પાછલા કેટલાક દિવસોમાં બે યુવાન નેતાઓ સમાચારોમાં ખાસ ચમકતા રહ્યા. એક હાર્દિક પટેલ અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર. હાર્દિક પટેલે ગુજરાતમાં પાટીદાર અનામત માટેની માગ બુલંદ કરી પટેલોને ભેગા કરી આગેવાની લીધી અને અંદાજે પાંચ લાખ પાટીદારોને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ભેગા કરવામાં સફળતા મેળવી. જોકે હજી પણ પાટીદારોને અનામત મળી નથી. કન્હૈયા કુમાર અને એના સાથીદારોને ૯ ફેબ્રુઆરીએ જેએનયુમાં અફઝલ ગુરૂની ફાંસીના વિરોધમાં કાર્યક્રમ યોજી દેશવિરોધી નારેબાજી કરવા માટે રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવી ધરપકડ કરવામાં આવી. ૨૧ દિવસ પછી કન્હૈયાને જામીન મળ્યા અને એ જ સાંજે એણે જેએનયુના કેમ્પસમાં જે ભાષણ આપ્યું એનાથી ઘણાબધા લોકો અને કેટલાક નેતાઓ પણ ખાસ પ્રભાવિત થયા. કેટલાક લોકોને તો લાગે છે કે કન્હૈયા નરેન્દ્રમોદીની ટક્કરમાં ભાષણ આપી શકે એવો છે તો કેટલાક પક્ષો પશ્ચિમ બંગાળમાં આવનારી ચૂંટણીઓમાં એને પ્રચાર માટે ઉતારે એવી પણ અટકળો ચાલી રહી છે. આ બંને યુવા નેતાઓનું ભવિષ્ય ઉજળું લાગે છે. બંનેમાં નેતાગીરીનું સૌથી મહત્વની બાબતો – આત્મવિશ્વાસ અને ભાષણની કળાથી લોકોને મંત્રમુગ્ધ કરવા – જોવા મળે છે. ભવિષ્યમાં આ બંને કોઈ પાર્ટીમાંથી ઇલેકશન લડે અને મોટા નેતા બને તો આશ્ચર્ય નહીં થાય. એ સફળ થશે કે નિષ્ફળ એ તો સમય જ બતાવશે પરંતુ જીવનમાં સફળ થવા માટે ઘણી બધી બાબતો લક્ષણો અને કૌશલ્યો ઉપરાંત આગેવાની અર્થાત્ લીડરશીપનો ગુણ પણ જરૂરી હોય છે.
લીડરની વાત આવે એટલે આપણા મનમાં સૌથી પહેલો વિચાર રાજકીય નેતાઓનો આવે છે. આપણા મનમાં આ છાપ પડી ગઈ છે કે લીડર અથવા આગેવાન કે નેતા એટલે રાજકારણમાં પડેલો માણસ. પરંતુ લીડરની વ્યાખ્યા આટલી સંકુચિત નથી.
લીડર એટલે એ માણસ કે જે કોઈ કાર્ય કે લક્ષ્યની પૂર્તિ માટે લોકોને પ્રેરણા આપે અને મંઝિલ સુધી પહોંચાડે.લોકોની સમસ્યાના ઉકેલ માટે પગલા લે એ લીડર કહેવાય. લોકોને માર્ગદર્શન અને દિશાદર્શન પુરૂં પાડી એમના કાર્યો સફળતાપૂર્વક પાર પડે, સપનાઓને વાસ્તવિક્તામાં બદલી દે એ કહેવાય લીડર.
રાજકીય નેતાઓ આ વ્યાખ્યામાં બંધ બેસે જ છે પરંતુ ઘરમાં એક પિતા, કે શાળામાં એક શિક્ષક, કે ગલી મહોલ્લા કે સોસાયટીમાં એમની સમસ્યાઓને હલ કરનાર સોસાયટીનો ચેરમેન, કંપનીનો સીઈઓ, ધંધાધારી પેઢીનો માલિક, અરે બે માણસો રાખી કરિયાણાની દુકાન ચલાવતો માણસ પણ લીડર કહેવાય. એ અલગ વાત છે કે આવા લોકોને આપણા લીડર માનતા નથી. પરંતુ આપણા ન માનવાથી તેઓ લીડરના ગુણો ખોઈ બેસે છે એવું નથી. સામાન્ય લાગતા ઘણા લોકોમાં લીડરશિપના ગુણ હોય છે. પરંતુ તેઓને એનો એહસાસ પણ હોતો નથી. જ્યારે કેટલાક લોકોમાં આ ગુણો ન હોવા છતાંય માર્કેટીંગ, બ્રાન્ડીંગ તથા દેખાડો કરવાની કળાને લીધે પોતે બહુ મોટો લીડર હોવાનું લોકોમાં ભ્રમ ઉભો કરી શકતા હોય છે. લીડર તરીકે આવા લોકો હંમેશા સફળ થાય એવું ન પણ બને.
