ‘જુઓ, આમ ઉતાવળા નહીં થવાનું. પહેલાં તો આખી ચિઠ્ઠી જેમ લખી છે તેમ જ ધ્યાનથી વાંચો. આના પછીની, બીજી ચિઠ્ઠી કયા ઠેકાણે છે તે કોઈ એક શબ્દમાં કે આખી લીટીમાં પણ લખ્યું હોય. ભૂલ વગર વાંચો.’

‘કેમની વાત કરો છો? બરાબર તો વાંચીએ છીએ. જળજમનામાં કાળીનાગ.’ પેલાએ જવાબ આપ્યો.

ત્યાં જ બીજી ટુકડીના બાળકોનું ધ્યાન ગયું. તેમણે કહ્યું, ‘ઓય, અલ્યા, જો, જો. આ કાળીનાગ નથી લખ્યું. કાળોનાગ લખ્યું છે.’

દુર્ગાએ હસીને કહ્યું, ‘કાળોનાગ નથી. બરાબર જુઓ. તે ઉપરાંત પણ કંઈક છે. દાખલા તરીકે મા ઉપર અનુસ્વાર છે કે નથી?’ દુર્ગાએ થોડી ચાવી બતાવતાં કહ્યું, ‘મેં આટલું બતાવ્યું. હવે ફરી વાંચીને શોધો.’

હવે બધી ટુકડી ગંભીર થઈ ગઈ. અચાનક તેમનું ધ્યાન વિરામ ચિહ્નો પર પણ ગયું અને જે રીતે લખાયું હતું તે જ રીતે તેમણે વાંચ્યું,

જળ,

જમનામા,

કાળો,

નાગ.

અંતે બાળકોએ ભેગાં થઈને મેળ બેસાડી દીધો. ‘એલા, જમનામા. ભાડિયા કૂવાવાળાં જમનામા.’ અને પછી, ‘તેમનો કૂતરો કાળો... એનો છોકરો નાગાજણ. પાને, પાને દીવા બળે એટલે નાગાજણની વાડીએ આગિયા બહુ થાય છે. એ નાગલા પાસે માગવાનું તો લખ્યું છે.’

રમત જામી, છોકરાંઓ દોડતાં ગયાં. બે અઢી કલાકે જાતજાતની ચિઠ્ઠીઓ સાથે પાછા આવીને પૂછ્યું, ‘લાઇબ્રેરીમાં નવી-નકોર સાઇકલ પડી હતી તે કોની છે?’

‘મારી, કેમ?’ મેં પૂછ્યું. બાળકોએ એક ચિઠ્ઠી મને આપતાં કહ્યું, ‘આ છેલ્લી ચિઠ્ઠી. લે, વાંચ.’

મેં ચિઠ્ઠી હાથમાં લીધી તો લખેલું,

‘એક સાઇકલ નવી-નકોર, તેનો માલિક મોટો ચોર,

ખભે રાખતો થેલો એક, જઈને તેમાં જુઓ છેક.’

મારાથી થોડાં વરસ નાનાં, અગિયાર-બાર વરસનાં બધાં છોકરાં મને વળગી પડ્યાં. મારો થેલો જાણે લૂંટવો હોય તેમ વીંખી નાખ્યો. ચૉકલેટ ભરેલી એક થેલી નીકળી પડી. ખજાનો અહીં જ હતો!

સંધ્યાકાળ થઈ ગયો હતો. નદીને એકલી છોડીને અમે બધાં પાછાં વળ્યાં. ગામનાં છોકરાંઓ નિમુબહેનને આવજો કહી ‘બેન, આજે બહુ મજા આવી ગઈ. ગોમતીબેનને જવા ના દેશો’ કહીને ઘરે ગયાં. અમે જમ્યાં. રાત્રે ગોમતી અને નિમુબહેને ગીતો ગાયાં. ગામના બે-એક છોકરાઓએ વારાફરતી તબલાં વગાડ્યાં. ગોમતી અને દુર્ગા મોડે સુધી જાગીને આવતી કાલે છોકરાંઓને શું રમાડવું અને કેવી રીતે રમાડવું તે વિશે ચર્ચા કરતાં બેઠાં. સવારે મારે તો નીકળી જવું હતું છતાં તેમની સાથે બેસીને મેં પણ વાતો કરી. થોડાં હાથવગાં સાધનોથી રમતો માટે થોડાં સાધનો બનાવીને સૂઈ ગયો.

સવારે જતી વેળા દુર્ગાને પૂછ્યું, ‘તું રોકાવાની?’

