વાંચકોને...
( આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ નક્ષત્ર , બીજો મુહૂર્ત અને ત્રીજો ભાગ સ્વસ્તિક. આ ત્રણેય ભાગ અહી માતૃભારતી પર આવશે. )
સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું.
ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું.
નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ, વિવેક, જાદુગર સોમર, કિંજલ, ડોક્ટર સ્વામી, કદંબ આવ્યા. ભેડાઘાટ અને નાગપુર શહેર તેમાં વણાયા. જોકે એક સ્પસ્ટતા અહી કરવી રહી કે આ કથામાં આવતું નાગપુર શહેર કે ભેડાઘાટ એ અત્યારના વાસ્તવિક નાગપુર શહેર કે ભેડાઘાટ નથી. નાગપુર શહેરનું નામ ‘નાગ’ શબ્દથી શરુ થતું હતું એટલે મેં કથાના મુખ્ય સ્થળ તરીકે ‘નાગપુર’ નામ વાપર્યું છે. તેવી જ રીતે ભેડાઘાટ પણ માત્ર મને નામ સારું લાગ્યું તેથી જ લીધો છે. અહી વાસ્તવિક નાગપુર શહેર કે ભેડાઘાટ સાથે કોઈ લેવાદેવા નથી.
નાગમણી સિરીઝનો પ્રથમ ભાગ લખ્યો ત્યારે તેમાં મારી ગણતરી બે ભાગની જ હતી - નક્ષત્ર અને મુહુર્ત. પણ પછી મને તેમાં કઈક ખૂટતું લાગ્યું. મને બરાબર સંતોષ ન થયો. જયારે કથાના પાત્રો ભૂતકાળ – લાંબા ભૂતકાળ સાથે જોડાયેલા હોય ત્યારે આખીયે કથામાં માત્ર અત્યારનો આધુનિક જમાનો જ આવે તે તો કથા સાથે કરેલો સરાસર અન્યાય કહેવાય...!! તેવું મને સતત થયા કર્યું. પણ માત્ર ન્યાય તોળવા માટે કઈ કલમ ચાલતી નથી. મગજને કસરત આપવી પડે. તેમાય આવડી મોટી કથાના દરેક પાત્રને ધ્યાનમાં રાખીને કશુંક ઘડવું એ સાવ સરળ વાત નથી. કઈક રાતોની રાતો બે બે વાગ્યા સુધી મને ઊંઘ ન આવતી.
પંદરેક દિવસ નિરાશામાં ગયા પછી એક રાત્રે વિચારીને થાકીને આંખો મળી અને આંખના પરદામાં મને એક રાજકુમાર દેખાયો. ના એ સપનું નહોતું પણ જાગૃત મનમાં જ એક કલ્પના જન્મી હતી. અને આખરે સ્વસ્તિક રચાયું. કદાચ એ રાત્રે આકાશમાં તારા એ રીતે ગોઠવાયા હશે જેથી મને સ્વસ્તિક વિષે કલ્પના આવી.
એ પછી રાજકુમાર સુબાહુ, રાજમાતા ધૈર્યવતી, જશવંત, દિવાન ચિતરંજન, બિંદુ, નાગલોકની રાણી ઇધ્યી અને રાજા ઇયાવસુ, સુનયના, સત્યજીત, સરદાર અશ્વાર્થ, ચિત્રલેખા, પ્રતાપ, સુરદુલ, જીદગાશા, કેપ્ટન હેનરી ઓબેરી, જોગસિહ, ઇન્સ્પેકટર રૂકસાના, બીપીન, અરુણ, મહેબુબ, આયુષ્યમાન વગેરે પાત્રોને હું કથામાં કેદ કરતો ગયો. વિવિધ રંગી અસંખ્ય પાત્રો કાળા અક્ષરો બની એકઠા થતા ગયા અને આખરે નાગમણી સિરીજ પૂરી લખાઈ.
એક બે વાર તો મને સાવ અંધશ્રદ્ધાળુ જેવો વિચાર આવેલો. આ નાયક અને નાયિકાની એક નહી બે નહી પણ ત્રણ જન્મોની કહાનીનો વિચાર મને ક્યાંથી આવ્યો હશે? શું કોઈ મારી જોડે આ કથા લોકો સમક્ષ રજુ કરાવવા માંગતું હશે? આ પ્રશ્નનો જવાબ મને આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર્યા પછી પણ નથી મળ્યો કદાચ તમને મળે એવી આશા રાખું છું.....!
- વિકી ત્રિવેદી
પ્રસ્તાવના
એ મારી સામે હતો. એનો ચહેરો ડરાવણો હતો. એની આંખો એના ચહેરાને વધુ ક્રુર બનાવતી હતી. એ મદારી શિકારી હતો. એની નજર મારી તરફ ફેરવાઈ. મદારીની આંખો ગુસ્સાથી લાલ અંગારા જેવી થઈ ગઈ હતી. જાદુગરની તામ્રવર્ણી આંખોમાં નફરત કદાચ આગ બનીને વરસતી રહી. મારા અને મૃત્યુ વચ્ચે હવે જરાક અંતર હતું - કદાચ અમુક ક્ષણનુ જ.
કેવી વિચિત્ર ઘટના હતી. હું એક અજાણ્યા ઘરમાં, મારા માટે પરિચિત છતાં જેની સાચી રીતે જાણી ન શકી એવા અજાણ્યા વ્યક્તિના હાથે મરવાની હતી. એ પણ મારા એક નાનકડા નિર્ણયને લીધે, મારી એક નાનકડી ભૂલને લીધે. મારી પાસે આંખો બંધ કરી એક પળ માટે મારા એ નિર્ણય બદલ પસ્તાવો કરવાનો સમય હતો પણ મેં એવું ન કર્યું કેમકે એ મારી જીંદગી હતી, મારો નિર્ણય હતો.
ઘણીવાર લાંબી જીંદગી એ નથી આપી શકતી જે એક ટૂંકું જીવન આપી જાય છે. મારી સાથે પણ એવુ જ થયું હતું. મને જીવનના અઢાર વર્ષ જે ન આપી શકયા એ બધું મને અઠવાડિયાના ટૂંકા સમયે આપ્યું - એક અઠવાડિયાથી પણ ઓછા સમયે મને બધુ જ આપ્યું હતું.
