ભેદી ટાપુ
ખંડ ત્રીજો
(20)
સ્વદેશ ભણી
એકલો એક ખડકનો ટુકડો ત્રીસ ફૂટ લાંબો, વીસ ફૂટ પહોળો અને દસ ફૂટ પાણીની સપાટીથી ઊંચો બાકી રહ્યો હતો! જ્યાં થોડા વખત પહેલાં લીંકન ટાપુ હતો, ત્યાં અત્યારે ખડકનો એક માત્ર ટુકડો પાણીની બહાર દેખાતો હતો.
આ ખડકો ગ્રેનાઈટ હાઉસના હતા. ગ્રેનાઈટ હાઉસની દીવાલ કડડડ કરીને પડી ગઈ હતી. અને મોટા ખંડના થોડા ખડકો એક બીજા પર ઢગલો થઈને આ જગ્યા બની હતી. સાગરનાં પાણીએ પોતાની આસપાસનું બધું જ પોતાનામાં સમાવી લીધું હતું. જ્વાળામુખી પર્વતના ટુકડેટુકડા થયા પછી જો કોઈ ભાગ પાણીની બહાર રહ્યો હોય તો તો ગ્રેનાઈટ હાઉસના આ ખડકો હતા. એ ખડકો ઉપર છ સાથીઓ અને કૂતરો ટોપે આશરો લીધો હતો. આખો ટાપુ દરિયામાં ડૂબી ગયો હતો.
ટાપુના પ્રલય વખતે પશુપંખીઓ બધાં નાશ પામ્યાં હતાં; અને દુર્ભાગી જપ પણ જમીન નીચે કચડાઈને મૃત્યુ પામ્યો હતો. હાર્ડિંગ, સ્પિલેટ, હર્બર્ટ, પેનક્રોફ્ટસ, નેબ અને આયર્ટન બચી ગયા હતા; કારણ કે તેઓ તંબૂ તાણીને રહેતા હતા. સમુદ્રનું પાણી ટાપુ પર ફરી વળ્યું ત્યારે તેઓ પાણીમા તણાયા.
પછી જ્યારે તેઓ સપાટી પર આવ્યા ત્યારે તેમણે લગભગ સો એક ફૂટ દૂર આ ખડકનો ટુકડો જોયો. તેઓ બધા તરીને ત્યાં પહોંચ્યા અને તેના પર તેમણે આશ્રય લીધો. આ ઉજ્જડ ખડક ઉપર તેઓ નવ દિવસથી રહેતા હતા.
આફત આવી તે પહેલાં ગ્રેનાઈટ હાઉસમાંથી જે થોડી ઘણી સામગ્રી તે લોકો લાવ્યા હતા, તે ખાઈને તેઓ ચલાવી લેતા હતા. એ ખડક ઉપર વરસાદનું ભરાયું પાણી તેઓ પીતા હતા. આ સિવાય તેમની પાસે કંઈ ન હતું. તેમની છેલ્લી આશા તેમણે બાંધેલું વહાણ ભાંગીને ટુકડેટુકડા થઈ ગયું હતું. આ ખડક ઉપરથી બીજે જવાનો તેમની પાસે કોઈ ઉપાય ન હતો. દેવતા ન હતો કે બીજી કોઈ સામગ્રી પણ ન હતી. એવું લાગતું હતું કે આ લોકો નાશ પામશે.
18મી માર્ચે તેમની પાસે માત્ર બે દિવસની ખાધાખોરાકી બાકી રહી હતી. તેઓ જરૂર પૂરતું જ ખાતા હતા. તેમનું વિજ્ઞાન અને બુદ્ધિપ્રતિભા અત્યારની સ્થિતિમાં તેમને મદદરૂપ બને તેમ ન હતાં. હવે તેઓનો આધાર એક માત્ર ઈશ્વર ઉપર હતો.
હાર્ડિંગ શાંત હતો; સ્પિલેટ ગભરાઈ ગયો હતો. પેનક્રોફ્ટ ગુસ્સામાં આવેશમાં ખડક ઉપર આમ તેમ આંટા મારતો હતો. હર્બર્ટ હાર્ડિંગનું પડખું છોડતો ન હતો. નેબ અને આયર્ટન નસીબ ઉપર આધાર રાખીને બેઠા હતા.
“ઓહ! કેવુ દુર્ભાગ્ય! કેવુ દુર્ભાગ્ય!” ખલાસી વારંવાર એમ બોલતો હતો.
પછીના પાંચ દિવસો હાર્ડિંગ અને તેના દુર્ભાગ્ય સાથીઓએ ખાવાની સામગ્રીનો ખૂબ કાળજીથી ઉપયોગ કર્યો. તેઓ ખૂબ નબળા પડી ગયા. હર્બર્ટ અને નેબને તો સનેપાતનાં લક્ષણો દેખાવા લાગ્યા.