‘હા. ત્રણેક અઠવાડિયાં તો ખરાં જ.’ દુર્ગાએ કહ્યું. ‘ગોમતીબેન હજી ઘણું શીખવવાનાં છે.’

દુર્ગા વાડીએ ત્રણ અઠવાડિયાં કરતાં ઘણું વધારે રોકાઈ. બે વાર તો તેની નિશાળમાંથી કાગળ આવ્યા કે તેની હાજરી ખૂટશે. નલિનીબહેને કકળાટ કર્યો; છતાં તે પોતે દુર્ગાની નિશાળે તેની ગેરહાજરી વિશે લેખિત ખુલાસો આપી આવેલાં.

છેવટે પરીક્ષાને થોડા જ દિવસો બાકી રહ્યાનું કહેણ આવ્યું ત્યારે નલિનીબહેનથી રહેવાયું નહીં. તેમણે નંદુને કહ્યું કે જઈને દુર્ગાને બોલાવી આવે; પણ નંદુએ પૂનમ પહેલાં જવાની ના પાડી.

બહેને મને બોલાવીને કહ્યું, ‘ભઈલા, આ છોકરીને તો કશાની કંઈ પડી નથી. મારે મારા ભાણાના લગનમાં જવાનું છે. એક બાજુ આ નિશાળમાં પરીક્ષા આવે છે. જરા નિમ્બેનની વાડીએ આંટો માર. દુરગીને પકડી જ લાવ. કહેજે કે વાત હવે વરસ બગડવા સુધી આવી ગઈ છે.’

મારે બહાર, દુકાનમાં હવે સાઇકલ રિપેર કરવા ઉપરાંત વેચવાનું પણ શરૂ કરવું હતું. સમરુને ભાગીદાર બનાવવાની વાત કરી હતી અને તેણે ઉત્સાહ બતાવ્યો. મોહનકાકા એના ભાગના પૈસાની સગવડ કરે એટલી વાર હતી. ત્યાં સુધી લગભગ નવરાશ હતી. હું નવરો જ હતો.

સમરુને દુકાને બેસવાનું કહીને સવારમાં જ વાડીએ જવા નીકળી પડ્યો. પહોંચ્યો ત્યારે નિમુબહેન નહોતાં. જી’ભાઈ પરસાળમાં બેઠા કરમી સાથે વાતો કરતા હતા. મને જોઈને કરમી હાથ લંબાવતી બોલી, ‘આ.’

કરમીને બોલતી થયેલી જોઈને જાણે આખા શરીરમાં આનંદનું મોજું ફરી વળ્યું હોય તેમ દોડીને પરસાળ ચડતાં જ મેં કરમીના બેઉ ગાલ ખેંચ્યા. કરમી અમળાઈ અને બોલી, ‘નંઈઈ...’

દુર્ગા કે ગોમતી દેખાયાં નહીં એટલે એમના વિશે જી’ભાઈને પૂછ્યું, ‘પેલાં બેઉ ક્યાં છે, નદીએ કે ગામમાં, નિશાળે ગયાં છે?’

‘બહારગામ.’ જી’ભાઈએ કહ્યું, ‘ગોમતીને સાસરે ગયાં છે. રાતે છેલ્લી બસે આવશે. તું સામે જજે.’

મેં રાત સુધી સાફસૂફી કરી. લાઇબ્રેરી બરાબર ગોઠવી, સાંજની રસોઈમાં જી’ભાઈને મદદ કરી. રાતે બસના સમયે ગામમાં જવા નીકળ્યો.

નદીકાંઠાની કોતરોમાં બેઉ તરફથી ઝાડી વચ્ચે ચાલી જતી, સાંકડી, ધૂળિયા નળીમાં ચાલતા જવાની મજા અનેરી છે. હજી તો સાડા આઠ-નવ થયા હતા તોપણ ગામડું ગાઢ નિદ્રામાં શાંત સૂતું હોય તેવું લાગે છે. વીજળીની સગવડ તો શહેરો પૂરતી જ છે.

મૂંગું પથરાયેલું ગામ, તમરાં અને બીજાં જીવોથી જાગતી થઈને ઝીણું ઝીણું બોલતી મૂંગાં ખેતરોની વાડ, નોળિયા અને રાતપંખીનો ખરખરાટ, માથે આકાશમાં ઊગેલા ચંદ્રની વરસતી ચાંદની, નદી પર થઈને વહી આવતી ઠંડા પવનની લહેર. ધારીએ તોપણ કદીયે ન ભૂલી શકાય તેવો રોમાંચક, આહ્લાદક પરિસર અને સોળ-સત્તરની ઉમ્મર. આ બધું હોય ત્યારે એકલાં નીકળી પડવાનો આનંદ સમજાવી શકાતો નથી.

