Karnalok - 7 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 7

Featured Books
Categories
Share

કર્ણલોક - 7

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 7 ||

શેફાલીને સિવિલમાં રખાઈ તોપણ બદલીમાં સૌમ્યા હજી આવી નહોતી. કાગળો ચાલતા હતા. ક્યારેક રસ્તા પર રડીખડી દેખાતી રિક્ષામાં અકારણ નજર કરીને તેમાં રોઝમ્મા બેઠી છે કે નહીં. તે જોવાનું મન થઈ જતું.

એકાદ વાર નંદુ પણ દરવાજે ઊભો રહીને શહેર તરફ જોતો નજરે પડેલો. આજે સવારે મોહનકાકાના કૂવે નહાઈને પાછો દુકાને આવ્યો તો જોઉં છું કે નંદુ બહાર આવીને બેઠો છે. કહે, ‘ભાઈ, આ વખતે તું મારા વતી મઢીએ જઈ શકીશ?’

‘કેમ?’

‘આ રોઝમ્મા છોકરીને મૂકવા આવવાની હતી તે હજી આવી નથી. એ આવે ત્યારે અહીં રહેવું છે. ન કરે નારાયણ ને આઠ દહાડાની છોકરીને કંઈ તકલીફ થાય તો દવાખાને લઈ જનારો પણ કોઈ નહીં મળે.’ નંદુ સ્ટૂલ ખેંચીને બેસતાં બોલ્યો.

‘એ દવાખાનેથી તો આવવાની છે. અને તમે તો દર પૂનમ ભરો છો. નિયમ લીધો છે તો તોડવો છે શું કામ?’

‘નિયમ લીધો એટલે તો મારા વતી તારે જવું પડવાનું.’ નંદુ સહેજ હસ્યો અને આગળ બોલ્યો, ‘માનાં દર્શનની ના ન પાડતો. વળી, નિમ્બેનની વાડીએ જરા મળતો આવ.’

તે રાતે ટ્રેનમાં નિમુબહેન મળ્યાં હતાં એને રહેતાં રહેતાં ચાર-પાંચ મહિના તો થઈ ગયા હતા; પણ તેમની વાડી કે મઢી કશું જોયું નહોતું. વાડીએથી આવતાં પુસ્તકો વાંચતો. નંદુ અવાર-નવાર તેમની નદીકિનારા પરની વાડી વિશે, ત્યાંની પ્રવૃત્તિઓ વિશે અને નિમ્બેન તથા જી’ભૈ વિશે વાતો કરતો રહેતો. મન થતું કે એક વાર જઈ આવું.

‘ભલે. જઈ આવું.’

‘લે, પૈસા લઈ લે.’ નંદુએ દશની નોટ મારા સામે ધરી. ‘પૈસા છે મારી પાસે.’ મેં આનાકાની કરી, ‘વળી, હું તો સાઇકલ લઈને જવાનો.’

‘તારા પૈસે મારી જાતરા કઈ રીતે થવાની? સાઇકલ ઉપર જવું હોય તોયે વાટખરચી રાખ.’ કહીને નંદુએ પરાણે મારા ખીસામાં પૈસા મૂક્યા અને આગળ કહ્યું, ‘નિમ્બેનને ત્યાં જ જવાનું. જમવાનું અને કહે તો એકાદ રાત રોકાવાનું પણ કરજે. મઢી એમના ખેતરથી થોડે જ દૂર છે.’

‘ભલે. અડધા કલાકમાં નીકળું.’ મેં કહ્યું.

‘તું તૈયાર થા ત્યાં હું રસોડે આંટો મારીને પાછો આવું.’ નંદુ ગયો.

મારી સાઇકલ સાફ કરી. શણગારેલી સાઇકલ લઈને શિયાળાની સવારે પહેલી જ વાર દૂર દૂર સુધી ફરવા જવાનો ઉત્સાહ મનને છલકાવી ગયો. સાઇકલ લઈને જ નલિનીબહેનને ઘરે ‘જઉં છું.’ એવું કહેવા ગયો.

બહેને કહ્યું, ‘નિમ્બેનને ત્યાં જાય છે તો એક કામ કર. કરમીને વાડીએ મોકલવાની છે. એને સાથે સાથે લેતો જા.’

‘કરમીને, વાડીએ!’ બાળકોને પ્રસંગોપાત્ત પીરસવા કે માંદાની સેવા કરવા મોકલાતાં હોય છે તે ખબર હતી પણ કરમી તો હજી અઢી વરસની માંડ હશે!

આ પીળા મકાનમાં આવનાર જુદેજુદે, અનેક રસ્તે આવે છે. કોઈને ગામના માણસો મૂકી જાય, કોઈને પોલીસ કે કૉર્ટ. કેટલાંક મેટરનિટી હોમમાંથી સીધાં અહીં આવી ચડતાં હોય છે.

બહેન પાસેથી જાણ્યું કે કરમી. નિમુબહેનને પોતાને મહીસાગરના કોતરમાંથી મળેલી. ત્યારે એ છોકરી દોઢેક વરસની માંડ હશે. મા ડૂબી મરી કે ભીષણ ગરીબીને કારણે છોકરીને મૂકીને ચાલી ગઈ તે કોણ જાણે! સગાંસબંધીઓની તપાસ કરી, છાપામાં આપ્યું. કોઈ લેવા આવ્યું નહીં.

પીળી દીવાલ પાછળ આવી ત્યારે લક્ષ્મીએ એને અક્કરમી કહેલી. નિમુબહેને નામ લખાવ્યું કરમી. વાર તહેવારે નિમુબહેન કરમીને પોતાને ત્યાં બોલાવે છે. અહીંથી આ લોકો મોકલે પણ છે.

આ જાણ્યા પછી દુર્ગા અહીં શી રીતે આવી હશે તે જાણવાનું ફરી મન થયું. નંદુને પૂછવાની હિંમત નહોતી. મોકો પણ મળ્યો નથી. નલિનીબહેન ને પૂછવું યોગ્ય નહીં ગણાય. વાડીએ જઉં છું અને નિમુબહેન જાણતા હોય તો પૂછું; પણ આટલા ‘ટૂંકા પરિચયે તેમને આવી વાત પૂછવી કે કેમ તે નક્કી કરી શક્યો નહીં.

