Budhvarni Bapore - 6 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 6

Featured Books
Categories
Share

બુધવારની બપોરે - 6

બુધવારની બપોરે

(6)

બૂચ ખોલી આપો, સજનવા !

મારૂં ફૅમિલી ‘સજડબંબ-ફૅમિલી’ તરીકે પ્રસિધ્ધ છે. અમારા ઘરમાં રોજેરોજ કાંઇનું કાંઇ સજડબંબ ચોંટી ગયું હોય. જેમ કે, બાથરૂમનો દરવાજો જામ થઇ જાય કે દવાની બૉટલનું ઢાંકણું ખૂલતું ન હોય. બે-ત્રણ જણા એને ઉખાડવામાં અને બાકીના, એ ચોંટી કેવી રીતે ગયું હશે, એની ચર્ચા કરતા સોફામાં બેઠા હોય. દા.ત. ટૅબલનું ડ્રૉઅર. મોટા ભાગે ટેબલમાં ત્રણ ડ્રૉઅરો હોય, એમાંનું ઊપલું કે વચલું અને ક્યારેક ત્રણે ય સજડબંબ થઇ ગયા હોય ને પૂરૂં ફૅમિલી એને ખોલવામાં સાંજ સુધીમાં ફના થઇ ગયું હોય!

‘સોફે પે ચર્ચા’માં ડ્રૉઅર ચોંટી કેવી રીતે ગયું હશે, એમાં ભાજપનો હાથ હશે કે નહિ તેમ જ, અત્યારે કૉફીની સાથે કૂકીઝ જોઇએ કે નહિ, તેની ચર્ચા ચાલતી રહે. હોય તો બધા ઘરના ને ઘરના જ, પણ આ મુદ્દે ઉગ્ર દલિલો થઇ જાય....‘સ્ટુપિડ જેવી વાતો ન કરો...કૂકીઝ ચા ની સાથે હોય, કૉફી સાથે નહિ...’ ‘વૅસ્ટ જર્મનીમાં આવી રીતે ટેબલનું ડ્રૉઅર ભરાઈ ગયું હોય તો એ લોકો ફિઝિક્સની બૂક્સ ઉથલાવવા માડે, ખોટો ટાઈમ ન બગાડે...’ અને, ‘આવું ખાનું ખોલવામાં ટાઈમો બગાડવાને બદલે ફર્નિચરવાળાને ફોન કરીને નવું જ ટૅબલ મંગાવી લેવાનું હોય’!

બીજી બાજુ, અમે બધા ડ્રોઅર ખોલવામાં તૂટી રહ્યા હોઇએ. ઉપરોક્ત ચર્ચાસભામાં હકી, મારા મધર, ઘેર આવેલા એક-બે મેહમાનો અને ઘરનો નોકર ભાગ લઇ રહ્યા હોય. હું ભોંય પર બેસીને, બે હાથે ખાનાનું હૅન્ડલ પકડીને, બન્ને પગ ટૅબલના પાયા ઉપર ચોંટાડીને જોર કરતો હોઉં અને મને ખેંચવા માટે ખાસ મારા બન્ને સાળાઓને જામનગરથી બોલાવ્યા હોય, એમાંના એકે મારા ખભે ખાલી હાથ મૂકી રાખ્યો હોય, જેને જોઇને એમ જ લાગે કે, સૌથી વધારે જોર આ કરતો હશે ને બીજો, ખભો ખેંચી કાઢવાનો હોય એટલું જોર કરતો હોય. આવી ખસડમખસડી વખતે મજૂરો ‘હૈસો.… હૈસો.… હૈસો...’ બોલે રાખતા હોય, જેથી શરીરને પડતા જોરનું ધ્યાન બીજે દોરાય તો થાક ઓછો લાગે. પોણા કલાકની નૉન-સ્ટૉપ ખેંચમખેંચીથી હું અને મારો પહેલો સાળો થાકીને ઢૂસ્સ થઇ ગયા હોઇએ પણ મારો બીજા નંબરનો બદમાશ સાળો આરામથી સોફામાં સિગારેટ પીતો બેઠો હોય. ન તો એને થાક લાગ્યો હોય, ન એ કંટાળ્યો હોય. સાલો સ્માઇલ સાથે સિગારેટના ધૂમાડા કાઢતો બેઠો હોય. અમે હાંફતા હાંફતા અધમૂવા થઇ ગયા હોઇએ ને એને પૂછીએ કે, ‘સાલા, અમે બન્ને મરી રહ્યા છીએ ને તને થાક જ નથી લાગ્યો....?’

