Budhvarni Bapore - 7 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 7

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બુધવારની બપોરે - 7

બુધવારની બપોરે

(7)

ચશ્મઉ

નામ એમનું જલસુભાઇ. વાઇફને સીધું ‘વાઇફ’ કહીને જ બોલાવતા. અલબત્ત, વાઇફનું પોતાનું કહી શકાય એવું આગવું એક નામ હતું, ‘કદમ્બિની’. જ્ઞાતિમાં સદીઓથી ચાલી આવતી ફૅશન મુજબ, નામ અન્ય કોઇએ પાડ્યા ન હોય, એવા જ પાડવાના, પણ આખું ‘કદમ્બિની’ બોલાવતા ને બૂમ પાડતા તો કેટલાને ફાવે? કેટલાકને ‘કદ્દુ’ સહેલું તો પડ્યું, પણ ઘરમાં કોક વળી થોડું હિંદી ભણેલું નીકળ્યું અને સ્માઇલ સાથે સૂચન કર્યું, ‘‘કદ્દુને ગુજરાતીમાં ‘કોળું’ કે કોઇક વળી ‘દૂધી’ પણ કહે છે એટલે આવું ‘નીક નૅઇમ’ સારૂં નહિ લાગે. એટલે કદમ્બિનીને ઘરમાં બધા ‘બિની’ને નામે બોલાવતા. નામમાંથી આખે આખું કદમ્બ વૃક્ષ ઉખાડીને ફેંકી દેવાયું.

કહે છે કે, જલસુભાઇ ગયા જન્મમાં ઘણા હૅન્ડસમ હતા. આ જન્મમાં ઈશ્વરે એટલા જ જથ્થામાં શરીર આપ્યું, ચેહરો નહિ. ચેહરો આમ તો દેખાવડો, પણ....એના ઘટકતત્વોની વાત પછી કરૂં છું! જલસુભાઇ ઘણો નિરાળો માણસ. પોતાની પત્ની સિવાય બીજા કોઇની પત્ની ઉપર એમણે આંખ ઊંચી કરીને જોયું નથી....આંખ નીચી કરીને જોવાય એટલું જ જોવાનું. સવારે દાઢી કરતી વખતે સિસોટી વગાડવાનું એમને ગમે, પણ સાયન્સ એવું કહે છે કે, દાઢી કરવી અને સિસોટી વગાડવી ભિન્ન પ્રક્રિયાઓ છે, એક સાથે ન થાય. એ ભૂલી જવાયું અને એના મૂડમાં એક વાર તો આંખો ઉપરની ભ્રમરો છોલી નાંખી હતી. પણ માણસ સારો....એવું એ પોતે ય માનતા.

ત્રીજું કૅરેક્ટર એમનો પુત્ર-નામ ‘જોરદાર’, જેનામાં નામ પ્રમાણે ગુણો ઊગી નીકળવાના બાકી હતા. ચાર અક્ષરવાળા તો બધાઓના નામો બબ્બેમાં ટૂંકા થઇ જતા હોય, એમ જોરદારનું ‘જોરૂ’ થઇ શકે એવું નહોતું. હિંદીમાં જોરૂનો જુદો અર્થ થાય. સુપ્રિમ કૉર્ટે ભલે ચુકાદો આપ્યો, પણ આ જોરદારને કેવળ સ્ત્રીઓ પૂરતો ઈન્ટરેસ્ટ હતો. કાઠીયાવાડ બાજુના કોક સગાએ જોરૂને બદલે ‘જોરા’ નામ સૂચવ્યું, એ તાબડતોબ સ્વીકારાઈ ગયું. જોરા બમ્પીનો વર હતો, પણ સિંહ ન હતો.....એટલે ‘જોરાવરસિંહ’ રદ્દબાતલ કરવામાં આવ્યું. તે બમ્પી ય કોઇ ‘મીસ વૅનેઝૂએલા’ નહોતી. જેવો અને જેટલો દેખાય, એવો એનો ગોરધન એટલે કે હસબન્ડ એને ગમતો હતો.....એ પોતાની સૅલ્ફીઓ ય જોરા પાસે ખેંચાવતી, એવો પ્રેમ. ‘બમ્પી’ પાસે નામ પ્રમાણે ગુણ નહોતા, એટલે કે જ્યાં ને ત્યાં કૂદમકૂદ નહોતી કરતી. એ ટ્રાફિક-પોલીસ જેવી હતી.....શરીરના તમામ અંગોમાંથી કેવળ હાથ જ વધુ ચાલે અને એ ય જોરા ઉપર. ચેહરાના પ્રપૉર્શનમાં બૉડીમાં પ્રમાણસર માલ ભરાયો નહોતો, વધુ પડતો ભરાયો હતો, એટલે નામ પ્રમાણે કૂદાકૂદ તો જાવા દિયો....ખસમખસી પણ ભાગ્યે જ થઇ શકે એમ હતી. કહે છે કે, આ હસબન્ડ-વાઇફનો સાથે ફોટો લેવા માટે બે કૅમેરા ભેગા કરવા પડતા.

