ટિક...ટિક...ટિક...
ઘડિયાળમાં રાત્રિનાં બે વાગ્યા હતા...
એક શિક્ષકનાં મનમાં જાણે વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. પથારીમાં પડખા ફેરવી રહ્યા હતા, પણ ઊંઘ આવતી નહતી. કેમ કે ....આવતીકાલે તેમને અત્યંત કપરી પરીક્ષામાંથી પસાર થવાનું હતું. બાળકો સાથેનાં ભૂતકાળનાં સંસ્મરણો સ્મૃતિપટ પર જીવંત થતાં શિક્ષકની આંખો ભીંજાઈ ગઈ હતી, જે બાળરૂપી બગીચામાં છેલ્લા આડત્રીસ વર્ષથી બાળકો સાથે આત્મીયતા કેળવી હતી તેમણે ‘અલવિદા’ કહેવાનું હતું. જી ...હા...શિક્ષકને વયમર્યાદાને કારણે આવતીકાલે નિવૃત્ત થવાનું હતું. શાળાનાં બાળકો તથા શાળાના ભાવાવરણને ભગ્ન હ્રદયે છોડીને ચાલ્યા જવાનું હતું. કેવી કપરી પરીક્ષા ...?
તિમિર ઘેરી રાત્રીનું સામ્રાજ્ય પૂર્ણ થતાં સૂર્યનાં સોનેરી કિરણો ધરતીને ચૂમી રહ્યા હતા.સૌ યંત્રવત બનીને પોતપોતાની મંઝિલ તરફ પ્રયાણ કરી રહ્યા હતાં. શિક્ષકે પણ પોતાની મંઝિલ તરફ વાટ પકડી . પરંતુ એ મંઝિલ આજે શિક્ષક માટે “આખરી મંઝિલ” બની જવાની હતી ...આડત્રીસ વર્ષ દરમિયાન એક પણ દિવસ મોડા ન પહોંચેલા શિક્ષકનાં આજે શાળાએ આવવા પગ ઉપડતા નહોતા. ઘરેથી શાળાએ આવવાની સમગ્ર સફર દરમિયાન શિક્ષકનાં મનમાં બાળવાત્સલ્યની હેલી જાણે ઝરમર ...ઝરમર ઝ˙કૃત થતી રહી ...
પટાવાળા શાળાએ પહોંચીને શાળાની સાફ –સફાઈ કરે તે પહેલાં તો શિક્ષક શાળાએ પહોંચી જાય. છાપા વાળો ગામમાં છાપું આપવા આવે તે પહેલાં તો શાળા ખૂલી જાય . છાપાવાળો શાળામાં છાપું આપે ત્યારે તે શિક્ષક શાળાનો ઘંટ લટકાવતાં હોય. છાપા વાળો કહે , “માસ્તર ...શાંતિથી આવતા હોય તો...? અને શું આ ઘંટ લટકાવો છો ...? પટાવાળાનાં કરવાનાં કામ તમે શું કામ કરો છો ..?ત્યારે શિક્ષક કહેતા કે મારી શાળા એ મારો બગીચો છે, તેનું હું જેટલું કાળજીપૂર્વક જતન કરીશ , તેટલી જ તેની સુવાસ પ્રસરી ઉઠશે..અને તેમની નિષ્ઠાની સુવાસ આજુબાજુનાં ગામોમાં ચોમેર પ્રસરી હતી. શાળા કે શાળા બહારનાં કોઈનાં મુખમાંથી પટાવાળા એવો શબ્દ સરી પડે તો તુરંત મીઠી ટકોર કરે કે એ ભાઈને મહેરબાની કરીને પટાવાળો ન કહેતાં ‘સેવક’ ભાઈ કહેજો . સૌ માણસ પ્રત્યે સંવેદના રાખવાના આગ્રહી શિક્ષકની કાર્યપદ્ધતિ કારણે સ્ટાફ મિત્રો પણ અંદર અંદર વાતો કરે તો બધા “સેવક ભાઈ” તરીકે જ બોલાવતા . શિક્ષકની નિયમિતતા,કાર્યશૈલીનાં વખાણ કરતાં છાપા વાળો પણ કહેતો ...માસ્તર...એટલે માસ્તર ...ગામમાં આજે પણ શિક્ષકને ભાવવાહી શબ્દમાં "માસ્તર" જ કહે છે.. કેમ કે મા બાદ બાળકની લાગણીને સમજનાર ,મા ના સ્તરે જઈને બાળકને નવું શીખવનાર શિક્ષક જ છે ને...!