હું નાગપુર આવી. અહી જે.એમ. વોહરા કોલેજમાં પપ્પાએ મારું એડમીશન કરાવ્યું હતું. એક અઠવાડિયાના ટૂંકા સમય ગાળાએ મને બધુ જ આપ્યું હતું. ઘર, પરિવાર, મિત્રો અને ખાસ તો પ્યાર – કપિલ. કપિલની સાથે મારી મુલાકાત કોલેજના પહેલા દિવસે જ થઇ હતી. પહેલી મુલાકાત કઈ ખાસ પ્રેમભરી ન હતી પણ એના પછીની મુલાકાતો કયારે પ્રેમમાં પલટાઈ ગઈ એની મને ખબર જ ન રહી.
એ બધું એક પળમાં ખતમ થવા જઈ રહ્યું હતું... એ મદારી કોઈ ભૂખ્યા વાઘની જેમ મારી સામે ઉભો હતો અને હું એક ગભરાયેલી હરણીની જેમ ધ્રુજી રહી હતી. હું ગભરાયેલી હતી. કદાચ મૃત્યુનો સામનો કરતી વખતે દરેક સાથે કઈક આવુ જ થતું હશે. બસ મારામાં દરેકથી એક વાત અલગ હતી. મને મૃત્યુનો કોઈ અફસોસ ન હતો કે પછી જીવનમાં કોઈ રંજ ન હતો જે હોય તે પણ હું ત્યાંથી ભાગી નહી. મેં ત્યાંથી ભાગવાનો પ્રયત્ન ન કર્યો કે કદાચ એ અજાણ્યા ઘર, એ અજાણ્યા સ્થળે હું ચાહું તો પણ મને ભાગવા માટે કોઈ જગ્યા મળે એમ ન હતી. મારી સામે ઉભેલા જાદુગર મદારીએ મારી આંખો સામે જ ત્રણ હત્યાઓ કરી હતી - એ જાદુ જાણતો હતો અને મારા કરતા અનેક ગણો ઝડપી હતો - મારા બચવાના ચાન્સ ઝીરો પોઈન્ટ ઝીરો વન જેટલા પણ નહોતા.
મારા અને એ મોતના ફરિસ્તા જેવા મદારી વચ્ચે એક જરાક જ અંતર હતું. હું આંખો બંધ કરીને એક ડરપોકની જેમ મરીને મારા પ્રેમનું અપમાન કરવા માંગતી ન હતી. હું આંખો બંધ કરીને કપિલ સાથે દગો ન કરી શકું. એણે મારા માટે મોતને આંખો ખુલ્લી રાખી નીડર બની હસીને સ્વીકાર્યું હતું માટે હુ પણ એમ જ કરી રહી હતી. કોઈએ સાચુ કહ્યું છે કે કોઈ તમને ઊંડાણથી ચાહે ત્યારે તમારી તાકાત વધી જાય છે પણ જયારે તમે કોઈને દિલથી ચાહો ત્યારે તમારી હિમ્મત વધી જાય છે. હું આંખો ખુલ્લી રાખી મારી તરફ આવતા એ મદારી રૂપી મોતને જોઈ રહી.
*
“We sometimes encounter people, even perfect strangers, who begin to interest us at first sight, somehow suddenly, all at once, before a word has been spoken.”
Fyodor Dostoyevsky
નયના કથાનક ...
એક મહિના પહેલા...
ટ્રેન હજુ સ્ટેશન પર જ હતી. મુંબઈથી નાગપુરની લોકલ ટ્રેન. હું મમ્મી સાથે કમ્પાર્ટમેન્ટમાં બેઠી હતી. ટ્રેન ઉપડવાને હજુ વાર હતી પણ ધક્કામુક્કીમાં ચડવા કરતા પહેલેથી બેસવું સારું. લોકલ ટ્રેનમાં સામાન્ય રીતે જોવા મળતી દરેક વસ્તુઓ ટ્રેનમાં હતી. વધુ પડતી ભીડ અને એકદમ ઓછી સ્વરછતા. મને લોકલ ટ્રેનમાં મુસાફરીનો અનુભવ હતો. હું ટ્રેનમાં ભાગ્યે જ બાથરૂમનો ઉપયોગ કરતી. કયારેક ભાગ્યે લાંબી મુસાફરી દરમિયાન.
મારી સામેની સીટ પર મારી મમ્મી રેખા બેઠી હતી. તેણીએ રોજની જેમ આછી ગુલાબી સાડી પહેરી હતી. મારી મમ્મી મારી જેમ સપ્રમાણ નહોતી. એ થોડીક ગૃહિણીની જેમ મારાથી થોડીક જાડી હતી. મારા કરતા તે ઊંચાઈમાં પણ સહેજ નીચી હતી. પણ તે હસમુખ હતી. તેના ચહેરા સામે જયારે હું દેખું ત્યારે અપાર સ્નેહ નીતરતો મને દેખાતો.
પણ અત્યારે તે વિચારોમાં ખોવાયેલી હતી. એના મનમાં શું વિચારો હતા એ હું જાણતી હતી. મમ્મી સતત મને જોઈ રહી હતી. એની આંખોમાં રહેલા પ્રશ્નથી બચવા મેં બારી બહાર તાકી એને ઓવોઈડ કરવાનો પ્રયાસ કર્યો.
બારી બહાર વાતાવરણ બોમ્બે સેન્ટ્રલ પર જોવા મળતા સામાન્ય દિવસ જેવુ જ હતું. કુલી બોમ્બે સેન્ટ્રલની ગીર્દીને ચીરતા કોઈને ધક્કો પણ ન વાગે એ રીતે માર્ગ કરતા હતા. બાજુની ટ્રેક પર દેહરાદુન એક્સપ્રેસ ઉપડવાની તૈયારીમાં હતી. ટ્રેન છેલ્લા કેટલાક મુસાફરો ફસ્ટ કલાસ કમ્પાર્ટમેન્ટમાં ગોઠવાય એની રાહ જોતી હતી.
