સામે છેડે પાર્થનો ગંભીર, શાંત અવાજ સાંભળીને ક્રિષ્ના થોડીવાર તો ઠરી ગઈ. સારું થયું કે એ કંઈ આડુંઅવળું નહતી બોલી. પાર્થે શું કહ્યું..? એને કંઈ ધ્યાન જ ન હતું.
“ શું કહ્યું ?” જર સ્વસ્થ થઈને એ બોલી.
“ તું તૈયાર થઈને ફટાફટ એરપોર્ટ પહોંચ. ત્યાં તને મારો દોસ્ત ભરત ઠાકોર મળશે. એની પાસેથી તારી ટિકિટ લઈ લેજે અને અમદાવાદ આવી જા. થોડું જલદી કરજે નહીંતર પ્લેન મિસ થઈ જશે.”
“ અરે, પણ આ રવિવારે હું અમદાવાદ નથી આવવાની. દર રવિવારની વિમાનની ટિકિટ મને ના પોસાય. ” મુરલીએ કહેલું યાદ આવતા ક્રિષ્નાના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયું.
“ જો શાંતિથી સાંભળ, અંકલની તબિયત થોડી લથડી છે મે એમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.”
“ શું કહ્યું ? પપ્પાને શું થયું ?” ક્રિષ્ના પલંગ પર બેસી પડી. એનું બધુ જ ઘ્યાન હવે પાર્થના જવાબ પર હતું.
“ ચિંતા જેવું નથી. બીપી ઘટી ગયું હસે કદાચ ! ડોક્ટર સાથે વાત થાય પછી તને જણાવું. ”
“ મમ્મી ક્યાં છે ? એને ફોન આપ.”
“ એ અહીં જ છે મારી બાજુમાં. એમનો જ આગ્રહ હતો તને બોલાવી લેવાનો. એ જરા ગભરાઈ ગયા છે.”
“ મમ્મીને આપ ” ક્રિષ્નાની આંખોમાંથી એક આંસુ સરી પડ્યું.
“ જઈ શ્રી કૃષ્ણ બેટા ! ક્રિષ્ના હું મમ્મી બોલું છું, બેટા તું જલદી આવી જા મને ખૂબ ડર લાગે છે. ” જશોદાબેન રડવાનું માંડ રોકીને બોલ્યા.
“ શું થયું પપ્પાને ?” ધ્રુજતા અવાજે ક્રિષ્ના એ પૂછ્યું.
“ કાલે રાતે એમને એટેક આવી ગયો. હવે સારું છે તું ચિંતા ના કર. અહીં પાર્થકુમારે બધું સંભાળી લીધું છે. તું જલદી નીકળ બેટા વિમાનનો સમય થઈ ગયો. પાર્થે જ કહેલું એજ એમણે કહ્યું.
“ હા મમ્મી હું હાલ જ આવું છું, જય શ્રી કૃષ્ણ!”
ફોન મૂકીને ક્રિષ્ના ઝડપથી તૈયાર થઈ ગઈ અને એરપોર્ટ પર પહોંચી. ભરત ઠાકોરને એ ફક્ત ફેસબુક પર મળી હતી. એના પ્રોફાઈલ પિકમા સાહિદ કપૂરનો ફોટો હતો એ પોતે કેવો દેખાતો હશે? એ વિચારતી જ હતી ત્યાં સામેથી એક સીધોસાદો માણસ એની તરફ જ આવતો હોય એમ એને લાગતા એ ઊભી રહી. એ માણસે ઠિક ઠાક કહી શકાય એવા કપડાં પહેરેલા અને આખા ચહેરા પર ત્રણ દિવસની દાઢી વધી ગયેલી હતી. ક્રિષ્નાની બાજુમાં આવીને એ હસીને બોલ્યો,
“ આ તમારી ટિકીટ બધું સેટિંગ થઈ ગયું છે. તમારું નામ બોલીને પેલી તમને બોલાવે એ પહેલા પહોંચી જાવ.”