‘સારું, પણ હું તો સાઇકલ પર જવાનો છું.’ મેં કહ્યું. વિચારવું મૂકી દઈને જવાની તૈયારી કરવી તે જ વધુ યોગ્ય હતું.

‘તારી સાઇકલને તો નાની સીટ છે. ન હોત તોયે કરમી તો આગળ સળિયા પર પણ બેસી જાય તેવી છે. આ નંદુ કેટલીયે વાર લઈ ગયો છે. ટેણકી દેખાય છે પણ છે હોશિયાર. જા લક્ષ્મી અંદર જ છે. જઈને કહે કે કરમીને નવરાવી દે.’ નલિનીબહેને કહ્યું.

દરવાજા અંદર કમ્પાઉન્ડમાં ફર્યો છું. ઑફિસમાં તો રોજ જવાનું જ હોય છે. એકાદ બે વખત નલિનીબહેનને ઘરે પણ જવાનું બનેલું; પરંતુ હજી સુધી અંદર, બે કમરા વચ્ચેની પરસાળ વટાવીને જાળી પારના ચોકમાં ગયો નથી. આજે ત્યાં જઈને લક્ષ્મીને કહેવાનું હતું કે કરમીને તૈયાર કરે.

જાળી પાર કરતાં ચોકના સામા ખૂણે ચોકડીમાં પાટલી નાખીને લક્ષ્મી બેઠી હતી. સામે જ પાણીનાં બે ટબ પડ્યાં હતાં. લક્ષ્મીની બાજુમાં રેખા અને બીજી એક જરા નાની છોકરી ઊભાં હતાં.

‘ચલ, લયાય.’ લક્ષ્મી છોકરીઓ સામે જોઈને બોલી. બેઉ છોકરીઓ ત્યાંથી ડાબી તરફ આવેલાં જુદાજુદા કમરામાં ગઈ.

ચોક સફાઈ કરેલો હતો છતાં ફરસ પર જાતજાતના ડાઘા હતા. છોકરીઓ જેમાં ગઈ હતી તે કમરા સામેથી પસાર થતાં થોડી દુર્ગંધ આવી. લક્ષ્મી પાસે પહોંચ્યો તો દુર્ગાને અને એક છોકરાને ભરેલી ડોલ લઈને પાછળની ખડકીમાંથી ચોકમાં આવતાં જોયાં.

‘લો, લક્ષ્મીબેન, ગરમ પાણી.’ એક ટબ ભરતાં દુર્ગાએ કહ્યું અને મારી હાજરી ન ગમતી હોય તેવો ભાવ કરીને મને જોઈ રહી.

‘અહીં શું પધાર્યા છો?’ લક્ષ્મીએ પણ પૂછ્યું.

‘મઢીએ જઉં છું. નલિનીબેને કરમીને સાથે લઈ જવા કહ્યું છે.’

‘તે નંદુકાકો નથી લઈ જતો?’ લક્ષ્મીએ અર્થહીન પૂછ્યું.

હું કંઈ જવાબ આપું તે પહેલાં દુર્ગાએ વચ્ચે જ મને કહ્યું, ‘તું જા તારી તૈયારી કર. કરમીને હમણાં દુકાને મૂકી જઉં છું.’ કહીને ઉતાવળે ફરી ઉમેર્યું, ‘તું તારે જા. તૈયાર થા.’

ચોક વટાવીને જાળી અટકાવવા પાછળ ફર્યો તો દેખાયું કે પેલી બે છોકરીઓએ બે નાનાં ભૂલકાંઓને લાવીને લક્ષ્મીની સામે સુવડાવ્યાં અને તરત બીજાંઓને લેવા ફરી કમરા તરફ ચાલી.

લક્ષ્મીએ ટબમાં હાથ બોળીને પાણી તપાસ્યું. જમીન પરથી એક બાળકને ઉઠાવીને ટબમાં ઝબોળ્યું અને ભીનું ને ભીનું તરત ચોકડીમાં સુવડાવી દીધું. પછી બીજાં ભૂલકાને લેવા નમી. દુર્ગા નીચે બેસીને પેલા, ભીંજાઈને રડતા ભટૂરિયાને કપડામાં વીંટીને તેને કોરું કરવા માંડી.

મને બહાર ધકેલી દેવાની દુર્ગાની ઉતાવળ સમજી શકાઈ. બે દિવસથી માંડીને વરસ દિવસ સુધીનાં છોકરાં એઠાં કપ-રકાબીની જેમ સાફ થતાં જોયાં ન જોયાં કરીને, જાળી અટકાવ્યા વગર હું ચાલવા માંડ્યો.

દુકાને પહોંચ્યો અને જોઉં છું તો રાહુલ ઉભડક બેઠો બે હાથે પેડલ પકડીને મારી સાઇકલનું પૈડું ફેરવતો હતો. સાઇકલનું સ્ટેન્ડ લૉક ન કર્યું હોત તો તેની માથે પણ પડી હોત. ‘એય, આ તું શું કરે છે?’ મારાથી જરા ઉતાવળે બોલાઈ ગયું.

ન મારા ગુસ્સાની કે ન મારા પ્રશ્નની, કશાની નોંધ લીધા વગર રાહુલ ઊભો થયો. પછી કોઈ અગત્યની વાત કહેતો હોય તેવા સ્વરે બાલ્યો, ‘બોલ, કરમી એની મમ્મી પાસે જવાની!’

‘એવું તને કોણે કહ્યું?’

‘સુરેશ કહેતો હતો.’ રાહુલે કહ્યું પછી મૌન રહીને બહાર રસ્તા તરફ જોતો રહ્યો.

