Bhool - 6 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ભૂલ - 6

Featured Books
Categories
Share

ભૂલ - 6

ભૂલ

કનુ ભગદેવ

પ્રકરણ - 6

સફળ લૂંટ...!

કેપ્ટન દિલીપ અત્યારે ભારત સોસાયટીમાં, તાજ બિલ્ડીંગના ચોથા માળ પર ત્રણ નંબરના ફ્લેટ સામે ઊભો હતો.

ફ્લેટનું બારણું બંધ હતું. દિલીપ અત્યારે ઈન્સ્પેક્ટરની વર્દીમાં સજ્જ થઈને આવ્યો હતો.

બારણાં પર દિલાવરના નામની પીતળની નેઈમ પ્લેટ ચમકતી હતી.

બારણાંની બાજુમાં જ ડોરબેલ હતી.

એણે ડોરબેલ દબાવીને પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો.

સવારના આઠ વાગ્યા હતા.

અંદરના ભાગમાં ડોરબેલ રણકવાનો અવાજ તેને સંભળાયો હતો.

થોડી પળો બાદ દ્વાર તરફ આવતાં કોઈકનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો.

અને પછી બારણું ઊઘડ્યું.

દિલીપે જાયું--બારણું આશરે પાંસઠ વર્ષની વય ધરાવતી એક વૃદ્ધાએ ઉઘાડ્યું હતું. એના માથાના વાળ સફેદ થઈ ગયા હતા અને ચ્હેરા પર કરચલીઓ પડી ગઈ હતી. કરચલીયુક્ત ચ્હેરો ઉદાસ હતો. આંખો સૂઝી ગયેલી હતી. એની પાછળ બે યુવતીઓ ઊભી હતી. બંનેની ઉંમર આશરે વીસ-બાવીસ વર્ષની લાગતી હતી.

‘માજી...આપ જ દિલાવરની...’

‘હા...’ વૃદ્ધાએ વચ્ચેથી જ તેની વાતને કાપીને કહ્યું, ‘હું જ એની માં છું.!’ ત્યારબાદ તે બારણા પરથી એક તરફ ખસતાં રૂંધાતા અવાજે બોલી, ‘આવ...અંદર આવ દિકરા...!’

દિલીપ નાનકડી લોબી વટાવીને જે ખંડમાં પ્રવેશ્યો, તે ડ્રોઈંગરૂમ હતો.

ડ્રોઈંગરૂમમાં નજર ફેરવ્યા પછી, દિલાવર જે કંઈ ધંધો કરતો હતો, એમાં તને ખૂબ જ પૈસા મળતા હતા એવા અનુમાન પર દિલીપ આવ્યો.

પૈસાદાર કુટુંબના ડ્રોઈંગરૂમાં જે વસ્તુઓ હોય છે, એ ત્યાં મોઝુદ હતી. ફર્શ પર ગાલીચો પથરાયેલો હતો. એક દીવાલ પાસ કીમતી સોફાસેટ હતો. બીજી દીવાલ પર જમીનથી પાંચેક ફૂટ ઊંચો કાચનો શૉ-કેસ હતો. જેમાં ક્રોકરી, રમકડાં, તેમ જ શૉ-પીસ વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. સોફાની સામેની ભાગની દીવાલ પાસ કેબિનેટમાં કલર ટી.વી. તથા વી.સી.આર. પડ્યાં હતાં. કેબિનેટની બાજુમાં જ ફ્રીઝ પડ્યું હતું. રૂમની બરાબર વચ્ચેના ભાગમાં કાચજડીત શીશમનું ટેબલ પડ્યું હતું. જેના પર ચાંદીની ફૂલદાની ગોઠવેલી હતી.

સોફા પર એક સ્ત્રી અને એક પૂરુષ બેઠાં હતા.

બંનેએ દિલીપને અભિવાદન કર્યું. તેઓ ઈન્સ્પેક્ટને (દિલીપને) જોઈને થોડી પળો માટે ચમકી ગયાં હતાં.

‘આ દિલાવરનો, મામાનો દિકરો ભાઈ છે...!’ વૃદ્ધા બોલી, એનું નામ નાસીરખાન છે!’

‘તમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે મિસ્ટર નાસીર! શું તમે પણ વિશાળગઢમાં જ રહો છો ?

’હા...રોક્સી સિનેમાની પાછળ...આનંદનગર કોલોનીમાં...!’ નાસીરખાન ધીમેથી બોલ્યો,

‘ઓહ...તો દિલાવરના અવસાનના સમાચાર તમને સમયસર મળી ગયા હતા એમ ને?’

નાસીરખાને હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘માજી...!’ દિલીપ વૃદ્ધાને ઉદ્દેશીને કોમળ અવાજે બોલ્યો, ‘આપ મને દિલાવરનો ભાઈ જ સમજો, હું એના ખૂનીઓને નહીં છોડું! એનું ખૂન મારી નજર સામે જ થયું હતું.’

‘દિકરા...’ વૃદ્ધાએ ભરાયેલા અવાજે કહ્યું,‘એ નરાધામ ખૂનીએ મારા એકના એક દિકરાને મારી નાખ્યો!’

‘મને આપના પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે માજી...! હુ દિલાવરને તો પાછો લાવી શકું તેમ નથી. પરંતુ તેના ખૂનીઓને જરૂર ફાંસીના માંચડે પહોંચાડી શકું તેમ છું. અને આ કામ માટે મને આપના સહકારની ખૂબ જ જરૂર છે.’

‘દિકરા...!’ વૃદ્ધા પોતાની જાત પર કાબૂ મેળવતાં બોલી, ‘દિલાવરનો ખૂની ફાંસીના માંચડે લટકે, એમ હું પણ ઈચ્છું છું!’

‘હું આપને થોડી ખાસ વાતો પૂછવા માંગુ છું પણ...’ દિલીપે ‘ખાસ શબ્દ પર ભાર મૂક્યા પછી નાસીરખાન સામે જોયું.’

વૃદ્ધા દિલીપના કથનનો મર્મ સમજી ગઈ.

‘દિકરા...’ એણે નાસીરખાન સામે જોતાં કહ્યું, ‘થોડી વાર માટે અમને એકલાં મૂકી દે!’

નાસીરખાન અને તેની પત્ની ઊભાં થઈને બહાર નીકળી ગયાં.

જો પોતાનું ચાલત તો હરગાઝ બહાર ન જાત એવા હાવભાવ નાસીરખાનના ચહેરા પર છવાઈ ગયા હતા.

‘બોલ દિકરા, તું શું કહેવા માગે છે?’ એ બંનેના ગયા પછી વૃદ્ધાએ પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોતાં પૂછ્યું.

‘માજી...!’ દિલીપ ધીમા અવાજે બોલ્યો, ‘દિલાવરનું મૃત્યુ ક્યાં સંજોગોમાં થયુ હતું, એ તો આપ જાણતા જ હશો?’

‘એટલે...?’ હું સમજી નહીં દિકરા...?’ કહેતાં કહેતાં વૃદ્ધાનાં ચહેરા પર મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા.

‘તો શું આપને કોઈ એ નથી જણાવ્યું કે દિલાવર એક યુવતીની હેન્ડબેગ આંચકીને નાસી છૂટ્યો હતો? ખેર, મેં એનો પીછો કર્યો હતો. એ મારી પક્કડમાં પણ આવી ગયો હતો. પરંતુ બરાબર એ જ વખેત એક કારમાં બેઠેલા ખૂનીએ તેના પર ગોળી છોડીને તેને મારી નાખ્યો.’

‘એક ઈન્સ્પેક્ટર સાહેબે, આવું કંઈક કહ્યું તો હતું. પરંતુ દિલાવર આવું નીચ કામ કદાપી ન જ કરે તેની મને પૂરી ખાતરી છે.’