“ તમે ભરત, ”
“ હા આપણે ઓળખાણ પછી કરીશું. તમારા અને પાર્થના લગ્નમાં હો ! હાલ તમે જલદી જાવ. પાર્થને કહેજો ભરતો પછી ફોન પર વાત કરશે. ”
એક સ્મિત કરીને ક્રિષ્ના ભાગી ઉપરના મજલે. એને થયું કે પોતે તો કદી આને મળી નથી તો પછી એ કેવી રીતે પોતાને ઓળખી ગયો. પછી એના મગજમાં લાઈટ થઈ એ એનો ફેસબુક ફ્રેન્ડ હતો અને પોતે પ્રોફાઈલ પિકમા હંમેશા એનો પોતાનો ફોટો જ રાખે છે.....
અમદાવાદ આવતા સુધીમાં એણે હજારવાર એના કાનુડાને પ્રાર્થના કરી, એના પપ્પાને સાજા સારા કરી દેવાની. હોસ્પિટલે એ પહોંચી ત્યારે ગેટ પર જ એને પાર્થ મળી ગયો. ક્રિષ્નાના હાથ પગ ઠંડા પડી ગયા. કોઈ અજાણ્યો ભય એને ચારે બાજુથી ઘેરી વળેલો ! પાર્થ એને શું કહેશે એ જાણવાની આતુરતા હતી છતાં છેલ્લા બે પાંચ કદમ એ ન ભરી શકી. એની છાતીમાંથી ફડ ફડ અવાજ આવતો હોય એમ એ સાંભળી શકતી હતી. એણે થયું એની આંખો આગળ અંધારું છવાઈ ગયું છે, પાર્થ એની સ્થિતિ સમજી ગયો. એ આગળ વઘ્યો અને ક્રિષ્નાને એની બાહુઓનો સહારો આપી પડતી બચાવી લીધી. એના માથામાં હાથ ફેરવતા ખૂબ જ શાંતિથી એણે કહ્યું,
“ અંકલને સારું છે. આઈ.સી.યું. મા છે હાલ. બધું ઠીક થઈ જશે હમ...તું જરાય ચિંતા ન કર ! ચાલ આન્ટી કાલના તારી રાહ જોઈ રહ્યા છે, એ એકલા પડી ગયા છે.”
ક્રિષ્ના અંદર ગઈ તો જશોદાબેન એને જોતા જ પોક મૂકીને રડી પડ્યા. રડતા રડતા એમણે કહ્યું કે કાલે રાત્રે એ દૂધ ગરમ કરીને એમને આપવા બેડરૂમમાં ગયા ત્યારે એમણે કહેલું કે એમને છાતીમાં જરા જરા દુઃખે છે. હું કઈ કહું કરું એ પહેલા તો એ જમીન પર ઢળી પડ્યા. એમના આખા શરીરે પરસેવો વળી ગયેલો. હાથ પગ હલાવી એ તરફડિયા મારતા હતા. હું મુંજાઈ ગયેલી. ઘરમાં હું એકલી કોને મદદ માટે બોલાવું ? એમને સંભાળું કે ડોકટરને ફોન કરું. થોડી સેકંડોમાં હું શું કરું તો એમણે બચાવી લવ એ વિચારતી જડની જેમ હું ઊભી હતી. ત્યાંજ ભલું થાજો મારા મુરલીધરનું કે પાર્થકુમારનો ફોન આવેલો. મે એમને વાત કરી એમણે મને એક દવાની ટીકડી તારા પપ્પાના દવાના દબલામાથી કાઢી એમની જીભ નીચે મુકાવી અને બાકીનું બધું સંભાળી લીધું. થોડીવારમાં એ એમ્બ્યુલન્સની સાથે આવી ગયા. જો એ વખતે પાર્થકુમારે મદદ ન કરી હોત તો આજે તારા પપ્પા...!