વેકેશનન હતું માટે માનવમેદની ઉમટી હતી. વિશાળ સ્ટેશન પણ કોઈ બંધિયાર સ્થળ જેવું બની ગયું હતું. ઉનાળો હતો પણ કોઈને ગરમીની પડી નહોતી. બધાના શરીર અને ચહેરા પર અલગ સ્ફૂર્તિ, ધાંધલ અને ધમાલ દેખાતી હતી. કોણે કહ્યું સ્ફૂર્તિ ફકત શિયાળામાં જ હોય છે?
એક બે માણસો કમ્પાર્ટમેન્ટને અઢેલીને લહેજતથી સિગારેટના કશ ખેચી રહ્યા હતા. આદત મુજબ મારી આંખો બહારના સમુદાયનું જીણવટભર્યું અવલોકન કરવા લાગી. અવલોકન છેકથી મારી આદત હતી. મને રસ્તામાં એક જૂતું દેખાય તો હું એના વિશે વિચારવા બેસી જતી. બીજું જૂતું કયાં હશે? કોઈએ આ જૂતું કેમ ફેક્યું હશે? એ કોના પગનું હશે? એવા ઘણા સવાલો મારા મનમાં ઉભરી આવતા. મને એ ખબર નહોતી કે આસપાસનું જીણવટભર્યું અવલોકન કરવાની આદત મારા માટે કેટલી નુકશાનકારક સાબિત થશે? એ આદત મને કેટલી મોટી ગુંચમાં ડુબાડી દેશે?
ટ્રેન કોઈ મુસાફર રહી તો નથી ગયું એની ખાતરી કરતી હોય એમ એક બે સીટી વગાડી અને થોડીક વારમાં એ ભીડ અને બંધીયાર વિસ્તારને છોડી હરિયાળીને ખુંદવા લાગી. હવે બારી બહાર ગૂંગળાવી મારનાર મુંબઈની ઈમારતોને બદલે મનને પ્રસન્નતા આપવા અવતરેલા સંત વ્રુક્ષો પોતાના ઊંડા મુળિયા જમાવી ઉભા હતા.
સૂર્ય જરાક ઉંચો આવ્યો હતો છતા એના કિરણો ગરમ લાગવા માંડ્યા. કિરણો બારી બહાર દેખાતા વ્રુક્ષોના નવા કુણા પાન સાથે રમતા હતા. એ પાનને ચમકાવી રહ્યા હતા. આકાશ એકદમ સ્વરછ હતું. કયાંય કોઈ વાદળ ન હતા બસ કયાંક સવારથી ખોરાકની શોધમાં નીકળેલા પક્ષીઓ ઉડતા હતા. ટ્રેનના પાટાની નજીક ઠેર-ઠેર કચરાના ઢગલા અને જુના પુરાણા કપડા રખડતા હતા. મારી આદત મુજબ મને પાટાની બંને તરફ જોવા મળતા આવા કપડા જોઈ થતું કે શું આ ટ્રેન નીચે આત્મહત્યા કરનારના કપડા હશે?
મેં થોડીક વાર એ કપડા વિશે વિચાર્યું. મને વધુ પડતું વિચારવાની આદત કે બીમારી હતી. એ કપડા, એ કચરાના ઢગલા અને ઈજનેરોએ ટ્રેકના કામ બાદ છોડેલો વધારાનો સામાન મારા માટે વિચારવાનો વિષય બની ગયો.
મમ્મી મને ઘણીવાર કહેતી મને ઓવર એક્ટીવ ઈમેજીનેશનની આદત હતી. પણ હું મારી કોઈ જ મદદ ન કરી શકતી. હું ગમે તેટલી મહેનતે વિચારોને રોકવાની કોશિશ કરું મારું મગજ કોઈ પણ નજીવી બાબત વિશે વધુ પડતું વિચારવા લાગતું.
મને ટ્રેનની મુસાફરી પસંદ નહોતી પણ મુંબઈ - નાગપુર વચ્ચે અલગ વાત હતી. અહીની હરિયાળી ટ્રેનમાં આવતા કંટાળાને કયાંય ગાયબ કરી નાખતી. અહી દિલ્હીની જેમ વેરહાઉસ, વોટર ટાવર, બ્રીજ અને પોસ્ટ મોડર્ન મોઘલ ઈમારતો જોઈ બોર થવાનું નહોતું. બસ આંખો સામે વૃક્ષો જ દોડ્યા કરે.
હું પાટાની નજીક આમતેમ વિખરાયેલા અલગ અલગ આકાર અને વિવિધ કદના પથ્થરોને જોઈ રહી. કયારેક કોઈ પથ્થરને લાલ જોતા જ મારું મન મને એક અંદેશો મોકલતું હતું કે કદાચ એ ટ્રેન નીચે જંપલાવનાર કોઈ પ્રેમી યુગલના લોહીથી ખરડાયેલો હશે. ત્યારે મને કયાં ખબર હતી કે હું હત્યા અને આત્મહત્યાની હારમાળામાં સામેથી ચાલીને જઈ રહી હતી?
નાગપુરમાં કોઈ એવું રહસ્ય મારી રાહ જોઈ રહ્યું હતું જેનાથી હું બિલકુલ અજાણ હતી.
હું બાળપણથી જ એવી હતી. મને કોઈ પણ વસ્તુ જોયા પછી એના વિશે ખુબ જ વિચારવાની આદત હતી. એ આદતને લીધે હું કપિલને મળી એ દીવસથી જ એના વિશે વિચારવા લાગી. કપિલ એકદમ ઇન્ટરેસ્ટીંગ હતો. તે ઉંચો, દેખાવડો, સ્માર્ટ અને કદાચ અમારી કોલેજમાં માત્ર એક એવો છોકરો હતો જે બ્રાન્ડેડ એટાયર પહેરતો હતો. એ મેચિંગનો શોખીન હતો. તેના કપડા, તેની બેગ તેના શૂજ અને તેની વોચ બધું જ મેચિંગ હોતું. તેનો આઉટફીટ અને એટીટ્યુડ બંને પરફેક્ટ જ હોતા. તેને પણ મારી જેમ જ ઓછું બોલવાની આદત હતી. એની કોઈ ચીજ મને ન ગમતી તો એનો ગુસ્સો, અને અફસોસ કે તે મોટા ભાગે ગુસ્સામાં જ હોતો.
