મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:16
હેરી દ્વારા જે કારની વાત કરવામાં આવી હતી એ નંબરની કાર તો હિમાંશુ પટેલનાં ઘરેથી એ દિવસે બહાર પણ નહોતી ગઈ..સંદીપ દ્વારા જ્યારે જણાવવામાં આવે છે કે હરીશ દામાણી નામનાં એક બિઝનેસમેન નો સંપર્ક નથી થઈ શક્યો..જે સાંભળતાં જ હિમાંશુ જણાવે છે કે હરીશ દામાણી એનાં જીજાજી થાય છે.
જે રીતે સિગાર પરની ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરી સિરિયલ કિલર દ્વારા સમગ્ર પોલીસને વનરાજની પાછળ દોડતી કરી મુકાઈ હતી..એજ રીતે આ વખતે પણ હરીશનાં સાળા હિમાંશુ ની કારનો નંબર પોતાની કારની નંબર પ્લેટમાં લગાવી ફરીવાર એ સિરિયલ કિલરે પોલીસને ઉંઘી દિશામાં દોડાવી હતી એ વાત રાજલને હવે સમજાઈ ગઈ હતી..અને આ સમજાતાં જ રાજલે હિમાંશુ તરફ જોયું અને કહ્યું.
"તમે મને લઈ જશો હરીશ ભાઈ નાં ઘરે..?"
"અરે આ તો હું તમને કહેવાનો હતો..તમે મારી સાથે ચાલો મારી કારમાં.. અને તમારી ટીમ ને કહો મારી કારને ફોલો કરીને આપણી પાછળ આવે.."હિમાંશુ બોલ્યો.
"મનોજ હું હિમાંશુ ભાઈની ગાડીમાં જાઉં છું..તું અને બીજાં કોન્સ્ટેબલ જીપ લઈને પાછળ આવો.."હિમાંશુ ની વાત સાંભળી મનોજને ઉદ્દેશીને રાજલ બોલી.
"સારું મેડમ.."આટલું કહી મનોજ અન્ય કોન્સ્ટેબલ સાથે જઈને જીપમાં બેઠો..જેવો જ હિમાંશુ કાર લઈને નીકળ્યો એ સાથે જ મનોજનાં કહેવાથી દિલીપે જીપ ને હિમાંશુ ની કાર પાછળ ભગાવી મૂકી.
ગુરુકુલ રોડ પરથી હિમાંશુ ની કાર નીકળી સાયન્સ સીટી રોડ પર આવેલાં હરીશ દામાણી નાં વૈભવી વીલા તરફ..રસ્તામાં પણ હિમાંશુ ગાડી ચલાવતાં ચલાવતાં પોતાની મોટી બેનને ફોન લગાવી રહ્યો હતો..પણ કોઈ કારણથી એની બેન આલોચના ફોન નહોતી ઉઠાવી રહી.
વીસેક મિનિટમાં હિમાંશુ ની કાર આવીને હરીશ દામાણી નાં વૈભવી વિલા જોડે આવીને ઉભી રહી..પોલીસ ની જીપ પણ એની કારની પાછળ-પાછળ ત્યાં આવીને ઉભી રહી ગઈ.હિમાંશુ જેવો કારમાંથી ઉતરી હરીશ દામાણીનાં વિલાનાં ગેટ તરફ આગળ વધ્યો એ સાથે જ રાજલ અને એની પુરી ટીમ એને અનુસરતી વિલામાં પ્રવેશી.
હિમાંશુ તો રીતસરનો દોડીને વિલાની અંદર પ્રવેશ્યો..એનાં ચહેરા પરની બેતાબી અત્યારે દેખતાં જ બનતી હતી..સિક્યુરિટી વાળો હિમાંશુ ને ઓળખતો હોવાથી એનેપણ હિમાંશુ ને રોક્યો નહીં..વિલા નાં મુખ્ય હોલમાં આવી હિમાંશુ જોર જોરથી પોતાની દીદીને અવાજ આપવાં લાગ્યો.
"આલોચના દીદી..આલોચના દીદી.."
"હિમાંશુ ભાઈ મેડમ તો ઘરે નથી..એ કિટ્ટી પાર્ટીમાં ગયાં છે કર્ણાવતી કલબમાં.."હિમાંશુ નો અવાજ સાંભળી એક ચાલીસેક વર્ષનો વ્યક્તિ એની સમીપ આવીને બોલ્યો.