ક્રિષ્ના એની મમ્મીની વાત સાંભળીને હચમચી ગઇ. એ જ વખતે મને ફોન કેમ ના કર્યો એવું એના મનમાં થઈ આવ્યું પણ એ બોલી નહીં. પાર્થે અત્યારે જે કંઈ કર્યું એ પોતે ક્યારેય નહીં ભૂલે એણે પોતાની જાતને વચન આપ્યું.
ઓપરેશન થિયેટરનું બારણું ખોલી અંદરથી ડોકટર બહાર આવ્યા. મોઢા પરનો માસ્ક અને ટોપી નીકાળી ત્યારે જ ક્રિષ્નાને જાણ થઈ કે એ ડોકટર એક સુંદર, યુવાન છોકરી હતી. એણે ક્રિષ્નાને પોતાની તરફ પ્રશ્નાર્થ નજરે તાકી રહેલી જોઈ એટલે એ પાસે આવી.
“ હવે ખતરાની બહાર છે. માઈલ્ડ હાર્ટએટેક આવી ગયેલો એમનો જીવ તો બચી ગયો પણ, એમના આખા શરીરે લકવો મારી ગયો છે, હાલ એમને તપાસ હેઠળ રાખ્યા છે, થોડાક દિવસોના રેસ્ટ પછી ફિજીઓથેરાપિસ્ત ને બોલાવીશું. રેગ્યુલર ટ્રીટમેન્ટથી થોડા સમય પછી એમની હાલતમાં સુધારો જરૂર આવશે..” ક્રિષ્નાના સુંદર ચહેરા પર છવાયેલા ઉદાસીના વાદળ જોઈને ડૉક્ટર ક્ષિતિજા શાહે હમદર્દીથી વાત કરી.
ડૉક્ટરના ચાલ્યા ગયા બાદ પણ ક્રિષ્નાના કાનોમાં ડૉક્ટરનો અવાજ ગુંજતો રહ્યો, માઈલ્ડ હાર્ટએટેક આવી ગયેલો ! ક્રિષ્નાના હાથ પગ અચાનક ઠંડા પડી રહ્યા હોય એવું એને લાગ્યું. આજસુધી એણે ફક્ત સાંભળ્યું હતું, ફલાણાને એટેક આવ્યો ને ગુજરી ગયાં ! પણ, આજ રોગ એના પપ્પાને થઈ શકે એવું તો ક્યારેય વિચાર્યું જ ન હતું ! હવે એમનું બરોબર ધ્યાન રાખવું પડશે. એમનેં જરીએ આઘાત લાગે એવું કંઈ જ ન થવું જોઈએ. અત્યારે એમને એવી તો કઈ વાતે એટલા પરેશાન કર્યા હસે કે એટેક આવી ગયો....?
“ ક્રિષ્ના તું અંદર આવે છે કે હું જાઉં ?” જશોદાબેન બે વખત બોલ્યા છતાં ક્રિષ્નાના મનમાં ચાલતા સંવાદ આગળ બીજો કોઈ અવાજ પ્રવેશી ના શક્યો ! જસોદાબેને એને ખભેથી પકડી હલાવી ત્યારે એ ભાનમાં આવી, “ તારા પપ્પા ભાનમાં આવી ગયા છે, ચાલ અંદર !” પોતાની ગભરુ છોકરીની હાલત જોતા જશોદાબેન એને માથે હાથ ફેરવતા બોલ્યા, દીકરીને બાપ કેટલો વહાલો હોય એ, એ સારી રીતે જાણતા હતા !
