ટહુકો
કરિષ્યે વચનં તવ
(March 25th, 2011)
સજ્જનો અને સન્નારીઓ,
મને જો ફરજ પાડવામાં આવે, મારી કોઈ હેસિયત નથી પરંતુ ફરજ પાડીને એમ કહેવામાં આવે કે ‘ભગવદ ગીતા’ના સ્થાને બીજું કોઈ શીર્ષક આપો તો હું જરૂર નવું શીર્ષક આપું ‘સદભાવ ગીતા’. આ ‘સદ’ શબ્દ એ ગીતાનો સ્થાયી ભાવ છે. પાને-પાને પ્રગટ થતો ભાવ છે.
આ જગતમાં ત્રણ જગત વસે છે. એમાં જ આપણે ચોવીસ કલાક રમમાણ રહીએ છીએ. એક છે જ્ઞાન જગત, બીજું છે કર્મ જગત અને ત્રીજું છે ભાવ જગત. આ ત્રણેનો સમન્વય કરીને એક જીવનયોગ પેદા કર્યો હોય એવો એક માત્ર ગ્રંથ છે ગીતા. વૈદિક સાહિત્યમાં પણ આવી સમન્વિત વિચારધારા પ્રગટ થતી દેખાતી નથી. ત્રણેને સાથે સંયોજીને જે દર્શન પ્રગટ થાય છે એવું ક્યાંયે જડતું નથી. વેદમાં પણ નહીં અને ઉપનિષદમાં પણ નહીં. દાખલા તરીકે, ઉપનિષદમાં ભક્તિ શબ્દ શોધ્યો જડતો નથી. ગીતાના કેટલાક મૌલિક શબ્દો છે. ‘સ્વધર્મ’ શબ્દ તમને ગીતા સિવાય ક્યાંય નહીં જડે. ‘સ્થિતપ્રજ્ઞ’ શબ્દ તમને ગીતા સિવાય ક્યાંય નહીં જડે. એ ભગવદગીતાની મૌલિક સંકલ્પના છે.
મને ઘણીવાર વિચાર આવેલો કે ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’ એવું નામ કેમ આપ્યું હશે ? એમને આ શીર્ષક ક્યાંથી સૂઝ્યું ? આવું સુંદર શીર્ષક ગાંધીજી લાવ્યા ક્યાંથી ? હું જરા ઊંડો ઊતર્યો. મેં કેટલાક શ્લોકો શોધી કાઢ્યા. મને એ સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં જડ્યું :
सांगत संजायते कामः कामत क्रोधोभिजयते
क्रोधाद भवति सम्मोहः सम्मोहत स्मृति-विभ्रमः
स्मृति-भ्रम्साद बुद्धि–नासों बुद्धि-नासात प्रणश्यति
સંગ હોય ત્યાં કામ જન્મે, કામ હોય તેમાંથી ક્રોધ જન્મે, ક્રોધમાંથી સ્મૃતિભ્રંશ જન્મે, સ્મૃતિભ્રંશમાંથી બુદ્ધિનાશ પામે અને બુદ્ધિનાશમાંથી સર્વનાશ. એટલે કે મહાત્માએ શોધ્યું હશે કે બધાનું મૂળિયું આસક્તિ છે. આખા જગતની લીલા જોયા કરો તો મોહના મૂળમાં, ક્રોધના મૂળમાં, કામના મૂળમાં – બધામાં તમને આસક્તિ જણાશે. મહાત્માએ ગીતાની ચોટલી પકડી છે. એટલે જ શંકરાચાર્ય કહેતા કે ‘असंगोडम…’ સંગદોષમાંથી બધું જન્મે. જો ધૃતરાષ્ટ્રને દુર્યોધન પ્રત્યે આસક્તિ ન હોત તો મહાભારત જન્મયું ન હોત. આપણા જીવનમાં તો રોજરોજ મહાભારત છે ! જો મૂળિયું પકડો તો તમને ગાંધી સાચા જણાશે.
ગીતામાં આ ત્રણ જગત માટે ત્રણ ચાવીરૂપ શબ્દો છે. જ્ઞાન માટેનો ચાવીરૂપ શબ્દ ગીતાની દષ્ટિએ ‘સ્થિતપ્રજ્ઞ’ છે. ગાંધીજીએ આશ્રમે-આશ્રમે અને નિશાળે-નિશાળે સ્થિતપ્રજ્ઞના લક્ષણો પાકા કરાવ્યાં છે. સ્થિતપ્રજ્ઞના 18 શ્લોકો એ ગીતાનો સાર છે. આ જગતમાં દ્વેષના મોજાં સતત ફેલાય છે. ગીતાએ કહ્યું ‘અદ્વેષ્ટ’ એટલે કે દ્વેષમુક્તિની સાધના કરો. આ જગતમાં ઈર્ષાના આંદોલનો માણસ સતત અનુભવે છે. ગીતાએ ઈર્ષા વગરના ભક્તને ‘અનસૂય’ કહ્યો છે. અજ્ઞાનના ઓશીંજાળાઓ જગતમાં ખૂણેખાંચરે છે. ગીતાએ અજ્ઞાનથી મુક્ત એવા ‘સ્થિતપ્રજ્ઞ’ની વ્યાખ્યા કરી છે. કર્મજગતમાં ‘કર્મયોગ’ શબ્દ ગીતા સિવાય બીજા કોઈ સાહિત્યમાં નથી. ઉપનિષદમાં ‘કર્મયોગ’ શબ્દ મેં જોયો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્થિતપ્રજ્ઞ એ જ્ઞાનજગતનું એવરેસ્ટ, કર્મયોગ એ કર્મજગતનું એવરેસ્ટ અને ભક્તિયોગ એ ભાવજગતનું એવરેસ્ટ છે.
