Ran Ma khilyu Gulab - 7 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 7

Featured Books
Categories
Share

રણમાં ખીલ્યું ગુલાબ - 7

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(7)

સોચા તો સિલવટોં સે ભરી હૈ તમામ રુહ

દેખો તો ઇક શિકન ભી નહી હૈ લિબાસ મેં

કોલેજમાં સોપો પડી ગયો. ગુજરાતી વિષયના પ્રોફેસર રાવલ સરને એક માથાભારે વિદ્યાર્થીએ લાફો મારી દીધો. આવા સમાચાર તો જંગલની દવની જેમ પળવારમાં બધે પ્રસરી જ જાય ને? જેણે જેણે સાંભળ્યું તેણે પહેલો સવાલ આ જ પૂછ્યો, “કોણ છે એ બદમાશ જેણે આવા ભલા સરને લાફો માર્યો?”

“રાજુ સિવાય બીજું કોણ હોય! એ આવા તોફાનો કરવા માટે જ તો કોલેજમાં આવે છે. એને ભણવામાં ક્યાં રસ જ છે?”

વાત સાવ મામૂલી એનું પરિણામ ભયંકર આવ્યું હતું. પ્રો. રાવલ ટી.વાય., બી.એ.ના ક્લાસમાં ગુજરાતી કાવ્ય ભણાવી રહ્યા હતા ત્યારે રાજુ એની બાજુમાં બેઠેલા મિત્રોની સાથે વાતો કરતો હતો.

પ્રો. રાવલ સાવ સજ્જન. એમણે મૃદુતાપૂર્વક કહ્યું, “ભાઇ, તમને જો કવિતામાં રસ ન પડતો હોય તો મહેરબાની કરીને વર્ગખંડમાંથી બહાર ચાલ્યા જાવ; આખા ક્લાસને ખલેલ ન....”

બસ, આટલું જ કહ્યું ત્યાં તો રાજુ બેન્ચ ઊપરથી ઊભો થઇને ધસી આવ્યો. સાહેબના ગાલ ઉપર એક જોરદાર તમાચો ઠોકી દીધો. પછી ધમકી સંભાળાવવા માંડ્યો, “તમે તમારું કામ કરો ને! મને મારું કરવા દો. ને હું ફી ભરીને ક્લાસમાં બેસું છું. મને બહાર જવાનું કહેવાવાળા તમે કોણ? આવતી કાલથી હું જ તમને કોલેજમાં આવતા બંધ કરી દઇશ.”

પ્રો. રાવલ બાપડા માનભગ્ન થઇને વીલા મોંઢે ક્લાસરૂમ છોડીને જતા રહ્યા. છોકરાઓમાંથી કોઇનામાં વચ્ચે પડવાની હિંમત ન હતી. રાજુ કોલેજનો ‘ભાઇ’ હતો. એની સાથે કોણ પંગો લે?!

પહેલી બેન્ચ પર બેઠેલી છોકરીઓ તો ડરની મારી ધ્રૂજી ઊઠી. કુનિકા તો રડી પડી. એને પ્રો. રાવલ સર ખૂબ ગમતા હતા. એમનુ જ્ઞાન, એમની ભણાવવાની ધગશ, એમની ઋજુતા અને એમની સાદગી આ બધું કુનિકાને ગમતું હતું. આવા ભલા પ્રોફેસરને માર મારે એ વિદ્યાર્થી કેવો બદમાશ હોવો જોઇએ? એ બીજું શું ન કરી શકે?! આ છેલ્લો સવાલ કે ‘એ બીજું શું ન કરી શકે?’ એનો જવાબ બીજા જ અઠવાડિયે મળી ગયો. રાજુએ જ આપી દીધો. તર્કશાસ્ત્રની યુવાન લેક્ચરર મિસ સુનયના બક્ષી લટક-મટક ચાલે વર્ગખંડમાં દાખલ થયાં એ સાથે જ રાજુ એમની પાસે પહોંચી ગયો. ભરચક્ક વિદ્યાર્થીઓની હાજરીમાં તેણે મિસ બક્ષીની સાડીનો છેડો પકડીને પૂછ્યું, “સુંદર સાડી છે? ક્યાંથી ખરીદી, મેડમ?”

મિસ બક્ષી સ્તબ્ધ! કાપો તો ખૂન ન નીકળે એવી થઇ ગઇ બાપડી. રાજુએ ભલે દેખાડવા ખાતર સાડીનાં વકાણ કરીને એની કિંમત પૂછી હતી, પણ બધાં સમજી ગયા હતા કે આ તો એક નર્યું બહાનું જ હતું. વાસત્વમાં રાજુએ એક કુંવારી યુવતીની સાડી ખેંચીને એનુ માનભંગ જ કર્યો હતો.

મિસ બક્ષીને પ્રો. રાવલવાળી ઘટનાની જાણ હતી એટલે કંઇ પણ બોલ્યા વગર એ રડતી રડતી ક્લાસરૂમમાંથી બહાર નીકળી ગઇ. છોકરાઓમાંથી એક પણ માઇનો લાલ એવો ન નીકળ્યો જે આ આધુનિક દ્રૌપદીની રક્ષા માટે શ્રીકૃષ્ણ બનીને આવી શકે.