પલંગ પર પડેલા વાસુદેવભાઇને જોઈને ક્રિષ્ના એની જગા પર જ જડાઈ ગઇ. એ પલંગ પર પડેલો માણસ કોણ હતો ? એ એના પ્યારા પપ્પા તો હરગીજ નથી ! હજી અઠવાડિયા પહેલા જ એમને જોયેલા, એ પોતાને એરપોર્ટ મૂકવા આવેલા, કેટકેટલી અંગત વાતો કરી હતી પપ્પા સાથે, એ અને હાલ જે આ પલંગ પર સૂતેલા માણસ છે એ, એકજ કેવી રીતે હોઈ શકે ? વાસુદેવભાઇનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયેલું. જીવતી લાશ સમાન એમનું શરીર પલંગ પર પડ્યું હતું. લકાવાએ એમનો ચહેરો સુધ્ધાં વિકૃત કરી મૂકેલો. એમના હોઠ એક બાજુએ સહેજ વાંકા વળી ગયેલા જેથી એમનો ચહેરો ઓળખાતો જ ન હતો. હજી બીમાર પડ્યાને ચોવીસ કલાક પણ પૂરા નહતા થયા અને એમનું શરીર જાણે અડધું લેવાઈ ગયેલું....
ક્રિષ્નાની આંખો ભરાઈ આવી. એના ગળે ડૂમો બાઝી ગયો. એને થયું કે પપ્પાની છાતિપર માથું ઢાળીને મન ભરીને રડી લે પણ, એ જે વિચારતી હતી એજ જશોદાબેને અમલમાં મૂકી દીધું !
પતિને આવી હાલતમાં જોતાજ જશોદાબેન પોતાનો આપો ખોઈ બેઠા અને પલંગ પાસે જઈને, એમની ઉપર નમીને વાસુદેવભાઇને મોંઢે હાથ ફેરવી, પોક મુકીને રડી પડ્યા.
“ અરે... બેન ! આ શું કરો છો ? દર્દીની હાલતનો તો વિચાર કરો જરા. એમને કેટલો આઘાત લાગે. ” બાજુમાં ઊભેલી નર્સે આવીને જશોદાબેનને ખભેથી પકડી સીધા ઊભા કર્યા,
“ આ બેનને બહાર લઈ જાવ, શાંત થાય એટલે અંદર લાવજો.”
નર્સે પાર્થને ઈશારો કરી કહ્યું.
“ આન્ટી તમે આમ કરશો તો એમની હાલત વધારે બગડશે,” પાર્થ એમને સમજાવતો બહાર લઈ ગયો.
હવે રહી ગઈ એકલી ક્રિષ્ના ! ભગવાન દુશ્મનનેય આવી સ્થિતીમાં ના મૂકે ! ગળામાં બાઝેલા ડુમાને ગળી જતાં ક્રિષ્નાએ મન પર કાબૂ મેળવવા કોશિસ કરી. એણે પરાણે મોઢું હસતું રાખ્યું. પલંગની કિનારી પર બેસી એણે વાસુદેવભાઇના માથામાં હેતથી હાથ ફેરવી વિખરાયેલા વાળ સરખા કર્યા. ચહેરા પર બને એટલી હળવાશ લાવીને ખૂબ ધીરેથી કહ્યું,
“ તમે જલદી સારા થઈ જશો. બસ, થોડા દિવસ આરામ કરી લો. પછી બધું ઠીક થઈ જશે. હું આવી ગઈ છું ને હવે જોવું છું તમે કેમ બીમાર પડો છો ?” છેલ્લું વાક્ય બોલતા ક્રિષ્નાની આંખમાંથી એક આંસુ સરી પડ્યું. એને એણે ઝડપથી લૂછી નાખ્યું.
