લાઇમ લાઇટ
-રાકેશ ઠક્કર
પ્રકરણ- ૨૧
"લાઇમ લાઇટ" નો પહેલો શો સવારે ૯ વાગે હતો. પ્રકાશચંદ્ર સવારે કેટલાક મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન પર નજર નાખી આવ્યા હતા. ક્યાંક થોડા દર્શકો હતા તો ક્યાંક સારી ભીડ જોવા મળી હતી. મોટાભાગના થિયેટરો પર રસીલીના સેક્સી પોઝવાળા જ મુખ્ય પોસ્ટરો હતો. જેમાં રસીલીની આસપાસ ફિલ્મના શુટિંગની લાઇટો હતી. નાના પોસ્ટરો પર હીરો મોન્ટુને સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રકાશચંદ્રએ પહેલી વખત પોતાના નામ કરતાં રસીલીના નામ પર ફિલ્મ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રકાશચંદ્ર વહેલી સવારે નીકળી ગયા પછી કામિની ઊઠી હતી. આજે ઊઠ્યા પછી તેને પતિદેવનું મોં જોવા મળ્યું ન હતું. એ ચા-નાસ્તા સાથે પ્રકાશચંદ્રની રાહ જોઇ રહી હતી. એમને આવતા જોઇને એ દરવાજા સુધી પહોંચી ગઇ. કામિની તેમના ચહેરા પરથી આકલન કરવા લાગી. તે ખુશ ન હતા તો દુ:ખી પણ દેખાતા ન હતા. થોડા વિચલિત હતા. પ્રકાશચંદ્ર અંદર આવ્યા એટલે કામિનીએ કહ્યું:" પ્રકાશ, સફળતાઓ માટે દિલી શુભેચ્છાઓ... કેવો પ્રતિસાદ છે? ચાલી જશેને?"
"આભાર કામિની! અત્યારે તો કંઇ કહી શકાય એમ નથી. લોકો ધીમે ધીમે આવી તો રહ્યા છે. પણ હોલીવુડની ફિલ્મ "મેસેન્જર્સ : ફર્સ્ટ ગેમ" નડી ના જાય તો સારું છે..." પ્રકાશચંદ્રના સ્વરમાં અકલ્પિત ડર વર્તાતો હતો.
"પ્રકાશ, શુક્રવારના સવારના શો તો મોટા સ્ટાર્સના પણ ઘણી વખત સામાન્ય રહે છે. "લાઇમ લાઇટ" માં બપોરથી લોકોની ભીડ વધશે. અને હોલીવુડની ફિલ્મના તો દર્શકો અલગ જ હોય છે. આપણી હિન્દી ફિલ્મને એટલી અસર કરશે નહીં...ચાલો ચા-નાસ્તો કરી લો પછી રીવ્યુ વાંચજો..." કામિનીને થયું કે તે પ્રકાશચંદ્રને આશ્વાસન આપી રહી છે કે પોતાને? પોતે પતિ માટે કેટલો મોટો જુગાર ખેલ્યો છે એ વિચારીને એ થથરી રહી હતી.