એટલે સિગારેટના ધૂમાડાની રિંગ કાઢતો બોલે, ‘‘દાદુ, આવી મજૂરીના કામમાં આગળવાળાના ખભે હળવો હાથ મૂકીને આપણે ‘હૈસો....હૈસો...’ જ બોલવાનું હોય....જોર ના મારવાનું હોય! જોર બીજા મારે....’

કહાની કેવળ ટેબલ પૂરતી મર્યાદિત નથી. આ તો તમને એક સૅમ્પલ આપ્યું. બાકી અમારા ઘરમાં બાથરૂમનો દરવાજો, બૉટલનું ઢાંકણું, સૉકેટમાં ઘુસેલું મોબાઇલનું ચાજર્ર, અપને-આપ લૉક થઇ ગયેલું બૅડરૂમનું તાળું....અરે, એક વાર તો હકી-મારી પત્નીનું જડબું તાળવા ઉપર ચોંટી ગયું હતું (ત્થ્ઠણૂ-ણુટ્ટદ્વ) તે ઘરમાં મારા સિવાય બધાએ કોઇ પણ ભોગે એને ખોલવા માટે દોડાદોડ કરી મૂકી હતી. હું જરા શાંતિપ્રિય માણસ...! બહુ પટપટ કરતી એની જીભ અચાનક તાળવામાં ચોંટી ગઇ, તે ખૂલે જ નહિ. ‘હુંઉઉંઉં....હુંઉઉંઉં’ કરે જાય ને તંગ ચેહરે અમને બધાને ઈશારાથી કહેતી જાય, ‘કોઇ જડબું ખોલી આપો....મરી રઈં છું...ઓ મા રે...’ આ લૉક-જો ચીજ જ એવી છે કે, જીભ તાળવે ચોંટી ગઇ હોય એટલે કાંઇ મહીં સાણસી નાંખીને પહોળી કરવાની ન હોય. એ તો ખુલે ત્યારે ખુલે. જેવા જેના નસીબ. બધું અહીં ને અહીં ભોગવવાનું હોય છે. (ખ્થ્ઠણૂ ક્રટ્ટદ્વ નામની વિશ્વપ્રસિધ્ધ વાર્તાનું કોકે કાઠીયાવાડીકરણ કર્યું હતું, જેમાં વહુ ઉપર કાયમ જબરદસ્તીઓ કરીને રોજ ગાળો દેતી સાસુ ખીજાઇને એક દિવસ ભાંડવા ગઇ, ‘સાલી, રાંડની....’ (સૌરાષ્ટ્રમાં રાંડ એટલે વિધવા), પણ ગુસ્સામાં હજી એ મોંઢું ખોલીને ‘રાં....’ બોલે, એ જ ક્ષણે એનું લૉક-જો થઇ ગયું. બાકીનું ‘....ડની’ એ પૂરૂં કરી ન શકી. ચારેક દિવસ તો લાગી ગયા સાવ નાનકડા ગામથી મોટા શહેરમાં મોટા ડૉક્ટરને બતાવવામાં. ત્યાં સુધી ચારે ય દિવસ જડબું એમનું એમ જ ખુલ્લું રહ્યું. ગામડેથી શહેરમાં ડૉક્ટરના દવાખાના સુધી પેલી વહુ સહિત આખું ફૅમિલી સાથે. ડૉક્ટરે ટ્રીટમૅન્ટ આપી ને જડબું ખુલ્યું, પણ ખુલતા વ્હેંત સાસુમાએ એ જ ચીસ સાથે અધૂરી ગાળ પૂરી કરી, ‘‘....ડની’’.