બસ તો સામે કાંઠે ક્યાંય દૂર હતી ત્યારથી તેનો અવાજ સંભળાવા માંડેલો. પ્રકાશનો પટ્ટો કોતરોના વળાંકોમાં આમથી તેમ મરડાતો આવતો હતો. અંતે પાદરમાં ધૂળ ઉડાડીને બસ ઊભી રહી. બીજા પેસેન્જરો સાથે નિમુબહેન, ગોમતી, દુર્ગા અને એક યુવાન બસમાંથી ઊતર્યાં. રસ્તે જતાં થયેલી વાતોમાં જ મને સમજાઈ ગયેલું કે તે યુવાન ગોમતીનો પતિ હતો.

બીજે દિવસે સવારે મારે દુર્ગાને સાથે લઈને પરત જવાનું હતું; પણ નિમુબહેને કહ્યું, ‘આજનો દિ’ રોકાઈ જાવ. મારે કામ છે. કાલ સાંજે જતા રહેજો. કરમીને પણ તમારી સાથે જ મોકલી દેવી છે.’

બીજે દિવસે બપોરે દુર્ગા અને ગોમતી રસોડામાં સફાઈ કરતાં હતાં. મારા હાથમાં ચોપડી આવી એટલે પરસાળમાં વાંચતો હતો. નિમુબહેને ગોમતીના વરને બોલાવ્યો અને કહ્યું, ‘જો રવિન, તેં કહ્યું હતું એટલે મેં ગોમતીને સમજાવી જોઈ. આ કરમીનું પણ કહી જોયું.’

‘એ માને તો સારું.’ રવિને જવાબ આપ્યો.

‘હું જાણું છું ત્યાં સુધી કરમીને દીકરી કરવામાં ગોમતીને વાંધો નથી; પણ એને દત્તક લે તોપણ એને પોતાનું બાળક તો જોઈએ જ છીએ. હવે તું વિચાર.’

‘મેં એને ના પાડી નથી.’ રવિને જવાબ આપ્યો. ‘અમે મુંબઈ ગયેલાં ત્યાં ડૉક્ટરે કહ્યું કે ભારતમાં હજી આ પદ્ધતિ નવી જ કહેવાય. પરદેશમાં પણ જ્યાં પ્રયોગો થયા છે ત્યાં આ રીતે બાળક થયાની ટકાવારી ઘણી ઓછી છે. તે કરતાં દત્તક લઈ લો તો સારું. એટલે હું તેને ફરી વિચારવા કહું છું.’ રવિને સ્પષ્ટતા કરી.

નિમુબહેન થોડી વાર વિચાર કરતાં બેસી રહ્યાં. પછી કહ્યું, ‘તું સમજે છે તે સારું છે. ગોમતી પણ માને તો સારું; પણ એને પોતાના પેટે જ બાળક જોઈએ છે. ગોમતીએ મને કહ્યું કે, ‘રવિન પણ કહે છે કે તારામાં કોઈ ખામી નથી પછી શા માટે તું મા ન બને?’

‘હા. મુંબઈના ડૉક્ટરે મને સમજાવ્યો તે પહેલાં મેં એવું કહ્યું હતું. ગોમતીની વાત સાચી જ છે.’ રવિને કહ્યું, ‘આમ તો મને કોઈ વાંધો નથી. સવાલ એક તો સફળ થવાનો અને બીજો અમારા ઘરનાં બધાંનો છે. જેવી ખબર પડશે કે અમારા ઘરમાં રીતસરનો ઝઘડો થવાનો છે.’

‘તું એ ચિંતા ન કર. તારી જો તૈયારી હોય અને તું ગોમતીની ભેરે રહેવાનો હોય તો બાકીનું તો થઈ રહેશે. અહીંથી જતાં પહેલાં બેય જણાં પૂરો વિચાર કરીને નક્કી કરી લેજો.’

‘હા.’ રવિને કહ્યું.

દુર્ગા અને ગોમતી રસોડામાંથી બહાર નીકળ્યાં. ધોવાનાં કપડાં તગારામાં ભરીને નદીએ જતાં ગોમતીએ મને અને રવિનને કહ્યું, ‘ચાલો, આવવું છે?’

