Ek mulaqaat jaruri in Gujarati Love Stories by Kinjal Dipesh Pandya books and stories PDF | એક મુલાકાત જરૂરી

Featured Books
Categories
Share

એક મુલાકાત જરૂરી

કડકડતી ઠંડી નો ચમકારો આજે ભલભલા ના હાડ થીજવી નાખે એવો હતો. હું મારી કોફી નો મગ હાથ માં લઈને ટેરેસ પર ઊભી હતી. આમ પણ મને ઠંડી ની મૌસમ હોય કે વરસાદ ની,કોફી ની ચુસ્કી લેતાં લેતાં મૌસમ ની મજા માણવા માં ખૂબ મઝા આવતી. હું સઘળું ભૂલી બસ એ મૌસમ ને માણતી.

બસ એકલી જ બેઠી હતી તો કંઈ કેટલા વિચાર આવતા હતા. ત્યાં જ મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે.
હું હલો હલો કરતી રહી સામે થી કોઈ જવાબ ના આપે. મેં ફોન કટ કરી ને મૂકી દીધો. ફરી એ જ નંબર પરથી ફોન આવે છે.. ફરી કોઈ બોલતું નથી ફક્ત આ સમયે એના શ્વાસ નો અવાજ સંભળાય છે. મેં પૂછ્યું કોણ? તો સામેથી ફોન કટ થઈ જાય છે.

મને ધ્રાસકો પડ્યો કયાંક એ કવિ તો નથી ને????
હું સ્તબ્ધ થઈ ગઈ. આટલી ઠંડી માં પરસેવો વળવા લાગ્યો.

શું એ કવિ હતો??? ના ના !!
ના એ કવિ જ હતો!! કદાચ!!??
આટલા વરસે??
અને એ કવિ જ હતો તો સામેથી એણે કેમ કંઈ જવાબ ન આપ્યો??
ના એ કવિ નહીં જ હોય, નહીં તો મારો અવાજ સાંભળી તરત મને મારી ગાંડી એવું કહી જ દે તે.
પણ પેલો શ્વાસ.. એ શ્વાસ નો અવાજ... એ તો.. એ તો...
કવિ જેવો જ હતો. પણ કવિ હતો તો કંઈ બોલ્યો કેમ નહીં??


કવિ અને હું કોલેજમાં સાથે હતા. કોલેજ ના પહેલા વરસ થી જ સાથે. એક જ ક્લાસ માં હતાં. એ નવો નવો આ કોલેજમાં માં અને આ શહેર માં પણ. અને આપણે તો ફૂલ દાદાગીરી કરી ને રહેવા વાળા ગૃપ ના. હું પણ છોકરા ની જેમ જ જીવતી, દાદાગીરી કરતી. કોઈપણ નવા વિદ્યાર્થી દેખાય એટલે હું હેરાન કરવા ત્યાં પહોંચી જ જાઉં.

હું, વિપુલ , નાનકો(યોગેશ), હેતલ, અલ્પા અમે બધા જ.આ મારી ગેંગ કહો તો તે અને મારા જીગરજાન મિત્રો કહો તો તે. વળી આ બધા માં હું સૌથી નાની એટલે મારા તો ઠાઠ જ જુદા.

આ કવિ નો પહેલો જ દિવસ હતો કોલેજ માં અને મને એ દેખાય ગયો. હું તરત જ એની પાસે પહોંચી ગઈ પણ સાલું આને જોઈને મનમાં કંઈક તો થયું. હું એક મિનિટ માટે અટકી પણ ગઇ પણ મારે તો નમતું જોખવું જ ન હતું. પણ બીજા જોડે જે મશ્કરી કરું એ હું આની જોડે ના કરી.

થોડા દિવસ માં જ મારી અને કવિ ની ખૂબ સારી દોસ્તી થઈ ગઈ. એ મારા માટે નોટ્સ પણ બનાવી લાવતો. અમે કેંટીન માં પણ સાથે જ જતાં. હું હંમેશા પાર્કીંગ માં જ બેઠી હોઉં, લેક્ચર માં જવાનું તો મને જરા પણ મન ના થતું.પણ આ કવિ ના લીધે હું લેક્ચર માં જતી થઈ. સાચું કહું તો હું એક છોકરી છું અને છોકરી જેવાં જ કપડાં પહેરીશ તો વધું સુંદર લાગીશ એવી લાગણી મારા માં ઉત્પન્ન કરનારો પણ આ કવિ જ. એણે મને બદલવાની કોશિશ જ નથી કરી. ખબર નહીં કેમ હું આપો આપ એના માટે બદલાઈ ગઈ.

આખો દિવસ એની સાથે વાત કરું ,એની સાથે જ હરુ ફરું મારી ગેંગ માં એને પણ સામેલ કરી દીધો. અને રાતે કલાકો ના કલાકો ફોન ઉપર વાત. મારી અને કવિ ની ફ્રેન્ડશીપ કયારે પ્રેમ માં ફેરવાય ગઈ એ અમને પણ ખબર ના પડી. દુનિયા જાણી ગઈ કે અમારા વચ્ચે કંઈ છે પણ અમને ખબર ના પડી. કદાચ અમને ખબર હતી પણ અમે એ સ્વીકારતા ન હતાં.

