Blackmail in Gujarati Fiction Stories by Akil Kagda books and stories PDF | બ્લેકમેઈલ

Featured Books
Categories
Share

બ્લેકમેઈલ

દોસ્તો, લાંબા બ્રેક બાદ ફરી આપની સમક્ષ લાવ્યો છું એક ક્રાઈમ-લવ સ્ટોરી. આશા છે કે ગમશે. ગમે કે ન ગમે તોપણ પ્રતિભાવ જરૂર આપજો....

1

મારી હોટલના ગલ્લા પર હું બેઠો હતો, ને અમારી ગલીમાં જ સામે રહેતી છોકરી આવી. આમ તો તે ઘણીવાર નજરે ચડી છે, પણ આજે તેને બરાબર જોઈ. વાળ ખુલ્લા અને કેપ્રી પહેરેલી હતી. પીંડીઓ માંસલ અને વેક્સ કરેલી ચમકતી હતી. હું ફૂટ ફેટીશ છું એટલે પહેલી નજર પગ પર પડે છે, અને સ્ત્રીના પગ અને ફ્લેટ કાપેલા નખ જોતા જ હું ઉત્તેજના અનુભવું છું. આ છોકરીના પગ પણ મને સેક્સી લાગ્યા. તેણે રબરની સ્લીપર પહેરી હતી. હું તેનું નામ કે કશું જાણતો નથી, કે એવી કોશિશ પણ કરી નહોતી, પણ આજે તો નામ જાણી જ લઈશ. તે બાવીસ-ત્રેવીસની અને પાતળું નાક અને પાણીદાર આંખોને લીધે સારી લાગતી હતી.

“પાર્લે-જી આપો ને...” દસની નોટ ધરીને તે બોલી.

બિસ્કીટ આપીને મેં પૈસા લીધા. તેના મો પર સ્મિત હતું. તે બોલી, “આજે જ તમને કાઉન્ટર પર બેઠેલા જોયા, બાકી મોટેભાગે તો બીજા ભાઈ જ બેઠા હોય છે.”

“હા, તે મારો મેનેજર છે. હું મોટેભાગે બહાર જ હોઉં છું. તુ સામે જ રહે છે ને? શું નામ છે તારું?” મેં તુંકારે જ શરૂઆત કરી.

“સ્વાતી..”

કહીને તે જતી રહી. તેની ચાલ માદક હતી કે તે જાણીને એમ ચાલતી હતી? હું તેના હિલોળા લેતા નિતંબો તાકી રહ્યો, અને મારા મગજમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. સાલું કૈંક તો છે જ... બિસ્કીટ લેવા માટે તે હોટલમાં આવે? ગલીમાં કેટલાય ગલ્લા છે અને કરિયાણાની દુકાનો પણ છે જ. ના, તે બિસ્કીટ લેવા નહોતી આવી, તે બીજા કારણે જ આવી હતી. અને હું બેઠો છું તે જોઈ ને જ તે આવી હતી. મને ખાતરી હતી કે ફરી તે આવશે જ.

કદાચ મારા ધંધાને લીધે મારું મગજ શંકાશીલ બન્યું હોય,... મારો મેનેજર આવ્યો, એટલે તેને કાઉન્ટર સોંપીને હું બહાર આવ્યો અને બંને હાથ ઊંચા કરીને આળસ મરડી, ને સામે નજર કરી. તે છોકરી, સ્વાતી બારીમાં ઉભી હતી અને મને જ જોઈ રહી હતી. નજર મળતા જ તેણે સ્મિત આપ્યું.

હવે મને ખાતરી થઇ કે કશાક કારણસર તેને મારામાં રસ છે, રસ એટલે કશુક કામ કઢાવવું હશે. બાકી છોકરીઓ મારામાં રસ લે એવો હું નહોતો. દેખાવ, વગેરેમાં તો હું સારો કહી શકાય એવો છું, પણ મારી છાપ અને મારા ધંધા એવા હતા કે કોઈ શરીફ છોકરીને મારામાં રસ પડે નહિ. હોટલ એ દેખાડવાનો ધંધો કહી શકો, મારા મૂળ કામ તો ગેર કાયદેસરના જ છે. તેમાં મુખ્ય કામ શરાબનું અને સાથે જમીનની દલાલીના, માંડવાલીના, વગેરે કામો પણ ખરા જ. અને આ બધા જ કામો હું મારી હોટલના ઓઠા હેઠળ ચલાવતો હતો. અને એ કારણે જ મારી હોટલ પર એવા પ્રકારના, દલાલો, બુટલેગરો, ટપોરીઓ, લોકલ નેતુડીઓ, પોલીસવાળાઓ, વગેરેની આવન-જાવન રહેતી હતી, કે મારી હોટલ પર જ તેઓ ભેગા થતા હતા.