વાસુદેવભાઇ દીકરીના મનની સ્થિતિ સારી પેઠે સમજતા હતા. આજે એનું વર્તન, એનું વહાલ જોઈને એમને પોતાની માં યાદ આવી ગઈ. બાળપણમાં જયારે જયારે એ બિમાર પડતા ત્યારે એમની માં આજ રીતે માથા પર હેતથી હાથ ફેરવતી અને કહેતી, થોડો આરામ કરીલે દીકરા પછી, તું જલદી સાજો થઈ રમવા જજે ! આજ દીકરીમાં એમને પોતાની મરેલી માં દેખાણી ! શું ઈશ્વર બધી સ્ત્રીઓને એક જ માટીમાંથી ઘડતો હસે ? એક સ્ત્રી જેટલી સહજતાથી પોતાની લાગણી દર્શાવે એટલી સહજતા પુરુષ કદી ના લાવી શકે, ભલે એના અંતરમાં વહાલનો દરિયો ભર્યો હોય !
વાસુદેવભાઇએ કંઇક બોલવા માટે પ્રયાંસ કર્યો. એમના વાંકા વળી ગયેલા હોઠ થોડાં થોડાં હલી રહ્યાં, મોંમાથી શબ્દો ને બદલે ફક્ત સ્વર જ બહાર આવતા હતા સાથે સાથે થોડી લાળ હોઠના એક ખૂણાએથી રેલાઈ ! ક્રિષ્નાએ તરત નેપકીન વડે એમનું ભીનું મોઢું લૂછી નાખ્યું અને એમને હાલ આરામ કરવાનું જણાવ્યું. એની પાછળ જ પાર્થ આવીને ઊભો હતો એ તરફ હાલ એનું ધ્યાન ગયું.
“ આપણે બહાર જવું પડશે. એમને હાલ આરામની જરૂર છે, નર્સ દવા આપશે એટલે એમને ઊંઘ આવી જશે.” પાર્થે ક્રિષ્નાને સમજાવી, “ તમે જરાય ચિંતા ના કરતા અંકલ હું છુને, તમે બસ તમારી તબિયત સાચવો. ”
એના પપ્પાને માથે ફરી એકવાર હાથ ફેરવી ક્રિષ્ના રૂમની બહાર નીકળી. એનું હૈયું રુદન કરી રહ્યું હતુ પણ મોંઢા પર એણે અજબ સ્વસ્થતા જાળવી રાખી હતી. એ બહાર આવી કે તરતજ બેન્ચ પર બેઠેલા જશોદાબેન એની પાસે દોડી આવ્યા.
“ ક્રિષ્ના કેમ છે તારા પપ્પાને ? આ બાઈ મને અંદર નથ જવા દેતી. તે એમને જોયાને, એમનું મોં...” રડી રડીને લાલ થઇ ગયેલી આંખો પાછી વરસી પડી. ક્રિષ્નાએ એની મમ્મીને ગળે હાથ વીંટાળી એનું માથું પોતાની છાતીમાં છુપાવી દીધું. થોડી હૂફ મળતા જ એ ધ્રુંસકે ને ધ્રુંસકે રડી પડ્યા. ક્રિષ્નાએ એમને રડવા દીધા એ બસ એમની પીઠ પર હાથ ફેરવતી રહી. એની આંખમાંથી એક આંસુ ન આવ્યું. થોડીક જ પળોમા એ એની ઉંમર કરતા ઘણી મોટી થઈ ગઈ ! એના માબાપે એને આપેલા સંસ્કારની આજે પરિક્ષા હતી, દીકરીને દીકરાની જેમ જ એમણે ઉછેરી હતી આજે હારવું એને પાલવે એવું ન હતું ! પપ્પાની આવી હાલતમાં એણે પરિસ્થિતિ સભાળવાની હતી રડીને બેસી રહેવાથી કંઈ થવાનું ન હતું.
“ ચાલ મમ્મી હવે શાંત થઈ અહીં બેસ. પપ્પાને કંઈ નથી થયું. હું ડૉક્ટર સાથે વાત કરું છું. ” જશોદાબેનના ડુસકા સમતા ક્રિષ્નાએ એમને રૂમની બહાર એક બેન્ચ પર બેસાડી દીધા.