થોડીકવારમાં ટ્રેનના પાટા ડાબી તરફ વળ્યા. એ કચરાના ઢગલા અને જુના પુરણા કપડાઓ મારી આંખ સામેથી ગાયબ થઇ ગયા. હવે એને બદલે ઈજનેરોએ ટ્રેકના સમારકામ કામમાં વધેલા મટીરીયલના ઢગલા જોવા મળતા હતા પણ એમાં કઈ ખાસ વિચારવા જેવું ન હતું. થોડાક સમય પહેલા જ બધા નેરો ગેજ પાટાઓ બ્રોડ ગેજમાં ફેરવાયા હતા એટલે વધેલ મટીરિઅલ ઠેક-ઠેકાણે રખડતું જોવા મળે એ સામાન્ય હતું. મને હમેશા નવાઈ લાગતી લોકો ઘર આગળ પાર્ક કરેલી જૂની સાયકલે ચોરી જઈ ભંગારમાં વેચી દેતા હોય છે પણ રેલ્વેનું મટીરીયલ આમ ઢગલા પડ્યું હોય તોયે કોઈ એ તરફ જોતુ પણ કેમ નથી? - કદાચ રેલ્વે પોલીસ શહેરી પોલીસ કરતા વધુ સક્રિય હતી.
કોઈકનો ફોન રણક્યો, કોઈ ખુશીનું અને અનબીટ સોંગ રીંગટોનમાં સંભળાયું. એ વ્યક્તિ ફોન પર કઈક વાત કરવા લાગ્યો. એક હું જ હતી જેની નજર એ તરફ થઇ હતી બાકી બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા કોઈએ એ તરફ ધ્યાન પણ ન આપ્યું. એ ફોનવાળા વ્યક્તિની પાસે જ બેઠેલો જુવાનીયો પોતાનું પૂરું ધ્યાન તેના આઈપોડના સોન્ગમાં આપી રહ્યો હતો. બીજી તરફ બેઠેલ છોકરી પોતાના મીની લેપટોપના કીપેડનો ટ્રેનની સ્પીડે ઉપયોગ કરી રહી હતી. મને લાગ્યું કે એ ફ્રી-લેન્સર કે કોપી-રાઈટર હશે, નહિતર કન્ટેન્ટ-રાઈટર. એની સ્પીડ જોતા એ એડિટર કે પ્રૂફ રીડર ન હોઈ શકે એ ચોક્કસ હતું. બાકીના લોકોમાંથી મોટાભાગના લોકો પોતાના મોબાઈલને ટેપ કરવામાં વ્યસ્ત હતા. બસ ન્યૂઝપેપરના રસટલ, કોમ્યુટર ટેપિંગ અને કોઈ કોઈની હળવી વાતોનો અવાજ મને સંભળાતો હતો.
“નયના.” મમ્મીએ મારી પરથી આંખો હટાવ્યા વિના જ પૂછ્યું, “બેટા, તું ખરેખર એવું ઈચ્છે છે?”
કદાચ મમ્મી થોડી મુઝવણમાં હતી કે હું કેમ મુંબઈની કોલેજ છોડીને એ નાનકડા શહેરમાં કોલેજ કરવા ઇચ્છતી હતી. નવાઈ લાગે તેવી વાત પણ હતી. મોટાભાગની છોકરીઓ મુંબઈ જવાનું સપનું જોતી હોય છે અને હું મુબઈ છોડી જવા જીદ કરી રહી હતી. કદાચ મનેય ખબર ન હતી કે કેમ, કદાચ મને મારું નસીબ ત્યાં ખેચી જઈ રહ્યું હતું, કદાચ મારો અને કપિલનો પ્રેમ એ શહેરમાં મારી રાહ જોઈ રહ્યો હતો. કદાચ... બસ ફરી એકવાર મારા વધુ પડતું વિચારવાવાળા સ્વભાવે સંભાવનાઓ શોધવાનું શરુ કરી દીધું, પણ મમ્મીનો આભાર કે એણીએ મારા મનને એવું કરવા માટે સમય જ ન આપ્યો.
“નયના, મને કઈ સમજાઈ નથી રહ્યું.”
હું જવાબ આપુ કે નહી એની ચિતા કર્યા વિના જ મમ્મીએ બીજો સવાલ કર્યો. મમ્મીની આદત હતી સામેવાળું વ્યક્તિ તેની વાત પર કેટલું ધ્યાન આપી રહ્યું છે એના પર મમ્મી કયારેય ધ્યાન ન આપતી. મૂંઝવણમાં જ મેં નજર વિદેશી ફૂલોની ભાતવાળા મારા ડ્રેસ પર કરી. જવાબ શોધવા મેં દુપટ્ટાથી મો લુછ્યું. જોકે મારા ચહેરા ઉપર પરસેવો નહોતો કારણ ટ્રેન ચાલુ હતી. પણ એમ કરવાથી હું મારા ભાવ ન બદલી શકી. વાતે વાતે મોટી થઈ જતી મારી આંખો મારી મૂંઝવણની ચાડી હમેશા ખાઈ જતી. મારા ઉજળા ચહેરા, કુદરતી ગુલાબી હોઠ, લાંબી પાપણોમાં શોભતા ચહેરામાં મારી આંખો જ મારી પરિસ્થિતિ મારા મનોભાવ છતાં કરવાની ગદ્દારી કરી દેતી.
“શું નથી સમજાઈ રહ્યું મમ્મી?” મેં જાણીને અજાણ બનવાનો પ્રયાસ કર્યો. મારા ચહેરા પર એ શું પૂછી રહી છે એનાથી એકદમ અજાણ હોઉં એવા ભાવ મેં લાવ્યા. ખબર નહી હું મારા પ્રયાસમાં કેટલી સફળ રહી હતી.