પ્રકાશચંદ્રએ વિચારોમાં જ ચા પીધી અને નામ પુરતો નાસ્તો કરી લેપટોપ ખોલીને બેસી ગયા. એક પછી એક વેબસાઇટ ખોલી જોવા લાગ્યા. બે-ત્રણ વેબસાઇટે ગઇકાલે "લાઇમ લાઇટ" રજૂ થવાની નોંધ લીધી હતી અને પ્રકાશચંદ્રએ આર્ટ ફિલ્મો છોડીને વ્યવસાયિક ફિલ્મ બનાવી એ માટે પોતાના વિચાર રજૂ કર્યા હતા. "હિન્દુસ્તાન ખબર" નું કહેવું હતું કે પ્રકાશચંદ્રએ વ્યવસાયિક ફિલ્મોમાં હાથ નાખ્યો એથી એમને લાભ થશે કે નુકસાન એ કહેવું અત્યારે ઉતાવળભર્યું કહેવાશે. પણ આર્ટ ફિલ્મોને નુક્સાન થશે. ફિલ્મી દુનિયાને એક આર્ટ ફિલ્મ ઓછી મળી છે. તો "ટાઇમ્સ ન્યૂઝ" નો અહેવાલ કહેતો હતો કે "લાઇમ લાઇટ" થી પ્રકાશચંદ્રએ એક નવી અભિનેત્રીની ભેટ આપી છે. રસીલીને અત્યારથી જ પસંદ કરવામાં આવી હોવાથી આ ફિલ્મની સફળતા-નિષ્ફળતાની તેને કોઇ અસર થવાની નથી. નવા હીરો મોન્ટુને ટ્રેલરમાં ખાસ બતાવાયો ન હોવાથી ફિલ્મની રજૂઆત પછી જ તેના માટે કંઇ કહી શકાશે. રસીલીને આવતીકાલની સેક્સ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવી હતી.
રસીલી વિશે વાંચીને પ્રકાશચંદ્રના દિલમાં કંઇ કંઇ અરમાન જાગી જતા હતા. તેમણે આસપાસમાં નજર નાખી. કામિની તેના કામોમાં વ્યસ્ત હતી. પ્રકાશચંદ્રએ રસીલીનો નંબર ડાયલ કર્યો. રસીલીએ તરત જ ઉપાડી લીધો:"બોલો પ્રકાશચંદ્રજી, શું ખબર છે?" ફિલ્મના પ્રાથમિક રીપોર્ટ માટે રસીલીને પણ ચટપટી હતી. તે પ્રકાશચંદ્રના ફોનની રાહ જોઇને જ બેઠી હતી.
પ્રકાશચંદ્ર થોડા રોમેન્ટિક થઇને બોલ્યા:"બસ! તારો મસ્ત ફોટો વેબસાઇટ પર જોયો અને તારી યાદોમાં ડૂબી જવાનું મન થયું! પણ અત્યારે "લાઇમ લાઇટ" ની ચિંતા મારા અરમાન પર હાવી થઇ ગઇ છે. સાંભળ, શરૂઆત તો ઠીકઠીક છે. હવે બપોરના શો પર બધો આધાર છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. આ ફિલ્મ ફ્લોપ રહેશે તો પણ તારી ગાડી ચાલી નીકળશે. બધી જગ્યાએ તારી જ ચર્ચા છે. અને કેમ ન હોય? તારામાં છે જ એવો જાદૂ કે કોઇપણ બેકાબૂ થઇ જાય..."
રસીલીને ફોન પર પ્રકાશચંદ્રનું વર્તન વિચિત્ર લાગ્યું. તે હસતાં હસતાં બોલી:" પ્રકાશચંદ્રજી, આજે સવારે ચા જ પીધી છે ને? કે કામિનીબેનનો નશો ચઢ્યો છે..."
"અરે! તું એનું નામ લઇને સવાર ક્યાં બગાડે છે. એનામાં જાદૂ હોત તો તને હીરોઇન બનાવી જ ના હોત ને.. ખેર, હજુ રીવ્યુ આવ્યા નથી. પહેલા શોમાં ક્રિટિક્સ જશે અને લખશે પછી સાંજે છપાશે. બોક્સ ઓફિસના રીપોર્ટ માટે તો આવતીકાલ સવાર સુધી રાહ જોવી પડશે. આજની રાતે તો તારે જ મને સંભાળવો પડશે!"
રસીલી કહે," પ્રકાશચંદ્રજી, લોકોને હું જ નહીં તમારું ડાયરેક્શન પણ પસંદ આવશે. જોજોને તમે ટોપના ડાયરેકટર ગણાવા લાગશો...."
ત્યાં કામિની આવતી દેખાઇ એટલે પ્રકાશચંદ્રએ રસીલી સાથેનો ફોન પતાવી દીધો અને સાગરને લગાવી દીધો. સાગરે ફોન ઉપાડ્યો નહી.