સ્વાતિને મારું શું કામ હશે? જોકે મને તેના કામ કરતા પણ વધારે તે બહાને તેની સાથે વાતો કરવા મળે, દોસ્તી થાય તેમાં જ રસ હતો.

સાંજે હું હોટલ પર આવ્યો. જરૂર નહોતી છતાં પણ મેનેજરને હટાવીને હું કાઉન્ટર પર બેઠો. અને મારી ધારણા સાચી પડી. થોડીવાર થઇ કે સ્વાતી આવી, અને હસીને બોલી, “ એક દુધની થેલી આપોને, મહેમાન આવ્યા છે.”

મેં છોકરા પાસે દુધની થેલી મગાવીને તેને આપી. તેણે પચાસની નોટ મારી તરફ લંબાવી. મેં કહ્યું, “ અમે દૂધ વેચતા નથી, પણ તારા ઘરમાં મહેમાન આવ્યા છે એટલે આપી છે.”

“આભાર, એટલે મારે દુધની થેલી જ પરત કરવી પડશે, એમ ને?” તે હસતા બોલી.

“હા, જોકે આમ તો હું હમણાં જ કહી શકું કે પરત કરવાની જરૂર નથી, પણ તેવું હમણાં નહિ કહું. તુ દૂધ પાછું આપવા આવીશ ત્યારે જ કહીશ... ફરી એકવાર તારી સાથે વાત કરવાનો, તને જોવાનો મોકો કેમ ગુમાવું?” કહીને હું હસ્યો.

“તમને વાતો કરતા સરસ આવડે છે.. “ કહેતા હસતી હસતી તે જતી રહી.

મારો અનુભવ મને કહી રહ્યો હતો કે હવે તે પત્તા ખોલશે. તેને હું ગમું છું કે તે મને પ્રેમ કરે છે, જેવા ટીન -એજરોને હોય એવા વહેમમાં રહું એવો હું નથી. કે છોકરીના સ્મિત કે તેની અદાઓથી હું ભરમાઈ જાઉં એવો પણ નથી. પણ ગમે-તેમ, મને મજા આવે છે, અને જ્યાં સુધી મને કોઈ નુકશાન નથી ત્યાં સુધી ફલર્ટ કરવામાં મને કાઈ અજુગતું લાગતું નથી.

***

ફોન ઉપાડ્યો તો સામે સ્વાતી હતી. મારો નંબર ગુપ્ત નથી, હોટલના બોર્ડ પર પણ લખ્યો જ છે, એટલે મારો નંબર તેને કેવી રીતે મળ્યો તે પૂછવાનો કોઈ અર્થ નહોતો. હા, તેનો નંબર મને મળ્યો એમ કહી શકાય.

“બે દિવસથી તમને શોધું છું, હોટલમાં નજરે જ ચડતા નથી.”

“હા, હું મોટેભાગે બહાર જ હોઉં છું. પણ જો તુ રોજ આવવાનો વાયદો કરે તો હું કાઉન્ટર પર બેસવાનું વિચારી શકું.”

તે ખીલખીલાટ હસી પડી ને બોલી, “કેમ એવું? એમાં શું મોટી વાત છે, હું રોજ આવીશ...”

“ભલે રોજ આવજે, પણ રોજ દુધની થેલી મને પોષાશે?”

ફરી તે હસી પડતા બોલી, “હવે દુધની થેલી નહિ માંગું, કુલરમાંથી ફક્ત ઠંડુ પાણી ભરી જઈશ, બસ? પાણી તો પોષાશે ને? કંજૂસ.....”

હુંય હસતા બોલ્યો, “મજાક કરું છું, દુધની થેલી શું તુ માંગે તો હું ભેંસ પણ તારા માટે લાવી દઉં.”

“ઓહો!! ભેંસ તો નહિ પણ એક નાનકડું કામ કરી આપો તો ઘણું છે.”

“જો બેબી, કામનું નામ આવે તો મને પૈસા જોવાય છે, અને પૈસા વગર હું કશું કામ કરતો નથી.”

“હું જાણું છું, તમે પરણેલા છો?”