જલસુભાઇ અને બિનીએ પ્રમાણભાન પરફૅક્ટ રાખ્યું હતું અને સરકારી-સૅટ મુજબ એક દીકરો અને એક દીકરીથી સંતોષ માન્યો હતો. આ દીકરી એટલે ફિરોઝા. ઈંગ્લિશ ફ્લૂઍન્ટ બોલતી, પણ ગુજરાતમાં ફ્લ્યૂઍન્ટ ઈંગ્લિશ કોઇ સાંભળી પણ શકતું નથી, એને પાછી એ ખબર. એની પોતાની પસંદગીની હીરોઇનોમાં-ભલે બ્રાડ પિટથી છુટી પડી ગઇ હોય, પણ ઍન્જેલિના જૉલી ખૂબ ગમે. ઍન્જીના તો ફિરોઝાએ હજારેક ફોટા ભેગા કર્યા હશે. આખા વર્લ્ડમાં ઍન્જેલિના જેવા કોઇ સ્ત્રીના હોઠ નથી એવું ફિરોઝા કહે ખરી, પણ હોઠોના એ જ માપથી કોઇ વૅસ્ટ ઇન્ડિયનને ગમાડી લેવો એને ન ગમે. મૅરેજ કરી લેવા ફિરોઝા બેતાબ હતી, પણ ફાધર-મધર આળસુ નીકળ્યા એટલે કોઇ સ્પીડ પકડાઇ નહિ ને ફિરોઝા ડૅસ્પરેટ થઇ ગઇ....! આખી ન્યાતમાં.....કે ભલે ને બહારની ન્યાતમાં આંખે આટલા ભારે નંબરના ચશ્માવાળો મૂરતીયો એમ કાંઇ રેઢો પડ્યો હોય? માર્કેટમાંથી ‘રૅર’ ચીજો તો અમથી ય વહેલી ઉપડી જાય!

(૨)

હવે આ શાનદાર ફૅમિલીના મસ્તમજાના નામો એક વાર યાદ કરી લઇએ. જલસુ, (કદમ્બ)બિની, જોરા, બમ્પી અને ફિરોઝા. જ્ઞાતિ મુજબ અનન્ય અને અલૌકિક નામો પાડવાનો મહિમા મોટો. પણ આ લોકોના નામો મોંઢામાંથી થૂંક ઊડાડે એવા નહોતા. સુંદર હતા.