‘આ આપ નહીં પણ દિલાવર પ્રત્યેની આપની મમતા બોલે છે માજી! મેં પોતે મારી સગી આંખે તેને એક યુવતીની હેન્ડબેગ આંચકીને નાસી છૂટતો જોયો હતો,’ ત્યારબાદ દિલીપે તેને ધીમે ધીમે બધી વિગતો જણાવી દીધી.

દિકરા પ્રત્યેના વૃદ્ધાના વિશ્વાસનું ખંડન કરતાં તેને ખૂબ જ દુઃખ થતું હતું.

પરંતુ એ પોતાની ફરજ પાસે લાચાર હતો.

એની ફરજમાં તેને સૌથી પહેલી વાત એ જ શીખવવામાં આવતી હતી કે એણે ક્યારેય લાગણીના પૂરમાં ન તણાવું! તેને માણસ નહીં પણ ફરજ પૂર કરવાનું મશીન બની જવું જોઈએ. એવું મશીન કે જેમાં લાગણી નામની કોઈ ચીજ નથી હોતી. એને માત્ર પોતાની ફરજ જ પૂરી કરવાની હોય છે!

‘તને ભ્રમ થયો હશે દિકરા!’ વૃદ્ધાએ નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

‘માજી...!’ એ ભ્રમ જ હોત તો સારું! મારે આ રીતે આપના ભરોસેાનું ખંડન તો ન કરવું પડત!’

‘મારો દિકરો ચોર હતો...!’ એ ધીમેથી બબડી, ‘આના કરતાં તો એ જન્મતાંવેંત જ મરી ગયો હોત તો સારૂ થાત!’

‘મૃત્યુ પામેલા માણસની ટીકા ન કરવી જોઈએ માજી...! એ સારો માણસ હોય કે ન હોય, પરંતુ એણે કુટુંબ માટે જ કંઈ કર્યું છે, તેને આપે ન ભૂલવું જોઈએ. માણસ ઘણી વખત પોતાના કુટુંબ માટે પોતાની જાતને બરબાદીની ખાણમાં ધકેલી દે છે! દિલાવર સાથે પણ કદાચ આવું બન્યું હોય તે બનવાજોગ છે.’ દિલીપે વાકૂપટુતાની જાળ પાથરીને એક માની સૂતેલી ભાવનાને જાગૃત કરવાનો પ્રયાસ કરતાં કહ્યું.

‘હા...કદાચ આ જ કારણ હતું દિકરા...!’ વૃદ્ધા પીડાભર્યા અવાજે બોલી. ‘પાંચ વર્ષ પહેલાં અમે ચંદનપુરમાં રહેતાં હતાં દિલાવરે બી.કોમ. સુધી અભ્યાસ કર્યો. એણે નોકરી મેળવવા માટે પુષ્કળ પ્રયાસો કર્યા. પરંતુ એના નસીબમાં નોકરી નહોતી. આ દરમિયાન હું ગંભીર બિમારીમાં પટકાઈ પડી. ઘરમાં ખાવા-પીવાના પણ સાંસા પડવા લાગ્યા. દિલાવરના પિતાજી એકાદ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. તેઓ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. આવકનું સાધન સમાપ્ત થઈ ગયું. ખેર, હું બિમાર પડી, ત્યારે દિલાવરે પોતાની પહેલી કમાણી રૂપે પંદર હજાર રૂપિયા મને આપ્યા. આનંદના અતિરેકમાં, એણે આટલી મોટી રકમ ક્યાંથી કાઢી, એ વાત હું તેને પૂછતાં જ ભૂલી ગઈ. પાછળથી પૂછ્યું ત્યારે એણે હસીને મારી વાત ઊડાવી મૂકી. પોતે પોતાના એક મિત્ર સાથે ભાગીદારીમાં બિઝનેસ કરે છે, એવો જવાબ એણે મને આપ્યો હતો.’

‘માજી...! આપ દિલાવરની પહેલી કમાણી જ ન સ્વીકારી હોત, તો આજે એ જીવતો હોત!’

‘હા, દિકરા...પરંતુ એ વખત એવો હતો કે મને મારા દિકરા કરતાંય પૈસા વધુ વહાલા લાગ્યા હતા.’

‘જુઓ માજી...! દિલાવર તો હવે નથી રહ્યો, પરંતુ એના જેવા જ દિકરાઓની કમી નથી કે જેઓ, ભવિષ્યમાં આવા નરાધમો પાસે પહોંચી જશે અને ફરીથી ઈતિહાસનું પુનરાવર્તન થશે. કેટલીયે માતાઓના પુત્રો મોતની અંધારી ખીણમાં ધકેલાઈ જશે. ફૂલ ખીલતાં પહેલાં જ કરમાઈ જશે. કાલે ઊઠીને એક બીજો દિલાવર પોતાના દેશ સાથે વિશ્વાસઘાત કરે એમ આપ ઈચ્છો છો?’

‘ના...’ વૃદ્ધા રડમસ અવાજે બોલી, ‘ભવિષ્યમાં કોઈ દિલાવર ન બનવો જોઈએ...!’

‘તો પછી આપ જે કંઈ જાણતા હો, એ આપે મને કહેવું પડશે!’

‘કહીશ દિકરા...બોલ શું જાણવું છે તારે?’

‘દિલાવરના મિત્રો કોણ કોણ હતા?’

‘દિલાવરનો માત્ર એક જ મિત્ર અહીં આવતો હતો. એનું નામ મધુકર હતું દિકરા! દિલાવરના કહેવા પ્રમાણે તે મધુકરની સાથે જ ભાગીદારીમાં જ બિઝનેસ કરતો હતો.’

‘માજી...આપ મધુકરના દેખાવનું વર્ણન મને જણાવી શકો તેમ છો?’ દિલીપે આશાભર્યા અવાજે પૂછ્યું.

જવાબમાં થોડી પળો સુધી વિચાર્યા બાદ વૃદ્ધાએ તેને મધુકરનું વર્ણન જણાવી દીધું.

વર્ણન જાણ્યા પછી દિલીપ એકદમ ચમકી ગયો.

વૃ્દ્ધાએ જે વર્ણન જણાવ્યું હતું, એ બરાબર એવો જ દેખાવ ધરાવતો માણસ વિનોદને તેના ઘર સુધી મારૂતી કારમાં મૂકી ગયો હતો. એટલું જ નહીં, ત્યાર પછી એ માણસ બે વખત વિનોદને ત્યાં જઈ ચૂક્યો હતો. તો એનો અર્થ એ થયો કે વિનોદ પણ બ્લેક કોબ્રા ગેંગની સાથે સંકળાયેલો છે. શું એની પત્ની કંચન પણ આ વિશ્વાસઘાતીઓની ટોળીમાં સામેલ છે? દિલીપે વિચાર્યું.

એ માણસ વિશે આટલી જલદીથી કોઈક સૂત્ર મળશે એવી કલ્પના દિલીપે નહોતી કરી.

‘માજી, આપે મને જે વર્ણન જણાવ્યું છે તે ખોટું નથી એની આપને પૂરી ખાતરી છે?’ એણે વ્યાકુળતાથી પૂછ્યું.

‘હું તારી પાસે ખોટું બોલું છું એમ તું માને છે?’ વૃદ્ધાએ ચમકીને સામો સવાલ કર્યો.

‘ના, એવું કંઈ નથી.’

‘માજી...મારો સવાલ એવો છે કે જેનો જવાબ આપ કદાચ ન આપવા માંગતો હતો!’

‘તુ પૂછ તો ખરા?’

‘શું દિલાવરનો કોઈ મિત્ર આપને કંઈ ભેટ આપી ગયો છે?’