“ના, કેમ?”

“તમે હમણાં જે.ડી. કોલેજ પર આવી શકો? કામ છે, અને ખાસ વાત કે મફત કરવાનું નથી.”

***

કોલેજ પાસેની એક રેસ્ટોરેન્ટમાં અમે બેઠા અને સેન્ડવીચ મંગાવી. સ્વાતિએ જીન્સ-ટીશર્ટ પહેર્યા હતા. સારી લાગતી હતી. થોડીવારે મેં પૂછ્યું, “બોલ, શું કામ હતું?”

“મેં તમારા વિષે થોડી તપાસ કરી છે. તમારો બિઝ્નેસ, વગેરે. તમારી છાપ સારી નથી, એટલે શરીફ લોકો તમારાથી દુર રહે છે. પણ મને તો તમે અમારા જેવા કહેવાતા શરીફ લોકો કરતા પણ વધારે શરીફ લાગ્યા.” કહીને તે ખાવા અટકી. હું તેને જ જોઈ રહ્યો હતો. બોલ્યો, “કામની વાત કર.”

“હું મુસીબતમાં છું. કોઈને કહી શકું એમ નથી. પણ તમારા પર વિશ્વાસ રાખ્યા વગર છૂટકો નથી. વાત જાણ્યા પછી કામ નહિ કરો તો વાંધો નથી, પણ વાત બહાર નહિ જાય તેની મને ખાતરી છે એટલે કહું છું. અને કામના હું તમને પચીસ હજાર આપીશ.”

“પચીસ હજાર?? કિંમત હું કામ જાણ્યા પછી કરીશ, પહેલા કામ બોલ.” હું હવે પૂરો પ્રોફેશનલ બની ગયો હતો. તે મને તાકી રહી, અને પછી ધીરેથી બોલી, “એક જણ મને છ મહિનાથી બ્લેક મેઈલ કરે છે.”

“ઓહો!! એટલે તેની પાસે તુ બ્લેક મેઈલ થઇ શકે એવું કશુક છે, બરાબર?”

“હા, મારી વિડીઓ કલીપો છે.”

“અને તે કેવી રીતે આવી? કોણે બનાવી? બરાબર અને બધું જ કહે.”

“હું તેને પ્રેમ કરતી હતી. તે પણ મને કરે છે એવું માનતી હતી, પણ પછી મને સમજાયું કે તે મારી સાથે લગન કરવાનો નથી. તેને ફક્ત સેક્સમાં જ રસ હતો. ક્યારે વિડીઓ બનાવ્યો તે તો મને ખબર નથી, પણ જયારે તેના દોસ્તો સાથે પણ સેક્સ કરવા મારી ઉપર દબાણ કર્યું ત્યારે મને તેની અસલિયત જાણવા મળી. અને મેં સબંધ તોડી નાખ્યા, પણ તેણે મને કલીપ બતાવીને ધમકી આપી કે જો હું તે બોલાવે ત્યારે અને કહે ત્યારે સેક્સ કરવાની ના પાડીશ તો તે કલીપ જાહેરમાં મુકશે.”

ક્હેતા સ્વાતી રડી પડી. મેં તેને રડવા દીધી. તેને પાણી આપ્યું અને મેં કહ્યું, “પછી?”

“છ મહિનાથી હું તેની કઠપુતલી છું.”

“આમાં મને કોઈ મોટી વાત લગતી નથી. તેને કહે કે કલીપ પબ્લિક કરે. આ જમાનામાં મને લાગતું નથી કે એનાથી કોઈ ફરક પડે.”

“તમને નાની વાત લાગતી હશે, પણ મારા ઘેર જો ખબર પડે તો પપ્પા આપઘાત કરી લે... અને મારા માટે પણ પછી આત્મ હત્યા સિવાય કોઈ રસ્તો રહે નહિ.”

“ઓકે, મારાથી તુ શું આશા રાખે છે?”

“તમે તે કલીપ તેની પાસેથી મેળવી આપો, કે જેથી હું છૂટી થાઉં.”

“કોણ છે તે?”

“કે.વી. બિલ્ડર્સનો દીકરો કપિલ...”

કે.વી. બિલ્ડર્સનું નામ સાંભળીને મને પૈસાની ગંધ આવવા લાગી. હું બોલ્યો, “બેબી, પચીસ હજાર તો મારે માટે ચણા-મમરા પણ નથી. પણ હું તારું કામ કરીશ. અને મને લાગે છે કે બાકીની કિંમત હું બીજી રીતે મેળવી લઈશ.”