કોલેજ માં એન્યુઅલ પ્રોગ્રામ માં મેં અને કવિ એ ભાગ લીધો હતો. કવિતા પઠન માં. બંને એ સાથે જ સ્ટેજ પણ સેર કરેલું. ત્યારે એકબીજાનો હાથ પકડીને ઊભા રહયા હતા ત્યારે મારા મનમાં પહેલી વાર એને વળગી ને મારા પ્રેમ નો એકરાર કરવાનું મન થયેલું અને કદાચ એને પણ એવું જ થયું હતું કારણ એની આંખો માં એનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાતો હતો.

નજર થી નજર શું મળી
દિલ માં એક એહસાસ થયો..

કયાં ખબર હતી કે તારો પ્રેમ મળશે,
પણ મારા પ્રેમ નો એકરાર આજ થયો...

ઈશારો કરી તારી આંખે મારા પ્રેમ ને કબૂલ કર્યો,
ત્યારે દિલ માં હાશકારો ખાસ થયો..

તું મને જરૂર મળશે હવે,
એ જાણી હૈયા માં ઉમંગ નો વરસાદ થયો..

જાણે મૃગજળ માં તૃષ્ણા જાગી
તું મેઘ બની વરસ્યો ને ભીંજવી ગયો...

તે તારી આ રાધા નો પ્રેમ સ્વીકારી
એ ઘેલી પર જાણે ઉપકાર કર્યો..

તારી થઈ હું કાના
મારો પ્રેમ જગ વિખ્યાત થયો...

તારે મને અપનાવવી હોય તો અપનાવ
પણ તું તો જન્મોજનમ હવે મારો થયો..
-કુંજદીપ.

અમારી કવિતા પતી પછી અમે સ્ટેજ પાછળ જતા હતાં ત્યાં અનાયાસે જ કોઈ નો મને ધક્કો લાગતા હું કવિ ની નજીક આવી ગઈ હતી ત્યારે મને એના શ્વાસ નો અનુભવ થયો હતો.

કોલેજ ના દિવસો પતી ગયા હતા. બધા પોતપોતાના ઘરે જતાં રહયાં. પણ કવિ હજી અહીં જ હતો એ એના ગામ ગયો ન હતો. બધા ને હવે રિઝલ્ટ ની રાહ હતી એ દિવસ પણ આવી ગયો.

હું આજે સવારથી ખૂબ ખુશ હતી કારણ મને આજે કવિ મળવાનો હતો. કેટલા દિવસ થી ફોન ઉપર પણ વાત ન હતી થઈ. તો કેટલા વાગે મળશું એ નકકી કરવાનું રહી જ ગયું હતું. હું કોલેજમાં પહોંચી મને મારા બધાં જ મિત્રો મળ્યા. કવિ એ ટોપ કર્યુ અને તું બીજા નંબરે છે. બધા જ મને અભિનંદન પાઠવતાં હતાં પણ કયાંય પણ કવિ નજરે ન પડતો હતો. બધા ને પૂછ્યું તો કોઈ સરખો જવાબ જ ન આપે. હવે મારું મન કવિ કવિ પોકારતું હતું. ત્યાં જ અલ્પા આવી અને મારો હાથ ખેંચીને કોલેજ ની બહાર લઈ ગઈ. કવિ.... કવિ... ચાલ્યો .. જા તું જલદી એને રોકી લે તારા મનની વાત કરી દે. કોલેજ થી કવિ નું ઘર અડધો કિલોમીટર જેટલું જ હતું . પહેલા તો મને કંઈ જ સૂઝયું નહીં. પછી હું દોડતી દોડતી એના ઘરે ગઈ તો ખબર પડી પાંચ મિનિટ પછી એની ટ્રેન છે.જેટલી જોર માં દોડાય હું મારી બધી જ શક્તિ એકઠી કરીને ભાગી. પણ હું ત્યાં પહોંચું એ પહેલાં જ ટ્રેન ની વ્હીસલ વાગી ગઈ અને ધીમી ગતી એ ચાલવા લાગી હું એને શોધતી રહી ગઈ . કયાં હશે ?? કયા ડબ્બા મા??

મને એકાએક એનો અવાજ સંભળાયો, એ ટ્રેન ના દરવાજા પાસે ઊભો રહી ને મારી તરફ હાથ હલાવી ને મેં એને આપેલું મોરપીંછ બતાવતો હતો. હું ફકત એને જોતી જ રહી ગઈ અને અમારી મુલાકાત અધૂરી રહી ગઈ. ન તો મળી શક્યા ન તો પ્રેમ નો એકરાર કરી શક્યા.

સંવાદ ની વાત તો આઘી રહી ગઈ
આંખો થી આંખો મળી ને
વાતો પતી ગઈ.
-કુંજદીપ.

કુંજદીપ.