"શું થયું?" કામિનીએ કોઇ સંદર્ભ વગર જ પૂછી લીધું.
પ્રકાશચંદ્ર સાગર સાથે વાત ના થઇ એમ કહી ગૂગલ પર "લાઇમ લાઇટ" વિશે સર્ચ કરવા લાગ્યા. પ્રકાશચંદ્રને રસીલી સાથે વાત કરીને સારું લાગતું હતું. તેનું નામ, તેનો અવાજ તેનો સાથ તનમનમાં સ્પંદનો જગાવી જતો હતો. કામિની માત્ર નામની જ કામિની હતી. તેનાથી કામ જાગતો જ ન હતો. કે પોતાની પસંદ હવે અલગ હતી? કામિનીથી આકર્ષાઇને તો પોતે તેની સાથે લગ્ન કર્યા હતા. પણ તેની ઝીરો ફિગરની જીદ તેની કારર્કિર્દી ચોપટ કરી ગઇ હતી અને પોતાની ઇચ્છાઓને પણ. કામિની એક પત્ની તરીકે સર્વગુણ સંપન્ન હતી. પણ પોતાની નપુંસકતાની બીમારી માટે તે પણ એટલી જ જવાબદાર હતી. રસીલીએ બધી ખોટ પૂરી કરી દીધી છે. પણ આ બધું કેટલો સમય ચાલશે? રસીલી હવે બીજી ફિલ્મોમાં બીજા લોકો સાથે વ્યસ્ત થઇ જશે. તે હવે મને આટલું માન અને સાથ આપશે?
પ્રકાશચંદ્ર વિચારોમાં ડૂબી ગયા હતા. અચાનક તેમની નજર "લાઇમ લાઇટ" સાથે રજૂ થયેલી હોલીવુડની ફિલ્મ પર ગઇ. તેમાં લખ્યું હતું કે "મેસેન્જર્સ : ફર્સ્ટ ગેમ"ને જબરદસ્ત આવકાર મળવાની સંભાવના છે. હોલીવુડના જાણીતા મેરીલ સ્ટુડિયોની ફિલ્મ હોવાથી દરેક ટેરેટરીમાં ફિલ્મ ઊંચી કિંમતે વેચાઇ છે. અને શો પણ મોટી સંખ્યામાં મળ્યા છે. આ સીરીઝની પહેલી ફિલ્મ હોવાથી દર્શકોમાં ભારે ઉત્સુક્તા છે. આમ તો દર્શકોના દિલમાં રસીલી પણ વસેલી છે. પરંતુ "લાઇમ લાઇટ"નું એડવાન્સ બુકિંગ ન હોવાથી કેવો દેખાવ કરશે એ કહી શકાય એમ નથી. આર્ટ ફિલ્મોના ડાયરેકટર પાસે આમ તો બહુ આશા હોતી નથી. તે સામાન્ય દર્શકની નાડ પકડવામાં સફળ રહેતા નથી. "મેસેન્જર્સ : ફર્સ્ટ ગેમ" ની સામે "લાઇમ લાઇટ" ઝાંખી સાબિત થઇ શકે છે. એક અંગ્રેજી અખબારના આ અહેવાલને વાંચ્યા પછી પ્રકાશચંદ્રને પોતાનું ભવિષ્ય અંધકારમય જણાવા લાગ્યું. ત્યાં આશાના કિરણ જેવા સાગરનો ફોન આવ્યો:"સોરી પ્રકાશચંદ્રજી! હું તમારો ફોન રીસીવ કરી ના શક્યો. બધા ક્રિટીક્સ સાથે વાત કરીને રીવ્યુ માટે મસાલો મોકલી રહ્યો હતો. એમને કીધું છે કે ફિલ્મ સારી જ છે. તમને કદચ ના ગમે તો પણ ખરાબ રેટીંગ ના આપશો. ભલે થોડું ખરાબ લખજો કે સૂચન કરજો પણ રેટીંગ વ્યાજબી આપજો. જેથી આપણે કહી શકીએ કે સારું રેટીંગ મળ્યું છે."