"જીગાભાઈ..તમને ખબર છે જીજાજી ક્યાં ગયાં છે..એમનો ફોન out of reach આવે છે..અને આ મોટી પણ ફોન નથી ઉપડતી..સારું કરજો એ અને એની આ કામ વગરની કિટ્ટી પાર્ટીઓ.."એ વ્યક્તિ ની તરફ જોઈને હિમાંશુ બોલ્યો.
"સાહેબ તો બે દિવસથી ઘરે નથી આવ્યાં..એટલે તમે મેડમ ને આ વિશે પૂછો તો સારું.."જીગાભાઈ એ કહ્યું.
હિમાંશુ કર્ણાવતી કલબમાં જવાનું વિચારતો હતો ત્યાં એનાં ફોનની રિંગ વાગી..પોતાની બેન નો જ કોલ હશે એમ માની ફટાફટ હિમાંશુ એ પોતાનો ફોન બહાર કાઢ્યો અને બન્યું પણ એવું જ જે હિમાંશુ વિચારતો હતો..કોલ એની આલોચના દીદી નો જ હતો.
"બોલ,ભાઈલા શું કામ છે..?"હિમાંશુ નાં કોલ રિસીવ કરતાં જ આલોચના એ પૂછ્યું.
"અરે તું ક્યાં છે..અને કોલ કેમ નથી ઉપાડતી મારો..હું ક્યારનોય ટ્રાય કરું છું..રઘવાઈને હિમાંશુ બોલ્યો.
"અરે મારે તાસ ની બાઝી ચાલુ હતી..અને મારો ફોન વાઈબ્રેટ મોડ ઉપર હતો અને એ પણ પર્સમાં..આતો હમણાં જોયું કે તારાં પાંચ મિસકોલ હતાં એટલે તાત્કાલિક તને ફોન કર્યો..બધું કુશળ-મંગળ તો છે ને..?"આલોચના એ સવાલ કર્યો.
"અત્યાર સુધી તો બધું સારું જ છે..પણ ખબર નહીં આગળ શું થાય.."હિમાંશુનાં અવાજમાં ગજબની બેચેની હતી.
"તું સાફ-સાફ બોલ શું થયું છે...?"હિમાંશુ નાં અવાજમાં રહેલી બેતાબી સમજાતાં આલોચના એ પૂછ્યું.
"જીજાજી ક્યાં છે? .એમનો ફોન પણ out of reach આવે છે.."હિમાંશુ એ પૂછ્યું.
"અરે એ તો મલેશિયા ગયાં હતાં એક કામનાં સીલસીલા માં..અને આજે રાતે તો એ ઇન્ડિયા આવી જવાનાં છે.."આલોચના એ જણાવ્યું.
આલોચનાની વાત સાંભળી રાજલ તથા હિમાંશુ નાં ચહેરા પર જે તણાવ અને ચિંતા હતી એ ઘણાં અંશે ઓછી થઈ ગઈ..રાજલે રાહતનો શ્વાસ ભર્યો અને હિમાંશુ જોડેથી ફોન પોતાનાં હાથમાં લઈ mrs.આલોચના દામાણી ને ઉદ્દેશીને કહ્યું.
"હું એસીપી રાજલ વાત કરું..તમે મને જણાવશો કે mr.દમણીની ફ્લાઈટ ક્યારે લેન્ડ થાય છે.?"
"બસ એ આવતાં જ હશે..અમારો ડ્રાઈવર મોહન એમને લેવાં એરપોર્ટ જ ગયો છે.."રાજલનાં સવાલનો જવાબ આપતાં આલોચના એ કહ્યું.
"મેડમ,મને લાગે છે આપણે કોઈ રિસ્ક લેવું ના જોઈએ.."હોલમાં પીન્ડ્રોપ સાયલન્ટ હોવાથી mrs.દામાણી જોડે રાજલને થઈ રહેલી વાત સાંભળી મનોજે રાજલની નજીક આવી ધીરેથી કહ્યું.
"મતલબ..તમે શું કહો છો..?"રાજલે પણ ધીરા અવાજે ફક્ત મનોજને સંભળાય એમ કહ્યું.
"એમ કે મેડમ આપણે અહીં બેસી mr. દામાણીની રાહ જોયાં કરતાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જવું જોઈએ."મનોજ બોલ્યો.
"યુ આર રાઈટ ઓફિસર..તો ચાલો નીકળીએ.."મનોજ ની તરફ જોઈ રાજલ બોલી.
"હિમાંશુભાઈ અમે હવે નીકળીએ..તમે mr. દામાણી જોડે વાત થાય તો કહેજો કે થોડું ધ્યાન રાખે પોતાનું.."રાજલે ત્યાંથી જતાં જતાં હિમાંશુ ને કહ્યું.