‘ભેટ, એટલે...?’

‘પૈસા...વિગેરે...’

‘ના, એવું તો કંઈ નથી. પરંતુ તેનો કોઈક મિત્ર એક મોટી સૂટકેસ જરૂર આપી ગયો છે. એના કહેવા મુજબ તે એ સૂટકેસ દિલાવર પાસેથી વાપરવાના માટે લઈ ગયો હતો. અને હવે પાછી આપવા માટે આવ્યો છે.’

‘તેના એ મિત્રને આપ ઓળખો છો?’

‘ના..અગાઉ મેં ક્યારેય તેને નહોતો જોયો.’ વૃદ્ધાએ વિચિત્ર અવાજે કહ્યું.

‘શું એ સૂટકેસ મને બતાવશો?’

‘જરૂર...’ કહીને તે બહાર નીકળી ગઈ.

થોડી વાર પછી એ પાછી ફરી ત્યારે એના હાથમાં એક મીડીયમ સાઈઝની સૂટકેસ જકડાયેલી હતી.

‘આમાં કંઈક સામાન ભર્યો હોય એવું લાગે છે.’ વૃદ્ધાએ સૂટકેસને તેની સામે મૂકીને અચરજભર્યા અવાજે કહ્યું.

‘આપે સૂટકેસ ઉઘાડીને નથી જોઈ?’

‘ના..’

‘ખેર, આની ચાવી ક્યાં છે?’

વૃદ્ધાએ ચૂપચાપ એના હાથમાં ચાવી મૂકી દીધી.

દિલીપે ચાવીની મદદથી તાળું ખોલ્યા પછી સૂટકેસનું ઢાંકણ ઉઘાડ્યું.

વળતી જ પળે બંને એકદમ ચમકી ગયાં.

ઓછામાં ઓછા દોઢ-બે લાખ રૂપિયા હશે એવું અનુમાન દિલીપે કર્યું.

‘આ પૈસા દિલાવરની જિંદગીની કિંમત છે...!’ એ ધીમેથી સ્વગત બબડ્યો.

‘તે કંઈ કહ્યું...?’

‘ના...’ દિલીપે વાત બદલાવી નાંખી, ‘આ પૈસા કદાચ દિલાવરના જ હતા. આપ રાખી લો...! આપના તથા બાળકોનાં ભવિષ્ય માટે કામ આવશે’

વૃદ્ધાએ કંઈ જવાબ ન આપ્યો.

એ આશ્વર્યચક્તિ નજરે ક્યારેક સૂટકેસમાં પડેલાં નોટોનાં બંડલો સામે, તો ક્યારેક દિલીપ સામે તાકી રહી હતી.

‘આ પૈસા પાપની કમાણીનો છે દિકરા...!’ છેવટે એ ધીમેથી બબડી, ‘હું એ રાખી શકું તેમ નથી.’

‘ના, માજી...! આ પેસા દિલાવરે પોતાના પ્રાણનો ત્યાગ કરીને મેળવ્યા છે. જો આપ આ પૈસા નહીં રાખો તો એના આત્માને ક્યાંય ચેન નહીં પડે! આપ પોતે જ વિચારો...કુટુંબના હિત ખાતર જ દિલાવરે પાપનો માર્ગ પર પગલું ભર્યું હતું.’

‘પણ...’

‘આ વાત આપ, આપના સુધી જ સિમિત રાખો. પોલીસ આ મામલામાં કોઈ જ માથું નહી મારે! આ રકમમાંથી આપ બંને બહેનોના લગ્ન કરી શકશો...આ જ રકમ આપના ઘડપણનો ટેકો બની શકે તેમ છે!’

‘ઠીક છે દિકરા...’

‘માજી...હું દિલાવરના રૂમની તલાશી લેવા માગુ છું. એની રૂમમાંથી તેના ખૂની સુધી પહોંચી શકાય એવી કોઈક ચીજ-વસ્તુ મળી આવે તે બનવાજોગ છે. આપને કંઈ વાંધો તો નથી ને?’

‘ના...’

‘તો પછી ચાલો...એક મિનિટ...પહેલાં આપ આ સૂટકેસનો તાળું મારીને કબાટમાં મૂકી દો. આટલી મોટી રકમ જોઈને કોઈની પણ દાનત બગડી શકે તેમ છે. બે-ચાર દિવસ પછી વાતાવરણ જરા હળવું થાય, ત્યારે બેંકમાં જમા કરાવી દેજો.’

ત્યારબાદ એણે સૂટકેસને તાળું મારીને ચાવી વૃદ્ધાના હાથમાં મૂકી દીધી.

વૃદ્ધાએ સૂટકેસને સાચવીને કબાટમાં મૂકી દીધી, પછી કબાટને પણ તાળું મારી દીધું.

એ દિલીપને દિલાવરના ખંડમાં લઈ ગઈ.

ખંડમાંથી તલાશી દરમિયાન દિલીપને માત્ર એક ડાયરી જ મળી.

વૃદ્ધાની મંજુરીથી એણે એ ડાયરીને ગજવામાં મૂકી દીધી.

ત્યારબાદ વૃદ્ધાના આગ્રહથી ચા પીને એ રવાના થયો ત્યારે નાસીરખાનની આંખોમાં તેના પ્રત્યે ઉપેક્ષા અને નફરતના હાવભાવ છવાયેલા હતા.

***

જીપ સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની આલિશાન ઈમારત પાસે પહોંચીન ઊભી રહી.

મધુકર ઊર્ફે ભગતનું કાળજુ ધકધક થતું હતું.

અત્યારે તેઓ ગાર્ડની દયા પર હતા.

જો ગાર્ડને શંકા ઉપજે, તો તેઓ ક્યાંય નાસી પણ શકે તેમ નહોતો.

જો સંતોષકુમાર કોઈ જાતની તીડીબાજી કરે તો તેઓ કોઈ કાળે બચી શકે તેમ નહોતાં.

ગાર્ડની રાઈફલમાંથી છૂટેલી ગોળીઓ ઘડીના છઠ્ઠા ભાગમાં તેમને સ્વધામ પહોંચાડી શકે તેમ હતી.

સંતોષકુમારને જોઈને ચીફ ગાર્ડ રહેમતખાન તેની નજીક આવ્યો.

‘ગુડ મોર્નિંગ સંતોષ સાહેબ!’ એણે સન્માન સૂચક અવાજે કહ્યું, ‘ફરમાવો...શા માટે આવવું પડ્યું?’

‘શા માટે શું?’ આજે રવિવાર છે. બેંકની સલામતિની વ્યવસ્થાનું ચેકીંગ કરવાનું છે.’ સંતોષકુમાર શાંત અવાજે બોલ્યો,

‘પરંતુ આપની સાથે આવેલા આ લોકો કોણ છે?’ રહેમતખાને શંકાભરી નજરે ભગત એન્ડ કંપની સામે જોયું.,

‘જુનિયર એન્જીનીયરો છે....! હજુ નવા નવા જ આવ્યા છે. પરંતુ ખૂબ જ પ્રભાવશાળી અને વિશ્વાસું માણસો છે.’ સંતોષકુમારે હળવું સ્મિત ફરકાવતાં કહ્યું, ‘આ ત્રણેયને બેંક ઓફ બરોડાનો ચાર્જ આપવાનો છે. ત્યાંની સલામતિની વ્યવસ્થા આ લોકોએ જ સંભાળવાની છે, આ બેંક જેવું જ કામ ત્યાં કરી શકાય એટલા માટે તેઓ મારા સાથે આવ્યા છે.’

આ દરમિયાન ભગત પોતાના સાથીદારો સાથે જીપમાંથી કેનવાસના થેલા ઉતારવાના કામમાં પરોવાઈ ગયો હતો.