નંદુ કરમીને નિમુબહેનને ત્યાં લઈ જવાનો હતો. આટલી નાની વાત કોઈએ બાળકોના સાંભળતાં કરી હશે. રાહુલ અને તેના જેવાં બીજાં બાળકોએ પોતપોતાના મનને ગમતી કલ્પના કરી લે તેમાં નવાઈ નહોતી.

રાહુલને કંઈ જવાબ આપું કે નહીં તે નક્કી કરું તે પહેલાં તેણે મારું શર્ટ પકડ્યું અને બોલ્યો, ‘મનેય સાઇકલ ચલાવવી છે.’

‘તું મોટો થા ત્યારે ચલાવી શકીશ. આમાં તો તારા પગ ન આંબે.’

‘હું નાની ચલાવવાનો. અહીં બીજું પૈડું હોય એવી.’ કહીને રાહુલે આગળના પૈડા પર હાથ મૂક્યો અને બોલ્યો, ‘નલિની મૅડમના ઘરમાં છે.’

આ બાળકને શી રીતે કહેવું કે નલિની મૅડમના ઘરમાં ત્રણ પૈડાની સાઇકલો જ નહીં, ઢગલો-એક બીજાં રમકડાં પણ છે. વળી, એ બધાં તમારા માટે જ અપાયાં છે. આપનારા આપીને એક સંતોષ સાથે ચાલ્યા જાય છે કે પીળા મકાનનાં નિવાસીઓ અનેક રમકડાંથી રમીને એમને આશીર્વાદ આપતાં રહેશે. કોઈને એ ખબર નથી હોતી કે એક પણ બાળક એક પણ રમકડાથી ક્યારેય રમી શકવાનું નથી. ખુદ નલિનીબહેનનાં બાળકો પણ નહીં. કારણ કે એ તો મોટાં થઈને દૂરનાં શહેરોમાં ભણી રહ્યાં છે.

અહીં કામ કરનારાઓ જાણે છે કે મહેમાનોએ આપેલી આવી નક્કર વસ્તુઓ જણસની જેમ સાચવવી પડે છે. એવો નિયમ છે કે આ બધું એક સ્ટોક-રજિસ્ટર નામના ચોપડે નોંધાવું પડે છે અને વાર્ષિક હિસાબો વખતે તે ગણી બતાવવું પડે છે. એકાદ વસ્તુની હાલત જો ચોપડેથી રદ કરવી પડે તેવી થાય તો સરકારી ઑડિટરને સંતોષ થાય તેવા કાગળો કરવા પડે. આ નાશવંત જગતની જેમ જ આ ચીજો પણ ક્ષણભંગુર છે તે સમજવા માટે બધા ઑડિટર કંઈ અમસ્તા તૈયાર નથી થતા.

કોઈ લાભ ન થવાનો હોત તો આવી આપદા કોણ કરે! માટે બધીએ નક્કર વસ્તુઓ સાચવીને મૂકી રાખો; ઑડિટ આવે ત્યારે ગણાવી દો એટલે નિરાંત. વિચિત્રતા તો એ છે કે જે મકાનમાં ચીજ-વસ્તુ ચોપડેથી કમી કરવાની ન થાય તેની આટલી કાળજી લેવાય છે તે જ મકાનમાં રહેતાં બાળકોમાંથી કોઈનું પણ નામ ચોપડેથી કાઢી નાખવું સાવ સહેલું છે.

‘ચાલ તને ચક્કર મરાવું. પછી અંદર જતો રહેજે.’ કહીને મેં રાહુલને ઊંચો કરીને સાઇકલની આગળની નાની સીટ પર બેસાર્યો. થોડે દૂર સુધી ચક્કર મારીને મેં તેને ઉતારવા બ્રેક મારી તો સાઇકલ સહેજ લપસી. મારો જીવ ઊંચો થઈ ગયો; પણ રાહુલને મજા પડી ગઈ. તે તો ઊતરીને ખડખડાટ હસતો દરવાજામાં દોડી ગયો.

અંદર દોડી જતાં વચ્ચે ઊભા રહીને રાહુલે કહ્યું, ‘મારી મમ્મી પણ આવવાની. મહેમાનની સાથે લેવા આવશે. મોટ્ટી મોટરમાં બેસીને.’

મારે આનંદથી ઘંટડી વગાડીને તેને આવજો કહેવું હતું; પણ મારાથી તેમ થઈ ન શક્યું. અચાનક ચારે તરફ ઉદાસી છવાઈ ગઈ. આંગળી ઘંટડી પર જ અટકી રહી.

રાહુલને મૂકી આવીને થેલીમાં બેત્રણ કપડાં નાખ્યાં અને કેરિયર પર દબાવીને મૂકતો હતો ત્યાં દુર્ગા કરમીને લઈને આવી. કરમીને સાઇકલની આગલી સીટ પર બેસારતાં બોલી, ‘આમ વચ્ચેથી જ પકડીને બેસવાનું. બીજે ક્યાંય હાથ નાખતી નહીં હોને! આંગળી ચિપાઈ જાય. જો આમ.’ કહીને તેણે કરમીની આંગળીઓ ખસેડીને બ્રેક સહેજ દબાવી.

ઝટ દઈને હાથ પાછો ખેંચી લેતાં કરમીએ મોં બગાડ્યું.

‘સાવ જડ જેવું શું કરતી હોઈશ. એને વાગે નહીં?’ મને ચીડ ચડી.

‘ઓય, સાઇકલ,’ દુર્ગાએ જવાબ આપ્યો, ‘ચાલુ સાઇકલે કેવી સજ્જડ બ્રેક મારે છે એ તો હમણાં જ જોયું. એવે વખતે હાથ નાખી દે એના કરતાં આ કરીને બતાવ્યું સારું.’

‘વાહ, મહાન કામ કર્યું.’ મેં વ્યંગમાં કહ્યું અને કરમીને મજા પડે એટલે સાઇકલની ઘંટડી વગાડીને તેને પૂછ્યું, ‘ચાલો જઈશું?’

