Karnalok - 6 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કર્ણલોક - 6

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 6 ||

દુર્ગા કોઈના લગ્નમાં પીરસવા ગયેલી તે બીજે દિવસે આવી. અંદર ગઈ તેવી જ પાછી આવી અને કહ્યું, ‘કાલ નેહાબેન સાથે તું દવાખાને ગયેલો?’

‘હા.’ સાઇકલ સાફ કરતાં મેં જવાબ આપ્યો.

‘તો માંડીને બધી વાત કર.’ દુર્ગા બોલી. એક કપડું પાથરીને સામે બેઠી.

‘તું અંદર સાંભળીને તો આવી.’ મેં કહ્યું.

‘તારી પાસેથી સાંભળવું છે.’ દુર્ગાએ કહ્યું. મેં માંડીને બધીયે વાત કરી. પછી દુર્ગાએ મારા સામે જોયું. પૂછ્યું, ‘શેઠે પૈસા પાછા ન માગ્યા?

‘પૈસા?’ મારા માટે આ વાત સાવ નવી હતી.

‘હા પૈસા. શેઠ લોકોએ ભર્યા હશે તે અને આ લોકોએ તેમની પાસેથી પડાવ્યા હશે તે જુદા.’ દુર્ગા બોલી, ‘પૈસા પાછા આપવાના થાય એ બીકે જ નલિનીબહેને શેફાલીને પાછી રાખવાની ના પાડી.’

આ બધું બન્યું ત્યારે દુર્ગા તો હતી નહીં; છતાં તે જાતે હાજર હોય તેમ દરેક વાતની પૂરેપૂરી ખબર તેને હતી. લક્ષ્મી કે બીજા કોઈ પાસેથી સાંભળ્યું હશે. શેફાલીનું નામ અહીંથી નીકળી ગયું એટલે સરકાર તેના નામના પૈસા આપવાની નહીં. સંસ્થાના ખર્ચે રાખવા તો કોણ રાજી હોય? વળી ઉપરના લીધેલા શેઠ પાછા માગે તો!’

‘મા-બાપ પાસેથી પૈસા મળે?’ મને નવાઈ લાગી.

‘હા. એ લોકો જેટલાં માલદાર તેટલા વધુ. છોકરો જોઈએ તો વળી વધારે. અમારા, છોકરીઓના ઓછા.’ દુર્ગાએ થડક્યા વગર કહ્યું. ‘વળી, છોકરું સંસ્થામાં રહ્યું હોય એ સમયની સારસંભાળના તો કાયદેસર ભરવા પડે. દવાદારૂ કર્યાં હોય તો તે ભરવા પડે. બીજા કંઈ કેટલાય નામે લે.’

વાત અટકી ત્યારે દુર્ગાએ કહ્યું, ‘એટલા માટે તો અરજીઓ આવે તોયે બાળકો આપવામાં આ લોકને રસ નથી. મા-બાપ પાસેથી પૈસા પડાવવા, અને બાળક જેટલા દિવસ અહીં રહે તેટલા દિવસની સરકારી રાહતો મેળવવા, દાન ઉઘરાવવા ને કંઈ કેટલાંય કારણે પણ બાળક માગતી અરજી આવે તે રજિસ્ટર પણ માંડ કરે છે.’

બાળકોને દત્તક આપવા માટે અહીંના માણસો રાજી નથી હોતાં તે વાત ગળે ઉતારવી કઠિન લાગતી હતી; પણ દુર્ગા કહે છે પછી દલીલ કરવાનું કોઈ કારણ પણ નહોતું.

દુર્ગા ગઈ અને એક ઘરાક પંક્ચર કરાવવા આવ્યો. જમીન પર ઉભડક બેસીને તેનું કામ કરતો હતો ત્યાં લક્ષ્મી આવી અને બોલી, ‘દુર્ગઈ આવેલી?’

જવાબ આપવા જેવો આ સવાલ પણ નહોતો. દુર્ગા હમણાં જતાં જ તેને સામે મળી હશે. મેં ટ્યૂબ પર કાનસ ઘસ્યા કરી.

લક્ષ્મી મારા સામે બેસીને વહાલથી પૂછતી હોય તેમ બોલી, ‘શું ચાલે છે? તારી દુકાનનું કેવુંક ચાલે છે?’

લક્ષ્મી મારી સાથે ભાગ્યે જ બોલતી. બોલે તોપણ કામ પૂરતું કે વ્યંગ કરતી હોય ત્યારે બોલી હોય; તે અચાનક આમ વડીલની જેમ ખબર પૂછવા માંડી એટલે મને સમજાઈ ગયું કે પેલા મુંબઈગરાંઓએ પૈસાની કંઈ વાત કરેલી કે નહીં તે તેને જાણવું છે.

