Antarno ariso - 7 in Gujarati Poems by Himanshu Mecwan books and stories PDF | અંતરનો અરીસો - 7

Featured Books
Categories
Share

અંતરનો અરીસો - 7

અંતરનો અરીસો

હિમાંશુ મેકવાન

ભાગ - 7

૬૧.

"ઈસુ"

ચહેરા પર "ઈસુ" ના થોડો થાક છે,

પણ ઈરાદા તો જુઓ કેવા પાક છે.

જે વહી રહ્યું રુધિરનું એક એક ટીપું,

મુજ સમા પાપીઓ માટે લપડાક છે.

કોઈએ કર્યો ઇન્કાર, કોઈએ દગો દીધો,

ભોગવે એ એકલા એમનો શું વાંક છે?

મુશ્કેલ છે ઘણો ચઢવો કલવારી આમ,

ઈરાદા જોઈ "ઈસુ" ના બધા અવાક છે.

વેઠી ને વેદનાને પીડા પરાકાષ્ઠાએ,

ક્ષમાનું આપ્યું ઉદાહરણ જડબેસલાક છે.

૬૨.

“આરામ આપી દો.”

મને પણ એક દિવસનો આરામ આપી દો,

યાદોને તમારી રજાનો રવિવાર આપી દો.

ભીનાશ હજુ રાતની હેમખેમ છે આંખોમાં,

સપનાનો પાછો બધો વહેવાર આપી દો.

બધાંના નામે લગભગ એક તો છે જ ને,

આશિકોને નામે એકાદ તહેવાર આપી દો.

તમારા મારા સબંધ ગુનેગારને વકીલના,

પુરાવાના અભાવે સજાની માફી આપી દો.

નહિ કરું ભૂલ પ્રેમના એકમાર્ગીય રસ્તા પર,

પૈસા લો છૂટો કરો, સરકારી ચલણ આપી દો.

૬૩.

“ભોગવું છું ઘણું...”

ભીતરે ભોગવું છું ઘણું,

જાતને છેતરું છું ઘણું.

જોઈએ જીવને કેટલું ?

તોયજો વેતરું છું ઘણું.

આવીને એ મને રોકશે,

ઘાવને ખોતરૂ છું ઘણું.

બસ હવે આવને શું થયું,

મોતને નોતરું છું ઘણું.

યાદને શ્વાસમાં સાચવી,

બસ પછી નિખરું છું ઘણું.

૬૪.

“તારા વગર”

કેવા થયા છે દિલના હાલાત જો તારા વગર?

કેવું રડે છે એકલું આ દિલ જો તારા વગર!

આવું થવાનું કોઈ તો કારણ હશે તો ચોક્કસ જ,

ભીની રહે છે દિલની દીવાલ જો તારા વગર.

ક્યાંથી મને ધીરજ રહે ક્યાંથી મળે શાંતિ મને?

ચુકી ગયું છે દિલ આ ધબકાર જો તારા વગર!

ફરી બધાની વાતથી ચિંતિત કેમ છો તમે?

રહી ગયો છું એકલો ને અજનબી તારા વગર!

વાંધો નથી કોઈ બસ તમે સાથ આપી દો મને!

ક્યાં છે રહ્યું બાકી કશું જોને હવે તારા વગર!

૬૫.

“મોતને મળવું છે..”

હા, પરપોટાને અડવું છે,

મારે તો મોતને મળવું છે.

એવું શું ડરવાનું એનાથી?

હવે તો રાહુને નડવું છે.

હોય શું? એમાં એવું જોવા,

ઝેર મારે પણ ગળવું છે.

સૂરજ સામે આંખ મિલાવી,

આખે આખું ભળભળવું છે!

તારામાં છેક ભીતરે જઈ,

બસ થોડું થોડું ઓગળવું છે!

૬૬.

“નિલામ થઇ જઈને..”

કેવું કરે છે મહેસૂસ નિલામ, થઇ જઈને,

ચર્ચાઈ બધે અને સરેઆમ, થઇ જઈને.

