આપણે જોયું કે શિવના WBC કાઉન્ટ વધી ગયા હતા આથી શિવનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ ગયું હતું. આસિત ડૉક્ટર સાથે ચર્ચા કરી રહ્યો હતો એમાં એક વાત એ પણ થઈ કે શિવને ૧૦૦ દિવસ હોસ્પિટલમાં જ રાખશું જેથી શિવ ફરી ઇન્ફેકશનના લીધે વધુ પીડા ન ભોગવે, આ ચર્ચા શિવની સામે જ થઈ રહી હતી. હવે આગળ ...
શિવની સામે જ ડૉક્ટર અને આસિત જરૂરી વાતચીત કરી રહ્યા હતા, એ દરમિયાન શિવને ડિલક્ષ રૂમમાં ૧૦૦ દિવસ રાખવાનો જેથી શિવ કોઈ જ ઇન્ફેકશનનો ફરી શિકાર ન થાય, એ ચર્ચા પણ થઈ હતી. આ બધી જ વાત શિવે સાંભળી લીધી હતી. એ હોશિયાર હતો આથી એટલું સમજી શક્યો હતો કે એને હજુ અહીં ઘણા દિવસ રહેવાનું છે પણ એમતો એ બાળબુદ્ધિને આથી એવું એ ન સમજી શક્યો કે આખી લાઈફ એની સારી રહે માટે આટલી કાળજી એના માટે હિતકારક હતી. એનું નાનું બાળમાનસ એ વાત થી દુઃખી થવા લાગ્યું કે હવે હું ક્યારેય સાજો જ નહીં થાવ અને મને ખુબ તકલીફ છે, આથી હું અહીં હોસ્પિટલમાં જ રહું છું, મને ક્યાંય બહાર પણ જવાનું નથી અને હું હવે મરી જવાનો છું. શિવ સાંભળેલ ચર્ચાને આવીરીતે મગજમાં ઉતારી લેશે એનો અંદાજો ડૉક્ટર કે શિવના માતાપિતાને પણ ન હતો.
શિવ ઉદાસ રહેવા લાગ્યો હતો. એને બોલવાનું સાવ બંધ જ કરી દીધું હતું. એનું ધ્યાન tv જોવામાં પણ રહેતું ન હતું. તૃપ્તિ હજુ શિવ આમ કેમ કરે છે એ સમજી શકી ન્હોતી. એક દિવસ શિવ એની માઁ એટલે કે તૃપ્તિને એવું પુછે છે કે, "મમ્મી હું ક્યારેય મોટો જ નહીં થાવ ને? હું મરી જઈશ પછી તમે રોશો ને?" તૃપ્તિ શિવના મોઢે આવી વાત સાંભળીને સ્તબ્ધ બની ગઈ, એને એ ન સમજાણું કે શિવ અચાનક કેમ આવું પુછે છે. હજુ તો તૃપ્તિએ ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ થયુંની ખુશી સરખી માણી ન હતી ત્યાં શિવના આવા પ્રશ્ન... બહુ ભારી મને તૃપ્તિએ શિવને કહ્યું કે તને હવે ખુબ સારું થઈ ગયું છે. તું સાજો થઈ ગયો છો. તું આવું કઈ જ ન બોલ કે ન વિચાર.... આવો જવાબ આપી તૃપ્તિ શિવનું મન બીજી વાતો પર દોરવાનો પ્રયત્ન કરે છે. પણ શિવ તરફથી કોઈ જ પ્રતિભાવ મળતો નથી. એ ગુમસુમ બેઠો રહે છે. તૃપ્તિ એનું આવું મોઢું જોઈને ફરી ખુબ મુંજવણમાં મુકાઈ જાય છે. ડૉક્ટર આવે એટલે તૃપ્તિ આ વાત એમને જણાવશે એવું વિચારી એ પોતાની જાતને સાચવવાનો પ્રયત્ન કરે છે.
શિવ ઊંઘી ગયો હતો. ડૉક્ટર રાત્રે ૧૦ વાગ્યે રાઉન્ડમાં આવ્યા ત્યારે તૃપ્તિએ બધી વાત જણાવી હતી. ડૉક્ટરએ કહ્યું કે શિવ ડિપ્રેશનમાં આવી ગયો છે, ગમે તેમ કરીને શિવને હસાવવો અને એને બીજી પ્રવુતિમાં મશગુલ રાખવો જરૂરી છે. આપણે પહેલા જેમ જાણ્યું હતું કે BMT રૂમને એક જેલ કહીયે તો પણ ખોટું નહીં, બસ આવી જ કંઈક અનુભૂતિ શિવને મૂંજવી રહી હતી.
તૃપ્તિ શિવને હસાવવા ખુબ પ્રયત્ન કરે છે. તૃપ્તિ વાર્તા, જોક્સ, ડાન્સ, ગરબા વગેરે જેવી પ્રવુતિ કરીને શિવને ખુશ રાખવા તેમજ હસાવવા પ્રયત્ન કરે છે. પણ શિવનો કોઈ જ પ્રતિભાવ મળતો નથી. આજ ફરી તૃપ્તિ સાથે મારી વાત થઈ હતી, એને મને ખુશી સમાચાર આપ્યા કે ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ ગયું છે અને હવે શિવ ડિપ્રેશનમાં આવ્યો હોય એવું ડૉક્ટર કહે છે, શિવ જે પ્રશ્ન કરતો હતો એ પણ મને કીધું હતું. મેં તૃપ્તિને પ્રથમતો શુભેચ્છા આપી અને પછી અચાનક શિવ કેમ આવું પૂછે છે એ જાણવા માટે કીધું હતું, એ જે કારણ હશે એના લીધે જ શિવ આમ ગુમશુમ છે એવી વાત કરી હતી.
તૃપ્તિ જયારે મારી જોડે હોસ્ટેલમાં હતી ત્યારે કેવી બિન્દાસ અને હંમેશા હસ્તી જ રહેતી હતી. એની આસપાસના લોકોને પણ એ ખુબ હસાવતી હતી. જયારે જોવ ત્યારે ખુશ જ દેખાતી તૃપ્તિ આજ ૩ મહિનાથી સતત ચિંતાતુર જ રહેતી હતી, તેમ છતાં આટલી ચિંતામાં પણ એ શિવને હસાવવાના નતનવીન તરીકા અપનાવતી હતી. ખરેખર માઁ આવી લાચાર બની જતી હશે? માનવીનું કાળજું પણ કંપી જાય તો ભગવાન કેમ પોતાના બાળકની આવી કઠિન પરીક્ષા કરતા હશે? ચાલો એક વાર એમ પણ મન મનાવી લઈએ કે એમનું કર્મફળ હશે, પણ હજુ કેટલું ઝઝૂમવાનું હશે આ કુણા બાળક એ? આવા વિચાર જયારે આવતા ત્યારે હું પણ નિરાશ થઈ જતી હતી, તો તૃપ્તિ કેમ આ સ્થિતિનો સામનો કરતી હશે?
શિવનું ડિપ્રેશન તોડવામાં બધા ખુબ પ્રયત્ન કરી રહ્યા હતા. પણ કોઈ જ ફેર શિવમાં પડ્યો ન્હોતો. ર્ડો શશીકાંત આપ્ટે જયારે રાઉન્ડમાં આવ્યા ત્યારે શિવની સ્થિતિ જોઈને એ શિવને BMT રૂમ ની બહાર લોબીમાં તેડીને લઇ આવ્યા હતા. એમણે શિવને એક ચેરમાં બેસાડ્યો અને પોતે ખુદ નીચે પલોંઠી વારીને બેસી ગયા. આટલા મોટા હોદ્દાના વ્યક્તિ ખુબ નિખાલસતાથી શિવ સાથે વાતચીત કરવા બેઠા હતા. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ ભાવવિભોર થઈ ગયો હતો. પણ શિવ હજુ ગુમસુમ જ હતો. ડૉક્ટર ખુબ પ્રેમથી એને પૂછી રહ્યા હતા કે તારે ચોકલેટ ખાવી છે? આઈસ્ક્રીમ ખાવી છે? સાયકલ ચલાવવી છે? ગાર્ડનમાં હીંચકા ખાવા છે? બોલ બેટા તને શું કરવાનું મન થાય છે? શિવ એ ફક્ત એક જ વાત કહી કે મને ઘરે જવું છે. ડૉક્ટર એ કીધું ઓકે બેટા તારે ઘરે જવું છે તો તને ઘરે જવા દેશું પણ તારે મને જયારે તારા પપ્પા હોસ્પિટલ આવવાનું કહે ત્યારે મને મળવા આવવાનું રહેશે. આટલી વાત સાંભળીને શિવના ચહેરા પર આછું સ્મિત નજર આવ્યું હતું. ડૉક્ટર ફરી એને BMT રૂમ માં લઇ ગયા હતા. શિવને એમને કીધું કે બહુ જ જલ્દી તને અહીંથી તારે ઘરે જવાનું થશે.
દિનાંક : ૮/૫/૨૦૧૪
આજ રોજ શિવના WBC કાઉન્ટ ૪૦૦૦ થઈ ગયા હતા. શિવને ઘરે જવાની છૂટ આજે ડૉક્ટરએ આપી દીધી હતી. આ વાત સાંભળતા જ બધા ખુબ ખુશ થઈ ગયા હતા. શિવ પણ ખુશ દેખાતો હતો.
શિવ BMT રૂમ માંથી ઘરે જશે એ માટે શું તકેદારી પરિવારે રાખવાની રહેશે?
શિવ બહારના વાતાવરમાં શાંતિ થી રહી શકશે? કે ફરી ઇન્ફેકશન નો શિકાર થશે?
શું થશે નવા વાતાવરણથી શિવને તકલીફ?
શિવ કેમ ઝીલશે નવા વાતાવનને એ જાણવા જરૂર વાંચજો પ્રકરણ :૧૩...