“બેટા, કેટલી જીદ કરીને તું હોસ્ટેલ ગઈ હતી અને હવે આમ જ કોઈ કારણ વિના તું હોસ્ટેલ છોડી દેવા માંગે છે. આપણી કોલેજમાં તો માંડ ચાર-સો કે પાંચ-સો છોકરા છોકરીઓ છે, તું જયા છે ત્યાં ત્રણ હજાર વિધાર્થીઓ છે. એ કોલેજનું નામ પણ છે.” મમ્મીએ મને યાદ કરાવ્યું. આ બધું મે જ મમ્મીને કહેલું જયારે હું જીદ કરીને શહેર ભણવા ગઈ હતી.
“પણ હવે અમારી કોલેજનું માત્ર નામ જ છે.” મેં વાત ઉપજાવી કાઢતા કહ્યું, “નામ બની ગયા પછી કોઈ ક્વોલીટીનું વિચારતું જ નથી. હવે એ લોકો પાસે નામ છે અને એમના નામને લીધે એમને ફૂલ એડ્મીશન મળી રહે છે. હવે ત્યાં ભણાવવાનું પહેલા જેવું નથી રહ્યું.”
“પણ આપણી કોલેજમાં તો માંડ એકાદ બે લેકચર દિવસે લેવાય તો ભલે. અને એમાય મોટા ભાગે બધા છોકરા છોકરીઓ તો બહાર જ ફરતા હોય છે. કોઈ કોલેજના કલાસમાં હોય છે કે નહી મને તો એય નવાઈ લાગે છે. મને હજુયે નથી સમજાઈ રહ્યું તને શું થઇ ગયું છે નયના? તું કેમ એવી કોલેજમાં ભણવા માંગે છે?” મમ્મીના પ્રશ્નમાં મૂળ તો મારા ભવિષ્યની જ ચિંતા તરી રહી હતી. છતાં મને મમ્મીની વધુ પ્રશ્નો કરવાની આદત ન ગમી. મારી પાસે કારણ હતું એ મમ્મીને સમજાવી શકાય એમ નહોતું. મમ્મીને એમ તો ન જ કહી શકાયને કે મને સપનામાં નાગપુર જંગલના છેવાડે ભેડાઘાટ પર દેખાતા મારા સપનાના યુવકને શોધવા હું નાગપુર આવવા માંગું છું.
“નાની કોલેજોમાં સારું ન ભણાવતા એ તો પહેલાં હવે એવું નથી રહ્યું મમ્મી. હવે બધું બદલાઈ ગયું છે. જે કોલેજો નાની છે અને જેમનું નામ નથી એજ સારું ભણાવે છે. એ કોલેજના ટ્રસ્ટીઓ પોતાની કોલેજનું નામ રેપ્યુટેડ કોલેજના નામમાં જોવા માંગે છે.” મારા સપનાના યુવકની અને મારા કાનમાં એકાએક સંભળાવા લાગતા સંગીતની હકીકત મમ્મીને કહી શકાય એમ ન હતી માટે મેં એક લોજીકલ દલીલ તૈયાર રાખી હતી. એના સિવાય મારી પાસે કોઈ જવાબ ન હતો પણ જવાબ આપ્યા વિના ચાલે એમ પણ ન હતું.
જયાં સુધી મમ્મીને એના પ્રશ્નનો જવાબ ન મળે એ પ્રશ્નને ફેરવીને પૂછતી જ રહે. મમ્મીનો સ્વભાવ એવો જ હતો. એને વધુ બોલવું પસંદ હતું જયારે મને પપ્પાની જેમ ઓછું બોલવું.
કદાચ આજ તફાવતના લીધે મમ્મી અને પપ્પા વચ્ચે ઓછુ બનતું હતું. ઓછુ બનતું મતલબ એમના વચ્ચે ઝઘડા ન થતા પણ બસ નાના નાના વિવાદો સર્જાયા કરતા.
“હશે. તું કહે એમ કદાચ નાની કોલેજોમાં સુધારો આવ્યો હશે પણ એનો મતલબ એ નથી કે એ કોલેજો મુંબઈની નામાંકિત કોલેજ કરતા પણ સારું ભણાવવા લાગી હોય.”
“મમ્મી હવે હું ઘરે રહી ભણવા ઈચ્છું છું.” મેં નવી દલીલ શોધી જ રાખી હતી. દલીલ કરતી વખતે મારા ચહેરા પર કંટાળાના ભાવ ચોખ્ખા વર્તાઈ આવતા હતા, હું મારી મમ્મીની જેમ જ મારી લાગણીઓ છુપાવવામાં ઓછા નંબર મેળવતી હતી, ઘણીવાર તો મમ્મી મને ખુલ્લી કિતાબ કહેતી...! ને એ સાચું પણ હતું. હું કયારેય સારી રીતે જુઠ્ઠું ન બોલી શકતી. એક છોકરી હોવા છતા પણ હું જુઠ્ઠું બોલવામાં ઓછા નંબર મેળવતી. દરેક છોકરીઓમાં જોવા મળતા એ સામાન્ય ગુણની મારામાં અછત હતી. કદાચ એ બધું મને મારી મમ્મી તરફથી વારસામાં મળ્યું હતું. લાગણીઓને છુપાવી ન શકવું, જુઠ્ઠું બોલવામાં નિષ્ફળ રહેવું, લાંબા સિલ્કી કાળા વાળ, પાતળી ગરદન, થોડીક ભૂરી આંખો અને પાતળો શારીરિક બાંધો એ બધું મને મમ્મી તરફથી વારસામાં મળ્યું હતું અને એમાંથી આંખો અને પાતળા શારીરિક બાંધા સિવાય બીજી કોઈ ચીજ માટે હું મમ્મીનો આભાર માની શકું એમ ન હતી.
“દરેક વાતનું કોઈ કારણ હોય છે. તે જયારે હોસ્ટેલમાં જવાનું કહ્યું ત્યારે તારી પાસે કારણ હતું.” મમ્મીએ પોતાની દલીલ રજુ કરી.
હું મમ્મી કરતા થોડીક વધુ ઉંચી થઇ ગઈ હતી એટલે હવે મનેય મમ્મી સામે દલીલ કરવાનો હક મળી ગયો હતો. મારી ઉંચાઈ 5”8 હતી અને મમ્મીની 5”4. મેં તો છેક 5”1 થી જ મમ્મી સામે દલીલ કરવાનો હક મેળવી લીધો હતો.