અડચણ રૂપ હતો ને, તને કેવો ગરુર હતો,

ચુપચાપ રે' એકલો ઠરીઠામ, થઇ જઈને.

તું ખાસ હતો એ વાત દિલથી કરી દે દૂર,

રહી ગયો અટૂલો અને આમ, થઇ જઈને.

કામ પતી ગયા પછી, કોઇ કોઇનું નથી.

સમજ્યો હું આ વાત નાકામ, થઇ જઈને.

આ સ્થિતિ નો સહારો સાકી જ હોઈ શકે,

મયખાનું રહી ગયું મારું મુકામ, થઇ જઈને.

૬૭.

“બદલાઈ ગયા તમે”

સમય સાથે કેવા બદલાઈ ગયા તમે,

આખા અલગ રંગે રંગાઈ ગયા તમે.

હું એકલો તમારા ભરોસા, ઉપર હતો,

મધદરિયે મૂકી મને કેવા, ચાલી ગયા તમે.

હોય એક નશો સફળતાનો પણ ચોક્કસ,

સિંધુ સાદું, કેવું સરસ સમજાવી, ગયા તમે.

આભાર તમને તમારી બધી જાહોજલાલી,

હું રસ્તાનો પથ્થર હતો, માની ગયા તમે.

બસ બધા જ બંધ છે દરવાજા હવે,

તાળા તો એજ છે, કૂંચી બદલી ગયા તમે.

૬૮.

”ઘોર અંધારું”

નજરની સામે જાણે કેવું ઘોર અંધારું હતું?

સમજાયું મોડેથી માં વગર કોણ મારું હતું?

આજે પણ યાદ છે એના સંસ્મરણ મને,

એના વગરતો જાણે મોત પણ, સારું હતું!

ના મળે હવે એ મીઠો પ્રેમ ફરી મને,

દરિયો છે જગત એટલે, બધું ખારું હતું!

જાત ન્યોછાવર કરવામાં વાંધો ક્યાં છે જ?

આટલું કર્યા પછી પણ મન કેવું બિચારું હતું!

વાંક આમાં આપનો ચોક્કસ ક્યાંય નથી,

વિભીષણ માફક મારુ મન જ ઠગારુ હતું!

૬૯.

“અલગ વાત છે”

સુધરી જાય જન્મારો, તો અલગ વાત છે,

આંખો આપે ઈશારો, તો અલગ વાત છે.

અંદર જાતને બસ શુદ્ધ કરવાની છે જરૂર,

પછી હો' મંદિર કે મિનારો,અલગ વાત છે.

મારી બાજુના પ્રયત્નો સતત ચાલતા રહે,

તમે અપાતા રહો જાકારો, અલગ વાત છે.

નાની અમથી વાતમાં પારકો કરી દીધો,

બસ આવા હતા વિચારો, અલગ વાત છે.

મદિરાને હું કેવા બદનામ આખા શહેરમાં,

સાકીનો બનું સહારો , એ અલગ વાત છે.

આપ પણ બસ, લોકો જેવા જ નીકળ્યા,

મને કરી દીધો બિચારો, અલગ વાત છે.

અમથો આમ તેમ તારી આસપાસ ફર્યો,

સામે હતો કિનારો, એ અલગ વાત છે.

૭૦.

“તકલાદી વાતો”

મૂકને બાજુએ તકલાદી બધી વાતો,

કાળઝાળ ઉનાળે વરસાદી બધી વાતો.

એમ પણ બને કે તમને ના પણ ગમે,

પણ આજ છે તમારી સાચી બધી વાતો.

કોણ જાણે કેમ સતત યાદ આવતી રહે,

દિલમાં છે જે દફન તમારી બધી વાતો.

શક્ય છે કે આ મુલાકાત આખરી હોય,

એટલે કરી દીધી એમણે બહુ બધી વાતો.

આશિકે આખરે આબરૂ સાચવીને રાખી,

મૌન રહીને એણે નિભાવી બધી વાતો.

***