સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ – 10
'નાવ આઈ હોપ કે દુબળી વિશે મને તું તમામ વિગત કહે અને સાચી કહે...' પલંગની સમાંતરે ચોરસો પાથરીને તેનાં પર ઓશિકું ઝાપટતાં ત્વરિતે કહ્યું.
પોતે ચોરી કરતાં ઝડપાયો તેનો આઘાત છપ્પનના દિમાગમાંથી હજુ ઓસર્યો ન હતો ત્યાં બીજો આઘાત તેના માથામાં સણકાં બનીને વાગી રહ્યો હતો. પોતે જે મૂર્તિઓ ચોરતો હતો તેની અસલી કિંમત આંકવામાં એ સદંતર બેવકૂફ ઠર્યો હતો.
દુબળી કોણ હતો, કેવી રીતે એ સતત તેના પર નજર રાખી શકે છે, ફોલો કરી શકે છે એ વિશે તેણે દિમાગી કસરત કરી જ નહિ અને ફક્ત પોતાનું ખિસ્સું તરબતર થતું રહે છે તેની સાથે જ નિસ્બત રાખી. હવે ત્વરિતની કેફિયત પછી તેને પોતાની મુર્ખામીનો અહેસાસ થતો હતો. પોતાના જ ગાલ પર બે-ચાર લપડાક ઠોક્યા પછી ક્યાંય સુધી એ ખુરસીમાં બેસીને માથું ધૂણાવતો રહ્યો હતો. દરમિયાન ત્વરિતે વેરવિખેર થઈ ગયેલા ઓરડાંને થોડો વ્યવસ્થિત કર્યો અને પલંગની સમાંતરે ચોરસો પાથરીને સૂવાની વ્યવસ્થા કરી.
'દુબળીએ તારી પાસે કેટલીક મૂર્તિઓ ચોરાવી છે અત્યાર સુધીમાં?' છપ્પનનો વિષાદયોગ રોકવા ત્વરિતે તેનો પગ થપથપાવીને ફરીથી પૂછ્યું.
'ખબર નહિ... અઢી વરસથી તેના માટે કામ કરૃં છું... કદી મૂર્તિઓ ગણી નથી કારણ કે...' તેણે ફરીથી હતાશાભેર ડોકું ધુણાવી દીધું, 'મને માત્ર રૃપિયા ગણવામાં જ રસ હતો...'
'તો પણ... આશરે?'
'મને સાચે જ ખબર નથી...' છપ્પનની આંખોમાં પોતાની નાલેશીની તીવ્ર શરમ વર્તાતી હતી, '..પણ અઢી-ત્રણ વરસમાં આખા દેશના બબ્બે ચકરાવા માર્યા છે. છેક પુંચ સરહદ ઉપર અને સિક્કિમમાંથી ય મૂર્તિ ઊઠાવી છે. કેટલીક વાર તો એ સાલો એક જગ્યાએ ત્રણ-ત્રણ વાર મોકલતો હતો. તાંજોરથી મૂર્તિ ઊઠાવવાનું તેણે ત્રણ વખત એસાઈનમેન્ટ આપ્યું હતું. ગોલકોંડા અને હમ્પી બબ્બે વાર મોકલ્યો હતો.'
'કેમ એવું? એકવાર ચોરી કરેલી જગ્યાએ બીજી વાર જવાનું થાય તો એનાંથી જોખમ વધી ન જાય?' હવે ચોરીનું શાસ્ત્ર સમજવાનો ત્વરિતનો વારો હતો એટલે ગુરુ-શિષ્યના સ્થાન બદલાઈ ગયા હતા.
'હું પણ એને કહેતો કે યાર, એક જગ્યાએથી ત્રણ, ચાર કે પાંચ... તારે જેટલી મૂર્તિ ચોરાવવી હોય એ એકસાથે કહી દે. આમ કટકે-કટકે બે-ચાર મહિને કહે એનાંથી મને પરસેવો છૂટી જાય છે. પણ એ કાયમ એમ જ કહેતો કે, છપ્પન બાદશાહ... કિંમત તુમ્હારી, તરિકા મેરા... મને ય સમજાતું નહિ કે એ કેમ એવું કરતો પણ...'