બધી છોકરીઓ પણ સહેમી ગઇ. કુનિકા તો એ રાત્રે ઊંઘી પણ ન શકી. આ જગતમાં રાજુ જેવા બદમાશ, લફંગા, ભારાડી, ચારિત્ર્યહીન પુરુષો પેદા જ શા માટે થતા હશે? આવું એ આખી રાત વિચારતી રહી. વહેલી સવારે માંડ એની આંખ મળી ત્યારે પણ એનાં બિડાતાં ઘેનભર્યાં પોપચામાં એક જ સવાલ ઘૂમરાતો હતો: “કોલેજમાં તો ઠીક છે, પણ ભવિષ્યની જિંદગીમાં આવા લોફર સાથે કઇ બદનસીબ સ્ત્રીનું ભાગ્ય જોડાયેલું હશે? બાપ રે! આવાની સાથે આખી જિંદગી એક છત નીચે રહેવાય જ શી રીતે?”

આ છેલ્લાં સવાલનો જવાબ પણ બીજા અઠવાડિયે મળી ગયો. રાજુએ જ આપી દીધો. બપોરની રિસેસમાં હજુ તો તમામ છોકરાઓ અને છોકરીઓ ક્લાસરૂમમાં જ બેઠેલા હતા, ત્યારે રાજુને અચાનક ધૂન ચડી. એ સીધો કુનિકાની સામે જઇને ઊભો રહ્યો, “આઇ લવ યુ. મારે તારી સાથે લગ્ન કરવું છે. તારી હા છે ને?”

કુનિકાને ચક્કર આવી ગયા. જાણે રાવણ સાધુના વેશમાં નહીં પણ એના અસલી ગેટ અપમાં જ સીતાનું હરણ કરવા માટે આવી પહોંચ્યો હતો! ઘરે ગયા પછી એને તાવ આવી ગયો. એટલી બધી ડરી ગઇ હતી કે આ વાત એનાં મમ્મી-પપ્પાને પણ કહી શકી નહીં. અને જો કહી હોત તો પણ શો ફરક પડવાનો હતો! કુનિકાનાં પપ્પા પણ પ્રો. રાવલ જેવા જ ભદ્ર પુરુષ હતા. પછી તો રાજુ રોજ-રોજ કુનિકાની સપાસ મંડરાવા લાગ્યો. દાદાગીરી કરવા લાગ્યો. એક વાર તો રાજુના એક ફોલ્ડરીયાએ આવીને કુનિકાને પૂછી પણ લીધું, “ તને વાંધો શેનો છે? જોતી નથી કે ભાઇ તને કેટલો બધો પ્રેમ કરે છે?!”

કુનિકાએ હિંમત ભેગી કરીને કહી દીધું: “ એવા બદમાશની સાથે કોણ મેરેજ કરવા તૈયાર થાય? મને એની ગુડાંગીરી જરા પણ પસંદ નથી.”

કબૂતર જેમ કાગળ લઇને જાય તેમ ફોલ્ડરીયો કુનિકાનો જવાબ લઇને ‘ભાઇ’ પાસે પહોંચી ગયો, “ભાઇ! અપૂનકી હોનેવાલી ભાભી ઐસા બોલતી હૈ કિ......”જે હતુ તે ઠાલવી દીધું.

“ઐસા? ઠીક હૈ. અપૂન યે મવાલીગીરી છોડ દેગા. જા, તેરી ભાભી કો બતા દે.” રાજુએ સામે જવાબ પાઠવી દીધો.

બીજા દિવસથી ખરેખર રાજુ ભાઇને ભાઇગીરી છોડી દીધી. સમયસર ક્લાસમાં આવી જવાનું, ખામોશીથી સરનાં લેક્ચર્સ સાંભળવાના અને ચૂપચાપ કોલેજ છૂટે ત્યારે નીકળી જવાનું. નહીં કોઇની સાથે મારામારી કરવાની, નહીં કોઇની સાથે ઊંચા આવાજમાં વાત કરવાની.

બસ, એક વાત રાજુએ છોડી નહીં. રોજ અપલક આંખે કુનિકાની સામે જોયા કરવાનું અને ભીનાં અવાજમાં એક વાર એને પૂછી લેવાનું: “કુનિ ડાર્લિંગ, હવે તો હું તને પસંદ છું ને?”