વિદાય સમારંભમાં આખું ગામ ઉમટી પડ્યું હતું. અગાઉનાં વર્ષમાં શિક્ષકનાં હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓ દૂર દૂરનાં ગામોમાંથી આવી પહોંચ્યા...કેટલાંક તો પોતાની પત્નીઓને લઈને આવ્યા હતાં..શિક્ષકનો વિદાય સમારંભ શરૂ થયો. ડાયસ પર શિક્ષક ,સરપંચ,કેળવણી નિરીક્ષક વગેરે ગોઠવાયા.બધાએ પ્રાસંગિક પ્રવચન કર્યું જેમાં તેમની તત્ત્વનિષ્ઠા, કાર્ય પ્રત્યેનું સમર્પણ, બાળકો પ્રત્યેનો વ્યવહાર વગેરે વાતો થઈ. એક વિદ્યાર્થીએ તો સમારંભમાં ઉપસ્થિત લોકોને પૂછતા કહ્યું: શું તમે ભગવાન જોયા છે...? મેં જોયા છે.. ત્યારબાદ શિક્ષક તરફ સૂચક આંગળી ચિંધતાં કહ્યું ,"હા...આ શિક્ષક મારી જિંદગીમાં ભગવાન બનીને આવ્યાં...મને આજે આ ડાયસ પર ઊભો રાખીને 'કાબેલ' બનાવનાર આ શિક્ષક છે.. નહિ તો હું દલદલની ઠોકર ખાતો હોત.. આ સાહેબનું મારા જીદગીમાં આવવું એ મારી જિંદગીનો "ટર્નિંગ પોઇન્ટ" છે..આખરે શિક્ષકને તેમનાં અભિપ્રાય માટે માઈક આપવામાં આવ્યું.. પણ શિક્ષકની આંખોમાંથી "દડ... દડ" બોર જેવડાં આંસુ સરી પડ્યા... શ્રોતાઓ પણ ભાવુક થઈ ગયા...બધાં પુસ્તક પ્રેમી શિક્ષકને બધાં પુસ્તકોથી નવાજવા લાગ્યા.. કેટલાંક વિદ્યાર્થીઓએ પોતાના વ્હાલસોયા શિક્ષકને લાગણીસભર પત્રો પણ આપ્યા, એક પત્ર ખોલતા તેમાં લખેલા શબ્દો :
" વી મિસ યુ.. સર.."
" ભૂલ થઈ હોય તો માફ કરજો...
અમને સદાય યાદ રાખજો...." અને એ શબ્દો પર વિદ્યાર્થીઓનાં થીજેલા "અશ્રુબિંદુઓ..." વિદ્યાર્થીનાં આ શબ્દો જ શિક્ષકના "લાગણીનો દસ્તાવેજ..." બની ગયા..તે દિવસે શિક્ષકનાં મનમાં એક પ્રશ્ન થયો: "બાળકની સાથે આત્મીયતા કેળવવી તથા બાળકનાં હૃદયમાં સ્થાન મેળવવું ..તેનાથી વિશેષ કોઇ એવોર્ડ શિક્ષક માટે હોઇ શકે ખરો...?
શિક્ષક આજે પણ વિદાય સમારંભના દિવસે મળેલા વિદ્યાર્થીનાં પત્રો પોતાની "સેફ ડિપોઝીટ વોલ્ટ"માં સાચવી રાખ્યાં છે.. શિક્ષક માટે તે મહામૂલી મૂડી તો છે.. ક્યારેક ક્યારેક શિક્ષક એ પત્રો વાંચે છે ત્યારે ભૂતકાળના ખટ-મીઠાં સંસ્મરણો તેમની નજર સમક્ષ તરી આવે છે.. અને મુખ પર આછા હાસ્ય સાથે તેમની આંખો સહજ ભીની થઈ જાય છે... -"કલ્પતરુ"