દુનિયામાં જો એવી કોઈ હરિફાઈ ગોઠવવામાં આવે કે ગીતાનો સાર એક જ વાક્યમાં શોધી કાઢો. જે વાક્ય પસંદ થાય તેને લાખ ડૉલરનું ઈનામ, તો એમાં મહાત્મા ગાંધીનો નંબર લાગે. એમના અનાસક્તિયોગની પ્રસ્તાવનામાંથી મેં એક વાક્ય એવું શોધી કાઢ્યું છે કે ગાંધીજીને જ ઈનામ મળે ! એ વાક્ય હું તમારી સમક્ષ એમની જૂની ગુજરાતીમાં રજૂ કરું છું. હવે મહાત્માનું વાક્ય સાંભળો : ‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતો કર્મના ફળ છોડે તે ચઢે. ’ આ એક જ સારરૂપ વાક્ય ગાંધીજીનું છે. ગીતાના સારમાં આનાથી શ્રેષ્ઠ વાક્ય મને જડ્યું નથી. ગાંધીજી પાસે એવી કંઈક આવડત હતી કે તરબૂચનો લાલ ભાગ જ શોધી કાઢે ! બીજી પંચાત જ નહિ.
આ ભગવદગીતાના ત્રણ જગત એ આપણો આચાર બતાવે છે. આપણું વર્તન આ ત્રણ પ્રખંડોમાં જ વહેંચાયેલું રહે છે. કોઈપણ મનુષ્ય સંપૂર્ણપણે લાગણીશૂન્ય થઈ શકતો નથી. ગમે એટલો નાસ્તિક મોટો કેમ ન હોય ! લાગણીનું પરિપક્વ તત્વ એ જ ભક્તિ છે. ભક્તિ વગર દુનિયાને ચાલવાનું નથી, સાહેબ ! પંડિત એટલે અધૂરો ભક્ત. આ ત્રણે જગતમાં શેના કારણે પતન થયું એ પણ વિચારવા જેવું છે. જ્ઞાન જગતમાં પતન થયું તે શુષ્ક્તાને કારણે થયું. ભિનાશ વગરની માત્ર પંડિતાઈ, ભક્તિના ભેજ વગરની પંડિતાઈથી જ્ઞાની પડે છે. કર્મ જગતમાં જે પતન થાય છે તેમાં કર્મ વૈતરું બની જાય એ કર્મજગતનું પતન છે. વેવલાપણાથી ભક્તિ પતન પામે છે. ભક્તિમાં લાગણી ખરી પરંતુ લાગણીવેડા ભળે છે ત્યારે તે પતન પામે છે. હિન્દુસ્તાનમાં જે આ ત્રણ જગતનું પતન થયું એના તમને ઈશારા આપી દીધા. હવે આગળ ચાલીએ.
ઈન્દ્રપસ્થના રાજા યુધિષ્ઠિર. એ જુગાર રમવા ગયા એટલે બહુ ટક્યું નહિ. યુધિષ્ઠિર ઓછા વાંકવાળા નથી. જુગારનો શોખ જેટલો યુધિષ્ઠિરને હતો એટલો બીજા કોઈને નહોતો. જો કે માણસ માત્ર અપૂર્ણ છે, આપણે પણ એમાંના જ છીએ. યુધિષ્ઠિર જ્યારે રાજા તરીકે બેઠાં હતાં ત્યારે એક બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો. યુધિષ્ઠિર કામમાં હતા. એમણે વિવેકપૂર્વક કહ્યું કે ‘કાલે સવારે આવજો હું તમને ભિક્ષા આપીશ. ’ જેવું આ વાક્ય ધર્મરાજાના મોંમાંથી બહાર પડ્યું કે ભીમ ઊભો થયો. એણે એક નગારું લીધું અને નગારા પર દાંડી ઠોકતો-ઠોકતો એ ચાલવા માંડ્યો. યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું. એ વિચારમાં પડ્યા. ભીમની બોડીલેંગ્વેજમાં વિદ્રોહની ભાવના હતી. જે જીભ નથી કહેતી તે બોડીલૅંગ્વેજ કહે છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે બોડીલૅંગ્વેજ એ શું તે તમે સમજી જશો ! યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું કે ‘તું આ નગારું વગાડતો વગાડતો નગર તરફ કેમ જાય છે ? એકદમ શું થયું ?’
ભીમ અટક્યો અને બોલ્યો : ‘મોટાભાઈ, ત્રણ પ્રશ્નો પૂછું ?’