સોશિયલ-મીડિયાના વધુ પડતા વપરાશને કારણે આ લોકો એકબીજા સાથે ડાયનિંગ-ટૅબલ પર બેઠા બેઠા ય વૉટ્‌સઍપથી વાત કરતા હતા. ઘરમાં મૌનનો મહિમા મોટો. ઑફિસે જવાની ઉતાવળો તો બહુ હોય એટલે જલસુભાઇ બાથરૂમમાં શૉવર લેતા લેતા બિનીને ‘વૉટ્‌સઍપ’ કરે, ‘ચા થઇ ગઇ...?’ જવાબમાં બિની ય વળતા હૂમલા તરીકે ‘વૉટ્‌સઍપ’માં જ જવાબ લખી મોકલે....‘ઠરી ગઇ ક્યારની ય...!’ રાત્રે પથારીમાં સુતા પહેલા જોરા અને બમ્પી મોંઢેથી ફાટવાને બદલે એક બીજાને ફૅસબૂક પર ‘આઇ લવ યૂ’ના મૅસેજ મોકલાવે...ગામ આખું વાંચે!

પ્રોબ્લેમ આખા ફૅમિલીનો એક જ હતો કે, બધાની આંખે બહુ ભારે ભારે નંબરના ચશ્મા અને ચશ્મા કાઢી નાખો પછી કાંઇ દેખાય નહિ. એકલા તો ઍરપૉર્ટના વૉશરૂમમાં ય આ લોકોને જવા દેવાય નહિ...ભીંત તો દેખાવી જોઇએ ને? તમામને પોતપોતાની આ નબળાઇનો એહસાસ હતો એટલે, સાત સેકંડ માટે ય ચશ્મા આઘાપાછા મૂકાઇ ગયા તો બધે અડી અડીને જ આગળ વધવું પડે.

એવી કોઇ ભૂલ અંધારામાં ય ન થાય એ માટે રોજ રાત્રે સુતા પહેલા, પાપા જલસુભાઇ અને મૉમ બિનીના બૅડની વચ્ચે મૂકેલા ટૅબલ પર છાબડીમાં બધાના ભેગા ચશ્મા મૂક્યા હોય. સવારે ફિરોઝા વહેલી ઉઠે, એ બધાને પોતપોતાના ભાગે પડતા ચશ્મા વહેંચી આપે. અલબત્ત, સૌથી પહેલા પોતાના ચશ્મા નહિ, છાબડી ગોતવી અઘરી પડતી. પથારીમાં જતી વખતે પગલાં ગણી લેવાના. ત્રણ પગલાં સીધા, પછી રાઇટ-સાઈડ વળી જવાનું.....વચમાં કાળમીંઢ ખડક પડ્યો હોય....એટલે કે મમ્મી સૂતી હોય, ત્યારે હૉર્ન વગાડવાનું....એટલે કે, મોંઢેથી ‘છીછ છીછ...છીછ...છીછ’ બોલવાનું. જવાબ ન આવે તો ખડક બીજે પડ્યો છે, એવા વિશ્વાસથી આગળ વધવાનું અને છાબડી હાથમાં લઇને પહેલા પોતાના ચશ્મા શોધીને પહેરી લેવાના અને પાછા આવ્યા પછી ચશ્માના વજનના ઉતરતા ક્રમ મુજબ વહેંચી આપવાના એટલે કે, સૌથી વધુ વજનદાર ચશ્મા પાપા જલસુભાઇના...પછી બમ્પી, પછી જોરા...છેલ્લે મમ્મી. જે વધે એ ફિરોઝા પોતે રાખી લે.

આમ તો જીંદગી આખી આમ જ નીકળી જાત, પણ એક રાત્રે રામ જાણે ક્યાં, પણ છાબડી ગૂમ થઇ ગઇ. અચાનક જલસુભાઇને....સૉરી, અચાનક નહિ, રાબેતા મુજબ એમને ઉઠીને ‘ઊભી-ખો’ આપવા જવું પડતું. આમાં પ્રોસેસ લાંબી થતી. એમને જવું હોય ત્યારે ફિરોઝાને ઉઠાડે. એ પાપાના ચશ્મા ગોતી આપે....ખાત્રી કરીને પાપાને ચશ્મા આપી દે અને પછી જલસુભાઇનું ‘મિશન ઈમ્પૉસિબલ’ શરૂ અને પૂરૂં થાય. આમાં બહુ મોડું ન કરાય....જલસુભાઇ ખીજાય!