કરમીએ ડોકી નમાવીને હા પડી પણ તે કંઈ બોલી નહીં. અચાનક મને લાગ્યું કે કંઈક ગરબડ છે. બે-અઢી વરસની છોકરી બોલે જ નહીં તે મને સ્વાભાવિક ન લાગ્યું. મેં દુર્ગા સામે જોયું. તેને કંઈ પૂછું તે પહેલાં તો દુર્ગાએ મને રોકતાં કહ્યું, ‘મને પણ ત્રણ વરસે આવડ્યું હતું. હવે વાતો નહીં. તું જતો થા. જાવ બેય જણાં.’

દુર્ગામાં સમય પારખવાની અને તેને અનુરૂપ નિર્ણયો લેવાની એક ખાસ સૂઝ દેખાઈ. કરમીની હાજરીમાં તેની વાચા વિશે વાત ન થવા દેતાં તેણે વ્યંગ પણ કર્યો, ‘હવે વિચારજે, જડ કોને કહેવાય?’

બાર-તેર વરસની છોકરીમાં આટલી સમજ કઈ રીતે હતી તે મને સમજાયું નહીં.

અમે નીકળ્યાં. શિયાળાની સવાર, કૂણો તડકો, લીલાં ખેતરો વચ્ચેથી પસાર થતો રસ્તો. પોતાની નવી સાઇકલ અને કિશોરાવસ્થા. કેવો તોર હતો! આગળ કરમી બેઠી ન હોત તો મેં સાઇકલને જાતજાતના વળાંકો લેવરાવ્યા હોત, ઝડપથી દોડાવી હોત, પેડલ પર ઊભા થઈને રમરમાટ દોડાવી હોત. કરમીને પણ આવી જ મજા આવતી હશે. મેં પૂછ્યું, ‘મજા પડે છે ને કરમી?’

કરમીએ માથું ઉપર-નીચે કરીને હા પાડી. દૂર કંઈક નવું જોવા મળે તો હાથ લંબાવીને મને દેખાડતી ગઈ. રસ્તામાં જે મળે તે ધ્યાનથી જોતી.

નદી આવી એટલે મેં પુલને છેડે સાઇકલ ઊભી રાખી. હજી સાઇકલ સ્ટૅન્ડ કરી લઉં તે પહેલાં તો કરમી ત્રાંસા સળિયા પર પગ ગોઠવીને ફટાફટ નીચે ઊતરી પડી.

લાંબા પટને આવરી લેતા પુલ પરથી અમે નદી જોયા કરી. રેતીમાં ઊતર્યાં, પાણી પીધું અને થોડા કાંકરાના ઘા કર્યા. કરમી રેતીની મુઠ્ઠી ભરી ભરીને નદીમાં નાખવાની રમત કરતી હતી. થોડી વાર રહીને મેં કહ્યું, ‘ચાલ, કરમી, હવે જવાનું.’

કરમી ટગુમગુ દોડતી ઢોળાવ ચડી ગઈ. જે રીતે સાઇકલ પરથી ઊતરી હતી તે જ રીતે ટીંગાતી, પગ ટેકવતી પોતાની સીટ પર જઈ બેઠી. કદાચ પીળા મકાનના ચોકની બંધ જાળી પર ચડતાં, ઊતરતાં રહીને તેણે આ રીતે ટીંગાઈને ચડવા-ઊતરવાનું કૌશલ મેળવ્યું હશે.

પુલ પસાર કરીને વળાંક લીધો કે કોતરો વચ્ચે મઢીની ધજા દેખાઈ. થોડી વારે મઢીએ પહોંચ્યાં. દર્શન કરીને ત્યાં જ પૂજારીને પૂછ્યું, ‘જી’ભાઈની વાડીએ ક્યાં રહીને જવાનું?’

‘મઢીની પાછળથી જ એક નળી કોતરો પાર ગામ તરફ જાય છે. થોડે આગળ જતાં તેમાંથી ફંટાઈને બીજી એક નળી નદીને સમાંતર બાજુના ગામે જાય. એ જ રસ્તા પર નિમ્બેનની વાડી. પેસતાં જ લીમડો છે. આગળ જ મકાનો છે. એક કોતર નીચે કૂવો.’

નિમુબહેન લીમડા ફરતે લીંપેલા ઓટલા પર બેઠાં હતાં. સામે એક ગ્રામજન નીચું જોઈને તેમની વાત સાંભળતો હતો, ‘બોલ ભાઈ, સાચું છે ને? બહુ જોર આવી ગયું હોય તો કોદાળી લઈને બે ક્યારા ગોડી નાખવા; પણ ઘરનાં માણસને મારવાનું તે કંઈ સારું છે?’

‘પણ એવી એ બૈરું થઈને...’ પેલો ગ્રામવાસી જવાબ આપવા ગયો ને તેની નજર નિમુબહેનના બદલાયેલા ચહેરા પર ગઈ એટલે અટકી ગયો.

‘આ રોજ રોજ મઢીએ ‘માતા માતા’ કરીને જેની સામે પાઘડી ઉતારીને માથાં ઘસો છો એ પણ સ્ત્રી જ છે. મરદ નથી. સમજણ પડે છે?’ નિમુબહેને કહ્યું. પેલો કંઈ જવાબ આપ્યા વગર સામે જોઈ રહ્યો. નિમુબહેન ઘડીભર તેની સામે જોઈ રહ્યાં પછી ફરી પૂછ્યું, ‘બોલ હવે કહે, શું કહેવું છે તારે?’

‘અવે સું કે’વાનું રયું?’ જવાબ મળ્યો.

‘બસ તો પછી. સ્ત્રીઓને બૈરું બૈરું કહીને ઘરની લક્ષ્મી પર આટલી ધમાલ કરવી હોય તો મઢીએ જવાનું બંધ કરી દો. જે મઢીમાં બેઠી છે એ જ તમારા ઘરમાં છે એટલું સમજી લો.’ નિમુબહેને કહ્યું અને સ્વરમાં સહેજ પણ ઉગ્રતા લાવ્યા વિના ઉમેર્યું, ‘હવે ધ્યાનથી સાંભળ, તમારા વાસમાંથી હવે પછી કોઈ પણ બાઈની ફરિયાદ આવી છે તો જેનો વાંક હશે એને હાથકડી પહેરાવરાવીશ. કાં તો ઊંચકીને ફેંકી દઈશ મહી સાગરમાં. તું મને ઓળખે છે ને ભાઈ?’