યુધિષ્ઠિર કહે : ‘પૂછ. ’
ભીમે પૂછ્યું કે : ‘આ બ્રાહ્મણને તમે આવતીકાલે આવવાનું કહ્યું પણ તમે એમ કેમ માની લીધું કે આવતીકાલે સવારે તમે જીવતા હશો ?’ યુધિષ્ઠિર વિચારમાં પડી ગયા. ભીમે બીજો પ્રશ્ન કર્યો : ‘તમે એમ કેમ માની લીધું કે ચોવીસ કલાક પછી એ બ્રાહ્મણ જીવતો હશે ?’ આ તો કાળ છે. ‘કાલોડસ્મિ લોકક્ષયકૃતપ્રવૃત્તો’ આ કૃષ્ણના ઉદ્દગાર જેવા તેવા નથી. હિરોશીમા પર અણુબોંબ ઝીંકાયો ત્યારે એ અણુબોંબનો સર્જક આ શબ્દો બોલ્યો છે. એ સંસ્કૃતનો જ્ઞાતા હતો. ગીતાનો અભ્યાસી હતો.
હવે ત્રીજો પ્રશ્ન વધારે પેચીદો. ભીમે પૂછ્યું : ‘આવતી કાલે તમારી પાસે એને દાન આપવા માટે સોનામહોર હશે જ એની શું ખાતરી ? આ ધન કોનું ? ક્યારે તમે ગરીબ થઈ જાઓ એ કોને ખબર પડે ?’
યુધિષ્ઠિરે કાન પકડ્યા : ‘બાપા ! આ કાળ એટલે શું તે તેં મને શીખવ્યું. ’ ભીમ આ રીતે અદ્દભુત પાત્ર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભીમને કોઈ પુસ્તક અર્પણ થયું હોય એવું તમારા ખ્યાલમાં છે ? સ્વામી સચ્ચિદાનંદજીનું મહાભારત પરનું પુસ્તક છે જે એમણે પ્રેમ અને ગૌરવપૂર્વક ભીમને અર્પણ કર્યું છે. જગતનું આ પહેલું પુસ્તક હશે જે ભીમને અર્પણ થયું હોય !
હવેની જે પાંચ મિનિટ હું વાત કરવાનો છું, એમાં થોડો રસભંગ થશે. તમારે વધારે ધ્યાન આપવું પડશે. હું અહીં મારી સાથે ત્રણ પુસ્તકો લાવ્યો છું. આ ત્રણ પુસ્તકો જગતના વિજ્ઞાનક્ષેત્રના ઉત્તમોત્તમ પુસ્તકો છે. એનો લેખક છે ‘સ્ટીફન હોકિંગ’. તે આજનો આઈન્સ્ટાઈન કહેવાય છે. તેના પુસ્તકોની સૌથી વધુ આવૃત્તિઓ જગતમાં ખપી છે. આ બધા પુસ્તકોમાં બ્રહ્માંડ અને અવકાશવિજ્ઞાનની વાતો છે. હું આ પુસ્તકોનો થોડો સાર આપી દઉં છું. આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એના વિશે થોડું ગીતામાં પણ કહેવાયું છે. આપણને સારું છે કે બધી સમજ નથી પડતી. બધી સમજ પડી જાય તો ખીચડી ખાવાનું અશક્ય બની જાય ! એ ભગવાનની બહુ મોટી કરુણા છે કે આપણને બધી સમજ નથી પડતી. પરંતુ આ સંદર્ભમાં બે શબ્દો જાણી રાખવા જેવા છે : ‘બિગ બેન્ગ’ અને ‘બ્લેક હૉલ’. જગતની ઉત્પત્તિ થઈ એ બાબતે બધા જ વૈજ્ઞાનિકો એકસાથે સંમત છે કે સૌથી પહેલા બિગ બેન્ગ નામનો એક વિરાટ ધડાકો થયો અને સૃષ્ટિની રચના થઈ. હવે બિગ બેન્ગ વિશે આ સ્ટીફન હોકિંગ શું કહે છે એ જોઈએ. જેટલું મને સમજાયું એ તમને કહું. એ એમ કહે છે કે બિગ બેન્ગ થયું અને આ યુનિવર્સ એ પછી એટલી ઝડપે વિસ્તરવા માંડ્યું કે એમાંથી આ બ્રહ્માંડ સર્જાયું.
