અત્યારના યુગમાં ટેકનોલોજી બધાના જીવનમાં એક મહત્વનું અંગ બની ગઈ છે.
અત્યારના આધુનિક યુગમાં 5 કે 6 વર્ષના બાળકને પોતાના દાદાનું નામ કદાચ યાદ નહી હોય પણ લેટેસ્ટ ટેકનોલોજીના મોબાઈલ ફોનના અઢળક નામ આવડતા હશે.
ક્યાંક એવું તો નથી થતુને કે આપણે જ આપણા બાળકોને આ વિકાસના સાધન રૂપી વિનાશ ભેટ કરી રહ્યા છીએ.
એ વાતમાં બે મત નથી કે મોબાઈલ ફોન હોય કે કમ્પ્યુટર માણસના જીવનમાં એક અણધાર્યું પરિવર્તન લાવ્યા છે.
આ યુગમાં દુનિયાની સાથે ચાલવું પણ જરૂરી છે અને તેના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પણ થવો જોઈએ.
અત્યારે સૌથી વધારે સ્માર્ટફોનનો ઉપયોગ બાળકો કરી રહ્યા છે અરે જેમની ઉંમર ગલીઓમાં કે બજારોમાં કુદકા મારીને રમવાની અને પોતાના અભ્યાસ પર ધ્યાન આપવાની છે તેવા બાળકો ઘરના કોઈ ખૂણામાં બેસીને સ્માર્ટફોનમાં ગેમ રમી રહ્યા છે.
પણ આ સ્થિતિ માટે જવાબદાર કોણ છે?
કદાચ આ પ્રશ્નનો જવાબ આપણે બધા જાણીએ છીએ.
હવે જે થઈ ગયું તેની પરવાહ કર્યા વગર જે સમય છે તેનો સદઉપયોગ કરી આપણાં બાળકોને સમજાવવા અને સંભાળવા એ આપણી ફરજ પણ છે અને જરૂરિયાત પણ.
આપણે બાળકોને મોબાઈલ આપીએ ત્યારે તેનો સદઉપયોગ કેમ કરવો તે સમજાવવું જોઈએ.
જો સમય સુચકતા વાપરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો તેના થી ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે.
આપણે ઘરે બેઠા બેઠા આખી દુનિયામાં શું બનાવ બની રહ્યા છે તે જાણી શકીએ છીએ. માત્ર એક ક્લિકથી બધા જ વર્તમાન પત્રો વાંચી શકીએ છીએ. આપણાં પસંદગીના કાર્યક્રમો,ક્રિકેટ મેચો, ફિલ્મો વગેરે ઘરે બેઠા નિહાળી શકીએ છીએ.
અરે અત્યારે તો શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બાળકોને ભણાવવા માટે ના ડિજિટલ ક્લાસ રૂમ બનાવવામાં આવી રહ્યા છે જેમાં કમ્પ્યુટર, પ્રોજેક્ટર,સ્માર્ટફોન વગેરે જેવા ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરી ને બાળકોને વિવિધ વિષયોનું જ્ઞાન આપવમાં આવે છે.
આપણા બાળકોને થતા પ્રશ્નોના જવાબ કદાચ આપણે જાતે ના આપી શકીએ પણ આ સ્માર્ટફોનનો ઉપયોગ કરી તેમની મદદ જરૂર કરી શકીએ છીએ.
શિક્ષણને લગતા લગભગ તમામ વિષયોને અનુરૂપ દસ,વિસ નહી પણ હજારો વિડિઓઝ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણમાં અપ્રતિમ સફળતા પણ મળી રહી છે.
ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોને સરળતાથી સમજી શકાય તેવા પ્રોગ્રામ અને એપ્લિકેશનો ઉપલબ્ધ છે. તો પછી શા માટે નહી?
પણ આપણે જાતે જ આપણા બાળકો ને યુટ્યુબમાં કાર્ટૂનના વિડિઓ સર્ચ કરી આપીએ છીએ. કદાચ આપણે જ ધારી લીધું છે કે બાળકો સ્માર્ટફોન દ્વારા શિક્ષણ ના મેળવી શકે પણ શું ખરેખર આપણે એક પણ વાર તે બાબત પર વિચાર કર્યો છે?
જરૂર છે તો બસ આપણે તેની પાસે બેસી તેનું માર્ગદર્શન કરવાની. પણ આપણે ખુદ જ વોટ્સએપ અને ફેસબૂકમાંથી એટલો ટાઈમ નથી મેળવી શકતા કે આપણા બાળક પાસે બેસી તેને માર્ગદર્શન પૂરું પડીએ.
આજના બાળકોને એતો ખબર છે કે મોબાઈલમાં ગેમ્સ અને કાર્ટૂનના વિવિધ વિડિયોઝ જોઈ શકાય છે. પણ અફસોસની વાત કહેવાય કારણકે તે બાળક એ નથી જાણતું કે આજ મોબાઈલમાં કાર્ટૂનની જેમ તેના દરેક વિષયના અભ્યાસમાં થતી સમસ્યાઓનો ઉકેલ પણ વિડીઓ સ્વરૂપે આ જ મોબાઈલમાં રહેલો છે.
તો જાગ્યા ત્યારથી સવાર કરી......
આ અદભૂત શોધનો સદઉપયોગ કરીએ અને આપણા બાળકોના ભવિષ્ય સૂદ્રઢ કરીયે.
હવે જ્યારે તમારું બાળક તમારાં પાસેથી તમારું સ્માર્ટફોન માંગે ત્યારે એક વાર અચૂક તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો.
આ એક એવું સાધન છે જેનો આપણે ધારીએ એ રીતે ઉપયોગ કરી શકીએ.
હવે વિચારવાનું આપણે છે આપણે ટેક્નોલોજીનો ઉપયોગ આપણા વિકાસ માટે કરવાનો છે કે વિનાશ માટે..........
અસ્તુ.
આ લેખ મુકવામાં મારો કોઈ પણ સમાજના કોઈ વર્ગ પ્રત્યે કટાક્ષ કરવાનો કોઈ જ ઉદેશ્ય નથી.
ધન્યવાદ.