ત્રણેયના ધબકારા એકદમ વધી ગયા હતા.

‘ભાઈ અસલમ...’ રહેમતખાને એક ગાર્ડને ઉદ્દેશીને કહ્યું, ‘મુખ્ય દ્વાર ઉઘાડી આપજે, ત્યાં સુધીમાં હું પાન ખાઈને આવું છું.’

‘યસ સર...’ એક યુવાન ગાર્ડ જેનું નામ અસલમ હતું, એ તત્પર અવાજે બોલ્યો,

રહેમતખાન જીપ પાસેથી પસાર થતી વખતે કેનવાસના થેલા પાસે અટકી ગયો.

એક થેલામાં નાનકડું ગેસ સિલિન્ડ પડ્યું હતું.

એણે એ થેલાનું મોં ઉઘાડીને જોયું.

‘આ ગેસ સિલિન્ડર જ છે ને સંતોષ સાહેબ?’ એણે આંખો પટપટાવતા કહ્યું.

‘હા...’ એના અણધાર્યા સવાલથી સંતોષકુમાર સહેજ ડઘાઈ ગયો હતો.

‘આનું વળી આપ શું કરશો સાહેબ?’

‘એ તમને નહીં સમજાય મિસ્ટર! જો સમજાયું હોત તો અત્યારે તમે ક્યાંક એન્જીનીયર હોત...!’ સંતોષકુમારે પોતાના ગભરાટ પર કાબૂ મેળવતાં કહ્યું.

ભગત, મનમોહન અને સુરેશના હોશ ઉડી ગયા હતા.

ચાલક ચીફ ગાર્ડને કારણે પોતાની યોજના પર પાણી ફરી વળશે એવો ભય તેમને સતાવતો હતો.

‘પરંતુ આજ પહેલાં તો આપ ક્યારેય આવું સિલીન્ડર નથી લાવ્યા?’

‘તમારી વાત સાચી છે.’ સંતોષકુમાર આરામથી બોલ્યો.

એનું દિમાગ ઝપાટાબંધ કામે લાગી ગયું હતું.

‘તો પછી આજે એનું શું કામ પડ્યું છે?’

‘આજે જુના કનેકશનો કાઢી સેફ્ટી સીટ કાપીને નવી સીટ નાંખ્યા પછી ફરીથી કનેકશન આપવાનું છે! અમે છીણી હથોડીથી સેફ્ટી સીટ કાપીશું એમ તમે માનો છો?’ સંતોષકુમારના અવાજમાં એક જાતની કઠોરતા હતી. ‘જો તમને કંઈ વાંધો હોય તો અમે પાછાં ચાલ્યા જઈએ.’

‘મિસ્ટર રહેમત!’ લોખંડને ગરમ જોઈને ભગતે ઘા કર્યો, ‘તમે ચીફ ગાર્ડ હોવાને નાતે દરેક વસ્તુને શંકાની નજરે જુઓ એ સારી વાત છે! પરંતુ સંતોષ સાહેબ સાથે આવું અઘટિત, અપમાન ભર્યું વર્તન દાખવીને તમે તમારી સર્વિસ બુક કાળી કરવા માંગો છો?’

‘પણ હું તો મારી ફરજ...’

‘જો હું સંતોષ સાહેબના સ્થાને હોત, તો તમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરી ચૂક્યો હોત!’ ભગત વચ્ચેથી જ તેની વાતને કાપી નાંખતા કચડાકીથી બોલ્યો, ‘તમે આટલા જવાબદાર ઑફિસર પર શંકા કરીને તમારી મૂર્ખાઈનું પ્રદર્શન કરો છો...! તમને ચીફ ગાર્ડ કોણે બનાવી દીધા એની જ મને તો નવાઈ લાગે છે.’

રહેતમખાને આવા ઠપકાની આશા નહોતી રાખી.

એના કંઠ સૂકાવા લાગ્યો.

ચ્હેરો કાગળ જેવો સફેદ થઈ ગયો.

‘સ...સોરી...સર!’ એ થોથાવતા અવાજે બોલ્યો.

‘કંઈ વાંધો નહીં...!’ સંતોષકુમારે બાજી સંભાળી લેતાં કહ્યું, ‘અત્યારે તો તમને જવા દઉં છું. પરંતુ ભવિષ્યમાં જે કંઈ કરવું હોય, તે બરાબર સમજી-વિચારીને જ કરજો.’

‘જી, સર...!’ રહેતમખાન ઝડપખી બોલ્યો, ‘ભવિષ્યમાં હું આપને ફરિયાદ કરવાની તક નહીં આપું.’

‘ઓ કે...’

રહેમતખાન તક જોઈને ત્યાંથી ચાલતો થયો.

‘મુખ્ય દ્વાર ઉઘાડી નાંખ્યું છે સર!’ અસલમ નામનો ગાર્ડ ગભરાયેલા અવાજે બોલ્યો.

રહેમતને આપેલા ઠપકાની કદાચ તેને પણ અસર થઈ હતી.

‘ભલે...’ સંતોષકુમારે આદેશાત્મક અવાજે કહ્યું, ‘કોઈ ભૂલે ચુકેય અંદર ન પ્રવેશે એનું ખાસ ધ્યાન રાખજો. આ મામલો ખૂબ જ ખાનગી છે.’ કહીને તે બેંક તરફ આગળ વધી ગયો.

‘યસ સર...’

ભગત, મનમોહન અને સુરેશ કેનવાસના થેલા ઊંચકીને સંતોષકુમારની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

રિસેપ્શન ખંડમાં પહોંચીને સંતોષકુમારે દિવાલ પાસે ગોઠવેલી શંકર ભગવાનની મૂર્તિની ડાબી આંખમાં આંગળી ભરાવી.

વળતી જ પળે મૂર્તિનો પેટવાળો ભાગ અલગ થઈ ગયો.

ઉઘાડા પેટમાં બે સ્વીચો હતી.

સંતોષકુમારે બંને સ્વીચો દબાવી દીધી.

વાસ્તવમાં બેંકની મહત્વની જગ્યાએ ઓટોમેટિક વિડીયો કેમેરા ફીટ કરેલા હતા. અને આ વાત એક માત્ર સંતોષકુમાર જ જાણતો હતો.

‘તમે આ બંને સ્વીચો શા માટે ઓન કરી મિસ્ટર સંતોષકુમાર?’ ભગતે કઠોર અવાજે પૂછ્યું.

‘આગળના દરવાજાના વહેતા ઈલેકટ્રીક કરંટ બંધ થઈ જાય એટલા માટે!’ સંતોષકુમારે ભાવહીન અવાજે કહ્યું.

એની વાત સાંભળીને ત્રણેયના દેહમાં ધ્રુજારી ફરી વળી.

જો તેમણે ભૂલે ચૂકે ય દરવાજાને સ્પર્શ સુધ્ધાં કર્યો હોત તો તેઓ ચોક્કસ જ મૃત્યુ પામત!

‘ભૂગર્ભમાં આવેલા વોલ્ટમાં જવાનો આ જ માર્ગ છે?’ ભગતે લોખંડના દ્વાર તરફ સંકેત કરતાં પૂછ્યું.

‘ના...’

‘તો...?’