એ હક પપ્પાએ જ અપાવેલો. પપ્પા મને બહુ લાડથી રાખતા. પપ્પાની સામે દલીલો કરવાનો અને સામે બોલી જવાનો હક તો હું નવમાં ધોરણમાં હોસ્ટેલ ગઈ ત્યારથી જ મળી ગયો હતો. એ દીવસે મેં સો દલીલો કરીને પપ્પાને મનાવ્યા હતા કે આપણા શહેરની શાળામાં હું દશમું નહિ કરું. મારે મુંબઈ ડે સ્કૂલમાં જવું છે. દશમાં ધોરણ પછી મારે હોસ્ટેલમાં ભણવા જવું હતું અને એનું મુખ્ય કારણ મારી બે બહેનપણીઓ શહેર જઇ રહી હતી એ હતું. શહેર ગયા પછી બધું સારું ચાલ્યું દશમું ધોરણ, અગિયારમુ અને બારમું બધુ જ ઠીક હતું પણ કોલેજનું એક વર્ષ મારા માટે નરક સમાન બની ગયું હતું. હું એક વર્ષમાં તો હોસ્ટેલ અને કોલેજથી કંટાળી ગઈ હતી.
એ દિવસે મેં મમ્મી સામે દલીલ ન કરી. ઘણા દિવસો પછી મમ્મી મળી હતી એટલે કે પછી મારી પાસે દલીલ કરવા માટે કશું ન હતું. હું ચુપ રહી.
લગભગ અમારું શહેર હવે પચાસેક કિલોમીટર દુર હતું. મમ્મીએ પણ એ દિવસે જાણે કે નક્કી જ કરી લીધું હતું કે એ મારી પાસેથી જવાબ લઈને જ રહેશે.
“તને એવું લાગતું હોય તો અઠવાડીયુ તું ઘરે રહેજે. કદાચ હોસ્ટેલમાં ઘર જેવું વાતાવરણ ન મળે એટલે કંટાળી ગઈ હોઇશ. ઘર જેવું જમવાનું પણ નહી જ મળતું હોય ને?.” મમ્મીએ મારા પાસેથી વાત કઢાવવાનો નવો કીમિયો અપનાવ્યો.
બસ દરેક વખતે આમ જ થતું. મમ્મી મને ઈ-મેઈલ કરે ને હું વળતો જવાબ લખું પણ મારા શબ્દો પરથી એ મને પકડી લે, એને ખબર પડી જાય કે હું ઉદાસ છું, હું ચિંતામાં છું કે પછી મારી તબિયત ખરાબ છે. કોણ જાણે કઈ રીતે પણ મમ્મીને જુઠ્ઠું બોલતા ન આવડતું પણ જુઠ્ઠાણું પકડી લેતા આવડતું.
“બસ મમ્મી ત્યાની કોલેજમાં પણ હવે આપણી કોલજ જેવુ જ ભણાવે છે.” મેં કહ્યું.
જે મમ્મી મારો આવાજ સાંભળ્યા વિના કે મારો ચેહરો જોયા વિના મારા ઇ-મેઈલના શબ્દો પરથી જાણી શકતી હોય કે હું સાચું નથી બોલી રહી તો રૂબરૂમાં એને એ ખબર પાડતા વાર લાગે?
“તારી આંખો તો કઈક અલગ જ કહે છે.” મમ્મીએ મારા ચહેરાને તાકી રહેતા કહ્યું.
મને મારી મોટી ગોળ ટોફીબ્રાઉન કલરની આંખો પર ખુબ જ અભિમાન હતું, મમ્મી તરફથી વારસામાં મળેલી ચીજોમાં મને એ સૌથી વધુ પસંદ હતી પણ એ દિવસે મને એના પર ગુસ્સો આવ્યો. કેમ મારી મોટી આંખો નાનકડી વાતનેય છુપાવી ન શકતી. મને ખુબ જ ગુસ્સો આવ્યો. મેં મમ્મી બાજુથી આંખો હટાવી બારી તરફ નજર સ્થિર કરી.
“મમ્મી બસ એકવાર કારણ નહિ આપું તો નહિ ચાલે.” બોલતી વખતે મેં બારી તરફ જ તાકી રાખ્યું.
“ચાલશે બેટા પણ...” મેં મમ્મીના પણને આગળ વધવા જ ન દીધું, હું મમ્મીને ભેટી પડી.
“આઈ લવ યુ મમ્મી.”
કદાચ હું બહુ જોરથી બોલી ગઈ હતી એટલે કમ્પાર્ટમેન્ટના બીજા પ્રવાસીઓ અમારી તરફ જોવા લાગ્યા. આમ તો કોઈ છોકરી પોતાની મમ્મીને આઈ લવ યુ કહે એ કઈ નવાઈની વાત નથી પણ એકબીજા સાથે બેઠા પછી, એકબીજાને મળ્યા પછી દોઢ કલાકે એકસો વીસ કિલોમીટર કાપ્યા પછી અચાનક મમ્મી પ્રત્યે મારો પ્રેમ જોઈ કદાચ બધાને નવાઈ લાગી. એમને એ ક્યાં ખબર હતી કે મમ્મી જયારે કોઈ કારણ આપ્યા વગર આપણી વાત માની લે ત્યારે કેટલી વહાલી લાગે છે?
“નયના...”
“મમ્મી, હું થાકી ગઈ છું આપણું સ્ટેશન આવે ત્યાં સુધી જરાક આરામ કરી લઉં..?” મેં મમ્મીને વચ્ચે જ અટકાવી દેતા મારો એન્ડ્રોઈડ નીકાળ્યો અને તેનામાં ન્યુ સોંગ ચાલુ કરી, ઈયરફોન કાને લગાવ્યા.
“આ તકિયો રાખ..” મમ્મીએ બેગમાંથી એક નાનો તકિયો મને આપ્યો, મમ્મી કેટલી ભોળી હતી હું ઊંઘવા નહી પણ આગળની વાતચીતને રોકવા માંગતી હતી એ મમ્મી સમજી શકી નહિ કે પછી મને એવું લાગ્યું.