લક્ષ્મીના સ્વભાવનો પરિચય તો કોઈને પણ બે દિવસમાં જ મળી રહે જ્યારે મને અહીં રહેતાં ચારેક મહિના તો થયા હતા.

‘ચાલે છે. કામ કરું છું.’ મેં ટૂંકમાં જવાબ દીધો.

‘સરસ. આપણે ચિંતા મટી.’ લક્ષ્મીએ કહ્યું.

‘તે દુર્ગઈ રેખલીના વાંક કાઢવા આવી હશે. નહીં?’

‘કોણ રેખા?’

‘પેલી લાંબડી. રોજ તારી સામેથી તો નિશાળે જતી હોય છે.’

જરા યાદ કરવું પડ્યું. સહેજ શ્યામ, ઊંચી અને ગંભીર છોકરી. નાની-મોટી સહેલીઓ સાથે જતી હોય છે. લક્ષ્મી એની વાત કરવા નથી આવી. તે જે પૂછવા આવી છે તે સીધું પૂછી શકતી નથી.

‘ના રે એની તો કંઈ વાત નથી થઈ.’

‘એ બેઈ છોકરિયું બાઝી પડી છે. આ રેખલું થોડું ઢીલું. રોઈ પડે. નજર સામે મા-બાપ-ભાઈ બધાંને બળતાં જોયેલાં તે પે’લેથી જ બીધેલી રહે છે. નલિનીબહેન એને ખાસ સાચવે.’

‘રેખાને એવું થયેલું?’ મારાથી પુછાઈ ગયું. અત્યાર સુધી મને એમ જ હતું કે અનાથ આશ્રમમાં તો એવાં બાળકો જ આવે જેના જન્મને દુનિયાથી છુપાવવાનો હોય.

બધાંને સુંદર રેશમી કપડાંમાં વીંટાઈને, માના ડૂસકાંભરી વિદાય પામીને આ પીળા મકાનમાં આવવાનું ન થયું હોય તોપણ એક વખત જેને જગજાહેર માતા-પિતા હતાં તેમને અનાથ કેવી રીતે કહેવાય?

જે બાળકોને ઘરમાં, જાહેરમાં, જગતને જાણ કરીને જન્મવા મળ્યું છે તેમને માટે આ જગ્યા નથી એવું હું માનતો.

લક્ષ્મી જાણે પહેલી વખત મને જોતી હોય તેમ જોઈ રહી. પછી પૂછ્યું, ‘તે તને ખબર જ નથી કે? એ લોકની દુકાન શહેરમાં જ હતી. પ્લાસ્ટિકની થેલી બનાવીને વેચતા.’ લક્ષ્મીએ કહ્યું.

મા, બાપુ, ભાઈ-બહેન. રાતે કોથળી બનાવતાં. દિવસે મા ઘર સંભાળતી, બપોરે ફરી કોથળીઓ બનાવતી. છોકરાં નિશાળે જતાં. બાપુ સાઇકલ પર પ્લાસ્ટિકની થેલીનાં બંડલો બાંધીને ઘરાકોને પહોંચાડવા નીકળી પડતા.

તે રાતે રેખા માએ બનાવેલી કોથળીઓ જોખી જોખીને બંડલ બનાવતી હતી. અચાનક ઉપરથી પ્લાસ્ટિકના રસનું ગરમ ટીપું સાથળ પર પડતાં જ તે રાડ નાખીને પાણિયારા તરફ દોડી.

માએ ઉપર જોયું તો છત સુધી ઊભા કરેલા ઘોડાના સહુથી ઉપરના ખાનામાં બંડલો ઓગળતાં હતાં. ઘોડો આખો સળગતો બચાવવા ગઈ કે શું થયું છે તે જોવા ગઈ તે તો કોઈ કહી શકે તેમ નથી. નજરે જોનારી રેખાએ પોલીસને કહેલું કે ઘોડો આખો પડ્યો. ભડકો થયો. મા, બાપુ અને ભાઈ નીચે હતાં.

રેખાની કહાણી સાંભળીને થયું કે દુર્ગા અહીં શી રીતે આવી છે તે પણ પૂછું; પરંતુ એ લક્ષ્મીને પૂછવા કરતાં નંદુને પૂછવું સારું તેમ માનીને મૌન રહ્યો.

સાઇકલ તૈયાર કરીને હવા ભરી આપી એટલે ઘરાક ગયો. તે ગયો એટલે લક્ષ્મીએ સાડલા તળેથી હાથ બહાર કાઢીને મારા તરફ લંબાવતાં કહ્યું, ‘લે.’

