Ajvadana Autograph - 8 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 8

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 8

અજવાળાંનો ઓટોગ્રાફ

(8)

ગળે મળવાનો સમય

સાંજ એટલે આંગળીઓ વચ્ચેની જગ્યા પૂરવાનો સમય. દિવસભર વિચારોના ટ્રાફિકમાં અટવાયેલા મનને, ગમતી વ્યક્તિના ખભાની ખુલ્લી જગ્યા પર શાંતિથી પાર્ક કરવાનો સમય. સાંજ વસ્તુઓ નહિ, વ્યક્તિઓ માંગે છે. સાંજ એટલે ડૂબતા સૂરજને જોઈને આપણી જાતમાં કશુંક ઉગાડવાનો સમય. તડકા અને તનાવથી ભડભડ બળતી જાતને કોઈ ગમતી વ્યક્તિના સ્પર્શથી ટાઢક આપવાનો સમય. સાંજ એટલે કોઈને ગળે મળવાનો સમય.

ઘરમાં એકલા રહેલા લોકો પર સાંજ હુમલો કરતી હોય છે. સાંજથી ઘવાયેલા કેટલાય લોકોને રાતે ઊંઘ નથી આવતી. જુનો પ્રેમ અને જુનો યાર યાદ આવે, સાંજ પડે ને કેટલીય ફરિયાદ યાદ આવે. દરેક સાંજ એકલા પડી જવાનો ડર લઈને આવે છે. રહેતા હોઈએ ઈચ્છાઓના કાચ-ઘરમાં ત્યારે સાંજ ઉદાસીનો પથ્થર લઈને આવે છે. આપણામાં લાગણીઓના હુલ્લડો ફાટી નીકળે અને આખી રાત કરફ્યુ લાગી જાય, એ પહેલા કોઈને મળી લેવાનો સમય. સાંજ એટલે કોઈને ગળે મળવાનો સમય.

સાંજ એટલે એવો સમય જ્યારે ઉદાસી ઘર ગણવા નીકળે. કબાટ ખોલીએ તો કોઈએ લખેલા કાગળો નીકળે અને વોલેટમાં કોઈના ફોટા. મોબાઈલની સ્ક્રીનને તાક્યા કરીએ, ને જોયા કરીએ લીસોટા. આપણે તો સાંજે ઓનલાઈન જ હોઈએ, પણ વાત કરવા કોઈ સામે ઓનલાઈન આવે નહિ. આ સાંજ એટલે એવો સમય કે આપણને આપણી જ સાથે ફાવે નહિ. મોબાઈલથી ત્રસ્ત થયેલી જાતને કળ વળવાનો સમય. સાંજ એટલે ગળે મળવાનો સમય.

સાંજ એટલે વહેંચી લેવાનો સમય. રંગીન આકાશની છત્રી હેઠળ ગમતી વ્યક્તિના સાનિધ્યમાં આવનારા સુગંધી અંધારાને આવકારવાનો સમય.

સુંદરતા એકલા જોવાની મજા નથી આવતી. કોઈપણ દ્રશ્ય વધારે સુંદર ત્યારે જ લાગે છે જ્યારે એ દ્રશ્ય આપણે ગમતી વ્યક્તિ સાથે શેર કરતા હોઈએ. સૂરજ ધરતીને ચૂમતો હોય, અજવાળું અને અંધારું એકબીજાને ગળે મળતા હોય એવા સમયે એકલા રહેવું, એ આપણી જાત પર કરેલો અત્યાચાર છે.

દિવસ દરમિયાન ભટકી ગયેલા લોકોને એકબીજા સાથે મેળવવા માટેની કુદરતે ઘડેલી એક સુનિશ્ચિત યોજના એટલે સાંજ.

સાંજે કાં તો મિત્રો સાથે જલસો કરવો ને કાં તો કરવો કોઈ સામાજિક વ્યવહાર. કોઈ ગમતી વ્યક્તિને મળી શકાય, તો સાંજ બની જાય તહેવાર. રોજ સવારે ઉઠીને ઈશ્વરને કરેલી પ્રાર્થનાઓ ફળવાનો સમય, સાંજ એટલે ગળે મળવાનો સમય.

રોજ સાંજે આપણા મનમાં પણ અંધારું ઘેરાતું હોય છે. ગમતા લોકો સાથે ગાળેલો સમય આપણી અંદર દીવો કરે છે. સાંજ એટલે આપણા કબજામાં અખંડ રાખેલા દિવસને વિદાય આપતા પહેલા સહિયારો કરવાનો સમય. માટીનું શરીર અને મીણ જેવું જીવતર લઈને, કોઈના હુંફાળા સ્પર્શથી ઓગળી જવાનો સમય. સાંજ એટલે ગળે મળવાનો સમય.

દરેક સાંજ પ્રશ્નપત્ર લઈને આવે છે. એ કોર્સની બહારના સવાલો પૂછે છે. એ વિખુટા પડેલા દોસ્તોના સરનામા માંગે છે, એ ટોળામાં હોવાના પુરાવા માંગે છે. દૂર રહેલા સ્વજને મોકલેલું કોઈ સંપેતરું તો નથી ને ? કોઈને યાદ કરવા માટે ઘડેલું, સાંજ એ સમયનું કોઈ કાવતરું તો નથી ને ?

તારાઓ એટલે ચમકે છે કારણકે સમૂહમાં હોય છે. આવનારા અંધકારમાં એક ગમતા સથવારાની સાથે ઝળહળવાનો સમય. સાંજ એટલે ગળે મળવાનો સમય.

-ડૉ. નિમિત્ત ઓઝા