કમનસીબે, આ લૉક-જો હજી કોક ને કોકના જડબાંમાં પ્રવેશીને કાળો કૅર વર્તાવી દે છે. આમ જોવા જઇએ તો દરવાજા, શીશી કે ડબ્બાના આવા જામ થઇ ગયેલા ઢાંકણા લૉક-જોનો જ એક પ્રકાર છે. પણ એમાંનું કાંઇ પણ ખોલી બતાવવું, પપ્પાના ખેલ નથી. અલબત્ત, એની ટ્રિક્સ હોય છે.

સૉલ્લિડ જામ થઇ ગયેલી શીશીનું ઢાંકણું ખોલવા, જમણા હાથે શીશીને ફૂલ-ટાઇટ પકડીને ડાબા હાથના પંજાથી જોર કરીને ડાબી બાજુ ફેરવવાની હોય છે. (જમોડીઓએ ઊલટો ક્રમ પસંદ કરવો.) આમાં એકલા મનની શક્તિ ન ચાલે, તનની એટલે કે હાથના પંજામાં ય પોલાદી શક્તિ આવી જવી જોઇએ. એક પર્વતનું ટોચકું પકડીને એને તળેટીથી ફિટ પકડવાનો હોય, એટલું સરળ કામ નથી આ. ઢાંકણાં ખોલવાની મારી પાસે નૈસર્ગિક શક્તિઓ પડેલી હશે, એમ માનીને હોટલમાં ડિનર લેવા જઇએ ત્યારે મારી પાસે ટોમેટૉ કૅચ-અપની બાટલી ખોલાવવાનો આગ્રહ કરવામાં આવે છે. મર્દ હોવાના ગૂમાનથી આવા ઢાંકણા ન ખૂલે, આમાં તો બાંવડામાં બળ જોઇએ, જે મારી પાસે ઘણી વાર પડ્યું હોય છે એટલે ઘણી વાર બૉટલનું ઢાંકણું ખોલી આપું છું, હવે તો હોટલવાળાઓએ સમજીને જ કૅચ-અપની બૉટલો બંધ કરી છે, એને બદલે ધાણાની દાળના પાઉચ પૅકેટો આવે છે, એટલી સાઇઝના કૅચ-અપના પૅકેટો ટેબલ પર પડ્યા હોય. પણ એ ફાડતા ય ઘણાને નથી આવડતું. બન્ને હાથના બન્ને અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે પાઉચનો છેડો પકડીને સામસામી દિશાઓમાં ખેંચવાનો હોય છે-ફટ્‌ટ દઇને નહિ, ધીમે ધીમે. પ્રારંભના શીખાઉ તબક્કાઓમાં ઘણીવાર આજુબાજુના ટૅબલ પર બેઠેલા અન્ય ગ્રાહકોના મોંઢા લાલ રંગે રંગાઇ જાય.

બીજી ભાષામાં આને પિન ચોંટી ગઇ છે, એમ પણ કહેવાય. રાહુલ બાબાના જડબામાં ‘મોદી’ નામની પિન ચોંટી ગઇ છે.....‘મો....’થી પિન ચોંટી છે અને ‘દી’ આવતા સુધીમાં ઈલેક્શન્સ પતી ગયા હશે.!

સિક્સર

- બાળકો માટેની મોબાઇલ ઉપર અમદાવાદમાં પ્રતિબંધ આવી ગયો, એ સારૂં થયું. છોકરાઓ ભણવા જ નહોતા બેસતા....!

- અમારી ઑફિસમાં કોઇ કામ કરવા બેસતું નહોતું.

***