‘દર આઠ ફૂટના અંતરે આવા કુલ સાત દરવાજા બનેલા છે. દરેક દરવાજામાં એલાર્મ ફીટ કરેલા છે. પહેલાં દરવાજામાં ચાર હજાર વોલ્ટનો ઈલેકટ્રીક કરંટ વહેતો હતો. બીજા દરવાજાને સ્પર્શવાથી મશીનગનની ગોળીઓ છૂટવા માંડે છે અને પહેલો દરવાજો બંધ થઈ જાય છે. ત્રીજા દરવાજાને અડકવાથી ઝેરી ગેસ છૂટે છે અને બીજો દરવાજો બંધ થઈ જાય છે. ચોથા બારણાને સ્પર્શતાંની સાથે જ ઉપર છતમાં લટકતા વજનદાર પથ્થરો નીચે આવી પડે છે. બાકીના ત્રણેય દરવાજાઓ પર પણ આવા જ યમદૂતો બેઠા છે.’

‘તો પછી આપણે વોલ્ટ રૂમમાં કેવી રીતે દાખલ થશું?’ ભગતે પૂછ્યું.

‘એના માટે કોમ્પ્યુટરોના બળતણનો નાશ કરવો પડે છે. એક મીની હાઈ પાવર જનરેટર કોમ્પ્યુટરો માટે બળતણ પૂરું પાડવાનું કામ કરે છે. જો હું એ જનરેટરને કોઈ પણ રીતે નકામુ કરી શકું તો કામ પતી જશે.’ સંતોષકુમારે ધીમેથી કહ્યું.

ત્રણે યે રાહતનો શ્વાસ લીધો.

‘એ જનરેટર ક્યાં છે?’ છેવટે મનમોહને પોતાની પૂળા જેવી મૂંછોને વાળ ચડાવતાં પૂછ્યું.

‘આ સાતે ય દરવાજાની પાર...બીજી તરફ...!’

‘એટલે?’

‘એ જનરેટર મેઈન વોલ્ટની એક તિજોરીમાં છે!’

‘તો પછી આપણે ત્યાં સુધી કેવી રીતે પહોંચીશું?’

‘ત્યાં સુધી માત્ર હું જ જઈ શકું છું. અને એ પણ એકલો જ...! તમને સાંભળીને નવાઈ લાગે છે ને?’

‘પરંતુ માત્ર તમે જ શા માટે જઈ શકો છો?’

‘એટલા માટે કે ત્યાં જવાના માર્ગની મને ખબર છે. આ માર્ગ એકદમ સુરક્ષિત છે. પરંતુ એ માર્ગેથી અઠવાડિયા દરમિયાન માત્ર એક જ વ્યક્તિ પસાર થઈ શકે છે. ને આવી શકે છે. જો એકથી વધુ માણસો એ માર્ગેથી પસાર થશે, તો ગુપ્ત માર્ગમાં પાથરેલી સુરંગો ફાટશે અને એ માણસના ચીંથરા ઊડી જશે...’

‘અમને તો આવો કોઈ ગુપ્ત માર્ગ નથી દેખાતો.’ સુરેશ રોમાંચભર્યા અવાજે બોલ્યો.

જવાબમાં સંતોષકુમાર એેક દીવાલ પાસે પહોંચ્યો.

દીવાલ પર આરસની તકતીઓ બેંકની સ્થાની વિશે શિલાલેખ લખ્યો હતો.

એણે એ લખાણના અમુક અક્ષરો દબાવ્યા.

વળતી જ પળે એક ગડગડાટ થયો.

ત્યારબાદ એ દીવાલ નીચેની જમીનની બે ટાઈલ્સ એક તરફ સરકી ગઈ.

જમીન પર ઉઘાડા થેલા બાકોરામાં નીચે ઉતરવાનાં પગથિયાં નજરે ચડતાં હતાં.

દરેક પગથિયાં અલગ અલગ રંગનાં હતાં.

‘આ સુરંગમાં પણ કોઈ ખાસ વાત છે?’ મનમોહને પૂછ્યું.

‘હા...તમારું અનુમાન સાચું છે. આ બેંકમં ડગલે ને પગલે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણસર જ તે અત્યાર સુધી સુરક્ષિત રહી શકી હતી. આ પગથિયાં ઉતરવાની પણ ખાસ રીત છે. ક્યા પગથિયાં પર પગ મૂકવાનો છે ને ક્યાં પગથિયાં પર નહીં, તેની ખબર હોય, એ માણસ જ આ સુરંગમાં પ્રવેશી શકે છે!’

‘વાહ...ખરેખર તમારી બુદ્ધિને દાદ આપવી પડશે મિસ્ટર સંતોષકુમાર...!’ ભગત પ્રશંસાભર્યા અવાજે બોલ્યો.

‘હું પાછો ન આવું ત્યાં સુધી તમે ત્રણે ય અહીં ઊભા રહેજો.’ સંતોષકુમારે કહ્યું.

‘જો તમારા મનમાં અમને થાપ આપવાનો કોઈ વિચાર હોય તો તેને અત્યારે---આ પળે જ તિલાંજલિ આપી દેજો. તમારી પત્ની અને બાળકો અમારા સાથીદારના કબજામાં જ છે. એક તરફ અહીં તમે ચાલકી વાપરવાનો પ્રયાસ કરશો અને બીજી તરફ આ ટ્રાન્સમીટર યુક્ત ઘડિયાળ મારફત મારા સાથીદારને તેની જાણ થશે.’ ભગત તેને પોતાના કાંડા પર બાંધેલી ટ્રાન્સમીટર યુક્ત ઘડિયાળ બતાવતાં બોલ્યો,‘અને જાણ થયા પછી તે તમારા કુટુંબની શી હાલત કરશે એ કહેવાની મને જરૂર નથી લાગતી કારણ કે તમે મૂરખ નથી! તમારા કુટુંબનું હિત શેમાં છે, એ તમે બરાબર સમજી વિચારી શકો તેમ છો.’

‘હું કોઈ જાતની ચાલાકી વાપરવા નથી માગતો. મારા કુટુંબીજનોનો જીવ જોખમમાં છે, એની મને ખબર છે. મારે જો ચાલાકી વાપરવી હોચ તો અત્યાર સુધીમાં તમારા ત્રણેયના મૃતદેહો અહીં પડ્યા હોત! તમને આ ટ્રાન્સમીટરનું બટન દબાવવાની પણ તક ન મળત સમજ્યા? અને આમે ય મારા પર ભરોસો મૂક્યાં વગર તમારે છૂટકો જ નથી.’ ભગતની કંી જ અસર ન થઈ હોય એવા અવાજે સંતોષકુમારે કહ્યું.

વાત પણ સાચી હતી.

‘ઠીક છે, તમે જઈ શકો છો...પરંતુ પાછો તમારા દર્શનનો લાભ ક્યારે આપશો?’

‘એટલે...?’

‘એટલું ય ન સમજ્યાં?’

‘ના...’

‘એટલે એમ કે જનરેટર ફેઈલ કરીને પાછા ક્યારે પધારશો?’

‘અડધા કલાકમાં...!’

‘એનાથી વધુ સમય તો નહીં લાગે ને?’

‘ના...’

‘ઠીક છે, જાઓ...’

‘પરંતુ તમે ત્રણે ય અહીં જ ઊભા રહેજો અહીંથી ક્યાંય આડા-અવળા થશો નહીં...! જો તમે ક્યાંય જાઓ અને પછી વૈજ્ઞાનિક ચમત્કારનો ભોગ બની જાઓ તો પછી મારો વાંક કાઢશો નહીં!’ સંતોષકુમારના અવાજમાં ચેતવણીનો સૂર હતો.

‘ઠીક છે..!’ ભગતે બેદરકારીભર્યા અવાજે કહ્યું.

અલબત્ત, મનોમન તેનું હૈયું બે-ત્રણ ધબકારા ચૂકી ગયું હતું.

મનમોહન અને સુરેશની પણ એવી જ હાલત હતી.

તેમના ધબકારા પણ વધી ગયા હતા.

સંતોષકુમાર ગુપ્ત માર્ગ તરફ આગળ વધ્યો.