લીડરો જન્મે છે, બનાવવામાં આવતા નથી એ માન્યતા સો ટકા સાચી નથી. લીડરશીપ માટેના ગુણો કેળવી શકાય છે - શીખી શકાય છે અને આચરણમાં મુકી પણ શકાય છે. હા, તમે કેવા પ્રકારના લીડર બનો છો એ તમારા સ્વભાવ ઉપર આધાર રાખે છે. દા.ત. કેટલાક લીડરો આપખુદશાહીમાં માનતા હોય છે, હું કહું અને કરૂં એ જ ખરૂં બાકી બધુ ખોટું, માટે કોઈને કશું પુછવાની જરૂર નથી માટે કોઈના વિચારો જાણવાની આવશ્યકતા નથી. મે ફેસલો કરી લીધો એટલે કરી લીધો, મેં કહ્યું એ પ્રમાણે તમારે કરવું જ પડશે નહીં તો એના પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આવા પ્રકારના લીડરો ઓટોક્રેટીક કે આપખુદશાહી લીડરો કહેવાય છે. આવા નેતાઓમાં હિટલર, સ્ટાલિન કે મુસોલિનને સહજ રીતે જ મુકી શકાય. આ પ્રકારના લોકો પોતાની સરમુખતારશાહીથી મોટાભાગના નિર્ણયો લેતા હોય છે, બીજાનું સાંભળતા નથી, માત્ર પોતાની ‘મનની વાત’ જ બીજોને કહેતા હોય છે, લોકોની મનની વાત સાંભળતા નથી, આવી નેતાગીરીના કારણે કંપની, પેઢી કે દેશને નુકસાન પણ થઈ શકે છે.
ડેમોક્રીટીક કે લોકશાહીવાદી લીડર બધાની સર્વસંમતિ અને બધાના વિચારો અને સલાહસુચન અનુસાર નિર્ણય લેતા હોય છે. આની એક મુશ્કેલી એ છે કે નિર્ણય લેવામાં મોડું થઈ શકે છે. મહાત્મા ગાંધી કે અબ્રાહમ લિંકનને આ પ્રકારના લીડરોમાં સમાવેશ કરી શકાય.
કેરિશ્મેટીક લીડરો પોતાના અનુયાયીઓ ઉપર પોતાના કરિશ્મા, ગુણો, ખાસિયતો અને વિચારોનો પ્રભાવ પાડે છે. જોકે અનુયાયીઓ સાથે ચર્ચાવિચારણા કરતા હોય છે. એમની સાથે વિમર્શ કરતા હોય છે અને સતત એમને પ્રેરણા પૂરી પાડે છે. નેપોલિયન બોનાપાર્ટ અને સ્ટીવ જોબ્સને આ કક્ષામાં મૂકી શકાય.