પાપાના એક અવાજ ઉપર ફિરોઝા ઉઠી ગઇ. વગર ચશ્મે દેખાય તો કાંઇ નહિ, પણ ચૅસના ઘોડાની જેમ ત્રણ પગલાં સીધા જઇ અઢી પગલે ટૅબલ તરફ વળી, પણ ત્યાં છાબડી નહોતી. એણે ટૅબલ પર હાથ પંપાળી જોયા. કશું નહોતું એટલે હેડકી ખાઇને ટૅબલ નીચેની ફર્શ પર હાથ ફેરવ્યો. ત્યાં ય કશું નહોતું. ગભરાયેલી ફિરોઝાની ચીસો કરતા એના શ્વાસના અવાજો તોતિંગ આવતા હતા. કમનસીબે, ચશ્માવાળી છાબડી મળતી નહોતી એટલે એણે ચીસ પાડી.....‘પાપા.....છાબડી નથી...ઓ મ્મી ગૉડ...!’

પછીની આઠમી મિનીટે આખું ફૅમિલી ફૂલ-ટૅન્શનમાં બેઠું નહિ, ઊભું થઇ ગયું હતું, પણ ખસી શકતું નહોતું. ચશ્મા વિના તો ‘સબ ભૂમિ ગોપાલ કી’ ને? હાય રામ, એક સાથે બધાના ચશ્મા ગાયબ? જલસુભાઈ ગભરાઇ તો ખૂબ ગયા હતા, છતાં ભૂતકાળમાં થયેલા આવા અનુભવોને સહારે સહારે એમને યાદ આવ્યું, નજર સામે કાંઇ દેખાતું ન હોય ત્યારે ભીંતે હાથ ઘસી ઘસીને આગળ વધવાનું. રૂમમાં તો ચાર જ ભીંત હોય એટલે મંઝિલે ન પહોંચાય તો મૂળ સ્થાને પાછા આવી જવાય. આમાં સ્પીડ નહિ પકડવાની. બા ખીજાય!

એક તો ઘોર અંધારૂં અને એમાં ય લાઇટો ગઇ. અલબત્ત, ન ગઇ હોત તો ય આ તબક્કે આ લોકોને શું ફેર પડવાનો હતો! પથારીમાંથી ઉઠીને જેના ભાગ્યમાં જે કોઇ ભીંત આવી, એની ઉપર હાથ દબાવીને પ્રવાસીઓ આગળ વધવા માંડ્યા. ક્યાં જતા હતા, એ અત્યારે નક્કી નહોતું. એક તમન્ના ખરી કે, આમ ભીંતે ભીંતે ખસવામાં

(૩)

ક્યાંક કોકના હાથમાં છાબડી આવી જાય તો પથારીમાં પાછા આવી શકાય. અંધારી રાતમાં કાફલો હલ્લુ હલ્લુ આગળ વધતો હતો. ‘જોરા બેટા....તું ક્યાં છે?’ બિની મૉમે છત તરફ નજર રાખીને હળવેથી પૂછ્‌યું. ‘મૉમ....’ જોરાએ સહેજ ખીજાઇને જવાબ આપ્યો, ‘...મૉમ, મને થોડી ખબર છે, હું ક્યાં છું?’’ જો કે, બમ્પીએ મક્કમતાપૂર્વક જવાબ આપ્યો, ‘મૉમ....મારાવાળી ભીંતે સીધેસીધા આઠ પગલાં થયા છે, પણ હજી ગાર્ડનવાળી બારી નથી આવી...ઓહ, પાપા ક્યાં ગયા....? પૉપ....તમે ક્યાં છો?’