રંગબેરંગી રેપરમાં વીંટેલી, રૂપાળી રેશમી ચૉકલેટ. નાનપણમાં પપ્પા ચૉકલેટ લઈ આવતા તે મને યાદ આવી ગયેલું. આવી મોંઘી ચૉકલેટ લક્ષ્મી મને શા માટે આપે છે તે સમજતાં મેં હાથ લંબાવ્યો નહીં.

પીળી દીવાલે રહેતો ત્યારે મારે સાંભળવા પડેલાં અણગમતાં વાક્યોમાં હું જેનો સમાવેશ પ્રથમ ક્રમે કરું છું. તે વાક્ય મને લક્ષ્મીએ ત્યારે કહ્યું હતું, ‘હું તારી મા ગણાઉં. મારા પાસેથી લેવાય.’

તે મકાનમાં આ વાક્યનું ચલણ ખૂબ હતું. બહારથી આવનારા મુલાકાતીઓ પણ એવું માનીને જ આવતાં કે અહીંના નિવાસીને સહુથી વધારે સ્પર્શતી બાબત માતા-પિતા છે.

મહેમાનનો પરિચય પણ તે જો પુરુષ મહેમાન હોય ‘આપણા છત્ર કે આપણા સહુના મોભી’ કહીને અને સ્ત્રી મહેમાન હોય તો ‘આપણા બધાની માતા’ કહીને અપાતો.

બાળકોને દત્તક લઈ જનારા પણ ક્યારેક વધુ પડતાં લાગણીશીલ બની જઈ બીજાં બાળકોને પણ કહી બેસતાં ‘હું તમારી પણ મા છું હો..’

સાંભળનાર દરેકને તે ખબર રહેતી કે જે કહેવાય છે તે વાત ન ભૂતો ન ભવિષ્યતિ છે. તોપણ બધાં સાંભળી લેતાં. હા, એક માત્ર દુર્ગા મહેમાનને પણ કહી શકતી.‘આવું નહીં બોલો તો ચાલશે.’

મારાં માતા-પિતાનું મારા જીવનમાં આગવું સ્થાન હતું. કોઈ તે સ્થાન લેવાની ધૃષ્ટતા કરે તે કેમ સહન થાય? લક્ષ્મી જલદી અહીંથી જાય તેમ માનીને મેં ચૉકલેટ લઈ લીધી.

નહોતું બોલવું તોયે ચૉકલેટ ખિસ્સામાં મૂકતાં મારાથી વિવેક થઈ ગયો, ‘સરસ છે. ક્યાંથી લાવ્યાં?’

ઘડીભર લક્ષ્મી અટકાઈ અને પછી ઉતાવળે બોલી ગઈ, ‘હું વળી ક્યાંથી લાવું, આ તો શાહ સાહેબ, નલિનીબહેનના ઘરનાં, શહેર ગયેલા તે લાવ્યા છે. હું એમનું કામ કરું એટલે કંઈ લાવે તો આપે.’

લક્ષ્મીએ વધુ થોડી આડીઅવળી વાતો કરીને અંતે પૂછ્યું, ‘તે સવારે શેઠ લોકો ગયા તે કશું કહેતા હતા?’

‘ના. એ લોકો કંઈ કહ્યા વગર જ જતા રહ્યા. અમને તો પછી ખબર પડી કે એ લોકો ગયા.’ જે હતું તે કહીને મેં દુકાન સાફ કરવા માંડી.

‘ઠીક ત્યારે જઉં.’ કહેતી લક્ષ્મી વિદાય થઈ.

ચૉકલેટ કાઢી, કાગળ ખોલીને કકડો મોંમાં મૂકતાં મને દુર્ગા સાંભરી. કાલે નંદુને ત્યાં ચોપડી બદલવા જવાનું હતું. દુર્ગા પણ ત્યાં આવવાની. સાથે ખાવાના વિચારે બાકીની ચૉકલેટ પાછી રેપરમાં વીંટાળીને ખિસ્સામાં મૂકી રાખી.

સવારે નંદુ કૂવે કપડાં ધોતો હતો એટલે અમારે થોડી રાહ જોવી પડી. દુર્ગા આઠેક ચોપડીઓ લઈને આવી હતી. મેં મારી ચોપડી તેને આપતાં કહ્યું, ‘તારામાંથી સારી હોય તે આપ.’

તેણે ચોપડીઓ જોઈ અને કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટો નામનું પુસ્તક કાઢીને મને આપ્યું.

મેં ચૉકલેટ કાઢી, તોડીને ટુકડો મોંમાં મૂક્યો. બાકીનો તેની તરફ લંબાવ્યો.

‘કંઈથી લાવ્યો?’ દુર્ગાએ લાગલું જ પૂછ્યું.

‘લક્ષ્મીએ આપી. શાહ સાહેબે તેને આપી તેમ કહેતી હતી.’