જતાં પહેલાં એણે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો.

ત્યારબાદ તે વિચિત્ર રીતે પગથિયાં પર પગ ટેકવતો નીચેના ભાગે ગુમ થઈ ગયો.

ત્રણે ય ગુપ્ત માર્ગ પાસે જ કિંકર્તવ્ય વિમૂઠ જેવી હાલતમાં બેસીને સંતોષકુમારના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા.

આ સ્થળ તેમને ખૂબ જ જોખમી લાગતું હતું.

ત્રણેય જાત જાતના સવાલો મૂંઝવતા હતા.

સંતોષકુમાર, ભૂગર્ભમાંથી જ કોઈક ગુપ્ત માર્ગ મારફત બહાર નીકળી, પોલીસને બોલાવીને તો નહીં આવે ને?’

એ કોઈક ચાલબાજી રમશે તો?

નીચે જઈને તે કોઈક બટન દબાવશે અને પોતે જ્યાં બેઠા છે, એ જમીન સરકી જશે અને પોતે ત્રણે ય નીચે કોઈક અગોચર મોતના જડબામાં ધકેલાઈ જશે તો?

આવા અનેક સવાલોની તેઓ કલ્પના કરતા હતાં.

પરંતુ કલ્પાનને છેડે હંમેશા અસત્ય જ રહેલું હોય છે.

તેઓ માનતા હતા એવું કશું જ ન બન્યું.

બરાબર ઓગણત્રીસ મિનિટ પછી ગુપ્ત માર્ગ પર સંતોષકુમાર દેખાયો.

પછી પહેલા સુરંગમાંથી એનું માથું બહાર નીકળ્યું અને ત્યારબાદ સમગ્ર દેહ!

‘શું થયું...?’ ભગતે ઉત્સુક અવાજે પૂછ્યું.

મનમોહન અને સુરેશના ચહેરા પર પણ એ જ સવાલ ડોકિયાં કરતો હતો.

‘બીજું શું થાય?’

‘કામ પતી ગયું?’

‘હા...હવે આ બેંકની સલામતિની તમામ વ્યવસ્થા છ કલાક માટે નિંદ્રાધિન બની ગઈ છે.’

‘છ કલાક માટે?’

‘હા...’ સંતોષકુમારે ભાવહીન અવાજે કહ્યું. ‘આ બેંકની બરબાદીનું કારણ પણ હું જ બનીશ, એવી તો મેં સપનામાંય કલ્પના નહોતી કરી!’

‘તમે કશીયે ફિકર કરશો નહીં મિસ્ટર સંતોષકુમાર...!’

‘આ લૂંટથી મારી આબરૂને...મારી પ્રતિષ્ઠાને કેટલો ફટકો પડશે એ તો મારું મન જાણે છે!’

‘બહુ બહુ તો તમને સસ્પેન્ડ કરી નાંખવામાં આવશે, એથી વધારે બીજું શું થશે?’ તમારી હાલત અમે બરાબર રીતે સમજીઓ છીએ મિસ્ટર સંતોષકુમાર! પૈસાના આ દરિયામાંથી તમને પણ ખોબો ભરવાની તક આપવામાં આવશે. આ દુનિયામાં પૈસાથી મોટું સુખ બીજું એકે ય નથી. પૈસો આજના કળિયુગનો ભગવાન છે!’

‘ના...પૈસાનો મને એટલો મોહ નથી કે તેને હું ભગવાનનો દરજ્જો આપી શકું! ઉપરાંત આપણે જેને ભગવાન કહીએ છીએ તે લૂંટ કરવાની પ્રાપ્ત નથી થતો! સાધનાથી પ્રાપ્ત થાય છે...! પૂજાથી મળે છે...! ગરીબ લોકોની સેવા કરવાથી મળે છે!’ મારે માટે તો એ જ ભગવાન છે!’

‘બરાબર છે, પરંતુ અમારો ભગવાન તો પૈસા જ છે!’

‘તો તમે ભગવાનને લૂંટવા માટે આવ્યા છો એમ ને?’

‘ના...તમારી માન્યતા ખોટી છે!’

‘તો...?’

‘અમે અહીં પૈસારૂપી ભગવાનને લૂંટવા માટે નહીં, પણ તેમને કેદમાંથી મુક્ત કરવા માટે આવ્યા છીએ! આ બેંકનાં લૉકરોમાં પૈસારૂપી ભગવાનને કેદ કરી રાખવામાં આવ્યો છે, અને અમે અમારા ભગવાનને કેદ થયેલા નહીં, પણ મુક્ત વાતાવરણમાં શ્વાસ લેતાં જોવા માંગીએ છીએ.’ મનમોહને કહ્યું.

એની વાત સાંભળીને ભગત તથા સુરેશ ખડખડાટ હસી પડ્યા.

‘તમારી આ વિચારધારા ખરેખર વિચિત્ર છે!’

‘હા...અને એ અત્યારે તમારે ગળે નહીં જ ઊતરે!’

સહસા ભગત એકદમ ચમક્યો.

એના ચમકવાનું કારણ હતું ટ્રાન્સમીટરયુક્ત ઘડિયાળમાંથી આવતું સિંગ્નલ!

બ્લેક કોબ્રા ગેંગનો બોસ તેની સાથે કોઈક જરૂરી વાત કરતો હતો.

ભગતના દેહમાં વિચિત્ર સનસનાટી ફરી વળી.

એણે ઘડિયાળમાંથી એરિયલ ખેંચી કાઢ્યું.

‘કોડવર્ડ...!’ સામે છેડેથી બોસનો બરફ જેવો ઠંડો, ભાવહીન સ્વર તેને સંભળાયો.

‘વાઈટ રોઝ...!’ ભગતે પોતાનો કોડવર્ડ જણાવ્યો.

‘રિપોર્ટ...!’

‘અમે ઓપરેશન થીયેટરમાં પહોંચી ગયા છીએ...! આપરેશન શરૂ કરવાની તૈયારીમાં જ છીએ!’

‘દર્દીની તબીયત કેવી છે?’ બોસનો સંકેત સંતોષકુમાર તરફ છે એ વાત ભગત સમજી ગયો.

‘બહુ સારી...ભાનમાં જ છે...! ટોપી સૂંઘાડવાની બાકી છે...!’

‘હવે હું જે કંઈ કહુ છું, તે ધ્યાનથી સાંભળજે...! વચ્ચે બોલીશ નહીં.!’

‘યસ સર!’

‘સાંભળ...આ લૂંટમાં બખેડો ઊભો થાય એવું કાઈ કામ હું નથી કરવા માગતે, સંતોષકુમાર તેના કુટુંબીજનો અને કેદ કરેલા એન્જીનીયરોને જીવતા જ રાખવાના છે. તેમને મારી નાખવાની કંઈ જ જરૂર નથી. તમારા ચારેયનાં સાચાં રૂપ વિષે તેઓ કંઈ જ નથી જાણતા એટલે આપણને કશું જ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. તેમના ખૂનો આપણે માટે જોખમરૂપ નીવડી શકે તેમ છે. સમગ્ર સરકારી તંત્ર આપણી વિરુદ્ધ સક્રિય બની જશે. જો આપણે માત્ર પૈસાથી જ સંતોષ માનીશું તો, આઠ ખૂનો કરવાની જેટલો બખેડો ઊભો થશે, તેટલો કદાચ નહીં થાય! કોઈ પણ સંજોગોમાં કોઈનું ય લોહી ન રેડાવું જોઈએ. મારી વાત સમજે છે ને તું?’

‘યસ સર...!’

‘ઓ. કે...’

સામે છેડેથી સંબંધ કપાઈ ગયો.

સંતોષકુમાર ચૂપચાપ પોતાના લાઈટર કમ સિગારેટ કેસ સાથે રમત કરતો હતો.