'આપણે ધારી લઈએ કે..' છપ્પનની વાત અડધેથી જ કાપીને ત્વરિતે કહ્યું. તેનો ચહેરો તીવ્ર વિચારોમાં ખોવાયેલો હતો, 'એ તને એક મૂર્તિના ૮૦,૦૦૦ રૃપિયા આપતો હતો..'
'એવું ય પાંચ-છ વખત બન્યું છે કે ટાર્ગેટ ડિફિકલ્ટ હોય તો તેણે મને એક લાખ રૃપિયા પણ ચૂકવ્યા છે... '
'હમ્મ્મ્મ્... તો આ અઢી-ત્રણ વર્ષમાં તું આશરે કેટલુંક કમાયો છે?' ત્વરિત મનોમન કશીક ગણતરી માંડી રહ્યો હતો.
'કહા ના... હિસાબ તો કતઈ નહિ રખ્ખો... ફિર ભી સાઠેક લાખ રૃપિયા તો દુબળીએ મને આપ્યા હશે...'
'ઓહ્હ્... એ સિવાય તારા બીજા ખર્ચ માટેના સાત-આઠ લાખ અલગ ગણીએ તો એ માણસે ૬૫-૭૦ લાખ રૃપિયા ખર્ચી નાંખ્યા હશે...' ત્વરિતની આંખોમાં અપાર અચરજ અને આઘાત તરવરતા હતા. એક માણસ પાણીની પેઠે રૃપિયા વેરી રહ્યો હતો... એવી મૂર્તિઓ પાછળ જે સદીઓથી લાપતા હતી અને જેની હયાતિ વિશે કોઈને ખબર સુદ્ધાં ન હતી. વ્હાય...? વ્હાય? હવે છપ્પનના બદલે તેણે માથું ધૂણાવવા માંડયું.
'કોઈ માણસ આટલો ગંજાવર ખર્ચ શા માટે કરે?' ત્વરિત સ્વગત સવાલો કરી રહ્યો હતો કે પોતાને પૂછી રહ્યો છે તે છપ્પનને સમજાતું ન હતું એટલે એ મૌન જ રહ્યો એટલે ત્વરિતે જાતે જ વિકલ્પો વિચારવા માંડયા.
'૭૦ લાખના રોકાણ સામે તેને બે-અઢી કરોડ રૃપિયા મળ્યા હોય તો જ ને? પણ એવા રૃપિયા તેને કોણ આપે? ધારો કે એ આર્ટ ડિલર હોય કે સંગ્રાહક હોય..'
ત્વરિત પોતે ય એવા અનેક લોકોને ઓળખતો હતો જે પ્રાચીન મૂર્તિઓ, શિલ્પો, ચીજવસ્તુઓમાં અપાર રસ ધરાવતા હોય અને મોં માંગ્યા દામ ચૂકવીને વસાવતા હોય. ઈન્વેસ્ટમેન્ટના હેતુથી ય એન્ટિકની દુનિયાભરમાં બોલબાલા હતી. પણ એ બધું તો કાયદેસર રીતે મેળવાયું હોય તો જ શક્ય બને. આટલી મહત્વની મૂર્તિઓ ચોરીને મેળવ્યા પછી એ માણસ દુનિયામાં ક્યાંય કોઈને દેખાડી તો શકવાનો ન હતો. તો પછી આટલો ખર્ચ, આટલી મહેનત અને આટલા જોખમનો હેતુ શું હોઈ શકે?