‘અક્કલનું પંચર થતું હોય તો જલદી કરી લે.’ દુર્ગાએ મજાકિયા સ્વરે પણ ગુસ્સાથી કહ્યું, ‘મૂરખ! આવી મોંઘા ભાવની ચૉકલેટ શાહભાઈ શા સુખે લક્ષ્મીને આપી? આટલા મહિનાથી અહીં છે અને આટલી વાત તને ન સૂઝે?’

દુર્ગાએ મને સીધો જ મૂરખ કહ્યો તેથી હું જરા છોભીલો પડી ગયો. તેને શું જવાબ આપવો તે વિચારું તે પહેલાં તેણે કહ્યું, ‘આ ચૉકલેટો છોકરાંને મોઢેથી ગઈ છે. લાયન ક્લબના પ્રમુખ આવેલાં તેમણે અમારા માટે આપી છે.’

દુર્ગા ગુસ્સામાં હોય ત્યારે મૌન રહેવું જ યોગ્ય હતું.

‘કંઈ વાંધો નહીં.’ દુર્ગા ફરી બોલી, ‘આ વખતે ચૂકી ગઈ; પણ હજી, જેટલી બચી હશે એટલી, નલિનીબેનના પેટ નીચેથી પણ કાઢી લાવીશ. તું જોજે.’

અમે વાતો કરતાં હતાં અને નંદુ આવ્યો. ચોપડીનું કબાટ ઉઘાડતાં તેણે પૂછ્યું, ‘શું થયું છે? મા. કેમ કોપાયમાન થયાં છો?’

‘શું નંદુકાકા તમેય!’ દુર્ગા હસી. ચોપડીઓ બદલાવીને નંદુના પ્રશ્નનો જવાબ આપ્યા વગર હસતી રમતી ચાલી ગઈ.

મારાથી કહેવાઈ ગયું, ‘મુંબઈવાળા શેઠે શું કહ્યું તે પૂછવા લક્ષ્મીબેન મારી દુકાને આવેલાં. એમણે મને ચૉકલેટ ખવડાવી તેની વાત હું દુર્ગાને કહેતો હતો એટલે ખિજાઈ ગઈ.’

નંદુએ કહ્યું, ‘આ લક્ષ્મીના પણ નકામા તુક્કા છે. આ બધું નકામું નાનું નાનું અરથ વગરનું છે. બાબા, એમાંથી કશું નિપજવાનું નહીં.’ નંદુએ કહ્યું; પરંતુ આટલી અમથી વાતમાં દુર્ગા ગુસ્સાથી કંઈ બોલે તે નંદુને ગળે ઊતર્યું ન હોય તેમ તે મારા સામે જોઈ રહ્યો.

દુર્ગાની સાથે થયેલી બધી વાત નંદુને કરવી કે નહીં તે મારા મનમાં સ્પષ્ટ નહોતું. થોડું મૂંઝાઈને હું અટકી ગયો. નંદુએ હવે સ્પષ્ટ પૂછ્યું, ‘આટલું જ કે બીજું કંઈ પણ?’

‘હા, એ ચૉકલેટ કોઈએ બાળકો માટે ભેટ આપેલી હતી. દુર્ગા બોલીને ગઈ છે કે એ છોકરાઓને ચૉકલેટ ખવરાવ્યે છૂટકો કરશે.’

નંદુ ખડખડાટ હસ્યો અને બે હાથ આકાશ તરફ કરીને બોલ્યો, ‘મારી મા આ ચોરી જાણી ગઈ છે તો તો હવે એ લોક બાકીની ચૉકલેટ તાળા-કૂંચીમાં રાખશે તોયે લઈ આવશે. જેને માટે અપાઈ છે એને ખવરાવીને રહેશે. છોકરી છ-સાતની હતી ત્યારથી ચોસઠમી કળા જાણે છે. આવો કસબ માણસનો ન હોય. લાલા, એ ધારે તે કરશે. માણસથી તો થઈ પણ ન શકે.’

દુર્ગાએ ધારેલું કર્યું. બીજે જ દિવસે એકે એક બાળકને ટુકડો તો ટુકડો પણ ચૉકલેટ મળી. પછી હસતાં હસતાં તે મારી પાસે આવેલી અને કહેલું, ‘બોલ, ઑફિસના મોટા કબાટમાં સંતાડેલી તોયે લઈ આવીને?’

‘તને કોણે કહ્યું કે ચૉકલેટ મોટા કબાટમાં છે?’

‘કીડીઓએ.’ તેણે ટૂંકો જવાબ આપ્યો.

‘સરસ હતી નહીં!’ મેં કહ્યું.

‘મેં ખાધી નથી.’ દુર્ગાએ કહ્યું.

માથા પર વીજળી પડી હોય તેમ હું મૂઢ, મૌન ઊભો રહ્યો.

***