વાત આગળ ચાલે છે. સ્ટીફન એમ કહે છે કે ‘આ વિસ્તાર પામવાની જે ગતિ છે, એ ગતિ એટલે શું ?’ હવે અહીં બેભાન થઈ જવાય એવી વાત આવે છે. સ્ટીફન હોકિંગ એમ કહે છે કે ‘જે દરથી આ બ્રહ્માંડ વિસ્તાર પામ્યું એના કરતાં એ દર જો સેકન્ડના અબજના અબજ ભાગ જેટલો વધારે હોત તો આ સૃષ્ટિનો ભૂક્કો બોલી જાત અને એ ખાલીખમ હોત. ’ આપણી તો કલ્પનામાંય ન આવે એટલા નાના ભાગની આ વાત છે. આપણે તો એમ કહીએ છીએ કે ‘આંખના પલકારામાં આમ બની ગયું. ’ પલકારો તો બહુ મોટો યુનિટ ! આ તો અબજના યે અબજ ! એ પછી સ્ટીફન કહે છે કે ‘આ જે દર છે, એ દર કરતાં જો સેકન્ડના અબજના યે અબજમાં ભાગ જેટલો આ દર ઓછો હોત તો બ્રહ્માંડ ‘Recollapse’ થઈ જાત. એટલે કે ખલાસ થઈ જાત. એનો અર્થ એમ થયો કે બ્રહ્માંડના વિસ્તારની ઝડપમાં સેકન્ડના અબજનાયે અબજમાં ભાગ જેટલી ભૂલ થઈ હોત તો આ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું ન હોત. હવે ભગવદગીતા તરફ લઈ જનારો સવાલ આવે છે. જરાક ધ્યાનથી સાંભળજો. આ ઝડપ કે જેમાં જરા જેટલો વધારો હોત તો ખલાસ…. જરા જેટલું ઓછું હોત તો પણ ખલાસ… એ ઝડપનો નિર્ણય કોણે કર્યો ? ધડાકામાંથી ધબડકો થઈ જતો રહી ગયો, એવો આ નિર્ણય કોનો હતો ? આ મારો સવાલ નથી, આ વિજ્ઞાનીનો સવાલ છે. આ માટેનું એક જ વાક્ય; જે પુસ્તકમાં લખ્યું છે તે અંગ્રેજીમાં બોલું છું. વિજ્ઞાની લખે છે : ‘It would be very difficult to explain why the universe should have began just this way except the act of God. ’ વિજ્ઞાની કહે છે કે ‘ખરેખર ભગવાન હોવો જોઈએ. ’ એ પછી આ વિજ્ઞાની બહુ સરસ વાત કરે છે : ‘God intended to create beings like us. ’ આપણા જેવા માનવો સર્જવા હતા એ ઈશ્વરનો હેતુ હોવો જોઈએ, નહીં તો આવી ભૂલ વગરની વાત કેવી રીતે થાય ? એટલે આ બધી જે ધમાલ થઈને તે આજે આપણે અહીં મહુવામાં ભેગા થઈ શકીએ એની માટે થઈ ! લો બોલો ! એકમાત્ર પૃથ્વી પર આવી માનવસૃષ્ટિ છે. અદ્દભુત સર્જન તો આ છે. કોઈ પરમ મહાસત્તાનો આ નિર્ણય છે, બાકી આ ન ટકી શકે. પછી એ મહાસત્તાને ગોડ, ઈશ્વર કે અલ્લાહ કે ગરીબ નવાજ કહેવાનું ફરજિયાત નથી.
જગતના મહાનુભાવો તરફથી એક વિચાર એવો પણ થયો છે કે ઈશ્વર જેવું કશું છે નહિ. એ મહાનુભાવો સામાન્ય નહોતા. મને નાસ્તિકો પ્રત્યે ભારે આદર છે. જેને ભગવાન છે એ વાતની સમજ નથી એ લવ-લવ કરે, જેને ભગવાન નથી એ વાતની ખબર નથી એ પણ એટલો જ જોરથી લવ-લવ કરે – આ બંને લવ-લવ ભેગા થાય છે, માટે એ બંને લઢે છે ! સ્ટીફન હોકિંગ કહે છે કે ‘એ ગોડ ન હોય તો શું ?’ મેં એક વખત આ બિગ બેન્ગના સંદર્ભમાં લખેલું કે એવું કેવી રીતે બને કે પ્રિન્ટીંગ પ્રેસમાં એક ધડાકો થાય અને ડિક્સનેરીનું સર્જન થઈ જાય ? પ્રિન્ટિંગ પ્રેસમાં ધડાકો થાય તો પુસ્તક બળી જાય, પુસ્તક અટવાઈ જાય. પણ આખેઆખી ડિકસનેરી રચાઈ જાય ? કે જેમાં દીર્ઘઈ, હૃસ્વઈ, અલ્પવિરામ… આ બધી માથાજીક ! આ ધડાકામાંથી જે સર્જન થયું એમાં તો આ બધા માણસો અહીં બેઠા છે. આપણે બધા કંઈ સામાન્ય માણસો નથી, વેદના ઋષિની ભાષામાં આપણે અમૃતના સંતાનો છીએ. તો મિત્રો, આ કાળ છે, જે ભીમ સમજ્યો અને યુધિષ્ઠિરને સમજાવ્યું અને એ બાબતની વાત મેં આ વિજ્ઞાનીની પરિભાષામાં આપને કરી.
હવે વાત એ છે કે ગીતા દ્વારા સદભાવનાનો કેવી રીતે પ્રસાર થાય છે ? જો મિત્રો, ગીતા દ્વારા સદભાવનાનો પ્રસાર નથી થતો એવું મને આજે પણ લાગે તો હું ભગવદગીતાને છોડી દેવા તૈયાર છું. દરિયામાં પધરાવવા હું પોતે જ જાઉં ! એમાંય તે આ મહુવા પાસેનો જ દરિયો પસંદ કરું ! જો મને એમ લાગે કે આ ભગવદગીતા મનુષ્ય-મનુષ્ય વચ્ચેની સદભાવનામાં વૃદ્ધિ કરનારો ગ્રંથ નથી તો મને એમ કહેવામાં જરાય લજ્જા નથી કે એ ગ્રંથનું મારે કામ નથી. આ મારી હૃદયની વાત છે. ભગવદગીતાની વાત સદભાવનાને સંકોરનારી લાગે છે માટે જ હું ભગવદગીતા વાંચું છું. નહીં તો હું વાંચત નહીં. એવો અંધશ્રદ્ધાળુ હું નથી. ગીતાને લાલપોથીમાં બાંધીને એના પર ફૂલ મૂકવાવાળો હું ભગત નથી.