‘કપડાં ધોવામાં મદદ કરજો.’ દુર્ગા બોલી.

‘તમે જાવ. મારે થોડું વાંચવું છે.’ મેં કહ્યું. રવિન તે લોકો સાથે નદીએ ગયો. બધાં પાછાં આવ્યાં ત્યાં સુધી મેં લીમડા તળે બેસીને ચોપડીનાં પાનાં ફેરવ્યા કર્યાં. મારું મન વાંચવામાં નહોતું રહેતું. રહી રહીને રવિન અને નિમુબહેન વચ્ચે થયેલી વાતો યાદ આવ્યા કરી. મને માત્ર એટલું સમજાયું કે કોઈ નવતર પદ્ધતિથી બાળક મેળવવાની વાત છે. કોઈ કારણ વગર મને આ ગમ્યું નહીં. એ પદ્ધતિ શી હશે તેવી જિજ્ઞાસા પણ રહી.

સાંજે જમીને ગોમતી ને રવિન ચાંદનીમાં આંટો મારવા ગયાં. અમે નિમુબહેન અને જી’ભાઈ સાથે સવાર માટે શાક સમારતાં વાતોએ વળગ્યાં. દુર્ગા અહીં વધુ રોકાઈ ગઈ એટલે નિશાળમાંથી કાગળ આવ્યો છે તે બધી વાત કરીને મેં કહ્યું, ‘હવે પરીક્ષા આવશે એટલે નલિનીબેને મને તેડવા મોકલ્યો. એમને પાછું બહારગામ જવાનું છે.’

‘નલિનીબેન ક્યાં જવાનાં છે?’ દુર્ગાએ પૂછ્યું.

‘ખબર નહીં. એમના ભાણાને પરણાવવા. દશ-બાર દહાડે પાછાં આવશે એવી વાત હતી.’ મેં કહ્યું અને ઉમેર્યું, ‘તારે દશ દિવસ શાંતિ.’

દુર્ગા ઘડીભર મૂંગી થઈ ગઈ. તેની આંખો ચમકી અને સ્થિર નજરે મારા સામે જોઈને જવાબ આપ્યો. ‘આવું બોલવાની જરૂર નહોતી. બેનને રહ્યે પણ મને તો શાંતિ જ છે. અમારી વચ્ચે વઢવાડ થાય છે તો થાય છે. એ અમારી વાત છે. તારે એમાં પડવાની શી જરૂર?’

દુર્ગા આમ છેડાઈ પડશે તે મને ખ્યાલ નહોતો. તેને શા કારણે આટલું લાગી આવ્યું તે પણ મને સમજાયું નહીં. તે આગળ બોલી, ‘નલિનીબેને તો મને જિવાડી છે. એમનું બોલવાનું આકરું, પણ માંદે-સાજે એમણે ને શાહભાઈએ મને સાચવી છે.’

દુર્ગા જાહેરમાં મને કહેવા માંડી એટલે હું પણ છેડાઈ પડ્યો. મેં જવાબ આપતાં કહ્યું, ‘જો, હું તમારે ત્યાં રહેતો નથી. પણ નજરે તો જોઉં છું. એકાદ વાર લક્ષ્મીએ મને વાત કરેલી કે બેનને ઘરે કામ કરવાની તેં ના પાડી છે એટલે બેન તારા પર વધારે દાઝ રાખે છે. તેથી ‘તારે શાંતિ’ એટલું કહ્યું. એમાં આટલી ગુસ્સે કેમ થાય છે?’

દુર્ગાએ કહ્યું, ‘આવું ઊંધું ઊંધું સમજીને બોલ તો ખિજાઉં પણ ખરી. સાંભળ, બેનને ઘરે રહેવામાં કે એમનું કામ કરવામાં મને તો કંઈ નડતું નહોતું. અત્યારે એ લગનમાં જશે અને શાહભાઈ નહીં જાય તો શાહભાઈને કોણ સાચવવાનું, હું જ ને?’

મારી સાથે વાત પૂરી થઈ ગઈ છે તે દર્શાવતી હોય તેમ દુર્ગા નિમુબહેન તરફ ફરીને તેમને કહેવા માંડી, ‘નલિનીબેનના કામ માટે એના ઘરે રહેવાની ના મેં કેમ પાડી હશે તે તમે સમજશો. એમને ઘરે રહું એ ઘડીથી મારું નામ ચોપડેથી નીકળી જાય. ભણવાનું રહે એક તરફ અને જિંદગીભર એમનાં કચરાપોતાં કરતી થઈ જઉં. પછી હું ના પાડું તો કંઈ મારો વાંક!’