‘હા.’ આટલા નિશ્ચયપૂર્વક બોલાયેલી વાત પેલો નકારી શકે તેવું બનવાનું નહોતું.

નિમુબહેન વાત પતાવીને ઊભાં થયાં તે વખતે અમે ત્યાં પહોંચ્યાં. મેં નમન કર્યું અને બોલ્યો, ‘નંદુકાકા રોકાઈ ગયા.’

નિમુબહેને નંદુ ન આવ્યો તે વિશે કંઈ સવાલ ન કર્યો. કરમીને તેડીને ઉતારી પછી મકાન તરફ જતાં બોલ્યાં, ‘ગોમતી, જો, કરમી આવી. સાઇકલ પર બેસીને આવી મારી દીકરી, સાઇકલ ઉપર.’

અંદરના કમરામાંથી એક યુવતી બહાર આવી. તેણે કરમીને તેડી લઈને વહાલ કર્યું અને અંદર લઈ ચાલી. નિમુબહેન મારા તરફ ફર્યા અને પૂછ્યું, ‘ત્યાં તારું બરાબર ચાલવા માંડ્યું છે? બધાં છોકરાં સાથે તારે ઓળખાણ થઈ ગઈ?’

‘હું ત્યાં અંદર જતો નથી.’ મેં કહ્યું, ‘એ લોકમાંથી જે દુકાન પર આવે એને ઓળખું છું.’

નિમુબહેન ચાલતાં અટકી ગયાં. મારા તરફ વેધક નજરે જોયું અને પૂછ્યું. ‘શું કહ્યું તેં? દુકાને કોણ આવે?’

‘બધાંને હજી ઓળખતો નથી. જે મોટાંનાનાં આવે તેને ઓળખું.’ મેં આ વખતે ‘એ લોક’ જેવો ઉલ્લેખ ટાળ્યો. નિમુબહેન આગળ કંઈ બોલ્યા વગર પરસાળનાં પગથિયા ચડ્યાં. તેમની પાછળ જતાં મેં કારણ વગર કહ્યું, ‘દુર્ગાને તો હવે પાલિતાણા મોકલે છે.’

નિમુબહેન અટકીને મારા સામે જોઈ રહ્યાં. પછી બોલ્યાં, ‘નહીં મોકલે પાલિતાણામાં નાનાં બાળકો માટે સગવડ નથી. દુર્ગાઈ અઢારની ન થાય ત્યા સુધી ત્યાં ન મોકલી શકે.’

પછી પગથિયાં ચડતાં ફરી કહ્યું, ‘તારું...’

હવે મારું નામ પુછાશે. મારું ગામ પુછાશે. જે વાત મારે કોઈને કરવી નથી તે કરવાની થશે. અહીં ન આવ્યે જ સારું થાત. મનોમન નંદુ પર ગુસ્સો આવ્યો. હવે પછી નિમુબહેન શું બોલે છે તે સાંભળવા તૈયાર થઈ ગયો હોઉં તેમ થાંભલાને અઢેલીને ઊભો રહ્યો.

‘શું કહું છું? સાંભળ, તારું બરાબર ગોઠવાઈ ગયું હોય તો હવે અંદરના છોકરાં માટે કંઈનું કંઈ કરતો રહે. નિશાળ છૂટ્યે કોઈને તારી મદદમાં બોલાવ, કંઈક શિખડાવ.’ નિમુબહેને હીંચકા પર બેસતાં વાત પૂરી કરીને ફરી પૂછ્યું, ‘બોલ, ફાવે કે નહીં? ખરચો થશે તે તને મળી જશે.’

હાશ અનુભવવા છતાં મેં કંઈ જવાબ ન આપ્યો. નિમુબહેને આગળ કશું પૂછ્યું નહીં અને ગોમતીને સાદ કરતાં કહ્યું, ‘ગોમતી, તું હવે કરમીને તેડીને ફર નહીં, જો, અંદરના કબાટમાં રમકડાં હશે. કાઢીને એને આપ અને રમતી મૂક.’

જી’ભાઈ બહારથી આવ્યા અને મને જોઈને પૂછ્યું, ‘કેમ છે?’

‘મજામાં.’

‘રોકાવાનો છે ને?’ જી’ભાઈએ મને પૂછ્યું અને જવાબની રાહ જોયા વગર મોં-હાથ ધોવા ચોકડીમાં જતાં જતાં નિમુબહેનને કહ્યું, ‘નિમુ, કંડક્ટર આજે પાછો એના પેલા ભાઈબંધની ભલામણ કરતો હતો કે એની વહુને સૌમ્યાને લઈ જવાનું બહુ મન છે. મેં કહ્યું કે જઈને નેહાને મળે અને એને સાથે રાખીને સંસ્થામાં જાય. મોઢા મોઢ વાત કરે. આ બાઈ સૌમ્યાને માગે છે તો નલિનીબેન ભલાં થઈને આપી દે. એમને પણ રાહત. છોકરી પણ સુખી.’

આ સાંભળીને મને નવાઈ લાગી. કોઈ સૌમ્યાને લઈ જવા ઇચ્છે છે! એ હજી તો પીળા મકાનમાં આવી રહી છે, કદાચ આજે આવી હશે; અને તેને લઈ જવા કોઈ મા તૈયાર છે! તેનું નામ નોંધાશે, કાગળો થશે ત્યાં તો તેને કોઈ લઈ જશે. દરેકની બાબતમાં આવું બનતું નથી.

‘નેહાને ફુરસદ હશે? હજી બસ ગઈ ન હોય તો આ છોકરા જોડે બીજી ચિઠ્ઠી મોકલી દો કે નેહાને નલિનીબહેન પાસે લઈ જવાની વ્યવસ્થા એ જાતે જ કરે. એને તો પોતાની રિક્ષા છે.’