આવા સંજોગોમાં તેઓ કોઈ આશા રાખી શકે ખરા? ના, તેમને એવી કઈ તક મળે? કોઈ વહાણ ખડકની પાસે દેખાય? તેઓ જાણતા હતા કે ચાર વરસમાં પ્રશાંત મહાસાગરમાં આ બાજુ કોઈ વહાણ ફરક્યું ન હતુ. ના! ના! બચવાની કોઈ આશા ને હતી. ભૂખ અને તરસથી આ ખડક ઉપર કોઈનું મૃત્યુ થવાનું હતું.
તેઓ ખડક ઉપર લાંબા થઈને સૂતા હતા. આજુબાજુ શું થાય છે તેનું તેમને ભાન ન હતું. એકલો આયર્ટન તેની પોતાની શક્તિને જોરે વાર વારે માથું ઊંચુ કરીને દૂર દૂર સાગરમાં નજર રાખતો હતો. 24મી માર્ચે સવારે ક્ષિતિજ તરફ એક કાળા ટપકા પ્રત્યે તેનો હાથ લંબાયો; પછી તે ગોઠણિયોભેર ઊભો થયો. થોડીવાર પછી તે સીધો ઊભો રહ્યો. તેને હાથ નિશાની કરતા હતા.
ખડક ઉપરથી એક જહાજ દેખાતું હતું. તે કોઈકને શોધતું હતું.
“ડંકન!”
આટલું કહીને આયર્ટન બેભાન થઈને પડી ગયો.
****
જ્યારે હાર્ડિંગ અને તેના સાથીઓ ભાનમાં આવ્યા ત્યારે આગબોટની એક ઓરડીમાં તેઓ સૂતા હતા. તેઓ મૃત્યુના મુખમાંથી શી રીતે બચી ગયા તેની તેમને જાણ ન હતી.
“ડંકન!” એ આયર્ટનના એક શબ્દથી તેમને બધું સમજાઈ ગયું.
“પ્રભુ! તાર કૃપા અપાર છે!” હાર્ડિંગે આકાશ તરફ હાથ ઊંચો કરી કહ્યું.
હકીકતે આ છ જણા બચી ગયા હતા અને ‘ડંકન’ જહાજમાં તેઓ પોતાના દેશ તરફ પાછી જઈ રહ્યાં હતા. એ જહાજનો કપ્તાન ગ્રાટનો પુત્ર રોબર્ટ ગ્રાંટ હતો. લોર્ડ ગ્લિનાર્વને આ જહાજ. બાર વર્ષ પછી, આયર્ટનની સજા માફ કરી, તેને પાછો લેવા માટે ટેબોર ટાપુ પર મોકલ્યું હતું.
“કપ્તાન ગ્રાંટ!” હાર્ડિંગે પૂછ્યું; ટેબોર ટાપુ પર તમને આયર્ટન ન મળ્યા. તે પછી આ બાજુ આવવાનું તમને કોણે સુઝાડ્યું?
“કપ્તાન હાર્ડિંગ!” રોબર્ટ ગ્રાંટે જવાબ આપ્યો; “હું કાંઈ એકલો આયર્ટનને લેવા અહીં નહોતો આવ્યો. હું તો તમને અને તમારા સાથીદારોને પણ અહીંથી લઈ જવા આવ્યો હતો.”
“મને અને મારા સાથીદારોને?
“ચોક્કસ! લીંકન ટાપુ ઉપરથી”
“લીંકન ટાપુ ઉપરથી?” સ્પિલેટ, હર્બર્ટ, નેબ, પેનક્રોફ્ટ-- બધાએ નવાઈ પામી એકસાથે પૂછ્યું.
“લીંકન ટાપુની તમને ક્યાંથી ખબર?” હાર્ડિંગે પૂછ્યું; “નકશામાં પણ એ ટાપુ દર્શાવવામાં આવ્યો નથી.”
“ટેબોર ટાપુ પર તમે મૂકેલા પત્ર ઉપરથી મને એની ખબર પડી.” રોબર્ટ ગ્રાંટે જવાબ આપ્યો.
“પત્ર?” સ્પિલેટે નવાઈ પામી પૂછ્યું.
“અલબત્ત, આ રહ્યો!” રોબર્ટ ગ્રાંટે જવાબ આપ્યો; અને એક પત્ર રજૂ કર્યો. તેમાં લીંકન ટાપુના અક્ષાંશ અને રેખાંશની નોંધ હતી. “આયર્ટન અને પાંચ અમેરિકનોની અત્યારનું રહેઠાણ” એમ પત્રમાં ઉમેર્યું હતું.
