Murder at riverfront - 17 in Gujarati Crime Stories by Jatin.R.patel books and stories PDF | મર્ડર @ રિવરફ્રન્ટ - 17

Featured Books
Categories
Share

મર્ડર @ રિવરફ્રન્ટ - 17

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:17

પોતાનાં ચોથા શિકાર હરીશ દામાણી નામનાં બિઝનેસ મેન ને કિડનેપ કરવાનાં હેતુથી સિરિયલ કિલર હરીશ નાં ડ્રાઈવર મોહનને બેહોશ કરી જૂઠું નાટક કરી એને એરપોર્ટથી પીકઅપ કરવાં આવી પહોંચ્યો હતો..રાજલ પણ એરપોર્ટ જવા નીકળી પડી હતી.હરીશ પોતાની પત્ની આલોચના ને જણાવે છે કે એને પીકઅપ કરવાં મોહન નહીં પણ બીજું કોઈક આવ્યું છે..એ જ સમયે એ સિરિયલ કિલર ગાડીને બ્રેક મારી ઉભી રાખે છે.

"પણ મેં તો મોહનને જ મોકલ્યો હતો.."પોતાને પીકઅપ કરવાં આવનાર મોહન નથી એ વાત પોતાની પત્ની આલોચના ને જણાવતાં હરીશ બોલ્યો અને ચાલુ ફોને જ એ સિરિયલ કિલર તરફ ગુસ્સાભર્યા અવાજે બોલ્યો.

"એ કોણ છે તું..અને ગાડી અહીં કેમ બ્રેક કરી..?"

એનાં આ સવાલનાં જવાબમાં એ ખૂંખાર હત્યારો હરીશ ની તરફ શરીર ઘુમાવીને ચહેરા પર સ્મિત સાથે બોલ્યો.

"હું છું તારાં જન્નત સુધી જતાં પ્લેનની ટીકીટ.."

"Who the hell are you talking like that bastard..?" આવેશમાં આવી હરીશ બોલ્યો.

હરીશનાં આ સવાલનાં પ્રતિભાવમાં કંઈ પણ હરફ ઉચ્ચારવાનાં બદલે એ હત્યારા એ પોતાની જોડે રહેલ સ્પ્રેની બોટલ કાઢી અને એમાં રહેલો સ્પ્રે સારી એવી માત્રામાં હરીશનાં ચહેરા પર છાંટી દીધો..હરીશ એનાં ઉપર તરાપ મારવાં હાથ લાંબો કરવાં જતો હતો ત્યાં સ્પ્રેમાં રહેલાં બેહોશ કરનારાં તત્વ આગળ એ બેહોશ થઈ ગયો અને પાછળની સીટ માં ઢળી પડ્યો.

"મને અંગ્રેજીમાં ગાળ બોલનારી વ્યક્તિ સાવ પસંદ નથી..કેમકે હું મારી માતૃભાષા નો હૃદયપૂર્વક ઋણી છું.."હરીશ નાં બેહોશ થતાં જ એ હત્યારો ક્રૂર સ્મિત સાથે બોલ્યો.

આ દરમિયાન હરીશની પત્ની આલોચના સતત ફોન ઉપર "હેલ્લો હરીશ..હેલ્લો હરીશ"બોલી રહી હતી..એ હત્યારા એ એ અવાજ સાંભળ્યો અને હરીશનો મોબાઈલ પોતાનાં હાથમાં લઈ શાંતિથી કહ્યું.

"મેડમ..તમારાં પતિ હવે મારી જવાબદારી છે..નજીકમાં તમે હરીશની સઘળી પ્રોપર્ટીનાં માલિક બની જશો.."

"તું કોણ છે..પ્લીઝ હરીશને કંઈપણ ના કરતો..હું તારે જોઈએ એટલાં પૈસા આપીશ.."સિરિયલ કિલર નો અવાજ સાંભળી હરીશનો જીવ સંકટમાં છે એ સમજાઈ જતાં આલોચના એ હત્યારા સામે કરગરતાં બોલી.

"દરેક વસ્તુને રૂપિયા જોડે તોલવાની તમારી આદત નહીં જાય..નજીકમાં તારો પતિ તને મળી જશે..પણ એ ત્યારે જીવિત નહીં હોય.."આટલું બોલી અટ્ટહાસ્ય કરતાં કરતાં એ સિરિયલ કિલરે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.