આ બાબતે સદભાવનાના મૂળિયાં ક્યા એ વિશે આપને પાંચ મિનિટ વાત કરું. ઉપનિષદના ઋષિએ કહ્યું કે એક-એક પ્રાણીમાં એટલે કે સર્વભૂતોમાં આત્માનો નિવાસ છે એમ જે જાણે છે એવા પ્રાણીને મોહ કેવો ? શોક કેવો ? સદભાવનું મૂળનું મૂળ જો હોય તો એ આત્મા છે. આત્માની સંકલ્પના છે. મારામાં જો પરમ ચેતનાનો નિવાસ હોય એવી ડંફાસ હું મારું તો ગાયમાં પણ એ પરમ ચેતનાનો નિવાસ છે. સૌમાં એ જ પરમ ચેતનાનો નિવાસ છે. એ પરમ ચેતના ઊંચી-નીચી નથી. આ અંગે એક સુંદર દાખલો આપું. ગાંધીજીનો દાખલો છે. મહાત્માજીને ત્યાં લક્ષ્મી નામની એક દત્તક લીધેલી હરિજન કન્યા રહેતી હતી. ગાંધીજીના કેટલાક આત્યંતિક આગ્રહો હતા, જેમાં આપણે કંઈ સ્વીકારવા જેવું છે નહિ. ગાંધીબાપુ કહીને નથી ગયા કે તમે મારી બધી જ વાત સ્વીકારજો. એ લક્ષ્મી એક દિવસ બોબ્ડ વાળ કપાવીને આવી. એ જમાનામાં અઘરું હતું, આજે તો એ બધું સામાન્ય છે. લોકો મંદિર કરતાં બ્યુટીપાર્લર વધારે જાય છે, પણ કંઈ નહિ….. એ પણ એક સૌંદર્યની સાધના છે. હું એવો પંચાતિયો નથી. ભલે ને જતા લોકો ! તો એ લક્ષ્મીએ આમ કર્યું એટલે ગાંધીબાપુએ અને મગનલાલે મળીને કાતર વડે એના બધા વાળ કાપી નાખ્યા. ગાંધીજીએ આવું નહોતું કરવું જોઈતું. લક્ષ્મી દુઃખી-દુઃખી થઈ ગઈ. આ મહાત્માની હિંસાનું એક જુદું સ્વરૂપ હતું. માનવમાત્ર સંપૂર્ણપણે 100% અહિંસક બની શકતો જ નથી. આગ્રહ એ પણ હિંસા છે. એટલે જ શંકરાચાર્યે કહ્યું કે અનાગ્રહ એ બુદ્ધિશાળી માણસની બુદ્ધિનું ફળ છે. હવે લક્ષ્મી તો બોડી થઈ ગઈ ! બોલો, છોકરીને સાવ બોડી કરી નાખી !
બપોરે નાનાભાઈ ભટ્ટ આવ્યા. ગાંધીબાપુની વિશેષતા એ હતી કે એક કામ થઈ જાય પછી એના વિશે ચિંતન કરે કે મેં ખરું કર્યું કે ખોટું કર્યું ? મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને જાણે તપાસતા હોય એમ એમણે પોતાના અંતઃકરણને તપાસ્યું છે; કારણ કે એ ગીતા વાંચતા હતા. ભગવદગીતાની પ્રસ્તાવના કોઈએ એવી નથી લખી કે જેમાં એમ લખ્યું હોય કે 40-40 વર્ષ સુધી ગીતા પ્રમાણે જીવન જીવ્યાં પછી હું આ પુસ્તક લખવા બેઠો છું. મહાત્માજી એ પ્રમાણે જીવ્યાં છે પછી પ્રસ્તાવના લખી છે. આટલું નાનું ભાષ્ય ! જે વધારે સમજે તે ટૂંકમાં પતાવે, જે ઓછું સમજે તે ઘણાં પાનાં ભરે ! તો હું આપને એ કહેતો હતો કે નાનાભાઈ ભટ્ટ આવ્યા એટલે ગાંધીજીએ એમને પૂછ્યું કે ‘સવારે આવો બનાવ બન્યો અને અમે લક્ષ્મીના વાળ કાપી નાખ્યાં. તમને શું લાગે છે આ સાચું થયું ?’ નાનાભાઈ ભટ્ટે એક જ વાક્યમાં જવાબ આપ્યો. એમણે કહ્યું, ‘બાપુ, તમે જ્યારે એ છોકરી પર બળપ્રયોગ કરીને વાળ કાપી નાખ્યા, એનો અર્થ એમ કે તમે માની લીધું ને કે આત્માને પણ ઉંમર હોય !’ આવું નાનાભાઈ ભટ્ટ જ કહી શકે, બીજું કોઈ ના કહી શકે. તમારો આત્મા મોટી ઉંમરનો અને લક્ષ્મીનો આત્મા નાની ઉંમરનો ? ગાંધીજી જાગી ગયા. તો મિત્રો, આત્મા એ સદભાવનાનું મૂળ છે કારણ કે દુર્ભાવ ત્યારે જ થઈ શકે જ્યારે આત્મભાવને સ્થાને દેહભાવ પ્રબળતા ધારણ કરે. દેહભાવનું પ્રાબલ્ય એ જ અહંકારની શરૂઆત છે. આપણી અંદરની ચેતના અહંકાર વડે ઢંકાયેલી છે. આપણી અંદર આ જે ચેતના છે એને કૃષ્ણે ગીતામાં ‘ઉપદ્રષ્ટા’ કહી છે. એને ‘અનુમંતા’ પણ કહી છે; જેનો અર્થ છે અનુમતિ આપનારો. આપણે કંઈ પણ ખોટું કામ કરીએ છીએ ત્યારે આપણી અંદરથી એક અવાજ આવે છે કે ‘જે થઈ રહ્યું છે તે બરાબર નથી થઈ રહ્યું. ’ આપણે એને અતિક્રમી જઈએ છીએ માટે પાપ કરીએ છીએ. જો આપણે અનુમંતા કે ઉપદ્રષ્ટાનો સ્પષ્ટ અવાજ સાંભળી શકીએ એટલી સંવેદના આપણા અસ્તિત્વમાં આવે તો પાપ કરવાનું અશક્ય બની જાય. આ અતિક્રમી જવું એટલે જ અહંકાર. પરમ ચેતનાના ઈશારાને અવગણવા, એનું જ નામ અહંકાર. ચેતનાનો જે ભાગ અહંકાર વડે ઢંકાયા વગર ખુલ્લો રહી ગયો, બચી ગયો, એને જ ‘વિવેક’ કહેવામાં આવે છે.
હવે આગળ. પાકિસ્તાનના એક વિદ્વાન છે ‘અકબર અહમદ’. એ વિદ્વાન હોવાની સાથે ફિલ્મ નિર્માતા પણ છે. એમણે કુરાનનો સાર ચાર શબ્દોમાં આપ્યો છે. પહેલો શબ્દ છે ‘અદ્લ’. હું ગીતા સાથે એને સમાંતર જોડતો જાઉં છું. ‘અદ્લ’ એટલે સમત્વ. બીજો શબ્દ છે ‘અહેસાન’. અહીં ‘અહેસાન’ શબ્દનો અર્થ છે કરુણા. આ ‘કરુણા’ શબ્દ પણ બુદ્ધ પહેલાં ગીતામાં બારમાં અધ્યાયમાં વપરાયો છે. ત્રીજો શબ્દ છે ‘ઈલ્મ’. કુરાનમાં આ શબ્દનો બહુ મહિમા છે. મહંમદસાહેબ કહે છે કે જરૂર પડે તો જ્ઞાન પામવા માટે ચીન જાઓ. મહંમદસાહેબે જ્ઞાનનો મહિમા કર્યો છે એવો બહુ ઓછા લોકોએ કર્યો છે. ‘ઈલ્મ’નો અર્થ છે જ્ઞાન. કૃષ્ણે તો કહી દીધું કે આ જગતમાં જ્ઞાનથી વધારે અધિક પવિત્ર એવું કશું છે જ નહિ. કુરાનનો ચોથો શબ્દ છે ‘સભ્ર’. એનો અર્થ થાય છે ‘ધૃતિ’. એટલે કે ધીરજ. એને પણ ગીતામાં પૂરું મહત્વ આપવામાં આવ્યું છે.
જો કૃષ્ણમાં ધૃતિ ન હોત તો ? આ અર્જુનની માથાકૂટ અઢાર-અઢાર અધ્યાય સુધી ઝીલે એવો કોઈ માણસ બતાવો ! હું હોત તો અર્જુનને લાફો માર્યો હોત ! અને કહ્યું હોત કે તારા કહેવાથી હું આવ્યો છું, દુર્યોધને સેના માંગેલી અને તેં મને માંગેલો. તારા આમંત્રણ પછી હું આવ્યો છું. હવે છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જાય છે ? છેલ્લી ઘડીએ આ ફજેતફાળકો શું કામ કર્યો ?…. પણ કૃષ્ણે કશું ના કહ્યું કારણ કે કૃષ્ણ એ કૃષ્ણ હતા. સાહેબ, લગ્ન માટે મંડપમૂહુર્ત જોવાઈ ગયું હોય, પીઠી ચોળાઈ ગઈ હોય, વરઘોડો નીકળી ગયો હોય, વેવાણ જઈને વરરાજાને પોંખે અને પેલો બાજઠ પર ચઢીને કોડિયું ફોડવાનો છેલ્લો પ્રસંગ આવે ત્યારે કહે કે ‘આ સંસાર અસાર છે એવું મને લાગે છે !’ તો શું કરવાનું ? સુરતવાળો તો ગાળ દઈ દે ! હું તો ખીજવાઈ જાઉં ભાઈ ! મારી પાસે આવો અક્રોધ નહીં મળે. કૃષ્ણ ખીજવાયા નહીં. તમે વિચાર કરો કે ધૃતિની ચરમસીમા તો ત્યારે આવે જ્યારે રથ વચ્ચે ઊભો રાખવાનું કહે અને પછી કહે કે ‘આ બધાને હું કેવી રીતે મારું ?’ કૃષ્ણે કહેવું પડે છે કે ભાઈ, આ બધાને હું મારી ચૂક્યો છું ફક્ત તારે તો નિમિત્ત બનવાનું છે. એ પછી છેક અઢાર અધ્યાય સુધી ખેંચ્યું. એમાંય અગિયારમા અધ્યાય સુધી તો અર્જુનની ભાષામાં થોડી ઉદ્દંડતા છે. પણ અગિયારમા અધ્યાયમાં બિગ બેન્ગ વાળું વિરાટ દર્શન કર્યું પછી અર્જુનનો પ્રશ્ન પણ પ્રાર્થનામય બની ગયો. અગિયારમા અધ્યાય પછી અર્જુનના પ્રશ્નોમાં વિવેક આવ્યો છે. અગિયારમા અધ્યાય પહેલાં તો કહે છે કે ‘તમે ભેળસેળિયા વાણી વડે મને ભ્રમમાં કેમ નાખો છો ?’ – આવી ઉદ્દંડ વાણી એ બોલ્યો છે. અગિયારમાં અધ્યાયમાં વિરાટરૂપ જોયા પછી કહે છે કે ‘તમને મેં તુંકારે બોલાવ્યા હોય તો માફ કરજો…. મને શું ખબર કે તમે સાક્ષાત પુરુષોત્તમ છો ?’ ધૃતિની ચરમસીમા કૃષ્ણે પોતાના વર્તન દ્વારા બતાવી દીધી છે. ‘અકબર અહમદે’ જે સાર આપ્યો એની સાથે ગીતાનો એટલો બધો અનુબંધ છે કે લઢવાનું કોઈ વાજબી કારણ બનતું નથી. હુલ્લડ પણ એટલા માટે થયાં કારણ કે આત્મભાવને બદલે દેહભાવ આપણી પર હાવી થઈ ગયો. કોઈ ભગવદગીતાનો વાચક અન્ય વ્યક્તિ અન્ય કોમનો છે માટે એને મારી શકે ? શું એને આત્મા નથી ? મહંત-મુલ્લા-પાદરીને મેં હિંમતપૂર્વક ખલનાયકો કહ્યાં છે. એ લોકોના સંપર્કમાં ન આવ્યા વગર કોઈ સેક્યુલર મટી શકે ? સેક્યુલારિઝમ એ માનવતાનો પર્યાય છે. માનવતા એ આત્મભાવથી સમૃદ્ધ એવી કોમ છે. વેદમાં ક્યાંય કોઈ કોમનો ઉલ્લેખ નથી, કેવળ માનવ્યની જ પ્રતિષ્ઠા થઈ છે.
છેલ્લી વાત. હું મલેશિયા ગયો હતો. ત્યાં એક વાર ટી. વી. પર મેં એક અદ્દભુત વસ્તુ જોઈ. મલેશિયન ટી. વી. પર એક કાર્યક્રમ હંમેશા આવે છે. એનું નામ છે ‘ઈસ્લામ ઈન્ટરનેશનલ. ’ હું ગયો ત્યારે એ કાર્યક્રમ ચાલુ થયો હતો. મેં એ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો. એમાં એક દ્રશ્ય બતાવ્યું હતું જેમાં જીન્સ પહેરેલા કૉલેજીયનો એક મુસ્લિમ આલીમને વીંટળાઈ વળ્યાં હતાં. ઈસ્લામનો યુવાનોમાં પ્રચાર થાય એ ઉદ્દેશ હતો. એ કૉલેજનું કેમ્પસ હતું. હવે અહીં ભગવદગીતાની વાત આવે છે. ઈસ્લામના આલીમે એમ કહ્યું કે :
‘તમે જન્મ પામ્યા ત્યારે તમને કોઈ પસંદગી આપવામાં આવેલી કે અહીં જ જન્મ આપીશું ?’
યુવાનો કહે : ‘ના. ’
આલીમે પૂછ્યું : ‘તમે ક્યારે જન્મ પામવાના એના અંગે તમારી પાસે કોઈ ચોઈસ હતી ?’
યુવાનો કહે : ‘ના…’
આલીમે પૂછ્યું : ‘તમે ક્યારે મૃત્યુ પામવાના એના અંગે તમારે કોઈ ચોઈસ ખરી ?’
છોકરા-છોકરીઓ બધા સહજ રીતે ના પાડે છે. આલીમે પૂછ્યું :
‘તમે મૃત્યુ કયા રોગથી પામશો ? કેન્સરથી મરવું છે કે મેલેરિયાથી મરવું છે ? એના અંગે કોઈ ચોઈસ ?’
‘એમાં શું ચોઈસ હોય વળી ! એ ક્યાં કોઈને ખબર છે ?’ વિદ્યાર્થીઓ બોલ્યાં.
‘લગ્નમાં તો તમારી પસંદગી ખરી ને ?’ આલીમે પૂછ્યું.
દસેક જણાંએ કહ્યું : ‘હા. અમારા કહેવાથી એ થયું છે. રેહાનાને (કે કોઈ અન્ય છોકરીને) મેં પસંદ કરી હતી…’ એ પંડિતે ધીમે ધીમે બધાને બોલવા દીધા. છેવટે પંડિતે પૂછ્યું :
‘તમે રેહાનાને પરણ્યા એને તમારો ચોઈસ માનો છો ?’