"તને શું લાગે છે?" પ્રકાશચંદ્રના અવાજમાં ડર પડઘાતો હતો.
"પ્રકાશચંદ્રજી, તમે ચિંતા ના કરો, રસીલી તમને તારી લેશે!" સાગરે હસીને કહ્યું.
પ્રકાશચંદ્ર વિચારતા થઇ ગયા. "સાગરના કહેવાનો અર્થ શું હતો? ફિલ્મ મારા નહીં પણ રસીલીના નામ પર ચાલી શકે?"
*
સ્ટારકિડ જૈની અગ્રવાલ વિચારી રહી. છેલ્લા દોઢ –બે મહીનાથી ધારાનો પત્તો જ નથી. તેનો કોઇ ફોન પણ નથી. એ રાત્રે પાર્ટીમાં તેને કહ્યું હતું કે, "તું જરૂર રસીલીને આગળ વધતી રોકવામાં સફળ થઇશ. પણ તું ધારતી હોય એટલું એ સહેલું નહીં હોય. સાકીર તારી સાથેની ફિલ્મ તારા કહેવા માત્રથી જલદી બનાવશે નહીં..." ત્યારે ધારાએ કહ્યું હતું કે હું કાચી ખેલાડી નથી. મારા પિતા મહેન્દ્રકુમારને ચાલીશ વરસનો અનુભવ છે. એમને બધા સાથે સંબંધ છે. અને તેમનું કોઇ ટાળી શકશે નહીં. પણ મિડિયામાં કેમ ધારાના કોઇ સમાચાર નથી? રસીલીની તો આજે ફિલ્મ પણ રજૂ થઇ ગઇ છે. ધારા કરતાં તો રસીલીની ચર્ચા વધારે છે. ધારાના ફોટા પણ ફિલ્મોગ્રામ પર જોવા મળતા નથી. ધારા અન્ડરગ્રાઉન્ડ તો થઇ ગઇ નથી ને? એ તો કહેતી હતી કે આપણે એકબીજાની લડાઇની વાતો ચગાવીને પબ્લિસીટી મેળવતી રહીશું. જૈનીએ વચ્ચે એવી વાત ઉડાવી હતી કે ધારાની એક ફિલ્મ જૈનીએ છીનવી લીધી છે. તેના કોઇ પ્રત્યાઘાત જ આવ્યા નહીં. ધારા કરી શું રહી છે? તે મારા વિરુધ્ધ તો કોઇ કાવતરું રચી રહી નથી ને? ના-ના એ એવું તો ના કરે. સાકીર ખાન તો રસીલી સાથે ફિલ્મ કરી રહ્યો છે. એટલે ધારા સાથે નહીં કરે એમ લાગે છે. મિડિયામાં તો આવી જ ગયું છે કે પ્રકાશચંદ્રના ડાયરેક્શનમાં સાકીર અને રસીલી કામ કરવા જઇ રહ્યા છે. સાકીર તેમના ડાયરેક્શનમાં તૈયાર કેમ થઇ ગયો હશે? શું રસીલીને કારણે તેણે ફિલ્મ સાઇન કરી હશે? લાવ ધારાને જ ફોન કરું...
ધારાના મોબાઇલ પર રીંગ જઇ રહી હતી.
"હેલ્લો..." ધારાનો ઉદાસ અવાજ આવ્યો.
"ધારા? હું જૈની! કેમ છે? શું કરે છે?"
"કંઇ નહીં..."
"કેટલાં દિવસ થઇ ગયા? તારો ફોન કે ખબર કંઇ નથી?"
"હા, જરા તબિયત ખરાબ હતી. ઘરે જ છું. હવે સારી છે. તું બોલ..."
"શું કહું? હમણાં કોઇ ફિલ્મ નથી. તારી સાકીર ખાન સાથેની ફિલ્મનું શું થયું? રસીલી સાથે તો એની ફિલ્મ શરૂ થઇ રહી છે. સાકીરને તારા કરતાં રસીલી સાથે કામ કરવામાં વધારે રસ લાગે છે?"