“પચીસ હજાર કશું ન કહેવાય, બરાબર છે, પણ મારી પાસે એનાથી વધારે નથી. અને બાકીની કિંમત તમે બીજી રીતે મેળવી લેશો, એટલે?”

“તેની તારે ચિંતા કરવાની જરૂર નથી, હું તને મદદ કરીશ, અને કોઈ કામ હું મફત કરતો નથી.”

તે શંકાથી મારી સામે તાકતા બોલી, “એટલે મારી પરિસ્થિતિમાં કોઈ ફેર નહિ પડે, ફક્ત ઠેકાણું જ બદલાશે, એમ ને?”

“ના બેબી, તુ ધારે છે એવું નહિ. સેક્સની મારે માટે કોઈ નવાઈ નથી. કે તેને હું કોઈ મોટી વસ્તુ પણ સમજતો નથી. મને જરૂર પડે ત્યારે હું મેળવી જ લઉં છું. હા, કોઈ સામે ચાલીને સમર્પિત થાય કે મારે માટે તડપે તો મને સારું લાગે, પણ મને ખબર છે કે આ લાઈફમાં તો હું એવી જગ્યાએ પહોંચી શકવાનો જ નથી.”

“તમે કેટલું ભણ્યા છો?”

***

કપિલની પાછળ લગાડેલા મારા છોકરાનો ફોન આવ્યો કે હમણાં કપિલ તેની શાસ્ત્રી નગરની સાઈટ પર છે. મેં મારી ફેવરીટ નાનકડી ગ્લોક પિસ્તોલ ગજવામાં મૂકી ને બાઈક લઈને સાઈટ પર આવ્યો. મારે શું કરવું છે તે મેં વિચારી લીધું હતું.

બિલ્ડીંગનું બાંધકામ ચાલુ હતું, તેની આજુ-બાજુ પતરાની શીટ્સ નું કાચું કમ્પાઉન્ડ બાંધેલું હતું, અને એવો જ ઝાંપો હતો, જે ખુલ્લો જ હતો. બાઈક બહાર જ રાખીને હું ઝાંપામાં પ્રવેશ્યો. બિલ્ડીંગ નજીક ચાર જણા પીળી હેલ્મેટ પહેરેલા વાતો કરી રહ્યા હતા. તેમાંથી એક કપિલ હશે. જેવો હું તેમની નજીક પહોંચ્યો કે એક બોલ્યો, “આવ આવ કિશન... એક કામ કર તુ વોચમેનની કેબીનમાં બેસ હું પાંચ જ મીનીટમાં આવું છું.”

અચ્છા તો તે કપિલ હતો, લગભગ મારી જ ઉંમરનો અને હેન્ડસમ... તેણે મારું નામ લીધું અને મને તુંકારે પણ બોલાવ્યો, મને આશ્ચર્ય થયું ને સાચું કહું તો તેણે બાજી મારી લીધી હતી. હું તેના હુકમનું જાણે પાલન કરતો હોઉં એમ વોચમેનની કેબીનમાં તેની રાહ જોતો બેઠો.

કપિલ જેવો કેબીનમાં આવ્યો કે હું ઉભો થઇ ગયો ને બોલ્યો, “તમે મને ઓળખો છો?”

તે ખડખડાટ હસતા બોલ્યો, “તને કોણ નથી ઓળખતું? તારા જેવા માણસોને તો અમારે ઓળખી રાખવા જ પડે.” કેહેતા તે ખુરસી પર બેઠો. અને મને પણ બેસવાનો ઈશારો કરતા આગળ બોલ્યો, “સાચું કહું તો તને હું આજ-કાલમાં બોલાવવાનો જ હતો. તુ કહે તને કેમ આવવું પડ્યું?”

હું સ્વસ્થ થતા અને તેના પ્રભાવથી બહાર નીકળવાની કોશિશ કરતા બોલ્યો, “મને કોઈકે કહ્યું કે કપીલશેઠ મને યાદ કરે છે, આજે ફ્રી હતો એટલે વિચાર્યું કે મળી જ લઉં.. તમે કહો, મને કેમ બોલાવવાના હતા?”

ચોકીદાર ચા મૂકી ગયો. કપિલ બોલ્યો, “જ્યુબીલી ચોક પર આવેલ દારૂવાલા મેન્સન મને જોઈએ છે, કેટલી કિંમત ગણાય?”