રાજલ શું કહી રહી હતી એ આલોચના ને સમજાઈ નહોતી રહી..એ દિગ્મૂઢ અવસ્થામાં ફોન પકડીને ઉભી રહી રાજલ ની વાત સાંભળી રહી હતી.એ રાજલને પુછવા જતી હતી કે હરીશ પર એવી તે કેવી મુસીબત આવી છે જેનાં લીધે એ આવી સલાહ હિમાંશુ ને આપી રહી હતી.
"Mrs. આલોચના દામાણી..તમારાં સવાલોનાં જવાબ તમારાં ભાઈ આપી દેશે..હાલ અમારે થોડી ઉતાવળ છે.."mrs.દામાણી ને પણ અમુક સવાલો થતાં હશે એમ વિચારી રાજલે એમને ફોન પર જણાવ્યું અને પછી મોબાઈલ હિમાંશુ ને આપ્યો.
આટલું કહી રાજલ પોતાની ટીમ સાથે ફટાફટ હરીશ દામાણીનાં ઘરેથી નીકળી પોલીસ જીપમાં બેઠી..બેસતાં ની સાથે જ રાજલે જીપનાં ડ્રાઈવર દિલીપને હુકમ કર્યો કે જીપને સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જવા દે.રાજલનો આદેશ મળતાં જ દિલીપે એક્સીલેટર પર પગ રાખ્યો અને જીપને ભગાવી મૂકી એરપોર્ટ જતાં રસ્તા તરફ...રાત નાં આઠ વાગવા આવ્યાં હતાં એટલે ટ્રાફિક પણ ઘણો હતો એટલે ત્યાં પહોંચતાં એક કલાક તો સહેજે થઈ જવાનો હતો એમ વિચારી દિલીપે જીપને શક્ય એટલી પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી.
**********
આ તરફ એ સિરિયલ કિલર પણ પોતાનાં નવાં શિકારને કિડનેપ કરવાનાં મિશન ઉપર નીકળી પડ્યો હતો..એનાં મગજમાં બધી જ રૂપરેખા હતી કે આખરે એને કોનું અને કઈ રીતે કિડનેપ કરવાનું હતું..પોલીસ ને અવળા રસ્તે વાળવા જ એ સિરિયલ કિલરે પોતાની કારની નંબર પ્લેટ બદલી દીધી હતી..અને એમાં એને હાથે કરીને હિમાંશુ પટેલની કારનો નંબર રાખ્યો હતો.
એ ઈચ્છતો હતો કે રાજલ અને પોલીસ ની ટીમ દર વખતે પોતાની છેક નજીક પહોંચે અને પછી જ એ હત્યારો એમને હાથતાળી આપી પોતાનાં શિકારને ઉપાડી લે..આવું જ કંઈક એ સિગાર પર વનરાજ સુથારની ફિંગરપ્રિન્ટ છોડી હતી..આમ જ આ વખતે પણ પોલીસ તંત્ર ને હિમાંશુ નાં ઘર સુધી દોરી જઈ એ હત્યારો પોતાનાં નવાં ટાર્ગેટ એટલે કે હિમાંશુ નાં બનેવી હરીશ દામાણી ને કિડનેપ કરી એની હત્યા કરવાનો હતો.
પોતાનો નવો શિકાર હરીશ દામાણી જ છે એ વાતનો રાજલને અંદેશો આવી ચુક્યો હતો એ વાતથી બેખબર એ શાતિર સિરિયલ કિલર પોતાનાં મિશનને પૂર્ણ કરવાં માટે નીકળી ચુક્યો હતો.આ તરફ આ બધી વાતથી બેખબર હરીશ દામાણી નું કૉલાલમપુર મલેશિયા થી ઉડાન ભરેલી ફ્લાઈટ વાયા મુંબઈ થઈ અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી હતી.
એરપોર્ટ પર જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી પોતાની બેગ લઈને હરીશ જેવો એરપોર્ટ લોબીમાં આવ્યો એટલે એને આજુબાજુ નજર ફેરવીને જોયું કે કોઈ એને પીકઅપ કરવાં આવ્યું છે કે નહીં..પોતાની પત્ની એ કોઈને પોતાને પીકઅપ કરવા મોકલ્યો છે કે નહીં એ પુછવા હરીશ આલોચના ને ફોન કરવાનાં હેતુથી પોતાની હેન્ડ બેગમાં મુકેલો ફોન નિકાળવાં જતો હતો ત્યાં એક વ્યક્તિ એની નજરે ચડ્યો જેનાં હાથમાં એક બોર્ડ હતું..જેમાં લખ્યું હતું
"Welcome harish to india.."