એના મોંમાંથી સીટીનો અવાજ નીકળતો હતો.

‘આ સીટી વગાડવાનું બંધ કરો...’ ભગતે એરીયલને વ્યવસ્થિત કરતાં તેને ધમકાવ્યો.

સંતોષકુમારે સીટી વગાડવાનું બંધ કર્યું.

‘મિસ્ટર ધાડપાડુ...!’ એ બોલ્યો, ‘મેં તમને કહ્યું છે કે તમારે જે કંઈ કરવું હોય તે છ કલાકમાં કરી નાખજો. અને આ છ કલાકમાંથી પંદર મિનિટ વેડફાઈ ગઈ છે. હવે તમારી પાસે પોણા છ કલાકનો સમય બચ્યો છે! આ પોણા છ કલાકમાં તમારે જે કંઈ કરવું હોય તે કરી લો.’

‘કેમ...? પોણા છ કલાકમાં જ શા માટે?’

‘એટલા માટે કે પોણા છ કલાક પછી કોમ્પ્યુટર દ્વારા, જે સરકીટને કારણે તેને બળતણ નથી મળતું, એ સરકીટનું નવેસરથી નિર્માણ થઈ જશે.’ સતોષકુમારના અવાજમા કટાક્ષનો સૂર હતો, ‘અને કોમ્પ્યુટને આવું કરતાં સ્વયં હું પોતે પણ અટકાવી શકું તેમ નથી.’

‘શું...?’

‘હા, મિસ્ટર...!’ સંતોષકુમાર ભાવહિન અવાજે બોલ્યો, પાછળથી આ બાબતમાં મેં તમને જાણ નહોતી કરી એમ કહેશો નહી.!’

‘તો પછી ચાલો...આ દરવાજાઓ ઉઘાડીને અમને લૉકરરૂમમાં પહોંચાડી દો!’

‘એક વાત મને નથી સમજાતી.’

‘શું...?’

‘વોલ્ટમાં જેટલાં લૉકરો છે એ બધામાં તો કંઈ માલ નહીં જ ભર્યો હોય?’

‘ના...’

‘તો પછી બધાં લૉકરોને તોડી શકાય એટલો સમય છે તમારી પાસે? ત્યાં ઓછામાં ઓછા આઠ હજાર લૉકરો છે! અને આ બધા લૉકરોને તોડવા માટે આઠ દિવસનો સમય પણ ઓછો પડે તેમ છે. જ્યારે તમારી પાસે તો માત્ર છ કલાકનો જ સમય છે!’

‘મિસ્ટર સંતોષકુમાર...આ બાબતમાં અમે તમને કશી યે તકલીફ નહીં આપીએ.’

‘એટલે...?’

‘એટલે એમ કે ક્યાં ક્યાં લૉકરો તોડવા અને ક્યાં ક્યાં નહીં, તેની અમને ખબર છે.’

‘ઓહ...’ કહીને સંતોષકુમાર દરવાજા તરફ આગળ વધી ગયો,

વીસેક મિનિટ પછી તેઓ ભૂગર્ભમા બનેલા એક વિશાળ વોલ્ટરૂમમાં ઊભા હતા.

વૉલ્ટરૂમની ચારેક દીવાલો એક ફૂટ જાડી અને લોખંડની હતી.

વૉલ્ટ રૂમ સુધી પહોંચવું એ જ મહત્વની વાત હતી.

ભગતે પોતાના ગજવામાંથી વિનોદે આપેલી, લૉકરોની યાદી કાઢી.

‘સૌથી પહેલાં બત્રીસ નંબરનુ લૉકર તોડો...’ એણે યાદીના કાગળ પર નજર દોડાવતાં કહ્યું.

મનમોહન અને સુરેશ કામે લાગી ગયા.

પાંચ મિનિટમાં જ તેમણે ગેસકટરની મદદથી બત્રીસ નંબરના લૉકરમાં દસ ઈંચના વ્યાકનું ગોળાકાર બાકોરૂ પાડી નાખ્યું.

ભગતે ચામડાના, કોણી સુધીના હાથ-મોજા પહેર્યાં.

પછી એણે લૉકરમાં હાથ નાખ્યો.

એ હાથ બહાર આવ્યો, ત્યારે તેમાં ઝવેરાતની, મખમલના બોક્સ જકડાયેલા હતા.

એણે બોક્સ ઉઘાડીને જોયું તો તેમાં હિરાજડિત કીમતી આભૂષણો પડ્યાં હતાં.

ત્રણેયના ચહેરા હજાર વોલ્ટના બલ્બની માફક ચમકી ઊઠ્યા.

જ્યારે સંતોષકુમાર ભાવહીન નજરે તેમની સામે તાકી રહ્યો હતો.

‘મિસ્ટર ધાડપાડું...!’ એ બોલ્યો.

ત્રણે યે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

તમે બોક્સમાં શુ છે ને શું નહીં, એ જોવા કરતાં તાબજતોબ બીજા લૉકરો તોડવાનું શરૂ કરી દો તો સારું...!’

‘કેમ...?’ અમે જોઈએ, એમાં તમારો ક્યો ગરાસ લૂંટાઈ જાય છે?’ સુરેશે તેનું વડકું ભરતાં પૂછ્યું.

‘મારો એકે ય ગરાસ નથી લૂંટાયો...પરંતુ તમને એટલું નુકસાન જરૂર થશે!’

‘કેમ...?’

‘તમારી પાસે સમય બહુ ઓછો છે, એ વાત તમે ભૂલી જતાં લાગો છો...! જો શું છે ને શું નહીં, એ જોવામાં જ સમય વેડફશો તો છ કલાક પૂરાં થતાં જરા પણ વાર નહીં લાગે!’

‘મિસ્ટર સંતોષકુમાર સાચું કહે છે!’ ભગત ગંભીર અવાજે બોલ્યો.

સમય બહુ ઓછો છે, એ વાતનું તેમને જાણે કે ભાન થઈ ગયું હતું.

ત્યારબાદ તેઓ સ્ફૂર્તિથી કામે લાગી ગયા.

યાદી મુજબ લૉકરો તૂટવા માંડ્યાં.

એ લૉકરોમાંથી કરોડો રૂપિયાની માલમત્તા નીકળી આવી.

‘હવે આપણી પાસે માત્ર એક જ કલાકનો સમય છે મિસ્ટર સંતોષકુમાર! આ એક કલાકમાં અમારે સ્ટ્રોંગરૂમ પણ ઉઘાડવાનો છે. ત્યાંથી અમારે થોડા કાગળો સમેટવા છે! એવા કાગળો કે જેની પાછળ આ દુનિયાના લોકો પાગલ બનીને દોડાદોડી કરી છે!’ મનમોહન કઠોર અવાજે કહ્યું.

‘ઓહ...તો આ કરોડો રૂપિયાના માલની તમને સંતોષ નથી એમ ને?’ સંતોષકુમાર નફરતભર્યા અવાજે બોલ્યો, ‘આ આંધળી લાલચે તમને...’

‘શટઅપ...! અમારે તમારું લેકચર નથી સાંભળવું.’ મનમોહને દાંત કચકચાવતાં કહ્યું, ‘તમને જેટલું કહેવામાં આવે છે, એટલું જ તમે તો કરો!’

‘ભલે, ચાલો...મને કંઈ વાંધો નથી.’

સંતોષકુમાર તેમને સ્ટ્રોંગરૂમનો લોખંડનો દરવાજો તોડવામાં જ પસાર થઈ ગયો.

અને પછી પાંચ મિનિટનું કામ બારી રહી ગયું હતું ત્યાં જ અચાનક સિલીન્ડરમાં ગેસ ખલાસ થઈ ગયો.