“પાંચ ખોખા.. પણ ટાઈટલ ક્લીયર હોય ત્યારે. હમણાં તો લોચામાં છે. પારસી માલિક મરી ગયો, તેના કેટલા વારસદાર છે અને હાલમાં ક્યાં છે તેનો પત્તો નથી, અને મોટો લોચો આઠ ભાડુઆતનો છે.”

કપિલ બોલ્યો, “બરાબર.. ત્રણ દીકરા વારસદાર છે. બે મુંબઈમાં ક્યાંક રહે છે અને એક નવસારીમાં છે. હવે તારે તે મેન્સન ખરીદવાનું છે, ભાડૂતને ખાલી કરાવવાના છે, અને તે પછી તે મિલકત તારે મને વેચી દેવાની છે.”

તેની વાત અને અમારા ધંધાની આંટી-ઘૂંટી હું સમજતો હતો, છતાં તેના મોઢે ચોખવટ કરાવવા માટે મેં પૂછ્યું, “હું કેમ ખરીદું? તમે જ સીધા કેમ નહિ? અને તમે કેટલા ખર્ચી શકો એમ છો?”

“હા તુ જ ખરીદીશ.. કારણકે અમારી ફર્મની આબરૂ એવી છે કે અમે કોઈ વિવાદિત જમીન કે મિલકતમાં પડતા જ નથી. અમારું કામ એટલે પાકું અને સાફ સુથરું... એવી અમારી શાખ છે. એટલે તારા કે કોઈ બીજા ડમીના નામે તે મિલકત ચોક્ખી થાય તે પછી જ અમે તેને લઈશું. હવે તારે તેના વારસદારોને શોધીને વેચવા માટે સંમત કરવાના છે, અને તેમના ગળે ઉતારવાનું છે કે ભલે તમે માલિક છો, પણ ભાડૂત છે ત્યાં સુધી તમને કોઈ જ ફાયદો નથી, અને કાયદેસર રીતે ભાડૂતને ખાલી કરાવવાનું કઠીન છે. એટલે રોકડા લઈને હાલની હાલતમાં જ વેચી કાઢો. કેવી રીતે તેમને મનાવવા અને કેટલામાં મનાવવા, તે તુ જાણે. અને તે પછી ભાડુઆતને પણ કેવી રીતે અને કેટલા આપીને ભગાડવા તે પણ તુ જાણે.... અને આ બધું થયા પછી તુ તે મિલકત અમને વેચી છે એવો દસ્તાવેજ લખી આપીશ. સમજ્યો કે નહિ?”

“હુંહ!!! પણ તમારું બજેટ કેટલું છે? અને મારા કેટલા? તે તો તમે કહ્યું જ નહિ.” હું સિગરેટ સળગાવતા બોલ્યો.

“ત્રણ ખોખા...એમાં બધું જ આવી ગયું. તારું મહેનતાણું પણ... પૈસા બધા જ તુ જેને જેટલા કહીશ તે હું જ આપીશ, અને છેલ્લે ત્રણ ખોખાના ખૂટતા પૈસા તને આપી દઈશ.”

“તમારા પૈસે તે મિલકત હું મારા નામે ખરીદી લઈશ અને બધું ક્લીયર થયા પછી હું ફરી જાઉં અને તમારા નામે લખી આપવાની ના પાડું કે બીજા પૈસા માંગું તો?”

કપિલ મોટેથી હસી પડ્યો, અને બોલ્યો, “તુ એવું નહિ કરે, મને વિશ્વાસ છે. બે નંબરના ધંધાવાળા જ જબાનની સાચી કિંમત સમજે છે, શું કહે છે? અને દોલતને ભોગવવા માટે કમસે કમ જીવતા રહેવું જરૂરી છે, નહિ?”

આ મને ગર્ભિત ધમકી હતી. જોકે કપિલની વાત સાચી હતી, અમારા ધંધામાં જબાન અને પ્રોમીસનું ખુબ મહત્વ છે. ભાગ્યે જ કોઈ ચીટીંગ કરે છે. ત્રણ ખોખામાંથી મને પચાસેક પેટી પાડી લેવાની આશા હતી. જે પુરતી હતી.

