Ajvadana Autograph - 6 in Gujarati Motivational Stories by Dr. Nimit Oza books and stories PDF | અજવાળાંનો ઓટોગ્રાફ - 6

Featured Books
Categories
Share

અજવાળાંનો ઓટોગ્રાફ - 6

અજવાળાંનો ઓટોગ્રાફ

(6)

કાચના વાસણો

વૃદ્ધિ પામવી એ સજીવનું લક્ષણ છે અને વૃદ્ધ થવું એ સજીવની નિયતિ. રોજ સવારે અરીસામાં, સામે ઉભેલી જાતને આપણે વૃદ્ધ થતા જોયા કરીએ છીએ. ખરતા અને સફેદ થતા વાળ, સમયના આગ્રહને વશ થઈને ધીમા પગલે ચહેરા પર આવતી કરચલીઓ. આ ફેરફારો આપણને સતત યાદ કરાવે છે કે ધીમી પરંતુ મક્કમ ગતિથી આપણે કાચ જેવી અવસ્થા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ.

કાચ જેવી અવસ્થા, જે પારદર્શક હોય. એક એવી અવસ્થા જ્યાં પહોંચ્યા પછી આપણા ગમા-અણગમા, નબળાઈઓ અને બીમારીઓ, કશું જ કોઈથી છુપાવી નહિ શકાય. વર્ષોની મહેનત પછી માંડ સ્વાવલંબી બનેલા આપણે જિંદગીના ઉત્તરાર્ધમાં ફરી પાછું પરાવલંબી બનવા માટે જાતને તૈયાર કરવી પડશે.

એ સમય એવો હશે જ્યારે આપણો મૂળ સ્વભાવ સપાટી પર આવશે. જાત પર ચડાવેલા આવરણો એક પછી એક નીકળતા જશે અને સામે આવશે એક એવું વ્યક્તિત્વ જેને કદાચ આપણે ઓળખતા જ નહિ હોઈએ.

આખી જિંદગી આપણા કામ, જવાબદારીઓ અને સ્વજનો વચ્ચે બેલેન્સ જાળવી રાખનાર આપણે એ સમયે આપણી પોતાની જ જાતનું બેલેન્સ જાળવવામાં પ્રયત્નશીલ હોઈશું. જિંદગી આખી રઝળપાટ કરીને બનાવેલા આપણા આલીશાન ઘરમાં, આપણે પોતે જ એક ખૂણામાં કોઈ પ્રાચીન અને દુર્લભ ફર્નિચરની જેમ પડ્યા હોઈશું.

વડીલ હોવાની જાહેર જવાબદારી લઈને ઘરના એક અંગત ખૂણામાં બેઠા બેઠા આશીર્વાદ આપ્યા સિવાય આપણે બીજું કશું જ કરી નહિ શકીએ. આપણા સહુના જીવનનું આ જ ઋતુચક્ર છે જેમાં વસંત પહેલા આવે છે અને પાનખર પછી. આપણી આસપાસ રહેલી લીલોતરીને ‘જુગ જુગ જીઓ’ના આશીર્વાદ આપતા આપતા, આપણે પોતે જ કોઈ ખરી પડવાની ક્ષણની પ્રતીક્ષા કરતા હોઈશું.

ત્યારે આપણને સમજાશે કે આપણી હાલત બિલકુલ ઘરમાં રાખેલા કાચના વાસણો જેવી છે. એક જમાનામાં મોંઘાભાવે ખરીદેલા કાચના વાસણો, જે ઘર અને ડાઈનીંગ ટેબલની શોભા તો વધારે પરંતુ કોઈપણ સમયે તૂટી જવાની શક્યતા પણ ધરાવે. ચાલતા ચાલતા કે બાથરૂમમાં અવારનવાર પડી જાય અને આખી જિંદગી ખુમારીથી અકબંધ રહેલો માણસ, અચાનક ટુકડાઓમાં વિભાજીત થઈ જાય.

કાચના વાસણો, જે ઘરના સભ્યોની હાજરીમાં ક્યારેય ઉપયોગમાં ન લેવાય અને મહેમાનોની સામે ધૂળ સાફ કરીને ચકચકિત કરી દેવામાં આવે. કાચના વાસણો, જેમને ક્યારેય પિકનિકમાં કે બહારગામ ન લઈ શકાય. ફક્ત ઘર બદલતી વખતે આસપાસ ખૂબ બધું કુશન રાખીને, તેમનું સ્થળાંતર થાય. અમૂક ઉંમર પછી આપણે ફક્ત સ્થળાંતર કરી શકીએ, મુસાફરી કે પ્રવાસ નહિ.

જે બોક્સમાં કાચના વાસણો હોય, તેના પર આપણે ‘હેન્ડલ વિથ કેર’ની સૂચના લખીએ છીએ. કારણકે આપણને ડર હોય છે કે કોઈ ત્રાહિત વ્યક્તિ આપણા વાસણોનું એટલું ધ્યાન નહિ જ રાખી શકે, જેટલું આપણે રાખીએ છીએ.

ઘરની દીવાલો પર પણ ‘હેન્ડલ વિથ કેર’ લખાવી રાખવું જોઈએ, જે આપણને અને આપણી આવનાર પેઢીને કાચની ક્ષણભંગુરતા વિશે સતત રીમાઈન્ડ કરાવ્યા કરે. ઘરમાં રહેલા કાચના વાસણોની જાણવણી અને કદર કરવી વારસાગત હોય છે.

કાચ તૂટે અને દર વખતે શુકન જ થાય, એવું જરૂરી નથી.

-ડૉ. નિમિત્ત ઓઝા