મેં તકિયાને બર્થ પાછળ ગોઠવી એને ટેકે માથું રાખી આંખો બંધ કરી. પપ્પાને પણ હજુ મમ્મી જેમ જ સમજાવવાના હતા અને એ કામ મમ્મીને સમજાવવા જેવું તો ન જ હતું.
ઈટ વોઝ હાર્ડ ટુ કન્વેન્સ ડેડ.
આઈ પ્રીફર ટુ ક્લોઝ માય આઈ એન્ડ લિસન ન્યુ સોન્ગ્સ ધેન થીંક અબાઉટ હાઉ ટુ કન્વીન્સ ડેડ. મેં મારી આંખો બંધ કરી અને મ્યુઝીકની દુનિયામાં ડૂબી ગઈ. ટ્રેનના પૈડાનો અવાજ મને સંભળાતો બંધ થઇ ગયો અને હું ક્યારે મીઠા સંગીતમાં ખોવાઈ ગઈ - હું કયારે ઊંઘી ગઈ મને ખબર ન રહી પણ જયારે મારા મોબાઈલમાં કોઈ એવું ગીત સંભળાવા લાગ્યું જે આ દુનિયાનું હતું જ નહિ, જેની ધૂન મને દુનિયા ભુલાવી દેતી હતી હું સમજી ગઈ હું સપનામાં હતી.
હું દોડી રહી હતી.
મને સંભળાતા એ અજાણ્યા ગીતની ધૂન એકદમ અલગ હતી.
હું દિવસની ડીપ સ્લીપમાં સપનું જોઈ રહી હતી. હું દોડી રહી હતી. મારાથી દોડી શકાય એટલી ઝડપે દોડી રહી હતી. મારા હાથમાં એક સાપ હતો - ચમકતા કાળા રંગનો સાપ હાથમાં પકડીને હું દોડી રહી હતી.
હું સપનામાં હતી. મેં એને જોયો. મેં મારા હાથ એની આસપાસ વીંટળાયેલા જોયા. તે એક સાપના સ્વરૂપમાં હતો. મારી આંગળીઓ એની ચમકતી કાળી ચામડીમાં ઉતરી ગઈ હશે એટલી મજબુત રીતે મેં એને પકડેલો હતો. છતાં એ મારા હાથમાંથી લપસી રહ્યો હતો કેમકે એનું આખું શરીર લોહીથી ખરડાયેલું હતું. એની ચમકતી કાળી ચામડી એના જ લોહીથી ચીકણી બનેલી હતી. હું એને રોકી રાખવાનો પ્રયત્ન કરી રહી હતી પણ એ મારા હાથમાંથી સરકી રહ્યો હતો. તેના પોતાના લોહીથી ચીકણું બનેલું એનું શરીર મારી આંગળીઓમાંથી લપસી રહ્યું હતું.
“ડોન્ટ લેટ ગો.!”
હું એની મદદ કરવા ઈચ્છતી હતી. હું એને પકડી રાખવા માંગતી હતી. મેં આજ સુધી કઈ પણ કરવા માંગ્યું હશે એના કરતા અનેક ગણી પ્રબળ ઈચ્છાએ હું એને બચાવવા માંગતી હતી, પણ એ મારી આંગળીમાંથી લપસી ગયો.
હું એકાએક બેઠી થઇ ગઈ. મારી આંખો ખુલી ગઈ. મેં શ્વાસ લેવાનો પ્રયાસ કર્યો જે મુશ્કેલ હતું. મારું આખું માથું ગોળ ફરવા લાગ્યું. હું સપનામાંથી જાગી ગઈ છતાં મને એમ જ લાગ્યું જાણે હમણાં જ એ સાપ મારા હાથમાંથી સરકીને કયાક પડી ગયો - એ મારો કોઈ સ્વજન હોય એમ એને ખોઈ નાખ્યાનો અફસોસ મારું હ્રદય અનુભવી શકતું હતું.
મારું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું. સપનું જોતી વખતે મારો વિદેશી ફૂલોની ભાતવાળો ડ્રેસ પરેસેવામાં ભીંજાઈ ગયો હતો. બારીમાંથી આવતા એટલા પવન છતાં મારા કપાળ અને ચહેરા પર પરસેવાના બિંદુઓ એકઠા થઇ ગયા હતા.
“નયના, વોટ હેપન્ડ?” મમ્મીના અવાજમાં ચિંતા અને ડર બને ભળેલા હતા.
મને મમ્મીનો અવાજ સંભળાયો પણ હજુ મારી આંખો જાણે એ લોહીથી લથપથ નાગને જ જોઈ રહી હતી. મેં મારી આંખો ચોળી અને ફોકસ કરવાનો પ્રયાસ કર્યો. મેં મારી જાતને સપનાની દુનિયામાંથી પાછી મેળવી હકીકતમાં લાવવા પ્રયાસ કર્યો. આઈ ટ્રાઈડ ટુ બ્રિંગ માયસેલ્ફ બેક. હું કેટલાય મહિનાથી એ સપનું જોઈ રહી હતી પણ આ પહેલીવાર થયું હતું - દિવસના ઉજાસમાં એ સપનું મને પહેલીવાર દેખાયું હતું. મને મુંબઈમાં કયારેય એ સપનું દિવસે દેખાયું નહોતું. કદાચ હું નાગપુરની નજીક પહોચી એની એ અસર હતી. મારા સોળમાં જન્મ દિવસની રાતથી મને એ સપનું આવવું શરુ થયું હતું અને અવારનવાર રાતે મને એ સપનું દેખાતું પણ મને એ દિવસે ક્યારેય દેખાયું ન હતું.
ભલે એ સપનું મને મહિનાઓથી આવી રહ્યું હતું પણ જાગ્યા પછી મને સપનાની ખાસ ચીજો યાદ ન હોતી. ભલે મને સપનાની ખાસ ઘટનાઓ યાદ ન રહેતી પણ સપનાનો એક ભાગ મને હમેશા યાદ રહેતો. મારા હાથમાં એક સાપ હોય અને હું એન બચાવવા દોડતી હોઉં. મને ખબર નથી હોતી કે એને હું કોનાથી બચાવી રહી છું. એનું શરીર કેમ લોહીથી ખરડાયેલું હોય છે એ પણ મને ખબર નથી હોતી બસ એક ચીજ મારું હર્દય હમેશા જોતું કે જો હું એને મારા હાથમાંથી જવા દઈશ તો એની સાથે કઈક ભયાનક થશે. બસ આજ વસ્તુ હોય છે મને એમ લાગે છે કે એ જોખમમાં છે અને એની સાથે કઈક ભયાનક થવાનું છે.