‘શું થયું...?’ સુરેશે સિલીન્ડર સામે જોતાં પૂછ્યું.

‘ગેસ ખલાસ થઈ ગયો...!’ મનમોહન નિરાશાભર્યા અવાજે બોલ્યો.

‘સત્યાનાશ...!’ ભગતે હોઠ પીસતાં કહ્યું, ‘જરૂર આ સિલીન્ડરમાં ઓછો ગેસ હતો. નહીં તો એક સિલીન્ડરમાં જ બધું કામ પતી જશે એવી મારી ગણતરી હતી.’

‘તારી ગણતરીમાં મારી ગણતરી ખોટી પડી એનું શું? ખેર, હવે આપણી પાસે બીજી કોઈ રીત બાકીનો ભાગ તોડવા જેટલો સમય નથી રહ્યો.’ સુરેશ બોલ્યો.

‘તું સાચું કહે છે...! હવે અહીંથી નાસી છૂટવામાં જ કલ્યાણ છે! બધો માલ થેલામાં ભરી લો અને અહીંથી વંજો આપવાની તૈયારી કરો.’ ભગતે ધૂંધવાતા અવાજે કહ્યું.

તેઓ ફરીથી વોલ્ટ રૂમમાં પહોંચ્યા.

વૉલ્ટરૂમની જમીન પર લૉકરોમાંથી નીકળેલી મત્તાનો ઢગલો મોટો ઢગલો પડ્યો હતો.

બધો માલ તેઓ થેલાઓમાં ભરવા લાગ્યા.

મોટા મોટા પાંચ થેલાઓ હતા. પાંચે ય થેલાઓ ચિક્કાર ભરાઈ ગયા. પરંતું તેમ છતાં ય હજુ પણ જમીન પર કરોડો રૂપિયાનો માલ પડ્યો હતો.

‘આપણે વધુ થેલાઓ લાવ્યો હોત તો સારૂ થાત!’ જાણે બાપ-દાદાનો ખજાનો નજર સામે લૂંટાઈ જતો હોય એવા અવાજે ભગત બોલ્યો.

મનમોહન અને સુરેશ તો પોતાના પેન્ટ અને કોટના ગજવાં પણ ભરી લીધા.

આ જોઈને સંતોષકુમારના ચ્હેરા પર કટાક્ષયુક્ત સ્મિત ફરકી ગયું. પછી તે હસી પડ્યો.

‘ચાર વાગવામાં વીસ મિનિટની જ વાર છે. વહે અહીંથી ગચ્છન્તિ થવુ જોઈએ!’ સુરેશ પોતાની કાંડાઘડિયાળમાં સમય જોતાં બોલ્યો.

ત્યારબાદ થેલાની ઉપર તેમણે બે-ચાર ઓજારો ગોઠવી દીધા.

મનોહરને બે થેલા ઊંચક્યા જ્યારે બાકીના ત્રણેયે એક એક થેલા ઊંચકી લીધા.

બહાર ગાર્ડ ચોકી કરતા હતા અને અંદર લૂંટ ચાલતી હતી.

તેઓ બહાર નીકળ્યા ત્યારે ગાર્ડે. જાણે એ લોકોએ લૂંટ ચલાવીને મોટો ઉપકાર કર્યો હોય, એમ તેમને સલામ પણ ભરી. ચીફ ગાર્ડ રહેમતખાને તો તેમના હાથમાંથી થેલાઓ ઊંચકીને જીપમાં પણ મૂકી આપ્યા. અલબત્ત, એણે આ કામ કર્યું ત્યારે એ ત્રણેયનાં કાળજા જરૂર ધકધક થતાં હતા.

જીપ રવાના થયા પછી ભગત, મનમોહન અને સુરેશે જાણે ફરીથી ક્યારેય તક ન મળવાની હોય એમ જોરથી લાંબા લાંબા શ્વાસો ખેંચ્યા. આ વખતે ડ્રાયવીંગસીટ પર ભગત બેઠો હતો.

‘બધું કામ બરાબર રીતે પતી ગયું!’ સુરેશ ગર્વભર્યા અવાજે બોલ્યો.

‘આની દરેક યોજના સફળતાપૂર્વક જ પાર પડે છે!’ મનમોહને ભગતનો ખભો થપથપાવતાં કહ્યું.

‘હવે મારું શું થશે?’ સંતોષકુમારે ભાવહીન અવાજે પૂછ્યું.

ત્રણેય એકદમ ગંભીર થઈ ગયા.

‘તમારા સહકાર માટે ખૂબ ખૂબ આભાર મિસ્ટર સંતોષકુમાર! તમારા સહકાર વગર મારી યોજના કોઈ રીતે પાર પડે તેમ નહોતી.’ ભગત બોલ્યો. ત્યારબાદ એણે સુરેશને ઉદ્દેશીને કહ્યું, ‘તું સંતોષ સાહેબને તેમને ઘરે મૂકી આવજે.’

‘હા...એ તો અગાઉથી જ નક્કી થઈ ગયું છે!’ સુરેશ ત્રાંસી નજરે સંતોષકુમાર સામે જોતાં અર્થસૂચક અવાજે બોલ્યો.

‘એક મિનિટ મારી વાત સાંભળ...!’ ભગતે જીપ ઊભી રાખી. પછી તે નીચે ઊતર્યો.

સુરેશ નીચે ઊતરીને તેની પાસે પહોંચ્યો.

‘શું વાત છે...? બોસ પ્રોગ્રામમાં કંઈ ફેરફાર કર્યો છે?’ એણે પ્રશ્નાર્થ નજરે ભગત સામે જોતાં પૂછ્યું.

‘હા...આપણે કોઈનુંય લોહી નથી રેડવાનું એવી કડક સૂચના બોસે આપી છે અને હું પણ એમ નથી ઈચ્છતો.’ ભગતે જવાબ આપતાં કહ્યું. ‘ત્યાં જઈને તું સંતોષકુમારને પણ બંધનગ્રસ્ત કરી દેજે. પછી દિવાનને લઈને રવાના થઈ જજે. પાછળથી ગુમનામ ફોન કરીને તેમના બંધનગ્રસ્ત હોવાની જાણ આપણે પોલીસને કરી દેશું.’

‘ભલે...’

‘તું અહીંથી જ કોઈક ટેક્સીમાં સંતોષકુમારને લઈને રવાના થઈ જા! હું, મનમોહન સાછે જીપમાં રાખેલો માલ સુંદરનગરવાળા બંગલામાં મોકલી આપું છું. તું સીધો ત્યાં જ પહોંચી જજે!’

‘એ તો હું પહોંચી જઈશ. પરંતુ તું ક્યાં જાય છે?’ સુરેશે આશ્વર્યસભર અવાજે પૂછ્યું.

‘મારે એક માણસને પચાસ હજાર રૂપિયા આપવાના છે. એ મારી રાહ જોતો હશે.’

‘એ તો તારે વિનોદને જ આપવાના છે ને?’

‘હા...’

‘ઠીક છે...’ તું રવાના થઈ જા...હું આગળ જઈને ટેક્સી કરી લઈશ અને મનમોહનને સુંદરનગર રવાના કરી દઈશ.’

ભગતે ધીમેથી માથું હલાવ્યું.

સુરેશ જીપમાં બેસીને રવાના થઈ ગયો.

ભગત આગળ વધ્યો. એની મંઝિલ વિનોદનું નિવાસસ્થાન હતી.

પછી સહસા તેની નજર એક પબ્લિક બૂથ પર પડી.

વળતી જ પળે તે પબ્લિક બૂથમાં દાખલ થઈ ગયો.

દસ સેંકડ મિનિટ પછી તે એક નંબર મેળવતો હતો.

***