જીવનમાં સફળતા મેળવવાનો આધાર માણસની પોતાની લાયકાત, જ્ઞાન, પરિશ્રમ, યોગ્યનિર્ણય શક્તિ અને તકને ઝડપી લેવાની આવડત જેવા ગુણો પર હોય છે. ઉપરાંત જે લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને લીડરશીપના ગુણ ધરાવતા હોય છે એમની સફળતાની શક્યતા વધી જાય છે. ઘણાબધા લોકોમાં ઘણાબધા ગુણો હોય છે, કૌશલ્ય હોય છે પરંતુ એમને કહેવામાં આવે કે તમે આગેવાની લો તો પાછળ ખસી જાય છે. એવું નથી હોતું કે તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે કે ડરપોક હોય છે પરંતુ તેઓ આગેવાની લેવા માટે હિમ્મત કરી શકતા નથી. બધા આગેવાનો કે લીડરોમાં કેટલીક વિશેષતાઓ સામાન્યપણે હોય જ છે. જેમ કે તેઓ વિઝનરી દૂરંદેશી હોય છે (ધીરૂભાઈ અંબાણી, સ્ટીવ જોબ્સ ફરીથી) સારી બાબતો માને છે, લક્ષ્ય નક્કી કરીને જ આગળ વધતા હોય છે, પોતાની ટીમ બનાવે છે, જવાબદારી લે છે, નિષ્ઠા જબરજસ્ત હોય છે, હકારાત્મક અભિગમ ધરાવતા હોય છે, બીજા ઉપર પોતાનો પ્રભાવ પાડે છે પરંતુ બધા સાથે સંબંધો સાચવી રાખે છે. અહીં દર્શાવેલા લક્ષણો જો સામાન્ય માણસો પણ ધરાવતા હોય અને એ પ્રમાણે કાર્ય કરે તો તેઓ ભલે એક લીડર ન બની શકે પણ સફળ જરૂર થઈ શકે છે.
દરેક માણસમાં ઘણીબધી શક્તિઓ છુપાયેલી હોય છે પરંતુ તેઓ એનાથી અજાણ હોય છે. તેઓ રફ હીરા જેવા હોય છે, જેને પોલીશ કરવાની આવશ્યકતા હોય છે. જ્યાં સુધી એમને કોઈ ઝવેરી એમની છુપાયેલી શક્તિ ઓને બહાર ન આણે અને એમને પોલીશ ના કરે ત્યાં સુધી સમાજમાં અને જીવનમાં ચમક આવતી નથી.
આગળ કહ્યું એમ તમે વેપારી હોવ, મેનેજર કે સીઈઓ હોવ, શિક્ષક કે પ્રાધ્યાપક હોવ કે પક્ષમાં નેતા હોવ, કે પછી સામાન્ય માણસ હોવ, તમારે જીવનમાં ઘણી વખત બીજા લોકો સાથે કામ કરવાનું આવે છે, એક ટીમના સભ્ય તરીકે અથવા લીડર તરીકે. એવા વખતે સફળ થવા માટે નીચે દર્શાવેલી બાબતો તમને એક સારા લીડર બનાવી શકે છે.
(૧) તમારી ટીમને અર્થાત્ સાથીદારોને જાણો, એમની શક્તિઓ, હકારાત્મક અને નકારાત્મક બાબતોની માહિતી રાખો
(૨) તમારી ટીમને મળતા રહો.
(૩) એમને ટ્રેનીંગ, પ્રશિક્ષણ આપો. પ્રેકટીસ મેક્સ મેન (વુમન) પરફેક્ટ.
(૪) તમારી ટીમના સભ્યોને વિકસવા દો.
(૫) દરેક સભ્ય લક્ષ્ય નક્કી કરી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એ જોતા રહો.
(૬) દરેક સભ્યના પરફોર્મેન્સનો રીવ્યુ કરતા રહો.
(૭) ટીમને પ્રેરણા આપો. તેઓ હતાશ ન થાય એનું ધ્યાન રાખો.
(૮) એમની સાથે હળોમળો, એમની સાથે સંવાદ કરો, વાતચીત કરો.
(૯) એમની પ્રશંસા કરો.
(૧૦) પ્રમાણિક ટીકાટીપ્પણીઓ સાંભળો.
(૧૧) આત્મવિશ્વાસુ બનો.
(૧૨) તમારા ક્ષેત્રમાં નિપુણ બનો.
(૧૩) નિર્ણયો કરતાં ક્યારેય મોડું ન કરો, સખત નિર્ણયો લેવા પડે તો લો.
(૧૪) સામાજિક સભાનતા રાખો.
(૧૫) નમ્ર બનો.
(૧૬) નિષ્ઠાવાન બનો.
(૧૭) આશાવાદી બનો.
(૧૮) સતત વાંચતા રહો કારણ કે માર્ગારેટ ફુલરે કહ્યું હતું એમ ‘ટુડે અ રીડર, ટુમોરો અ લીડર.’ આજે વાંચશો તો કાલે લીડર બની શકશો.