કેટલીક મિનિટો સુધી બેય વચ્ચે નિઃશબ્દ સ્તબ્ધતા અને દિમાગમાં બેકાબુ વંટોળ ઘૂમરાતા રહ્યા પછી ત્વરિતે છપ્પનની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, 'હવે તને સમજાય છે કે તું કોહીનૂર હીરાને કથીરના ભાવે વેચી રહ્યો છે?'
છપ્પન હકારમાં ગરદન હલાવીને નીચું જોઈ ગયો.
ત્વરિતે અચાનક ઊભા થઈને છપ્પનની બાજુમાં બેસી તેના ખભા પર હાથ મૂક્યો, 'હજુ પણ ગમે તેમ કરીને આપણે એ માણસને પકડીએ તો બધા ભેદ ખૂલી જાય... તારા માટે મૂર્તિની કિંમતનો, ચોરીના હેતુનો અને મારા માટે મૂર્તિની શોધનો... કોણ છે એ માણસ? કોણ છે એ દુબળી?'
ત્વરિતે છપ્પનને રીતસર ઝકઝોરી નાંખ્યો. તેની આંખોમાં ફૂંકાતું ઉત્સુકતાનું વાવાઝોડું છપ્પનના ચહેરા પર વિંઝાઈ રહ્યું હતું.
છપ્પન કશો જ જવાબ વાળ્યા વગર બારીની બહાર તાકી રહ્યો. હતાશાભર્યા નકારમાં તેણે ગરદન ધૂણાવી અને સુસ્તીપૂર્વક બારીની બહાર હાથ લાંબો કર્યો, 'એ આ હવા હોઈ શકે...' પછી ત્વરિતની સામે જોયું ત્યારે ઘડીભર ત્વરિત પણ છળી ઊઠયો. છપ્પનની આંખોમાં ચળીતર નિહાળ્યાનો સન્નાટો વર્તાતો હતો, 'એ આ હવા હોઈ શકે... મારી પીઠ પાછળથી દેખાતું કોઈપણ દૃશ્ય એ હોઈ શકે... વો કુછ ભી હો સકતા હૈ, કઈસન ભી આ સકતા હૈ... ઔર મેરે કો કુછ નઈ પતા...'
'કંઈક સમજાય એમ બોલ ને યાર...'
'મૈં ખુદ કુછ સમજુ તો ના? મારી પાસે ન તો તેનો કોઈ મોબાઈલ નંબર છે, ન તો હું તેનું નામ જાણું છું, ન તો તેનું સરનામું મને ખબર છે. એ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે... મને સાચી જ નથી ખબર.. અરે મેં દરેક વખતે તેનો ચહેરા ય અલગ અલગ જોયા છે' ત્વરિત ભયાનક શંકાથી છપ્પનના ચહેરાને તાકી રહ્યો.
'એ કદીક મોબાઈલથી મારો સંપર્ક કરે ત્યારે હંમેશા મારા મોબાઈલના સ્ક્રિન પર આઈએસડી નંબર જ ડિસ્પ્લે થાય છે...' છપ્પનની બેહોશી દરમિયાન ત્વરિતે તેનો મોબાઈલ બરાબર ચેક કર્યો હતો. તેના કોલ-લોગમાં પહેલી નજરે આઈએસડી જેવા લાગતા નંબરો હતા પણ ખરાં, જે માસ્ક નંબર હોવાનું ત્વરિતને સમજાયું હતું.
'મોટાભાગે એ રૃબરૃ જ મને મળે અથવા કોઈપણ રીતે રૃબરૃ જ તેનો સંદેશો આવી જાય. મને આજ સુધી ખબર નથી પડી કે એ મારા પર કેવી રીતે નજર રાખે છે. પરંતુ એ હકિકત તો છે જ કે તેની મારા પર સતત નજર હોય છે. મૂર્તિ ઊઠાવીને હું ગમે ત્યાં જાઉં, એ મને પકડી જ પાડે. મૂર્તિ મેળવે, પૈસા ચૂકવે અને થોડાંક સમય પછી નવી મૂર્તિનું ઠેકાણું આપે.'