"સાકીર સાથેની ફિલ્મ મેં જ છોડી દીધી. મારી તબિયત સારી ન હતી એટલે તારીખો આપી શકાય એમ ન હતી...તારી વાત કર..." ધારાએ જૂઠ ઉચ્ચાર્યું.
"ઓહ! તો પછી હું ટ્રાય કરું? સાકીર સાથે ફિલ્મ મેળવવાનો?" જૈની ખુશ થઇ બોલી. પણ ધારાને સાકીર સાથેનો અનુભવ યાદ આવી ગયો. અને બોલી :"હેં?"
"કેમ ચોંકી ગઇ? હું સાકીર સાથે ફિલ્મ કરું એનાથી તને જલન થાય છે કે શું!"
"હં...એ વાત નથી. પણ મારું કહેવું છે કે નવોદિતો સાથે ફિલ્મ કરને. સાકીરની હવે ઉંમર થઇ ગઇ છે..." પોતાની બીજી જલન છુપાવીને ધારા બોલી.
"હા...હા.. તું સારી મજાક કરે છે. એની ઉંમર થોડી જરૂર થઇ છે, પણ દેખાવમાં તો યુવાન જ છે. તેને રોમાન્સનો મહારાજા અમસ્તો કહે છે? તે એનાથી અડધી ઉંમરની હીરોઇનો સાથે જામે એવો છે. હું એને આજે જ ફોન કરીને ફિલ્મ કરવા રાજી કરું છું. આમ પણ મારી પાસે એક જ ફિલ્મ છે."
"ના ધારા.... સાકીર સાથે ફિલ્મ મેળવવાનો પ્રયત્ન ના કરીશ..."
જૈનીને સમજાયું નહીં કે ધારા વિનંતી કરી રહી છે કે ધમકી આપી રહી છે. તે સાકીર સાથે પોતે જ ફિલ્મ કરવા માગે છે? કે પછી કોઇ બીજું કારણ છે?
વધુ આવતા સપ્તાહે...
*
મિત્રો, ૧૭૫૦૦ થી વધુ ડાઉનલોડ તથા ૩૨૦૦ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ" ના આ પ્રકરણમાં સાગરે એમ કેમ કહ્યું કે રસીલી તમને તારી લેશે? ધારા જૈનીને સાકીર સાથે ફિલ્મ કરતાં અટકાવી શકશે? એ સવાલ ઉપરાંત પ્રકાશચંદ્રનો ઇન્ટરવ્યુ વાંચી કામિનીની આંખમાં લાલાશ કેમ ધસી આવી? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પ્રકાશચંદ્રની ફિલ્મ "લાઇમ લાઇટ" હિટ રહેશે કે નહીં? પહેલી વખત પ્રકાશચંદ્ર પોતાનો સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નો અને રહસ્યો હજુ ઊભા છે, જે તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો.
*
મિત્રો, મારી ૧૨૫ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૫૧ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૬૪ લાખને પાર કરી ગયો છે એ માટે સૌનો આભાર!
મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે.
માતૃભારતી પર વાચકોના ૧.૨૨ લાખથી વધુ ડાઉનલોડ અને ૧૯૮૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની બીજા અનેક પાત્રો સાથેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તેના હેરતઅંગેજ ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.
આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.
લઘુ નવલ "આંધળો પ્રેમ" ૬૦૦૦ ડાઉનલોડ
અનેક પ્રેરણાત્મક વાર્તાઓનો ખજાનો "જીવન ખજાનો" ૬૦૦૦ ડાઉનલોડ
ચિંતનાત્મક વાતો "વિચારમાળાના મોતી"
અને રોમેન્ટિક (ગલતી સે મિસ્ટેક- ૧૫૦૦ ડાઉનલોડ) તથા સામાજિક વાર્તાઓ (મોટી બહેન – ૫૦૦ ડાઉનલોડ) અને વિવિધ બાળવાર્તાઓ તો ખરી જ.