હું કોઈ પણ શરતે એને મારા હાથમાંથી જવા દેવા નથી માંગતી. હું મારા શરીરની પૂરી તાકાત વાપરી એને પકડી રાખું છું અને છતાં દરેક વખતે સપનામાં એ મારા હાથમાંથી લપસીને નીકળી જાય છે. એ પડી જાય છે.
દરેક વખતે એને ગુમાવી દેવા છતાં હું અંદરથી અનુભવતી કે એ માત્ર સપનું છે હકીકતમાં હું એને ક્યારેય નહિ ગુમાવું. મને એમ લાગતું જાણે હું એ સાપને ચાહતી હતી. હું એને ક્યારેય ગુમાવવા ઈચ્છતી નહોતી. હું એને જાણતી ન હતી છતાં મને એના પ્રત્યે અપાર ચાહત હતી. સપનામાં પણ હું જાણતી હતી કે એ નાગ એક યુવક છે અને એનું નામ વરુણ છે.
ધીસ સીમ્ડ ક્રેઝી. આ પાગલ જેવું લાગતું. એ માત્ર સપનામાં દેખાતો એક સાપ હતો. મને ખબર નહોતી કે પુરુષના સ્વરૂપમાં એ કેવો લાગતો હશે. મહિનાઓથી મેં ક્યારેય એનો ચહેરો જોયો નહોતો. અને કદાચ જોયો હશે તો પણ મને સવારે એનો ચહેરો ક્યારેય યાદ ન રહેતો. બસ હું એક જ બાબત જાણતી હતી કે દરેક વખતે સપનામાં પણ એને ગુમાવીને મને અપાર વેદના થતી - મારા હ્રદયના કોઈ ખૂણામાં એના માટે અપાર ચાહત હતી અને સપનામાં પણ એને ગુમાવવો મારું હ્રદય સહન કરી શકતું નહી.
હું એ જ સપનાના યુવકની શોધમાં નીકળી હતી. મને ખબર હતી કે લવ ઇઝન્ટ સમથીંગ યુ ફાઈન્ડ બટ લવ ઈઝ સમથીંગ ધેટ ફાઈન્ડસ યુ છતાં હું પ્રેમની શોધમાં નીકળી હતી.
“નયના... શું થયું બેટા?” મમ્મીએ ફરી પૂછ્યું, “કોઈ ડરાવણું સપનું જોયું?”
મેં મમ્મી તરફ જોયું. હવે હું ફરી સપનાની દુનિયા બહાર હતી. મેં મારા મોબાઈલ તરફ જોયું, મારા ઈયર ફોન મારા ગળામાં લટકતા હતા.
મેં મોબાઈલની સ્ક્રીન પર સ્લાઈડ કરી સ્ક્રીન ઓન કરવા પ્રયાસ કર્યો પણ મોબાઈલ સ્વીચ ઓફ હતો. મોબાઈલ સ્વીચ ઓફ હતો તો મને કોઈ અજાણ્યું ગીત કઈ રીતે સંભળાયું? એ ગીત કયું હતું? એની ધૂન જાણે મને દર્દ આપતી હતી.
મને ગીતના શબ્દો અને ધૂન અજાણ્યી લાગી છતાં જાણે મેં એ પહેલા અનેક વાર સાંભળી હતી એમ લાગ્યું. એ ધૂન એકદમ મોહિની જગાવતી હતી. એ ગીત મને એકદમ જુનું લાગ્યું. એની ધૂન રિશી કુમાર કે જીતેન્દ્રના કોઈ જુના નાગ-નાગિન ફિલ્મના ગીત જેવું હતું.
મેં મોબાઈલ સ્વીચ ઓન કરી પ્લે-લીસ્ટના દરેક ગીતનું નામ વાંચી જોયું. ત્યાં એવું કોઈ જુનું ગીત નહોતું. ગીત હોય જ કયાથી? મોબાઈલ તો સ્વીચ ઓફ હતો.
પણ મેં હમણાં જ એ સાંભળ્યું હતું. શું મેં એવી ધુનની કલ્પના કરી હતી? ના, ના, મેં એ હમણાં જ સાંભળ્યું હતું. મને ખાતરી હતી કે મેં એ કલ્પના કરી નહોતી કેમકે એ ધૂન હજુ મારા મનમાં વાગી રહી હતી. જાણે કોઈ આકાશવાણી જેમ મેં એ સાંભળ્યું હતું.
મેં કાનમાંથી ઈયરફોન નીકાળ્યા. ઈયરફોન નીકાળતા જ મને ટ્રેનના પૈડાનું ખોખરું સંગીત સંભળાવા લાગ્યું.
“નયના...” મમ્મી હજુ મને જોઈ રહી હતી, “તું ઠીક તો છે ને?”
“હા, મમ્મી, હું ઠીક છું.” મેં ઈયરફોનની કોઈલ વાળીને કોલેજ બેગમાં મુકયા અને મોબાઈલ પણ બેગમાં ઉપરના ખાનામાં મુક્યો.
ટ્રેનની ગતી ધીમી થવા લાગી. એક બે તીણી ચીસો આપીને ટ્રેને સ્ટેશનને પોતાના આવવાની ખબર આપી. આખરે પૈડા અને પાટા વચ્ચે કોઈ સંઘર્ષ ચાલી રહ્યો હોય એવો લાંબો ઘર્ષણનો અવાજ સંભળાયો. મેં એ અવાજમાં પેલી અજબ ધૂનને ભૂલી જવાનો પ્રયાસ કરતા કોલેજ બેગ ખભે ભરાવી અને મમ્મીની બેગ હાથમાં લીધી. બેગ હાથમાં લઇ મમ્મી સાથે સ્ટેશને ઉતરવા માટે હું તૈયાર થઇ.
***
ક્રમશ: (રોજ એક હપ્તો આવશે)
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky