Premni pele paar - 21 in Gujarati Love Stories by Shefali books and stories PDF | પ્રેમની પેલે પાર... ભાગ - ૨૧

The Author
Featured Books
Categories
Share

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૧

આગળના ભાગમાં આપણે જોયું કે અભીએ એના ને સૌમ્યાના લગ્નની વાત ટાળી દીધી. એને ને સૌમ્યા એ મળી ને રિયુનિયનનો પ્લાન બનાવ્યો. અભી સૌમ્યાને એકલા માં પૂછે છે કે શુ એને અક્ષી એ એમના લગ્ન વિશે વાત કરી છે. હવે આગળ...

*****

સવાલો જિંદગી તારા આમ મુંઝવી જાય છે.
દરેક જવાબે કઈક નવો સવાલ કરી જાય છે.
એક તરફ દુઃખના વાદળો ઘેરાઈ જાય છે.
બીજી બાજુ શબ્દો પણ સાથ છોડી જાય છે.

"હા... ના આમ તો... કેમ પણ?", સૌમ્યા અચાનક આ પ્રશ્નથી સ્તબ્ધ થઈ ગઈ ને એ બોલવા માટે વાક્યો ગોઠવવા લાગી.

"સોમી.. હું સમજી શકું છુ. અક્ષીની આવી વાતોથી તને કેવું ફિલ થયું હોય! પણ જો અત્યારે એ કદાચ કઈ પણ સમજી શકવાની પરિસ્થિતિમાં નથી.", અભી સૌમ્યાની પરિસ્થિતિ સમજતા બોલ્યો.

"હા.. અભી. એટલે જ મેં એને ત્યારે કઈ જવાબ ન આપ્યો. પણ હા એની ચિંતા ને એના સવાલે મને વિચારતી ચોક્કસ કરી દીધી.", સૌમ્યાએ કહ્યું.

"ના.. તું એ બાબતે કઈ જ ના વિચારતી. હું શાંતિથી એની જોડે વાત કરીશ ને આમ પણ એને કઈ થવાનું નથી. અરે! એને કઇ થયું જ નથી.", અભી ફરી પોતાને જ મનાવતો હોય એમ બોલ્યો.

"અભી.. અત્યારે તું બધું ભૂલી જા. અત્યારે આપણે આ બધી વાતો કરતા અક્ષીને પૂરો સપોર્ટ કરવાનો છે.", સૌમ્યા બોલી.

બન્ને એકબીજાને આંખોથી હકાર ભણીને હોલ તરફ ચાલવા લાગ્યા.

રાતના લગભગ એક થવા આવ્યો હતો. બીજા દિવસે બધાએ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો એટલે અભીએ જબરજસ્તી બધાને ઉભા કરીને ઊંઘવા મોકલ્યા.

આકાંક્ષાની બહુ ઈચ્છા હતી સિદ્ધિ વિનાયકના દર્શન કરવાની એટલે બધા વહેલા તૈયાર થઈને દર્શન કરવા નીકળી પડે છે. લાંબી લાઈન જોઈને અભી થોડો ચિંતામાં પડી જાય છે અને પાછા ફરવાનું કહે છે. પણ આકાંક્ષા એમ કહીને મનાવી લે છે કે છેક દ્વારે આવીને આમ દર્શન કર્યા વિના જવામાં એનું મન નથી માનતું. એની આંખોમાં સિદ્ધિ વિનાયકની શ્રદ્ધા જોઈને અભી આગળ કઈ બોલી ન શક્યો. 

આખરે દોઢ કલાકની પ્રતીક્ષા બાદ બધા સિદ્ધિ વિનાયકની પ્રતિમાની સામે હાથ જોડીને ઊભા હોય છે. આકાંક્ષા તો મટકું ય માર્યા વિના ભગવાનને જોયા કરતી હોય છે. જાણે આંખોથી જ એમને પોતાની અંદર સમાવતી હોય એમ ભાવવિભોર થઈને ચોધાર આંસુએ રડી પડે છે. એના મનમાં તો બસ અભી અને સૌમ્યાના લગ્ન માટે જ નિરંતર પ્રાર્થના ચાલતી હોય છે.

બીજી તરફ અભી તો જાણે આજે ભગવાન જોડે લડી લેવાના મૂડમાં હોય એમ મનોમન આકાંક્ષાની આવી હાલત માટે એમને જ દોશી માનતો હતો. અને મનોમન યુદ્ધ કર્યા પછી આખરે એ પણ આ અલૌકિક શક્તિ આગળ નતમસ્તક થઈને એની અક્ષીની જિંદગીની ભીખ માંગે છે. જ્યારે સૌમ્યા બધું ભગવાન પર છોડીને પ્રાર્થનામાં ડૂબી જાય છે.

ત્યાંથી બધા ગેટ વે ઓફ ઇન્ડિયા જાય છે. આકાંક્ષાની બીમારીને લઈને બધા થોડા અપસેટ હોય છે પણ આકાંક્ષાએ તો નક્કી કર્યું હોય છે કે આ બચેલી જિંદગી એ ભરપૂર જીવશે એટલે સૌથી પહેલા એજ ધમાચકડી ચાલુ કરે છે. એની મનોસ્થિતિ સમજીને બધા જ એને સાથ આપે છે અને જાણે ફરી પાછા એજ સમયમાં પહોંચી જાય છે જ્યાંથી બધાના સહજીવનની શરૂઆત થઈ હતી.

થોડીવાર પછી આકાંક્ષાને હાંફતી જોઈને અભી એ બે જણના હોટેલ પર જવાની વાત કરે છે પણ આકાંક્ષા એક વાત માનવા તૈયાર નથી અને શોપિંગની જીદ કરે છે એટલે બધા કોલાબા ઇરલા માર્કેટ શોપિંગ કરવા જાય છે.

માર્કેટમાં જ્યારે બધા શોપિંગ કરતા હોય છે ત્યારે આકાંક્ષા થાકનું બહાનું કાઢીને એક જગ્યાએ બેસી જાય છે. કોઈ એને એકલું છોડવા તૈયાર નથી થતું પણ બધાને ઈમોશનલ કરીને એ પોતાનું ધાર્યું કરાવી લે છે. જ્યારે બધા ત્યાંથી આઘાપાછા થાય છે તરત જ એ એક સાડીની દુકાનમાં જાય છે. ત્યાં જઈને દુકાનદાર જોડે એ ઘરચોળા જોવા માંગે છે અને એમાંથી સૌથી સુંદર બે ઘરચોળા ખરીદી લે છે અને પાછી એની જગ્યાએ આવીને બેસી જાય છે. જ્યારે બધા પાછા આવે છે ત્યારે એના હાથમાં શોપિંગ બેગ જોઈને બધા એ બાબતે પૂછે છે પણ એતો મારા મમ્મી પપ્પા માટે ગિફ્ટ છે એમ કહીને એ બતાવવાનું ટાળે છે.

શોપિંગમાંને શોપિંગમાં સાંજ પડી જાય છે. બધાને કકડીને ભૂખ લાગી હોય છે. અભી હોટેલ પર જઈને ખાવાની વાત કરે છે જ્યારે અક્ષી તો ચોપાટીની જીદ પકડીને બેસે છે. ત્યાંથી બધા ચોપાટીએ જાય છે.

"દરિયા કિનારો, સંધ્યાનો સમય અને ક્ષિતિજે ધરાને મળવા આતુર સૂરજ... કેવું સુંદર દૃશ્ય છે ને અભી !? સૂરજ અને ધરા ક્યારેય નથી મળતા તો પણ એમની પ્રીત એક મિસાલ છે. કેવી પ્રીત છે ને અભી આ..!? એકબીજાથી જુદા અને તોય હંમેશા એકબીજા માટે જીવતા. સૂરજ જાણે એક પુરુષનું પ્રતિનિધિત્વ કરે. એનો ઉગવું, આથમવું બધું ધરા માટે. એ છે તો ધરા જીવંત છે. અને ધરા જાણે એક સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે. સૂરજની કિરણ સાથે ખીલી ઉઠે અને રાતે એની ગેરહાજરીમાં એના બાળકો એટલે આપણને સૌને એની ગોદમાં આરામ આપે. કેવો પ્રેમ છે નહિ અભી..!? જાણે પેલે પાર..",
આકાંક્ષા જાણે અલગજ દુનિયામાં ખોવાઈ ગઈ હોય એમ બોલી.

"હા, અક્ષી... જાણે પોતાની પ્રાથમિકતાને ગૌણ કરીને પ્રિયજનને સર્પોપરી ગણવા. બંને પક્ષે જાણે નક્કી કર્યું હોય કે એકબીજા માટે જ જીવવું... એક દમ સંપૂર્ણ સમર્પણ તો અઘરું છે પણ જો વત્તા ઓછા અંશે પણ બે પાત્ર આમ જીવી લે તો ચોક્કસ એમનો પ્રેમ પણ પેલે પાર જઈ શકે..!" અભી જાણે આકાંક્ષાના વહેણમાં બોલી ગયો.

"અભી... શું મારા પ્રેમને એવું સન્માન મળશે? શું મારો પ્રેમ પેલે પાર પહોંચશે.!?" અક્ષીએ અભીની આંખમાં જોઈને પૂછ્યું...

"એટલે..!?" અભી થોડા આશ્ચર્યથી બોલ્યો.

"તું સૌમ્યા જોડે લગ્ન માટે હા પાડી દે અભી." આકાંક્ષા બોલી. અભી કઈ જવાબ આપવા જાય એ પહેલા જ વેદ ત્યાં ડિનર માટે બોલાવવા આવી ગયો.

ડિનર પતાવી બધા હોટલ તરફ નીકળ્યા, આકાંક્ષાના ચહેરા પર થાક વર્તાતો હતો, ગમે એટલો પ્રયત્ન કરવા છતાં લાગતું હતું કે બીમારીએ ભરડો લઈ જ લીધો છે. રાત્રે બધા જમીને હોલમાં મળ્યા, વેદ અને મહેકે જવાની વાત કરી. હવે વધુ રજા મળે એમ ન હતી, થોડી આનાકાની પછી બધા માની ગયા. અભીએ આકાંક્ષાને સુવા માટે સૂચન કર્યું, આકાંક્ષા એના રૂમમાં સુવા ગઈ.

આ ચારેય મિત્રો થોડીવાર હોલમાં બેઠા,

વેદે પૂછ્યું,"રિપોર્ટ્સ ક્યારે આવવાના છે આકાંક્ષાના?"

અભીએ કહ્યું, "કાલે લેવા જવાના છે, પછી જોઈએ શું કરવું એ, ને કાલે તો અમે પણ અમદાવાદ માટે નીકળી જઈશું."

વાતાવરણની ગંભીરતા જોઈ સૌમ્યા બોલી,
" ચાલો હવે સુઈ જાઓ, બધા થાકી ગયા હશો, ને કાલે તમારે બંને ને વહેલું નીકળવાનું હશે ને ! અભી તું પણ સુઈ જા, સવારે રિપોર્ટ્સ લેવા જવાનું છે, હું બધો સામાન પેક કરી લઉં છું."

બધા પોતપોતાના રૂમમાં ગયા.સવારે બધા વહેલા ઉઠ્યા. મહેક અને વેદને વહેલા જવાનું હતું તો એ બંનેને વિદાય આપી. અભી, આકાંક્ષા ને સૌમ્યા નાસ્તો પતાવી હોસ્પિટલ જવા માટે રેડી થઈને હોસ્પિટલે પહોંચ્યા.

ત્રણેય જણ ડોક્ટરની સામે ગોઠવાય છે. આકાંક્ષાને થોડી પૂછપરછ કરીને ડોક્ટર રીપોર્ટસની ફાઈલ જોવે છે. અભી એકીટસે ડોક્ટર સામે જોઈ રહ્યો હોય છે, પણ એમના હાવભાવ જોતા અભીના મનમાં ફડકારો પેસી જાય છે. એક પછી એક ધ્યાનથી બધા રીપોર્ટસ જોયા પછી ડોક્ટર આકાંક્ષા અને સૌમ્યાને બહાર બેસવા કહે છે. પણ આકાંક્ષા ત્યાંથી જવાની ધરાર ના પાડે છે. ડોક્ટર અભીની સામુ જોવે છે એટલે અભી આંખોથી જ મુક સંમતિ આપી દે છે.

બે મિનિટ ડોક્ટરની કેબિનમાં સ્મશાનવત શાંતિ ફેલાઈ જાય છે.

"મને થર્ડ સ્ટેજનું કેન્સર છે ને સર?" ચૂપકીદી તોડતા આકાંક્ષાએ પૂછ્યું.

"હા... આંતરડાનું કેન્સર... કોઈ કોઈ કેસમાં આના લક્ષણો બહુ મોડા દેખાય છે, ત્યારે એની સારવાર કરવી લગભગ અશક્ય બની જાય છે. I'm sorry.. તમારા કેસમાં પણ એવું જ થયું છે." ડોક્ટરે કહ્યું.

"કોઈ તો ટ્રીટમેન્ટ હશે ને!? ઇન્ડિયામાં પોસીબલના હોય તો અમે અમેરિકા કે બીજે ક્યાંય પણ જવા તૈયાર છે. જે પણ ખર્ચો થાય, જ્યાં પણ જવું પડે અમે જઈશું." આભી આશાભરી નજરે ડોક્ટર સામે જોતા બોલ્યો.

"સંપૂર્ણ સાજા થવાના તો હવે બહુ ઓછાં ચાન્સ છે. મેડીસીન અને બીજી થેરાપીથી કદાચ જીવનના થોડા દિવસો વધારી શકાય પણ એ પેશન્ટ માટે બહુજ દર્દ દાયક બની રહેશે." ડોક્ટરે કહ્યુ...

એ સાંભળીને આકાંક્ષા બોલી, "મારે કોઈજ ટ્રીટમેન્ટ નથી કરાવવી."

"અક્ષી માની જા ને..! મારા માટે, આપણા માટે... અને કોને ખબર કોઈ ચમત્કાર થઈ જાય અને તને સારું થઈ પણ જાય", અભી બોલ્યો...

અભી આગળ કઈ બોલવા જતો હતો અને આકાંક્ષાએ એને હાથ પકડીને રોક્યો. એની સામે જોઇને બોલી, " મૃત્યુ નિશ્ચિત છે તો હું શાંતિથી જવા માંગુ છું. મારે કોઈ જ ટ્રીટમેન્ટ નથી કરાવવી. મરી મરીને મોતની રાહ હું નહિ જોઈ શકુ અભી... પ્લીઝ સમજી જા..!!", બોલતા બોલતા આકાંક્ષા એકદમ ગળગળી થઈ ગઈ.

અભીની આંખોમાં સ્પષ્ટ નકાર દેખાતો હતો. એટલે આકાંક્ષાએ જાતે જ ડોક્ટર જોડે વિચારવા માટે સમય માંગી લીધો. અને હોટેલ પર જવા નીકળી ગયા.

ફલાઈટનો ટાઈમ થઈ ગયો હતો, એટલે હોટેલથી સામાન લઈ ત્રણેય સીધા એરપોર્ટ તરફ જ ગયા. બધી ફોરમાલિટી પૂર્ણ કરી બધા ગોઠવાયા.

અભી જાણે કોઈ યંત્ર જ બની ગયો હતો, પુરુષની બહુ મોટી તકલીફ છે કે એ જાહેરમાં રડી નથી શકતો. અભીની પણ એ જ હાલત હતી અત્યારે એને દિલમાં કશેક એવી આશા હતી કે કંઈક તો ચમત્કાર થશે, પણ બધું વ્યર્થ. એને પોક મૂકી રડવાનું મન થયું, ઈશ્વરને નીંદવાનું મન થયું પણ એ કશું કરી શકતો ન હતો. ઉદાસી, દુઃખ, નિરાશા જેટલા પણ નકારાત્મક બળો હોય બધા એના પર હાવી થઈ ગયા હતા. ઘડીભર તો એને થયું કે કાશ આકાંક્ષાની જગ્યાએ એ પોતે જ હોત. પણ એ નિઃસહાય હતો, એકદમ નિઃસહાય....

નિઃસહાયતા ફરી વળી છે બધે,
નિરાશા સૌ  ઘેરી વળી છે બધે,
ઈશ્વર તારો ન્યાય સમજાતો નથી,
આશાની ખીડકી બંધ કરી તે બધે.....

© હિના દાસા, રવિના વાઘેલા, શેફાલી શાહ