પણ હું જે કામ માટે આવ્યો હતો તે હજુ બાકી હતું, પણ તેનું હવે મારે મન મહત્વ રહ્યું નહોતું. જોકે સ્વાતીને કારણે જ હું કપિલને મળવા આવ્યો અને મને કામ મળ્યું હતું, એટલે આડકતરી રીતે કહો તો સ્વાતિના કામનું મને વળતર મળી ગયું એમ કહેવાય. સારી છોરી છે, તેનું કામ પણ કરવું જ રહ્યું.

“ઓકે કપીલશેઠ, આપણી ડીલ પાકી. સમજો કે દારૂવાલા મેન્સન તમને મળી ગયું... પણ મને કામ શરુ કરવા માટે એડવાન્સ જોઇશે.”

“કેટલા?”

“દસ પેટી.”

“તારી ઓકાતમાં રહીને માંગ.. પાંચ પેટી આજે તારી હોટલ પર પહોંચાડું છું.”

“ભલે પાંચ... જરૂર પડશે તો તમે ક્યાં ભાગી જવાના છો.” કહીને હું ઉભો થયો અને કેબીનના દરવાજે જઈને ઉભો રહીને કપિલ સામે ફરીને બોલ્યો, “એક નાનકડી વાત કરવા આવ્યો હતો.” અને મેં ખિસ્સામાંથી ગ્લોક કાઢી, તેનું મેગેઝીન ખોલીને પાછું ફસાવ્યું અને પિસ્તોલ ફરી ખિસ્સામાં મુકીને કપિલ સામે જોઇને બોલ્યો, “જોકે તે મહત્વની નથી, પણ તમને જાણ કરી હોય તો સારું.”

અમારા ધંધામાં જો કોઈ એમ કહે કે વાત મહત્વની નથી પણ તને જાણ કરું છું, તો તેને ખુબ જ ગંભીર ધમકી ગણવામાં આવે છે. કપિલ પર પણ મારું પિસ્તોલ કાઢીને ફરી ખિસ્સામાં મુકવું અને ધમકીની અસર સાફ જોઈ શકાતી હતી. તે ઝડપથી બોલ્યો, “શું વાત કરવા આવ્યો હતો?”

“એ જ કે સ્વાતી હવે મારા પ્રોટેક્શનમાં છે, તેની સાથે પણ મેં ડીલ કરી છે.”

“સ્વાતી?” બોલતા કપિલ ઉભો થઇ ગયો, ને બોલ્યો, “બેસ બેસ, તે બે કોડીની રાંડે તારી સાથે શું ખેલ પાડ્યો છે?” કહીને મારો હાથ પકડીને ફરી ખુરશી પર મને બેસાડ્યો.

ખુરશી પર બેસતા હું બોલ્યો, “શેઠ, એ બધું છોડો, પણ હવે સ્વાતીને છૂટી મુકો.”

“છૂટી મુકો? અરે તે મારા પાછળ પડી છે...”

“તમારા તેની સાથે સબંધ હતા?”

“હા, એવી કેટલીયે સાથે સબંધ રાખું છું, અને તેના બદલામાં મેં તેને ખુબ આપ્યું પણ છે જ.”

હું ગૂંચવાયો. હવે સાફ વાત કર્યા સિવાય મેળ નહિ પડે એમ વિચારીને મેં સીધું જ કહ્યું, “તમે તેને વિડીઓ કલીપને લીધે બ્લેકમેઈલ કરો છો? અને સેક્સ કરવા મજબુર કરો છો?”

“જો કિશન, તુ તેની વાતોમાં ન આવતો, તે ખુબ જ શાતીર છે. સેક્સ માટે મજબુર? તુ કેવી વાત કરે છે? કેમ તે કોઈ એવી ખાસ છે કે અપ્સરા છે? તેના જેવી સત્તર મારા પગમાં આળોટે છે.”

હું અસમંજસમાં પડ્યો. કપિલની વાત તો તર્કબદ્ધ હતી. “શેઠ તેનું કહેવું તો એમ છે... અને તેણે મને તમારી પાસેથી કલીપ લાવી આપવા માટે હાયર કર્યો છે.”

“જો કિશન તે તારા જેવા દસને ઘોળીને પી જાય એવી છે. તેને શું જોઈએ છે કે તેના મનમાં શું રમે છે તે જાણી લાવવાનું કામ પણ તારું. દારૂવાલા મેન્સંનની આપણી જે ડીલ થઇ તે ઉપરાંત સ્વાતિના કામ માટે પણ હું તને અલગ પૈસા આપીશ. આજે તને સાત પેટી મોકલું છું, બરાબર?”