છપ્પન શૂન્યમાં તાકીને એકીટશે કહી રહ્યો હતો, 'ક્યારેક તો હું મૂર્તિ ઊઠાવું કે તરત એ હાજર થઈ જાય અને ક્યારેક બબ્બે મહિના સુધી ય ન દેખાય.. એકવાર હું ચોરી કરીને હિકમતપુર ગામે મારા એક દોસ્તના ખેતરમાં આશરો લઈ રહ્યો હતો. પંદર વીસ દિવસ દુબળીની રાહ જોઈને છેવટે હું કંટાળ્યો અને લૌંડિયાબાજી કરવા શહેરમાં જવા નીકળ્યો. રસ્તો સાવ આંતરિયાળ હતો. સાંજ ઢળવા આવી હતી. ભારે વરસાદને લીધે એકપણ વાહન મને મળતું ન હતું. એવામાં એક પતરાં ભરેલી લોડિંગ રિક્ષા આવીને ઊભી રહી અને મને મુખ્ય સડક સુધી બેસી જવા કહ્યું. હું પાછળ પતરાંને અઢેલીને બેઠો. થોડે દૂર જઈને રિક્ષા ઊભી રહી. હું કંઈ સમજું એ પહેલાં ડ્રાઈવર નીચે ઉતર્યો અને મારી પાસે આવીને કહ્યું, 'કૈસન હો છપ્પન બાદશાહ...?' હું ચોંકી ઊઠયો.
દુબળી હંમેશા મને છપ્પન બાદશાહ જ કહેતો હતો... તેણે ગજબ વેશપલટો કર્યો હતો. આંખના નેણ, હડપચી, ગાલના ઢોરા બધે કારીગરી કરીને ચહેરાનો હુલિયો બદલી નાંખ્યો હતો. કદ-કાઠીમાં પણ એ એટલો વિશિષ્ટ છે કે સાલો જરાક ચહેરો બદલે એટલે ઓળખાતો નથી. એ રીતે તેણે મારી પાસેથી મૂર્તિ મેળવીને મને પૈસા ચૂકવ્યા હતા.'
ત્વરિત જાણે બેહોશ થવાની અણી પર હોય તેમ અસમંજસમાં છપ્પન પર અછડતો ઢળી રહ્યો હતો પણ છપ્પનના દિમાગમાં હવે દુબળીની અત્યંત શાતિર તરીકે ચિતરાયેલી છબી વધુ બિહામણી બની રહી હતી, 'મારે એ સ્વીકારવું પડે કે તેમાં તેણે કદી જ બેઈમાની નથી કરી. ક્યારેક તો મને ખુશ થઈને બક્ષિસના વધારાના રૃપિયા ય આપ્યા છે. ક્યારેક મારા માટે કિંમતી વિદેશી દારૃની બોટલ લાવ્યો છે, ક્યારેક મારા માટે અફલાતુન વેકેશનની વ્યવસ્થા કરીને એ કહેતો કે, 'ઉપડો છપ્પન બાદશાહ, ગોવાની તાજ એક્ઝોટિકામાં તમારું બુકિંગ કરાવી દીધું છે... જાવ ઐશ કરી આવો...'
'હમ્મ્મ...' ત્વરિતે ખુરસીમાં ફસકાઈ પડતાં કહ્યું, 'મતલબ કે, દુબળીને પકડવો આસાન નથી...'
'સ્હેજ પણ નહિ...' છપ્પને તરત જવાબ તો વાળ્યો પછી ત્વરિતની આંખોમાં તાકીને ઉમેર્યું, '..પણ આપણે બેઉ સાથે હોઈએ તો કદાચ...'
તેની આંખોમાં, ચહેરા પર, ટોનમાં પહેલી જ વાર સાલસતા વર્તાતી હોવાનું ત્વરિતને અનુભવાતું હતું.
(ક્રમશઃ)