જલસુભાઇએ અવાજની દિશામાં કેવળ એટલું જ કહ્યું, ‘બેટા, હું તો હજી ડ્રૉઇંગ-રૂમના થાંભલે થાંભલે ગોળ ગોળ ફરે રાખું છું....આમાં રિસ્કો ન લેવાય!’

જલસુભાઇને એ ઘડીઓ યાદ આવી જ્યારે કદમ્બિની જેવી મોહક યુવતી સાથે લગ્નના એ ફેરા ફરી રહ્યા હતા. કેવી લાવણ્યમયી લાગતી હતી એ? અલબત્ત, ભારે નંબરના ચશ્મા તો એ વખતે ય વર-કન્યા બન્નેને હતા અને ચોરીના ચાર ફેરા ય જલસુભાઇના અણવર અને કદમ્બિનીની સહેલીએ બન્નેના બાંવડા પકડી પકડીને ફરાવ્યા હતા. જલસુભાઇ તો માઉન્ટ આબુમાં એ બન્નેનું હનીમૂને ય ભૂલ્યા નહોતા. નખી તળાવ પર બન્ને જણા હાથમાં હાથ નાંખીને ફરવા નીકળ્યા તો ખરા, પણ ભારે વરસાદ તૂટી પડતા, પહેરેલા ચશ્મા કોઇ કામમાં ન આવ્યા. ભીના કાચમાં કાંઇ દેખાય નહિ ને એની ગભરાહટમાં બન્ને પલભર માટે જુદા થઇ ગયા...આંખો ખોલી, ચશ્મા સાફ કરીને જલસુભાઇએ જોયું તો કોક મારવાડી છોકરાનો હાથ કદમ્બિનીનો હાથ સમજીને પકડીને બેઠા હતા. કદમ્બિની તો દૂર એકલી કોક બંધ દુકાનના ઓટલા પર ઊભી રહી ગઇ હતી.

‘ચશ્મા વિના મારે ભમવા’તા ડૂંગરા’વાળા આવા તો અનેક પ્રસંગો જલસુભાઇને યાદ આવવા માંડ્યા. આમે ય, થાંભલે એકલા ઊભા ઊભા બીજું કરે ય શું?

આવા વિરાટ ટૅન્શનો વચ્ચે બિની મૉમ કિચનમાં ભરાઇ ગઇ હતી ને બહાર નીકળવાનો રસ્તો શોધતી હતી. પ્રવાસમાં ભૂખ તો લાગે. સદનસીબે, ચીઝનું પૅકેટ હાથમાં આવ્યું. અત્યારે તો એકલું ચીઝે ય ભાવે. સ્નેહાળ મૉમે આછી બૂમ પાડીને બધાને પૂછી પણ જોયું, ‘કોઇને કાંઇ ખાવું છે...?’

જવાબ તો ન આવ્યો પણ બમ્પીની ખૂબસુરત આનંદમય ચીસ સંભળાઇ, ‘પાપાઆઆઆ....ચશ્મા મળી ગયા...! ચશ્મા મળી ગયાઆઆઆ...’

‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...’ની ભાંતિ બધાએ ‘હૂરરરરેએએએ..’ ચીસો પાડી. બધાએ તાબડતોબ પોતપોતાના ચશ્મા પહેરી લીધા...

અરે નસીબ....! ચશ્માઓ તો મળી ગયા, પણ લાઇટો હજી આવી નહોતી. કોઇને કશું દેખાતું નહોતું...ઉલ્લાસ શમી ગયો....સવારનો સૂરજ નીકળવાની રાહો જોવાની હતી....

સવારે સૂરજ પણ નીકળ્યો અને લાઇટો ય આવી ગઇ...! બેમાંથી એકે યની જરૂરત નહોતી ત્યારે. સૂરજ કે લાઈટો જોવા માટે ય ચશ્માની જરૂરત પડે, એવી જીંદગીમાં ય જલસુભાઈનું કુટુંબ જલસા કરતું હતું.

------