હરીશની જેવી નજર આ બોર્ડ પર પડી એ સાથે જ આલોચના ને કોલ કરવાનો વિચાર પડતો મૂકી એ ચાલીને એ બોર્ડ પકડીને ઉભેલાં વ્યક્તિ સુધી ગયો અને એની તરફ પગથી માથા સુધી નજર કરીને જોતાં બોલ્યો.
"તને આલોચના એ મોકલ્યો છે..?"
"હા મને મેડમે મોકલ્યો છે..તમે હરીશ સર છો ને..?"એ વ્યક્તિ નમ્રતાથી બોલ્યો.
"હા..પણ તું કોણ છે..અને મોહન ક્યાં છે..?"હરીશે સવાલ કર્યો.
"મોહન ની તબિયત ખરાબ હતી..તો બે દિવસથી હું ડ્યુટી પર આવું છું..મારું નામ દામોદર છે અને હું મોહનનાં કાકા લાલુભા નો દીકરો છું.."એ વ્યક્તિ હરીશનાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.
હકીકતમાં એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એ સિરિયલ કિલર જ હતો..જેનાં ખૌફ નીચે અમદાવાદ જીવતું હતું.એને બધું પ્લાનિંગ કરીને જ રાખ્યું હતું કે એનાં શિકાર કોણ હશે અને એની સાથે પોતે શું કરવાનો છે..આ મુજબ એને પોતાનાં ચોથા શિકાર તરીકે શહેરનાં મોટાં બિઝનેસમેન હરીશ દામાણી પર પસંદગી ઉતારી હતી.
આ માટે એની હરીશ સાથે જોડાયેલી દરેક નાનામાં નાની બાબતની જાણકારી એકઠી કરી હતી..હરીશ દ્વારા મલેશિયાની ટીકીટ બુક થઈ હતી એ વિશે પણ એ હત્યારો જાણતો હતો..આ ઉપરથી એને હરીશનું કિડનેપિંગ એરપોર્ટ પરથી કરવાની પોતાની યોજના બનાવી રાખી હતી.આ ઉપરાંત એને હરીશનાં વર્ષો જુનાં ડ્રાઈવર મોહન અને એનાં પરિવાર વિશે નાની મોટી માહિતી એકઠી કરી રાખી હતી.એટલે જ અત્યારે એ મોહનનાં કાકા લાલુભા નું નામ સાચું કહી શક્યો હતો..લાલુભા નું નામ હરીશે મોહનનાં મોંઢે સાંભળેલું હોવાથી એને દામોદર બનેલાં એ શાતીર દિમાગ ધરાવતાં એ હત્યારા પર થોડી પણ શંકા ના ગઈ.
એ હત્યારો પોતાની દરેક ચાલ યોગ્ય ચાલ્યો હતો..મોહન જે દુકાનેથી મસાલા લઈને જતો હતો એની આગળ જ ઉભો રહ્યો..એને પોતાનો દેખાવ એક વૃદ્ધ વ્યક્તિનો બનાવી રાખ્યો હતો..આ એવો જ લૂક હતો જે એને વનરાજ જોડે પ્રથમ મુલાકાત વખતે ધર્યો હતો.મોહન જેવી કાર ને સ્ટાર્ટ કરવાં જતો હતો એ જ સમયે એ સિરિયલ કિલર નવાં અવતાર માં એની સામે ઉભો રહ્યો..એને મોહનને પોતાનું પાકીટ કોઈ ચોરી ગયું છે એટલે પોતાને આગળ ક્રોસિંગ સુધી છોડવાની વિનંતી કરી.
એક વૃદ્ધ સજ્જન વ્યક્તિનાં વેશમાં એ હત્યારાની આ એક્ટિંગ મોહન ઓળખી ના શક્યો..અને દયાનાં ભાવ સાથે એને એ વૃદ્ધ ને પોતાની કારમાં લિફ્ટ આપી દીધી..થોડે દૂર જેવી કાર વધી એ સાથે એ વૃદ્ધ વ્યક્તિએ ખાલી રસ્તે ગાડી ઉભું રાખવાનું મોહનને કહ્યું..મોહને જેવી કારને રોકી એ સાથે જ એ સિરિયલ કિલરે મોહનને ઉદ્દેશીને કહ્યું.