‘યસ અફકોર્સ. મેં રેહાનાને પસંદ કરી હતી. ’ એક વિદ્યાર્થી બોલ્યો.
‘એ રેહાનાને તમે ક્યાં મળ્યા હતા ?’
પેલો વિદ્યાર્થી કહે કે ફલાણી-ફલાણી જગ્યાએ. આલીમે પૂછ્યું :
‘પરંતુ એ મળવાની આગળના બધા જ સંજોગો છે એની ગૂંથણી તમે કરેલી ? તમે પિક્ચર જોવા ગયેલા ત્યારે રેહાના પર નજર પડેલી ? પિક્ચર જોવાનો નિર્ણય કોણે લીધો ? એની આગળ વિચારો તો એ પિક્ચર જોવું જ એવો કોઈ રિવ્યૂ વાંચેલો ?’ એમ કરતાં કરતાં એમણે વિદ્યાર્થીઓને કબૂલ કરાવ્યું કે રેહાનાને પરણ્યા એ માટે પણ સંજોગો જ કામ કરી ગયા ! એમાં પણ અલ્લાહ જ કામ કરી ગયો છે, તું નહીં !
આગળ ચાલતાં-ચાલતાં એ વિદ્યાર્થીઓને આલીમે બધેથી જ પકડી લીધાં – લગ્નમાં, મૃત્યુમાં, જન્મમાં, જીવનમાં – એ પછી કહ્યું : ‘My friends, the only choice left to you is that, there is no choice. Choicelessness is the only choice before you. ’ એ પછી એણે ઈસ્લામનો મર્મ સમજાવ્યો. ‘શરણાગતિ’ એ જ ઈસ્લામનો મર્મ છે. ઈસ્લામનો અર્થ છે ‘શરણાગતિ’. હું ઘણીવાર કહું છું કે અઢાર અધ્યાયની માથાકૂટને અંતે છેલ્લા છ-સાત શ્લોકો વધેલા છે ત્યારે અર્જુન કહે છે ‘કરિષ્યે વચનં તવ. ’ આ શ્લોકમાં અર્જુનનું નિઃશેષ સમર્પણ પ્રગટ થાય છે. આ અર્જુનનો ઈસ્લામ છે. શરણાગતિ એ મુખ્ય છે. શરણાગતિને સમજવાની છે. એવું નથી વિચારવાનું કે હવે છૂટકો નથી તો કૃષ્ણના શરણે જઈએ…. !! શરણાગતિ ભાવપૂર્વક અને અર્જુનનીવૃત્તિથી હોવી જોઈએ. કૃષ્ણ સુધી આપણી લાગવગ ના પહોંચતી હોય તો વાયા અર્જુન જાઓ ! અર્જુન સુધી આપણે પહોંચી શકીએ તેમ છીએ કારણ કે આપણામાં જેટલી જેટલી નબળાઈઓ છે તે બધી મોટા પ્રમાણમાં અર્જુનમાં વિદ્યમાન હતી. એ ક્યાંક પહોંચ્યો હોય અને એણે નવી સ્ત્રી ન કરી હોય, એવું તો બતાવો મને ! અર્જુન કરતાં આપણે ખોટા નહિ ! જો અર્જુન કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરી શકે તો આપણે કેમ નહિ ?
હવે વાત આવે છે શરણાગતિની. શરણાગતિ શબ્દ આપણા કાનને જરા વાગે છે. એમ થાય છે કે આપણે શરણે જવાનું ? પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિના શરણમાં જાય એવો આ શરણભાવ નથી. આ નદીનું સમર્પણ છે. નદી જેવા સંપૂર્ણ વિલીનીકરણની આ વાત છે. ત્યાં ઈસ્લામ અને વૈદિક વિચારધારા એકદમ નજીક આવી જાય છે. એટલી નજીક કે ગીતાનો સાર અઢારમા અધ્યાયને અંતે જો કોઈ નીકળતો હોય તો ઈસ્લામના સારમાં અને ગીતાના સારમાં જરા જેટલો પણ તફાવત નથી એમ હું તમને થોડા અભ્યાસને અંતે કહી શકું. જે મહાસત્તાના નિર્ણયને લીધે બ્રહ્માંડ ધબડકો વળતું બચી ગયું, એ જરા આમતેમ થયું હોત તો આ પૃથ્વી ન હોત, આપણે ન હોત – આ કાલદેવતાની લીલા છે; એ કાળ માટે ભવભૂતિએ શબ્દ વાપર્યો એવો કોઈએ વાપર્યો નથી. ઉત્તરરામચરિતમાં ભવભૂતિ ભગવાન શિવ માટે અત્યંત મૌલિક અને કર્ણમધુર શબ્દ વાપરે છે, જે છે ‘કાલપ્રિયનાથ’. જો આપણે વિલિન થવાનું જ છે, મૃત્યુ નિશ્ચિત છે, આપણે પરમ ચેતનામાં ભળી જ જવાના છે – એને અંગે કોઈ શંકા નથી, કાલે કે પરમ દિવસે એટલો જ સવાલ છે – તો અર્જુનવૃત્તિથી આપણે શા માટે એમ ન કહીએ કે ‘હે કૃષ્ણ ! કરિષ્યે વચનં તવ !’
***