નિમુબહેને આગળ નમીને દુર્ગાને માથે હાથ ફેરવ્યો. પછી કહ્યું, ‘વાંક તો હોતો નથી. પરિસ્થિતિ હોય.’

દુર્ગાએ કહ્યું, ‘તો બેનનેય પરિસ્થિતિ પજવે છે. નિમુબેન, એક તો અમારે માણસો ઓછાં અને ત્યાં કામ કેટલું હોય છે! કાયદા પ્રમાણે તો સ્ટાફમાં એક ગાર્ડ, વૉચમેન, ત્રણ આયા, બે નર્સ, કારકુન કંઈ કેટલાંયે માણસો જોઈએ. ખાતાએ મંજૂર પણ કર્યા છે; પણ માણસો ક્યાં છે? ત્યાં રહેવા કોણ આવે? નલિનીબેન એકલી અને માધો, લક્ષ્મી કે મહેતરાણી. રસોઈમાં નંદુકાકા. બેન કેવી રીતે બધું ચલાવે છે તે અમે જ જાણીએ છીએ.’

દુર્ગાના મુખભાવો જ કહી આપતા હતા કે નલિનીબહેન પ્રત્યે પોતાને અણગમો છે તેવી છાપ ભૂંસી નાખવા માટે તે આમ નહોતી બોલતી. ન તો તે પોતાની કોઈ છાપ રચવા માગતી હતી. જાણે કોઈ ત્રીજી જ વ્યક્તિ વિશે ચર્ચા કરતી હોય એટલા સહજ ભાવે તે બોલતી હતી. એ ઉમ્મરે પણ દુર્ગા સ્પષ્ટ અને પૂર્વગ્રહરહિત વિચારી શકતી તે મેં જોયું ન હોત તો હું માની પણ ન શકત.

દુર્ગાએ આગળ કહ્યું, ‘નલિનીબેનને તો ત્યાં રહેવું જ નથી. નોકરી ખાતર રહેવું પડે છે. વધારામાં ટ્રસ્ટીઓ જાતજાતના ફતવા કાઢે, ન કરવાનું પણ કેટલુંય કરવું પડતું હોય. આ બધી વાત તમે ક્યાંથી જાણો! પછી નલિનીબેન શું કોઈનો પણ સ્વભાવ બદલી જાય. અને પારકાનાં છોકરાંની પળોજણ કરવી સહેલી નથી.’

તે પીળા મકાનની દીવાલે રહેતાં મેં પણ આ જોયું છે. આ કામ કંઈ સહેલું નથી. તોપણ તે ચાલતું રહે છે. અનેક ખામીઓ સાથે, અનેક ભૂલો સાથે, સમરુની વાંકા પૈડાંવાળી, ભગ્ન હાથલારીની જેમ ધીરે ધીરે ત્યાં પણ જીવન આગળ વધતું રહે છે. એક દિવસ એ જ રીતે તે પૂરું પણ થઈ જવાનું. ત્યાં વસતાં કે કામ કરતાં, દરેકની ઇચ્છા હોય છે કે ભાંગી તૂટી લારીમાંથી ટ્રક કે બસમાં ચડીને દૂર નીકળી જતા સામાનની જેમ પોતે પણ કોઈ નવા માર્ગે જઈ શકે; પણ એવું ભાગ્યે જ બને છે!

આગળ કોઈ કંઈ બોલ્યું નહીં. જી’ભાઈએ ગીતો ગાવાનું કહ્યું. નિમુબહેન અને ગોમતીએ ભજનો ગાયાં. બીજે દિવસે સવારે અમારે નીકળવાનું હતું એટલે દુર્ગાએ પોતાનો સામાન તૈયાર કર્યો.

કાલની સફરમાં દુર્ગાને તે કોણ છે અને ક્યાંથી આવી છે તે પૂછી શકાશે. શું અને કેવી રીતે પૂછવું તે વિચારતાં જ ઊંઘ ઘેરાઈ ગઈ.

સવારે જી’ભાઈના મિત્ર આવ્યા. તે અને જી’ભાઈ એકાદ કલાકમાં શહેર જવાના હતા. નિમુબહેને તેમના વાહનમાં જ અમારું જવાનું ગોઠવ્યું. રાતે દુર્ગાને પૂછવાની વાતો ગોઠવી રાખેલી તે થઈ ન શકી.

***