"બેટા..ભગવાન તારું ભલું કરે..તારી આ મદદ નાં બદલામાં હું તને કંઈક આપવાં માંગુ છું.."એની વાત સાંભળી મોહનને હતું કે એ અમીર દેખાતો વૃદ્ધ એને કોઈક ભેટ આપશે..પણ એ સિરિયલ કિલરે પોતાનાં પર્સમાંથી એક સ્પ્રે નીકાળી મોહનનાં મોંઢા પર છાંટી દીધો..મોહન કંઈક પ્રતિકાર કરે એ પહેલાં જ મોહન બેહોશ થઈને સ્ટિયરિંગ ઉપર જ ઢળી પડ્યો.
મોહનને આ હાલતમાં જોઈ એ હત્યારાનાં ચહેરા પર વિજય સૂચક સ્મિત ફરી વળ્યું..એને મોહનને બાજુની સીટ ઉપર મુક્યો અને એની ફરતે સીટ બેલ્ટ બાંધી દીધો..ત્યારબાદ એ હત્યારો કાર ને ડ્રાઈવ કરી સુમસાન જગ્યાએ લઈ ગયો..જ્યાં એને મોહનનાં કપડાં ઉતારી લીધાં અને પોતે ડ્રાઈવર નાં પોશાકમાં સજ્જ થઈ ગયો..પછી એને મોહનને ઉપાડ્યો અને ડેકીમાં બંધ કરી દીધો..પોતાનું અડધું પ્લાનિંગ સફળ બનાવ્યાં બાદ એ સિરિયલ કિલર જઈ પહોંચ્યો બાકીનું અડધું પ્લાનિંગ પૂરું કરવાં માટે.
અત્યારે એની જોરદાર અદાકારી આગળ હરીશ કંઈપણ વિચાર્યા વગર એનાં બારણું ખોલતાં જ પાછળની સીટ પર બેસી ગયો..કાર જેવી એરપોર્ટ નાં બહાર નિકળવાનાં રસ્તા તરફ આગળ વધી એ જ સમયે હરીશ ને કંઈક યાદ આવતાં એને પોતાનો ફોન બહાર કાઢ્યો..ફોનમાં ચાર ટેક્સ્ટ મેસેજ હતાં જે બધાં બતાવી રહ્યાં હતાં કે એ જ્યારે ફ્લાઈટમાં હતો ત્યારે એને ઘણાં લોકોએ કોલ કર્યો હતો.
આશ્ચર્ય સાથે હરીશે ફોન લોક ખોલ્યું અને એ ટેક્સ્ટ મેસેજ વાંચ્યા..જેમાં એક મેસેજમાં હતું હિમાંશુ એ એને છ વાર કોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો..જ્યારે આલોચના એ આઠ વખત..જ્યારે બે અજાણ્યાં નંબર પરથી પણ ત્રણ-ત્રણ વખત કોલ આવ્યો હતો..આ અજાણ્યાં નંબરમાં એક હતો ઇન્સ્પેકટર સંદીપનો અને બીજો હતો એસીપી રાજલનો..અજાણ્યાં નંબરને તો પોતે પછી કોલ કરશે પણ અત્યારે આલોચના ને કોલ કરવો જરૂરી હતું એ વિચારી હરીશે આલોચનાનો નંબર ડાયલ કર્યો.
આલોચનાને ફોન કરતાં હજુ તો બે રિંગ વાગી ત્યાં આલોચના એ હરીશ નો કોલ રિસીવ કરતાં કહ્યું.
"ક્યાં છો તમે..અને તમે ઠીક તો છો ને..?"
"હમણાં જ નીકળ્યો એરપોર્ટમાંથી..બસ અડધા કલાકમાં ઘરે પહોંચું.."હરીશ શાંતિથી બોલ્યો.
"મોહન ને કહેજો કે સાચવીને ગાડી ચલાવે અને ફટાફટ તમને સહી-સલામત ઘરે લાવે.."ચિંતિત સ્વરે આલોચના બોલી.
"પણ મને લેવાં મોહન ક્યાં આવ્યો છે..?"આલોચના ની વાત સાંભળી હરીશ બોલ્યો..હરીશ જ્યાં આટલું બોલ્યો ત્યાં જ એક જોરદાર બ્રેક સાથે કાર અટકી ગઈ..!!
★★★★
વઘુ આવતાં ભાગમાં.
રાજલ હરીશ દામાણી ને બચાવી શકશે કે નહીં..?શું સિરિયલ કિલર પોતાનાં નવાં શિકાર ને અંજામ આપી શકશે..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે.
જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
~જતીન.આર.પટેલ (શિવાય)