હરીશનાં ફોન ને આગળની ડેસ્ક ઉપર મૂકી એ હત્યારા એ હરીશનો ડ્રાઈવર મોહન જે કારને લઈને આવ્યો હતો એ કાર જઈને એક નવાં બનતાં ફ્લેટનાં બેઝમેન્ટમાં પાર્ક કરી..ત્યાં એક બીજી કાર પણ મોજુદ હતી..જે એ સિરિયલ કિલરની હતી..આ ફ્લેટ માં બાંધકામ પર દોઢ વર્ષ પહેલાં સ્ટે આવ્યો હોવાથી ત્યાં સાંજે છ વાગ્યાં પછી કોઈ મોજુદ નહોતું રહેતું એ વાતથી એ હત્યારો અવગત હતો એટલે જ એને આ જગ્યા પસંદ કરી હતી.

અહીં આવીને એને હરીશને ઉપાડી પોતાની કારમાં શિફ્ટ કર્યો અને પછી પોતાની કારને પુરપાટ વેગે ભગાવી મુકી પોતાનાં વીરાન વિસ્તારમાં આવેલાં બંગલાની તરફ..એનું બધું આયોજન એકદમ પરફેક્ટ રીતે પૂરું પડ્યું હતું જેની સાબિતી હતી એની જોડે બેભાનાવસ્થામાં પડેલ હરીશ દામાણી અને મુખ પર મોજુદ શૈતાની ચમક.

********

આ તરફ હરીશનું કિડનેપિંગ રાજલ દ્વારા કહેવાતાં સિરિયલ કિલર દ્વારા થઈ ગયું હતું એ વાતની ખબર પડતાં આલોચના એ ત્રણ-ચાર વખત હરીશનાં નંબર પર કોલ કરી જોયો પણ કોઈએ ફોન રિસીવ ના કરતાં આલોચના એ રાજલને કોલ લગાવ્યો..બે-ત્રણ રિંગ બાદ રાજલે કોલ રિસીવ કરતાં જ આલોચના એક શ્વાસમાંબોલી.

"મેડમ,હું આલોચના દામાણી બોલું..હરીશનું કોઈએ કિડનેપિંગ કરી લીધું.."

આલોચના ની વાત સાંભળી રાજલ ને તો જાણે સાપ સૂંઘી ગયો..પોતાને જે વાતનો ડર હતો આખરે એ બની જ ગઈ..એ સિરિયલ કિલરનો નવો શિકાર હરીશ જ હતો જેને એ પોતાનાં હાથમાં આવ્યાં પહેલાં જ કિડનેપ કરી ગયો હતો એ વિચારતાં જ રાજલનાં હાથ-પગ સુન્ન થઈ ગયાં.

"તમને કોને કહ્યું કે તમારાં પતિ હરીશનું કિડનેપ થયું છે..?"રાજલે આલોચના ને સવાલ કર્યો.

જવાબમાં આલોચના એ બધી વાત ટૂંકમાં જણાવી દીધી..આલોચના ની વાત સાંભળી રાજલ બોલી.

"મતલબ કે એ સિરિયલ કિલરે તમારાં ડ્રાઈવર મોહનની જગ્યા લીધી અને એ રીતે હરીશને કિડનેપ કરી પોતાની સાથે લઈ ગયો.."

"હા મેડમ..એવું જ લાગતું હતું હરીશ ની વાત ઉપરથી તો..પ્લીઝ તમે હરીશ ને બચાવી લો..હું તમારી આગળ હાથ જોડું છું.."રડમસ સ્વરે આલોચના એ કહ્યું.

"તમે કહ્યું તમે હરીશનાં ફોન ઉપર ત્રણ-ચાર વાર કોલ કર્યો પણ કોઈ ફોન ઉપાડતું નથી..?"રાજલને કંઈક યાદ આવતાં એને આલોચના ને પૂછ્યું.

"હા.."આલોચના ટૂંકમાં બોલી.

"Ok..તમે થોડી ધીરજ રાખો,હું તમારાં પતિદેવ ને કંઈપણ નહીં થવા દઉં.."મક્કમ અવાજે રાજલે આટલું કહી કોલ કટ કરી દીધો.

"મેડમ શું થયું..?"રાજલનાં ફોન કટ કરતાંની સાથે જ એની ફોન ઉપર આલોચના સાથે થઈ રહેલી વાતચીત સાંભળી મનોજે પૂછ્યું.

"મનોજ,હરીશ દામાણી નું કિડનેપ થઈ ગયું છે..આપણે હજુ તો એરપોર્ટથી દસ મિનિટનાં રસ્તે છીએ ત્યાં એ સિરિયલ કિલર હરીશ ને પોતાની સાથે ક્યાંક લઈ ગયો.."રાજલનાં અવાજમાં વ્યગ્રતા સાફ-સાફ વર્તાતી હતી.

"તો હવે..?"મનોજે સવાલ કર્યો.

મનોજનાં આ સવાલનાં પ્રતિભાવમાં રાજલે દિલીપને જીપ સાઈડમાં ઉભી રાખવાં જણાવ્યું..દિલીપે જીપ રોડની એક સાઈડ ઉભી કરતાં રાજલે સીટી પોલીસ આઈ.ટી ડિપાર્ટમેન્ટનાં હેડ સુકેતુ ચતુર્વેદી ને કોલ લગાવ્યો..સુકેતુ નાં ફોન રિસીવ કરતાં જ રાજલ બોલી.

"Hello, mr.સુકેતુ..હું એસીપી રાજલ વાત કરું છું..મારે એક મોબાઈલ નંબરની કરંટ લોકેશન જોઈએ છે..તમે જલ્દીથી મને એ નંબર ની કરંટ લોકેશન જણાવો..આ કોઈનાં જીંદગી અને મૌત નો સવાલ છે.."

"Ok ઓફિસર..જલ્દી તમે નંબર જણાવો..હું હમણાં જ એ નંબર સર્વિલન્સ પર નાંખું અને આપને એની કરંટ લોકેશન જણાવું.."સુકેતુ બોલ્યો.

રાજલે સુકેતુ ને હરીશનો મોબાઈલ નંબર જણાવ્યો એ સાથે જ સુકેતુ એ એ નંબર સર્વિલન્સ પર મૂકી દીધો..અડધી મિનિટમાં તો એ નંબર ધરાવતો મોબાઈલ એક લાલ લાઈટનાં સ્વરૂપમાં આઈ.ટી ડિપાર્ટમેન્ટનાં લાગેલાં મોનીટરની સ્ક્રીન ઉપર દેખાવવા લાગ્યો..સુકેતુ એ રાજલનો નંબર પણ ટ્રેકિંગ પર રાખ્યો હતો જેથી એ રાજલને કઈ દિશામાં આગળ વધવું એ જણાવી શકે.

"ઓફિસર કંઈ ટ્રેક થયું..?"રાજલે થોડીવાર બાદ સુકેતુને ઉદ્દેશીને કહ્યું.

"હા એસીપી,તમે અત્યારે સાદર બઝાર જોડે ઉભાં છો..અને તમે આપેલો નંબર ટ્રેક થાય છે તમારાંથી ચાર કિલોમીટર દૂર સાબરમતી રેલવે બ્રિજ જોડે પસાર થતાં એરપોર્ટ રોડ ઉપર.."રાજલનાં પ્રશ્નનાં જવાબમાં સુકેતુ મોનીટર તરફ જોતાં બોલ્યો.

"Thanks ઓફિસર.. હું કોલ ચાલુ રાખું છું તમે મને એ નંબરની લોકેશન તરફ ગાઈડ કરતાં રહેજો.."રાજલ બોલી.

"Ok.."સુકેતુ ટૂંકમાં બોલ્યો.

"દિલીપ,જીપ ને યુટર્ન લઈ એરપોર્ટ રોડ પર થઈને સાબરમતી રેલવે બ્રિજ તરફ જતાં રસ્તે લઈ જા.."જીપનાં ડ્રાઈવર દિલીપને ઉદ્દેશીને રાજલ બોલી.

રાજલની વાત સાંભળી દિલીપ સમજી ગયો હતો કે હવે પોલીસ અને ગુનેગાર ની ઉંદર બિલાડી ની ચેઝ થવાની હતી..એને પણ હવા સાથે વાત કરતી હોય જીપને મારી મૂકી સાબરમતી રેલવે બ્રિજ તરફ.રાજલની ટીમમાં મોજુદ મનોજ અને અન્ય ચાર કોન્સ્ટેબલ પણ આગળ શું થશે એ વિચારી ચિંતિત અને રોમાંચિત હતાં.

બે મિનિટ બાદ સુકેતુ બોલ્યો.

"એ નંબર અત્યારે છે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ જોડે.."

રાજલ એની વાત સાંભળી રહી હતી અને એ મુજબ દિલીપને પણ વધુ ઝડપે જીપ ને એ તરફ ભગાવવા આદેશ આપી રહી હતી..બીજી પાંચેક મિનિટ વીતી ત્યાં સુકેતુ હરીશનાં નંબરની લોકેશન બદલાતાં બોલ્યો.

"એ નંબર અત્યારે છે દુધેશ્વર પાણીની ટાંકી જોડે.."

દિલીપ પણ શક્ય એટલી ઝડપે એસીપી રાજલનાં કહ્યાં મુજબ જ જીપ ને એ તરફ હંકારી રહ્યો હતો જે તરફ જવાનું સુકેતુ જણાવી રહ્યો હતો.

"હવે એ નંબર ની લોકેશન છે દુધેશ્વર બ્રિજ ની બીજી તરફ..અને એ વાડજ તરફ આગળ વધી રહી છે.."સુકેતુ નું ગાઈડન્સ ચાલુ જ હતું.

"ઓફિસર અમે પણ દુધેશ્વર બ્રિજ ઓળંગી ગયાં.. હવે બોલો એ મોબાઈલ નંબર ક્યાં લોકેટ થાય છે..?"રાજલે સુકેતુ ને સવાલ કર્યો.

"મેડમ એ નંબર છેલ્લી એક મિનિટ થી એક જગ્યાએ સ્થિર છે..એ જગ્યા છે અખબાર નગરથી રાણીપ જતાં રસ્તા પર.."સુકેતુ ધ્યાનથી મોનીટર તરફ જોતાં બોલ્યો.

"એકજેક્ટ લોકેશન બોલો..?"રાજલે અધીરાઈ સાથે પૂછ્યું.

"એકજેક્ટ લોકેશન છે..નિત્યાનંદ આશ્રમ.."મોનીટર ની નજીક જઈ એમાં કરેલું માર્કિંગ જોઈ સુકેતુ બોલ્યો.

"દિલીપ,અખબાર નગરથી રાણીપ તરફ..નિત્યાનંદ આશ્રમ તરફ લઈ ચાલ.."સુકેતુ ની વાત સાંભળતાં જ દિલીપ માટે નવો ઓર્ડર છૂટ્યો..જેને અનુસરતાં દિલીપે જીપ ને નિત્યાનંદ આશ્રમ તરફ ભગાવી મુકી.

સાત-આઠ મિનિટમાં તો રાજલ પોતાની ટીમ સાથે જીપમાં નિત્યાનંદ આશ્રમ આવી પહોંચી હતી..સુકેતુનાં કહ્યાં મુજબ એ નંબર ની લોકેશન હજુ પણ ત્યાં જ ટ્રેસ થતી હતી..રાજલે આજુબાજુ નજર ઘુમાવી જોઈ પણ કોઈ એની નજરે ચડ્યું નહીં એટલે એને સુકેતુ ને પૂછ્યું.

"હજુપણ એ નંબર નિત્યાનંદ આશ્રમ જોડે જ ટ્રેક થાય છે..?"

"હા..એની લોકેશન ત્યાં જ છે..જ્યાં તમે ઉભાં છો.."સુકેતુ બોલ્યો.

"પણ અહીં તો કોઈ દેખાતું નથી.."

"હું મારી રીતે અહીં તપાસ કરું..જો એ નંબરની લોકેશન બદલાય તો મને કોલ કરીને જાણ કરજો..અત્યાર સુધી તમે જે મદદ કરી એ બદલ ધન્યવાદ.."રાજલે સુકેતુનો આભાર માનતાં કહ્યું.

"Its my pleasure.."આટલું કહી સુકેતુ એ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

સુકેતુનાં ફોન રાખતાં જ રાજલે જુનાં-પુરાણા બંધ પડેલાં નિત્યાનંદ આશ્રમ ફરતે શોધખોળ આરંભી..રાજલ ને કંઈપણ શંકાસ્પદ નજરે ના ચડતાં એને જાતે જ હરીશનાં નંબર પર કોલ લગાવ્યો..કોલ લગાવતાં જ હરીશનાં ફોનની રિંગ વાગી..રિંગ નો અવાજ ક્યાંથી આવી રહ્યો હતો એની તપાસ કરતાં માલુમ પડ્યું કે ત્યાં રાખેલી કચરાપેટીમાંથી એ રિંગ વાગી રહી હતી.

મોબાઈલની રિંગનાં અવાજને અનુસરતાં મનોજ કચરાપેટી તરફ આગળ વધ્યો..અને અંદરથી મોબાઈલ ફોન નીકાળી.. ફોન હાથમાં લઈ રાજલની સમીપ આવીને બોલ્યો.

"મેડમ,રિંગ તો આ મોબાઈલમાં વાગે છે.."

રાજલને આ જોઈ ગુસ્સો તો એટલો આવી રહ્યો હતો કે એ મોબાઈલને પછાળીને તોડી નાંખે..પણ પોતાની લાગણીઓને કંટ્રોલ કરી રાજલે મનોજને કહ્યું.

"આ હરીશનો જ મોબાઈલ છે..જેને એ સિરિયલ કિલર અહીં નાંખીને જતો રહ્યો લાગે છે..એને ભનક આવી ગઈ હશે કે આપણે એનો આ મોબાઈલ માં રહેલાં સિમ ની લોકેશનનાં આધારે પીછો કરી રહ્યાં છીએ..એટલે જ એને મોબાઈલ અહીં ફેંકી દીધો.."

"મેડમ તો હવે..હરીશ દામાણી ની ગણતરી બહુ મોટાં બિઝનેસમેન માં થતી હતી..જો એને કંઈપણ થઈ ગયું તો આપણે ઘણી ખરી ખોટી સાંભળવી પડશે.."મનોજનાં અવાજમાં સઘળું હારી જવાનું દર્દ છલકાતું હતું.

"આપણે આપણી બનતી બધી કોશિશ કરી જોઈ..પણ એ હત્યારો સિરિયલ કિલર આપણાં થી બે નહીં પણ બસ્સો કદમ આગળ છે..હવે અહીં વધુ સમય રોકાઈને કોઈ જ ફાયદો નથી..ચલો અહીંથી પહેલાં પોલીસ સ્ટેશન જઈએ પછી વિચારીએ આગળ શું કરવું અને શું ના કરવું.."મનોજની વાત સાંભળી રાજલ બોલી.

થોડીવારમાં એ લોકો નીકળી પડ્યાં નવરંગપુરા પોલીસ સ્ટેશનની તરફ..અત્યારે હાથમાં આવેલો શિકાર એમને મૂર્ખ બનાવી છટકી જવાનું દુઃખ દરેકનાં ચહેરા ઉપરથી જણાઈ રહ્યું હતું.

રાજલ માટે આ લાસ્ટ ચાન્સ હતો આ સિરિયલ કિલરનો કેસ સોલ્વ કરવાનો..આવતી કાલે જો હરીશ ને કંઈપણ થઈ ગયું તો પોતાને આ કેસ બીજાને સોંપી દેવો પડશે એવો રાજલને ડર હતો અને એ વ્યાજબી પણ હતો..કેમકે આ વિશે ડીસીપી રાણા પણ એને ચેતવી ચુક્યાં હતાં.

*********

આ ઘટનાનાં એકાદ કલાક પછી એ હત્યારો સિરિયલ કિલર પોતાનાં વીરાન વિસ્તારમાં આવેલાં બંગલા પર આવી પહોંચ્યો હતો..અત્યારે એની જોડે પોતાનો ચોથો શિકાર એટલે કે અમદાવાદ શહેરનો અબજોપતિ બિઝનેસમેન હરીશ દામાણી હતો..એની હાલત પણ એવી જ થવાની હતી જેવી એનાં આગળનાં વિકટીમની થઈ હતી.

હરીશ ને એક રૂમમાં લઈ જઈ એને મજબૂત સાંકળથી પલંગ જોડે બાંધ્યા બાદ નિશ્ચિન્ત થઈને એ સિરિયલ કિલર હોલમાં આવ્યો..કાચની અલમારીમાંથી જેક ડેનિયલ ની બોટલ નીકાળી એમાંથી વહીસ્કી નો એક પટિયાલા પેગ તૈયાર કર્યો અને એમાં આઇસ ક્યુબ નાંખી ગ્લાસ લઈને સોફામાં બેઠો.

દારૂની સાથે-સાથે એને પોતાની ફેવરિટ સાન્ટા કલારા સિગાર પણ સળગાવી અને વહીસ્કી ની ધૂંટની સાથે સિગારનાં કશ ભરવાનાં શરૂ કર્યાં...એક ઊંડો કશ ખેંચી એને ધુમાડો ઉપરની તરફ નીકાળ્યો અને પછી ફૂંક મારી એ ધુમાડાને વિખેરી દીધો..ત્યારબાદ પોતાની ગરદન આમ-તેમ ઘુમાવી પોતાનાં આગવા અંદાજમાં એને પોતાની પસંદગીનું ગીત ગાવાનું શરૂ કર્યું.

"आज की रात कोई आने को है

रे बाबा, रे बाबा, रे बाबा

इंतज़ार और थोड़ा इंतज़ार

आज की रात कोई आने...

उसे आने तो दे, ओ दिल-ए-बेक़दर

फिर कर लेना जी भर के प्यार

शुबू शुबू शुबू..."

આ ગીત જાણે એને સુકુન આપી રહ્યું હોય એવું અત્યારે એનાં ચહેરાનાં ભાવ પરથી લાગી રહ્યું હતું..અચાનક એને ગીત ગાવાનું બંધ કર્યું અને ગ્લાસમાં વધેલી બધી વહીસ્કી એક જ ઘૂંટમાં પુરી કરી દીધી..ત્યારબાદ થોડાં ગુસ્સામાં તો થોડાં પાગલપન નાં ભાવ સાથે એને સિગાર નો એક મોટો કશ ભર્યો અને અડધા ઉપર વધેલી એ સિગાર ને એશ-ટ્રેમાં દબાવી બુઝાવી દીધી.એનું આ પ્રકારનું વર્તન એ દર્શાવી રહ્યું હતું કે એની મેન્ટલ કન્ડિશન શાયદ ઠીક નહોતી.

થોડીવાર પછી એ પોતાની જગ્યાએથી ઉભો થયો અને રૂમમાં બાંધેલાં હરીશ દામાણી ને જોતો આવ્યો કે એ ભાનમાં આવ્યો છે કે નહીં..ત્યારબાદ એ પાછો આવીને સોફામાં બેઠો અને બેસતાં જ જોરજોરથી હસવા લાગ્યો..એનું આ હાસ્ય કોઈ દાનવ સમાન ભાસી રહ્યું હતું..જાણે કોઈ યમદૂત હસતો હોય એવું ક્રૂર એ હાસ્ય હતું..જેવું એનું હાસ્ય અટક્યું એ સાથે જ એ પોતાનાં બંને હાથ ફેલાવી ગરદન ને સોફા સાથે ટેકવી,ચહેરો ઉપર છત ની તરફ કરી ને બોલ્યો.

"બિચારી એસીપી રાજલ...અત્યાર સુધી એવું સમજતી હતી કે ગુનો અને ગુનેગાર એ હોય ત્યાં હોઈ જ ના શકે..પણ અહીં તો ગુનો પણ હતો અને ગુનેગારો પણ હતાં...છતાં એની નજરે ના ચડ્યું..પણ સારું થયું આ બધું મારાં ધ્યાનમાં આવી ગયું..રાજલનાં ભાગનું કામ હું કરી રહ્યો છું..ગુનેગારો ને સજા આપવી ગુનો થોડાં છે.."

"રાજલ તને પરમદિવસે તારું ગિફ્ટ મળી જશે..હું કોણ..હું કોણ..રાજલનો શુભચિંતક..."

આટલું બોલી એ ફરીવાર હસવા લાગ્યો..આ હાસ્ય ભલભલા લોકોને ડરાવવા કાફી હતું..!!

★★★★

વઘુ આવતાં ભાગમાં.

રાજલ હરીશ દામાણી ને બચાવી શકશે કે નહીં..?શું સિરિયલ કિલર હરીશ ની પણ હત્યા કોઈ વિચિત્ર રીતે કરશે..?એ સિરિયલ કિલર કેમ એવું કહી રહ્યો છે કે એનાં વિકટીમ ગુનેગાર હતાં..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)