નિમુબહેને વાત કરતાં તો જાતે જ ચિઠ્ઠી લખી નાખીને મને આપતાં કહ્યું, ‘જા, કંડક્ટરને આપજે અને કહેજે કે ફારુક રિક્ષાવાળાને આપે. ફોડ પાડીને કહેજે કે સૌમ્યાને માગે છે તે ફારુકને આપે.’

‘મુસલ...?’ હું બોલવા ગયો; પણ આગળ બોલી ન શક્યો.

જી’ભાઈ, ગોમતી અને નિમુબહેન બધાની હાજરીમાં હું જાણે ઉઘાડો પડી ગયો હોઉં તેમ ઝંખવાઈ ગયો. આ બધાં હવે મારા તરફ કેવી દૃષ્ટિએ જોશે તે વિચારે હું નીચું જોઈ ગયો. મારા વિશે મેં કલ્પેલું નહોતું તેવું હું કરી બેઠો હતો. મને લાગ્યું કે મારી જાતને કોઈ ઊંચા શિખર પરથી ખીણમાં ફેંકાયેલી જોઈ રહ્યો છું.

કંઈ જ ન બન્યું હોય તેમ નિમુબહેને ચિઠ્ઠી મારા હાથમાં પકડાવી કહ્યું, ‘જા. બસનો ટાઇમ થવા આવ્યો છે.’

કેટલી શરમ આવી હતી! મને આવો વિચાર કેમ આવી ગયો તે કલ્પી શકાતું નહોતું. નિમુબહેનની સામેથી ખસીને ઝાંપા બહારના ધૂળિયા રસ્તે સાઇકલ મારી મૂકતાં મેં વાત ભૂલવાની કોશિશ કરી તો મને અસુખ થતું રહ્યું.

વાડીએ પાછો ફર્યો ત્યારે નિમુબહેન શાક સમારતાં બેઠાં હતા. તેમણે મને જોયો કે પૂછ્યું, ‘બસ હતી?’

‘હા. કંડક્ટરને કાગળ આપી દીધો.’ આગળ વાત કરવાનું સૂઝ્યું નહીં. થાભલીને અઢેલીને બેઠો.

નિમુબહેને મને મૌન બેસી રહેલો જોઈને પાસે બોલાવ્યો અને પૂછ્યું, ‘મનમાં ખરાબ લાગે છે?’

મારા મનોવ્યાપારની ખબર નિમુબહેનને કેવી રીતે પડી ગઈ હશે તે હું સમજી ન શક્યો. મેં જવાબમાં માત્ર ‘હં,’ કહ્યું.

મને સમજાવતાં હોય તેમ નિમુબહેન કહેતાં ગયાં, ‘કોઈ વાતનો ભાર ન રાખીએ. સાંભળ, તારાથી મુસલમાન? એવું પુછાઈ ગયું એટલે શરમ આવે છે?’

કશો જવાબ આપવાનું સૂઝ્યું નહીં. નિમુબહેન આગળ બોલ્યાં, ‘આવા પ્રસંગો જ ધીરે ધીરે જ જાતને ઓળખતાં શીખવે છે. આવું થયે જ સમજાય કે આપણે કોણ છીએ, આપણું શીખેલું શું છે અને આસપાસનું જગત શું છે. પછી બધું દીવા જેવું દેખાય.’ કહીને તેઓ મીઠું હસ્યાં અને આગળ બોલ્યાં, ‘મને તો લાગે છે કે તારા મનમાં જે તરત આવી ગયું તે તને બહારથી મળેલું, ઉપરછલ્લું છે. એથી એ લાંબું ટકવાનું નથી. જે કારણે તું બોલતો અટકી ગયો અને જે કારણે તને હવે દુ:ખ થયું છે તે ટકવાનું છે. કારણ કે જેણે તને આગળ બોલતાં અટકાવ્યો તે જ તું છે. જે અટકી ગયો તે જ તું છે. માન કે આજથી તારું શીખવાનું શરૂ થયું.’

અચાનક મારું મન પ્રફુલ્લ થઈ ઊઠ્યું. કશાય ભાર વગર, કશાય વિચાર વગર, હું ઊભો થયો.

‘જે અટકી ગયો તે તું છે.’ નિમુબહેનના શબ્દોને સ્પષ્ટ સમજવાનું મારું ગજું નહોતું. પણ તે પળે મને લાગ્યું હતું કે જે સાત પેઢીના વડવાઓનાં નામ જાણવાના ગર્વ સાથે જીવે છે, બીજાને પોતાનાથી ઊતરતાં કે ઊંચા ગણે છે, પોતાને માટે ‘અનાથ’ જેવો ઉલ્લેખ સાંભળીને પીડા પામે છે પીળા મકાનના લોકમાં ન ગણાવાના પ્રયત્નો કરતો રહે છે તે ‘હું’ ઉપરાંત કોઈ જુદું, કોઈક અજાણ્યું મારામાં વસે છે.

‘જા. નદીએ નાહી આવ.’ નિમુબહેને કહ્યું.

નદીમાં નહાયાને તો વર્ષો થઈ ગયાં. સાવ નાનપણે પપ્પા-મમ્મી પાસે હતો ત્યારે ગામની નદી ઓળંગીને મા-બાપુ સામે કિનારે આવેલા મંદિરે લઈ જતાં. મા મંદિરમાં પૂજાપાઠ કરતી અને બાપુ મને લઈને ગોઠણપૂર પાણીમાં નવરાવતા. પોતે પણ નહાતા અને સૂર્યને અર્ઘ્ય આપતા. પીપળે પાણી ચડાવતા. મને અમારા પૂર્વજોનાં નામ ગણાવતાં. પીપળાને પગે લાગવાનું કહેતા. ક્યારેક કોઈ પરાક્રમી પૂર્વજની વાત પણ કરતા. એ બધું અચાનક ક્યાંક ખોવાઈ ગયું.