“કપ્તાન નેમો!” પત્ર વાંચીને હાર્ડિંગે કહ્યું. એ કપ્તાન નેમોના હસ્તાક્ષર ઓળખી ગયો હતો. પશુશાળામાં જે પત્ર મળ્યો હતો તેમા પણ આવા જ હસ્તાક્ષર હતા.
“અરે!” પેનક્રોફ્ટ બોલ્યો; “આપણા વહાણ ‘બોનએડવેન્ચર’ને જોખમ ખેડીને એ એકલો ટેબોર ટાપુ લઈ ગયો.”
“માત્ર આ પત્ર મૂકવા માટે.” હર્બર્ટ બોલ્યો.
“કપ્તાન નેમો મૃત્યુ પછી પણ આપણા ઉપર એક છેલ્લો ઉપકાર કરતા ગયા!” ખલાસીએ કહ્યું.
પછી આયર્ટને ઈજનેર પાસે જઈને કહ્યું...
“આ દાબડાને ક્યાં રાખવાનો છે?”
એ દાબડો આયર્ટને જીવને જોખમે સાચવ્યો હતો; જ્યારે ટાપુ પર ચારે બાજુ પાણી ફરી વળ્યાં ત્યારે પણ તેને છોડ્યો ન હતો. તેણે એ વફાદારીપૂર્વક ઈજનેરને સોંપ્યો.
“આયર્ટન! આયર્ટન!” હાર્ડિંગે લાગણીસભર અવાજે કહ્યું. પછી રોબર્ટ ગ્રાંટને સંબોધીને કહ્યું..... “સાહેબ, તમે ટેબોર ટાપુ પર રાખેલો ગુનેગાર, આજે પસ્તાવાથી પુનિત થઈને એક પ્રામાણિક નાગરિક બન્યો છે. એના મિત્ર હોવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે.”
રોબર્ટ ગ્રાંટ પાસે કપ્તાન નેમોના વિચિત્ર ઈતિહાસની અને બધા બલૂન દ્વારા કેવી રીતે લીંકન ટાપુ પર આવી પડ્યા તેની બધી વાત કરી.
થોડા અઠવાડિયા પછી બધા અમેરિકા આવી પહોંચ્યા. અમેરિકામાં ભયાનક આંતરવિગ્રહ પછી શાંતિ હતી અને સત્યનો તથા ન્યાયનો વિજય થયો હતો.
કપ્તાન નેમોએ ભેટ આપેલા દાબડાનાં રત્નોમાંથી આ છ જણાએ અમેરિકાના આયોવા રાજ્યમાં જમીનનો એક બહુ મોટો વિસ્તાર ખરીદ્યો. તેમાંથી કિંમતી રત્ન બાકી રાખ્યું. તે રત્ન લેડી ગ્લિનાર્વનને ભેટ આપ્યું. ‘ડંકન’ તેમને સ્વદેશ પહોચાડ્યા તેનો આ ભેટ દ્વારા ઋણ સ્વીકાર કર્યો.
આયોવા રાજ્યની જમીનમાં તેમણે એક મોટી વસાહત સ્થાપી. તેનું નામ લીંકન ટાપુ રાખ્યું. આ જમીનમાં પર્વત, નદી અને સરોવર આવેલાં હતાં. તેમણે પર્વતનું નામ ફ્રેંકલીન પર્વત, નદીનું નામ મર્સી નદી અને સરોવરનું નામ ગ્રાંટ સરોવર રાખ્યું.
ઈજનેર અને તેના સાથીઓના પરિશ્રમથી અહીં વિશાળ સમૃદ્ધિ ઊભી થઈ છે. છયે જણાએ મરતાં સુઝી સાથે રહેવાનો સંકલ્પ કર્યો હતો. હાર્ડિંગ અને સ્પિલેટના માર્ગદર્શન નીચે હાર્બર્ટે પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કર્યો હતો. સ્પિલેટે ‘ન્યુ લીંકન હેરાલ્ડ’ નામનું એક છાપુ કાઢવાનું શરૂ કર્યું હતું.
અંતે, એટલું નોંધવાનું કે, બધા સુખી હતા. તેઓ બધા જીવ્યા ત્યાં સુધી લીંકન ટાપુને અને કપ્તાન નેમોને ભૂલી શક્યા નહીં. એ ટાપુ પર તેઓ પહેર્યે કપડે ગયા હતા. ચાર વર્ષ તેમણે ત્યાં સુખમાં ગાળ્યાં હતાં.
( ખંડ ત્રીજો સમાપ્ત)