ધીમે ધીમે કુનિકા પીગળવા માંડી. રમેશ પારેખ લખી ગયા છે ને? આ ખળખળ કરતું પાણી જ્યારે પથ્થરને સ્પર્શીને વહી જતું હશે ત્યારે, હા, ત્યારે આ પથ્થરને પણ કંઇક તો થતું હશે ને? પથ્થર પીગળે નહીં એ તો સનાતન સત્ય છે, પણ એ ભીનો તો થાય ને? રાજુ નામના ‘બદમાશ’ જળપ્રવાહના અવિરત સ્પર્શના પ્રભાવથી કુનિકા પણ છએવટે ભીની થઇ જ ગઇ. પછી એક દિવસ જ્યારે રાજુએ એની સામે ઊભા રહીને રોજીંદો સવાલ કર્યો, “કુનિ ડાર્લિંગ, હવે તો હું તને ગમું છું ને?” ત્યારે કુનિકાએ પોપચાં ઢાળી દીધાં અને ધીમા અવાજમાં કહી દીધું: “હા, હવે તું મને ગમે છે.” કુનિકાએ હા પાડતા પહેલાં દિવસો સુધી મનોમંથન કર્યું હતું. રાજુભાઇના વ્યક્તિત્વમાંથી જો ‘ભાઇ’ નામનું તત્વ કાઢી નાંખવામાં આવે તો બાકી બધી જ રીતે તે યોગ્ય યુવાન બની જતો હતો. એ હેન્ડસમ હતો, મજબૂત હતો, કસાયેલા સુદૃઢ દેહવાળો હતો, સપ્રમાણ ઊંચાઇ ધરાવતો હતો. અને હવે તો વાતચીત અને વર્તનમાં સંસ્કારી પણ હતો. કોઇ પણ યુવતી એનાં પ્રેમમાં પડી જઇ શકે. કુનિકા પણ પડી ગઇ.

લગ્ન કરવા હોય તો એ માટેનાં પગથિયા તો ચડવા જ પડે ને! સૌથી મોટું, ઊંચું અને કઠીન પગથિયું કુનિકાનાં પપ્પાની સંમતિ મેળવાનું હતું. કુનિકા એક દિવસ રાજુને લઇને એનાં ઘરે ગઇ. પપ્પાની સાથે પરીચય કરાવ્યો. પછી કહ્યું, “ પપ્પા, હું રાજુની સાથે મેરેજ કરવા માંગું છું.”

પપ્પાએ વેધક પ્રશ્ન પૂછ્યો, “એ કેમ એકલો જ આવ્યો છે? એના મા-બાપ મરી ગયા છે કે શું?”

રાજુએ જેમ-તેમ કરીને ભાવિ શ્વસુરજીને શાંત પાડ્યા. પછી આટલું કહીને એ છૂટ્ટો પડ્યો, “ જો તમે હા પાડશો તો જ અમે મેરેજ કરીશું. પણ જો ના પાડશો તો અમે બંને આખી જિંદગી કુંવારા જ બેસી રહીશું. અમે બીજા કોઇની સાથે લગ્ન નહીં જ કરીએ. આ અમારી ભિષ્મ પ્રતિજ્ઞા છે.” પછી એ ચાલ્યો ગયો.

પિતાએ દીકરીને ખૂબ મનાવી, સમજાવી, બે હાથ જોડીને આજીજી પણ કરી: “ બેટા, મને આ છોકરો સારો નથી લાગતો. તું એની સાથે લગ્ન કરીને સુખી નહીં થાય. મારા કાને બહારથી એના માટે જે રીપોર્ટ્સ આવ્યા છે તે પણ સારા નથી. હું તારા માટે ખૂબ સારો વર શોધી કાઢીશ.”

કુનિકાએ કંઇ સાંભળ્યુ નહીં. એ તો પપ્પાને સમજાવવા લાગી, “રાજુ ભૂતકાળમાં ખરાબ હતો, પણ હવે એ સૂધરી ગયો છે. મારા પ્રેમે ચમત્કાર સર્જી બતાવ્યો છએ, પપ્પા. તમે અમને આશિર્વાદ આપો.”

પપ્પાએ થાકી-હારીને આશિર્વાદ આપી દીધા. કુનિકા-રાજુ પરણી ગયા. અત્યારે પણ બંને સાથે જ છે. આવાં અનેક કિસ્સામાં મેં જોયા છએ જેમાં સુંદર, સંસ્કારી યુવતીનાં પ્રેમને લઇને બદમાશ યુવાન સૂધરી ગયો હોય. પણ આ કિસ્સામાં કમનસીબે એવું નથી બન્યું. રાજુએ કુનિકાનું દિલ જીતવા ખાતર સૂધરી જવાનું માત્ર નાટક જ કર્યું હતું. કૂતરાની પૂંછડી ફરી પાછી વાંકી થઇ ગઇ છએ. અપ્સરા જેવી ખૂબસૂરત દેખાતી કુનિકાનું રૂપ હવે ઝાંખું પડવા માંડ્યું છે. એની આંખોની નીચે કાળા ડાઘ દેખાવા લાગ્યા છે. એનો એક એક દિવસ ચિંતામય બની રહ્યો છે. રાજુ રોજ કોઇકની સાથે મારામારી કરીને જ ઘરે પાછો આવે છે. પોલિસના લફરા અને વકીલોના ખર્ચા ચાલુ જ રહે છે.

(શીર્ષક પંક્તિ: શકેબ જલાલી)

-----------