બાર-પંદર દિવસ તો કેટલાયે સગાંથી ઘર ઊભરાતું રહેલું. પછી એક એક કરીને મારી દયા ખાતાં, મારા માથે હાથ ફેરવતાં બધાં વિદાય થયેલાં. માના દૂરના ભાઈ-ભાભી હોવાને નાતે ફક્ત મામા અને મામી થોડું રોકાયાં. મને એકલો મૂકીને જતાં મામીનો જીવ કોણ જાણે કેમ પણ ન ચાલ્યો. અંતે અમે મામાને ત્યાં ગયેલાં. મામાના ગામમાં નદી નહોતી.

નદી હોત તોપણ મામા ત્યાં નહાવા લઈ જવાના નહોતા. મામાને સરકારી નોકરી હતી. મોટા ઇજનેર હતા એટલે ગામની બહાર ક્વાર્ટર્સમાં રહેવાનું અને દફતરે કે મોટા બાંધકામ ચાલતાં હોય ત્યાં જવાનું રહેતું. નદી હોય તોપણ સહ-કુટુંબ નહાવા જવાનો સમય ન મળે.

મારા જેવડા ભાઈબંધો પણ ભાગ્યે જ થયા. અમે કુળવાન, ઊંચી જાતના અને સાહેબના ઘરનાં એટલે ગામમાં રહેતાં બીજા લોકોનાં છોકરાં અમારે ત્યાં ન આવતાં. મામી ક્યારેક વારતહેવારે જમવા બોલાવે તો એકલી છોકરીઓ જમવા આવતી.

મામાનો દીકરો મારા જેવડો જ પણ એ શહેરમાં ભણતો. વૅકેશનમાં આવે ત્યારે અમે વાતો કરતા, રખડવા જતા. અમે સાથે કિશોરાવસ્થાના સપનાંઓ પણ જોયાં હશે.

આજે બધું જ બદલાઈ ગયું છે. જાણું છું કે કશુંયે શાશ્વત નથી. હિમયુગનાં થીજેલાં આદિજળે શ્વેત શિખરો પરથી સરકીને વહેવાનું શરૂ કર્યું તે ક્ષણથી, અરે તેના પણ પહેલાંથી બધું જ પળે પળે બદલાતું રહ્યું છે. તેને નવું કહીએ કે પહેલાં કરતાં જુદું ગણીએ; કશું પણ હતું તેવું રહેતું નથી. આ જ રીતે સમયની સાથે માણસ, તેની વિચારધારા, તેની રીત-ભાત બધું બદલાતું રહે તે હું સમજી શકું છું.

જે ગયું છે તેની પીડા મને નથી. દર્દ તો જે નથી ગયું તેનું છે. માણસ લાખ પ્રયત્ને પણ આવી ન જતી કે રોકાઈ જતી બાબતોને પોતાના મનોજગત પર શાસન કરતાં રોકી શકતો નથી.

નદીને સ્પર્શતાં જ જાણે વિગત સમય આંખ સામે તરવરે છે. યાદ આવે છે મારાં મા-બાપુ. બેઉ એક સાથે ગુજરી ગયાં તે વખતે આવેલાં લોકો મારી દયા ખાતાં, ‘અરેરે..’ કરીને મારી વાત કરતાં. તે ઉમ્મરે કશું સમજવા જેવી મારી હાલત નહોતી. ક્યારેક તો આટલાં બધાં જણ સતત મારું જ ધ્યાન રાખે તે મને ગમેલું પણ હશે.

પછી એ જ લોકોએ મને કહેવા માંડેલું કે ‘હવે તારું કોઈ નથી.’ પછી મામાને ત્યાં પહોંચ્યો, ન પહોંચ્યો અને મામા ગામબહાર રહેતાં

તે છતાં ગામે મારા માથે ‘અનાથ’નું પાટિયું લગાડી દીધું હતું.

મામાના કેટલાક મિત્રો જાણે હું કોઈ જોવાની ચીજ હોઉં તેમ આવી આવીને મને જોઈ ગયાં. કેટલાંક તો મારી હાજરીમાં જ મામાની કે મામીની પ્રશંસા કરતાં અને તેમને માથે પડેલા બોજ બદલ તેમની દયા પણ ખાવા માંડતાં. આ સિવાય મામીને ત્યાં પાંચેક વરસ રહેતાં સુધી મારે બીજી કોઈ પીડા નહોતી વેઠવી પડી.

મામીનાં બા સમયે સમયે મામાને ત્યાં રહેવા ન આવતાં હોત તો કદાચ આજે પણ હું ત્યાં રહેતો હોત. તે ઘરડાં માજી કદાચ આખી જ્ઞાતિનો ઇતિહાસ જાણતાં હશે. લગભગ રોજ સાંજે બહાર ફળિયામાં ખાટલો નાખીને બેસતાં અને જ્ઞાતિના કોઈ ને કોઈ કુટુંબ સાથેના તેમના પોતાના દૂરના સગપણની, પરિચયની કે તે કુટુંબમાં બનેલા બનાવોની વાતો કરતાં. જોકે સાંભળનારાને એમાંથી કોણ કોને શું થાય અને કેવી રીતે થાય તે સમજવું કોયડા જેવું લાગતું પણ મજા આવતી.

એમાં એક વખત તે આ રીતે વાતો કરતાં બેઠાં હતાં અને અચાનક મને બોલાવીને સામે બેસાર્યો અને પૂછ્યું, ‘બેટા, શાંતુબાપા તારે શું થાય?’

‘ચોથી પેઢીએ દાદા’ મને તો મારી જ પેઢીની વાત નીકળી તેની મજા પડી ગયેલી. મેં જરા ઉત્સાહથી જવાબ આપેલો, ‘મને મારી સાત પેઢીના વડવાઓનાં નામ મોઢે આવડે છે.’

‘હં, તો તો ખરું.’ માજીએ હસીને કહેલું, ‘તે ભઈલા, શાંતુબાપાને કોઈ ભાઈ ભાંડું નહોતાં એ ખરું?’

‘હા, ખરું.’ મેં જવાબ આપેલો, ‘શાંતુદાદાને કે એમના પછીના અમારા કોઈ વડવાને ભાઈ કે બહેન નહોતાં. મારા બાપુને પણ નહીં. અમે બધા એકના એક દીકરા જ થયા.’ મેં વધારાની માહિતી પણ આપી.

માજી મર્માળુ હસ્યાં અને મામા તરફ ફરીને કહ્યું, ‘જુઓ કુમાર, હું નો’તી કે’તી? શાંતુભૈ એકના એક. એનાં મા-બાપ એને નાનો મૂકીને ગુજરી ગયેલાં. એ શાંતુભૈ પણ આ ભાણો તમારે ત્યાં રહ્યો એમ એના કોઈ માશિયાઈ મામા કે માસા પાસે રહીને મોટો થયેલો.’

મારી હાજરીમાં તો વાત આટલેથી જ અટકી ગઈ હતી. જે મારે સાંભળવાનું નહોતું તે પાછળથી કોઈ બીજાએ મને કહી દીધું.

વાત મૂળ એમ હતી કે માજી એક રહસ્ય જાણી લાવેલાં: વખતનું કરવું તે મારા શાંતુદાદા જેને ત્યાં રહેતા તે માસા કે મામાના ઘરનો વારસ યુવાન વયે ગુજરી ગયો હતો. ઘરમાં બીજું કોઈ સંતાન નહોતું આથી તે ઘરની સંપત્તિ અને ખેતીવાડી પછીથી શાંતુ દાદાએ ભોગવી.

આવું મોટું અશુભ કેમ થયું? તે શોધી કાઢવામાં માજીએ અને બીજા હિતેચ્છુઓએ કોઈ વાર લગાડી નહોતી. જ્ઞાતિના જ એક પરિચિત પ્રખર જ્યોતિષીએ આ બનાવ પાછળ મારા એકાદ પૂર્વજ પર લાગેલા કોઈ શાપને કે કોઈ પિતૃદોષ જવાબદાર ગણી બતાવેલો. નક્કી એમ જ. એમની આટલી મોટી વિદ્યા આખરે જુઠ્ઠી તો ન જ હોય!

મામી, મામા અને મામાનાં સાસુ વચ્ચે તે પછી પણ સારી એવી ચર્ચાઓ થયેલી તેનો હું માત્ર સાક્ષી જ નહીં; ભાગીદાર પણ ખરો. એટલે કે પેલા શાપિત ગણાયેલા પૂર્વજ વિશે, તે કોણ હતા અને ક્યાં રહીને મોટા થયા તે વિગતો મને ઘણીયે વાર પુછાતી રહી.

અંતે આખીયે વાત જ્યાં આવીને અટકવાની હતી ત્યાં પહોંચી. લોકોએ મામીને મોઢા-મોઢ કહ્યું કે દયાવશ કે સમાજના ભયવશ તે જેને આશરો આપી બેઠાં છે તે શાપિત પેઢીનો વંશજ છે. શાંતુબાપાનો પ્રપ્રપૌત્ર હોવાના નાતે આ છોકરો તેના કુટુંબ સાથે જોડાયેલી બધી જ બાબતો સાથે લઈને જ તમારે ત્યાં આવ્યો હોય. પછી તે શાપ હોય કે પિતૃદોષ.

તે દિવસ સુધી હું બિચારો, અનાથ, હતો. હવે શાપિત વંશનો પણ થયો. અડોશ-પડોશમાં ખાસ કરીને નાનકડા ગામમાં આવી વાત પવન કરતાં વધુ વેગે ફેલાતી હોય છે.

હવે મામીની દશા મારાથી જોવાતી નહોતી. તે ભલી, ભોળી ઘરરખ્ખુ સ્ત્રી શાપના ભયથી પીડાતી હોવાં છતાં કોઈ કાળે મને પોતાને ત્યાંથી બીજે જતા રહેવાનું સ્વમુખે કહી શકે તેમ નહોતી. બીજી બાજુ શહેરમાં ભણતા પોતાના પુત્ર વિશે હવે મામીની ચિંતા વધી ગઈ. ટપાલમાં કાગળ મળતાં મોડું થાય તો તે વાછરડું શોધતી ગાય જેવાં ફરતાં. તે નાની ઉમ્મરે પણ તેના મનનો રઘવાટ હું જોઈ શકતો હતો. સહન કરી શકતો નહોતો. આવે સમયે મામીને મોઢું બતાવવાની હિંમત મારામાં રહેતી નહોતી.

મામાના ઘરેથી નીકળી જવા સિવાય બીજું કશું થઈ શકે તેવી કલ્પના મને આવતી નહોતી. મેં તે કર્યું. મને તેનો અફસોસ નથી. હા, ક્યારેક થઈ આવે છે કે એક ઊંચા કુળનો, જ્ઞાની પિતાનો એકનો એક વહાલો પુત્ર આજે રહે છે ક્યાં?

ક્યાંય સુધી વિચારમાં ને વિચારમાં, આસપાસના વાતાવરણથી અલિપ્ત થઈને નદીજળમાં પડી રહ્યો. ગામની ભેંસો પાણીમાં પડી ન હોત તો મને હજી પણ ભાન ન આવત.

ભેંસોની પાછળ જ નાના ગોવાળિયાઓ નહાવા પડ્યા. ભેંસની પીઠ પરથી નદીમાં ધૂબાકા મારતાં કલબલાટ કરી મૂક્યો. ચાર-પાંચ સ્ત્રીઓ કપડાં ધોતી હતી. તેમના ધોકાનો તાલબદ્ધ લય, ચડતી બપોરનો હૂંફાળો પવન, દૂર નહાતી છોકરીઓની ચીસાચીસી અને પાણીમાં તેમનાં છબછબિયાંનો સ્વર. આ બધું મનની ઉદાસીને ઓગાળીને વહેતા જળમાં તાણી ગયું.

***